પથ્થરોને પણ ઘસાવાનું થયું છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
આંસુઓને રોકવામાં
લોહીનું પાણી થયું
ને ડૂમો પીગાળવામાં
લોહીનું પાણી થયું
આગ અંદરની આ
પાણીથી કદી બૂઝાય નહિ
આગ આ પ્રગટાવવામાં
લોહીનું પાણી થયું
મહેશ દાવડકરની આ પંક્તિઓ સાથે મહેફિલનો આગાઝ તો થઈ ગયો પણ વિચાર બાકી છે. પંજાબ-હરિયાણામાં ખેડૂતોનું આંદોલન વકરી રહ્યું છે.
![]()
૨૦૨૧નું રીપિટ ટેલિકાસ્ટ હોય એવું લાગે. કોનો હાથો છે અને કોના હથિયાર છે એ તપાસનો વિષય છે. દરેકને આંદોલન કરવાનો હક છે પણ એ શાંતિપ્રિય હોવું જોઈએ. મેલી મુરાદ સાથેની ચળવળ રાષ્ટ્રહાનિ કરે છે. મુકુલ ચોક્સીની પંક્તિઓમાં વ્યંગ વર્તાશે…
લો આરંભે તમે પોતે જ
એક કરુણાંત થઈ ચાલ્યા
અમે પ્રહસન શરૂ કરવા ગયા
ને શાંત થઈ ચાલ્યા
થયું મટવાને બદલે કેવું
મરણોત્તર સ્વરૂપાંતર
અમે જીવતર મટી જઈને
જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા
રાજ્યસભામાં ડૉ. આંબેડકર અને સાવરકરને નામે મોટી ચર્ચાઓ થઈ. ઘણી વાર થાય કે કોઈ વ્યક્તિના પ્રદાનનું વારંવાર મૂલ્યાંકન કરવાની જરૂર કેમ પડે છે.

નિર્ણય લેવાનો સમય વિવાદોમાં વેડફાઈ જાય ને ચર્ચાનું રૂપાંતર ચૂંથણામાં થઈ જાય. લોકસભા ને રાજ્યસભાની કાર્યવાહી ખોરવનારાઓ સામે ફોજદારી કેસ કેમ ન થઈ શકે એ વિચારવાનો વિષય છે.

સો રૂપિયાની ચોરી કરી હોય એને અહીં જેલ થાય છે પણ દેશને કરોડો રૂપિયાનું નુકશાન કરનાર નેતાને માનનીય કહી લટુડાપટુડા કરવામાં આવે છે. આહમદ મકરાણી લખે છે…
ફ્રિઝમાં વાસી ક્ષણોની ભીડ છે
કોઈ તાજું નીર લાવો વાવનું
આ કિનારે મસ્ત મોજાં ગાય છે
હે સમંદર, શું થયું એ નાવનું?
સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે મોદી સરકારે યુવાનોને રાજકારણમાં જોડાવાનું આહ્વાન કર્યું. બે હજાર યુવાનોને દિલ્હી આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ વિચારને સંસ્થાકીય રૂપ આપીને વધારે નક્કર બનાવવામાં આવે તો ભવિષ્યમાં ગુણવત્તાસભર નેતૃત્વમાં વધારો થાય. વર્તમાન રાજકારણમાં પ્રતિભા કરતાં પહોંચનું મહત્ત્વ વધારે છે. પ્રતિષ્ઠા પ્રતિભાની થવી જોઈએ, એની બદલે પહોંચેલાઓની થાય છે.
લોકસભામાં, રાજ્યસભામાં અને વિધાનસભાઓમાં બિરાજતા નેતાઓ સામેના કોર્ટ કેસ જોઈએ તો અમૃત ઘાયલની આ પંક્તિઓનું દર્દ સમજાશે…
દુ:ખી કેવા છીએ એ વાત
જગજાહેર છે સાકી
છતાં કે‘વું પડે છે કે
પ્રભુની મ્હેર છે સાકી
પરિવર્તન થયું છે મૂલ્યમાં
એવું કે બસ તૌબા
હતા જે લાખના
તે ત્રાંબિયાના તેર છે સાકી
પરિવર્તન આવશ્યક છે. જેની પાસે હુન્નર છે એના માટે તક આવશ્યક છે. સાવ સામાન્ય માણસનું નાનું એવું સૂચન પણ નાગરિકોની સુખાકારીમાં મોટો ભાગ ભજવી શકે. વિવિધ પ્રકારના પોર્ટલને કારણે હવે નાગરિકો સરકારી કાર્યવાહીમાં પોતાના સૂચનો આપી શકે એ સારું છે.

પહેલાં તો સચિવાલયના ધક્કા ખાઈ ખાઈને ચપ્પલ ઘસાઈ જતા હતા. હવે એક ટ્વિટ પણ અસરકારક નીવડી શકે છે. જવાહર બક્ષી નિરાશામાંથી પણ આશાનું કિરણ શોધી કાઢે છે…
વૃક્ષ સૂકું પડ્યું આંખ ભીની તો થઈ
આંગણાને વિકલ્પોની લ્હાણી તો થઈ
એક રસ્તો થયો બંધ તો શું થયું
કૈં દિશાઓ નવી સાવ ખુલ્લી તો થઈ
મુંબઈઆં આજકાલ ગલીએ ગલીએ ખાડા ખોદાયા છે. ક્યાંક ક્રોંકિટીકરણનું કામ ચાલે છે તો ક્યાંક ફૂટપાથો નીચે દબાયેલા પાઈપો અને વાયરોને સંકલિત કરી એનું યોગ્ય નિયોજન કરવાનું કામ ચાલે છે. આના કારણે આપણને નિયત સ્થાને મોડું થાય તો હાયવોય કરી મૂકીએ છીએ. ભવિષ્યની સગવડ માટે વર્તમાનમાં અગવડ વેઠવી તો પડે એ આપણે મેટ્રો ટ્રેન યંત્રણા સાકાર થતાં જોઈ લીધું છે.
આવા તો અનેક કામો દાયકાઓથી લટકેલા પડ્યા છે જેમને પૂરા કરવા રહ્યા. ગુલામ અબ્બાસ ‘નાશાદ’ એના કારણો તપાસે છે…
એકધારું તાકતાં થાકી નજર
આભને જોયા કર્ય઼ું કારણ વગર
માર્ગમાં અટવાઈ જાવાનું થયું
લક્ષ્ય વિસરી ગઈ છે શ્વાસોની સફર
લાસ્ટ લાઈન
જ્યાં ગયા ત્યાં ફસાવાનું થયું છે
સાપના દરમાં છુપાવાનું થયું છે
ચારે બાજુ છે ફક્ત વેરાન ધરતી
સાવ ખુલ્લામાં ફસાવાનું થયું છે
જોઈને રેતી વિચાર્યું છે કદી તેં?
પથ્થરોને પણ ઘસાવાનું થયું છે
બહુ તરસ લાગી અને પાણી છે ઓછું
સાથી છે એનેય પાવાનું થયું છે
એમ હોનારત અચાનક થઈ કે મારે
જાતને કેવળ બચાવાનું થયું છે
સાચવી લેજે તું તારા ચાંદલાને
કે તિલક મારું ભૂસાવાનું થયું છે
કોણ એવું યાદ આવી જાય છે કે-
કોઈ પહેલાંનું ભૂલાવાનું થયું છે?
~ ભરત વિંઝુડા
~ ગઝલસંગ્રહઃ તમારા માટે
વાહ સરસ આચમન કરાવ્યું છે.
અભિનંદન હિતેનભાઈ.