ચૂંટેલા શેર ~ ભરત વિંઝુડા (અમરેલી) ~ ગઝલસંગ્રહઃ તમારા માટે
કોઈ જવાબ નહીં પણ નવા સવાલ મળ્યા
તમે મળ્યા તો હંમેશાં મને કમાલ મળ્યા
*
એકબીજાને ભેટવું છે પણ
જાત બદલાઈ જાય એવું છે
*
મહામહેનતે તમે બનાવી લાવ્યા હોવ છો
બજારમાં એ વસ્તુઓ ખપે નહીં તો શું કરો?
*
પંખીઓ જેવાં જ છે એ આમ તો
કિન્તુ વસ્ત્રાલયમાં ચાલ્યા જાય છે
*
ઈશ્વરને એના હાલ ઉપર છોડવો પડ્યો
ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો
*
કોને કેવો આવકારો આપવો
આ બધું તો પદ પ્રમાણે થાય છે
*
ગણાય વનમાં જનારા બધાય વૈરાગી
કોઈએ ઘર તજ્યું એટલે ફરાર ઠર્યો
*
આપણે સાથે હોઈએ ત્યારે
થઈ ગયા સાવ આસપાસ વગર
*
કંઈ સમંદર જેવું હોવું જોઈએ
વહેણ છું, પણ કોનામાં જઈને ભળું?
*
લાગણીઓ, ભાવ, ઉષ્મા, પ્રેમ ને સંવેદનો
ક્યાંય વેચાતાં નથી એથી ખરીદાતાં નથી
*
અર્થ એના આપણી ભીતર હશે
એક કાગળ પર ફકત અક્ષર હશે
*
જો સાકાર દો તો નિરાકાર દઉં
તમે સ્પર્શ આપો તો હું પ્યાર દઉં
*
કોઈ વાહન સુધી એક માણસ
બેઉ પગને ચલાવી ગયો છે
*
પ્રથમ ભૂલ મારી ને બીજી તમારી
તમે ના મઠારી કે મેં ના સુધારી
*
તમે જો રોકડા માગો તો માલ આપે એ
ઉધાર માગવા જાઓ તો કાલ આપે એ
*
ખોટી રીતે વપરાયાની
શંકા કેવળ ધનને આવી
*
એની પાછળ સૂર્ય હમણાં ડૂબશે
સામે છે તે ડુંગરો જોતા રહો
*
તાપણે ના બેસવા દીધો મને
તો પછી ધૂણે જઈ બેસી ગયો
*
બહુ હોય અંગત તે બેસી રહે
સગાનાં સગાં બેસવાનાં નથી
*
શું ભજનમાં કે શું કવાલીમાં
એકસરખાં જ લાગશે ઢોલક
*
ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા
*
સોળ સૌના એકસરખા હોય છે
કોના કોના ઓળખાવો ચાબખા?
*
થાય પૂરી તો નવી કંઈ માંડીએ
વારતાઓ એની એ જ ચાલુ છે
*
એ ભલેને પ્રેમ કરતા હોય પણ
કેમ માનો કે લડે એવા નથી?
*
સૌથી વધારે પ્રિય વિષયનું કોઈ પૂછે
તારું જ એક નામ લખાઈ જશે પછી
*
એમ કહેવામાં પણ દુવિધા છે
મારી પાસે ફકત કવિતા છે
~ ભરત વિંઝુડા, અમરેલી
~ મોઃ +91 94264 56934
~ ગઝલસંગ્રહઃ તમારા માટે
~ પ્રકાશકઃ સંવાદ પબ્લિકેશન્સ
રામ કૃપા, વેસ્ટર્ન પાર્ક
દ્વારકેશ નગર પાસે
ચિત્તલ રોડ, અમેરેલી 365601
મોઃ +91 97279 89209
સુંદર..