તેજ પોતે જ્યાં ધાર કાઢે છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
દૂધમાંથી પોરા કાઢવાની અને કામમાંથી વાંધા કાઢવાની આદત માનવસહજ છે. ચૂંટણીમાં હાર થાય એટલે રાજકીય પક્ષો ઈવીએમ ઉપર ઠીકરું ફોડે.

ઈવીએમની સાંપ્રત ડિઝાઈનમાં સુરતના કોઈ ઍન્જિનિયરને જોડી એવી દીર્ઘાયુ ગાળ ઉમેરવી જોઈએ કે આળ મૂકનારાઓને કમ સે કમ આંચકો તો લાગે. પ્રત્યાઘાતમાં દૈવત ન હોય ત્યારે એ દયનીય બની જાય છે. ચિનુ મોદી કલાપીની યાદ અપાવે છે…
જીવ મારો આ શરીરે
ક્યારનો મુંઝાય છે
બ્હાર કાઢો બિંબને,
એ કાચમાં ક્હોવાય છે
ફેંકતાં ફેંકી દીધા છે
કૈંક પથ્થર પંખી પર
એટલે આ હાથ
પથ્થરવત્ થતા દેખાય છે

રાજકોટમાં હરીન્દ્ર દવે મેમોરિયટ ટ્રસ્ટના કાર્યક્રમ પ્રસંગે જવાનું થયું હતું. ત્યારે અર્ઝ કિયા હૈ કટારના ચાહક અને પ્રેમાળ મિત્ર વિજય ગજ્જરે પક્ષી વિશારદ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ મિત્ર મનોજ ફિનાવાની ઓળખાણ કરાવી.

પંખીઓને જોવા, જાણવા અને તસવીરબદ્ધ કરવાની એમની પેશન જોઈને લઘુતાગ્રંથિ અનુભવી. આપણે કંઈ જાણતા પણ નથી અને માણતા પણ નથી. રમેશ પારેખે એક ગીતમાં લખ્યું હતું: `પંખી તો ઊડતા ભગવાન છે, જે એના ટહુકાથી સાક્ષાત થાય છે.’

સ્વ-મૂલ્યાંકન કરીને ક્યારેક જોવું જોઈએ કે આપણે ક્યાં ખૂટીએ છીએ. પંકજ વખારિયા મુદ્દાની વાત કરે છે…
કેકટસની કાઢ કુંડળી,
કંઈ જોષ જોઈએ
પુષ્પિત થવામાં શો નડે છે
દોષ, જોઈએ
પિત્તળનો છે કે હેમનો
એ ચર્ચા છોડીને
ગૂંજે છે કેવો ઘંટથી
અનુઘોષ, જોઈએ
શાળામાં ઘંટ વાગતો એનો અવાજ હજીયે કાનમાં ગૂંજે છે. આર્યુવેદની દવાઓ ખાંડતી વખતે પિત્તળની ખાંડણીમાં દસ્તો અથડાય ત્યારે એ ઘંટનાદનો સમય યાદ આવી જાય.

અતીત સોનેરી યાદો સંઘરીને બેઠું હોય છે. વર્તમાનમાંથી છટકીને ત્યાં પાછા પગલે જઈ શકાતું નથી. છતાં અતીતની મુલાયમ સ્મૃતિ ખરબચડા સમયને થોડો હાશકારો જરૂર આપે છે. સુધીર પટેલ વિમાસણ વ્યક્ત કરે છે…
ઘર તરફ પગલાં થવામાં
વાર થોડી લાગશે
એ ગલીને ભૂલવામાં
વાર થોડી લાગશે
કેટલું એણે કહી દીધું
રહીને મૌન બસ
અર્થ એનો કાઢવામાં
વાર થોડી લાગશે

ન બોલાયેલા શબ્દો ઉકેલવામાં વૅવલેન્થ જોઈએ. વર્ષોના સાયુજ્ય પછી પતિ-પત્ની વચ્ચે ઘણી વાતો સંકેતમાં જ થઈ જતી હોય છે. એમાં શબ્દો કે સમજૂતીની જરૂર રહેતી નથી. ડિસેમ્બરનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે પણ મુંબઈમાં હજી ઠંડીની મોસમ જામી નથી. જામશે પછી નિનાદ અધ્યારુના આ શેર વાંચવાની મજા આવશે…
તમે હોઠથી હોઠ ચૂમો તો જાણો
ડિસેમ્બરની ઠંડીના પારાની મોસમ
હવે ચાંદ-દાનીથી ચાંદાને કાઢો
અમે જોઈ લીધી સિતારાની મોસમ

ફૂલદાની શબ્દ આપણે સાંભળ્યો છે, પણ ચાંદ-દાની જેવો શબ્દ કવિતા પદારથનું અચરજ અંકિત કરે છે. સાહિત્ય કે કોઈ પણ કલા અંતે તો સ્વ-વિકાસ અને સંતોષ તરફ લઈ જતી મૂડી છે. જિંદગી બધાને ઓછેવત્તે અંશે સરખી જ મળી હોય છે પણ એ જીવાય છે કે જીવી જવાય છે એનું મંથન વારતહેવારે કરી લેવું પડે. અનિલ ચાવડા આવું જ એક મંથન રજૂ કરે છે…
કર્ય઼ું છે એક ચપટીમાં જ
તેં આખુંય જંગલ ખાક
ન ગમતા એક એવા
પાંદડાને કાઢવા માટે
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં
ના જાણતું કોઈ
બધાને ઈશ્વરે જીવન દીધું છે
ચાખવા માટે
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે બુલડોઝર ફેરવી ગુનેગારોમાં ધાક બેસાડી દીધેલી. પણ સર્વોચ્ચ અદાલતે જે મુદ્દો રજૂ કર્યો એ તર્કસંગત હતો. ગુનેગારને કારણે તેના પરિવારે શું કામ સજા ભોગવવાની?
કાયદો નિર્દોષને સજા ન થાય એમાં માને છે. ગની દહીંવાલાના શેર સાથે દોષિતની નહીં, નિર્દોષની ક્ષમાયાચના કરીએ…
ક્ષમા કર હે જગત!
છે કર મહીં બેડી મહોબ્બતની
હું તેથી મિત્રતાનો હાથ
લંબાવી નથી શકતો
ધરીને હાથ હૈયા પર
તમન્ના દિલથી કાઢું છું
એ જ્યાં જન્મી છે એને
ત્યાં જ દફનાવી નથી શકતો
લાસ્ટ લાઈન
બાવડું ઝાલી બહાર કાઢે છે
સોનામાંથી સુનાર કાઢે છે
રજ ખરી કોની ચાખડીમાંથી?
રેઢા પાણામાં તાર કાઢે છે
એવો કેવો ઉજાસ વણવો છે
-કે તું રૂનીય આર કાઢે છે
દાણે દાણેથી કાઢે ઓતારો
પંડે વળગ્યા ઉતાર કાઢે છે
આપના ધૂપે ગાળી ગાળીને
તળથી છળ લગના છાર કાઢે છે
પાણિયારાં છે જેના શરણામૃત
દાણાં કોરી દુવાર કાઢે છે
હું એ મંદિરનો પૂજારી છું
તેજ પોતે જ્યાં ધાર કાઢે છે
~ લલિત ત્રિવેદી
~ ગઝલસંગ્રહઃ અવળી ગંગા તરી જવી છે