ચાર કાવ્યો ~ ખ્યાતિ શાહ (રાજકોટ) ~ અછાંદસ કાવ્યસંગ્રહઃ આગિયાને અજવાળે અંતર ઝળહળે

(સાભાર: રાજકોટમાં હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ અને પરિચય ટ્રસ્ટ દ્વારા, ફૂલછાબના સહયોગથી ૩૦ નવેમ્બરે આયોજિત, અનૌપચારિક બેઠકમાં કવયિત્રીએ ભેટ આપેલ કાવ્યસંગ્રહમાંથી)

1. તારે નામ

આંખ મીંચેલી
નિસ્તેજ હાલતમાં
કૃત્રિમ શ્વાસના સહારે
હયાતીની આખરી પળો
ગણતી હોઈશ
હું
ને
તબીબો વૅન્ટિલેટર ઑફ કરતાં જણાવશેઃ
‘નજીકનાને બોલાવી લેજો
હવે આમાં કંઈ…’

ત્યારે
તું આવજે
ને
હળવેકથી
તારો હાથ
મારી છાતી પર મૂકી દેજે.

મેં
મારી વસિયતમાં
લખ્યો છે
છેલ્લો ધબકાર
તારે નામ.

2. રિક્ટર સ્કેલ

મેં મારી ભીતર
કંઈ કેટલીય
અદૃશ્ય ભીંતો ચણી છે!
ધારણાઓ, ગેરસમજ, જડતા, જીદના મિશ્રણથી
એને વધુ મજબૂત કરી છે!

તું બારી-બારણે ટકોરા દઈ થાક્યો હશે
ને ક્યારેક આવેગમાં
આ ભીંતો ખખડાવી હશે!
પણ
મારા કાન આગળ
પૂર્વગ્રહની ભેદી દીવાલ
સાઉન્ડપ્રૂફ છે!

તારું આમ ભીંતો ખખડાવ્યે કંઈ નહીં વળે…
અરે…
એક પોપડો પણ નહીં ખરે…

જા,
પેટાળમાં સુષુપ્ત પડેલા
તારા સ્મરણને કહે…
હિંમત હોય તો
૯ના રિક્ટર સ્કેલ પર
ખળભળી બતાવે.

ભીંતોને પણ ક્યારેક તૂટી પડવું ગમતું હોય છે.
જો…
પ્રિય એ કાટમાળને
પ્રેમપૂર્વક સાફ કરી
ફરી નવનિર્માણ કરવા તત્પર હોય તો…

3. મારું હોવું

મારું હોવું
ફક્ત મારા પૂરતું જ મર્યાદિત હોઈ શકે?

સવાર પડતાં જ
હું વહેંચાવા લાગું છું –
રોજબરોજના કામમાં,
સ્નેહ સંબંધમાં,
દુનિયાદારી નિભાવવામાં
જીવનનિર્વાહમાં…

સતત મારું હોવું બદલાતું રહે છે,
એની જરૂરિયાત મુજબ.

રાતના અંધકારમાં
મને માંડ મોકો મળે છે
થોડી પળ
તારામાં વિસ્તરવાનો,
જાતને ભૂલી ઓગળી જવાનો…

ક્યારેક ક્યારેક
હું થોડું મારામાં પણ જીવી લઉં છું!
ને પછી
કોઈક એવી ક્ષણ આવે છે
જ્યારે હું સંકોરાઈ જાઉં છું

સાવ જ જાતમાં,
ભીતર, ઊંડે,
સુક્ષ્મ રૂપે,
ને ભળી જઉં છું પરમમાં.
વિસ્તરી જઉં છું
સમગ્ર બ્રહ્માંડમાં…

4. ઝળઝળિયાં

ભૂખ્યા પેટની
આગ
ઠારવામાં
જાતને
અસક્ષમ જોઈ
જળની આંખમાં
આવ્યાં ઝળઝળિયાં

~ ખ્યાતિ શાહ (રાજકોટ)
shahkhyati@1908@gmail.com
~ કાવ્યસંગ્રહઃ આગિયાને અજવાળે અંતર ઝળહળે
~ પ્રકાશકઃ આર. આર. શેઠ
~ Link to buy book:
https://rrsheth.com/rr_author/khyati-shah/
https://rrsheth.com/

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

5 Comments

  1. નવા અભિગમ જોવા મળ્યા. અભિનંદન ખ્યાતિ શાહને.

  2. અત્યંત બળકટ અભિવ્યક્તિ છે. સરળ છતાં સચોટ. ખૂબ સરસ. આગે બઢો ખ્યાતિબેન!

  3. Thanks for sharing wonderful expression and realistic presentation of current issues of the society

  4. નાજુક સંવેદનોની ચોટદાર અભિવ્યક્તિ…
    સુંદર અછાંદસ રચનાઓ ખ્યાતિબેન…

  5. બધાજ અછાંદસ ખૂબ સરસ છે.
    ખૂબ ખૂબ અભિનંદન!