અધૂરાં સપનાં ~ લઘુ નવલકથા ~ ભાગ ૩ ~ સપના વિજાપુરા

પ્રકરણઃ ૨૨

બીજા દિવસે સવારે નેહા કૉલેજ જવાની તૈયારી કરતી હતી. એટલામાં એના ફોનની રિંગ વાગી. એને લાગ્યું કે મીનાક્ષીદેવી નો ફોન હશે. પણ સામેથી ચેતનકુમારનો રુક્ષ અવાજ સંભળાયો, “હું ચેતનકુમાર બોલું છું. આ તે શું માંડ્યું છે? તને લાગે છે કે આમ તું મને હેરાન કરીશ અને હું ચૂપ બેઠો રહીશ? તને મારા પાવરની ખબર નથી લાગતી. તારી જેવી કેટલીને હું ઠોકરમાં રાખું છું. તું આ ઈન્ટરવ્યુ-બિન્ટરવ્યુ બધું ભૂલી જઈશ અને મને પગે પડતી આવીશ. ભીખ માંગતી આવીશ કે મારી વાર્તામાંથી ફિલ્મ બનાવો. અને હું તને ઠોકર મારીશ.”

મીનાક્ષીદેવીએ એને કહેલું કે જો ચેતનકુમારનો ફોન આવે તો એને રેકોર્ડ કરી લેજે. નેહા પણ એકદમ શાંત રહીને ફોન રેકોર્ડ પર રાખી દીધો.

“સર, મેં એવું તે શું કરી નાખ્યું કે તમે આટલાં  બધા ગુસ્સામાં છો. મારી તો શું હેસિયત કે તમને હેરાન કરી શકું? તમે તો આટલા  મોટા ફિલ્મમેકર ચેતનકુમાર અને હું તો એક વિદ્યાર્થિની છું.”

“તો પછી આ ઈન્ટરવ્યુ શા માટે આપ્યો ? અને મેં તને ‘અધૂરાં સપનાં’ની  સ્ક્રિપટ માટે બે લાખનો ચેક નહોતો આપ્યો? તે બે લાખમાં સ્ક્રિપટ મને  વેંચી હતી. પછી આ બધી ધમાલ શા માટે?” ચેતનકુમાર ધુંધવાતા ધુંધવાતા બોલ્યા.

નેહા શાંતિથી બોલી,  “હા. મેં સ્ક્રિપટ તમને આપી હતી. તમે બે લાખ રૂપિયા પણ આપ્યા હતા. પણ એ સ્ક્રિપટનો સોદો થયો હતો એ પ્રમાણે તમે મારું નામ રાઈટર તરીકે મૂકવાના હતા. તમે કહ્યું હતું કે હું નવોદિતને ઉપર લાવવા માંગુ છું અને તું ફિલ્મની રાઈટર બનીશ. પણ તમે તો ફિલ્મમાં રાઈટર તરીકે પોતાનું નામ મૂકી દીધું. આને તો ચોખ્ખી ચોરી જ કહેવાય.”
ચેતનકુમારે ગુસ્સામાં કહ્યું ,” હું તને જોઈ લઈશ. ”

નેહાએ ફોન મૂકી દીધો. અને તરતજ મીનાક્ષીદેવીને ફોન લગાડ્યો. એમને બધી હકીકત જણાવી.

મીનાક્ષીદેવી કહ્યું, “હવે તું પિક્ચરમાંથી નીકળી જા, હું એને બરાબર સીધો કરીશ. તારું રેકોર્ડિંગ મને ફોરવર્ડ કરી દેજે. “

નેહાએ કહ્યું, “એ તો હું કરી દઈશ પણ મારે એની સાથે કોઈ વેર નથી ઉતારવું કે બદલો નથી લેવો. બસ, બીજા કોઈ સાથે એવું વર્તન ના કરે એટલું કરવું છે.”

મીનાક્ષીદેવીએ ફોન રાખી દીધો. પણ ખબર નહિ કેમ, પણ નેહાનું મન ખિન્ન થઈ ગયું. આટલો મોટો ઈસ્યુ એને નહોતો કરવો. પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. પાછાં પગલાં ભરવાનો કોઈ અર્થ નહોતો.

એ કૉલેજ ગઈ પણ એનું મન ચેતનકુમારની વાતો યાદ કરી ઉદાસ થતું હતું. એ માણસે માફી માંગવી તો બાજુ પર રહી ઉલટો મને ધમકી આપે છે! બસ ત્રણ શબ્દ બોલવાના હતા. ‘આઈ એમ સોરી.’ અને વાત ખતમ થઈ જવાની હતી. એક તરફ સફળતાના શિખર પર બિરાજમાન ફિલ્મમેકર હતા અને બીજી તરફ એક ઊગીને ઊભી થવા મથતી વિદ્યાર્થીની.. ચેતનકુમાર વળી શા માટે એની માફી માંગે? આમેય બે અક્ષરનું સોરી બોલી લેત તો કઈ આસમાની સુલતાની થાત?  પણ, ચેતનકુમાર માટે કદાચ એ જીવનમરણનો હવે પ્રશ્ન બની ગયો હતો.

નેહા કૉલેજથી ઘરે આવી ત્યાં સુધી બસ ચેતનકુમાર વિષે જ વિચારતી રહી. આ ‘અધૂરાં  સપનાં’ની સ્ક્રિપ્ટે ખરેખર એને બેચેન કરી દીધી હતી.

સાંજે મીનાક્ષીદેવીનો કૉલ આવ્યો, એમના અવાજમાંથી ખુશી ટપકતી હતી. એ એકદમ હસીને બોલ્યાં,’ ગેસ વોટ? ‘

નેહા કોઈ ગેસ કરી શકી નહિ એટલે મીનાક્ષીદેવી બોલ્યાં, “ચેતનકુમારનો મારા પર કોલ આવ્યો હતો. એ તારી સાથે મિટીંગ કરવા માંગે છે. મેં કહ્યું છે કે નેહાને પૂછીશ પછી જણાવીશ. હવે તારે નક્કી કરવાનું છે. શાંતિથી વિચારીને જવાબ આપજે. એવું હોય તો કોઈ વકીલ પણ કરી લેવો. તારા પપ્પા સાથે પણ વાત કરી લેજે. બે ત્રણ દિવસમાં તારું કામ થઈ જશે.”

નેહા ખુશ થઈ ગઈ, પણ એનું દિલ થોડું ગભરાતું હતું. એણે આવી પરિસ્થિતિનો સામનો કદીયે કર્યો નહોત. પણ હવે હિંમત રાખ્યા વગર છૂટકો પણ નહોતો. એ પપ્પાની રાહ જોવા લાગી. હવે પપ્પાને પૂછીને જ કામ કરવું છે. પપ્પા દુકાન બંધ કરીને સાત વાગે ઘરે આવ્યા. ખૂબ થાકેલા લાગતા હતા.  પપ્પા ફ્રેશ થઈને કપડાં બદલીને જમવા માટે ડાયનિંગ ટેબલ પર આવ્યા. નેહા, સ્નેહા અને બાએ બધું જ તૈયાર રાખ્યું હતું.

જમતી વખતે પપ્પાને નેહાએ મીનાક્ષીદેવીની કહેલી વાત કરી. પપ્પાએ કહ્યું, “મારો મિત્ર ભરૂચા વકીલ છે. આપણે એને સાથે લઈ જઈએ. હું પણ તારી સાથે આવીશ. અને આપણે સુલેહની વાત કરવાની છે, ઝગડાની નહીં.”

નેહાએ કહ્યું,” હા, પપ્પા. મને પણ ઝગડા  નથી ગમતાં. પણ ખબર નહિ, હવે એ શી રીતે મારું નામ રાઈટર તરીકે ફિલ્મમાં મુકશે?”

પપ્પા બોલ્યા,'”બેટા, આજકાલની ટેકનોલોજીથી તું ક્યાં અજાણ છે? બધું બદલી શકાય છે. એની ચિંતા તું છોડી દે. જે ઈશ્વર ઈચ્છા હશે તે જ થશે.” પપ્પાના શબ્દોએ જાણે જખમ પર મલમનું કામ કર્યું. પપ્પાને હગ કરી એ સુવા માટે ચાલી ગઈ. પપ્પાએ નેહાને માથે વહાલથી હાથ ફેરવ્યો. નેહાને થયું કે જાણે એકદમ બધું જ વાતાવરણ શીતળ અને શાંત થઈ ગયું છે. ક્યાંય તાપ કે સંતાપ નથી. એનું મગજ શાંત થઈ ગયું હતું. એને થયું “કમ વોટ મે, પણ હવે મારું કોઈ કાંઈ બગાડી નહિ શકે.” એક જાણે ધરપત થઈ ગઈ કે એ સલામત છે. નેહા રૂમમાં આવી અને એણે  કોમ્પ્યુટર ખોલ્યું, સાગરની મેઈલ હતી.

“નેહાજી.

ફરી એક વાર આપની માફી માંગુ છું. પ્લીઝ તમે મારાથી દૂર ના જશો. નહીંતર હું આપઘાત કરી મરી જઈશ. તમારા વગર હું જીવી નહિ શકું !

તમારો સાગર”

નેહા એકદમ હક્કાબક્કા રહી ગઈ. આવું તો એને કદી વિચાર્યું પણ નહોતું કે સાગર આવું કાંઈ લખશે.

એ તરત જવાબ આપવા બેસી ગઈ.

“સાગર,

તમે આવું બધું ના લખો. પ્લીઝ પ્લીઝ. હું તમારી સાથે સંબંધ કાપતી નથી. હું મારા પ્રોબ્લેમમાં ફસાયેલી છું. હું આવતા અઠવાડિયામાં આપને ચોક્કસ મળીશ. પ્લીઝ, ફરીથી મરવા બરવાની વાત કદી ન કરતા.

નેહા”

નેહા ખરેખર ગભરાઈ ગઈ હતી. અત્યારે એની પાસે સાગર માટે વિચારવાનો સમય પણ નહોતો ત્યારે સાગર આવી જીદ કરે. એને થોડો ગુસ્સો પણ આવ્યો. મારા પ્રોબ્લેમને તો સમજવા પ્રયત્ન પણ નથી કરતો. પોતાની વાત કરે રાખે છે, અરે . ફક્ત ‘હું, હું હું,’! અને નેહા વિચારમાં પડી ગઈ. સાગરનો સ્વભાવ કદાચ એવો હશે કે ફક્ત દરેક વાતમાં પોતાને જ કેન્દ્ર બનાવીને જીવવું! પણ ‘હઝારો ગમ હૈ ઇસ દુનિયામેં અપને ભી પરાયે ભી, મહોબત હી કા ગમ તન્હા નહીં, હમ ક્યાં કરે! ‘ પણ સાગરને એ જરૂર મળશે! મારા પ્રોબ્લેમનો અંત તો આવે!

પ્રકરણઃ  ૨૩

નેહાને સાગર પર જરાવાર માટે ગુસ્સો પણ આવ્યો. અત્યારે એ એની જિંદગીના પ્રશ્નો ઉકેલવા બેઠી હતી ત્યારે સાગર એને આપઘાતની ધમકી આપતો હતો. એને થયું, શું સાગર આટલો બધો “Self-Absorbed” – સ્વયંમાં જ લિપ્ત હોય શકે ખરો? જો સાગર ખરેખર આવો હોય તો? આવો માણસ મને જિંદગીમાં સાથ આપી શકશે? કે પછી  પોતાના વર્તુળમાં જ મને ગોળ ગોળ ફેરવશે? એ એવા પુરુષોને નફરત કરતી હતી, જે પોતાની દરેક વાત સ્ત્રીની પાસે મનાવતા  હોય. ચાહે એ વાત સ્ત્રીને ગમતી હોય કે ના ગમતી હોય! સ્ત્રીને આજ્ઞાંકિત બનીને હકારમાં માથું હલાવીને હા પાડવા સિવાય બીજું કાંઈ આવડવું જ ના જોઈએ. નેહાના મનમાં એટલું ચોક્કસ હતું કે, એ એવી પત્ની કદી નહિ બની શકે.

બીજા દિવસે એણે મીનાક્ષીદેવીને કૉલ કરી મિટિંગનો સમય લેવા કહ્યું અને પપ્પાના કહેવા પ્રમાણે ભરૂચા અંકલને કોલ કરીને બધી વાત પણ કરી રાખી.

ભરૂચા અંકલે કહ્યું, ‘દીકરા તું જરાય ફિકર કરતી નહિ. હું તારી વાત સમજી ગયો છું. હવે એ ફિલ્મમાં તારું નામ લાવીશું. તું ચિંતા ના કરતી પોયરી!’

મીનાક્ષીદેવીના ફોનની રાહ જોવાની હતી. ચેતનકુમારે મિટીંગ બોલાવી એટલે થોડા તો ઢીલા પડ્યા હશે. ચાલો આપણે ક્યાં કોઈની સાથે વેર છે? આપણે સીધેસીધી વાત કરવાની છે. ફિલ્મમાં નામ રાખો. અને અથવા ના ..ના કોઈ અથવા નહિ. બસ નામ રાખો વધારે પૈસા પણ નથી જોતાં.

પિરિયડમાં એનું દિલ લાગતું નહોતું. આમ પણ સાયન્સ ગમતું નહોતું અને એ અપ્રિય વિષય લઈને બેઠી હતી. જિંદગી જેવી જીવવા માગીએ છીએ એવી જીવાય છે ખરી? આપણે તો રંગમંચની કઠપૂતળીઓ છીએ કોઈના હાથમાં દોર છે એ જે પ્રમાણે નચાવે એ રીતે નાચીએ છીએ. ક્યારેક મરજી પ્રમાણે અને ક્યારેક મરજી વિરુદ્ધ.

સાંજે કૉલેજથી છૂટી પાર્કમાં આવીને બેઠી. એની એક જગ્યા ફિક્સ હતી એજ બેન્ચ એજ રંગબેરંગી માછલીઓનું પોન્ડ અને એ ગુલાબ અને મોગરાથી મહેકતી હવા. અહીં આવતી તો એને લાગતું કે જો કોઈ જગ્યાએ સ્વર્ગ છે તો તે અહીં જ છે. એ પોન્ડમાં તરતી એકબીજાની પાછળ ભાગતી માછલીઓને તાકી રહી હતી. આ જગા એના મન માટે એનાં વિચારોના સ્વૈરવિહારની હતી. નેહા અહીં બેસીને પોતામાં અંદર ઊતરી જતી અને પછી તો અનેક બ્રહ્માંડ ફરી આવતી. અને થયું; “ઈશ્વરે કેટકેટલા જીવ બનાવ્યાં  છે. હા ફક્ત મનુષ્યને જ પ્રેમ દુઃખ અને સંવેદના ની લાગણી થતી હશે? કે બધા જીવમાં એ લાગણી હશે. આ માછલી બીજી માછલીની પાછળ ભાગી રહી છે, શું એને ચાહતી હશે? પણ હા સાયન્સ પ્રમાણે રીપ્રૉડક્શન માટે એ લાગણી તો પ્રાણીઓ અને જીવમાં પણ મુકેલી હશે! સાગર આ માછલીની જેમ જ મારી પાછળ પડેલો છે. મારે એને મળવું છે. મળીને વાત કરીએ તો વાતનું નિવારણ પણ આવે ! પણ હું તો ‘અધૂરાં  સપનાં ‘માં અટવાયેલી છું.” આમ નેહાનો સંવાદ એના મન સાથે સતત ચાલતો હતો.

ત્યાં જ પાછળથી ધીરેથી કોઈએ ખભા પર હાથ મુક્યો, એ એકદમ ચમકી ગઈ. પ્રોફેસર ચુડાસમા બેન્ચની પાછળ ઊભેલા હતા.

“અરે સર આપ?” નેહા પોતાની જાતને સંકોરતી ઊભી થઈ ગઈ. પ્રોફેસરે ફરી એના ખભા પર હાથ મૂકીને કહ્યું, “મિસ નેહા, બેસો બેસો! શું તમે રોજ બગીચામાં બેસવા આવો છો?”

“જી સર, મને પ્રકૃતિ સાથે પ્રેમ છે. ” નેહા બોલી.

“હા , મને પણ પ્રકૃતિ સાથે પ્રેમ છે. એ ખામોશીથી આપણને સાંભળે છે. એના અવાજમાં તિરસ્કાર ક્યારેય નથી આવતો. એ સૌને પ્રેમ કરે છે. દરેક જીવને! અને સૌથી મોટો પ્રકૃતિનો ગુણ કયો તમને ખબર છે?” નેહાએ નકારમાં માથું ધુણાવ્યું.

પ્રોફેસર ચુડાસમા બોલ્યા, “પ્રકૃતિ કોઈ પ્રત્યે ભેદભાવ રાખતી નથી. આ ફૂલો જુઓ છોને! આ ફૂલ એવું નહિ કહે કે હું ફલાણાને સુગંધ આપીશ, પણ ફલાણાને નહિ. બસ, એનું કામ છે સુવાસ ફેલાવાનું અને દરેકને સરખી સુવાસ આપશે. વળી આ ફૂલો પાસેથી પસાર થાઓ તો એને પડી નથી કે દરેક વ્યક્તિ મારી સામે જુએ અને મારી સુગંધની પ્રશંસા કરે. આ વાત પરથી હું તમને એક સલાહ આપું છું તમે પણ આ ફૂલ જેવા બની જાઓ! બસ, સુગંધ ફેલાવો અને ચિંતા ના કરો કોણે તમારી સુગંધ ચોરી છે કે કોણે એનો દુરુપયોગ કર્યો છે. મહેકતાં રહો, ખીલતાં  રહો!”

નેહા સરની વાત સમજી ગઈ કે ચેતનકુમારનું ટેન્શન લઉં છું એ માટે સર સલાહ આપે છે.
એણે આંખો ઝૂકાવીને કહ્યું,’ જી સર, તમારી વાત હું ધ્યાનમાં રાખીશ. આભાર સર !’

એટલામાં નેહાની ફોનની રિંગ વાગી. મીનાક્ષીદેવીનો કૉલ હતો.

નેહાએ પ્રોફેસરને કહ્યું,’ સર, માફ કરજો મારો એક મહત્વનો કોલ આવે છે, મારે લેવો પડશે.”

સર ઊભા થઈ ગયા અને હાથ હલાવતા હલાવતા અદ્રશ્ય થઈ ગયા.

નેહા બોલી,’ હલ્લો, હા મેડમ, શું સમાચાર છે?’

મીનાક્ષીદેવીએ કહ્યું,’ કાલે સાંજે ચાર વાગે તું મારી ઓફિસમાં તારા લોયરને પણ લઈને આવી જજે. ચેતનકુમાર ઢીલા થયા છે હવે તારો રસ્તો મને સાફ લાગે છે. તું તારી બીજી સ્ક્રિપટ પણ હવે તૈયાર કરવા માંડજે. મેં બે ત્રણ ફિલ્મ મેકર સાથે વાત પણ કરી રાખી છે. અને તારું નામ ફિલ્મ રાઈટર તરીકે પણ થશે. તું ચિંતા ના કરતી. કાલે મળીએ !’

નેહાની ખુશી એની આંખમાંથી છલકાઈ રહી હતી. જિંદગી પણ કેવા કેવા રંગ બતાવે છે. કભી ખુશી કભી ગમ ! એ ઘર તરફ રવાના થઈ હતી. આજ એના હૃદયમાંથી ઉદાસી દૂર થઈ ગઈ હતી. પ્રોફેસર ચુડાસમાની વાતોએ દિલને હળવું કર્યું હતું. અને એમાં મીનાક્ષીદેવીના સમાચારે ઉદાસીને છૂમંતર કરી નાખી હતી. એમાં પ્રકૃતિએ પણ પોતાનો ભાગ ભજવ્યો હતો. કેટલી શાંતિ મળી હતી એ બગીચામાં બેસવાથી!

ઘરે આવીને પપ્પાને સમાચાર આપ્યા. પપ્પાએ ભરૂચા અંકલને ફોન કરી આવતી કાલનો ચાર વાગ્યાનો સમય આપી દીધો. પપ્પાએ કહ્યું હું પણ આવીશ. રાત્રે કેમેય કરીને ઊંઘ આવતી નહોતી. મગજમાં વિચારનું ઘમસાણ ચાલી રહ્યું હતું. એક બાજુ કાનમાં સાગર કહી રહ્યો હતો, ‘નેહાજી તમે નહિ મળો તો આત્મહત્યા કરીશ.’ બીજી બાજુ ચુડાસમા કહી રહ્યા હતા કે, તમે પણ આ ફૂલ જેવા બની જાઓ! બસ, સુગંધ ફેલાવો અને ચિંતા ના કરો કોણે તમારી સુગંધ ચોરી છે કે કોણે એનો દુરુપયોગ કર્યો છે. મહેકતાં રહો, ખીલતાં રહો!’ ત્રીજી બાજુ મીનાક્ષીદેવી કહી રહ્યા હતા કે, ‘તું ફિલ્મ રાઈટર બની જઈશ તું ચિંતા ના કરતી.’ અને ચોથી તરફ ચેતનકુમારનો ધમકી ભર્યો અવાજ,’ હું તને જોઈ લઈશ.” અવાજની દુનિયાએ એને ઘેરી લીધી હતી. બે હાથોથી માથાને પકડીને બેસી રહી. અવાજ એનો પીછો છોડતો નહોતો.

એ ધીરેથી ઊભી થઈ અને પોતાના ઘરના બગીચા તરફનું બારણું ખોલી એ બહાર આવી. ત્યાં એક ગાદીવાળો હીંચકો હતો. એ ધીરેથી એ હીંચકા પર આવીને બેસી ગઈ. પપ્પા રોજ એના પર બેસતા.  પપ્પાને હીંચકો ખૂબ ગમતો.  હા , કદાચ બધાને હીંચકો ગમતો હશે, કારણકે મા નાનપણમાં ઘોડીયામાં બેસાડીને હીંચકા નાખતી તે યાદ દરેક માનવીના મનમાં એક છાપ પાડી દેતી હશે. મોટા થઈને ભલે પગની એડીથી હીંચકો ચલાવીએ પણ એમાં પણ માનો વહાલસોયો હાથ યાદ આવી જતો હશે. અને મા ના મધુર કંઠે ગવાયેલાં  હાલરડાં પણ! એ હીંચકા પર બેઠી એને આકાશ તરફ નજર કરી તારાથી મઢાયેલું આકાશ જાણે કાળી સાડીમાં હીરા લગાવ્યા હોય એવું ચમકતું હતું. રાતરાણીની સુગંધથી બગીચો મહેકી રહ્યો હતો. એ આંખો બંધ કરી ફરી એકવાર પ્રકૃતિને માણી રહી.

પ્રકરણઃ  ૨૪

નેહા આજ કૉલેજ ગઈ નહીં. ચેતનકુમાર સાથે મિટીંગ હોવાથી એને ચિત્ત ક્યાંય ચોંટતું નહોતું. પપ્પાને ત્રણવાર યાદ કરાવી ચૂકી હતી કે પપ્પા વહેલા ઘરે આવી જજો. આપણે રિક્ષા કરીને સાડા ત્રણવાગે મીનાક્ષી દેવીની ઓફિસમાં પહોંચી જઈશું. બા પણ સમજી ગયાં હતાં . એમણે પણ નેહાને કહ્યું, કે “તું તારે તારું કામ કર, રસોઈ હું બનાવી લઈશ.”  સ્નેહા કૉલેજ ગઈ હતી. એટલે નેહાને ઘરમાં એકલવાયું પણ લાગી રહ્યું હતું.

પપ્પા સાડા બાર વાગે આવી ગયા. બાએ દાળભાત શાક રોટલી બનાવી દીધાં હતાં. બાના હાથમાં ખૂબ ટેસ્ટ હતો. દરેક ખાવાનું એ ખૂબ ખંતથી બનાવતા અને દરેક સમયે એક સરખો ટેસ્ટ આવતો. નેહાને બાના હાથનું ખાવાનું ખૂબ ભાવતું. પણ આજે ખબર નહિ ગળે કોળિયો ઉતરતો નહોતો. પપ્પાએ કહ્યું ,’ બેટા , બરાબર જમી લે. ત્યાં કદાચ મોડું પણ થાય! એ જેમ તેમ ગળે કોળિયાં  ઉતારવા લાગી. પપ્પા રોજ બપોરે નૅપ લેતા. પપ્પા એના રૂમમાં જઈને સુઈ ગયા.

ત્રણ વાગ્યા એટલે નેહાએ પપ્પાને ઉઠાડ્યા અને કહ્યું, “પપ્પા જલ્દી તૈયાર થઈ જાઓ. આપણે નીકળીએ.”

પપ્પાએ એના માથા પર હાથ મૂકીને ઊભા થતાં કહ્યું,” બેટા, તું ચિંતા છોડી દે. બધું બરાબર થઈ જશે.”

બંને રીક્ષા કરીને મીનાક્ષીદેવીની ઓફિસમાં આવ્યાં. મીનાક્ષીદેવી ત્યાં પહેલેથી હાજર હતી. ભરૂચા અંકલ હજુ આવ્યા નહોતા. પપ્પાએ એમને ફોન કર્યો. એ રસ્તામાં જ હતા. થોડીવારમાં આવી જશે એવું કહેતા હતા. ચેતનકુમાર હજુ આવ્યા ના હતા. થોડીવારમાં એક મોટી કારમાંથી ચેતનકુમાર નીકળ્યા. મીનાક્ષીદેવીની કાચની કેબિનમાંથી એની કાર દેખાઈ. નેહાનું હૃદય જોરથી ધબકી ગયું. એવું લાગ્યું કે જાણે હૃદય હમણાં ઉછળીને બહાર આવી જશે. નેહાએ હોઠ કચડીને પોતાના પર કાબુ મેળવ્યો. પ્રિમિયર શો પછી પહેલીવાર એ ચેતનકુમારની સામે આવી હતી.

ચેતનકુમાર વટથી ઓફિસમાં દાખલ થયા. સાથે સાથે એનો લોયર-વકીલ અને અને પી.એ. પણ હતો. એમણે અછડતી નજરે નેહા સામે જોયું. એટલામાં ભરૂચા અંકલ પણ ઓફિસમાં દાખલ થયા એ પણ નેહાની બાજુની ખુરશીમાં આવીને બેસી ગયા.

મીનાક્ષીદેવીએ ચેતનકુમાર તરફ જોઈને કહ્યું, “આભાર, ચેતનજી, આ મિટીંગ માટે જોકે બંને પક્ષે લોયર હાજર છે, પણ મને લાગતું નથી કે આપણને લોયરની જરૂર પડે! બરાબરને ચેતનજી?

ચેતનકુમારે સ્મિત કર્યું. મીનાક્ષીદેવી નેહા તરફ ફરીને બોલ્યા, “નેહા, કહે તારે શું કહેવાનું છે?”

નેહા થોડી ગભરાયેલી દેખાતી હતી. પપ્પાએ એના ખભા પર હાથ મૂકીને હિંમત આપી. નેહા બોલી, “મેડમ મેં ચેતનકુમારની ફિલ્મ માટે મેગેઝિનમાં પબ્લિશ થયેલી મારી વાર્તા પર એમના કહેવાથી સ્ક્રિપટ લખી. એની જગ્યાએ ચેતનકુમારે મારી સ્ક્રિપટ પોતાને નામે ચડાવી દીધી અને મારું નામ ક્યાંય આવ્યું જ નહિ. હા ,એમણે મને બે લાખનો ચેક આપ્યો હતો, જેની કોપી મારી પાસે છે. પણ એ સ્ક્રિપટ લખવા માટે હતો. સ્ક્રિપ્ટ વેચવા માટે નહિ.”એક શ્વાસે નેહા આટલું બોલી ગઈ.

ચેતનકુમારે કહ્યું, “આપણી વચ્ચે કોઈ ગેરસમજ થઈ છે. મેં બે લાખ રૂપિયા તમારી વાર્તાના આપેલા. આપણે લેખિકા તરીકે તમારું નામ આવશે એવી કોઈ વાત થઈ નહોતી.”

નેહાએ કહ્યું, “તમે નહોતું કહ્યું કે હું નવોદિતને ઉપર લાવવા માંગુ છું. તમે મને ‘અધૂરાં  સપનાં ‘ માટે ખૂબ સપનાં બતાવ્યા હતા. હું ફક્ત મારું નામ ફિલ્મના ટાઈટલમાં જોવા માંગુ છું. જે મારો હક છે. જેને તમે અવગણી ના શકો. તમે શું કહ્યું ને મેં શું કહ્યું એ બધી વાતમાં પડવા કરતા તમે શું કરવા માંગો છો એ કહો.” નેહા અટકી ગઈ.

ચેતનકુમાર એના લોયરને લઈને રૂમના બીજા ખૂણામાં ગયા. થોડીવાર પછી એ બંને પાછા ખુરશીમાં આવીને ગોઠવાઈ ગયા.

ચેતનકુમાર બોલ્યા,’ નેહા , જો આપણી વાતનો કોઈ ખુલાસો થયો નહોતો. તેમ છતાં હું તને બીજા ત્રણ લાખનો ચેક આપું અને તું  મીડિયામાં જઈને માફી માંગ કે મેં ચેતનકુમાર ઉપર ખોટો ઈલજામ નાખ્યો હતો અને આ સ્ક્રિપટ ચેતનકુમારની જ છે.’ આટલું બોલીને એ ખંધુ હસ્યા.

નેહાનું મુખ ગુસ્સાથી લાલ લાલ થઈ ગયું હતું. પપ્પાએ એનો હાથ પકડી રાખ્યો હતો. મીનાક્ષીદેવીને ચેતનકુમારનું વર્તન ગમ્યું નહિ.

મિ. ભરૂચા નેહાને એક તરફ લઈ ગયા. નેહા એક સરખી માથું ધુણાવી રહી હતી. મિ. ભરૂચા પાછા આવ્યા અને કહ્યું કે એમને આ સોદો મંજુર નથી.

પપ્પા અને નેહા ઊભા થવાં  ગયાં . એટલામાં મીનાક્ષીદેવી બોલી ઊઠ્યાં, “ચેતનજી, તમે નવોદિત સાથે આવું વર્તન કરો તે યોગ્ય લાગતું નથી. આવી રીતે સ્ક્રિપટની ચોરી કરો તે પણ યોગ્ય લાગતું નથી. વળી આજનો તમારો વાર્તાલાપ કેમેરામાં કેદ છે, જેમાં તમે નેહાને કહો છો કે મેં તમને વાર્તાના બે લાખ રૂપિયા આપ્યા હતા. એનો અર્થ તો એજ થયોને કે વાર્તા નેહાની છે તે તમે કબુલ કરો છો. તો હવે આ વાતને અહીં દાટી દો અને નેહાનું નામ સ્ક્રિપટ રાઈટર તરીકે લઈ લો. એજ યોગ્ય લાગે છે.”

ચેતનકુમારને હવે કાંઈ પણ બોલવા જેવું રહ્યું નહોતું. એમના લૉયરે પણ હકારમાં માથું ધુણાવી દીધું. નેહાને તો સપનેય ખ્યાલ નહોતો કે આટલો જલ્દી ફેંસલો આવી જશે. ચેતનકુમાર ઊઠીને ચાલ્યા ગયા, પણ માફી ના માંગી.

નેહાએ પપ્પાને કહ્યું, “જોયું? સોરી પણ ન કહ્યું!”

પપ્પાએ કહ્યું “કોઈની પાસે પરાણે મંગાવેલી કે કોઈએ પરાણે માગેલી માફી અર્થહીન છે. જવા દે.” નેહાએ પણ સંમતિમાં ડોકું ધૂણાવ્યું.

નેહાએ મીનાક્ષીદેવીને પૂછ્યું, “ફિલ્મ, તો રિલિઝ થઈ ગઈ છે, હવે નામ શી રીતે મૂકી શકાશે?”

મીનાક્ષીદેવીએ કહ્યું , “ચિંતા ન કર, તારું નામ તને ચોક્કસ જોવા મળશે. હું પણ ચેતનકુમાર સાથે વાત કરી લઈશ. અને હા, તારી બીજી સ્ક્રિપટ ‘સુનેહરા સપનાં’  તું મને આપજે. હું તારી સાથે કોન્ટ્રેક્ટ કરીશ અને ચોક્કસ સ્ક્રિપટ રાઈટર તરીકે તારું નામ આવશે . સ્ક્રિપટના કેટલા પૈસા આપી શકીશ એ હું સ્ક્રિપટ વાંચ્યા પછી નક્કી કરીશ. પણ તને બધી બાબત માટે શુભેચ્છા!”

નેહા ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ. પપ્પાને ભેટી પડી. અને મીનાક્ષીદેવીના હાથ પકડી લીધા. આજ એ વિજયી થઈ હતી. સત્યની જીત થઈ હતી. પપ્પાએ એને હંમેશા શીખવાડ્યું હતું કે ‘ જૂઠના પગ કીડાં મંકોડા જેવા હોય છે , એ લાંબુ ચાલી શકતા નથી. એટલે હંમેશા સાચું બોલવું અને સત્યનો સાથ આપવો. વળી એક જૂઠ બોલ્યા પછી એને જિદંગીભર યાદ રાખવું પડે છે. અને એની પાછળ સો જૂઠ બોલવા પડે છે. કેટલી સાચી વાત પપ્પાએ કરી છે.

મીનાક્ષીદેવીની ઓફિસમાંથી નીકળીને નેહા અને એનાં પપ્પાએ રિક્ષા કરીને ઘર તરફ રવાના થયા. રિક્ષામાં બેસતાં જ નેહા બોલી, “બા અને નેહા કાગના ડોળે રાહ જોતાં હશે. પણ આપણે ઘરે જઈને જ સરપ્રાઈઝ આપીશું, ખરું ને પપ્પા?” જવાબમાં એનાં પપ્પા માત્ર હસ્યા. એટલામાં જ સ્નેહાએ પપ્પાને ફોન કર્યો. એમણે ઊંચક્યો, પણ બાજુમાં નેહા, હસીને બેઉ હાથે કશુંયે ન કહેવાની વિનંતી કરતી રહી. પપ્પાએ એ જોયું અને નેહાને કહ્યું “અમે ઘરે આવી જ રહ્યાં છીએ. વાત કરું છું.” કહીને ફોન મૂકી દીધો અને પછી કહે, “બેટા બેઉની ફિકર વધી જાય એવું ન કરીએ અને કહી દઈએ ? તારી બા આઘીપાછી  થતી હશે.”

પપ્પાના ફોન પરથી નેહાએ સ્નેહાને ફોન જોડ્યો અને સ્નેહાને સ્પીકર પર મૂકવાનું કહ્યું, અને બધી જ વાત કરી. સાંભળીને સ્નેહા તો ઉછળી જ પડી અને એણે તો કેટકેટલાં સવાલો પૂછ્યા જ કર્યાં. ટૂંકાણમાં જેટલું કહી શકાય એટલું નેહાએ કહ્યું અને પછી કહે, “વધુ ઘરે આવીને કહું છું.”

ઘરે  બા અને સ્નેહા આતુરતાથી એમની રાહ જોતાં હતાં.

સ્નેહાએ તો દીદીને ગળે લગાડી દીધી. છેલ્લા કેટલાંક સમયથી  દીદી ઉદાસ રહેતી હતી એ સ્નેહાને જરાયે ગમતું નહોતું.. બા એ શિરો બનાવ્યો અને બધાંએ  ભેગા મળીને નેહાના વિજયની ઉજવણી કરી.

રાતે નેહા કોમ્પ્યુટર લઈને બેઠી. પોતાના ફોનમાંથી એક સુંદર ફોટો કાઢ્યો અને કોમ્પ્યુટરમાં અપલોડ કર્યો. સાગરની ઈ-મેઈલના જવાબ રૂપે એણે એ ફોટો અટેચ કર્યો અને પછી પ્રશ્નાર્થ સાથે લખ્યું,’ કહો આ કોણ છે ?’

કોમ્પ્યુટર બંધ કરી એ સાગરના ખ્યાલોમાં ખોવાઈ ગઈ.  એને થયું, કાશ, સપના જેવી જ જિંદગી જો મધુર હોત  તો?

પ્રકરણઃ  ૨૫

નેહા સાગરના ખ્યાલોમાં ખોવાઈ ગઈ હતી. પોતાનો ફોટો મોકલી પોતે શરમાઈ ગઈ હતી. બંને હાથોમાં પોતાનું મોઢું છુપાવી દીધું. ખબર નહિ, સાગરને મારો ફોટો કેવો લાગશે! એ તો મને જોયા વગર પ્રેમ કરે છે તો પછી હું કેવી દેખાઉં છું એ એના માટે બહુ મહત્વનું ના હોવું જોઈએ. પહેલીવાર આવી રીતે એને કોઈને ફોટો મોકલ્યો હતો. જોકે સાગરે મને ટીવીમાં તો જોઈ છે પણ એની ફોટાની માંગણી આજ પૂરી કરી.હવે એમ ના કહી શકાય કે એ મને જોયા વગર પ્રેમ કરે છે!! હા એમ કહી શકાય, “જો બાત તુજમેં હૈં વોહ તેરી તસ્વીર મેં નહિ!” મનમાં થોડી શંકા કુશંકા પણ થવા લાગી. હા પણ સાગરની વાતચીત પરથી સાગર જેન્ટલમેન લાગતો હતો. સાગરની સાથે એક મુલાકાત કરી પછી પપ્પાને વાત કરીશ. હવે જ્યારે ચેતનકુમારનું પ્રકરણ પૂરું થયું છે. તો હું સાગરને ચોક્કસ મુલાકાત માટે કહીશ.

સાગર સાથે આગળ વધતાં પહેલા એક વાતનો ખુલાસો ચોક્કસ કરીશ કે હું કોઈપણ સંજોગોમાં લખવાનું નહિ છોડું , કારણકે લખવું એ મારા જીવનની જરૂરિયાત છે. અને મારા માટે થેરાપી પણ છે. અને મારા સપનાંનું અવતરણ છે. એક પછી એક સપનાં જેને હું પૂરાં નથી કરી શકતી એ સપનાં મારી કલમ પૂરાં કરી આપે છે. એક એક શબ્દ મારા માટે આકાશના ટમટમતા સિતારા જેવા છે, જે મારા મનના આકાશને ઝગમગાવે છે. લખવું એ મારા માટે જીવન છે અને શબ્દો એ મારા શ્વાસ છે. તો હું શ્વાસ લેવાનું તો બંધ ના કરી શકું. જો આટલી વાત સાગર માની જાય તો મારી બીજી કોઈ માંગણી નથી. અને જો ના માને તો એ મને ગમે તેટલો પ્રેમ કરતો હોય પણ મારે એને છોડવો પડશે. પણ સાગર એક આધુનિક વિચારોવાળો યુવાન છે. મને ચોક્કસ ખાતરી છે કે આવું કોઈ બંધન મારા પર નહીં મૂકે.

સવારના સૂરજ ઊગતા જ એ ઉઠી ગઈ. સીધું કોમ્પ્યુટર ખોલ્યું. સાગરની કોઈ ઈ-મેઈલ નહોતી. એ સાગર પર મનમાં ગુસ્સે થઈ ગઈ. એ ભૂલી ગઈ કે પણ સાગરને આમ જ હેરાન કરતી હતી. પણ કદાચ સાગરે ઈ-મેઈલ જોઈ પણ ના હોય એવું પણ બને. આજ તો એને મનમાં ખૂબ શાંતિ લાગતી હતી. કારણકે ચેતનકુમારે ‘અધૂરાં સપનાં ‘ફિલ્મમાં એનું નામ સ્ક્રિપટ રાઈટર તરીકે લેવાનું વચન આપ્યું હતું. જ્યારે ફિલ્મ રિલિઝ થશે એ પહેલા શો માં જોવા જશે. અને કદાચ એને બેસ્ટ સ્ક્રીન રાઈટર નો એવોર્ડ પણ મળે . ચાલ હવે સપનાં જોવા નથી કારણકે એને અધૂરાં  રહેવાનો ડર છે.

એને ફરી કોમ્પ્યુટર ખોલ્યું. સાગરની ઇ-મેઈલ હતી. એમાં એક જ વાક્ય લખેલું હતું.

“નેહાજી,

તમે મારી કલ્પના કરતાં  પણ વધારે સુંદર છો!

સાગર”

બસ, એક જ વાક્ય! અને વાત પૂરી થી ગઈ. રોજની લાંબી લાંબી ઈ-મેઈલનું આજ શું થયું? અને એક વાક્યમાં ખૂબ રૂક્ષતા લાગી. એને હતું કે સાગર તો મારો ફોટો જોઈને ગાંડો ગાંડો થઈ જશે. પણ એવું કાંઈ બન્યું નહિ. એ મનમાં ને મનમાં ધુંધવાવા લાગી. હવે સાગરનો ફોન આવશે તો હું ઉપાડીશ જ નહિ. સાગરની ઈ-મેઈલનો જવાબ પણ નહિ આપું. શું સમજતો હશે! ધત્ત તેરે જૈસે હજારો હોંગે, મુઝસા કોઈ નહિ! મારે એને ફોટો મોકલવાનો જ નહોતો. જંગલી જેવો છોકરીની તારીફ શી રીતે કરવી એ પણ નથી આવડતું!

ગુસ્સામાં એ તૈયાર થઈને કૉલેજ  જવા નીકળી ગઈ. આજ ચેતનકુમારનું પ્રકરણ બંધ થયું તો આ સાગરનું નવું પ્રકરણ ! લોકો ચેન લેવા દેતા નથી! કે પછી મારો જ વાંક હશે! હું બીજા દ્વારા શાંતિ મેળવવા માંગુ છું. પણ શાંતિ તો મારી અંદર જ છે. બીજા મને શાંતિ આપશે એવી અપેક્ષા રાખવી એ પોતાને છેતરવા બરાબર છે. કોઈ શાંત એકાંત જગ્યાએ બેઠા હોઇએ, કોઈ અવાજ કોઈ ઘોઘાંટ ના હોય પણ તમારા અંદર જ ખળભળાટ હોય તો તમને શાંતિ મળે ખરી? બીજા પાસે શાંતિ અને સુખની આશા રાખવી એના કરતા પોતાનામાં જ શાંતિ ખોળવી !

એનો ગુસ્સો ધીમે ધીમે શાંત થવા લાગ્યો. “મેં જેવું વિચાર્યું એવું સાગર શા માટે લખે? કદાચ કોઈ કારણસર એ બરાબર જવાબ ના આપી શક્યો હોય! દરેક વ્યક્તિને એક મોકો તો આપવો જ જોઈએ. એનો ફોન આવશે તો હું પૂછીશ! કોઈ તો કારણ હશે એના ટૂંકા જવાબનું. પણ આ સાગરની સાથે મુલાકાત કરવી છે. જોઈએ તો ખરી કે રૂબરૂમાં સાહેબ કેવા લાગે છે?” અને એ મલકાઈ ગઈ.

કૉલેજનાં છોકરાઓએ આજ કોઈએ કોઈ કોમેન્ટ ના કરી. સાયરા એની રાહ જોતી ઊભી હતી. સાયરાએ ચેતનકુમાર વિષે પૂછી લીધું. નેહાએ પણ વિગતવાર વાત કરી સાયરા ખુશ થઈ ગઈ. એ નેહાને ખૂબ ચાહતી હતી. પોતાની દોસ્ત ઉદાસ રહે એ એને જરાપણ ગમતું નહોતું. નેહાએ પણ નક્કી કર્યું કે હવે હું સાગર માટે સિરિયસ છું તો સાયરાને આ વાત જણાવીશ. બલ્કે પહેલી મુલાકાત સમયે હું સાયરાને મારી સાથે લઈ જઈશ. છેલ્લો પિરિયડ પૂરો થયો એટલે એ સાયરાના કલાસરૂમ પાસે આવી. એટલામાં સાગરના ફોનની રિંગ વાગી. એણે કલાસમાં ડોકાઈને સાયરાને બાય કહી દીધું અને જલ્દીથી સાગરનો ફોન ઉપાડ્યો.

સામેથી સાગરનો અવાજ આવ્યો,’ હલ્લો નેહાજી સાગર બોલું છું. ‘

નેહા ઠંડાશથી બોલી,’ હા બોલો સાગરજી!’

‘તમારો ફોટો જોયો! મારી કલ્પના કરતાં  વધારે સુંદર છો તમે.’

‘હા આ વાક્ય હું વાંચી ચૂકી છું.’

સાગર ચૂપ થઈ ગયો . ફોન પર ખામોશી છવાઈ ગઈ.

નેહાએ ખામોશી તોડી, ‘બોલો બીજું કાંઈ કહેવું છે?’

સાગર બોલ્યો, “કહેવું તો ઘણું છે પણ શબ્દો મળતાં નથી. જો શબ્દો મળ્યા હોત તો આટલી ટૂંકી ઈ-મેઈલ કદી ના કરી હોત ! હું તો આપનું સૌંદર્ય જોઈને દિગ્મૂઢ થઈ ગયો છું. આપને મેં ઈન્ટરવ્યુ આપતી વખતે ટીવી પર જોયા હતા એનાથીયે વિશેષ બોલકી આપની તસવીર છે. સાચું કહું છું. બસ, આજ તમારે મને મળવા માટેનો દિવસ અને સમય આપવો પડશે. હવે મારી બેચેની ખૂબ વધી ગઈ છે. મને લાગે છે હું તમારા વગર જીવી નહિ શકું.”

હવે નેહાનો વારો હતો ચૂપ થવાનો. એ શરમાઈ પણ ગઈ. એક સ્ત્રીના દિલ સુધી પહોંચવું એટલું અઘરું નથી.  સાગર તો નેહાને ઘણી વાર પ્રેમની ઇઝહાર કરી ચૂક્યો હતો. અને હવે તો નેહાને પણ એને ગમવા લાગ્યો હતો. એનો ક્ષણભંગુર ગુસ્સો સાગરના વખાણથી ઉતરી પણ ગયો.

નેહા શરમાઈ ગઈ. એણે કહ્યું , “હા, આપણે ખૂબ જલ્દી મળીશું. હું તમને દિવસ અને સમય કહીશ. પણ હજુ સુધી તમે મને કહ્યું નથી તમે ક્યાં શહેરમાં રહો છો. આપણી મુલાકાત ક્યાં થઈ શકશે. શું તમે અમદાવાદમાં રહો છો? તમારું સરનામું અને ગામનું નામ આપશો. ક્યાં અને શી રીતે મળવું એ નક્કી કરીશું. આપણે હજુ ઘણી મહત્વની વાતો કરવાની છે. એ પણ કરીશું. હું પણ તમને મળવા માટે આતુર છું.”

નેહાને ખબર હતી કે જો સાગર સાથે મુલાકાત થશે તો જ હું જીવનમાં કોઈ નિર્ણય પર આવી શકીશ. આમ તો લગ્ન એના માટે ખાસ મહત્વની વાત નહોતી પણ જો સાગર જેવો છોકરો મળી જાય તો લગ્નનો એને વાંધો પણ નહોતો. બસ કે એનો કોઈ પણ પતિ હોય પણ એના લક્ષમાં મદદગાર હોય, નહિ કે અવરોધ ઊભા કરવાવાળો હોય. બસ આટલી વાત જો સાગર માની જાય તો સાગર એને ગમતો હતો. નેહા વિચારમાં ને વિચારમાં ઘર સુધી પહોંચી ગઈ. જીવનના ઘણા ઉતાર ચઢાવ એણે જોઈ લીધાં હતાં.  દરેક પગલું ફૂંકી ફૂંકીને મુકવાનું હતું. બસ જ્યા સુધી સાગરને ના મળે ત્યાં સુધી એને” ‘સુ ‘સુનેહારાં સપનાં’ની સ્ક્રિપટ ધ્યાન આપવું હતું. સ્ક્રિપટ તૈયાર હતી. થોડું ઘણું ચેક કરી એ મીનાક્ષીદેવી પાસે લઈ જશે.

એ ઘરમાં દાખલ થઈ અને એટલામાં ફોનની રિંગ વાગી.

પ્રકરણઃ  ૨૬

નેહાની ફોનની રિંગ વાગી. મીનાક્ષીદેવીનો કોલ હતો. “સુનેહરા સપનાં “ની સ્ક્રિપટ લઈને બોલાવતાં હતાં. અને સાથે સાથે કૈક અગત્યની વાત પણ કરવી હતી. બીજા દિવસની સવારનો દસ વાગ્યાનો સમય લઈ લીધો. શું અગત્યની વાત કરવી હશે? કોને ખબર, પણ હવે તો કાલે જ ખબર પડશે. એ જલ્દી ફ્રેશ થઈને બાને મદદ કરવા લાગી. બા પણ એના ચહેરા સામે જોઈ રહ્યાં હતા. કૈક કહેવા માંગે છે પણ બોલી શકતી નથી.

બા અને પપ્પાને સાગરની વાત કરવી હતી. પણ હજુ સમય પાક્યો નહોતો. નેહા વિચારતી હતી કે “પહેલા હું સાગરને મળું અને એ શું કહે છે, પછી બા અને પપ્પાને વાત કરીશ.”

બા બોલ્યાં, “નેહા બેટા, તારો ચેતનકુમાર સાથેનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. બેટા તારું છેલ્લું વર્ષ છે. હવે તારે આગળ શું વિચાર છે, એ જણાવજે તારા પપ્પા પૂછતા હતા. તારા પપ્પાના કોઈ મિત્ર અમેરિકામાં રહે છે અને એનો દીકરો ભારતની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. તો એ બેત્રણ અઠવાડિયામાં ભારત આવે છે. અને તારા પપ્પાને એના મિત્રે ખાસ કહ્યું છે કે મારે નેહાને રોહિતને બતાવવી છે. કારણકે બાળપણમાં તું, રોહિત અને સ્નેહા સાથે રમીને મોટાં થયાં છો. જો તને યાદ હોય તો મહેશ અંકલ અને માધવી આંટી. આપણી પડોશમાં  જ રહેતાં  હતાં .

નેહા બોલી,” હા, બા મને યાદ છે. એ ગોળમટોળ ‘મોટુ’ રોહિત? વાઉ..! એ એટલો મોટો થઈ ગયો! મારે એને મળવું તો પડશે. એનામાં અક્કલ બક્કલ આવી છે કે હજુ પહેલા જેવો ડફર અને રોતલો જ છે? પણ હા લગ્નની વાત કરે એ પહેલા મારે તને એક વાત કહેવી છે. હું એક છોકરાને જાણું છું. અને તું બીજું કાંઈ પૂછે એ પહેલા કહી દઉં કે હું હજુ સુધી હું એને મળી નથી, પણ હા મેં એની સાથે ફોન પર વાત કરી છે અને ઈ-મેઈલથી વાત કરી છે. એ મારી વાર્તાઓ વાંચે છે અને મારા લખાણની પ્રશંસા પણ કરે છે. એ કહે છે કે એ મને ચાહે છે પણ મેં કોઈ એવી વાત કરી નથી. પણ એ કોઈ મોટો માણસ છે અને મને મળવા માંગે છે. મેં એનો ફોટો જોયો છે. દેખાવડો પણ છે. પણ એના ઘરવાળા વિષે મને કોઈ માહિતી નથી. એ મને જલ્દી મળવા માંગે છે. હું તમને એજ પૂછવા માગતી હતી કે હું શું એને મળવા જઈ શકું અથવા એને અહીં બોલાવું?” નેહા એક શ્વાસે બોલી ગઈ. બા તો અવાક્ બનીને સાંભળી રહ્યાં.

“પણ બેટા, ” બા શ્વાસ લેવા રોકાયાં ,” બેટા તારા પપ્પાએ મહેશભાઈ સાથે વાત કરી લીધી છે, તેથી રોહિતને જોવો તો પડશે. એ આપણે ઘરે પણ આવવાનાં છે. તું એ છોકરાને ક્યારે મળવા માંગે છે? કારણકે રોહિતને આપણે તાત્કાલિક જવાબ આપવો પડશે. એ અમેરિકાથી આવે છે અને લાંબુ રોકાવાના નથી.”

નેહા બોલી,” હું બેચાર દિવસમાં એને મળી લઉં છું. તમે કહો તો ઘરે જ બોલાવી લઉં. તમે પપ્પા સાથે વાત કરી લો તો હું એને ઘરે આવવા આમંત્રણ આપી દઉં . મને એકાંતમાં મળવાનો શોખ નથી. એ બહાને તમે પણ તપાસ કરી લો અને  જે કાંઈ પૂછવું હોય તે પૂછી લો.”

બાએ કહ્યું, “ચાલ, હું જ તારા પપ્પાને વાત કરી જોઉં. એ શું કહે છે એ પ્રમાણે આપણે કરીશું. એ તને છોકરો જોવા માટે ના તો નહિ કહે પણ એમની ઈચ્છા ખરી કે તું રોહિતને હા પાડે. પણ તારા પપ્પાનો સ્વભાવ તું જાણે છે. એ તારા પર કોઈ દબાણ નહિ કરે નિર્ણય તો તારે જ લેવો પડશે. ખૂબ વિચારીને લેજે.”

નેહાએ માથું હલાવીને હા કહી. “બા, તું પપ્પા સાથે વાત કરી લે હું સાગર પાસે સમય માંગી લઉં કે એ ક્યા દિવસે મળવા આવી શકશે. રોહિત આવે એ પહેલા આવી જાય તો સારું.”

બીજા દિવસે સવારે એ મીનાક્ષીદેવીની ઓફિસમાં પહોંચી ગઈ. હાથમાં “સુનેહરાં સપનાં” ની સ્ક્રિપટ લઈને.

મીનાક્ષીદેવીએ હસીને એનું સ્વાગત કર્યું.

“નેહા શું ચાલે છે? લખવાનું ચાલે છે કે નહિ? કલમ ક્યારેય છોડવી નહિ. થોડું થોડું જે યાદ આવે તે લખી લેવું. ક્યારેક મનમાં આવેલી વાત લખીએ નહિ તો એ હવા થઈ જાય છે. સાચી વાત કે નહિ?” બોલી મીનાક્ષીદેવી ખડખડાટ હસી પડ્યા.

નેહા પણ હસી પડી. એટલામાં એક વૃદ્ધ ઓફિસમાં દાખલ થયા. મીનાક્ષીદેવી અદબથી ઊભાં થઈ  ગયાં. નેહા પણ ઊભી થઈ ગઈ. એ વૃદ્ધ નેહાની બાજુની ખુરશી પર બેસી ગયા. મીનાક્ષીદેવી હસીને બોલ્યા,” સર, આ નેહા છે જેની તમને વાત કરેલી રાઈટર છે. અને ખૂબ સુંદર લખે છે. એની સ્ક્રિપટ લઈને આવી છે. તે આપ વાંચીને નક્કી કરજો કે એ કેવી સરસ કલ્પનાશીલ લેખિકા છે.”

નેહા આ છે. મિ. પ્રકાશ મહેતા. ફિલ્મ મેકર  છે ખાસ કરીને ગુજરાતી ફિલ્મ બનાવે છે. એમણે ઘણી એવોર્ડ વિનિંગ ફિલ્મ પણ બનાવી છે. તારી સ્ક્રિપટ એમને આપવા માટે લાવવા કહ્યું હતું. એ સ્ક્રિપટ વાંચી લે તો આપણે કોન્ટ્રેક  તૈયાર કરી લઈએ. ચેતનકુમાર જેવો પ્રશ્ન ઊભો નહિ થાય એની ખાતરી આપું છું. જાણું છું દૂધ નો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. વૃદ્ધ એ નેહા તરફ હાથ લંબાવ્યો. . નેહાએ પણ હાથ લંબાવીને શેકહેન્ડ કર્યો. એમનો હાથ ખૂબ હુંફાળો લાગ્યો.

“તને મળીને આનંદ થયો. હું પણ નવી કલ્પના, નવી વાર્તાની તલાશમાં હતો. મીનાક્ષી, નવા લોહીમાં જે ઉત્સાહ અને લગન છે તે જુના લોહીમાંથી ઓસરી રહ્યા છે. હા ચોક્કસ અનુભવનો ફર્ક પડે છે પણ નવા વિચારો અને નવી કલ્પના તો નવોદિત પાસે જ છે. તારી સ્ક્રિપટ લઈ જાઉં છું. બે દિવસ આપજે સ્ક્રિપટ વાંચવા માટે પછી આગળ વાત કરીશું. તો મીનાક્ષી, હું નીકળું? મારે શૂટિંગમાં જવાનું છે.”

એ મિ. પ્રકાશ મહેતા હતા. તેઓ સ્ક્રિપટ લઈને ઓફિસની બહાર નીકળી ગયા.

નેહા થોડી ડરેલી હતી. પણ મીનાક્ષીદેવીએ કહ્યું ,”નેહા, ગભરાતી નહિ. હું પ્રકાશજીને સારી રીતે જાણું છું. જો એને કોઈ વાર્તા ચોરવાનો શોખ નથી. એમને તો બસ સારી વાર્તાની તલાશ હોય છે. ચેતનકુમાર સાથે તું એમની સરખામણી નહિ કરતી. હા, મને ખબર છે. તારા માટે અઘરું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈના પર વિશ્વાસ કરવો પણ વિશ્વાસે જ વહાણ ચાલે છે. તું નિશ્ચિત થઈ જા હું તારી સાથે ઊભી છું.”

નેહા થોડી રિલેક્સ થઈ. મીનાક્ષીદેવીએ કહ્યું “જેવો એમનો કૉલ આવશે હું તને જણાવીશ તું આવી જજે. આપણે કોન્ટ્રેક લખી લઈશું.”

નેહા સારું કહીને ઓફિસમાંથી નીકળી ગઈ.

કૉલેજ જતાં રસ્તામાં કેટલાય વિચારો એને ઘેરી વળ્યાં. આ રોહિતને પણ હમણાં આવવાનું થયું. સાગરને મળવાની ઉતાવળ આવી છે. અને અહીં મીનાક્ષીદેવી મારી કેરિયર માટે મહેનત કરી રહ્યાં છે. શું હશે મારું ભવિષ્ય? સાગર, રોહિત કે કેરિયર?

સાગરને ફોન લગાડ્યો.

“હલ્લો ,સાગર !”

સાગર એકદમ ખુશ થઈ ગયો.

“હા, નેહાજી બોલો. આજ તો મારે બારી બહાર જોવું પડશે સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે…!”
નેહા હસી પડી! “બરાબર પૂર્વ દિશામાં જ છે. મેં સવારે જ ચેક કર્યું હતું. તમે મને મળવા માંગો છો તો બોલો ક્યારે આવો છો મારે ઘરે?”

સાગર અચકાઈ ગયો, “ઘરે ?”

“હા , એ બહાને બા પપ્પા અને સ્નેહા પણ તમને મળી લે.”

પણ આપણે પહેલા એકબીજાને મળીએ તો કેમ? એકબીજાને પસંદ કરીએ પછી માબાપ સુધી જઈએ તો?”

નેહા ફરી હસી પડી ,” મારા પપ્પા વાઘ નથી , બહુ સારા છે. તમે આવો તો ખરા.”

સાગરે વિચારીને કહ્યું કે, “મને એકાદ કલાક આપો અને હું તમને જણાવું છું.” એમ કહી ફોન મૂકી દીધો.

પ્રકરણઃ  ૨૭

બાએ પપ્પા સાથે વાત કરી લીધી. સાગરને મળવાનો એમને વાંધો ન હતો. પણ રોહિત વિષે પણ વિચારવું એવું પપ્પાનું માનવું હતું. ઘણીવાર ચમકતું બધું સોનુ હોતું નથી. પણ નેહા ખુશ થઈ ગઈ. એણે સાગરને ઈ-મેઈલ કરી દીધી. બા પપ્પાને નેહા પર પૂરો વિશ્વાસ હતો. નેહા એકાંતમાં મળે તો પણ એમને વાંધો નહોતો. સાગર પણ ખુશ થઈ ગયો. સાગર એના ગામથી નેહાને ત્યાં આવવા તૈયાર થઈ ગયો. નેહાએ એને એજ બગીચામાં બોલાવેલો જે બગીચામાં બેસીને એણે સાગર વિષે કલ્પના કરેલી. શું એ સાગરને પ્રેમ કરવા લાગી હતી? શું એને પણ ખબર નહોતી ? આવું હોય તો એને નિર્ણય લેવામાં ખૂબ તકલીફ પડશે. રોહિત કે સાગર ? પપ્પાનું માન જળવાઈ  એ પણ જરૂરી હતું.

એજ નાનકડા પોન્ડ પાસે એ બેઠી હતી. બગીચો એટલો મોટો નહોતો કે કોઈને શોધવું અઘરું પડે. નેહાને ટીવીમાં તો જોયેલી જ હતી. આજ બ્લ્યુ રંગના ટોપ અને કાળા પ્લાજોમાં એનું સૌંદર્ય નિખરી રહ્યું હતું. કાનમાં ખોટા હીરાના ચમકતા ઈયરિંગ્ઝ  અને ગળામાં ખોટું હીરાનું હાર્ટ આકારનું  પેન્ડલ પહેરેલું. ઢીલું પોની ટેઈલ અને એ પોની ટેઇલમાંથી છૂટવા મથતી કાળી લટ ! એની બાજુ માંથી કોઈ પસાર થાય તો એની સુગંધી સાથે લેતો જાય અને આખો દિવસ એ મદહોશ રહે.

એકદમ પાછળથી મીઠાં અને ખૂબજ પ્રેમાળ અવાજથી  કોઈએ એને બોલાવી,” હલ્લો નેહાજી!”

નેહાએ પોતાની પાંપણ બંધ કરી લીધી. આ એજ વ્યક્તિ હતી જેની સાથે એને કલાકો ફોન પર વાતો કરી હતી પણ આજ એ અવાજ એના હૃદયની આરપાર પહોંચી ગયો અને એની આંખો અચાનક બંધ થઈ ગઈ. પણ થોડી ક્ષણોની એ મદહોશી ફરીથી બોલાયેલાં  પોતાનાં  નામથી તૂટી ગઈ. “હલ્લો નેહાજી!”

એ ઊભી થઈ ગઈ. અને ધીરે ધીરે પાછળ ફરીને જોયું. ડરતાં  ડરતાં  કદાચ એને કરેલી કલ્પનાનો સાગર બીજો ના નીકળે! ના પણ આ તો એની કલ્પના કરતા પણ વધારે દેખાવડો નવયુવાન તેની સામે ઊભો હતો. એ સ્મિત કરવાનું પણ ભૂલી ગઈ. આજ છે સાગર!! ઓહ માય ગોડ ! ઓહ માય ગોડ !! આતો ઇન્સાન છે કે કોઈ ફરિશ્તો? આવો દેખાવડો!!

એણે નેહાની બોલતી બંધ કરી દીધી. એણે કદી સાગરના વખાણ કર્યા નહોતા. પણ અત્યારે એને સાગરના વખાણ કરવા માટે શબ્દો જ મળતા નહોતા. માંડ માંડ એના ગળામાંથી શબ્દો નીકળ્યા ,” હાય , સાગર.”

સાગરે મંદ મંદ સ્મિત કર્યું. નેહા બેન્ચ તરફ વળી. બંને બેન્ચ પર બેસી ગયાં . બંને વચ્ચે એક ખામોશીની દીવાલ ચણાઈ ગઈ હતી. શું બોલવું બંનેને સમજ પડતી નહોતી. નેહા આંખથી જમીન ખોતરી રહી હતી અને સાગર નેહાના સૌંદર્યનું રસપાન કરી રહ્યો હતો.

‘નેહા, ‘ ફરી પ્રેમથી લથપથ શબ્દો કાનમાં પડ્યા.

નેહાએ ફરી આંખો બંધ કરી લીધી. મદહોશીમાં પણ એ વિચારી રહી હતી. કે સાગર આ રીતે તો મારી જાન લઈ લેશે. મારે મારી લાગણી પર કાબુ રાખવો જોઈએ! એ જાણી ના જવો જોઈએ મારી નબળાઈ!

એણે આંખ ખોલી ને સાગર સામે જોયું. “નેહા , મારી બહુ પ્રતીક્ષા તો નથી કરવી પડીને?” નેહાએ માથું ધુણાવી ના કહી.

સાગર હસ્યો,” નેહા એક વાત મને સમજાઈ નહિ, ફોન પર તો તમે જ બોલો છો અને હું સાંભળું છું. અને હવે એવું લાગે છે કે તમારા મોઢામાં જબાન જ નથી! એ ચહેકતી બોલતી નેહા ક્યાં ગઈ?”

નેહા હવે થોડી રિલેક્સ થઈ ગઈ. એ પણ હસી પડી.

બંને ક્યાંય સુધી વાતો કરતાં  રહ્યાં  જાણે વર્ષોથી એકબીજાને જાણતાં ના હોય. નેહા એની સાથે ખિલખિલાટ હસતી હતી. જિંદગી જો આમ જ પસાર થવાની હોય તો આનાથી રૂડું બીજું શું હોય શકે ?

નેહાએ સાગરને વાતવાતમાં પૂછી લીધું, “સાગર,  મારી કેરિયર વિષે તમારો શું અભિપ્રાય છે? હું લખવાનું છોડી શકું નહીં. લખવું એ મારો શોખ જ નહિ પણ મારી થેરાપી પણ છે. ટૂંકમાં કહું તો મારી જિંદગીનો પ્રથમ પ્યાર છે. જેમ જીવવા  માટે શ્વાસ લેવા જરૂરી છે , એજ રીતે લખવું એ મારા માટે જરૂરી છે શ્વાસ લેવા માટે. આપણી વાત ત્યારે જ આગળ વધી શકે જ્યારે મારા વિચારો પ્રદર્શિત કરવા માટે મને કલમ આપવામાં આવે! નહીંતર આ વાત અહીં જ પૂરી થઈ જશે. આપણી મુલાકાતનું માધ્યમ પણ આ લખાણ જ છે.” આટલું બોલી એ મૌન થઈ ગઈ.

સાગર થોડીવાર માટે ખામોશ રહ્યો. એ પણ ધીમું હસીને બોલ્યો, “તમારી વાત સાચી છે. આપણે આ લખાણના માધ્યમથી જ મળ્યા છીએ. અને તમને ખબર છે મને વાંચન, કવિતા, સાહિત્ય નો શોખ છે. હું આપના હાથમાંથી કલમ ક્યારેય નહિ છીનવું.”

નેહા ખુશ થઈ ગઈ. એના ચહેરા પર એક અજબ જેવું નૂર પ્રસરી ગયું. એ સાગરને મળીને ખૂબ ખુશ હતી. સાગરે પણ જલ્દી એના બા અને પપ્પાને મળવાનું વચન આપ્યું. અને પોતાના કુટુંબમાં દૂરના માસી અને માસા સિવાય કોઈ નથી એવું જણાવ્યું. માતા-પિતા ખૂબ નાની ઉમરમાં કાર એક્સીડેન્ટ માં ગુજરી ગયા. અને પોતે અનાથ હતો અને માસીએ એને મોટો કર્યો હતો. એણે કહ્યું કે એ માસી અને માસાને લઈને બા પપ્પાને મળવા આવશે.

સાગર ઊભો થઈ ગયો. સાંજ પડી ગઈ હતી. આકાશે લાલ ચૂંદડી ઓઢી લીધી હતી. સૂરજ વિદાય લઈને જાણે ક્યાં દેશમાં જતો રહ્યો હતો. સિંદૂરી સાંજ ઢળી ગઈ હતી બંને એકબીજામાં એવા ખોવાઈ ગયા હતા કે સમયનું ભાન પણ ના રહ્યું. નેહા પહેલીવાર જ સાગરને મળી હતી પણ એની વિદાય વસમી લાગી રહી હતી. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પ્રેમ કેવો હોય છે!! ભલભલા મજબૂત વ્યક્તિને નરમ બનાવી દે છે.

નેહા બોલી,” હવે ક્યારે મળશે?”

સાગર હસીને બોલ્યો, “માસીમાસાને લઈને આવીશ, અને જો બા પપ્પાને ગમી જાઉં તો ઘોડા પર બેસીને આવીશ ”

નેહા શરમાઈ ગઈ. સાગરનું સ્મિત એને ઝકડી રાખતું હતું.

સાગરે કહ્યું તું ચિંતા ના કરતી બધું સારું જ થશે.. સોરી હો મેં તમને તું કહી દીધું.”

નેહા હસીને બોલી, “એ હક મેં તમને આપ્યો.”

નેહા અને સાગર છૂટાં પડ્યાં  ફરી મળવા માટે. નેહા ખૂબ ખુશ હતી. સાગર એના ધારવા કરતા પણ વધારે લાયક નીકળ્યો. હવે પપ્પાને મનાવવા પડશે. રોહિતને ના કહેવી પડશે. પણ પપ્પાએ એને બોલાવી લીધાં  છે તો એની સાથે વાતચીત તો કરવી પડશે. પણ એ પપ્પાને કહેશે કે મારા બદલે સ્નેહાને બતાવી દો , એની પણ લગ્ન કરવા જેવી ઉમર તો થઈ ગઈ છે. ખરેખર શું એ સાગરને ચાહવા લાગી હતી કે બીજા વિષે વિચારી જ નહોતી શકતી. એ ઘર તરફ જવા લાગી. એના મુખ પર પ્રેમ ની લાલિમા છવાઈ ગઈ હતી. સાગરની ખુશ્બુ જાણે એનામાંથી આવી રહી હતી અને પ્રેમમાં આખી દુનિયા સુંદર બની જાય છે. એ સુંદરતા નેહાના ચહેરા પરથી પણ ટપકી રહી હતી.

આ બાજુ સાગર પણ નેહાના નશામાંથી  બહાર આવી ના શક્યો. એ પણ કાર માં બેસી પોતાને ગામ જવા લાગ્યો. હોઠ પર સ્મિત રમતું હતું. નેહાની દેહલતા એની નજર સામેથી હઠતી નહોતી. બરોડા અને અમદાવાદ વચ્ચેનો હાઇવે ખૂબ ટ્રાફિક વાળો હતો. સાગર એની મસ્તીમાં હતો. નેહાનો નશો ઉતરવાનું નામ લેતો નહોતો. પ્રેમમાં પડવું કેટલું સહેલું હતું ,પણ પ્રેમમાં પામી લેવું સાગરને માટે સહેલું થઈ ગયું હતું. નેહાની આંખોમાં પોતાના માટે પ્રેમ જોઈને આવ્યો હતો. મંજિલ હવે દૂર નહોતી. માસા અને માસીને લઈને આવતા અઠવાડિયે એ નેહાના બા બાપુજીને મળવા લઈ જશે. કાર હાઇવે દોડી રહી હતી, કાર કરતા પણ સાગરના વિચારો ખૂબ ફાસ્ટ દોડી રહ્યા હતા.

પ્રકરણઃ  ૨૮

સાગરની કાર હાઈવે પર દોડી રહી હતી. પણ એનું દિલ નેહા પાસે છોડી આવ્યો હતો. દિમાગ  પર નેહા છવાઈ ગઈ હતી. નેહા એના ધારવા કરતાં  પણ વધારે સુંદર હતી. એની કાજળ ભરેલી આંખોમાં એને પોતાના પ્રત્યે પ્રેમ મળી આવ્યો હતો. હવે બંનેને એક થતા કોઈ રોકી નહિ શકે. એના જીવનની એકલતા દૂર થઈ જશે. નેહા જેવી સમજદાર સાથી મળી જશે. કાર ચલાવતાં ચલાવતાં એ વિચારમાં ખોવાઈ ગયો.

‘દૂર દૂર શહનાઈ વાગી રહી છે. ઝાંઝર ઝમકાવતી નેહા લાલ રંગનું પાનેતર પહેરીને એના જીવનમાં આવી ગઈ છે. એના બેડરૂમમાં ચારે તરફ કેન્ડલસ ધીમો ધીમો પ્રકાશ આપી રહી છે. એનો બેડરૂમ ગુલાબ અને મોગરાની ખુશ્બુથી મહેકી રહ્યો છે. આછા અજવાળાંમાં ફૂલથી શણગારેલા પલંગ પર પાનેતર સંકોરીને નેહા બેઠી છે. કેંડલ્સ ના આછા પ્રકાશ એ વધારે સુંદર લાગી રહી છે. એની પગની પાની ની પર મેંદી દેખાઈ રહી છે અને થોડા ઊંચા થયેલા પાનેતરમાંથી એના પગની ઝાંઝરી પણ દેખાઈ રહી છે. હાથમાં પંજા પહેરેલા છે અને કાનમાં સોનાના ઝૂમર અને ગળામાં નવલખો હાર!

અને એ શેરવાની પહેરી, માથા પાર સાફો પહેરી ગળામાં વરમાળા અને હાથમાં એક સુંદર બોક્સ લઈને રૂમમાં પ્રવેશે છે. આજ નેહા મારી બની ગઈ. આજ એને બાહુપાશમાં લઈને ખૂબ પ્રેમ કરીશ. આજ એને મારા પ્રેમથી ગુંગળાવી નાખીશ! આજની રાત એને સૂવા જ નહિ દઉં. મારી બાહોમાં ઝકડેલી રાખીશ. મારી નેહા મારી નેહા મારી નેહા.. તું ક્યાં હતી આટલાં વરસો ? હું તરસી ગયો તને પામવા માટે! નેહા નેહા નેહા!’

અને સાગર નું ધ્યાન ના રહ્યું, સપનાંની   દુનિયામાંથી એ બહાર આવે એ પહેલા કાર એક મોટી ટ્રક સાથે અથડાઈ ગઈ! સાગર નું માથું સ્ટીરીંગ પર ઢળી પડ્યું. સાગરની કારનો હોર્ન જોરથી વાગવા લાગ્યો. ટ્રકવાળાની ટ્રક પણ સાઈડ પર થઈ ગઈ હતી. હાઈવે પર કારો ઊભી રહી ગઈ. કોઈએ ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી લીધી. સાગરની હાલત ખૂબ ખરાબ હતી. માથામાંથી લોહી વહી રહ્યું હતું. શ્વાસ પણ ધીમા ચાલી રહ્યા હતા. પેરામેડિકે કહ્યું એને જલ્દી હોસ્પિટલ પહોંચાડો. તરત એને ઓક્સિજનનો બાટલો ચડાવી દેવામાં આવ્યો અને એમ્બ્યુલન્સમાં નાખી હોસ્પિટલમાં લઈ ગયા. સાગરને ખબર પણ ના પડી કે એ જે સપનાંમાં રચી રહ્યો હતો એ સપનાં જ એના જીવનના સપનાં ને ચકનાચૂર કરવાના હતાં. સાયરન વાગી રહ્યું હતું. એમ્બ્યુલન્સ દોડી રહી હતી.. પણ સાગરના શ્વાસ ધીમા પડી રહ્યાં હતાં. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો હતો. એના મોઢામાંથી એક શબ્દ નીકળી રહ્યો હતો. નેહા! નેહા! નેહા!

આ બાજુ નેહા ખુશ થતી થતી ઘરે પહોંચી! એના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું.

બા એને જોઈને મલકાઈ ગયા. ‘શું થયું ? મળી સાગરકુમારને? કેવા લાગ્યા?” બાથી રહેવાયું નહિ અને પૂછી બેઠાં.

નેહા શરમાઈ ગઈ. “બા, તમે જ મળીને જોઈ લેજો કે કેવા છે?”  નેહા શરમાતાં શરમાતાં બોલી.

સ્નેહા તરત જ ખુશીથી ઉછળી પડી, “દીદી, તારા ચહેરા પરનું સ્મિત કહે છે કે સાગરકુમાર તને ગમી ગયા છે! નહીંતર આ શરમનાં   શેરડા અને આ સ્મિત ક્યાંથી હોય!” નેહાએ સ્નેહાને ટપલી મારી લીધી! જમી પરવારીને એ કોમ્પ્યુટર લઈને બેસી ગઈ કે કદાચ સાગરનો કોઈ મેસેજ હોય! પણ કોઈ મેસેજ હતો નહિ! એને થોડી ચિંતા પણ થઈ! પણ સાગર એવો જ હતો. એટલે વધુ વિચાર્યા વગર સુઈ ગઈ!

રાતના ત્રણેક વાગ્યા હશે અને કોઈ અજાણી વ્યક્તિના ફોનની રિંગ વાગી! સામેથી એક અજાણ્યો અવાજ સંભળાયો,”હલ્લો, નેહાજી ! કોણ નેહાજી બોલે છે?

નેહા બોલી,” હા ,નેહા બોલું છું. આપ કોણ બોલો છો?”

“હું સાઈરામ હોસ્પિટલથી નર્સ કવિતા બોલું છું. આપ સાગરને ઓળખો છો?”

નેહા ચમકી ગઈ,” હા ,હા, હું ઓળખું છું! કેમ શું થયું છે ? મને જલ્દી કહો! સાગર બરાબર તો છે ને ? “નેહાને લાગ્યુંકે એ રડી પડશે!

કવિતાએ કહ્યું,” સાગરનો ખૂબ ખરાબ અકસ્માત થયો છે અને અત્યારે સાઈરામ હોસ્પિટલમાં છે જો તમે આવી શકો તો સારું. એ તમારું નામ લીધાં  કરે છે અને તેથી એમના ફોનમાંથી તમારો નંબર શોધી મેં તમને ડાયલ કર્યો. હું તમને હોસ્પિટલનું એડ્રેસ મેસેજ કરું છું!

નેહા રડવા લાગી. સ્નેહા પણ જાગી ગઈ. એને ખબર પડી એટલે પપ્પાના રૂમમાં જઈને બા અને પપ્પાને જગાડ્યાં. પપ્પા નેહા પાસે આવ્યા, દીકરીને આશ્વાસન આપી કહ્યું,” બોલ બેટા ,તારે શું કરવું છે? તારે હાલને હાલ હોસ્પિટલ જવું છે કે સવારે? તારે અત્યારે જ જવું હોય તો હું અબ્દુલભાઈને કૉલ કરું એ એમની કાર લઈને આવી જશે.” નેહા તો એક મિનિટ પણ રાહ જોવા માંગતી નહોતી. એને તો ઊડીને સાગર પાસે પહોંચી જવું હતું.  પપ્પા નેહાના દિલની હાલત સમજી ગયા.

પપ્પાએ અબ્દુલભાઈને બોલાવી લીધા. બા, પપ્પા, નેહા અને સ્નેહા ચારેય કારમાં બેસી ગયાં અને બતાવેલા એડ્રેસ પર પહોંચતા બે કલાક લાગશે એવું અબ્દુલભાઈએ કહ્યું. નેહાની આંખમાંથી અશ્રુ સરી રહ્યાં હતાં. એ પપ્પાથી છુપાવવા પ્રયત્ન કરતી હતી ,પણ પપ્પાને એનો સાગર પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવ્યો. રસ્તો ખૂબ લાંબો લાગી રહ્યો હતો. એકજ મુલાકાતમાં સાગરે એનું દિલ ચોરી લીધું હતું. રૂબરૂ તો એકવાર જ મળ્યાં  હતાં. પણ ઈ-મેઈલ અને ફોનથી ખૂબ વાતો થયેલી. સાગર હવે એને પરાયો લાગતો નહોતો. પણ આ શું ઈશ્વરે આ કેવી કસોટી કરી છે! પ્રેમ પામ્યા વગર પ્રેમી દૂર થઈ રહ્યો હતો. ‘હે ભગવાન , તું મારા સાગરને સલામત રાખજે. હું મારા પ્રેમનો ઈકરાર તો કરી લઉં! ઓહ સાગર, સાગર સાગર હું તને ચાહું છું. તું મારાથી દૂર ના જતો. આપણે બંનેએ આપણા સપનાં પુરા કરવાનાં છે. સાગર, એકવાર હું તારા સુધી પહોંચી જાઉં, હું તને ક્યાંય નહિ જવા દઉં ! હું તને મારી પ્રેમ દોરીથી બાંધી દઈશ ! મારા હૃદયમાં છૂપાવી દઈશ! કોઈ તને મારી પાસથી છીનવી નહિ શકે! ઈશ્વર પણ નહિ! હું તને ક્યાંય નહિ જવા દઉં.’ નેહાનું હ્રદય, મન અને આત્મા સગરમય થઈ ગયાં હતાં.

સવારની પ્હો ફાટવાની તૈયારીમાં હતી. કાર હોસ્પિટલ તરફ ધસી રહી હતી. અબ્દુલચાચા ઘરના માણસ જેવા હતા. પપ્પાને ક્યાંય પણ જવાનું હોય તો અબ્દુલચાચાને જ બોલાવે. અબ્દુલચાચાને પણ ખબર પડી ગઈ કે નેહા બિટીયાના કોઈ મિત્રનો અકસ્માત થયો છે. એમણે પણ કહ્યું,” બીટીયા સબ ઠીક હો જાયેગા! ફિકર નહિ કરો. અલ્લાહ પર ભરોસા કરો!

હોસ્પિટલ પહોંચી ગયા. એ ઈન્ફોર્મેશન તરફ ધસી ગઈ અને પૂછ્યું કે, સાગરકુમાર મલ્હોત્રાનો રૂમ કયો છે? રીસેપ્શનીસ્ટે કહ્યું કે આઈ સી યુ માં છે. અને આંગળી કરી એને રૂમ બતાવ્યો. નેહા એ રૂમ તરફ દોડી. આઈ સી યુ ના દરવાજા બંધ હતા. કાચની બારીમાંથી સાગર સ્ટ્રેચર પર દેખાયો. માથું તેમજ હાથ પર પાટાપિંડી કરેલા હતા. ઓક્સિજન માસ્ક પહેરેલો હતો. મશીન બધાં લગાવેલાં  હતાં ! નેહા અવાક થઈને જોઈ રહી! સાગર, સાગર આ કેવી હાલત થઈ ગઈ છે? એને આંખે અંધારા આવ્યાં અને જમીન પર ફસકાઈ પડી! પપ્પા અને સ્નેહા એની બાજુમાં બેસી એને ઉઠાડવા પ્રયત્ન કરવાં   લાગ્યાં ! પપ્પા પાસે ઊભેલી નર્સને પૂછવા લાગ્યા કે સાગરકુમારની હાલત કેવી છે.  નર્સ કશું બોલી નહીં . માથું ધૂણાવી એ આઈ સી યુ ના રૂમમાં જતી રહી.

પ્રકરણઃ  ૨૯

સવાર પડી ગઈ. સૂરજે રોજની જેમ પોતાના કિરણો ધરતી પર પાથરી દીધાં. પણ નેહાના જીવનનો સૂર્ય આથમી ગયો. નેહાના જીવનમાં આજનો સૂર્ય અંધકાર કરી ગયો. ડૉકટર નેહાને બોલાવવા આવ્યા. નેહા ધ્રૂજતાં પગલે આઈ સી યુ ના રૂમમાં દાખલ થઈ. આઈ સી યુ ના મશીનો એને વિકરાળ લાગી રહ્યાં  હતાં. આઈ સી યુ ની દીવાલો જાણે ચારે તરફથી એને દબાવી રહી હતી. એ સાગર પાસે પહોંચી . સાગરના હોઠ ફડફડી રહ્યા હતા. એણે સાગરની છાતી પર પોતાનું માથું રાખ્યું. જેવું નેહાએ એની છાતી પર માથું મૂક્યું, સાગરે આંખ ખોલી અને નેહાની સામે લાચાર નજરે જોયું, હાથ ઊંચો કરી નેહાના માથા પર મૂકવા ગયો,પણ હાથે સાથ ના આપ્યો અને એની આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં.  નેહા અવાક બનીને સાગરને તાકી રહી હતી. અને સાગરનું ઈ કે જી નું મશીન શાંત પડીને એક લાઈન બતાવવા લાગ્યું. ડૉકટર નેહાને ખસેડીને સાગરના હૃદય પર શોક મારવા લાગ્યા. પણ સાગર પ્રેમ ભરી આંખે નેહાને તાકી રહ્યો બસ, તાકી રહ્યો. નેહાને લાગ્યું કે કે એના શ્વાસ પણ બંધ થઈ રહ્યાં છે. એ પણ શ્વાસ નથી લઈ શકતી! અને નેહા પણ ધડામ કરતી જમીન પર પટકાઈ પડી.

નર્સ દોડીને એને સ્ટ્રેચર પર મૂકીને બીજા રૂમમાં લઈ ગઈ. નેહા બેભાન થઈ ગઈ હતી. સાગર દુનિયા છોડી ગયો. એનું હૃદય માનવા તૈયાર નહોતું. મગજ સુન્ન થઈ ગયું હતું. ઉપર ચાલી રહેલા પંખાને એકી નજરે તાકી રહી. સ્નેહા , બા કે પપ્પાનો અવાજ એના કાન સુધી પહોંચતો નહોતો. સાગર નથી, હવે સાગર નથી, એ સાગર વગર શી રીતે જીવશે! સાગર નથી, સાગર નથી. હૃદય માનવા તૈયાર નથી. ના હોય હોં, હમણાં સાગર આવશે. એની ઈ-મેઈલ આવશે, એનો ફોન આવશે! ના, પણ સાગર નથી! નાના નાના એવું બનેજ નહીં ! આ તો કોઈ નાઇટમેર છે, કોઈ ખરાબ સપનું! હમણાં પૂરું થઈ જશે અને હસતો હસતો સાગર સામે આવી જશે! મારો સાગર મને છોડીને જાય જ નહિ! કેવી વાત કરો છે! નારે ના હો કોઈ ખોટું બોલી રહ્યું છે! આ ડૉક્ટર જુઠ્ઠા છે. સાગર કાંઈ મરે ? મને છોડીને જાય?

“નેહા’ નેહા , નેહા!” સ્નેહા રડી રડીને નેહાને બોલાવી રહી હતી. નેહા તો ફાટી આંખે પંખા સામે જોઈ રહી હતી. એને કોઈનો અવાજ સંભળાતો નહોતો. પપ્પા માથા પર હાથ ફેરવી રહ્યા હતા. બા તો સાડલાથી આંખો લૂછી રહ્યાં હતા. કોઈને સમજ પડતી નહોતી.  શું કરવું. નર્સે આવીને નેહાને ઘેનનું ઈન્જેકશન આપી દીધું અને બધાંને આશ્વાસન આપતાં કહ્યું,’ ચિંતા ના કરો નેહાને સખત આઘાત લાગ્યો છે. પણ એને સારું થઈ જશે. બસ તમે ધ્યાન રાખશો કે ડિપ્રેશનમાં જતી  ના રહે! શું એ સાગરની ફિયાન્સી છે?”

બા પપ્પા નીચું જોઈ ગયા. સાગર સાથે નેહાનો શું સંબંધ હતો? શું જણાવે? નર્સે વધારે સવાલ ના કર્યા અને લાયસન્સ પરના એડ્રેસ પરથી સંપર્ક શોધીને, ફોન જોડીને માસામાસીને સાગરના અવસાનની માહિતી આપી. સાગરને પોતાનું કહેવાય એવું બીજું કોઈ નહોતું, બસ, એક નેહા સિવાય!

****

નેહાને એકાદ કલાકમાં કળ વળી પછી બધાં અબ્દુલચાચાની ટેક્ષીમાં બેસીને ઘેર જવા નીકળી ગયાં. અબ્દુલચાચાને ખ્યાલ આવી ગયો કે નેહા બીટીયાને કોઈ સખત આઘાત લાગ્યો છે. એ પણ ચૂપચાપ ટેક્ષી ચલાવવા લાગ્યા. જિંદગી આપણે ઈચ્છીએ એવી ક્યાં હોય છે? જિંદગી જેવી મળી એવી જીવવાની હોય છે. સાગરની એક મુલાકાત એનાં  દિલમાં યાદ બનીને કંડારાઈ ગઈ. જિંદગી અને મોત બંને ઉપરવાળાના હાથમાં છે. કોને ખબર કઈ ક્ષણ જીવનની છેલ્લી ક્ષણ હશે? અને જો છેલ્લી ક્ષણની ખબર હોત તો લોકો શી રીતે જીવી શકત? ઈશ્વરે મોતને રહસ્યમય રાખી જીવનને રસમય બનાવી રાખ્યું છે. જે ક્ષણે નેહા સાગરને મળી તે ક્ષણ એના માટે જિંદગીની સૌથી રોમાંચક ક્ષણ હતી. એકબીજાને સ્પર્શ કર્યા વિના બંને દિલથી એકબીજાના બની ચૂકયાં હતાં. બસ, ગઠબંધન બાકી હતું. પણ સાગર તો યુવાન હતો. આ મરવાની ઉંમર નહોતી. આટલો ભણેલો, આટલી મોટી કંપનીમાં કામ કરતો માણસ ફરવા હરવાનો શોખીન! દેખાવડો , પ્રેમાળ સાગર આટલી ટૂંકી જિંદગી લખાવીને આવ્યો?

ટેક્ષી સરસરાટ દોડી રહી હતી. બોલકા અબ્દુલચાચા પણ ચૂપ થઈ ગયા હતા. બા બારીબહાર જોઈને આંસુ છુપાવવાની કોશિશ કરી રહ્યાં હતાં . નેહા આંખ બંધ કરીને સાગરની યાદમાં ખોવાયેલી હતી. મનને યકીન દેવડાવાની કોશિશ કરી રહી હતી કે સાગર આ દુનિયામાં નથી. એનો પાર્થિવ દેહ હોસ્પિટલમાં પડ્યો છે.  ‘મારો સાગર એ શું ખરેખર મારો નહોતો? ઈશ્વર આટલો ક્રૂર ના હોય શકે! ઈ કે જી ના મશીનનો અવાજ હજુ એના કાનમાં ગુંજી રહ્યો હતો. ડૉકટરનું કહેવું,” હી ઇઝ નો મોર !” આટલી આસાનીથી પ્રાણપંખેરું ઊડી જતું હશે! હજુ તો મને એની ધડકન સંભળાતી હતી.’ એની આંખમાંથી નદી વહી રહી હતી. સ્નેહા કંઈ કહેવા જતી હતી પણ બાએ એનો હાથ દબાવીને રોકી લીધી. આંખથી સ્નેહાને કહ્યું એને રડી લેવા દે .

નેહા પોતાના ઢંગધડા વગરના વિચારોના વમળમાં ઝોલાં ખાતી હતી. “આજ આંખમાંથી વહેતા આંસુ, આવતી કાલે એના દિલને હળવું કરી દેશે. એની સામે જિંદગી પડી છે જીવવા માટે! સાગરને એ ગમે તેટલો પ્રેમ કરતી હશે, પણ સાગર એનો કોણ હતો? શું સમાજ એને આ સંબંધને સ્વીકારી જીવવા દેશે? એણે સાગરને ભૂલવો જ પડશે! ભલે, એ એક યાદ બનીને એની યાદમાં રહેતો, પણ આ નામ વગરના સંબંધને ભૂલવો જ પડશે..!’

રડતાં રડતાં એની આંખો મળી ગઈ અને આ શું સામે સાગર ઊભો હતો એવો જ શાંત સૌમ્ય અને દેખાવડો !એ હસતો હસતો એની બિલકુલ પાસે આવી ગયો. આંગળીથી એના આંસુ લૂંછી લીધાં . અને મરકતો મરકતો બોલ્યો,” નેહા, આઈ હેઈટ ટીયર્સ ! સદા હસતી રહે ખુશ રહે, તો જ હું ખુશ રહીશ કે મારી નેહુ ખુશ છે. ભલે આપણી મુલાકાત ફક્ત એકવાર થઈ છે પણ આપણો પ્રેમ મૃત્યુ પણ નહિ મિટાવી શકે. પણ હા, તારે મને વચન આપવું પડશે કે તું જીવીશ અને લખતી રહીશ. મારી વાતો, આપણી વાતો અને મારી પ્રાર્થના છે કે તું એક દિવસ જગ પ્રખ્યાત લેખિકા બનીશ. આંસુને રોકી લે અને કલમ પકડી લે. શબ્દે શબ્દે હું તને નજર આવીશ. “અધૂરાં સપનાં” ને “સુનેહરાં સપનાં” બનાવી દે અને હું તને ક્યાંક જિંદગીના દોરાહા પર, મળી જઈશ. નેહા, આઈ હેઈટ ટીયર્સ !”

નેહા એકદમ જાગી પડી. “સાગર, સાગર, સાગર” કહેવા લાગી. મમ્મીએ એનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. અને એના વાળમાં હાથ ફેરવવા લાગી. નેહાએ આંસુ લૂછી લીધાં. એણે બાના ખોળામાંથી માથું ઊંચું કરીને બાની સામે ફિક્કું સ્મિત કર્યું અને સ્નેહાનો હાથ પકડી લીધો. એના ચહેરા પર દ્રઢતા દેખાતી હતી. “સાગર હેઈટ્સ ટીયર્સ ! બસ હવે રડવાનું નથી! આ આંસુની હવે શાહી બનશે. શબ્દ સાગર બનશે. હવે શબ્દને સાગર માની શબ્દ સાથે ગઠબંધન થશે! શબ્દ મારો પતિ, શબ્દ મારો પ્રેમી અને શબ્દ જ મારો સાગર!” નેહાનો ચહેરો એકદમ ચમકી ઊઠ્યો.

પ્રકરણઃ  ૩૦

ઘર આવી ગયું. અબ્દુલ ચાચા એ ઘરના આંગણ સામે ટેક્ષી ઊભી રાખી. નેહા પોતાના સપનાને હોસ્પિટલમાં છોડીને આવી હતી. હવે સાગર સાથે જીવન વિતાવવાના સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં.  એની ઝીણી ઝીણી કરચો આંખમાં કાચની જેમ ખૂંચી રહી હતી. કોણ હતો સાગર ? કોના માટે રડવાનું? આ બેનામ રિશ્તા નું શું નામ આપવું? ‘દુનિયા કરે સવાલ તો હમ ક્યાં જવાબ દે? તુમ કૌન હો ખ્યાલ તો હમ ક્યાં જવાબ દે?’

“હવે રડવું એટલે સો સવાલના જવાબ આપવાના! અને સાગરે પણ કહ્યું છે કે ,આઈ હેઈટ ટીયર્સ ! બસ આ આંસુને બદલે શાહી વહેશે. કાગળ પર શબ્દો પડશે. અને સાગરનું સપનું હું પૂરું કરીશ. જીવવાનું છે. અને જીતવાનું છે. હવે સુનેહરાં સપનાં જીતશે અને અધૂરાં સપનાં ને હું અધૂરા રહેવા નહિ દઉં !” આ એકનાંએક વિચારોને વાગોળતી નેહા દ્રઢતાથી ઘરમાં દાખલ થઈ.  એક હાથે એણે પપ્પાનો હાથ પકડી રાખ્યો હતો. અને બીજા હાથે આંખનાં આંસુ લૂછી નાખ્યાં. સાગરની મોત કારમી પીડા આપી ગઈ હતી. પણ સાગરને મનોમન આપેલું વચન પાળવાનું હતું. નો મોર ટીયર્સ!

ઘરમાં આવતા જ એને લાગ્યું કે એ પોતાની દુનિયા લૂંટાવીને આવી હતી. હવે કશું ખોવાનું બાકી નહોતું.  બધાં જ ઉદાસ હતા. કોઈ સાગરને પહેલા મળ્યું નહોતું,  પણ બધાને લાગતું હતું કે કોઈ સ્વજન ગુમાવીને આવ્યા છીએ. ઘરમાં ઉદાસીનું વાતાવરણ છવાઈ ગયું હતું. નેહા આજનો દિવસ ક્યારેય નહીં  ભૂલી શકે. કાશ કેલેન્ડરમાં આ દિવસ આવ્યો જ ના હોત,  કાશ કોઈ કેલેન્ડરમાંથી ઓક્ટોબર 18, 2018નો દિવસ ભૂંસી નાખે !

નેહા પોતાના રૂમમાં ગઈ અને પથારી પર લંબાવી દીધું. એક દિવસ એને માટે એક સદી જેવો વીત્યો હતો. સ્નેહા પણ રૂમમાં આવી ગઈ. બહેનની હાલત જોઈ એની આંખમાં પણ પાણી આવી જતાં હતાં . નેહા એકદમ પથારીમાં બેઠી થઈ ગઈ અને બોલી,” સ્નેહા, આપણે સાગરનું પાર્થિવ શરીર અહીં લઈ આવવાની જરૂર હતી નહીં સ્નેહ ? આપણે એને બરાબર અગ્નિસંસ્કાર આપી શક્યા હોત અને દિલને એક શાંતિ થાત કે એને બરાબર છેલ્લી વિદાય આપી. દિલમાં ખબર નહિ કે હજુ અધૂરું અધૂરું લાગી રહ્યું છે.” સ્નેહા બહેનને એકદમ ભેટી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

સ્નેહાએ નેહાની પીઠ પસવારતાં કહ્યું, “નેહા, સાગરને તું એકવાર મળી છે. સાગર તારો કોઈ નહોતો. એના શરીર પર તારો કોઈ હક નહોતો. તું ભૂલી જા કે તું કદી સાગરને મળી હતી. તું ભૂલી જા કે તેં એનો મૃતદેહ જોયો છે. તું ભૂલી જા કે સાગર નામની કોઈ વ્યક્તિને તું જાણતી હતી. તું તારા જીવન પર ફોક્સ કર.”

નેહાએ ઝટકાથી સ્નેહાને અલગ કરી દીધી. “સ્નેહા, હું કદી નહિ ભૂલું સાગરને! હવે સાગરનું સપનું મારે પૂરું કરવાનું છે. મારે લખવાનું છે. જોજે, હું લખીશ અને અને ફિલ્મ સ્ક્રિપટ રાઈટર બનીશ અને એવોર્ડ જીતીશ! સાગરે કહ્યું છે કે લખવાનું બંધ ના થવું જોઈએ. સાગર જ મારી લખવાની તાકત બનશે. સાગરને હું દિલથી ક્યારેય વિદાય નહિ કરી શકું. સાગર જયાં સુધી મારા હૃદયમાં રહેશે ત્યાં સુધી મારી કલમ ચાલશે.”

એણે કોમ્પ્યુટર ખોલ્યું અને સાગરની જૂની ઈ-મેઈલ વાંચવા લાગી. સાગરની મુલાકાત શબ્દો દ્વારા જ થયેલી. રીડર ડાયજેસ્ટ એને મારી ‘ અધૂરા  સપનાં ‘ વાંચેલી અને મને એક કલમ અને ડાયરી ભેટમાં મોકલેલા. અને પછી ઈ-મેઈલના શબ્દે શબ્દે પ્રેમ પાંગરતો ગયો, પોતે જરાપણ ગંભીર નહોતી. પણ સાગર પોતાના પ્રેમ માટે ખૂબ ગંભીર હતો. એ પ્રેમનો એકરાર કરતો ગયો, કરતો ગયો, અને છેવટે એ પણ પ્રેમને હાથે મજબૂર થઈ ગઈ અને સાગરના પ્રેમના પ્રવાહમાં તણાતી ગઈ.

એ ઊભી થઈ અને કબાટમાંથી પેન અને ડાયરી કાઢ્યાં. અને ક્યાંય સુધી ડાયરીના પૂંઠા પર હાથ ફેરવતી રહી. એ પૂંઠા પર બે હાથ હતા. એક સ્ત્રીનો અને એક પુરુષનો! એને હળવેથી એ પુરુષના હાથને ચૂમી લીધો. જાણે સાગરના હાથને ચૂમતી હોય. આંખમાં ઝળઝળિયાં આવી ગયા. સાગરના હાથને ચૂમવાનો રહી ગયો. હવે કદી એ સાગરને સ્પર્શી નહિ શકે. આવો કારમો ઘા ઈશ્વરે મને શું કામ આપ્યો? એ ડાયરીને ક્યાંય સુધી છાતીએ વળગાડીને બેસી રહી. સ્નેહા એને એકીટશે તાકી રહી હતી. સ્નેહાના ગળામાં પણ ડૂમા અટવાઈ રહ્યા હતા. મારે નેહાને સાચવી લેવાની છે. ” હે , ભગવાન ! તમે નેહાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો.”

નેહાએ ડાયરીનું પહેલું પત્તુ ખોલ્યું જેમાં નેહાએ ‘સાગર’ લખ્યું હતું. એ સાગર નામ પર આંગળી ફેરવતી રહી. એણે કલમ ઉપાડી અને સાગરની બરાબર નીચે લખ્યું, “સુનેહરાં  સપનાં!”

સુનેહરા સપનાં ની સ્ક્રિપટ એની પાસે તૈયાર હતી. બસ, હવે મિ. પ્રકાશ મહેતાના જવાબની રાહ જોવાની હતી. બે દિવસમાં તો એની જિંદગી કેટલી ઊલટસૂલટ થઈ  ગઈ હતી. જિંદગી એવી નથી હોતી જેની કલ્પના કરી હોય છે. જિંદગી એ હોય છે જે દરેક ક્ષણે જીવવાની હોય છે. સાગરની સાથે જીવવાની કલ્પના કરી હતી એ સપનું બે દિવસમાં ચકનાચૂર થયું. હવે પ્રકાશ મહેતા યાદ આવ્યા. જેની સાથે એની સ્ક્રિપટ હતી. હા પણ સાગર પણ એને એક રાઈટર તરીકે જ જોવા માંગતો હતો. આવતી કાલે એ મીનાક્ષીદેવીને કૉલ કરશે.

હોસ્પિટલથી આવતા લગભગ સાંજ થઈ ગઈ હતી. બાએ ખીચડી મૂકેલી પણ કોઈને જમવાનો મૂડ નહોતો. પણ બા પપ્પાની સાથે બંને બહેનો જમવાના ટેબલ પર આવી ગઈ. વાતાવરણ ભારે થઈ ગયું હતું. નેહાને તો પોતાના શ્વાસોશ્વાસ પણ સાંભળતા હતા. સાગરે એક મુલાકાતમાં એને કેટલો બધો પ્રેમ આપી દીધો હતો કે એના જવાથી એની દુનિયા વિરાન થઈ ગઈ હતી. પણ એને મજબૂત બનવાનું હતું. એને જીવવાનું હતું. પોતાના સપનાં  ખાતર, સાગરનાં સપનાં  ખાતર!

ટેબલ પરથી બધા લગભગ જમ્યાં  વગર ઊભા થઈ ગયા. બાએ ખીચડી ફ્રિજમાં મૂકી. બધાને એકએક કપ દૂધ આપ્યું. નેહા પોતાના રૂમમાં આવી. ચાંદની બારીમાંથી ડોકિયું કરી રહી હતી. રાતરાણીની સુગંધ મગજને તર કરી દે એવી હતી. પણ નેહાનો ચાંદ ગુમ થઈ ગયો હતો. રાતરાણીની સુગંધ એને ઝેર જેવી લાગી. એણે તો સાગરને ફક્ત પ્રેમ જ કર્યો હતો. તેમ છતાં એને લાગતું હતું કે પોતે વિધવા થઈ ગઈ છે. આ ચાંદ, આ રાતરાણી, આ શણગાર…. કશું જ એના માટે નથી. એ કપડાં બદલ્યા વગર પથારીમાં પડી ગઈ. કાશ, સાગર અત્યારે એની પાસે હોત તો એને વીંટળાઈને સૂઈ જાત અને એને ક્યાંય ના જવા દેત. કાશ કાશ..કાશ ..એની પાંપણ ધીરે ધીરે બંધ થવા લાગી.

સાગર એની પાસે આવી ગયો. સાગર તો હસતો હસતો એની સામે ઊભો હતો. એ એના શરીર પર હાથ ફેરવવા લાગી. ‘સાગર, સાગર, જો તને તો કાંઈ નથી થયું. તું તો બિલકુલ સાજો-સમો છે. જોને તું તો બિલકુલ ઠીકઠાક છે. આ લોકો કેટલું જુઠ્ઠું બોલે છે. જો કે મેં તો એ લોકોની વાત બિલકુલ માની નહોતી. મારા સાગરને કાંઈ ના થાય. મારો સાગર બિલકુલ ઠીક છે. પણ એ તો તારો અગ્નિસંસ્કાર કરવાની વાતો કરતા હતા.’ એ ફરી ફરી સાગર શરીરને પંપાળતી રહી. સાગર તો બસ હસતો જ રહ્યો. એ પણ હસવા લાગી. ‘જો સાગર, તું મારી કેટલી નજીક છે. અને આ લોકો કહે છે કે તું મૃત્યુ પામ્યો છે. હું શી રીતે આ વાત માનું?’ એમ કહીને એને સાગરની છાતી પર પોતાનું માથું મૂકી દીધું. સાગર એના વાળને સહેલાવી  રહ્યો.

અચાનક સ્નેહાએ એને ઢંઢોળી ,” નેહા, નેહા તું બરાબર છેને ?નેહા સ્તબ્ધ થઈને સ્નેહા ની સામે તાકી રહી!

પ્રકરણઃ  ૩૧

નેહા સ્નેહાની સામે તાકી રહી. સપનું તૂટી ગયું હતું. સાગર એના જીવનના ફલક પરથી અદ્રશ્ય થઈ ગયો હતો. કડવું સત્ય સામે આવી ગયું. સાગર નથી. સાગર કાર અકસ્માતમાં માર્યો ગયો છે. એનું પાર્થિવ શરીર હોસ્પિટલમાં પડ્યું છે. મારે સાગરનું સપનું પૂરું કરવાનું છે. એ પથારીમાંથી ઊભી થઈ ગઈ. નાહીધોઈને સ્વસ્થ થઈ ગઈ. બા એને જોયા કરતી હતી. બાને ખબર હતી કે નેહાના દિલમાં શું ચાલી રહ્યું છે. ઉપરથી સ્વસ્થ લાગતી નેહાના દિલમાં કેવા દુઃખના વંટોળ ચડેલાં છે. પણ બા પણ મજબૂર હતી. દરેક માની ઈચ્છા હોય કે પોતાના બાળકના બધા દુઃખ પોતે લઈ લે પણ પણ દરેકે પોતાના હિસ્સાના દુઃખ ઉપાડવા પડે છે. મા આશ્વાસન આપી શકે, સહારો આપી શકે, પણ દુઃખ લઈ ના શકે.

નાસ્તાના ટેબલ પર નેહા આવી એટલે બાએ કહ્યું,” નેહા , બે દિવસ કૉલેજ ન જા. અને ઘરે આરામ કર.”

પણ નેહાએ કહ્યું ,” બા, તમે ચિંતા ના કરો. હું સ્વસ્થ છું અને કૉલેજમાં મારું દિલ થોડું હલકું થશે. અને સાગરના સપનાને પૂરું કરવા મારે ઉતાવળ પણ કરવાની છે. મારા જીવનનું પ્રેમ પ્રકરણ પૂરું થઈ ગયું. સાગર એક લહેરની જેમ આવી ને ગયો. હવે એ લહેર ફરી મારા જીવનમાં નહીં આવે. પણ સાગર મને જીવન માટેનું લક્ષ આપીને ગયો છે. એ લક્ષ તરફ જ ફોક્સ કરવાનું છે. હું જલ્દી ‘સુનેહરાં સપનાં” વિષે મીનાક્ષીદેવીને વાત કરીશ.” નેહા એક શ્વાસે બોલી ગઈ.

બાને રોહિત ની વાત કરવી હતી પણ હજુ જખમ તાજો તાજો છે. એ સાથે વાત કરવા તૈયાર પણ ના થાય. આવતા અઠવાડિયે તો એ લોકો આવવાનાં છે. કોને ખબર શું થશે? આમ પણ પપ્પાની ઈચ્છા પોતાના મિત્રના દીકરા સાથે સંબંધ જોડવાની હતી. પણ નેહાએ બાને સાગર વિષે કહેલું. પપ્પાને તો ત્યારે ખબર પડી જ્યારે હોસ્પિટલ ગયા ત્યારે. પણ પપ્પા નેહાની હાલત જોઈને એના દિલની વાત સમજી ગયા હતા. પણ મરેલાની પાછળ મરાય થોડું? નેહાને સમજાવવી પડશે. ભલે, સાગરને એણે ખૂબ પ્રેમ કર્યો હોય પણ જિંદગીમાં આવા  આકર્ષણ તો ખૂબ થાય અને માણસ ભૂલી પણ જાય. પણ સંજોગો એવા હતા કે રોહિતનું આવવું અને સાગરનું દુનિયા છોડી બધું એક સાથે બની રહ્યું હતું. થોડો સમય પસાર થયો હોત તો કદાચ નેહાના જખ્મ પર રૂઝ વળી ગઈ હોત. આ તો સાગરનું ઘવાયેલું શરીર હજુ અમારી નજર સામેથી નથી હટતું તો નેહાની તો હાલત કેવી હશે? અને આવી હાલતમાં એને રોહિતની વાત કરવી યોગ્ય હશે?

નેહા કૉલેજ ગઈ. નેહા મુરઝાયેલા ફૂલ જેવી લાગતી હતી. ચહેરાની રોનક ઉડી ગઈ હતી. ચાલમાંથી લચક અદ્રશ્ય થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે નેહા કોઈ મોટી બીમારીમાંથી ઉઠી છે. સામે જ સાયરા મળી ગઈ. સાયરા એકદમ નજીક ધસી આવી. “ક્યાં ગુમ થઈ ગઈ હતી? કાલે પિરિયડ પૂરો થયો એકદમ ભાગી ગઈ? શું વાત છે? કોઈ મળી ગયું છે? એય મને નથી જણાવ્યું ને તો જિંદગીભરના કિટ્ટા!” એકશ્વાસે સાયરા બોલી ગઈ અને પછી ખડખડાટ હસી પડી.

પણ નેહા સાયરાને ભેટી પડી! અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

સાયરા બોલી પડી,” અરે યાર હું તો મજાક કરું છું.” પણ નેહા શાંત જ ના થઈ.

સાયરાએ એને હચમચાવી નાખી,” નેહા, નેહા, બોલ શું થયું છે? મને કહે શું થયું? ચેતનકુમારે કાંઈ પાછું લફડું કર્યું? શું થયું મને જલ્દી કહે!” પણ નેહા પાસે ક્યાં શબ્દો હતા! સાયરાને શું કહે? એને તો પોતાના પ્રેમની વાત કહી નહોતી! તો પ્રેમીના દુનિયા છોડી જવાની વાત શી રીતે કહે? પણ સાયરા ક્યાં છોડે એમ હતી. એ નેહાને કૉલેજના બગીચા તરફ ખેંચીને લઈ ગઈ. ત્યાં ઘાસમાં બંને બેસી ગયાં.

સાયરા બોલી,” હવે કહે એવું શું થયું કે મારી સ્ટ્રોંગ સખી બાળકની જેમ રડી પડી? “નેહા જમીનમાંથી ઘાસને ઉખેડતી રહી અને આંખમાંથી આંસુ વહેતાં  રહ્યાં.

સાયરાએ બોટલમાંથી પાણી આપ્યું. નેહા થોડી શાંત થઈ. પછી સાગરની વાત કરી . હજુ તો સાગર એના લખાણનો ફેન હતો. ઈ-મેઈલ આવી. ગિફ્ટ આવી વિગેરે વાત કરી અને સાયરા ઉછળી પડી. “મને ખબર જ હતી કે બેનબા કોઈના પ્રેમમાં પડ્યા છે. પણ મારે તારે મોઢે સાંભળવું હતું. ચાલ ક્યારે મળાવે છે મારા ભાવી જીજાજીને? કેવા દેખાય છે? નક્કી તારી વાર્તાના હીરો જેવા દેખાતા હશે!”

નેહા એને વળગીને રડી પડી. સાયરા ફરી બોલી, “અરે શું થયું યાર, શું છોડીને ભાગી ગયો? અરે યાર તું બતાવ તો ખરી?” નેહા હીબકા ભરતાં  ભરતાં  બોલી,” હા છોડી ગયો, આ દુનિયા છોડી ગયો !”

હવે આઘાત લાગવાનો વારો સાયરાનો હતો.એના મુખમાંથી ચીસ નીકળી ગઈ,” શું કહ્યું? દુનિયા છોડી ગયો? શી રીતે?

એટલામાં નેહાને શોધતી સ્નેહા ત્યાં આવી ચડી. એ પણ ત્યાં બેસી ગઈ. નેહા સાયરાના ખોળામાં માથું નાખી રડી રહી હતી. સ્નેહાએ બધી વાત વિગતવાર કહી! સાયરાના ચહેરા પર દુઃખના વાદળ ધસી આવ્યાં. એની બેનપણી પર એક દિવસમાં કેટલું વીતી ગયું હતું. અને એ ત્યાં હાજર નહોતી.

છોકરા છોકરીઓ દૂરદૂરથી નેહાને રડતી જોઈ રહ્યાં હતાં. સાગર આ કૉલેજનો હતો નહીં તેથી એમના પ્રેમની કોઈને ખબર પડી નહોતી.  નેહા અને ચેતનકુમાર વચ્ચેના ઝગડાની વાત આખી કૉલેજ જાણતી હતી. તેથી બધાએ એવું સમજી લીધું કે હશે કાંઈ બંને વચ્ચેનો પ્રોબ્લેમ.

નેહાને નાની ઉંમરે સ્વીકારવું રહ્યું કે જિંદગી જેવી આપણે ઇચ્છીએ એવી નથી હોતી. જિંદગી જેવી મળે એવી સ્વીકારવી પડે છે. ‘જેવી ઈશ્વરેચ્છા’ કહીને! નાટકનો પડદો પડે અને પાત્રો બદલાઈ જાય એવી જ રીતે ઈશ્વર આપણી જિંદગી ચલાવે છે, એક પાત્ર આવે અને પડદો પડે અને પાત્ર બદલાઈ જાય. પછી એ પાત્ર સાથે નાટક ભજવવાનું રહે. ના આપણી પસંદગીના પાત્રો આવે અને  ના આપણી પસંદગીના પાત્રો જાય. છતાંયે, બસ. નાટક ચાલ્યા કરે. હા, ઘણાં નસીબદાર હોય કે મનગમતું પાત્ર આવી જાય અને થોડો સમય એ પાત્ર સાથે મજા કરો અને પાત્ર બદલાઈ જાય. પાત્રોની પસંદગી ઈશ્વર જ કરે એટલે આપણા હાથમાં કાંઈ નથી. આપણે તો કઠપૂતળી છીએ. રાજેશ ખન્ના ‘આનંદ’ પિકચરમાં કહે છે એમ, ‘બાબુ મોશાય, જિંદગી ઔર મોત તો ઉપરવાલેકે હાથમે હૈ, જહાંપનાહ ઉસે ના આપ બદલ સકતે હો ના મૈં ! સબ રંગમંચકી પુતલીયાં હૈ જિસકી ડોર ઉપરવાલેકી ઉંગલિયોંમે બંધી હૈ કબ કૌન કૈસે ઉઠેગા કોઈ નહિ બતા સકતા હૈ.’

સાયરાની આંખમાં આંસુ હતાં. પોતાની પ્રિય સખીને જોઈને નેહા દિલ ખોલીને રડી પડી. સ્નેહાને થોડી શાંતિ પણ થઈ કે નેહાનું દિલ સાયરાને જોઈને હલકું થઈ ગયું. કૉલેજમાં દિલ લાગ્યું નહિ. બંને બહેનો ઘર તરફ રવાના થઈ. નેહાને ખબર હતી હવે સાગર તરફથી કોઈ ઈ-મેઈલ આવવાની નથી. કોઈ વોટ્સએપ મેસેજ આવાવાનો નથી. પણ તો પણ વારંવાર મેસેજ ખોલીને જોઈ લેતી હતી. ઈ-મેઈલ ચેક કરી લેતી હતી. સાગરના જવા સાથે એની દુનિયામાં અંધારું છવાઈ ગયું હતું! હવે ‘અધૂરા સપનાં’ ક્યારેય પુરાં થશે નહીં! આ અંધકાર એના સપનાંને ચકનાચૂર કરી ગયો હતો.

પ્રકરણઃ  ૩૨

સમય કોઈના રોકવાથીી રોકાતો નથી! સમયનું કામ છે, ચાલતા રહેવાનું. ચાહે કોઈનું પ્રિયજન મૃત્યુ પામે કે ચાહે કોઈના ઘરમાં નવજાત શિશુનું આગમન થાય. સમય તો વહેતો રહેવાનો! સાગર ચાલી ગયો પણ સમય ના થંભ્યો. દિવસો નીકળવા લાગ્યા કદાચ સાગરના પાર્થિવ શરીરને એમના સગાવહાલાં લઈ ગયાં  હશે. કદાચ હોસ્પિટલે જ એનો અંતિમ સંસ્કાર કર્યો હશે. એ સાગરના પ્રેમને ખૂબ જાણતી હતી. પણ એના વિષે કેટલું ઓછું જાણતી હતી. એને એટલી ખબર હતી કે બસ, આ દુનિયામાં એને સાગર જોવા નહિ મળે. એનો પ્રેમ હંમેશા એની છાતીમાં છૂપાયેલો રહેશે. પણ સાગરનો સાથ નહીં  મળે.

રોહિત અને એના માબાપ ભારત આવી ગયાં હતાં. બસ હવે પપ્પાને મળવાં આવવાનાં  હતાં. નેહાને રોહિતને મળવાની ખાસ ઈચ્છા નહોતી. પણ પપ્પાની ઈચ્છા સામે નમતું મૂક્યું અને રોહિતને મળવા તૈયાર થઈ ગઈ. જિંદગી કેવા કેવા મોડ પર લઈ જાય છે. સાગર સાથે જીવન વિતાવવાંનાં સપનાં તૂટી ગયાં  તો રોહિત સામે આવી ગયો. જિંદગી કેવી હશે એ આપણે ક્યાં નક્કી કરી શકીએ છીએ. રોહિત અને એના મમ્મી પપ્પા આજ સાંજે ઘરે આવવાનાં  હતાં.

સ્નેહા ખુશ હતી કે નેહાના જીવનમાં થોડો બદલાવ આવશે. સાગરના મૃત્યુ પછી નેહાનો મુરઝાયેલો ચહેરો જોઈને સ્નેહા, અને બા પપ્પાનું હૃદય કકળતું હતું. પણ નેહાને સાગરનો સોગ મનાવવા માટે ના પણ નહોતા કહી શકતાં!

રોહિતના પપ્પા મહેશભાઈ અને મમ્મી માધવીભાભી બંને ખૂબ મળતાવડા  સ્વભાવના હતાં. રોહિત પણ ખૂબ દેખાવડો અને બિલકુલ અમેરિકન બની ગયેલો યુવાન હતો. નક્કી કરેલા સમયે તેઓ નેહાના ઘરે આવી પહોંચ્યાં.

નેહા આછા ગુલાબી કલરના ચુડીદારમાં શોભી રહી હતી. સ્નેહાએ પેન્ટ શર્ટ પહેર્યા હતા. મમ્મી – પપ્પા દરવાજા પાસે દોડી ગયાં. પપ્પા તો મહેશભાઈને ભેટી જ પડ્યા. બા માધવીભાભીનો હાથ પકડીને અંદર લઈ ગઈ. નેહાએ ફિક્કા સ્મિત સાથે રોહિતને આવકાર આપ્યો. રોહિતે શેકહેન્ડ માટે હાથ લંબાવી દીધો. નેહા જરા સંકોચાઈ ગઈ પણ શેકહેન્ડ કર્યા. સ્નેહાએ પણ ,” હાય રોહિત” કરી શેકહેન્ડ કર્યા .

ઘરમાં આનંદનું વાતાવરણ હતું, પણ નેહાના ચહેરા પરથી ઉદાસી હટતી નહોતી.  સાગરનો ઘા હજુ તાજો હતો. બાએ ઊંધિયું, પૂરી, કઢી, ભાત, ખમણ અને શ્રીખંડ બનાવેલો. બધાએ પેટભરીને ખાધું અને રોહિત તો બિલકુલ અમેરિકનની જેમ રસોઈના વખાણ કરતો જ રહ્યો. બાને રોહિત ગમી ગયો હતો. નેહા માટે એને પરફેક્ટ લાગતો હતો. બા પપ્પાએ ખૂબ આગ્રહ કરીને મહેશભાઈ, માધવીભાભી અને રોહિતને રોકી લીધાં. નેહાને એ ખાસ ગમ્યું નહિ. એની ઈચ્છા તો આ લોકો જાય તો સાગરની યાદોમાં ખોવાઈ જવાની હતી.

સાંજ પડતા પપ્પાએ સ્નેહા અને નેહાને કહ્યું કે રોહિતને બગીચામાં લઈ જાય તો એ બગીચો જોઈ લે. નેહા કમને જવા તૈયાર થઈ. સ્નેહા તો રોહિતની દોસ્ત બની ગઈ હતી. એની બકબક ચાલુ થઈ ગઈ હતી. એકસરખી બોલતી હતી. અને રોહિત ચૂપચાપ નેહાને તાકી રહ્યો હતો. નેહા ખૂબ ઉદાસ દેખાતી હતી. એ આવ્યો ત્યારનો નોટિસ કરી રહ્યો હતો. ત્રણેય બગીચામાં આવી બેઠા! એટલામાં દાબેલા ચણા વાળો દૂર દેખાયો. સ્નેહા ઊભી થઈને એના તરફ ગઈ. રોહિતને નેહા સાથે વાત કરવાનો ચાન્સ મળી ગયો.

“નેહા!” રોહિત બોલ્યો.

નેહા એકદમ ચમકી ગઈ અને બસ એટલું કહ્યું,”હમ્મ”

“તું કેમ આટલી ઉદાસ દેખાય છે, આપણે તો બચપણના મિત્ર! મને યાદ છે તું મને ‘મોટુ’ કહીને ખીજવતી! તું  કેમ એકદમ આવી બની ગઈ છે? તારો દોસ્ત જ છું તું મને કંઈ પણ કહી શકે છે. અમે અહીં શું ઈરાદાથી આવ્યાં છીએ  એ પણ તને ખબર હશે! મમ્મીએ જ્યારે તારું નામ લીધું હું તરત તૈયાર થઈ ગયો તને મળવા માટે. અને મને જરાપણ વાંધો નથી તારી સાથે લગ્ન કરવા માટે. તને કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તારે બીજે ક્યાંય લગ્ન કરવાનો ઈરાદો હોય તું મને દિલથી કહી દે. આપણે મિત્ર તરીકે જ રહીશું.”

નેહાને સમજ ના પડી કે રોહિતને શું કહેવું? સાગરને પસંદ કરતી હતી પણ સાગર તો દુનિયા જ છોડીને જતો રહ્યો. એ વાત થોડી રોહિતને કહેવાય. પપ્પાએ રોહિતને પસંદ કર્યો છે. પપ્પાએ મારી બધી વાત માની છે. હવે મારે પપ્પાનું દિલ નથી દુભાવવું.  પણ રોહિતને હકીકત બતાવ્યાં વગર તો હું લગ્ન નહિ કરું.

“રોહિત, તમે અમેરિકા ગયેને વરસો વીતી કહ્યા. પંદર વર્ષ જેવા! આ વરસો દરમ્યાન આપણે તો કોન્ટેક્ટમાં ના રહ્યાં.  મારા તેમજ તારા જીવનમાં ઘણું બધું બની ગયું હશે. આપણે એકબીજાને સમજી ને વિચારોની આપ લે કરીને પછી કોઈ નિર્ણય લેવો જોઈએ. મારા શોખ મારા જીવનના લક્ષ વિષે પણ મારે તને ઘણું કહેવાનું છે. એક અછડતી મુલાકાતમાં જિંદગીના ફેંસલા તો ના થાય ને!”

રોહિત બોલ્યો, “તારી વાત સાવ સાચી છે. મારે તને મારા ટીનેજના ક્રશ અને ડેટિંગ વિષે બતાવવું તો પડશે!” કહીને એ સહજતાથી હસી પડ્યો. એટલામાં સ્નેહા ત્રણ પેકેટ દાબેલા ચણાનાં લઈને આવી. એક રોહિતને પકડાવ્યું, એક નેહાને આપ્યું અને એક મસ્તીથી પોતે ખાવા લાગી!

રોહિતે સ્નેહાને પૂછ્યું,” આ ખાવાથી મારી તબિયત તો નહિ બગડેને?”

સ્નેહા બોલી,” અરે યાર, આ ભારત છે , અહીં કાંકરા ખાઓ તો એ પણ પચી  જાય. દાબવા મંડો, કાંઈ નહિ થાય હું ગેરેન્ટી આપું છું. ”

રોહિત પણ હસી પડ્યો! રોહિત હસતો હતો ત્યારે ખૂબ આકર્ષક લાગતો હતો. બરાબર એની નોવેલના હીરો જેવો. નેહાએ પણ આછું સ્મિત કર્યું. દુઃખના ઓસડ દહાડા અને જો કોઈ સાચો મિત્ર મળી જાય તો એ દુઃખ રફુચક્કર પણ થઈ જાય.

સાંજ પડવા આવી હતી. સૂર્ય પશ્ચિમ તરફ ઢળવા લાગ્યો. ત્રણેય ઊભાં થઈને ઘર તરફ જવા લાગ્યા. નેહાનો ઉદાસ ચહેરો વધારે ઉદાસ થઈ ગયો હતો. સાંજ પડતા સાગરની યાદ તીવ્ર બની ગઈ. પ્રિય વ્યક્તિ શા માટે દિવસના અમુક ભાગમાં વધારે યાદ આવતી હશે! શા માટે અમુક ઋતુ વધારે તડપાવતી હશે! ઢળતો સૂરજ જાણે સાગર બની ગયો અને હમણાં સાગર છૂપાઈ જશે! હમણાં! અને આ સૂરજ તો કાલે ફરી ઉગશે, પણ મારો સાગર કદી નહિ આવે! ઓહ સાગર ! નેહાને એક ગીત યાદ આવી ગયું, “હુઈ શામ ઉનકા ખયાલ આ ગયા!” નેહાએ રોહિત ના જુએ એ રીતે આંસુ લૂછી લીધા.

રોહિતને લાગ્યું કે નેહા ચોક્કસ કોઈ વાત છૂપાવી રહી છે. નેહા મારી મિત્ર છે. એનું દુઃખ જરૂર દૂર કરવા કોશિશ કરીશ. પણ મને દુઃખની ખબર તો પડે! હું ચોક્કસ એને સાથ આપીશ અને મમ્મીને પણ કહી દઈશ કે નેહાના પપ્પા પર કોઈ પ્રેશર ના કરે.  નેહાની વાતો રોહિતને ગમી ગઈ હતી. સ્નેહા જેટલી નટખટ હતી નેહા એટલી જ શાંત હતી. બંને બહેનો દેખાવડી હતી. પણ સ્નેહા હજુ નાદાન હતી. અને નેહા મેચ્યોર લાગતી હતી.

બાએ સરસ મજાની ખીચડી અને કઢી બનાવેલા! લંચ હેવી ખાધું એટલે મહેશભાઈએ આગ્રહ કરેલો કે કૈક હલકું જ બનાવો.  સૌએ ડિનર ખાધું અને બહાર બગીચામાં આવીને બેઠા! ચાંદની ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. રોહિત ચાંદનીમાં નેહાના સૌંદર્યને નિહાળી રહ્યો. મહેશભાઈને પણ નેહા ગમી ગઈ હતી. આવતી કાલે હું મારા મિત્ર પાસે નેહાનો હાથ માગીશ એ ના થોડી પાડશે?

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.