અધૂરાં સપનાં ~ લઘુ નવલકથા ~ ભાગ ૧ ~ સપના વિજાપુરા

અમને ફીડબેકમાં એવા સવાલો મળતાં રહ્યાં છે કે વાચકોને નવલકથા કે લઘુનવલકથાના પ્રકરણો વાંચવા માટે એક અઠવાડિયું રાહ જોવી શું આવશ્યક છે? તો આજે, એના નિરાકરણ માટે એક નવા પ્રયોગ તરીકે આ લઘુનવલ ચાર ભાગમાં રજૂ કરવાના છીએ. ભાગ ૧ અને ભાગ ૨ આજે મૂકાશે અને ભાગ ૩ અને ભાગ ૪ કાલે પ્રકાશિત થશે. આ લઘુનવલ સાંપ્રત કાળની છે. એમાં એક સ્ત્રીના સપનાં પૂરા કરવાની જિદ પણ છે, સફળતા પણ છે અને કેટલાંક સપનાં પૂરા કરવા પાછળ કેટલું પાછળ છૂટે છે એની હ્રદયસ્પર્શી કહાની છે, જે સત્યઘટના પર આધારિત છે. આપ સહુ વાચકોના પ્રતિભાવનીઅપેક્ષા રાખીએ છીએ. આશા છે આપ આ વાર્તાને વધાવી લેશો.

આ વાર્તાના લેખિકા સપના વિજાપુરા, “આપણું આંગણું” માટે નવું નામ નથી. તેઓ ડાયસ્પોરાના સર્જકોમાં આગવું સ્થાન ધરાવે છે. એમની કલમે કાવ્યસંગ્રહો અને નવલકથા આપી છે.

એક સર્જક તરીકે સપના વિજાપુરા પોતાની આ લઘુનવલ માટે શું કહે છે એ એમના જ શબ્દોમાં અહીં રજૂ કરી રહ્યાં છીએ.
“સત્યઘટના પર આધારિત લઘુનવલ, “”અધૂરાં સપનાં” મારા હૃદયથી ખૂબ નજીક છે . સપનાં પૂરાં થાય કે નહીં , પણ સૌએ સપનાં જોવાં જોઈએ ! કારણ કે સપનાં જીવવાનું બળ આપે છે . જિંદગીમાં આગળ વધવાની પ્રેરણા આપે છે . ‘અધૂરાં સપનાં ‘ની નાયિકા નેહાનું જીવન ભલે દુઃખમય રહ્યું ,પણ એનાં સપનાને કારણે એનું જીવન અવિરત ચાલતું રહ્યું. એક સપનાને પૂરું કરવાનિ જિદે નેહાને આગળ વધવાની ધગશ આપી . સાગર અને રોહિતે એનાં સપનાંને સાકાર કરવામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે મદદ કરી. સપનું પૂરૂં કરવાની જિદ જ ઘણીવાર લક્ષ બની જાય છે.  જીવનને સંપૂર્ણતાથી જીવવા માટે , માણવા માટે, કોઈ લક્ષ હોવું જરૂરી છે . બધાં લોકો લક્ષને પામી ન પણ શકે પણ એને પામવા માટે કરેલો પરિશ્રમ જીવનને જીવવા જેવું બનાવે છે. ઘણીવાર, નેહા જેવાં દ્રઢનિશ્વયી લોકો લક્ષ સુધી પહોંચી પણ જાય છે. બસ, ‘ અધૂરાં સપનાં ‘ એક સપનું પૂરું થાય પણ અનેક સપનાં અધૂરાં રહી જાય એવી નારીની હ્ર્દયસ્પર્શી કહાની છે . માર્ગમાં કેટલાય સંકટ આવે , કેટલાય દુ:ખ આવે લક્ષ પર નજર રાખવાની મારી આદતે નેહાના પાત્રને જન્મ આપ્યો છે . આશા રાખું છું કે આપ સર્વને આ કહાની પરથી પ્રેરણા મળશે.

પ્રકરણઃ  ૧

નેહા એક આર્મચેરમાં બેસીને પોતાની તાજી પ્રકાશિત વાર્તાનું શીર્ષક વાંચી રહી હતી. ‘ અધૂરાં  સપનાં ‘સપનાં તૂટી જાય તો આંખોમાં એની કરચો ખૂંચે છે. અને કોઈ સપનાં તો ફક્ત તૂટવા માટે જ જોવાતાં છે. અખંડ આનંદમાં એની વાર્તા છપાઈ હતી.

એક સપનું એને પણ યાદ હતું. એ ટીનેજર હતી ત્યારથી એ સપનું જોતી હતી કે એની કોઈ વાર્તા કોઈ કવિતા કોઈ મોટા મેગેઝિનમાં પ્રકાશિત થાય . કોઈ એની કવિતા ‘કવિલોક’ કે નવનીત સમર્પણ  કે કોઈ બીજા માસિકમાં આવે પણ એ સપનું કદી ફળ્યું નહિ. આથી   એણે ગદ્ય તરફ પગરણ કર્યા. હવે એ જગ્યાએ જગ્યાએ વાર્તા મોકલવાનું ચાલુ કર્યું. પણ કોઈ પણ મેગેઝિને એની વાર્તા લીધી નહિ. એ નિરાશામાં સપડાતી ગઈ. એને થતું હતું કે , શું મારું સપનું કદી પૂરું નહીં થાય? શું હું કદી સારી લેખિકા નહિ બની શકું? સારી લેખિકા બનવા માટે  શું  કોઈ ખાસ  બિરુદ જરૂરી છે? શું હું એવી લેખિકા નથી  કે મારી વાર્તા કોઈ મેગેઝિનમાં આવે!

એક દિવસ અચાનક ટપાલી પોસ્ટકાર્ડ ઘરમાં ફેંકી ગયો . અને એનું સપનું સાકાર થઈ ગયું. જી હા અખંડ આનંદે એની વાર્તા લીધી હતી. એટલું જ નહીં,  પૈસા જમા કરાવવા માટે એકાઉન્ટ નંબર માંગ્યો હતો. નેહાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અખંડ આનંદે એની વાર્તા સ્વીકારી. તેમજ  બીજી વાર્તાઓ લખી મોકલવાનું  આમંત્રણ પણ આપ્યું. એ વારંવાર પોસ્ટકાર્ડ વાંચતી રહી.

વાંચનનો એને ખૂબ શોખ હતો. આ શોખ પપ્પાના વાંચનના શોખને લીધે કેળવાયો હતો. એ  નાની હતી ત્યારે  પપ્પા રમકડું વેતાળ, મેગડૅડ અને ટીનેજર થઈ ત્યારે ચિત્રલેખા, ગૃહશોભા સ્ત્રી વગેરે માસિક લાવતા હતા.

લાયબ્રેરીના ગ્રંથપાલકાકા એને ખૂબ સારી રીતે ઓળખતા હતા. કોઈપણ નવી નૉવેલ આવી હોય તો નેહા માટે સંતાડીને મૂકી રાખતા. અને અઠવાડિયામાં ત્રણચાર વાર લાયબ્રેરના ફેરા હોય. બપોરની બળબળતી ગરમીમાં ફર્શને પાણીનું પોતું કરી પંખા નીચે તકિયો લઈને એ કોઈ નૉવેલ લઈને પડી હોય. એની નાની બહેન સાથે નૉવેલના એક એક સીનની ચર્ચા કરતી. આ સીન આને બદલે આમ હોય તો. હીરો આવો હોય તો અને હિરોઇન આવા કપડાં પહેરે તો. આ ડાયલોગ આમ લખાયો હોત  તો એવી ચર્ચા કરી બહેનનું માથું ખાતી હતી.

વાંચનનો શોખ એને લખવા પ્રેરતો. અને અંતે કલમ ઉઠાવી!. પહેલા તો ફક્ત ગઝલ, નઝમ અને કાવ્ય લખતી. પણ પછી તો વાર્તા, નાટક અને સ્ક્રીનપ્લે પણ લખવાં લાગી.

એના સપનાં સાકાર થવાનાં હતાં. હવે નેહા લોકો સુધી લખતી નહોતી પણ કોઈ માટે લખતી હતી. એ કૉલેજ જતી અને સાયન્સની વિદ્યાર્થીની હતી. ભણવાનું ખૂબ અઘરું હતું. પપ્પાની ઈચ્છા હતી કે એ ડૉકટર બને, પણ નેહાની આંખોમાં તો બીજા જ સપનાં રમી રહ્યાં હતા. એક લોકપ્રિય લેખિકા બનવાના! એક મોટી લેખિકા જેની વાર્તાઓ અને નાટક સ્ટેજ પર ભજવાઈ. જેની સ્ક્રિપ્ટ ફિલ્મોમાં લેવાય. જેની આજુબાજુ ફેનની   લાઈન લાગી જાય. જેની આજુબાજુ ઓટોગ્રાફ લેવા માટે ભીડ જમા થઈ જાય. જેની બુક્સની પ્રથમ, બીજી, ત્રીજી એવી આવૃત્તિ છપાઈ.

પણ સાયન્સમાં દાખલ થઈ એટલે ગુજરાતી સાહિત્યને અભરાઈએ ચડાવવું પડ્યું. દિવસો મહિનાઓ અને છેવટે વરસો વીતવા લાગ્યા. કૉલેજના ત્રીજા  વર્ષમાં આવી ગઈ. લખવાનું ચાલુ જ હતું. ‘અખંડ આનંદ ‘ પછી ડાયજેસ્ટ અને ગૃહશોભા, ચિત્રલેખામાં વાર્તા અને કવિતા મોકલતી રહી. બધી વાર્તા અને નાટકના અંતમાં પોતાનો ફોન નંબર તથા ઈ-મેઈલ લખવાનું ભૂલતી નહિ. હવે ડાયજેસ્ટ અને ગૃહશોભામાં એની વાર્તા પ્રકાશિત થતી હતી.

એ દિવસે એ ખૂબ ખુશ હતી. આજ સવારે જ્યારે એ યુનિવર્સિટી જવાની તૈયારી કરતી હતી. ત્યાં ફોનની રિંગ વાગી. ચેતન પારેખનો ફોન હતો. એમણે ખૂબ નમ્ર અવાજમાં પૂછ્યું,” નેહાજી છે એમની સાથે વાત કરવી હતી.”

નેહાએ કહ્યું,” હું નેહા બોલું છું, આપની ઓળખાણ ના પડી.”

ચેતન પારેખજીએ કહ્યું,” હું ચેતન પારેખ બોલું છું, હું ફિલ્મ ડાયરેક્ટર છું. મેં તમારી વાર્તા ‘ અધૂરા સપનાં’ ડાયજેસ્ટમાં વાંચી. હું એના પરથી એક ફિલ્મ બનાવવા ઈચ્છું છું જો તમે એ વાર્તાને સ્ક્રીનપ્લેમાં બદલી શકો તો આપણે બંને મળીને આ ફિલ્મ બનાવીએ. મને વાર્તા ખૂબ જ ગમી છે. મને નવોદિતને ઉપર લાવવા ગમે છે.”

નેહા તો જાણે સ્તબ્ધ થઈને ચેતનકુમારની વાત સાંભળતી રહી. એને લાગ્યું કે એના પગ હવામાં ઊંચકાઈ ગયાં છે અને વાદળ સાથે ઊડી રહી છે. ચેતનકુમારનો અવાજ સંભળાયો,” હલ્લો હલ્લો આર યુ ધેર ? નેહા એકદમ ચોકી પડી. ” યસ યસ , આઈ એમ લિસનિંગ.

ચેતનકુમાર બોલ્યા,” તો શું તમને લાગે છે કે તમે મારા માટે સ્ક્રિપ્ટ લખી શકશો? વાર્તા અને પાત્રમાં કોઈપણ બદલાવ લાવ્યા વગર?”

નેહા બોલી; “ચોક્કસ હું પ્રયત્ન કરું છું અને આપ મને આપનો ફોન નંબર આપો તો સ્ક્રિપ્ટ તૈયાર થાય એટલે તમને કોલ કરી જણાવું. પછી આપ કહેશો ત્યાં હું સ્ક્રિપ્ટ મોકલી આપીશ.”

એ દિવસ રાત ‘ અધૂરા સપનાં ‘ ની સ્ક્રિપ્ટ લખવામાં પડી ગઈ. એની આંખો સપનામાં ડૂબી જતી. વાર્તાના નાયક અને નાયિકા એના જીવનનો ભાગ બની ગયા. એ જેવા જીવનની કલ્પના કરતી હતી એવું જીવન એના પાત્રો જીવી રહ્યાં હતાં. નેહાએ લેપટોપમાં સ્ક્રિપ્ટ લખવાની શરૂ કરી.

“વાર્તાની નાયિકા સપના એક ખૂબસૂરત યુવતી હતી. એના લાંબા કાળા વાળ જાણે વળ ખાતી નાગણ જેવા હતા. ગોળ ચંદ્રમા સમ મુખ ચંદ્રમાને શરમાવે તેવું હતું. હોઠ જાણે ગુલાબની અર્ધ ખીલેલી કળી! નખશિખ સુંદર સપના જાણે કોઈ કવિની કવિતા લાગતી હતી. સપના હમેશા સપનાની દુનિયામાં વિહરતી  અને સપનાંને સાચા કરવા મથતી એક વિદ્યાર્થીની હતી. જેને દેશ વિદેશ ફરવાનો શોખ હતો . સપનાની દુનિયામાં એક રાજકુમાર  ઘોડા પર બેસીને નહીં, પણ મર્સીડીઝમાં  સવાર થઈને આવતો. એનું નામ આકાશ હતું અને એ ખૂબ અમીર ઘરનો દીકરો હતો. એ ઊંચો, ગોરો, દેખાવડો. થોડી થોડી દાઢી વધારેલી. મદિરાના જામ ભરેલાં હોય એવી એની આંખો, વાંકડિયા વાળ, જીમમાં કસાયેલું શરીર. કોઈ એની સામે જુએ તો બસ જોતો જ રહી જાય. એ કોઈ બીજી દુનિયાનો ફરિશ્તો લાગતો હતો.

સપનાને ટ્રાવેલનો શોખ હતો એટલે ફેસબુક પર એ જયાં જયાં ફરવા જાય ત્યાંના ફોટાઓ મૂક્યાં કરતી. ક્યારેક ઈજિપ્તના પિરામિડ, ક્યારેક ટર્કીની બ્લ્યુ મસ્જિદ, ક્યારેક દુબઈ અલ બુરજ ટાવર તો ક્યારેક લંડન બ્રિજ. વળી આ બધી જગ્યાનું સચોટ વર્ણન કરીને પણ લખે. વર્ણન એવું હોય કે વાંચનાર તે જગ્યાએ પહોંચી જાય. આકાશ એનો ફેસબુક ફ્રેન્ડ હતો. એ રોજ આ ફોટા પર કંઈક ને કંઈક કોમેન્ટ કરે. મેસેજમાં ‘શુભસવાર’ અને ‘શુભરાત્રી’ના   મેસેજ પણ મોકલે. સપના સામે સ્માઈલી કે આભારનું  ‘જી આઈ એફ’ મોકલી આપે.

પણ આકાશ એના ફોટાને કલાકો સુધી તાક્યા જ કરતો અને એ બધી જગ્યા પર કલ્પનામાં સપના સાથે પહોંચી જતો. એને થતું કે જીવનમાં સપના જેવી યુવતી આવે તો જીવન સાર્થક થઈ જાય. આ બધી જગ્યા પર સપનાના હાથમાં હાથ નાખી ફરવાની કેવી મજા આવે!

ફેસબુક ફ્રેન્ડ સિવાય પણ બંને એક જ કૉલેજમાં ભણતા હતા. ફેસબુકની મિત્રતા સાચી મિત્રતામાં ફેરવાઈ ગઈ. બંનેનો રોમાન્સ કૉલેજમાં ગુંજવા લાગ્યો. બંને પૈસાદાર માબાપના સંતાનો હતા. મિત્રતા અને રોમાન્સ ચરમ સીમા સુધી પહોંચતાં વાર ન લાગી. બંને ‘દો બદન, એક જાન’ જેવા થઈ ગયા. બંનેને એકબીજા વગર ચાલે જ નહિ. જો એક કૉલેજ ના આવે તો બીજાની આંખો આખો દિવસ એને શોધ્યા કરે અને મોબાઈલની રિંગ રણકવા લાગે. તેઓ કૉલેજમાં સારસ બેલડી તરીકે ઓળખાવા લાગ્યા. દીવાલો પર ને વોશરૂમમાં, બધે જ એમના નામ લખાઈ ગયાં. પણ બંનેને કોઈની પરવા નહોતી. બંને ફક્ત એકબીજાને મળવા માટે જ કૉલેજ આવતા હોય એવું લાગતું હતું.”

જે બધી જગ્યાનું એ વર્ણન એ લખતી હતી, એ ગુગલ કરીને લખતી હતી. પણ એનું વર્ણન એટલું સરસ કર્યું કે વાંચનાર વ્યકિત એને એમજ લાગે કે આ જગ્યાને પ્રત્યક્ષ જોઈ આવી હશે!

નેહાએ એની સ્ક્રિપ્ટનું ડોક્યુમેન્ટ “સેવ” કરીને, લેપટોપ બંધ કર્યું, આંખ બંધ કરી, અને આળસ મરડી. રાત તો ક્યારનીયે થઈ ચૂકી હતી. અડધી અડધી રાત સુધી જાગીને એ સ્ક્રિપ્ટ તૈયાર કરી રહી હતી.

પ્રકરણઃ ૨

નેહા હવે સૂતાં-જાગતાં સ્ક્રિપ્ટને જ  અવિરત શ્વસી રહી હતી. સપના અને આકાશ જાણે એની રુહમાં ઊતરી ગયાં  હતાં. ઘણીવાર લેખકના દિલની આરઝુ શબ્દ બનીને કાગળ પર ઉભરાતી  હોય છે. જે જીવન સપના જીવી રહી હતી, એ જીવન જીવવાની ઈચ્છા નેહાની હતી. કોઈ એવી વ્યકિત જે ખૂબ રોમૅન્ટિક હોય, બિલકુલ આકાશ જેવી અને એની સાથે ક્યારેક એફિલ ટાવર નીચે બેઠી હોય, તો ક્યારેક મોરોક્કોમાં ફરતી હોય, તો ક્યારેક જર્મની તો ક્યારેક ઇટલી, વેનિસના પાણીમાં બોટ લઈને ફરતાં  હોઈએ અને આકાશ જેવો યુવક એની માટે ઇટાલિયન ભાષામાં રોમૅન્ટિક ગીત  ગાતો હોય! આહાહાહા…. શું  કલ્પનહોતી! નેહાની આંખો સપનાંનાં ભારથી લચી પડી.

એ પાત્રોમાં એટલી ગુમ થઈ જતી કે એને સપનાંની દુનિયામાંથી બહાર આવતાં ખૂબ વાર લાગતી. રાતે જાગી જાગીને એ સ્ક્રિપ્ટ લખી રહી હતી. પરીક્ષા પણ માથા પર હતી. પણ ફિલ્મ બનાવવાનો શોખ એવો લાગેલો કે ભણવામાં જીવ ચોંટતો જ  નહોતો.

ચેતનકુમારે દોઢ મહિનાનો સમય આપેલો. એટલે એ સમય દરમ્યાન કામ પતાવી દેવું એવું એ માનતી હતી. ‘મારી પહેલી સ્ક્રિપ્ટ છે. મારે મારી શિસ્ત બતાવવી જ  જોઈએ. બસ હવે થોડું  કામ બાકી છે. જલ્દી ચેતનકુમારને ફોન કરી ને સ્ક્રિપ્ટ મોકલી આપીશ.’
એટલામાં ફોનની રિંગ વાગી. એ બબડી,” અત્યારે કોણ લોહી પીવે છે. મારી પાસે તો મરવાનો સમય નથી.” ફોન ઉપાડીને એ બોલી ,’હલ્લો.’
સામેથી ‘અખંડ આનંદ’ ના તંત્રી બોલી રહ્યા હતા. ” મિસ નેહા, મારી પાસે તમારા માટે કોઈ ભેટ છે. તમારા  કોઈ ચાહકે મોકલી છે અને સાથે પત્ર પણ  છે. તેમ જ મારા પર પણ પત્ર છે અને ખૂબ આગ્રહ સાથે લખ્યું છે કે આ ભેટ હું આપને જરૂર પહોચાડું. તો તમે લેવા આવો છો કે હું તમને કુરિયર કરું? કુરિયરનો ચાર્જ તમારે આપવાનો રહેશે.”

નેહા વિચારમાં પડી ગઈ. ખરેખર ત્યાં ધક્કો ખાવા જેવો છે. વળી ફેન એવો શું આગ્રહ રાખતો હશે? મારા પર તો ઘણા ફેન ના ફોન અને ઈ-મેઈલ આવે છે. વળી આ શું કે ભેટ મોકલાવી? શું કરું? શું કરું?
એણે મનોમન નક્કી કરી લીધું. ‘ચાલો, કંઈ નહિ. કુરિયર જ કરાવી દઉં. કોણ ધક્કો ખાય!’ એણે તંત્રીને કુરિયર કરવા કહી દીધું.

બીજા દિવસે કુરિયર મળી ગયું. નેહાને નવાઈ લાગતી હતી કે કોઈ ફેન એને આ રીતે ભેટ મોકલાવે! એણે ધડકતા દિલે બોક્સ ખોલ્યું. અંદરથી ગુલાબી રંગનો સુગંધી પેપર નીકળ્યો. પેપર હટાવ્યો તો અંદર એક ડાયરી અને પેન હતા. ડાયરી ખોલતાં  એમાંથી પત્ર સરી પડ્યો.

નેહાને લાગ્યું કે એની આંગળીના ટેરવામાં ખાલી ચડી ગઈ છે.  પત્ર ખોલતાં પણ વાર લાગી રહી હતી. એને પત્રને સૂંઘી લીધો. પત્રમાથી ચમેલીની સુગંધ આવી રહી હતી. એને આંખો બંધ કરી એ સુગંધને ફેફસાંમાં કેદ કરી લીધી. ધીરેધીરે ઘડી કરેલા પત્રને  ખોલવા લાગી.

“હાઈ, નેહાજી ,

આમ તો નમસ્તે લખવાનો હતો પણ તમારા જેવી રોમૅન્ટિક રાઈટર માટે એ વાત જરા અજુગતી લાગી. હા, તમે કુંદનિકા કાપડિયા કે  વર્ષા  અડાલજા જેવાં લેખિકા હોત તો યોગ્ય લાગત. હું આશા રાખું છું કે તમને ખરાબ નહિ લાગ્યું હોય.

તમારી વાર્તા અખંડ આનંદમાં વાંચ્યા પછી તમારો ફેન ( યા કહું કે દીવાનો ) બની ગયો છું. વાંક તમારો નહિ, પણ તમારા લખાણનો છે. તમને તો મેં જોયા પણ નથી. પણ મારી કલ્પનાની દુનિયામાં હું તમારી રોજ કલ્પના કરું છું. ક્યારેક ઈજાજત હશે તો તમને કહી બતાવીશ કે મારી કલ્પનામાં તમે કેવા  દેખાવ છો.

તમને હરવા-ફરવાનો ખૂબ શોખ લાગે છે. તમારી નાયિકાના ટ્રાવેલના વર્ણન પરથી ધારી લઉ છું. મને પણ દેશવિદેશ ફરવાનો શોખ છે. તમારા નાયક અને નાયિકા જેવી જ જિંદગી મારે જીવવી છે. જો ઈશ્વરની ઈચ્છા હશે તો મારું આ સપનુ જરૂર પૂરું થશે. તમે સપનાં જુઓ છો? તમારી વાર્તા પરથી લાગે છે કે તમે પણ સ્વપ્નશીલ છો, મારી જેમ જ સ્તો! ક્યારેક મળીશું તો તમને મારા સપનાં વિષે જરૂર જણાવીશ. જો આપને મારા સપનાંમાં રસ હોય તો!

તમારી વાર્તાની  નીચે તમારું ઈ-મેઈલ તો હતું પણ મારી હિંમત ના ચાલી ઈ-મેઇલ  કરવાની. ફોન કરવાની પણ. તમારી ઈજાજત વગર મારે તમારો કોન્ટેક્ટ કરવો નહોતો. તેથી ‘અખંડ આનંદ’ ની મદદ લીધી છે. હું મારું ઈ-મેઇલ તથા ફોન નંબર મૂકું છું. જો ઈચ્છા થાય તો તમારા મધુર અવાજનો રણકો મને જરૂર સંભળાવશો.

હા, આ ડાયરી તમારા માટે એટલા માટે મોકલી છે કે તમે મને રોજ યાદ કરી એમાં કંઈક લખો.

આપનો ચાહક,
સાગર મલ્હોત્રા”

નેહાએ જોયું કે ડાયરી તથા પેન બંને ખૂબ મોંઘા હતા. જરૂર કોઈ અમીરજાદો લાગે છે. શોખ પણ અમીરજાદા જેવા રાખે છે. એ બિચારાને ક્યાં ખબર છે કે આ બધાં પ્રવાસના વર્ણન ફક્ત ગુગલ ગુરુ અને મારી કલ્પના શક્તિથી કરેલા છે. હું તો દેશની તો શું જિલ્લાની બહાર પણ નથી ગઈ. હા, ક્યારેક જઈશ તો ખરી! નેહાના ચહેરા પર સ્મિત આવી ગયું. આ કલ્પનાની દુનિયા ભલભલાને થાપ ખવડાવે છે. નેહાએ ડાયરી સાથે પત્ર અને પેન એક બાજુ મૂકી દીધા અને પોતાને કામે લાગી ગઈ.

રાત્રે જ્યારે સ્ક્રિપ્ટ લખવા બેઠી તો ખબર નહિ કેમ, પણ વારંવાર સાગર મલ્હોત્રાના કાગળના શબ્દો એની સામે ઊભરાઈને આવી જતા હતા. સાગરને એણે જોયો નહોતો. પણ એનું હૃદય સાગરની તસ્વીર બનાવવા બેસી ગયું. શું સાગર મારા હીરો જેવો હશે, ઊંચો, ગોરો, કદાવર અને કસાયેલ શરીરવાળો? શું એની આંખો મદિરા છલકાવતી હશે? એના વાંકડિયા વાળ એના ગોરા કપાળ પર એવી રીતે અડકતા હશે જે રીતે ચાંદ પર વાદળ છવાઈ જાય છે? હાથના આંગળા કમ્પ્યુટર પર ચાલતાં અટકી ગયાં.  એની બહેન પણ ત્યાં રૂમમાં જ હતી. એણે આ જોયું અને બહેને એને ટોકી,” નેહા, શું વિચારમાં ખોવાઈ ગઈ છે? હાથ કેમ ટાઈપ કરતાં અટકી ગયા છે? કોના વિચારમાં ગુમ છે?”
એ હસી પડી અને કહ્યું,” મારા એક ફેનનાં!”

અને એ બંને નિર્દોષતાથી ખડખડાટ હસી પડ્યાં.

પ્રકરણ: 3

નેહા પોતાની સ્ક્રિપ્ટ  પર કામ કરી રહી હતી. એ સાગરની વાત લગભગ ભૂલી ગઈ હતી. એના ચાહનારાઓની સંખ્યા ઘણી વધી ગઈ હતી. ક્યારેક કોઈની ઈ-મેઈલ તો ક્યારેક કોઈના ફોન! એને આવી  પબ્લિસિટી ગમતી હતી. તેથી જ તો એ લેખિકા બની હતી.

મમ્મી પપ્પાને આ બધું ઓછું ગમતું હતું. પપ્પાને તો એને ડૉકટર  બનાવવી હતી. પપ્પા કહેતાં કે, “આ શું રોમાન્સની વાતો લખી ને લાખોનો ચાહક વર્ગ ઊભો કર્યો છે?”
ડૉક્ટર  તો  એ  બની નહિ. સાયન્સનાં ચાર વર્ષ મુશ્કેલીથી પૂરાં કરી રહી હતી. હજુ તો કૉલેજનું ત્રીજું વર્ષ હતું. ડૉક્ટર ના બની શકી તો કાંઈ નહિ એ એક સારી લેખિકા તરીકે નામના મેળવી રહી હતી.

રોજ ઈ-મેઈલ ખોલતી તો ઢગલાબંધ ફેનની ઈ-મેઈલ આવી જ હોય. કોઈનો જવાબ આપતી, કોઈને આભારથી પતાવી દેતી. પણ આજ ઈ-મેઈલ ખોલી તો સાગર મલ્હોત્રાની ઈમેઇલે એનું ધ્યાન ખેંચ્યું.

“નેહાજી ,

ડિયર લખવાની હિંમત આવી નથી. આશા રાખું છું કે મારી ભેટ તમને મળી ગઈ હશે. એ ડાયરીમાં તમે રોજ કંઈક  ટપકાવશો તો મને આનંદ થશે. અને આપની બોલતી આંગળીના ટેરવે પતંગિયાની જેમ એ કલમ બેસશે તો મારી જાતને ભાગ્યશાળી સમજીશ.

જ્યારથી તમારી વાર્તાઓ વાંચું છું તો હું પણ લેખક બની ગયો છું. કલ્પનામાં તમારી સાથે પ્રવાસે નીકળી પડું છું. અને કલ્પનામાં આકાશે ઊંડું છું. તમે શું જાદુ જાણો છો? તમને જોયાં નથી તેમ છતાં તમારી કલ્પના કરી શકું છું. આ જાદુ નહીં તો બીજું શું છે? તમને લાગશે કે હું પાગલ છું. તો હા, હું એવો જ છું.

તમારી ઈ-મેઈલની ખૂબ રાહ જોઈ. પણ તમે મારી ભેટ માટે આભાર પણ વ્યક્ત ના કર્યો તેથી માની લઉં છું કે આપને ભેટ ખાસ ગમી નહિ હોય. અથવા તો મારી જેવા તમારી પાસે હજારો ફેન હશે. એ બધાંમાં હું તમને ક્યાંથી યાદ રહું ? આ ઈ-મેઈલનો જવાબ નહિ આવે તો મારે ના છૂટકે આપને કોલ કરવો પડશે. અને એ બહાને તમારો મધૂર સંગીતમય અવાજ સાંભળવા મળશે. જો સમય મળે તો ઈ-મેઈલ જરૂર કરશો.

આપનો અદનો ચાહક

સાગર મલ્હોત્રા”

નેહા ત્રણચાર વાર ઈ-મેઈલ વાંચી ગઈ. આટલા બધાં એના ફેન હતાં. પણ કોઈએ આવી રીતે લખવાની હિંમત નહોતી કરી, ભલેને પછી વાર્તાની પ્રશંસા હોય કે પછી બીજી વાર્તાની રાહ જોવાતી હોય. એને થયું કે ‘આ સાગર તો કેવી કેવી વાતો લખે છે? વળી ભેટ પણ મોકલી! મારે આભાર તો માનવો જ રહ્યો. ઈ-મેઈલ કરું? ના, ના વળી ક્યાંક લફડું વધી જાય.’

આમ આવા વિચારોમાં અટવાયેલી નેહા એનું મન સાગરના વિચારમાંથી મુક્ત કરવા મમ્મીને ઘરકામમાં મદદ કરવા લાગી. પણ એના વિચારોમાંથી સાગર ના નીકળી શક્યો. એ વિચારતી હતી કે, ‘જો ઈ-મેઈલ નહિ કરું તો ફોન આવી જશે.’ અને આવા કોઈ ફોન માટે એ તૈયાર ન હતી.

એણે મનોમન નક્કી કર્યું કે “એ રાતે જ સીધીસાદી આભારની ઈ-મેઈલ જ કરી દેશે. આ સાગર છે કોણ જેના વિચાર મારે કરવા નથી પણ આખો દિવસ મારા મગજ પર સવાર રહે છે. એને મેં જોયો નથી અને એક પત્ર અને એક ઈ-મેઈલમાં તો એ મારા વિચારમાં એવો વણાઈ ગયો છે કે જાણે મારો અને એનો વરસોનો સંબંધ હોય. મારે એના વિચાર ના કરવા જોઈએ. બસ, આજ રાતે ઈ-મેઈલ કરી આ વાતનો અંત લાવી દઈશ.”

રાતે સાગરને ઈ-મેઈલ લખવા બેઠી.

‘સાગર,

આપની મોકલેલી ભેટ મળી. આપને એ મોકલવાની જરૂર નહોતી. પણ મોકલી છે તેથી સ્વીકારી લઉં છું. આભાર!

નેહા’

એને ઈ-મેઈલ સેન્ડ કરી પણ એના હૃદયને સંતોષ થતો નહોતો. ઊંઘ આવતી નહોતી. વારંવાર ઈ-મેઈલ ચેક કરતી હતી. સાગરનો જવાબ નહોતો. મનમાં એ બોલી સારું થયું. ટાઢા પાણીએ ખસ ગઈ. પણ તો પછી આ બેચેની શાની હશે? આખી રાત પાસા બદલતી રહી. સ્ક્રિપટ  પણ લખી ના શકી. કામ પણ થયું નહીં ! બસ ખાલી ખાલી બેચેનીમાં રાત નીકળી ગઈ. સવારે ઊઠીને ચા પાણી કરી લખવા માટે બેઠી. પણ એ વિચારતી રહી,’ મારી ઈ-મેઈલ જરા રુક્ષ હતી. મારે કોઈ પણ ફેન માટે આવું રુક્ષ લખાણ ના લખાય.

શું કરું? શું કરું? ફરી ઈ-મેઈલ કરું? અરે અરે હું શું કામ આટલી બધી ચિંતા કરું છું. સાગર મારો કોણ છે કે જેની ચિંતા મારે કરવી પડે? ખરાબ લાગ્યું હોય તો બે રોટલાં  વધારે ખાય! હું કઈ ફરી ઈ-મેઈલ નહિ કરું. મારે એને મારા મગજમાંથી દૂર કરવો જ પડશે.

બે ત્રણ દિવસ નીકળી ગયા, સાગરે ઈ-મેઈલનો જવાબ ના આપ્યો. રોજ રોજ ઈ-મેઈલ ફંફોળતી રહી. ઘણા ફેનની ઈ-મેઈલ આવતી હતી. સાગરની નહિ. ચાલો કાંઈ નહિ એ પ્રકરણ પૂરું થયું. પણ શેલ્ફ પર પડેલી એ ડાયરી ક્યારેક વીજળીનો ઝટકો આપતી. આજ પહેલીવાર એને ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. એમાંથી સાગરનો લખેલો પત્ર સરી પડ્યો. એ ખુશબોદાર પત્રને એ નાક સુધી લઈ ગઈ અને ઊંડો શ્વાસ લીધો. અને આંખ બંધ કરી પત્ર આંખ પર મૂકી દીધો.

“પ્યારકા પહેલા ખત લિખનેમેં વક્ત તો લગતા હૈ ! નયે પરિંદોકો ઉડનેમેં વક્ત તો લગતા હૈ!”

એને ધીરેથી પત્રને જાણે ખજાનો મૂકતી હોય એમ ડાયરીની વચ્ચે મૂકી દીધો. પછી ડાયરીનું પહેલું પાનું ખોલીને બસ, ખાલી ‘સાગર’ લખ્યું અને પછી પ્રશ્નાર્થ ચિન્હ કર્યું. ડાયરીની ઉપર તારીખ પણ લખી. ડાયરી બંધ કરી શેલ્ફ પર મૂકી દીધી.

નાની બહેન સ્નેહા નેહાને નિહાળતી હતી. એણે નેહાને પૂછ્યું,’ નેહા, શું થયું છે? કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહી શકે છે.”

જવાબમાં નેહાએ માથું ધુણાવ્યું. પોતાને પણ શું પ્રોબ્લેમ છે એની ખબર નથી તો સ્નેહાને શું કહે?

બીજા દિવસે ચેતનકુમારનો ફોન આવ્યો,” નેહાજી , દોઢ મહિનો થવા આવ્યો છે. તમે સ્ક્રિપ્ટ મોકલી આપો તો હું એને ચેક કરી લઉં અને ત્યાંથી આપણે વાત આગળ વધારીએ.”

નેહાએ કહ્યું,” હા સર, મને એક અઠવાડિયું વધારે આપો હું પોતે જ આપની પાસે સ્ક્રિપ્ટ લઈને હાજર થાઉં છું.”

ચેતનકુમારે કહ્યું ,  “નેહાજી , હાલમાં મારી કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી નથી રહ્યું અને મને આ ફિલ્મ બનાવવાની ખૂબ જલ્દી છે. તેથી ફોન કર્યો. જોજો, એક અઠવાડિયાથી વધારે સમય ના લેશો.”

નેહાએ કહ્યું,’”જી, સર. એક અઠવાડિયામાં તૈયાર કરી આપું છું.”

નેહાને પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.એને થયું, “જો મારે આગળ આવવું હોય તો મારે મારા વિચારો પર, મારા મગજ પર, અને મારા હૃદય પર કાબુ મેળવવો પડશે! કોઈ ઈ-મેઈલ ચેક કરવી નથી, કોઈ ફોનની રાહ જોવી નથી. મેં આપેલા વચનનું પાલન કરવાનું છે.”

એ રાતે સાગરના વિચારને હડસેલીને લેપટોપ લઈને સ્ક્રિપ્ટ લખવા બેસી ગઈ.

અઠવાડિયા પહેલા સ્ક્રિપ્ટ લખીને તૈયાર કરી દીધી. ચેતનકુમારને કોલ કરી સમય લઈ લીધો. સ્ક્રિપ્ટ લઈને એ ચેતનકુમારની ઓફિસે જવા નીકળી પડી. નાના છોડ જેવા સપનાંએ વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું હતું. હવે આ ઉડાનને કોઈ નહિ રોકી શકે. મમ્મી-પપ્પા પણ એકવાર મારી પ્રસિદ્ધિ જોશે તો કાન પકડશે.

ચેતમકુમારની ઓફિસ ખૂબ આલીશાન હતી. કાચની બારીમાંથી સુંદર બગીચો દેખાતો હતો. તેમાં જાતજાતના ફૂલો મહેકી રહ્યા હતા. પામનાં વૃક્ષો અને નાનો એવો એક ફુવારો પણ દેખાતો હતો. ચેતનકુમારની ઓફિસમાં દાખલ થઈ તો સામે સેક્રેટરી બેઠી હતી. એને ચેતનકુમારને કોલ કર્યો કે મિસ નેહા આવી છે. થોડીવાર પછી ચેતનકુમારે એને કેબિનમાં બોલાવી. એ ઓફિસમાં દાખલ થઈ. સામે ચેતનકુમાર બેઠેલા. એ એક આધેડ ઉંમરના ખૂબ દેખાવડા પુરુષ હતા. મીઠું સ્મિત આપી એમણે નેહાને આવકાર આપ્યો.

પ્રકરણ: ૪

નેહા ચેતનકુમારની ઓફિસમાં દાખલ થઈ. સામેની ખુરશી પર ચેતનકુમાર બેઠા હતા . એ એક આધેડ વયના દેખાવડા પુરુષ હતા. એમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કરેલું હતું. એટલે હીરો જેવો દેખાવ જાળવી રાખ્યો હતો.

સ્મિત સાથે નેહાને આવકાર આપ્યો. નેહા તો ચેતનકુમારને જોઈને અને આમ મોઢામોઢ મળીને પોતાને અહોભાગી સમજતી હતી. ચેતનકુમાર ચબરાક હતા અને એમણે નેહાની આંખોમાં ડોકિયાં કરતો અહોભાવ મનોમન જોઈ જ ન્હોતો લીધો પણ નાણીયે લીધો હતો.

નેહાએ સ્ક્રિપ્ટ સામે રાખી દીધી. ચેતનકુમારે સ્ક્રિપ્ટ હાથમાં પણ ના લીધી અને સીધી વાત પર આવી ગયા. એ બોલ્યા,   “જો નેહા, તારી વાર્તા મને ગમી હતી અને મેં કહ્યું એમ, તેં વાર્તામાં કોઈ ફેરફાર ના કર્યો હોય તો મને ખાતરી છે કે સ્ક્રિપ્ટ તો સારી જ લખાઈ  હશે. હવે આપણે બિઝનેસની વાત કરીએ. તું નવોદિત છે. અને હજુ તારે ખૂબ આગળ જવાનું છે. આમ તો મેં ડાઈજેસ્ટમાંથી કોઈ પણ વાર્તા લઈને એની ફિલ્મ બનાવી હોત તો કોઈને ખબર પણ ના પડત કે આ ફિલ્મમાં મારી વાર્તા લેવાય છે કારણકે બધી ફિલ્મો દરેકને પોતાની જ કહાની લાગે છે. પણ મેં તારી અનુમતિ લેવાનું નક્કી કર્યું હતું. જાને છે કેમ?”

નેહાએ ડોકું ધુણાવીને ના પાડી. ચેતનકુમાર બોલ્યા, “કારણ એક જ છે કે હું તને ભરોસો આપવા માંગુ છું કે સ્ક્રિપ્ટ તારી છે અને તારી જ રહેશે.” નેહા તો એમની વાતોથી અભિભૂત થઈ ગઈ હતી. આ બાજુ, ચેતનકુમાર નેહાની બોડી લેંગ્વેજ બરાબર એમની સમજના ત્રાજવે તોલી રહ્યા હતા.

બિનાનુભવી નેહા હવે પોતાની વાતોમાં આવી ગઈ છે એની ખાતરી થતાં જ એમણે છેલ્લો દાવ ફેંક્યોઃ “અને હવે આવે છે ખાસ, મુદ્દાની વાત.  તેં સ્ક્રિપ્ટ લખી છે તો તને એની કિંમત આપવાનું કામ પણ મારું છે. તેં આ સ્ક્રિપ્ટની શું કિંમત આંકી છે?”

નેહા ધ્યાનથી બધી વાતો સાંભળી રહી  હતી.એને આવા ડાયરેક્ટ સવાલની આશા રાખી નહોતી. એ શું જવાબ આપે? નેહા નીચું જોઈને હજુ વિચાર જ કરી રહી હતી કે સાચે જ શું છે આની સાચી કિંમત? ચેતનકુમારને મળવાની એટલી બધી ખુશી હતી કે બધી વાતો ગૌણ લાગી રહી હતી. ચેતનકુમારનું વ્યક્તિત્વ એવું હતું કે એ એમાં ખોવાઈ ગઈ હતી. એની પ્રતિભાએ નેહાને   મૌન બનાવી દીધી હતી. એ બોલી, “સર, આપને જે યોગ્ય લાગે તે હું લઈશ. મારી સ્ક્રિપ્ટ મારી જ રહેશે એ આપે કહી દીધું પછી મારે કશું જ બોલવાનું રહેતું નથી. આપ જેવા પારખુએ મારી કદર કરી એજ વાત મારે મન ખૂબ મોટી છે.”

ચેતનકુમાર ખુરશીમાંથી ઊભા થઈને નેહાની ખુરશી પાછળ આવ્યા અને એના ખભા પર હાથ રાખીને બોલ્યા, “ના, એવું ન હોય. તું તારી મહેનત જાણે છે તો અમાઉન્ટ તુજ નક્કી કર.” નેહા અસમંજસમાં ચૂપ રહી. ચેતનકુમારે સ્મિત કરીને કહ્યું,” ચાલ, હું તને ચેક લખીને આપું છું, તને ઓછા લાગે તો મને જણાવજે.”

નેહાએ હકારમાં માથું   હલાવ્યું . ચેતનકુમારે નેહાના હાથમાં ચેક પકડાવી  દીધો. નેહાએ ચેક પર નજર દોડાવી. બે લાખનો ચેક હતો. નેહાને માટે તો જાણે મોટો ખજાનો મળી ગયો. અધધધ- આટલો મોટો ચેક!! એણે તો આટલા પૈસાની કલ્પના પણ નહોતી કરી. એટલામાં તો પાછળથી ચેતનકુમારની આસિસ્ટન્ટે સામે એક ફાઈલ મૂકી અને છેલ્લા કાગળ પર નીચે નેહાને સહી કરવાનું કહ્યું.

નેહાએ હાથમાંનો ચેક ટેબલ પર મૂક્યો અને ફાઈલ હાથમાં લઈને બધાં પેપર ફેરવતાં પૂછ્યું; ‘શેની છે આ ફાઈલ અને આ પેપર પર મારી સહી શા માટે?”

ચેતનકુમારની આસિસ્ટન્ટે જ કહ્યું, “તમને આ બે લાખનો ચેક મળી રહ્યો છે તો એની સામે તમારી સહી તો જોઈએને? અને, પછી બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં પણ આ એક્સ્પેન્સનું પ્રોપર ડોક્યુમેન્ટેશન અમારે કરવું જ પડે, મિસ નેહા.”

ચેતનકુમારની સેક્રેટરી આટલું બોલીને ક્ષણેક ચૂપ રહી અને, પછી એ નેહા સામે મૂકેલા પેપર્સ ભેગાં કરતાં કહે, “મિસ નેહા, નો હરી. તમે હંમણાં ન વાંચી શકો તો ઘેર લઈ જાઓ.  અને પછી તમે જ્યારે સહી કરવા તૈયાર હો ત્યારે ફોન કરજો. અને જેમ એપોઈન્ટમેન્ટ અવેલેબલ હશે એમ તમને ચોક્કસ સમય આપીશ. લો, આ ફાઈલ લઈ જાઓ. અને હા, ચેક આપશો, પ્લીઝ? તમે જ્યારે બીજી એપોઈન્ટમેન્ટ લઈને આવશો ત્યારના રેટ પ્રમાણે ચેક મળી જશે.”

નેહાએ ચેતનકુમારની સામે જોયું અને સામે ટેબલ પર મૂકેલા ચેકને જોયો. નેહા નક્કી ન કરી શકી કે ચેતનકુમારના મોઢા પર નિર્વિકારતા હતી કે પછી એક પ્રકારની બેપરવાહી હતી. નેહાને થયું, ‘જે માણસ મને જાણતો પણ નથી, એ સામેથી મારો ભરોસો કરીને ચેક આપે છે અને આટલો ભરોસો મૂકીને મને ફાઈલ ઘેર લઈ જવા પણ આપે છે! ના, ના, આવો સજ્જન માણસ મને થોડી છેતરવાનો છે?” અને નેહાએ તે જ ઘડીએ નિર્ણય લઈ લીધો.

નેહાએ સામે પડેલી પેન ખોલી, અને સેક્રેટરી પાસેથી ફાઈલ લીધી અને ફરી એકવાર ચેતનકુમાર સામે અછડતી નજર નાખી. આ વખતે ચેતનકુમારે મોહક સ્મિત કર્યું. નેહા પણ સહેજ હસી અને પછી સેક્રેટરીએ જ્યાં કહ્યું ત્યાં સહી કરી આપી. સેક્રેટરીએ તરત જ બધાં પેપર ભેગાં કર્યાં, અને ચેક પાછો આપતાં હસીને કહ્યું, “થેંક્યુ, મિસ નેહા. ધીસ ચેક ઈઝ યોર્સ.” અને એ પેપર લઈને બહાર નીકળી ગઈ.

ચેતનકુમારે કહ્યું,” હવે કોઈ સારી વાર્તાનો પ્લોટ હોય તો મને સીધો મોકલી આપજે, કોઈ ‘ડાયજેસ્ટ’ કે ‘ગૃહશોભા’માં  મોકલતી નહિ. તારી સારી વાર્તા માટે મારે એ બધાં મેગેઝિન ફંફોળવા ન પડે, એટલી ફેવર માંગુ છું. મારું ઈ-મેઈલ તો છે જ તારી પાસે.”

“અરે, સર, શું તમે પણ? તમારે ફેવર માગવાની ન હોય. બસ, કહ્યું એટલે થઈ ગયું એ જ સમજો.” કહી નેહાએ ફરી હકારમાં માથું ધુણાવીને ઊભી થઈ. ચેતનકુમારની પરમીશન લઈને ઘર તરફ રવાના થઈ. એની ખુશીનો કોઈ પાર નહોતો. એની સ્ક્રિપટ  ફિલ્મ માટે સ્વીકાર્ય હતી. હવે એનું ખૂબ મોટું નામ થશે, એ પણ એવોર્ડ જીતશે. એની લખેલી ફિલ્મો વરસો સુધી લોકો જોશે અને યાદ રાખશે. એની નજર સામેથી મોટામોટા લેખકોની નામાવલી પસાર થઈ ગઈ. જિંદગી ખૂબ સુંદર વળાંક પર આવી ગઈ હતી. એ કલ્પના કરવા લાગી કે એ એવોર્ડ ફંક્શનમાં ગઈ છે, લોકો તાળીનો ગડગડાટ કરી રહ્યા છે. અને ચેતનકુમારને હાથે એવોર્ડ મેળવી રહી છે. કેવી સુંદર કલ્પના! ઘરનાં  બધાં  લોકો કેટલાં  ખુશ થઈ જશે. બા, પપ્પા, બહેન, બધાં  સગાવહાલાં મારા પર ગર્વ લેશે.

એ નશામાં હતી. ખ્યાતિના નશામાં! બુલંદીનાં  નશામાં! કૈક કરી બતાવવાનાં  નશામાં! એ જાણે આસમાન પર ઊડી રહી હતી. એને પાંખ મળી ગઈ હતી. એ ઊડી શકતી હતી. હવે વાદળો સંગ ઊડશે. પેલા ઊંચે ઊડતા ગરૂડની જેમ ઊડશે. એને નીચેની દુનિયા નાની લાગી રહી હતી. માણસને કાં તો પૈસાનો નશો હોય, કાં તો સુંદરતાનો નશો હોય અને કાં તો નામનાનો નશો હોય! એ સુંદર તો હતી જ અને હવે નામના મળશે અને નામની સાથે પૈસો પણ આવી જશે! એનાં  ચહેરા પર સદાબહાર રહે એવું સ્મિત આવી ગયું.

એ ઘરે પહોંચી. એની બહેન ઘરે જ  હતી. પહેલાં તો એને લઈને ફેરફુદરડી કરી લીધી અને પછી બાના ગાલ પર ચૂમીઓનો વરસાદ કરી દીધો. અને પછી ચેતનકુમારની વાત કરી. સ્નેહા અને બા બેઉએ વાત શાંતિથી સાંભળી અને પછી બાએ કહ્યું; “બેટા, હું ખૂબ રાજી થઈ છું પણ કાગળો આમ સહી કરવા પહેલાં તારા પપ્પા સાથે વાત કરવી જોઈતી હતી. એ તને સાચું માર્ગદર્શન આપત.” સ્નેહાએ પણ સંમતિમાં માથુમ ધૂણાવ્યું.

નેહા, જારક છોભીલી પડી પણ ખુશીનો રંગ એના રોમરોમમાંથી સતત છલકતો હતો.

“બા, પપ્પાનો મને ડર લાગ્યો અને કોને ખબર કેમ, મારી હિંમત ન થઈ કે હું એમને ખુલ્લા દિલે કશું કહું. બા, હવે મારો જીવ કચવાય છે. પપ્પા નારાજ તો નહિ થાયને?“

“જો દીકરા, હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ પપ્પાને સાચી વાત તો કરવી જ પડશેને? કંઇ વાંધો નહિ આવે. પપ્પાને જ્યારે ખબર પડશે કે એની લખેલી વાર્તામાંથી ફિલ્મ બને છે તો એ ખૂબ ખુશ થઈ જશે. ચાલ હવે, બીજી વાર આવું નહીં કરતી.”

નેહા હવે પપ્પાની આવવાની બેચેનીથી રાહ જોઈ રહી હતી. આમ પણ પપ્પાને ફિલ્મો જોવી ખૂબ ગમતી. રવિવાર હોય એટલે પપ્પા ટિકિટ લઈ આવે અને ક્યારેક આખું ફેમેલી તો ક્યારેક બે દીકરીઓને લઈને પપ્પા થિયેટરમાં ઉપડી જાય. પપ્પાના ફેવરીટ હીરો દિલીપકુમાર અને હીરોઈન મીનાકુમારી હતાં. એણે મનોમન પ્રાર્થના કરી, “હે ભગવાન, પપ્પા ઘરે આવે તો એમનો મૂડ બસ, સારો હોય કે જેથી એ વાત કરી શકે.”

એ ફરી પોતાની કલ્પનામાં ડૂબી ગઈ. ‘થિયેટરમાં ગયા છીએ. ફિલ્મ ચાલુ થાય છે. “અધૂરા  સપનાં” અને પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એક્ટર અને એક્ટ્રેસનાં નામ સાથે સ્ક્રીન પ્લે રાઈટર . ” નેહા શાહ ” ફ્લેશ થઈ રહ્યું છે અને ફિલ્મ પુરી થતાં તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઊઠ્યો છે. અંદરોઅંદર લોકો વાતો કરે છે; ‘શું ફિલ્મ બની છે! સ્ટોરી કેટલી સરસ છે. કોણ લેખક છે ? અરે આ નેહા શાહ કોણ છે? સરસ લખે છે! શું ડાયલોગ છે!!”

ત્યાં તો નેહાને થયું, “’નેહા શાહ ‘ નામ ફિલ્મ જગત માટે વિચિત્ર નથી લાગતું? મારે નામ બદલવું પડશે! શું રાખીશ ? ચાલ, ઘરના લોકો સાથે જ ડિસ્ક્સ કરીશ! ચેતનકુમારને પણ કોલ કરી કહેવું પડશે!

“નેહા, પપ્પા આવી ગયા. શું વિચારોમાં ગુમ છે?” સ્નેહાએ બૂમ પાડી. નેહાનું મોઢું મલકમલક થતું હતું. આજ તો એને એટલી ખુશી મળી હતી જેટલી એના પોતાના પાલવમાં સમાતી નહોતી. એ પપ્પાના રૂમમાં ગઈ. પપ્પાએ કહ્યું,” આવો બેટા, કેમ આટલી બધી ખુશ છે? રિપોર્ટ કાર્ડ આવ્યો? કૉલેજનું પરિણામ આવ્યું?”

એ થોડી સંકોચાઈ પણ પછી એણે પપ્પાને કહ્યું,” પપ્પા, ગુસ્સે ન થાઓ  તો એક વાત કહું?”

પપ્પાએ માથું ધુણાવી કહ્યું,” બોલ બેટા , શા માટે ગુસ્સે થાઉં? મારી દીકરી એવું કોઈ કામ કરે જ નહિ ને કે મારે ગુસ્સે થવું પડે!”

“પપ્પા, મેં એક વાર્તા લખી હતી. અને એ એક પ્રોડ્યુસરે વાંચી અને એને મારી વાર્તા ગમી ગઈ. એણે મને સ્ક્રીનપ્લે લખવા કહ્યું અને મેં સ્ક્રિપ્ટ તૈયાર કરી એને આપી. એને ખૂબ ગમી ગઈ. હવે એ ફિલ્મ બનાવશે. બેચાર મહિનામાં મારું નામ એક લેખિકા તરીકે આવી જશે. પપ્પા તમારી દીકરી હંમેશા કૈક જુદું કરવા માગતી હતી. એ પ્રોડ્યુસરનું  નામ ચેતનકુમાર છે. એને મને બે લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. ” આટલું એક શ્વાસે બોલી એને ચેક પપ્પાની સામે મૂકી દીધો.

નેહા ને હતું કે પપ્પા ગુસ્સે થશે. બૂમ બરાડા પાડશે. પણ એવું કાંઈ થયું નહિ. પપ્પાએ ચેક પાછો આપતા કહ્યું,

“અભિનંદન પણ તેં કંઈ કોન્ટ્રેક્ટ સાઈન કર્યો છે?”

“અરે હા, આ ચેક મને આપવામાં આવી રહ્યો છે એ ડોક્યુમેન્ટ પર મારી સહી લીધી હતી.”

પપ્પાના કપાળે કરચલીઓ પડી.

હવે નેહાને થોડોક ગભરાટ પણ થયો. “કેમ, મેં કંઈ ખોટું કર્યું છે પપ્પા?”

“બેટા, એની કોપી છે તારી પાસે? તેં સહી કરતાં પહેલાં ડોક્યુમેન્ટ બરાબર વાંચ્યું તો હતુંને?”

“ના, એવું તો કંઈ આપ્યું નથી.” હવે નેહાનું મોઢું પડી ગયું. “હું હવે માગી લઈશ. મને એવું સ્પેસિફિકલી ધ્યાનમાં ન આવ્યું. સોરી પપ્પા.”

“બેટા તારે ઘરમાં વાત કરવી જોઈએને આમ ક્યાંય સહી કરવા પહેલાં? હવે માગવા જશે તો વાત પણ જશે અને ડોક્યુમેન્ટ પણ નહીં મળે! બેટા, દુનિયા બહુ ખરાબ છે. ના, હું તને એમ નથી કહેતો કે આ ચેતનકુમાર ખરાબ છે પણ આપણું કામ આપણે ચોકસાઈથી કરવું જોઈએ.”

“પપ્પા! સોરી.” નેહાની આંખો થોડીક ભરાઈ આવી. “પણ આ ચેક તમે રાખો.”

“થતાં જે થઈ ગયું તે થઈ ગયું. કંઈ નહીં, મા સરસ્વતીની તારા પર કૃપા છે તો લખતી રહે અને હંમેશા પ્રગતિ કરતી રહે. મારી ભગવાને પ્રાર્થના છે કે તને સફળતા મળે!  આ ચેક તારા એકાઉન્ટમાં જમા કરાવી દેજે.”

નેહાએ કહ્યું,” પપ્પા, મારા પૈસા એ તમારા જ છે ને તમે રાખો કે હું રાખું બધું સરખું જ છે ને.

પપ્પાએ માથું ધુણાવી ના કહી.” ના, તારા પૈસા અલગ રાખ અને મારે જોઈએ તો ક્યાં દૂર જવાનું છે?” આટલું કહી પપ્પાએ આશીર્વાદથી માથા પર હાથ મૂક્યો. નેહા ખૂબ ખુશ થઈ જે ડર હતો, એ દૂર થઈ ગયો હતો.

રાત પડી ફરી લેપટોપ લઈને લખવા બેસી ગઈ!

પ્રકરણ:

નેહાની ખુશીનો પાર નહોતો. એને થતું હતું કે આખી દુનિયાને જણાવી દે કે એની વાર્તા પરથી ફિલ્મ બનશે. આજ એ કૉલેજ ગઈ. એની દોસ્ત સાયરા મળી. એ સાયરાને એક ઝાડ નીચે ખેંચી ગઈ. અને સાયરાના ગાલ પર ટપલી મારી કહ્યું, “સાયરા ગેસ, આજ હું શા માટે આટલી ખુશ છું?”

સાયરા કહે “મને શું ખબર? તને મેડીસીનમાં એડમિશન મળી ગયું?”

નેહા ખડખડાટ હસી પડી!! ” ના રે ના,  મારે ક્યાં ડૉકટર બનવું છે કે હું મેડીસીનમાં એડમિશન મળે તો હું ખુશ થઈ જાઉં? પગલી.. બીજો ગેસ કર..! ”

સાયરાએ કહ્યું,” તને કોઈ છોકરો જોવા આવ્યો અને એ તારા સપનાંનાં  રાજકુમાર  જેવો હતો અને તે તારા પપ્પાને સગાઈ માટે ‘હા’ કહી દીધી!”

નેહા બોલી,” ડોબી, તું મારી દોસ્ત છે, પણ મારી વાત જાણતી નથી કે મને શેમાં ખુશી મળે છે?”

સાયરાએ કાનની બુટ પકડી.
નેહાએ એના બંને હાથ પોતાના હાથમાં લઈને ચૂમી લીધા. “પગલી મારી વાર્તા ફિલ્મ માટે લેવાઈ  છે. મશહૂર પ્રોડ્યુસર ડાયરેકટર ચેતનકુમારે મને બોલાવી હતી. મારી વાર્તા પસંદ કરી અને મને બે લાખનો ચેક આપ્યો. મારું નામ લેખક તરીકે આવશે એ તો વળી સૌથી ખુશીની વાત. તારી બહેનપણી એક મોટી લેખિકા બનવાની છે. પછી તો તારે મને મળવા માટે મુલાકાતનો સમય લેવો પડશે.” આટલું કહી એ ખડખડાટ હસવા લાગી.

ભોળી સાયરા ગળગળી થઈને બોલી,” નેહા, પ્લીઝ એપોઈન્ટમેન્ટની વાત ના કરતી, હં..! હું તો તને ગમે ત્યારે મળવા આવીશ.

આખી કૉલેજમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ નેહાની વાર્તા પરથી ફિલ્મ બનવાની છે. પ્રિન્સિપાલથી  માંડીને વિદ્યાર્થી બધાં  નેહાને અભિનંદન કહેવાં આવી ગયાં. નેહા ફૂલી નહોતી સમાતી. સર્વનાં અભિનંદન સ્વીકારતી એ જમીનથી બે વેંત ઊંચી ચાલવાં  લાગી. હજુ તો પાશેરામાં પહેલી પૂણી જ હતી પણ, એક રીતે તો ભાવિમાં આવનારી સફળતાના ખુમારમાં નેહા ડુબી ગઈ હત\તી ! પણ હજુ તો મંઝિલ ખૂબ – જોજનો દૂર હતી.

પણ  નેહાને કોણ સમજાવે? નેહા એ ખ્યાતિના કેફમાં હતી, જે હજુ એને મળી પણ નહોતી અને ક્યારે મળશે એનાં એંધાણ પણ નહોતાં. એ ઘરે આવી. આજ કોઈ કામમાં દિલ લાગતું નહોતું. બે લાખ રૂપિયાનો ચેક ફરી એકવાર હાથમાં લઈ  પંપાળી લીધો. સમય કરતા પહેલા અને પૂરતી સાધના વગર મળેલી પ્રસિદ્ધિના પગ પણ કીડા-મંકોડાના પગ જેવા હોય છે. જે લાંબુ ચાલી શકતા નથી અને એની જિંદગી પણ ટૂંકી હોય છે. પણ નેહાની બાબતમાં એ વાત ખોટી પડવાની હતી.

એ રાત્રે એ ઈ-મેઈલ જોવા બેઠી. સાગર મલ્હોત્રાની ઈ-મેઈલ હતી.

“ડીયર નેહા,

તમારી  રુક્ષ ઈ-મેઈલ  મળી. મારી બેચેની તમે વધારી દીધી. પણ શું કરું? તમારા વિચાર મારી આગળપાછળ ભૂતાવળની જેમ ફરે છે. હું જ્યાં જાઉં ત્યાં એ પાછળ આવે છે. બે ત્રણ દિવસ વિચાર કર્યો કે તમને ઈ-મેઈલ નહિ જ કરું. મારી લાગણીને તમે સમજી શક્યાં નથી. હવે તમને શી રીતે જણાવું.? હું તમારો ફેન જ નહિ, પણ તમારો ચાહક છું. તમારી સાથે ફોન પર વાત કરવાની ખૂબ ઈચ્છા છે. જો તમને વાંધો ના હોય તો હું તમને ફોન કરું? મને સમય આપો તો એ સમયે હું કોલ કરીશ. કદાચ હું મારી જાતને સારી રીતે સમજાવી શકીશ. મને રસ્તે ચાલતો રોમિયો સમજીને અવગણના ના કરશો. તમને જોયા  વગર મારા દિલમાં તમને સ્થાન આપ્યું છે, તો એ પરથી તમને મારી સ્થિતિનો ખ્યાલ આવશે. જલ્દી આપની  ઈ-મેઈલ મળશે એવી આશા સહ!

હા, આ સાથે મારો એક ફોટો મોકલું છું. આ ગુસ્તાખી માફ કરશો! બાય ધ વે ફોટો જૂનો નથી પણ હાલમાં હું મોરોકોની ટુરમાં ગયેલો ત્યારે મોરોકોના એક પેલેસ, અલ હમરા  પાસે પડાવેલો છે. તમે મોરોકો ગયા છો?

સાગર”

નેહા  ક્યાંય સુધી સાગરના ફોટાને નિહાળતી રહી. અલ હમરા ની એક દીવાલ પાસે ઊભા રહીને એનો ફોટો હતો. પાછળ દીવાલ પર અરેબિકમાં આયાત લખેલી હતી. સાગર જીન્સ અને ટીશર્ટમાં ઉભેલો હતો. હા એના વાળ વાંકડિયા ના હતા. પણ ખૂબ દેખાવડો લાગી રહયો હતો. પાછળ સ્કૂલબેગ ભરાવેલી હતી. આંખો ઉફ્ફ… મદિરાની પ્યાલી જ હતી જાણે! ઓહ.. ક્યાંક આ મારા હીરોની જગ્યા ના લઈ લે. એ ફરી ફરી ઈ-મેઈલ ખોલીને સાગરને જોવા લાગી.

નેહા  ઈ-મેઈલ વાંચીને, અને ફોટો જોઈને  વિચારમાં પડી ગઈ. શું કરું? ફોન કરવા કહું? એક વખત વાત કરવાથી શું ફરક પડી જવાનો છે. વળી મારે તો હવે આવા કેટલાય ફેન સાથે, અરે હા, ચાહક સાથે ડીલ  કરવી  પડશે. સાગર મલ્હોત્રા જેવા ઘણા યુવાનો મારી આસપાસ ફરતા હશે! હું સાગર સાથે પણ એવો જ વ્યવહાર કરીશ  જેવો પહેલા કર્યો હતો. પણ વાત તો કરવી જોઈએ.

એને ઈ-મેઈલનો જવાબ આપ્યો.

“સાગર,

મને ખબર પડતી નથી એવું તો તમે મને શું કહેવા માગો  છો, જેનાથી તમને સંતોષ થશે અને મને તમારા પ્યારનો યકીન થશે. સારું, તમે મને આવતી કાલે સાંજે પાંચ વાગે કોલ કરશો. એ સમયે હું  કૉલેજમાં હોઈશ. જો મોડું થશે તો હું ફોન નહિ ઉપાડું.

નેહા”

પોતાની લખેલી ઈ-મેઈલ પર  પોતે અભિમાન કરવાં  લાગી.  હું તો રાઈટર છું. એ મને શું કહેશે જેનાથી પોતાના પ્યાર પર મને યકીન આવશે. સાવ દીવાનો થઈ ગયો છે. પણ ફોટો જોઈને આમ તો એને કશું કહેવાનું રહ્યું નહોતું. આપોઆપ એ સાગર તરફ ખેંચાવાં લાગી હતી. બીના ડોરકે.  ‘દિલ ખો  ગયા, હો ગયા કિસીકા, અબ રાસ્તા મિલ ગયા ખુશીકા, આંખોમેં હૈ ખ્વાબસા  કિસીકા, રિશ્તા નયા રબ્બા  દિલ ઢુંઢ  રહા  હૈ, ખીંચે મુજેહ કોઈ ડોર  તેરી ઔર ….”આ કેવું આકર્ષણ હતું, જેને એ ખાળી  નહોતી શકતી? આજકાલ તો આવા કેટલાય ફ્રોડ છોકરાઓ હોય છે? છોકરીઓને લાલચ આપીને પોતા સાથે ‘ઈન્વોલ્વ’ કરે અને પછી દગો દેતા હોય છે!

એણે મનોમન નક્કી કરી લીધું કે ચાલો, હવે કાલે વાત કરવા દો, હું એને એટલું મહત્વ નથી આપવાની. કારણકે મારું સપનું તો બીજું જ કૈક છે. મારે આવા કોઈ આકર્ષણમાં ખેંચાવું નથી. મારી મંજિલ બીજી કોઈ છે. સાગર તો  આજ આવ્યો છે. આવા ઘણા યુવાનો મને મળશે મારી મંજિલ તરફ જતાં. એટલે સાગર સાથે વાત કરીને વાત આ અજાણ્યા રિશ્તામાંથી નીકળી જઈશ!

બીજા દિવસે કૉલેજમાં એ પિરિયડ ભરતી રહી પણ કોઈપણ પિરિયડમાં એનું દિલ લાગતું નહોતું. ચાર વાગે કેમેસ્ટ્રીનો પ્રૅક્ટિકલ હતો. એ પ્રોફેસર પંડ્યા પાસે ગઈ. “સર, પ્લીઝ, કહેશો કે આજે શાનો પ્રૅક્ટિકલ છે?”
પંડ્યા સાહેબે કહ્યું,” આજ સલ્ફ્યુરિક એસિડની બીજી ધાતુઓ પર શી અસર થાય છે એનો પ્રૅક્ટિકલ છે ” નેહાએ કહ્યું,”સર, તમને વાંધો ના હોય તો પ્લીઝ, મને એડવાન્સમાં  સમજાવી શકો તો ખૂબ મહેરબાની થશે. મારે ખૂબ જરૂરી કારણસર વહેલું જવું છે.”

પંડ્યા સર ખૂબ સારા સ્વભાવના હતા અને આમ પણ નેહા પર એમના ચાર હાથ હતા. જલ્દી જલ્દી પ્રેક્ટિકલ પતાવી એ કૉલેજના પાર્કમાં જઈને બેઠી.

કૉલેજનો પાર્ક પણ કૉલેજ  જેવો જ સુંદર હતો. જુહીના લાલ અને પીળા ફૂલથી છલોછલ અને સાથે સાથે જાતજાતનાં ગુલાબ! એક ઝાડની   છાયામાં એ પુસ્તકો ફેંકીને બેસી ગઈ વારંવાર ઘડિયાળ અને ફોન જોયા કરતી હતી. પાર્કમાં વચ્ચે ફુવારો હતો. ઘણા યુવાનો અને યુવતીઓના મૂક પ્રેમનો એ સાક્ષી હતો. ઘણાનો પ્રેમ સફળ થતો અને ઘણા બિચારા પ્રેમનું પૂર્ણવિરામ કરી પોતપોતાના જીવનમાં આગળ વધી જતા. પણ ફુવારો ત્યાંજ હતો. સફળ અસફળ પ્રેમનો એકમાત્ર સાક્ષી!

પાંચામાં  પાંચ કમ હતી! બેચેની વધતી હતી. બસ, હવે રિંગ વાગશે બસ, હવે ‘એની’ મિનિટ રિંગ વાગવી જ જોઈએ.

પ્રકરણ: ૬

 

નેહા વારંવાર રિસ્ટવૉચ તરફ નજર દોડાવતી હતી. મોબાઈલને પણ ચેક કરી જોયો. બરાબર ચાર્જ હતો. ઓન પણ હતો. પાંચ ને પાંચ થઈ. રિંગ ન વાગી. એ ફરીફરી ફોન ચેક કરતાં વિચારતી હતી. ‘મેં લખ્યું હતું પાંચ એટલે પાંચ. જો મોડું થશે તો ફોન નહિ ઉપાડું. હવે તો પાંચ ને વીસ થઈ. હવે તો ફોન આવે તો પણ નહિ ઉપાડું.’

એ ઘર  તરફ રવાના થઈ. ખબર નહિ કેમ મન ઉદાસ હતું. મનમાં મનમાં બબડતી હતી. “મારે શું, એ ફોન કરે કે ના કરે તો? એ પોતે ‘લૂઝર’ છે. મારે શા માટે ઉદાસ થવાનું? એ મારો શું લાગે છે?” તેમ છતાં ફોન ચેક કરી લેતી હતી.

ક્યાંક એના દિલમાં સાગરે સ્થાન તો નથી લીધુંને ? સાગરનું મોરોકો વાળું પિક્ચર સામે આવી ગયું. એણે  માથું ધુણાવીને વિચારને ખંખેરી નાખ્યો. ‘હવે ફોન આવે તો પણ ઉપાડવાની નથી. એને જો તડપાવવામાં મજા આવતી હોય તો હું પણ એને તડપાવીશ! હવે ના તો ઈ-મેઈલનો જવાબ આપીશ કે ના તો ફોનનો! ભલે હેરાન થતો. પણ એ ફોન જ ક્યાં કરે છે?’ અને આ વિચાર જ એને અકળાવી ગયો.

વિચારમાં અને વિચારમાં એ ઘરે પહોંચી. બહેને પૂછ્યું,” કેમ મૂડ  ઓફ છે?”

નેહાને મનમાં થયું, “ચિબાવલી… બધું ધ્યાન રાખે છે. ક્યારેક અભ્યાસમાં આટલું ધ્યાન રાખતી હોય તો ટોપ કરે! ”

“કાંઈ નહિ, થાકી ગઈ છું.” એમ કહીને નેહાએ બુક્સ ફેંકીને પથારી પર લંબાવી દીધું.

બા જમવા માટે બૂમો પાડતાં રહ્યાં. એની આંખો બંધ થઈ ગઈ હતી. મનમાં મનમાં સાગરને કેટલીય ગાળો પડી ગઈ હતી.

લગભગ રાતનાા દસ  વાગ્યા હશે. ફોનની રિંગ વાગી. સાગરનો ફોન હતો. એણે  ફોન ‘કટ’ કર્યો.

સ્નેહા બાજુની પથારીમાં સૂતી હતી. એણે પૂછ્યું,” અત્યારે કોનો ફોન છે?”

નેહાએ કંઈક શુષ્કતાથી કહ્યું,” રોન્ગ નંબર લાગે છે!” ફરી ફરી રિંગ વાગતી રહી. નેહાએ ફોન ઓફ કરી દીધો અને આંખો બંધ કરીને ઊંઘવાનો ડોળ  કરી રહી હતી.

એને બેચેન થવાનું કોઈ કારણ નહોતું, પણ પેલું ‘બીના ડોર કે’ ખેંચાઈ રહી હતી. આજ રાત એને ખૂબ લાંબી લાગી રહી હતી. વિકરાળ અંધકારે એના પર ભરડો લીધો હતો. રાત આટલી સુની આટલી ઉદાસ ક્યારેય નહોતી. રાત તો એવી જ હતી પણ એને લાંબી લાગી રહી હતી. અંતે રાતનો અંત તો આવવાનો હતો. બધી રાતની જેમ.

સવારે ઊઠીને કોમ્પ્યુટર  ખોલ્યું. સાગરની કોઈ ઈ-મેઈલ નહોતી. થોડી નિરાશ થઈ. એ ઘરકામમાં લાગી ગઈ. બાને અસ્થમાની બીમારી હતી. લગભગ બધું કામ બંને બહેનોએ કરવાનું હોય, બંનેએ કામનો ભાગ પાડી લીધો હતો. વાસણ  કપડાં અને કચરાં-પોતાં માટે તો કામવાળી હતી પણ રસોઈ બંને બહેનો  કરી લેતી અને પછી કૉલેજ જતી.

નેહાની કૉલેજનો સમય અગિયાર વાગ્યાનો હતો. એ છેલ્લાં વર્ષમાં હતી. લખવાનો શોખ એને બાળપણથી હતો. એ હવે પરિપક્વ થઈ ગયો હતો. ‘ચેતનકુમારે એની વાર્તા બે લાખ રૂપિયામાં પોતાની ફિલ્મ માટે લીધી હતી. એ હવે રાઈટર તરીકે ફેમસ થઈ જશે! પછી આવા સાગર એની આજુબાજુ ફરશે!’ એ કેફે નેહાના મનોવિશ્વનો ફરી કબજો લઈ લીધો.

એ કામ પતાવી કૉલેજ ગઈ. આજ મન જરા શાંત હતું. મનને મનાવી લીધું કે સાગર જેવા ઘણા એના ફેન થશે. મારે કોઈ માટે મરવાની જરૂર નથી. કૉલેજમાં રસ્તે જતા એક બગીચો આવે છે. બગીચામાં જાત જાતના ગુલાબ અને મોગરાના છોડ સાથે નારિયેળી અને જટાયુનાં અનેક વૃક્ષો હતાં. એ આજે જરા વહેલી હતી. થયું, કે ચાલ થોડીવાર બગીચામાં બેસું. એ એક પથ્થરના બેન્ચ પર જઈને બેસી ગઈ. આજુબાજુ પંખી ગાઈ  રહ્યાં હતાં. ગુલાબની સુવાસથી વાતાવરણ મહેકી રહ્યું હતું. એ એક પોન્ડની બાજુમાં બેઠી હતી, જેમાં રંગબેરંગી માછલીઓ તરી  રહી હતી. મન એકદમ શાંત થઈ ગયું. એ આંખો બંધ કરી મેડિટેશન કરી રહી હતી.

એટલામાં મોબાઇલની રિંગ વાગી. એણે ફોનની અવગણના કરી. જોયું પણ નહિ કે કોનો ફોન છે. ફોન વાયબ્રેટ થયા કરતો હતો.

એ સહેજ ગુસ્સામાં આવી, આંખો ખોલી ફોન ઉપાડ્યો, તો ફોન સાગરનો હતો. એ ફોન મૂકવા  જતી હતી કે સાગરનો અશક્ત અવાજ સંભળાયો. “નેહાજી, પ્લીઝ ફોન કટ ના કરશો. મારી વાત તો સાંભળો!” હજી એની આંખોનાં ભવાં ચડેલાં જ હતાં. એકદમ રુક્ષ અવાજમાં એણે કહ્યું,” બોલો મિસ્ટર સાગર. તમને મેં કહ્યું હતું કે પાંચ વાગ્યા પછી ફોન આવશે તો હું ઉઠાવીશ નહિ!”

સાગરનો અવાજ પહેલીવાર સાંભળ્યો હતો. પણ એના અવાજ પરથી એવું લાગતું હતું કે સાગર કોઈ પીડામાં હતો. એ બોલ્યો,” નેહાજી પાંચ વાગ્યાનો વાયદો હું પાળી  ના શક્યો. તમારી સાથે વાત કરવા માટે હું ખૂબ ઉત્સુક હતો. ઓફિસેથી પણ વહેલો નીકળી ગયેલો. થયું કે ઓફિસમાં બરાબર વાત નહિ થાય. હું કાર લઈને નીકળ્યો ત્યારે તમારા વિચારમાં ખોવાયેલો હતો. ઘરે જવાની જલ્દી પણ હતી. અને મારી કાર એક ઝાડ સાથે અથડાઈ ગઈ. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતો. રાતે તમને મેં ફોન કર્યા હતા, પણ તમે ફોન ઓફ કરીને સૂઈ ગયા હશો.  હજુ પણ હોસ્પિટલમાં જ છું. આપને  વિશ્વાસ ના આવતો હોય તો વિડિયો કોલ કરું.” સાગર એકશ્વાસે આટલું બધું બોલી ગયો.

હવે આઘાત લાગવાનો વારો નેહાનો હતો. એ તો સ્તબ્ધ થઈને સાગરને સાંભળી રહી હતી. એણે તો કેવી ખોટી કલ્પના કરી હતી? સાગરને ગાળો પણ આપી હતી. હકીકત જાણ્યા વગર આખી પરિસ્થિતિને એણે પોતાની કલ્પના પ્રમાણે ગોઠવી દીધી હતી! સાગર તો બિલકુલ નિર્દોષ હતો. હવે દિલમાં જે લાગણીને છુપાવી રાખી હતી તે હોઠ પર આવી ગઈ. “સાગર, તમે ઓકે તો છો ને? તમને ક્યાં વાગ્યું છે? બહુ પીડા તો નથીને?”

સાગરે કહ્યું ,”ના, બહુ નથી વાગ્યું પણ હું બેભાન થઈ ગયો હતો, તેથી લોકો મને હોસ્પિટલ લઈ આવ્યા. કાલે મને ડિસ્ચાર્જ કરી દેશે. મામૂલી ઘાવ લાગેલાં છે, જે તમને ફોન ના થઈ શક્યો એ ઘાવથી ઓછા છે.” સાગર જરા હસ્યો.

નેહાને લાગ્યું કે જાણે  સાગરને એ વર્ષોથી ઓળખતી હતી. એના અવાજમાં પણ એવું જ ખેંચાણ હતું જેવું એના ફોટામાં હતું. પણ હવે એ વિષે કશું વિચારવા માગતી નહોતી. કારણકે એને કોઈ ઉતાવળિયું પગલું ભરવું નહોતું. એણે હવે વિચારી વિચારીને બોલવાનું હતું. સાગર હાલ તો બસ, એક ફેન જ છે અને એક ફેન તરીકે જ ટ્રીટ કરવાનો છે. મારી ઉડાન ઊંચી છે. મારે રસ્તામાં કોઈ અવરોધ જોતા નથી. સાગર કદાચ મને ચાહતો હશે, પણ મારે પાણીમાં પગ જરા ઊંચી સાડી લઈને રાખવાનો છે. ક્યાંક સામે દલદલ હોય તો!

સાગરના અવાજે એને ચોંકાવી દીધી. એ બોલ્યો,”હવે તમે સમય આપો, ત્યારે શાંતિથી કોલ કરીશ. ફરી અકસ્માત નહિ થાય એની ખાતરી આપું છું.”

ફરી ઓરીજનલ નેહા પાછી જાગી અને બોલી, ‘હું તમને ઈ-મેઈલ કરીશ. ચાલો, હોપ,  યુ ફીલ બેટર! સી યુ લેટર! બાય !.”
નેહાએ ફોન રાખી દીધો અને વિચાર્યું, “બિચારો સાગર.. મારી પાછળ અકસ્માતમાં ફસાઈ ગયો…” મનમાં અફસોસ પણ થયો. પણ એક વિજયી સ્મિત  એના ચહેરા પર આવી ગયું. ગઈ કાલની વિવશતાએ આજ વિજયનું સ્થાન મેળવી લીધું હતું. પોતાની કિં મત કેટલી છે, એ જાણવા મળ્યું. સાગર પર દયા પણ આવી. સાગરના વિચારને એક બાજુ હડસેલીને, એક રાજકુમારીની અદાથી એ કૉલેજ તરફ જવા નીકળી ગઈ.

પ્રકરણ: ૭

નેહા કૉલેજ તરફ જવાં  નીકળી. એ સાયન્સની સ્ટુડન્ટ્સ હોવા છતાં એેને  પ્રોફેસર ચુડાસમા વિષે માહિતી હતી. એ એક ગુજરાતી ભાષાના  પ્રોફેસર હતા. એ કૉલેજમાં ખૂબ પ્રખ્યાત હતા. એક તો એ ખૂબ દેખાવડા હતા. ઊંચા ભીનો વાન સશક્ત શરીર. કોઈ ફિલ્મના હીરો જેવા હતા. અને બીજા નંબરે એ અપરિણીત હતા. પ્રૌઢ પ્રોફેસર ખાસ કરીને કૉલેજની યુવતીમાં આકર્ષણનું માધ્યમ બની ગયા હતા. પ્રોફેસર તો ચૂપચાપ પોતાનું કામ કરતા. કલાસમાં જવું, પિરિયડ લેવા અને ઘેર જવું. એક અજબ પ્રકારની ઉદાસી એમના ચહેરા પર રહેતી.

એ ખાસ કોઈ યુવતીને પોતાની નજીક આવવા જ દેતા નહોતા. પણ નેહાની મિત્ર સાયરા એને કહેતી હતી કે જો નેહા તારે ખરેખર ખૂબ સરસ રાઈટર બનવું હોય તો તું પ્રોફેસર ચુડાસમા ની મદદ લે કારણકે એ લિટરેચરના પ્રોફેસર છે અને પોતે લેખક પણ છે. ગઝલ, કવિતા, વાર્તા – બધું લખે છે. એ તને સારું ગાઈડન્સ આપી શકશે. નેહા સાયન્સની સ્ટુડન્ટ હોવાથી એનું ધ્યાન એ તરફ ગયું નહોતું. એને થયું, ‘મારી નવી સ્ક્રિપ્ટ ‘સુનેહરા સપનાં’ માટે મારે પ્રોફેસર ચુડાસમાની મદદ લેવી જોઈએ, ક્યાંક તો એમનું સજેશન મને મદદરૂપ થશે.’

એ કૉલેજમાં દાખલ થઈ.  બ્લ્યુ રંગના ટોપ અને કાળી પેન્ટમાં એ ખૂબ સુંદર લાગી રહી હતી. નેહા ઈશ્વરે એટલું સૌંદર્ય આપ્યું હતું કે આર્ટિફિશિયલ મેકઅપના થપેડાની જરૂર નહોતી. એની મોટી કાળી આંખો, ગુલાબની પાંખડી જેવા હોંઠ, ચંદ્રમા સમો ચહેરો, અને ચહેરા પર ઝૂલતી  કાળી લટ અને ખભાથી નીચે સુધીના વાળ….નેહા કોઈ અપ્સનેરા જેવી દેખાતી હતી. કોઈ એક વાર એનો ચહેરો જુએ તો ભૂલી શકે નહિ એવું ખેંચાણ એના સૌંદર્યમાં હતું.

નેહાને  થયું, ‘ચાલ હું પ્રોફેસર ચુડાસમાની ઓફિસમાં જાઉં અને થોડી વાત કરું.’ અને એ ચુડાસમાની ઓફિસના દરવાજા સુધી પહોંચી ગઈ.

“મેં  આઈ કમ ઈન સર?”

પ્રોફેસર કૈંક લખી રહ્યા હતા.

“યસ.”

નેહા  ઓફિસમાં દાખલ થઈ. પ્રોફેસરે આંખ ઊંચી કર્યા વગર પૂછ્યું,” કહો આપની શું મદદ કરી શકું?”

નેહા અચકાઈ ગઈ. “સર, આપનું  થોડું સજેશન જોઈએ છે.”

“તમે ક્યાં વર્ષમાં છો? મેં તમને કોઈ દિવસ જોયા નથી.” પ્રોફેસરે આંખ ઊંચી કરતા કહ્યું. નેહા પ્રોફેસરની પ્રતિભાથી થોડી અંજાઈ ગઈ હતી. બધાની સામે ધડધડ બોલવાવાળી નેહાની જીભ થોથવાઈ  ગઈ!

“ના સર, હું આપની સ્ટુડન્ટ નથી. હું સાયન્સની સ્ટુડન્ટ છું. પણ એક લેખિકા છું. મારી વાર્તાઓ જાણીતા મેગેઝીનોમાં પ્રસિદ્ધ થતી રહે છે. જો આપની પાસે સમય હોય તો આપનું થોડું ગાયડન્સ જોઈએ છે.”

પ્રોફેસરે ઊંચી નજર કરી પણ નેહાની વાતથી જરાપણ પ્રભાવિત થયા હોય એવું લાગ્યું નહિ.

એમણે ઘડિયાળ સામે જોઈને કહ્યું, “હમણાં તો મારે કલાસ છે. તમે એવું કરો, મને સાડા ચાર વાગે મળો. બાય ધ વે, તમારું નામ શું છે?”

” નેહા. સારું સર. હું સાડા ચાર વાગે આપને ઓફિસમાં મળું છું. આપનો આભાર.”

પ્રોફેસર પોતાની બુક્સ અને પેપર લઈને ઓફિસમાંથી નીકળી ગયા. નેહા જોતી રહી ગઈ. એના અભિમાનને થોડી ઠેસ તો લાગી. એકવાર એમ પણ વિચાર્યું કે હું સાંજે મળવા નહીં જાઉં. આમ પણ મને શું જરૂર છે. હું તો સરસ રાઈટર છું. મારી સ્ક્રિપ્ટ તો ચેતનકુમારે લઈ પણ લીધી છે. નેહાને સમજ પડતી નહોતી કે શા માટે એ પોતાના મન સાથે જ લડાઈ કરી રહી હતી? પ્રોફેસરે તો એને કાંઈ એવું તો કહ્યું નથી કે એના અભિમાનને ઠેસ પહોંચવી જોઈએ કારણકે એ તરત બુક્સ લઈને બહાર ગયા અને સાંજે સાડા  ચાર  વાગે મળવા પણ કહ્યું. હા, ફક્ત એટલું બન્યું હતું કે પ્રોફેસરે એના સૌંદર્ય ની દરકાર કરી નહિ. એક નજર એને બરાબર જોઈ પણ નહોતી.

“શા કારણે આટલી આકર્ષક યુવતીની એમણે પરવા ના કરી ? વળી સાંભળ્યું છે કે અપરિણીત છે અને દેખાવડા પણ છે. મારે હવે એમના વિશે શોધી કાઢવું પડશે!” એમ પોતાના ખ્યાલોમાં મસ્ત એ નીકળી ત્યાંથી એના ક્લાસમાં જવા નીકળી ગઈ.

****

નેહા પ્રોફેસર ચુડાસમાની ઓફિસમાં બરાબર 4.30 ના પહોંચી ગઈ. ‘સુનેહરા સપનાં’ની સ્ક્રિપ્ટ, જે નેહા પ્રિન્ટ કરીને લાવી હતી, એ બતાવી અને સજેશન માટે કહ્યું. પ્રોફેસર સ્ક્રિપ્ટ હાથમાં લઈને જોતા હતા. અને એ દરમ્યાન નેહા બોલતી રહી કે ચેતનકુમારે એની એક વાર્તાની સ્ક્રિપ્ટ લઈ લીધી છે અને એમાંથી ફિલ્મ બનાવવાના છે. પ્રોફેસર હું, હા સિવાય કાંઈ બોલતા ના હતા. અંતે સરે ઊભા થઈને કહ્યું,” મિસ …સોરી આપનું નામ ભૂલી ગયો!”

નેહા બોલી,” નેહા.”

“સારું મિસ, નેહા એમ કરો આપણે કાલે મળીએ. હું સ્ક્રિપ્ટ વાંચીને કાલે સજેશન કરીશ. જો આપને વાંધો ના હોય કે હું સ્ક્રિપ્ટ સાથે લઈ જાઉં.”

“ના સર, મને શાનો વાંધો હોય તમે આરામથી વાંચી કાલે સજેશન આપશો. ”

પ્રોફેસર ઊપડી ગયા. ફરી એકવાર એના સૌંદર્યનું અપમાન થયું. આમ તો નેહાને પ્રોફેસરમાં રસ નહોતો. પણ પોતાના સૌંદર્યનું અપમાન એ શી રીતે સાંખી શકે? એનું મુખ લાલ થઈ ગયું. ચાલીશીએ પહોંચેલ પ્રોફેસર એની દરકાર કરતો નહોતો. આવું ઘોર અપમાન? એના અભિમાનને ઠેસ વાગી.

એ ઘર તરફ રવાના થઈ. ઘરે પહોંચી, એટલે બહેન સ્નેહાએ તરત કહ્યું,” કેમ મોઢું ફુલેલું છે?”

નેહાએ પ્રોફેસર ચુડાસમાની વાત કરી અને કહ્યું, “તેઓ મને મદદ કરશે પણ એમણે તો ન મને બરાબર જોઈ કે ન તો મને નોટિસ કરી.”

સ્નેહાએ કહ્યું, “ઓહો દીદી..! બસ, આટલામાં જ તને ઓછું આવી ગયું? જરૂરી માર્ગદર્શન મળે એટલું જ તો તને જોઈતું હતું. તારું કામ થયું તો પછી પ્રોબ્લેમ શું છે કે આમ મોઢું ફુલાવ્યું છે? ગ્રો અપ દીદી. જરૂરી નથી કે દરેકે તારી આભાથી પહેલી નજરે અંજાઈને તને પેડેસ્ટલ પર મૂકે..!” અને એણે નેહાના માથે એક હળવી ટપલી મારી.

પોતાના મનની વાત આમ સ્નેહા પાસે છતી થઈ ગઈ અને સ્નેહાએ વાતવાતમાં એ સહજતાથી કહી પણ દીધું, એ નેહાથી સહન ન થયું. ખાસ તો, એને પોતાના મનની ચોટનું આ છીછરું કારણ સાંભળવું ન ગમ્યું.

નેહા અકળાઈને બોલી, “સ્નેહા, સ્ટોપ ઈટ.  શા માટે હંમેશા મને જજ કરે છે? હું કદી તારી બાબતમાં માથું મારું છું?”

બેઉ બહેનોની દલીલ આમ થતી ત્યારે સ્નેહા હસીને વાત ટાળી દેતી. આજે પણ એણે એમ જ કરવું હિતાવહ માન્યું.

નેહા બીજા દિવસે અજાણપણે પણ એ ખૂબ સરસ રીતે તૈયાર થઈને કૉલેજ ગઈ. આમ તો એ એટલી દેખાવડી હતી કે એ કોઈપણ કપડાં પહેરે, સુંદર જ દેખાતી. પણ આજ ચુડાસમાને મળવાનું હતું. એટલે એના અભિમાનને  જે ઠેસ પહોંચી હતી એની કોઈપણ રીતે કળ વાળવાની હતી. આછાં ગુલાબી રંગના કુર્તા શલવાર અને એના પર પોપટી રંગનો દુપટ્ટો અને ગળામાં મોતીની માળા, કાનમાં મોતીના ઈયરિંગ્સ અને રીસ્ટ વોચ. પરફ્યૂમની સુવાસ આખા ઓરડામાં પ્રસરી રહી હતી. હોઠ  પર આછી ગુલાબી લિપસ્ટિક અને આંખમાં મસ્કરા લગાવી આંખને અણિયાળી બનાવી!

પ્રોફેસરે 4.30 નો સમય આપેલો. એ સવા ચારે ઓફિસના ચક્કર લગાવવા લાગી. એની બેચેની વધતી જતી હતી. બરાબર સાડા ચારે પ્રોફેસર ચુડાસમા દેખાયા. એમનો છેલ્લો કલાસ પૂરું થયો હતો. પ્રોફેસરે ઓફિસનો દરવાજો ખોલી નેહાને અંદર આવવા કહ્યું. નેહા ઓફિસમાં દાખલ થઈ. પ્રોફેસરે ખુરશી પર બેસતા પાણીની બોટલમાંથી પાણી પીધું. અને કહ્યું,” મિસ નેહા, તમારી સ્ક્રિપ્ટ વાંચી ગયો. તમે ખરેખર ખૂબ સરસ લખો છો. પણ તમે સજેશન માટે આવ્યા છો તો હું તમને અમુક જગ્યાએ શું ભૂલો છે તે જણાવીશ.”

નેહા બોલી, “ચોકકસ સર. એના માટે તો આપની પાસે આવી છું. તમે સાહિત્યના  પ્રોફેસર છો, કલાસ લો છો અને રાઈટર પણ છો. તમારી પ્રશંસા મેં તમારા ક્લાસમાં ભણતા સ્ટુડન્ટ્સ પાસેથી સાંભળી છે.” આટલું કહી એને પોતાની લટ સરખી કરી અને દુપટ્ટો ખભા પર સરખો કર્યો. એ પ્રોફેસરને વેધક નજરે જોઈ રહી હતી. પોતાના તીર કમાન તૈયાર હતા. પ્રોફેસર નીચી નજરે સ્ક્રિપ્ટને તાકી રહ્યા હતા.

પ્રકરણ: ૮


નેહા કોશિશ કરી રહી હતી  કે પ્રોફેસર એની સામે તાકીને જુએ. પણ પ્રોફેસર તો સ્ક્રિપ્ટની સામે તાકી રહ્યા હતા. પ્રોફેસર શું બોલી રહ્યા હતા, એ પણ એને હવે સંભળાતું નહોતું, એ એટલી બેચેન થઈ ગઈ હતી.

છેવટે પ્રોફેસરે  કહ્યું,” જુઓ મિસ નેહા, હા, એજ નામ કહ્યું હતું ને? હા, તો મિસ નેહા, લખવા માટે એક વાતનો ખૂબ ખ્યાલ રાખવાનો કે ક્યાં પેરેગ્રાફ આવે, અને ક્યાં પાત્રની એન્ટ્રી કરવાની અને ક્યાં પાત્રને કાઢી નાખવાનું. તમારું લખાણ સારું છે. થોડા ડાયલોગમાં ફેરફાર કરો. ડાયલોગ ટૂંકા અને એવા ધારદાર હોવા જોઈએ કે શ્રોતાને જકડી રાખે. બીજો કોઈ સવાલ હોય તો જરૂર મને નિઃસંકોચ કોન્ટેક્ટ કરશો. મળતા રહેજો.”

પ્રોફેસર ઊભા થયા એટલે નાછૂટકે નેહાને પણ ઊભા થવું પડ્યું. નેહાએ પ્રોફેસરનો આભાર માન્યો. પણ પ્રોફેસર સાંભળ્યું ના સાંભળ્યું કરી ઓફિસમાંથી નીકળી ગયા. હવે નેહા થોડી શરમાઈને ઓઝપાઈ ગઈ. સ્નેહાની વાત સાચી છે, બધા પુરુષ મારાથી આકર્ષાયેલા રહે એ જરૂરી નથી.’ અને એને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. શા માટે એણે કોઈ અજાણ્યા પુરૂષની પાસેથી એવી અપેક્ષા રાખી કે એના સૌંદર્યની નોંધ લેવાય?

નેહા પણ  ઓફિસમાંથી નીકળીને સીધી એણે સાયરા સાથે જ્યાં મળવાનું નક્કી કર્યું હતું ત્યાં પહોંચી ગઈ. સાયરા એક વૃક્ષ નીચે એની રાહ જોઈને ઊભી હતી.

સાયરા અને નેહાની દોસ્તી સ્કૂલના જમાનાથી હતી. બંને એસ એસ સી સુધી એક કલાસમાં ભણ્યાં,  કૉલેજમાં  નેહા સાયન્સમાં ગઈ અને સાયરાએ આર્ટસમાં જવાનું પસંદ કર્યું .  પ્રોફેસર ચુડાસમા સાયરાના પણ પ્રોફેસર હતા. સાયરા અને નેહાનાં ઘર પણ નજીક હતાં. બંને સાથે ઘરે જતાં. રસ્તામાં એણે સાયરાને પૂછ્યું,” સાયરા, આ તારા પ્રોફેસરના   જીવનમાં એવું કાંઈ બનેલું છે કે આટલા ઉદાસ રહે છે, સ્ત્રીઓની અવગણના કરે છે?”

સાયરાએ કહ્યું,” નેહા, મેં તો સાંભળ્યું છે કે એમને કોઈ સ્ટુડન્ટે પ્રેમમાં દગો દીધો છે અને એ યુવતીને ભૂલાવી નથી શકતા. એટલે એ વિદ્યાર્થિનીઓની કંપની એવોઈડ કરે છે. હવે એમને સ્ત્રીઓમાં રસ પણ નથી. આ કિસ્સો વરસો પહેલા બનેલો જ્યારે એ બીજા શહેરમાં પ્રોફેસર હતા. ત્યાંથી બદલી કરીને તેઓ અહીં આવી ગયા છે. પણ આ બધી વાત મારી સાંભળેલી છે. કેટલી સાચી, કેટલી ખોટી, એ મારો ખુદા જાણે.  હા, પણ એ ઉદાસ રહે છે એ વાત સો ટકા સાચી.”

નેહા વિચારમાં પડી  ગઈ અને કશું બોલી નહિ. પ્રોફેસરે એના સૌંદર્યને માત આપી હતી. સાયરાને એ બધું કહેવું નહોતું. જે થયું તે થયું. એમણે એને લખવા માટે ટિપ્સ તો આપી હતી, એટલું સારું થયું.

બે ત્રણ દિવસથી પ્રોફેસર ચુડાસમાના ચક્કરમાં સાગર મલ્હોત્રા વિષે એ સાવ ભૂલી ગઈ હતી. આજ ઘરે આવીને ઈ-મેઈલ ચેક કરી. સાગરની ઈ-મેઈલ નહોતી. ‘મારે સાગરને પૂછવું જોઈએ કે એની તબિયત કેમ છે એ હોસ્પિટલથી ઘરે આવ્યો કે નહિ. છેલ્લે એની સાથે વાત થઈ  ત્યારે એ હોસ્પિટલમાં હતો. બાપડો ઉદાસ પણ હતો. કેટલી માફી માગતો હતો. મેં એને પ્રોમિસ કર્યું હતું કે હું તને ઈ-મેઈલ કરીને સમય જણાવીશ. ચાલ એકાદ દિવસ રાહ જોઉં એની બેચેની તો જોવા દે.  કેટલો બેચેન છે મારી સાથે વાત કરવા માટે. પણ હા, મેં તો એને મારો ફોટો પણ મોકલ્યો નથી. કદાચ ફેઈસબૂકથી જોઈ લીધો હોય તો નવાઈ નહિ. પણ ના, કારણકે ફેસબુકમાં મેં મારું નામ ક્યાં નેહા રાખેલું છે. એને તો મારા બીજા નામની ખબર પણ નહિ હોય.

હવે પ્રોફેસર ચુડાસમાની  બદલે સાગરે એના દિમાગનો કબજો  લઈ લીધો હતો. જોકે પ્રોફેસર એના તરફ કેમ ના આકર્ષાયા એનો છાનો અફસોસ તો એને હતો જ. રૂપનું એટલું બધું અભિમાન શાનું? ભગવાને આપેલું આ રૂપ એક દિવસ કરમાઈ જવાનું હતું. જેમ સવાર પડતા ખીલી ઉઠતાં ફૂલ સાંજ પડતા કરમાઈ જાય છે. રૂપ પણ જવાની ઢળતાં ઢળી જતું હોય છે. ફક્ત રૂપ જોઈને પ્રેમ કરતા માણસો ને જ્યારે ખબર પડે કે જેવું એનું બાહ્ય રૂપ સુંદર છે એવું એનું મન સુંદર નથી તો શું એ વ્યક્તિ એના બાહ્ય રૂપની પૂજા કરી શકશે? પુસ્તકને એના પૂંઠા પરથી જજ ના કરી શકાય એજ રીતે વ્યક્તિને એના રૂપથી ના ઓળખી શકાય.

સાગર એને જોયા વગર પ્રેમ કરતો હતો.  એનાં સૌંદર્યથી બિલકુલ અજાણ હતો. એના લખાણથી એનાં વ્યક્તિત્વના પ્રેમમાં પડ્યો હતો. તો પ્રોફેસરને એના સૌંદર્યની દરકાર જ નહોતી. બધા પુરુષો સરખા નથી. કોઈએ કહ્યું છે કે પુરુષના દિલમાં પણ લાગણીની સરવાણી ફૂટે છે. પુરુષ પણ પથ્થરમાં પાંગરેલું પુષ્પ છે. ફક્ત રૂપ જોઈને અંજાઈ જતા પુરુષો પણ હોય છે અને સાગર જેવા પુરુષ જેને રૂપની પડી પણ નથી. નેહાના દિલમાં સાગર માટે માન ઉપજ્યું  એણે કઠોર વ્યવહાર કર્યો હતો છતાં એ કેટલો નમ્ર હતો! એના વિષે લાંબી ખબર પણ નથી પણ ચોક્કસ કોઈ ખાનદાન માબાપનો દીકરો લાગે છે.

રાત પડી ગઈ હતી. નેહાએ હાથમાં પકડેલી બુક નાઈટ સ્ટેન્ડ પર મૂકી. અને આંખ બંધ કરી દીધી. સ્નેહા ક્યારની સૂઈ ગઈ હતી. સ્નેહા ખૂબ સુંદર હતી પણ સ્વભાવથી નાના માસૂમ બાળક જેવી હતી. એને કોઈ એના માટે શું વિચારે છે એની પડી નહોતી. એ ઘસઘસાટ ઊંધી રહી હતી. નેહાને એની થોડી ઈર્ષા પણ થઈ. કેવી બિન્દાસ  હતી! કાશ, કે હું પણ એવી જ હોત! ના જમાનેકી પરવા, ના દુનિયાકે ગમ!

બીજા દિવસે ઊઠીને એને ઇમેઈલ  ચેક કરી તો સાગરની ઈ-મેઈલ આવી હતી. એને ઈ-મેઈલ ખોલી.

“નેહાજી,

હું હોસ્પિટલથી ઘેર આવી ગયો છું. મારી તબિયત સારી છે. આપની ઈ-મેઈલની રાહ જોતો હતો કે તમે મને સમય આપો તો હું તમને ફરી કોલ કરું. ફરી એકવાર આપની માફી માંગુ છું કે મારા અકસ્માતને લીધે હું આપને સમયસર કોલ કરી શક્યો નહોતો. આપની  ઈ-મેઈલની રાહમાં રહીશ.

સાગર”

નેહાએ પણ ઈ-મેઈલ કરીને સાગરને કોલ કરવાનો સમય આપી દીધો. સાગર એને ગમવા લાગ્યો હતો. જે મને જોયા વગર મારી એટલી કદર કરે છે મને જોશે તો શું કરશે? મેં તો એનો મોરોકોવાળો ફોટો જોયો છે. હેન્ડસમ છે. ટ્રાવેલનો શોખીન છે. એને ખબર છે મને પણ ટ્રાવેલિંગનો શોખ છે. આજ એની સાથે વાત કરીશ તો ચોક્કસ પૂછીશ કે ક્યા ક્યા દેશ ફર્યો છે અને ક્યા ક્યા દેશ ફરવાના બાકી છે.

સાગર સાથે શું વાત કરવી છે  એના વિચાર કરતી કરતી એ કૉલેજ જવા નીકળી. એ હંમેશા ચાલતી ચાલતી કૉલેજ જતી. રસ્તામાં એક રમતગમતનું ખુલ્લું મેદાન પણ આવતું અને મેદાન પાસ કરીએ એટલે બગીચો આવતો. બગીચાની પાછળ જાઓ તો રેલવે ટ્રેક આવે . રેલવે ટ્રેક ઓળંગીને બીજી તરફ જાઓ ત્યારે કૉલેજ આવે. એ રમતગમતનું મેદાન પાસ કરી બગીચા પાસે આવી તો એને પ્રોફેસર ચુડાસમાને લગભગ દસ ફૂટની દૂરી પર જતા જોયા. એ એકદમ ઝડપથી ચાલીને પ્રોફેસરની નજીક પહોંચી ગઈ.

“હલ્લો સર, કેમ છો?  આભાર આપે જે ટિપ્સ આપી એના માટે. હું આખી રાત તમારા વિચાર કરતી રહી.” નેહા એક શ્વાસે બોલી ગઈ.

પ્રોફેસર એકદમ અચકાઈ ગયા. એ ધીમું હસ્યા અને પૂછ્યું,” શા માટે મારા વિચાર? અને હું પ્રોફેસર છું મારો આભાર માનવાનો ના હોય હું અહીં શીખડાવવા માટે જ આવ્યો છું.”

નેહા બોલી, “આપ ગુસ્સે ના થાઓ તો હું આપની વાતનો જવાબ આપી શકું!”

પ્રોફેસર દૂર સુધી તાકી રહ્યા. કદાચ એમને જવાબની ખબર હતી.

પ્રકરણ:

નેહાએ  પ્રોફેસરને કહ્યું,” જો ગુસ્સે  ના થાઓ તો તમારા પ્રશ્ન નો જવાબ આપીશ. ”

પ્રોફેસર  દૂર સુધી તાકી રહ્યા. એમને શું સવાલ હશે તે ખબર હતી. નેહા બોલતી રહી,” સર હું તમારા વિચાર કરતી હતી કે તમે દેખાવડા છે. અને તમારું માન અને આબરૂ પણ ખૂબ છે. તો પછી તમે સિંગલ કેમ  છો? શું તમે લગ્નપ્રથામાં કે પ્રેમમાં વિશ્વાસ નથી રાખતા? સોરી સર , મેં ખૂબ પર્સનલ સવાલ પૂછી  લીધો છે. જો તમારે જવાબ ના આપવો હોય તો બિલકુલ ના આપતા.  આઈ હોપ કે આવો સીધો પર્સનલ સવાલ પૂછીને મેં જો આપને ઓફેન્ડ કર્યા હોય તો મને સાચે જ માફ કરી દેજો.  મારો ઈરાદો આપને તકલીફ પહોંચાડવાનો બિલકુલ નથી. સોરી, સર.”

પ્રોફેસર ફિક્કું હસ્યા. “તો તમને બીજી વિધાર્થિનીઓએ કશું કહ્યું નથી?  મારી વાત તો બધા જાણે  છે.”

નેહાએ માથું ધુણાવીને કહ્યું,” બીજા શું કહે છે એ વાતોમાં હું આવતી નથી. ભેળસેળ વાળી વાતો મને ગમતી નથી. હું એક લેખિકા છું. મને હકીકત ગમે છે.” એમ કહી ને એ મીઠું હસી!

પ્રોફેસરે કહ્યું, “મિસ નેહા, હાલમાં એ વાત રહેવા દો, ક્યારેક યોગ્ય સમય આવશે તો આપને  એ વાત કહીશ. હાલ તમે તમારી સ્ક્રિપ્ટ  પર ધ્યાન આપો.”

નેહા આગળ કશું બોલી નહીં. કારણકે એને ખબર હતી કે પ્રશ્ન ખૂબ પર્સનલ હતો. જવાબ મળશે એવી આશા પણ નહોતી. પણ પ્રોફેસર સાથે ચાલતી રહી, બલ્કે દોડતી રહી.  પ્રોફેસર ખૂબ ઝડપથી ચાલતા હતા. એમનામાં ખૂબ સ્ફૂર્તિ હતી.  ચાલીસેક વર્ષના પ્રોફેસરના વાળ થોડા થોડા સફેદ થઈ ગયા હતા. એમના મુખ પર એક પ્રચ્છન્ન ઉદાસીની આછી અને અજબ છાયા  હતી.

કૉલેજના ગેઈટ પર એ પહોંચી ગયા  તો છોકરાઓ એકબીજાને આંખ મારવા લાગ્યા. નેહાને તરત ભાન થયું કે આ છોકરાઓ ખોટીખોટી વાતો ઉડાડશે અને પ્રોફેસરને બદનામ કરશે. એને ચાલ ધીમી કરી. પ્રોફેસર આગળ નીકળી ગયા.

સાંજના પાંચ વાગે સાગર ફોન કરવાનો હતો. એને પાંચ વાગ્યાનો સમય આપ્યો હતો. એ પાંચ વાગે કૉલેજના  પાર્કમાં જઈને બેસી ગઈ. બરાબર પાંચના ટકોરે ફોનની રિંગ વાગી. સામેથી અવાજ આવ્યો, “ગુડ ઈવનિંગ નેહાજી.”

નેહા બોલી, “ગુડ ઇવનિંગ. સાગર તમારી તબિયત કેમ છે. પીડા તો નથીને?”

સાગર હસીને બોલ્યો, “ના શરીરને કોઈ પીડા નથી પણ..”

નેહા બોલી,  “પણ..?”

“હા,  આ હૃદય તમને યાદ કરી કરીને દુઃખી થાય છે.” સાગર સીધો પ્રેમની વાત પર આવી ગયો.

“જુઓ મિસ્ટર સાગર, હું એક રાઈટર છું. મારા ઘણાં  ફેન છે. તમે પણ એક છો. તો તમે આ વાતને સિરિયસ ના લેશો.”

સાગર બોલ્યો,  “તમે હવે ગમે તે કહેશો એ વાતની મારા દિલને કોઈ અસર થવાની નથી. જ્યારથી તમારી વાર્તા વાંચી છે ત્યારથી હજારો વાર દિલને સમજાવી ચૂક્યો છું. ‘દિલ હૈ કી માનતા હી નહિ’ તમને  એક વિનંતી કરું? તમારો કોઈ ફોટો મને મોકલી શકશો? ચાલો તમે ફોટો મોકલો એ પહેલા હું તમને જણાવી દઉં કે તમે કેવા દેખાવ છો! જો તમે મારા કરેલા વર્ણન જેવા હો તો મને ફોટો મોકલશો નહીંતર નહિ મોકલતા. બસ!”

નેહા ની જિજ્ઞાસા વધી ગઈ. એ હસી, “ચાલો તમારી શરત મંજૂર છે. કહો જોઉ, હું કેવી દેખાવ છું ?”

સાગરે એક ઊંડો શ્વાસ લીધો જે નેહાને સંભળાયો. “તમે  કેવાં દેખાવ છો, એનું શું વર્ણન કરું?  મારી કલ્પનામાં જ્યારે તમે આવો છો ત્યારે મારા મનમાં વસંત મહેકી ઊઠે છે. ચંદ્રમા સમા  તમારા ચહેરા પર કાળી એક લટ ઝૂલતી હોય છે. તમારી માદક અણિયાળી આંખો પર લાંબી લાંબી પાંપણ વિસામો લે છે. જો આંખો ખૂલે છે તો એનાં નશામાં કેટલાય ડૂબી જાય છે અને આંખો બંધ કરો છો તો એમાં કમળ  બંધ થતા ભ્રમર એમાં ફસાઈ જાય છે તેમ મારું દિલ એમાં અટવાઈ જાય છે. તમારા ઓષ્ઠ પેલી ગુલાબની પાંખડીને શરમાવી જાય છે. વિદેશી તેમજ દેશી કપડામાં તમારી પાતળી દેહલતા કમનીય લાગે છે. હજુ આગળ કાંઈ કહું? તમે શરમાઈ જશો તો તમારા ગુલાબી ગાલ સાંજની લાલિમાને શરમાવાશે!”

નેહા ખરેખર  લજાઈ ગઈ. એના ગાલ પર શરમના શેરડા પડી ગયા. પહેલીવાર કોઈ યુવકે એની આટલી બધી પ્રશંસા  કરી અને એને સાંભળી લીધી હોય એવું આજ સુધી બન્યું નહોતું! બાકી કૉલેજના  બીજા ઘણાં છોકરાઓ એની પાછળ લટ્ટુ થતા પણ એ કોઈને ભાવ આપતી નહિ, સાગર શરત જીતી ગયો હતો. એનું દિલ પણ નરમ થઈ ગયું હતું.

વાત કાપતાં એ બોલી, ‘ સાગર, મારે નીકળવું પડશે. હું ફરી આપની સાથે વાત કરીશ.”

સાગરે કહ્યું,” પહેલા કહો કે હું શરત  જીત્યો  કે હાર્યો?

નેહા હસીને બોલી,” બિલકુલ હારી  ગયા છો.  તમે જેવું વર્ણન કર્યું હું એવી બિલકુલ નથી. હું તો રંગે કાળી, દેખાવમાં બિલકુલ સામાન્ય અને કદમાં નીચી છું. એટલે તમે શરત  હારી  ગયા છો. હવે તમને હું મારો ફોટો ના મોકલી શકું!

સાગર તરત બોલ્યો,” હોય જ નહિ ને ! મારી કલ્પના ખોટી હોય જ નહિ. તમારે સાબિત કરવા માટે પણ ફોટો મોકલવો પડશે. તમારી વાત માનવા હું બિલકુલ તૈયાર નથી.

નેહા બોલી,” ચાલો, હમણાં તો હું ફોન મૂકું  છું. ફરી વાત કરીએ. ” એમ કહી નેહાએ ફોન મૂકી દીધો.

નેહા સાગરને ચીડવતી હતી. સાગર એને ગમવા લાગ્યો હતો. કેવું હૂબહૂ વર્ણન એને કર્યું હતું. ફરી એના ગાલ પાર શરમના  શેરડા  પડી ગયાં . શું સાગર મારી વાર્તાના નાયક જેવો છે? એની કલ્પનાને પાંખો આવી ગઈ. આમ પણ નેહા સ્વપ્નશીલ અને કલ્પનાશીલ તો હતી જ. સાગર શું ખરેખર મને પ્રેમ કરતો હશે? કે પછી એ પણ બીજા ફ્લર્ટ છોકરા ની જેમ ફ્લર્ટ કરતો હશે? જો એના પ્રેમમાં એ સિરિયસ હોય તો એને મળવું જોઈએ. હું પણ એની પ્રત્યે આકર્ષણ તો અનુભવું છું. હજુ તો  બે વાર ફોન પર વાત કરી, થોડી ઈ-મેઈલ  આવી એમાં માણસનું મૂલ્યાંકન શી રીતે થાય!

વિચારોમાં ખોવાયેલી એ ઘર તરફ નીકળી ગઈ. હા, એટલું ચોક્કસ હતું કે સાગરની વાતો એના હૃદયને સ્પર્શી જતી હતી. અને એને વાગોળવાની એને ખૂબ મજા આવતી હતી. એના ચંદ્રમા સામા ચહેરા પર એક ગુલાબી સ્મિત ફરકી રહ્યું હતું.

એ ઘરે પહોંચી એટલામાં વોટ્ટસએપ પર કોઈ અજાણી  વ્યક્તિનો મેસેજ આવ્યો. “તમારા ગુલાબી ગાલ પર આવેલા એ સ્મિતને કદી ભૂંસાવા  ના દેશો. તમારા માટે એ સ્મિત હશે પણ મારા માટે એ જીવન છે. અને જો એ મારા કારણે હોય તો હું તમને વચન આપું છું કે હું એને હંમેશા તમારા હોઠ પર રમતું રાખીશ. અને મારે કારણે કદી તમારી આંખોમાં આંસુ નહિ આવે!”

નેહાને ખબર પડી ગઈ કે  આ સાગરનો વોટ્ટસએપ નંબર છે. એણે એને તરત સેવ કરી લીધો. છતાં એ પહેલાં એણે પોતે અજાણ હોય એમ પૂછ્યું , “આપનું  નામ શું છે અને મારો વોટ્ટસએપ નંબર તમારી પાસે ક્યાંથી આવ્યો?”

સાગરે સ્માઈલી મોકલી અને લખ્યું,” હમ  તો તેરે આશિક હૈ સદીયો  પુરાને  ચાહે તું માને ચાહે ના માને!”

“હંમમ…  તો એમ વાત છે મિસ્ટર સાગર! તમે તો મારા ઘર સુધી પીછો કર્યો. પણ તમે મારા આશિક હો કે ના હો, પણ હું તો તમારે માટે સિરિયસ નથી તો હાલમાં વોટ્ટસએપ બંધ કરો નહીંતર તમને બ્લોક કરવા પડશે..!!” અને પછી એ સ્માઈલી ફેસની ઈમોજી સાથે મેસેજ કરી દીધો.

સાગરે સોરીની ઈમોજી મોકલી આપી અને કહ્યું,” જ્યા સુધી તમારી પરમીશન નહિ મળે ત્યાં સુધી તમને બોધર નહિ કરું.”

નેહાએ એલ ઓ એલ ની ઈમોજી મોકલી, પોતાની સુંદરતાના કેફમાં લખી નાખ્યું,’ ઈન આંખોંકી મસ્તીકે  મસ્તાને હજારો હૈ!”

પ્રકરણ: ૧૦

નેહાએ લેપટોપ ખોલ્યું અને  “સુનેહરા સપના”ની સ્ક્રિપટ લઈને બેઠી. પ્રોફેસરના કહેવા પ્રમાણે એમાં કરેક્શન કરવા લાગી. આ સ્ક્રિપટ પણ લગભગ તૈયાર હતી. “અધૂરા સપનાં”ની સ્ક્રિપટ કરતાં આમાં ઘણી હકારાત્મક વાતો હતી. આ પણ એક લવસ્ટોરી હતી. દરેક હિન્દી મૂવીની જેમ આમાં પણ રોમાન્સ હતો. આમાં દેશવિદેશનું વર્ણન નહોતું પણ કુદરતી સૌંદર્ય અને કુટુંબપ્રેમની ભાવનહોતી. નેહાને થયું કે એ લખી તો રહી છે પણ કોને ખબર, ચેતનકુમારને આ સ્ક્રિપટ ગમશે કે નહિ!

“આવતી કાલે ચેતનકુમારને ફોન કરીશ. ‘’અધૂરા સપનાં” નું શૂટિંગ કેટલે સુધી પહોંચ્યું તે જાણવા પ્રયત્ન કરીશ.” એવો નિર્ણય મનોમન કરીને નેહાએ પથારીમાં લંબાવ્યું અને અજાણતાં જ, એના મનનો કબજો સાગરના વિચારોએ લઈ લીધો. ‘સાગર મને જોયા વગર શી રીતે મારું આવું સરસ વર્ણન કરી શક્યો? ચોક્કસ, એણે મને ક્યાંક જોઈ જ હશે! ક્યાંક મેગેઝિનમાં, ક્યાંક પેપરમાં કે સોશ્યલ મીડિયા પર!’

નેહા સૂવાનો પ્રયત્ન કરતી હતી. એના વીખરાયેલા  વાળ એની આંખોને ઢાંકી દેતા હતા. એનું મુખ જાણે વાદળમાં છુપાયેલા ચંદ્રમા જેવું લાગતું હતું. એણે પોતાની લાંબી પાતળી દીવાની વાટ જેવી આંગળીથી વાળને દૂર કર્યા. બારીબહર અને રૂમની અંદર પણ ચંદ્રમા સોળે કળાએ ખીલી ગયો હતો.

આજ ઊંઘ વેરણ થઈ હતી. સાગર સામે આવી જતો હતો. એને સાગરની કલ્પના કરવી પડે એવું નહોતું. એની પાસે તો એનો ફોટો હતો. એનો હસતો ચહેરો એની સામેથી ખસતો નહોતો. સાગર શું કામ કરતો હતો, એ શું ભણેલો હતો, એ ઓફિસમાં જોબ કરે છે કે એ ઓફિસનો બોસ છે એ પણ ખબર નહોતી. હા, એની વાતો પરથી લાગી રહ્યું હતું કે એ એને ખૂબ પ્રેમ કરે છે. એમાં કેટલું સત્ય છે એ તો મળ્યા પછી જ ખબર પડશે, છતાં પણ એટલું ચોક્કસ હતું કે સાગર ધીરેધીરે એના દિલ પર કબજો જમાવી રહ્યો હતો. સાગરના કિનારે ટહેલતીઑ હોય એમ નેહા એની તંદ્રામાંથી અંતે નિદ્રાને શરણે થઈ.

****
બીજા દિવસે ઊઠીને એણે ચેતનકુમારને ફોન કર્યો. સેક્રેટરીએ  જવાબ આપ્યો કે સાહેબ શૂટિંગ માટે પેરિસ ગયા છે. ઉત્સુક્તાથી નેહાએ સેક્રેટરીને પૂછ્યું, “શું ‘અધૂારાં  સપનાં’ નું શૂટિંગ ચાલે છે?”

સેક્રેટરી એ શુષ્ક જવાબ આપ્યો , “ના, બીજું કોઈ મુવી છે. સોરી હું નામ જાહેર કરી શકતી નથી, પણ સાહેબ દસ દિવસ પછી આવશે. તમે ત્યારે ફોન કરશો.”

નેહા વિચારમાં પડી ગઈ! ચેતનકુમારે એને કહેલું કે હાલમાં મારી પાસે કોઈ ફિલ્મ નથી તો સ્ક્રિપટ જરા જલ્દી આપશો. તો આ વળી કયું મુવી હશે? અને સેક્રેટરી પણ જવાબ નથી આપતી. ચેતનકુમારને સ્ક્રિપટ આપે લગભગ ત્રણ મહિના થવા આવ્યા હતા. અને ચેતનકુમારે કહ્યું હતું કે લગભગ ત્રણ મહિનામાં શૂટિંગ પૂરું થશે અને ફિલ્મ રિલિઝ થશે. હજુ દસ દિવસ પછી ચેતનકુમાર આવશે ત્યારે જ વાત થઈ શકશે. હમણાં આ બધા વિચાર કરવા નકામા છે.

સાગરની રોજ એક ઈ-મેઈલ આવી જતી હતી. એ ફોટો મોકલવા માટે આગ્રહ કરતો હતો. પણ ખબર નહિ કેમ એને ફોટો મોકલવાનું મન થતું નહોતું.

‘હું એને ઓળખતી નથી. મારે એને પહેલા ખૂબ ચકાસવો પડે, શું ખબર કોઈ લફડેબાજ નીકળે તો! એ તો પપ્પાની સામે નજર નહિ મેળવી શકે. પપ્પા એના પર પૂરો વિશ્વાસ રાખતા  હતા. કદી કોઈ વાતમાં રોકટોક કરતા ના હતા. એમનો વિશ્વાસઘાત તો થાય જ નહિ.’ બસ, આવો વિચાર આવતાં જ એ અટકી જતી. એને ખબર હતી કે જો એ પપ્પાને કશુંય કહે એ પહેલાં સાગર પર કેટલો વિશ્વાસ મૂકવો એ નક્કી કરવાનું હતું. ફેસબુક અને સોશિયલ મીડિયા પર ચાલતા ફ્રોડ વિષે એને ખબર હતી. એ સાગરને કોઈ ને કોઈ બહાને ટાળી દેતી હતી.

આજ એ કૉલેજથી આવતી હતી ત્યારે સાગરના ફોનની રિંગ વાગી. એ બગીચાના બેન્ચ પર જઈને બેઠી.

સાગરે કહ્યું,” નેહાજી કેમ છો?

નેહા,” હું મજામાં તમે કેમ છો ?

સાગર, “તમારા ફોટાની રાહ જોતો હતો! ક્યારે મોકલો છો ફોટો? કે પછી મારા પર વિશ્વાસ નથી?”

નેહા , “તમે કહ્યું હતું કે તમે મને ચાહો છો, એ પણ મને જોયા વગર! તો પછી ફોટાની શી જરૂર છે?”

સાગર, “પણ તમે કહ્યું હતું કે શરત જીતીશ તો ફોટો મોકલશો!”

નેહા, “તમે ફેસબુકના આધારે જો કહ્યું હોય તો તમારી નાદાની છે. મેં સાચો જ ફોટો ત્યાં મૂક્યો છે એવી તમને ખાતરી કેવી રીતે થઈ? પણ, ચાલો, મોકલીશ. હવે વિષય બદલીએ? તમારા વિષે કૈક કહો. જેમકે તમે ક્યાં શહેરમાં રહો છો? તમે જોબ કરો છો કે બિઝનેસ? ઘરમાં કોણકોણ છે? તમે શું ભણ્યા છો?

સાગર ખડખડાટ હસી પડ્યો,” કેમ તમે મારા માટે છોકરી શોધવાના છો? મારો બાયોડેટા પૂછો છો એટલે કહ્યું.”

નેહા એકદમ ક્ષોભિલી પડી ગઈ પણ તોયે હસી પડીને કહે;, “ચાલો, તમારે માટે ખરેઅખર છોકરી શોધી કાઢીશ. બાયોડેટા મોકલી તો મોકલી આપો.”

સાગર તરત બોલ્યો, “મિસ નેહા તમારે તકલીફ લેવાની જરૂર નથી. મેં છોકરી શોધી કાઢી છે. હવે તો બીજી કોઈ ધ્યાનમાં આવતી જ નથી.”

નેહા બોલી, “જો એ ના પાડશે તો તમે મને બાયોડેટા મોકલી આપશો?”

સાગર બોલ્યો, “એ નહિ તો કોઈ નહિ. જો એ નહિ મળે તો હું જિંદગીભર લગ્ન જ નહિ કરું. ”

નેહા મલકાઈ, “ઓહો..! એટલો બધો પ્રેમ થઈ ગયો છે? નક્કી કોઈ સુંદરી હોવી જોઈએ.”

સાગર બોલ્યો, “મેં જોઈ તો નથી, પણ એનું  દિલ જેટલું સુંદર છે, એના કરતાં વધારે સુંદર તો નહિ હોય! એનું દિલ જ ખૂબ સુંદર છે. એના વિચારો ખૂબ સુંદર છે અને એની વાતો એના કરતાં પણ સુંદર છે. અને જો એટલી સુંદર નહિ હોય તો પણ વાંધો નથી. હું સુંદરતાને આંખથી નહિ પણ દિલથી મહેસૂસ કરું છું.”

નેહા બોલી, “તમે જેને જોઈ પણ નથી છતાં આટલા વખાણ કરો છો, તો, મારે એ અણદેખી સુંદરીને મળવું જ પડશે!”

સાગર હસીને બોલ્યો, “પહેલાં હું તો મળી લઉં ! પછી તમને મેળવું, પણ હા જો ખૂબ તકલીફ લેવી ના હોય તો સવારે દર્પણમાં જોઈ લેજો. એને મળવાની જરૂર નહિ પડે.”

નેહા બોલી,  “સાગર તમે  વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? હું તો તમારા વિષે જાણવા માગતી હતી. પણ તમે કોઈ માહિતી આપી નહિ. જો ખરેખર મને ચાહતા હો તો તમારો બાયો ડેટા મને મોકલી આપશો. અને સાથેસાથે તમે ક્યાં ક્યાં ફર્યા છો એ દેશના નામ પણ કહેશો. જિજ્ઞાસાથી પૂછ્યું છે. કોઈ ઊંધો અર્થ લેતા નહિ! “આટલું કહીને સાગરને ‘બાય’ કહી ફોન મૂકી દીધો. નેહાને સાગરની વાતો ગમતી હતી. એની જાદુભરી વાતોમાં એ એવી ખોવાઈ જતી કે ક્યારે સૂરજ આથમવા લાગ્યો એનું પણ ભાન ના રહ્યું. આકાશની લાલિમા ચારે તરફ ફેલાઈ ગઈ હતી. પંખી સૌ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા હતા. ઘર તરફનો રસ્તો સૂનો થઈ ગયો હતો. આજ બા ચોક્કસ ખીજાઈ જશે.

એ ગભરાતાં ગભરાતાં ઘર તરફ રવાાનાં  થઈ.  સાગરને કહેવું પડશે તારી વાતોમાં હું ખોવાઈ જાઉં છું. તારે સાંજના ફોન ના કરવો. પપ્પા તો  ઘરે નહિ હોય પણ ચિબાવલી સ્નેહા સો સવાલો કરશે. ખોટું બોલવું એને ગમતું નહોતું અને સાગરની વાત કરવાનો સમય હજુ આવ્યો નહોતો. હવે શું કરીશ? નેહાને ઘરનો રસ્તો લાંબો લાગી રહ્યો હતો. કોઈ અજાણ્યા ડરથી છાતીમાં ધડકન જોરથી ચાલી રહી હતી. એ ઝડપી પગલાં ભરતી લગભગ ઘર તરફ દોડતી હતી એટલામાં એક સાયકલવાળાની જોરથી ટક્કર લાગી અને નેહા જમીન પર પડી ગઈ.

એ બોલી,” આંધળો છે શું? સાયકલ ચલાવતા નથી આવડતી?

સાયકલવાળો બોલ્યો,” બહેનજી, આપ આપનાં વિચારોમાં ખોવાયેલાં ચાલતાં  હતાં મારો કોઈ વાંક નથી. ” કહીને હાથ લાંબો કર્યો, નેહાને સહારો દેવા માટે. નેહાએ એનો હાથ ઝટકી નાખ્યો.

એટલામાં તો બીજા કોઈ બે મજબૂત હાથોએ એને ઊંચકી લીધી!! નેહા ગુસ્સે થવા જાય એ પહેલા એની નજર એ વ્યક્તિ પર પડી,

નેહા બોલી પડી,” અરે, સર આપ?”

પ્રોફેસર ચુડાસમાએ હકારમાં માથું હલાવ્યું!

(ક્રમશઃ)

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.