ચૂંટેલા શેર ~ હાર્દિક વ્યાસ (અમરેલી) ~ ગઝલસંગ્રહઃ શિખર વહે, ધજા વહે
તમસા નદીને કાંઠે પાંખો પ્રસારે હંસો
એની જ પ્રેરણાથી ઊંચી ઉડાન થાશે!
*
હું રહું ના હું અને ના તું રહે તું
જાતને એવી રીતે ઓગાળવી છે
*
સ્થિરતા પણ હોય છે
ક્યારેક વહેવાની સ્થિતિ
દૃશ્ય કલ્પી લો મનોહર
એક ખોબો જળ ભરો
*
સમજાવો આયનાને જે જીદ લઈ બેઠા
‘પ્રતિબિંબ તો બતાવું જો સાચા ચહેરા ખૂલે!’
*
કવિતાને મેં ચાહી છે
હૃદયથી, આંખથી, મનથી
રચાતું મૌનનું મૃગજળ
નવો અધ્યાય ખોલે છે
*
એવાય દિવસો આવે
કે મૌન થઈ જવાશે
સંવાદ, સ્વપ્નો, અર્થો,
તર્કો સૂતા રહ્યા છે
*
ખુલ્લી રહેલી બારી તમને પૂછી રહી છે
વર્ષોથી એકધારી તમને પૂછી રહી છે
*
સાક્ષાત્ દીવાદાંડી સ્વરૂપે ઊભી છે સામે
માનીતી એક રાણી! ઝંપી ગયો કિનારો
*
તપ, તાપને શમાવી અંગો ઉપર સજાવી
જીવી રહી અકેલી સૂની પડેલી ડેલી!
*
અરે! આ પાંખ ફૂટી શું
કે ઊડતાં જાય છે વૃક્ષો!
વનોના ઓરતાનું આ નવું
રૂપાંતરણ છે શું?
*
પ્રતિબદ્ધ વાયુ ને લયબદ્ધ ચહેરો,
ઘણા તો હૃદયથી મનાવે છે ઉત્સવ
સુગમ ગીત કોઈ જ્યાં કંઠે સરે કે
કિનારો પ્રથમ એ કિરણને કહે છે
*
તરી શકું પવન ઉપર, લખી શકું ગગન ઉપર, શ્વસી શકું છું ગોખમાં
એ નામશેષ આકૃતિ જો દૃશ્યમાન થઈ શકે તો આશુતોષ ઉદ્ભવે!
*
મુશ્કેલ છે જવાનું, મુશ્કેલ આવવાનું, મુશ્કેલ આખી સૃષ્ટિ પોતીકી લાગવાનું
પોતાપણાની એવી ઉદ્દંડતા નડી છે, સૌના સ્વભાવમાંથી દિશાંતરણ થવાનું
*
શબ્દોથી દૂર જાવું સંભવ નથી કદી પણ
માટે જ સાધનાની આ પાલખી મળી છે
*
કસર કરતો રહ્યો છું રોજ
એ થડકાને ગણવામાં
ખબર છેલ્લે પડી
તસ્બી ભવનની પાર પહોંચી છે!
*
રંગમંચથી વિશેષ કંઈ નથી જીવન તમામ
દ્વારપાળ તું સ્વયં ને સૂત્રધાર તું જ છે
*
થાકી ગયા છે લોકો અંધાર વાગોળીને
ચકમક જરા જલાવી હું બે ઘડીમાં આવું
*
પંખીઓ પાળ પરના પથ્થર બની જશે
બાકી બચ્યું તળાવ પછી ઓગળી જશે
*
પાંચ પતંગિયાં તારા નામે,
પાંચ મોરલા મારા નામે
આતુરતાનો લાવી અંત
કલરવની ભાષા આવે છે
*
ચાહે જીવે ક્ષણોમાં,
ચાહે જીવે સદીમાં
વૃત્તાંત પર તો મારો
અધિકાર પણ નથી જો
*
રેતીના ઢગ વળોટી, જિજ્ઞાસુ જે થયા છે
આવીને એ જ પાછાં હરણાં મને મળે છે
*
ચૈતન્ય પણ નથી ને
મૂર્ધન્ય પણ નથી કંઈ
જીવન અસાર લઈને
ઊભો છું કૈં યુગોથી
*
બધે સમજણ બધાને છે
અસર ને ગુણધર્મોની
પરામર્શો, સમીક્ષાઓ
વલયની વાત કરવી છે
*
નથી એ કંઠ શોષાયા,
ન તો ઓછી સભા થઈ છે
મહાલયમાં થતો ઉત્સવ
હજી વરસો સુધી રહેશે
*
નદી વહે સમીર વહે,
શિખર વહે, ધજા વહે
વહ્યા કરે અતૃપ્તા,
અપૂર્ણ છે સફર અહીં
~ હાર્દિક વ્યાસ
~ ગઝલસંગ્રહઃ શિખર વહે, ધજા વહે
~ પ્રકાશકઃ Zen Opus, અમદાવાદ
~ www.zenopus.in
Link to Buy Online:
https://www.zenopus.in/book/ghazalpoetrygeet/shikhar-vahe-dhaja-vahe