ચૂંટેલા શેર ~ રઈશ મનીઆર ~ ગઝલસંગ્રહ: કેવળ સફરમાં છું

જે ભીડમાં જીવે છે,
જરા એના હાલ જો
લાચારી આટલી કોઈ
તન્હાઈમાં નથી
*
બોર કેવાં હોય છે, શબરીને પૂછો
રામને પૂછો તો એ મીઠાં જ કહેશે
*
સાચી મજા સફરની મળી એ ઘડી મને
જ્યારે ગતિનું કોઈ પ્રયોજન રહ્યું નહીં
*
જન્મવેળા તેં રુદન દઈ
મોકલ્યો’તો, હે પ્રભુ!
એક-બે મહિના રહીને
સ્મિત હું જાતે શીખ્યો
*
જોર કરશો નહીં હલેસાં પર
બસ, લહાવો લો નાવ સરવાનો
*
બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે
જે હો સહાય કરવા તત્પર, બહુ નડે છે
*
ઈશ્વરે પાઠવ્યો નહીં ઉત્તર
શક્ય છે પત્ર ત્યાં ગયો જ ન હો!
*
અંતે એના નામથી નક્શા બન્યા છે
ખેપ જેણે આદરી નક્શા વગરની
*
હાંફે તો બીજું કરે જિંદગી શું?
પગથિયાં ઘણાં એકસાથે ચડી છે
*
પૂછે છે પગનાં છાલાંનો મીનિંગ
પુત્ર જે રખડે પિતાની કાર લઈ!
*
જે બીજાનું વિચારતા જ નથી
અમને એના વિચાર આવે છે
*
સાંભળવો હોય તારે
અગર સત્યનો અવાજ
તાળી-તમાશા…
ઢોલ-નગારાથી સાવધાન
*
દુનિયાય તોલતી રહી પોતાનાં કાટલે
મારોય ત્રાજવામાં સમય થઈ ગયો પસાર
*
વિશ્વાસ કરીએ ત્યારે
ડુબાડે છે માણસો
માણસનો ડર જો રાખીએ,
જીવી શકાય નહીં
*
તળેટીમાં રહી મન ઝંખતું’તું
ટોચને હરદમ
જઈ ટોચે તળેટીને હવે
એ રમ્યતર સમજે
*
રાતે વંચાયું નહીં, દિવસે એ દેખાયું નહીં
નામ તારું કોતર્ય઼ું’તું રાતભર ઝાકળ ઉપર
*
મનગમતો અંશ વર્ણવી
રસપ્રદ બની ગઈ
પાત્રોનું પૂરું દર્દ
કથાને ખબર નથી
*
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
*
ગયા દિવસો, સતત
આ જાતને પુરવાર કરવાના
હવે બાકીના જીવનને
અમે તહેવાર કરવાના
*
મારી છે કમી, ખૂબી રહી જાય છે ઓઝલ
તારો છે કસબ, તારી ખતા શોભી ઊઠે છે
*
યુગ દૂરતાનો છે ને નિકટતાની ચાહના
બસ યાદ કરવું એ જ અડકવું બની ગયું
*
જ્યાં લગ એ બધા ઘાવને
તિલક ન કરી દે
શબ્દોને હું ચંદનનો
દરજ્જો નહીં આપું
*
જો ફરિયાદ કીધી અમે દૃશ્યો સામે
તબીબે અમારી જ દૃષ્ટિ તપાસી
*
કેવી મળી સવારી, કે અશ્વ લાકડાનો!
શું એને વેગ આપો! ને શું લગામ આપો!
*
મારી ગઝલો મારી એકલતા નથી
હું ભરીને બેઠો છું મારી સભા

~ રઈશ મનીઆર
~ ગઝલસંગ્રહઃ કેવળ સફરમાં છું
~ પ્રકાશકઃ Zen Opus, અમદાવાદ
~ www.zenopus.in
Link to Buy Online:
https://www.zenopus.in/book/ghazalpoetrygeet/keval-safar-ma-chhun

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

7 Comments

  1. ખૂબ સુંદર શેરનું ચયન, અભિનંદન હિતેશભાઈ અને રઈશભાઈ બંને સર્જકમિત્રોને.

  2. બહોત ખુબ. અંધેરીખાતે આપનો કાર્યક્રમ માણ્યો. દિલ બાગ બાગ હો ગયા.

  3. બહુ સરસ ચયન કરીને વહેંચેલો અણમોલ સંચય. આભાર.