બે ગીત ~ સંજુ વાળા
૧. જૂઠાણાંની જુગતિ….!
જૂઠાણાંને હોય નહીં કાંઈ જુગતિ !
જે કૈં બોલે એના થાશે તોલ-મોલ
પણ કરવી પડે પ્રયુક્તિ..!
જૂઠાણાંને હોય નહીં કાંઈ જુગતિ !
વાનરને મળી જાય વળગણી
છુટ્ટા હાથે ભરે છલાંગો,
વાતે, વ્યવહારે રહે ફોરા
ભોં મસ્તક આકાશે ટાંગો;
લાગ મળે ત્યાં જંતરમંતર સાધી
વહેંચે મરણ પહેલાં મુગતિ !
જૂઠાણાંને હોય નહીં કાંઈ જુગતિ !
પહેલાં પસંદ કરે પાઘડી
પછી શોધવા નીકળે માથું,
ન ધણિયાતું ભાળે ત્યાં જઈ
બંધાવે ભવભવનું ભાથું;
કહેવા-કથવાજોગ જડે નહીં
ત્યાં કરે ઊંહકારે… ઊંહકારે…ઉક્તિ!
જૂઠાણાંને હોય નહીં કાંઈ જુગતિ !
૨. શોધ……!
કહ્યું કરે કૂકડાનું, એવા સૂરજની કરવા નીકળ્યા રે શોધ !
જરૂર પડે ત્યાં ઊગી આવે, કહો તે રીતે કરે સકળ સંબોધ !
અમાસ સામે લાવી, કીધું દેખાડી દો
આને કેવી હોય મરદની ત્રેવડ,
બહુ મથામણ કરી, કહી જેહાદ પરંતુ
જડસુણી ઊખડી ના એકેય જડ;
પછી અક્કરમી બદલે પાણીદાર પોંખવા કડક થયો અનુરોધ !
રદબાતલના મર્યા મોતિયા, અંગેઅંગ વ્યાપ્યો કાળો ક્રોધ !
કહ્યું કરે કૂકડાનું, એવા સૂરજની કરવા નીકળ્યા રે શોધ !
કરે ખેપિયા ખાંખાકોળા, ક્યા ખમતીધર
માથે સમળી કદી ન ફરતી ચક્કર,
કોને છે વરદાન કે આંગળી ચીધ્યે
ફાટી પડતાં અંધારાંના દરિયા નક્કર;
જરા, મરણને જાંચે નહીં, એને શું લાધે અવનિના અવબોધ !
મચી પડી પોતાનો કક્કો કૂટે, એનો શું વિવાદ, કે વિરોધ !
જરૂર પડે ત્યાં ઊગી આવે, કહો તે રીતે કરે સકળ સંબોધ !
– સંજુ વાળા