સંગીતસરિતાના ‘‘સલિલ’’નું આચમન (સલિલ ચૌધરી જન્મદિન ૧૯ નવેમ્બર) ~ શ્રીકાંત ગૌતમ
સલિલસમી સર..સર..સર… વહેતી સૂરાવલિઓ જેનું ગુંજન ખળખળ વહેતાં વારિ જેવું કર્ણમંજુલ હરહંમેશ લાગતું રહ્યું છે, એવી સંગીતમઢી સૂરાવલિઓના સર્જક સિનેસંગીતકાર સલિલ ચૌધરીનો જન્મદિન ઓગણીસમી નવેમ્બર (સાલ ૧૯૨૫)ના દિવસે છે.

સંગીતકાર સલિલ ચૌધરી રચિત સ્વરરચનાઓમાં જે એક પ્રકારની મીઠાશ રહી, એક અનેરી માધુરી રહી એ ભીની માટીની તરબતર કરતી સુગંધનું સહજ સ્મરણ સદા કરાવતી રહી.
આનું એક કારણ એવું હોવું સંભવિત છે કે ડાબેરી વિચારસરણી ધરાવતા આ સંગીતકારની સંગીતરચનાઓનો પ્રેરણાસ્ત્રોત શ્રમજીવીઓ તથા ધરતીપુત્રો અથવા ધરતીના લાલ એવા ખેડૂતોના કંઠેથી વહેતા થયેલા, લોકબોલીમાં ગવાયેલાં ગીતોનો લહેકો તથા લઢણ અનાયાસે વણાઈ ગયાં હોય. સમદુખિયા એવા શ્રમજીવીઓના હોઠે રમતાં લોકગીતો એક સમયે આ વર્ગના ખેડૂતો તથા વેઠિયાઓને મન પોતાનો જુસ્સો ટકાવી રાખનારા અમૃત સમાન દેખાતાં હતાં.
સંગીતકાર સલિલ ચૌધરી જેવો બંગાળના અંતરિયાળ પ્રદેશોમાં તથા બંગાળના પરગણા અને ગામડાઓમાં વિહરતા રહેતા તથા શ્રમજીવીઓનાં આ ગીતોના લય અને લઢણને આત્મસાત કરતા રહેતા, એમણે પોતાની સૂરાવલિઓને એક અનોખા ઢાંચામાં ઢાળીને પોતાની સર્જનાત્મકતા અને સંગીતની સહજ સૂઝબૂઝને આધીન અનેરું મૌલિક સંગીતસર્જન કરી જાણ્યું હતું.

આ તથ્યનું શ્રેષ્ઠ ઉદાહરણ ફિલ્મ ‘‘દો બીઘા જમીન’’નાં સૂરીલાં ગીતો છે, જે ફિલ્મની શ્રમજીવી કેન્દ્રી કથા સલિલ ચૌધરીની કલમની નીપજ હતી એનું કથા કેન્દ્રીય પાત્ર શંભુ (અભિનેતા બલરાજ સહાની) ધરતીપુત્ર એવો ખેડૂત હતો, પરંતુ શાહુકારને ત્યાં પોતાની ‘‘માતા’’ સમાન જમીન ગિરવે મૂકીને માંડ માંડ બે પાંદડે થવાની કોશિશ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરવાના સંદર્ભમાં એ બે વીઘા જમીનનો ટુકડો, શાહુકારના ચોપડે સદા માટે મંડાઈ ગયો.
મુદ્દલ કરતાં અનેકગણું એવું ‘‘શાહુકારી’’ વ્યાજ પરત કરવાની ત્રેવડ અકિંચન એવા રંક શંભુના ગજાની બહાર હોવાને કારણે આ ધરતીપુત્ર ધરતીવિહોણો બનીને મહાકાય મહાનગર કલકત્તામાં હાથેથી ખેંચતો – શ્રમજીવી રિક્ષાચાલક બની ગયો.

‘‘હેવ એન્ડ હેવ નોટ’’ની અણદીઠી ખાઈની કારુણ્યસભર વાસ્તવિકતાની આ સિનેસ્વરૂપ ફિલ્મ ‘‘દો બીઘાં જમીન’’ના સલિલ ચૌધરી સ્વરબદ્ધ ગીતોમાં માટીની સોડમસમી સૂરાવલિઓનો પાશ અવશ્ય વર્તાય છે.
‘‘અજબ તોરી દુનિયા
હો મોરે રામ,
કદમ કદમ દેખી ભૂલભૂલૈયા,
કોઈ કહે જગ જુઠા,
સપના કા પાની કી બુલબુલિયાં’’
સપના સમાન ક્ષણભંગુર જીવતરના બુદ્ બુદ્ થતાં આ પાણી ક્યારેક ક્યારેક આ ધરતીપુત્રો શ્રમજીવીઓના સૂકાભઠ્ઠ દુષ્કાળ સમી જિંદગીમાં જ્યારે હર્ષોલ્લાસની હેલી વરસાદ બનીને વરસે ત્યારે આ કિંચન માનવસમૂહ આનંદોત્સવ મનાવતો આમ પણ ગાઈ ઊઠ્યો,
‘‘હરિયાલા સાવન ઢોલ બજાતા આયા,
ધિન તક્ તક્
મન કા મોર નાચતા આયા….’’
અને એટલે જ પછી આ હર્ષિલા શ્રમજીવીઓ એકબીજાને સધિયારો આપતાં ગાઈ ઊઠ્યા,
‘‘ધરતી કહે પુકાર કે,
બીજ બિછાલે પ્યાર કે,
મૌસમ બીતા જાય,
મૌસમ બીતા જાય….’’
https://www.youtube.com/watch?v=SEYQmNTTF3g
સંગીતકાર સલિલ ચૌધરી રચિત આ લોકાભિમુખ, લોકગીતની મહેક પ્રસરાવતી સુરાવલિઓ ‘‘દો બીઘાં જમીન’’ની સાર્થકતા પરિપૂર્ણ કરતી બની રહી.
સિનેસર્જક બિમલ રોય સર્જિત ‘‘દો બીઘાં જમીન’’ના અનુસંધાને સંગીતકાર સલિલ ચૌધરીએ આ નિર્માતાની અન્ય ફિલ્મો ‘‘કાબુલીવાલા’’, ‘‘પ્રેમપત્ર’’, ‘‘મધુમતી’’, ‘‘પરખ’’ ‘‘નોકરી’’, ‘‘અપરાધી કૌન’’, ‘‘બીરાજ બહુ’’ ‘‘ઉસને કહા થા’’,નાં ગીતો સ્વરબદ્ધ કર્યાં હતાં.

આ સઘળી ફિલ્મોનાં માધુર્યપૂર્ણ ગીતો આજ પર્યંત એમનાં સ્વરાંકનોની તાજગીને આભારી શ્રોતાઓને મન મૂકીને ડોલાવતા રહ્યા છે. આમાંનાં અમુક ગીતોમાં પણ લોકસંગીતની, સરવાણી સ્ફૂટ થતી રહી છે.
ઉદાહરણ તરીકે ફિલ્મ ‘‘મધુમતી’’નું ‘‘ઓ બિછુઆ, ઓ દઈયા રે દઈયારે ચડ ગયો પાપી બિછુઆ, કૈસો રે પાપી બિછુઆ, બિછુઆ, ચડ ગયો પાપી…’’
અભિનેતા દિલીપકુમારના કંઠેથી ગવાયેલું પહેલું તથા છેલ્લું ગીત સલિલ ચૌધરીની સ્વરચનામાં મઢાયેલું ગીત હતું. ગાયિકા લતા મંગેશકર સાથે યુગલ ગીતના સ્વરૂપે દિલીપ કુમારની ગાયકી ધરાવતું આ ગીત સિનેનિર્દેશક ઋષિકેશ મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ ‘‘મુસાફિર’’નું આ ગીત હતું,
‘‘લાગી નાહિ છૂટે રામ,
ચાહે જીયા જાય,
ઓ મન અપની મસ્તી કા જોગી,
કૌન ઇસે સમજાયે…’’
https://youtu.be/9zN41JkHmd4?si=BAfOSKwCU0G_y0VS&t=187
સિનેસર્જક બિમલ રોયના પટ્ટશિષ્ય ઋષિકેશ મુખર્જી દિગ્દર્શિત અન્ય ફિલ્મો, ‘‘છાયા’’ અને ‘‘આનંદ’’ની રચના પણ સલિલ ચૌધરીની હતી.
સિનેસંગીત જેના અંતર્ગત ગીતો સ્વરબદ્ધ થતાં રહ્યાં છે એની સાથોસાથ અને ક્યારેક તો એનાથી વિશેષપણે પાર્શ્વસંગીતની મહત્તા રહેતી આવી છે.

ફિલ્મકાર બી.આર. ચોપરાની બંને ગીતવિહોણી ફિલ્મો ‘‘કાનૂન’’ અને ‘‘ઇત્તફાક’’નું પાર્શ્વસંગીત સ્વરકાર સલિલ ચૌધરીનું હતું. આને આધીન સંગીતકાર સલિલ ચૌધરી પાર્શ્વ સંગીતના ધૂરંધરની ગણના પામ્યા હતા.
નિર્દેશક ગુલઝાર સર્જિત ‘‘મૌસમ’’ અને યશ ચોપરા સર્જિત ‘‘કાલા પત્થર’’ ફિલ્મનું પાર્શ્વસંગીત પણ સંગીતકાર સલિલ ચૌધરી સર્જિત હતું અને આના કારણે આ બંને ફિલ્મોનું પાર્શ્વસંગીત પણ ‘‘કાનૂન’’ અને ‘‘ઇત્તફાક’’ની જેમ પ્રસ્તુત ફિલ્મોનું એક અનેરું ‘‘પાત્ર’’ બની ગયું હતું.
સંગીતકાર સલિલ ચૌધરી સ્વરરચિત અનેક પ્રાદેશિક ફિલ્મોની યાદીમાં ગુજરાતી ફિલ્મ ‘‘ઘર સંસાર’’ (1971) પણ સમાવેશ થાય છે.
https://www.youtube.com/watch?v=7lTra7Ekzh4
https://www.youtube.com/watch?v=tpie1NmV1q8
સંગીતકાર સલિલ ચૌધરી સર્જિત આવી અસ્ખલિત સંગીત સરવાણી વૃદ્ધિ પામતી સ્વર સરિતાના સ્વરૂપે સાંપ્રત સમયમાં પણ સંગીત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતી રહી છે અને અસ્ખલિતપણે ભાવિમાં પણ કરતી રહેવાનું સામર્થ્ય નિઃસંદેહ ધરાવે છે.
![]()
~ શ્રીકાંત ગૌતમ