ત્રણ કાવ્ય ~ નિનાદ અધ્યારુ, રાજકોટ
1.
જેવી જેની ચાહના, જેવાં જેનાં ઊર,
એની ભક્તિ આપશે બે કાંઠાનું પૂર!
ડાળે-ડાળે દેખતું, છાંટે વ્હાલપ લાખ,
પંખી માળો બાંધતું પહેલાં એની આંખ.
જીવ બિચારો શું કરે, એને શું સમજાય?
પરપોટાની વાવમાં પાણી ભરવા જાય!
એને સરખો સાંભળો, સરવા રાખો કાન,
સૌની ભીતર ભોમિયો, દેખાડે ભગવાન.
પાલી-પાલી ખાઈએ, પાલી દળીએ દાણ,
જાત પીરસીએ જાતને, જાતે કરીએ તાણ.
2.
ઘૂંટડો-ઘૂંટડો પીજીએ, ઘૂંટડો રોજેરોજ,
ઘૂંટડો મન ખાલી કરે, ઘૂંટ કરાવે મોજ.
ગટગટ-ગટગટમાં કદી, સ્વાદ ન આવે કાંઈ,
એક ભરું જ્યાં ઘૂંટડો, ઢુકડો આવે સાંઈ!
ઘૂંટ પછીની ઘૂંટમાં, આવે નવલા ઘાટ,
પગ બોળું જ્યાં એકમાં, બીજો જુએ વાટ.
ઘૂંટ થકી ઘૂંઘટ ઊઠે, ઘૂંટ બતાવે આંખ,
ઘૂંટ બજાવે ઘંટડી, લખ ચોર્યાસી ખાખ!
ઘૂંટ પીએ પીનારને, દૃશ્ય અજબ સર્જાય,
એક અરીસો ગોઠવે, એક અરીસે ન્હાય!
‘નિનાદ’ એને નીરખી, પામર ભાસે ઘૂંટ,
જેવી રીતે આવતો, પર્વત નીચે ઊંટ!
3.
આવો ત્યારે આવજો, મળવા સીધ્ધાં ઘેર,
ત્યાં લગ મારું નામ લ્યો, વાંચો મારા શેર!
પીંછા-બીછા કૈં નહિ, લાવો આખ્ખો મોર,
પીંછા સાથે જોઈએ, ટહુકા ચારેકોર!
રે કેવાં ઉતાવળાં, આવ્યાં ખૂલ્લે પાય,
અમને લાગે હાય રે ! અમને લાગે હાય.
લીસ્સા-લીસ્સા ગાલ પર, ખંજન નામે ખોટ,
જાણે મધદરિયે ઊભી, બાબુભઈની બોટ!
આંખોથી આંખો ઘસી, હાથે ઘસિયા હાથ,
ઊભાં મૂરત થઇ અમે, ભીંતડિયું લે બાથ!
‘નિનાદ’ એ પાછા વળ્યાં, રાતો મારી રોઈ,
મુજ માલીપા આવીને, ચાંદો ચીતરો કોઈ.
~ નિનાદ અધ્યારુ, રાજકોટ
+91 98256 90670
નિનાદ અધ્યારુની રચનાઓ તત્વજ્ઞાન અને સાહિત્યનું સુંદર સાયુજ્ય રચે છે.