“દેખા જો આયના તો મુઝે સોચના પડા.” ~રશ્મિ જાગીરદાર
આપણે જો આયનામાં જોઈ લઈએ તો શું થાય? સત્ય દર્શન? નગ્ન સત્યદર્શન! કહેવાય છે કે અરીસો કદી ખોટું નથી બોલતો કારણ, અરીસામાં જોઈને માણસ કદી પોતાની જાત સાથે ખોટું નથી બોલી શકતો. આયનામાં પોતાના પ્રતિબિંબ સાથે આંખ મળે કે એની સાથે જ ખરી પડે છે, સાચા ચહેરા પર ચઢાવેલા અનેક ચહેરાઓ. આ અનેક ચહેરાઓના મુખવટા લઈને જ આપણે જીવતાં હોઈએ છીએ. કારણ, સમાજમાં સ્વાર્થ સાધવા માટે, ક્યા ચહેરાની, ક્યારે, સમય, સંજોગ અને સ્થળ પ્રમાણે જરૂર પડશે એની આગામી ખબર નથી હોતી! પણ, જેવું એકલાં પડતાં જ દર્પણ જોઈએ કે ચહેરા પર ચઢાવેલાં ચહેરાઓનો અહેસાસ થાય છે.
આ અનેક ચહેરાઓમાં આપણાં પૂર્વગ્રહો છે, આપણે મનમાં પાળી રાખેલી સાચીખોટી ધારણાંઓ અને માન્યતાઓ પર ચઢાવેલાં વરવા આવરણો પણ છે, જેને સચ્ચાઈ અને હકીકતની એરણ પર ચોક્કસાઈ કરીએ તો જ સમજી શકાય છે. આયનો આમ એક રીતે જોઈએ તો એરણ છે એટલે જ એકલા એનો સામનો કરવાનું અઘરૂં પડે છે.
આયનામાં જોવું એટલે આપણી જાત સાથે રૂબરૂ થવું, જાત સાથે ત્યારે જ મેળાપ થઈ શકે જ્યારે અંદરનો માહ્યંલો જાગે. એકવાર અંતરાત્માની અલખ જાગી કે એની સાથે જ પાળી રાખેલી સાચીખોટી ધારણાં અને માન્યતાઓ પરનાં આવરણો પણ ખરવાનાં જ. અને, એ સાથે જ સત્ય સાપેક્ષ મટીને, એનાં Nascent State-જન્મજાત, નગ્ન સ્વરૂપે સામે આવે છે જ. સત્યનો સામનો કરવો એ અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરવા જેવું છે. અરીસામાં ચહેરો જોવો એટલે આ સત્યનો સાક્ષાત્કાર કરવો. જ્યારે અરીસામાં સાચો ચહેરો દેખાય છે ત્યારે એ જીરવવો પણ અઘરો છે. અરીસો ત્યારે આગનો દરિયો બની જાય છે. ત્યારે અનાયાસે યાદ આવે છે, જિગર મુરાદાબાદીનો અમર શેરઃ
“યે ઈશ્ક નહીં આસાન, ઈતના સમજ લિજીયે
એક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ!”.
એકવાર આગના આ દરિયા પરથી ચાલીને નીકળી ગયાં પછી કોઈ ભય ક્યારેય લાગતો નથી. પ્રેમનું સત્ય અને સત્ય માટેનો પ્રેમ જ ‘અ-ભય’ના જન્મદાતા છે. મહાત્મા ગાંધી અને મહાવીરના ‘અ-ભય’નું ઉદગમ સ્થાન પણ સત્યનું Nascent State-જન્મજાત, નગ્ન દર્શન છે. ત્યારે થાય છે કે,
“એક ચહેરે પે ચઢાયે ગયે થે
વે સારે ચહેરે
એક એક કર કે સરકતે ગયે
મુઝે ફિર જો ચહેરા મિલા,
એક અરસે સે ખ્વાબ મેં ભી
વો ખ્વાબ સા હો ગયા થા!!”
~ જયશ્રી મરચંટ
શું આ અસલી ચહેરાના નગ્ન સત્યનું દર્શન કરવું અને એનો સામનો કરવો સરળ છે? ના રે, પણ છતાંયે આપણે આપણો સાચો ચહેરો જોઈને જીરવી લેવાની હિંમત રાખીએ તો જીવનમાં આગળનો રસ્તો સત્યની સર્ચલાઈટથી ઝળહળ થઈ જાય છે. હા, જો આત્માના આયનામાં દેખાતું પ્રતિબિંબ વરવું હોય તો થોડીવાર તો આપણે હતપ્રભ થઈને ઊભા જ રહી જઈએ. “હું છેક આવો છું!” જાતને સંભાળી લેવાના હોશ આવે ત્યારે થાય કે, સત્ય હકીકત જાણવા પછી એના પર વિચારવું જ રહ્યું! એટલું જ નહીં, આ પ્રતિબિંબને શુદ્ધ બનાવવાના પ્રયત્નો કરવાની જાગરૂકતા કેળવવી પણ આવશ્યક બની જાય છે.
આ આયનો જોવો એટલે અંતરમાં પોતાનું જ આત્મસંશોધન કરવું, એવું પણ બને કે આ આત્મસંશોધનથી આપણે આપણાં માટે કે બીજા કોઈ માટે બાંધેલી માન્યતાના રેશમી, મુલાયમ આવરણ ઉતરી જાય અને એનો સાચો વરવો ચહેરો ઉજાગર થાય. કેટલીક વાર કોઈ વ્યક્તિ કે બનાવ આપણને સીધી કે, આડકતરી રીતે સત્યને સમજવામાં મદદ કરતી હોય છે. અને, ત્યારે, એ વ્યક્તિ કે એ બનાવ સ્વયં આયનો બની જાય છે.
અહીંથી સત્યની સાથે સીધી ટક્કર થતાં, કશ્મકશમાં અટવાઈ જવાય છે. જ્યારે હકીકત સ્પષ્ટ થાય ત્યારે ફરી એકવાર નવેસરથી પરિસ્થિતિ અને સંજોગો માટે વિચારવું પડતું હોય છે. હ્રદયમાં વસેલાં સ્વજનો, મિત્રો અને દ્રઢ થઈ ગયેલી માન્યતાઓ જ્યારે વેરણછેરણ થાય છે ત્યારે અંતર વલોવાતું હોય છે પણ સત્યને પડકારી શકાતું નથી, બલ્કે એનાં આવા પડકારો લઈને જીવનમાં આવેલી પળોને સ્વીકારીને કોઈ કડવાશ વિના આગળ ધપવાનું હોય છે. કેટકેટલાય લોકો પણ આવા પડકાર રૂપે મળતા હોય છે અને એમના મુકાબલા માટે સજ્જ રહેવું પણ અનિવાર્ય તો ખરૂં જ.
સામાન્ય રીતે આપણાં મનમાં કોઈને કોઈ રંજ રહેલો હોય છે, જે ભૂતકાળમાં બનેલી ઘટનાને લઈને હોય છે. જેમ કે, ગઈકાલે ઓફિસમાં મારાથી કેવી ભૂલ થઈ ગઈ! હવે બધા મને સાવ બુધ્ધુ જ સમજશે ને? નવરાત્રી ગઈ એને માટે શોપિંગ કરવાનો સમય ના મળ્યો એમાં બધાની વચ્ચે હું સાવ કેવી લાગતી હતી? બધાં કેવો વટ મારતાં હતાં? આમ વિચારો આવે પછી ભૂતકાળની એ ઘટનાઓના અનુસંધાનમાં, ત્લોયારે કોએ શું વિચાર્યુમ હશે કે ભવિષ્યમાં શું વિચારશે – બસ, તેના ખ્યાલોમાં આપણું મન “Overtime” વિચારીને જતને જ દુઃખી કરતું રહેશે.
આપણે સતત કાં તો ભૂતકાળમાં અથવા ભવિષ્યકાળમાં જ ભમતાં રહીએ છીએ. “મેં આમ કેમ ના કર્યું!” અને “હવેથી હું આમજ કરીશ!” આમ બે કાળ વચ્ચે ઝોલા ખાતાં આપણે આપણી ‘આજ’ને સાવ નજર-અંદાજ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ કે, આપણો ભુતકાળ કે ભવિષ્યકાળ આપણને માત્ર અને માત્ર ‘આજ’ના રૂપમાં જ મળી શકે છે. અને એ ‘આજ’નું સો ટચના સોના જેવું દર્શન કરાવનાર એક માત્ર સાધન અરીસો છે.
આ અરીસો માત્ર સ્થૂળ સ્વરૂપે જ નથી હોતો. કહેવાય છે ને કે “તેરા મન દર્પણ કહેલાયે.” મનથી સાફ આયનો બીજો હોઈ જ ન શકે. હા, મનની બારી ખોલીને સ્વચ્છ હવાનું આવનજાવન આયનામાં દેખાતાં પ્રતિબિંબને જોવા, જાણવા અને સમજવા માટે અનહદ આવશ્યક છે. બસ, એકવાર આવા આયના સામે જઈને ઊભા રહેવાની હિંમત કરઈ લઈએ તો તે આપણને વર્તમાનના હુબહુ દર્શન થશે જ એમાં બેમત નથી. અને ત્યારે અનાયાસે થશે કે, ‘દેખા જો આયના તો મુઝે સોચના પડા.’
ઘણીવાર, ખુદ માટેના ખ્યાલો આપણે ખૂબ ઊંચા રાખીએ છીએ. ‘આપણને તો સાચું બોલવા જોઈએ, ખોટું બોલવાની ટેવ આપણને નહીં.’ એમ કહીને પોતાની જાતના અસત્યને legitimized કરીએ છીએ. પણ ખરેખર તો પેલી સુગર કોટેટ ક્વિનાઈનની ગોળીની જેમ, આપણું જૂઠ તો ઉપર ઉપરથી સાચનાં તાણાવાણાથી વીંટાળેલું હોય છે. આવામાં શુ થાય ખબર છે? દુનિયા આખી આપણને સત્યવાદી સમજીને આપણને માન આપ્યા કરે. આપણાં વચન પર વિશ્વાસ રાખ્યા કરે અને આપણી સચ્ચાઈના દાખલા પણ અપાતા રહે, છતાંયે અંદરની બેચેની જતી નથી. કારણ? એ જ – મન સાથે જૂઠું બોલી શકાતું નથી..!
આપણે પણ ‘‘આપણને તો સાચું બોલવા જોઈએ, ખોટું બોલવાની ટેવ આપણને નહીં.’ – આવું અ- સત્ય! વારંવાર બોલીને આપણે તો ‘સત્યવાદી’ છીએ જ એમ માનતા થઈ જઈને બણગાં ફૂંકતાં રહીએ છીએ. પછી જો ભુલેચુકે આવા સમયે અંતરના આયનામાં ખુદનું મોં જોઈએ તો પેલું નગ્ન સત્ય સામે આવવા પ્રયત્ન તો કરે પણ તેને વણજોયું કરીને વિચારીશું, કે, “ના, ના આ હું કેવી રીતે હોઈ શકું? હું તો સરળ, સહજ, સત્યવાદી જ છું. મારે કંઈ બીજું વિચારવું પણ નથી.” પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે સત્યનો સામનો કરવા માટેનું ગજું અને સત્યનો સ્વીકાર કરવાની હામ – આ બેઉ “ગંગા-જમુના”નો સંગમ અને સાક્ષાત્કાર એકવાર થાય તો ભવસાગર તરી જવાય છે.
મન તો દર્પણ જ છે ને? તે તરત જ આપણે જેવા હોઈએ તેવી છબી મનપટલ પર દોરીને મુકી દેશે, જેને સતત અણદીઠી કરવાનું આપણું ગજું નહીં! એવી પળો જીવનમાં આવશે જ કે જ્યારે એવું બને કે, આયનાનું એ પ્રતિબિંબ, ભૂતાવળની જેમ, આપણો સતત પીછો કરતું જ રહે છે. આવા સમયે આપણે અંતરના આયનાની પરખ કરી લઈએ તો અસત્યના બધા આવરણો ફગાવી શકીશું, સત્યના આંચળા તળેના જુઠને પકડી શકીશું અને ત્યારે બે ઘડી થોભીશું તો આપણને જરૂર થાય કે, બહું થઈ ગયું! આખું કોળું આમ શાકમાં તો ગયું જ છે, પણ હવે વિચારવું જ રહ્યું. “बहोत हो गया यार!”

આયનો કહે છે-I know you