સચિનદેવની સ્વરરચનાનાં સંભારણાં (પુણ્યતિથિ: 31 ઑક્ટોબર) ~ શ્રીકાંત ગૌતમ
લોકસંગીતનો સમન્વય સિનેસંગીત સંગાથે; સિનેસંગીતના સંદર્ભે જ્યારે પણ આ વિષય અથવા વાતની માંડણી થાય ત્યારે સિનેસંગીતકાર સચિનદેવ બર્મન (નિધન તારીખ 31 ઑક્ટોબર સાલ 1975) સ્વરચિત સિનેગીતોનું સ્મરણ સૌપ્રથમ થવું સાહજિક છે.
સચિનદેવ બર્મન જેઓ એસ.ડી. અથવા બર્મનદાના હુલામણા નામથી વધારે પ્રચલિત હતા, તેઓ પૂર્વ બંગાળના ત્રિપુરાની સરહદે આવેલા કોમિલા પરગણાના રાજવી પરિવારના ફરજંદ હતા. સંગીતજ્ઞ માતા તથા પિતાના સંગીતમઢ્યા સૂરીલા સંસ્કારોના વાતાવરણમાં ઊછરેલા આ ‘‘પાટવીકુંવર’’ને સંગીત સૂરાવલિઓ ગળથૂથીમાં સાંપડી હતી.

વીણાવાદક પિતા અને રવીન્દ્ર સંગીતની ગાયકીમાં માહિર માતા તરફથી સંપાદન થયેલા આવા જન્મજાત સંગીત સંસ્કારોના ધારક સચિનદેવે સંગીતક્ષેત્રે પદ્ધતિસરની તાલીમ નહોતી લીધી, પરંતુ ઘરમાં ગુંજતી સંગીત સૂરાવલિઓસભર સંગીતમય વાતાવરણમાં રહેતા રહેતા સચિનદેવ નાનપણથી જ કોઈ પણ પ્રકારના વિશેષ આયાસ વગર ‘‘કાનસેન’’ અવશ્ય બની ગયા હતા.
આના સંદર્ભે એક આડવાત અત્રે કરીએ, સિનેસંગીત ક્ષેત્રે સંગીતકાર તરીકે નામના મેળવનાર બર્મનદા સ્વરચિત એક સિનેગીતનું રેકોર્ડિંગ ચાલતું હતું. રેકોર્ડિંગ રૂમની બહાર બેસીને અંદર ગવાતું ગીત સાંભળતા સચિનદેવે એકાએક રેકોર્ડિંગ અટકાવી દીધું, એમ કહીને કે ‘‘અહીં 10 વાયોલીન વાગવા જોઈએ તો આ 11મું કેમ વાગી રહ્યું છે?’’ ‘‘કાનસેન’’ની કુશળતા આમ અછતી નહોતી રહી.
આરંભમાં બંગાળી ફિલ્મોમાં ગાયક તરીકે પદાર્પણ કરનાર સચિનદેવ 1946ની સાલમાં મોહમયી મુંબઈ નગરી સિનેસંગીત ક્ષેત્રે કીર્તિ અને કલદાર કમાવાના આશયે આવ્યા.
1946માં ફિલ્મીસ્તાન સિને બેનરની ફિલ્મ ‘‘શિકારી’’થી આ રાજવી કુટુંબના રાજકુમાર સિનેસંગીતના ‘‘વન’’માં ‘‘મૃગયા’’ ખેલવાના માર્ગે રમમાણ થયા.

‘શિકારી’’ પછી આ જ સાલમાં ‘‘આઠ દિન’’ ફિલ્મની સ્વરરચના પણ સચિનદાએ કરી, પરંતુ એમને પહેલવહેલી અપરંપાર પ્રસિદ્ધિ અને લોકચાહના સાંપડી એમની સ્વરચિત 1947ની ફિલ્મ ‘‘દો ભાઈ’’નાં ગીતો થકી. ‘‘મેરા સુંદર સપના બીત ગયા, મૈં પ્રેમ મેં સબ કુછ હાર ગઈ, બેદર્દ જમાના બીત ગયા, મેરા સુંદર સપના…’’
ચૌદ વર્ષીય ગાયિકા ગીતા રોય (ગીતાદત્ત)ના અનહદ દર્દીલા કંઠેથી ગવાયેલી સચિનદાની આ સ્વરરચના સમગ્રતયા સર્વકાલીન અજરામર બની ગઈ. ગાયિકા ગીતાનું આ પહેલવહેલું એવું સિનેપાર્શ્ર્વગાયન ક્ષેત્રે પદાર્પણ કરનારું આખું ગીત હતું.
આ પહેલાં આ ગાયિકાએ માત્ર બે પંક્તિઓ 1946 ની ફિલ્મ ‘‘ભક્ત પ્રહલાદ’’માં ગાઈ હતી. આમ સચિનદા આ ગાયિકાના સિનેસંગીત પાર્શ્ર્વગાયન ક્ષેત્રે પ્રથમ પ્રવેશ કરવામાં નિમિત્ત ઠર્યા.
આવી જ રીતે અભિનેતા દેવ આનંદ માટે પહેલવહેલું પાર્શ્વગાયન ગાયક કિશોર કુમારે સચિનદા સ્વર રચિત ફિલ્મ ‘‘જીદ્દી’’ (1948)માં કર્યું ‘‘મરને કી દુઆએ ક્યુ માગું, જીને કી તમન્ના કૌન કરે, યે દુનિયા હો યા વો દુનિયા, અબ ખવાઈસ-એ-દુનિયા કૌન કરે, કૌન કરે…’’
..અને પછી તો આ ગાયક કિશોરકુમાર અભિનેતા દેવ આનંદના મહદ્અંશે પાર્શ્ર્વગાયક બની ગયા. આમ આ ગાયક-અભિનેતાની જુગલજોડીની રચના માટે પણ નિમિત્ત સંગીતકાર સચિનદેવ બર્મન ઠર્યા.
અભિનેતા રાજ કપૂર અભિનીત બે ફિલ્મો જે સાલ 1947માં પ્રદર્શિત થઈ હતી, એ ફિલ્મોની સ્વરરચના એસ. ડી. બર્મને કરી હતી. આ બે ફિલ્મો હતી, ‘‘દિલ કી રાની’’ અને ‘‘ચિત્તોડ વિજય’’.
આમાંની ‘‘દિલ કી રાની’’ ફિલ્મનું એક ગીત અભિનેતા રાજ કપૂરના કંઠેથી સચિન દાએ ગવડાવ્યું હતું. આ ગીત હતું, ‘‘ઓ દુનિયા કે રહેનેવાલો બોલો કહા ગયા ચિત્તચોર, જાઉં કહાં ઓર ઢૂંઢું કહા, ખોયા હુઆ મન પાઉં કહાં, કહાં ગયા ચિત્તચોર…’’
આ યુગલ ગીત રાજ કપૂરે ગાયિકા ગીતા દત્ત સાથે ગાયું હતું. આમ પહેલવહેલીવાર રાજ કપૂરે કરેલા પાર્શ્ર્વગાયનની સ્વરરચના સચિનદેવ બર્મનની હતી.
લોકસંગીતના અનહદ ચાહક સચિનદા પોતે સુમધુર કંઠના સ્વામી હતા. તેમના કંઠેથી વહેતાં થયેલાં સિનેગીતોમાં લોકસંગીતની ઝલક તથા ભીની માટીની સૌરભસમી મહેક મંત્રમુગ્ધ કરનારી નિઃશંક નીવડી છે. ‘‘સુજાતા’’ ફિલ્મનું એમના કંઠેથી ગવાયેલું ગીત, ‘‘સુન મેરે બંધુ રે, સુન મેરે મિતવા, સુન મેરે સાથી રે…’’ ફિલ્મ ‘‘બંદિની’’નું ‘‘ઓરે માઝી, ઓ મેરે માઝી, મેરે સાજન હૈ ઉસ પાર મૈં મન માર, હૂં ઇસ પાર, ઓ મેરે માઝી અબકી બાર, લે ચલ પાર, ઓ મેરે માઝી લે ચલ પાર, મેરે સાજન હૈ ઉસ પાર…’’ ફિલ્મ ‘‘આરાધના’’નું ‘‘કાહે કો રોએ, ચાહે જો હોયે, સફલ હોગી તેરી આરાધના…’’ ફિલ્મ ‘‘અમર પ્રેમ’’નું ‘‘ડોલી મેં બીઠાઈ કે કહાર લાયે મોહે સજના કે દ્વાર…’’ (સંગીત રાહુલદેવ બર્મન) ફિલ્મ ‘‘ગાઈડ’’ વહાં કૌન હૈ તેરા મુસાફિર જાયેગા કહા…’’ તથા ‘‘અલ્લાહ મેઘ દે, પાની દે, છાયા દે, તું રામ ઘેઘ દે, શ્યામ મેઘ દે…’’. ફિલ્મ ‘‘પ્રેમ પૂજારી’’ નું ‘‘પ્રેમ કે પૂજારી. હમ હૈં રસકે ભિખારી, પ્રેમ કે પૂજારી…’’ ફિલ્મ ‘‘તલાશ’’નું ‘‘મેરી દુનિયા હૈ મા તેરે આંચલ મેં…’’ સચિનદાના હલકભર્યા એવા અનોખા કંઠેથી ગવાયેલાં આ ગીતો આ જ પર્યંત અતુલ્ય રહ્યાં.
એક સર્જનાત્મક અને સજ્જ સંગીતકાર તરીકે તેઓ બરોબર જાણતા હતા કે એમની કઈ સ્વરરચના માટે કયા ગાયક કે ગાયિકાની ગાયકી નિર્વિવાદ આવશ્યક છે. એમની આ સંગીત સંદર્ભિત સજ્જતાને આધીન તેઓ પોતાની સ્વરરચના ગાવા માટે આ કે તે ગાયક-ગાયિકાનો આગ્રહ રાખતા, અને એમની ગાયકીમાં એ ગીત ગવડાવતા.
ગાયક મુકેશની ગાયકીનો ઉપયોગ સચિનદેવ બર્મને જ્વલ્લે જ કર્યો હતો., પરંતુ જ્યારે એમણે નિ:સંદેહ માન્યું કે આ ગીત માટે ગાયક મુકેશની ગાયકી જ અનિવાર્ય છે, ત્યારે તેમણે એ ગીતો ગાયક મુકેશના કંઠેથી જ ગવડાવ્યાં હતાં. ઉદાહરણ તરીકે ફિલ્મ ‘‘બોમ્બે કા બાબુ’’નું કન્યાવિદાય ગીત, ‘‘ચલરી સજની અબ ક્યા સોચે, કજરા ન બહ જાયે રોતે રોતે, ચલરી સજની અબ ક્યા સોચે…’’
આવી જ રીતે ફિલ્મ ‘‘બંદિની’’નું મુકેશની ગાયકી ધરાવતું ગીત ‘‘ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના..” ફિલ્મ ‘‘તેરી આંખે’’નું એક ગીત, મુકેશની ગાયકીમાં, “યહ કિસને ગીત છેડા…’’ ફિલ્મ ‘‘ડૉ. વિદ્યા’’નું એક ગીત ‘‘અય દિલ-એ-આવારા ચલ…’’ અને ફિલ્મ ‘‘વિદ્યા’’ (1948) જે દેવ આનંદ અભિનીત ફિલ્મ હતી, તેનાં બે ગીતો, ‘‘બહે ના કભી નૈન સે નીર’’ અને ‘‘લાયી ખુશી કી દુનિયા, હસતી હુઈ જવાની…’’
સંગીતકાર સચિનદેવ બર્મન અને કોકીલકંઠી ગાયિકા લતા મંગેશકર વચ્ચે કોઈ વાતે અંટસ પડી જતાં લગાતાર છ વર્ષ બંને વચ્ચે અબોલાં રહ્યાં, જે સમયગાળા દરમિયાન બર્મનદાએ લતાજીની અવેજીમાં એ છ વર્ષો દરમિયાન અન્ય ગાયિકાઓ પાસે પોતાની સંગીતરચના ગવડાવી હતી, પરંતુ ફિલ્મ ‘‘બંદિની’’ના એક ગીત માટે બર્મનદાએ મહેસૂસ કર્યું કે આ ગીત માટે લતા સિવાય કોઈ નહીં, અને પરિણામે બર્મનદાએ અબોલાના અહંને ઓગાળીને લતાને કહેણ મોકલ્યું.

લતા દીદી પણ એ અબોલાની છ વર્ષો જૂની વાડને વટાવીને બર્મનદાના કહેણનો પ્રતિસાદ આપતા ફિલ્મ ‘‘બંદિની’’નું આ ગીત, ‘‘મોરા ગોરા અંગે લઈ લે મોહે શ્યામ રંગ દઈ દે, છૂપ જાઉંગી રાત હી મે મોહે પિ કા સંગ દઈ દે…’’ ગાઈને ગીતને તો અજરામર બનાવી જ દીધું, સાથોસાથ બંને પક્ષે સૂરીલા સંબંધની સુગંધ પુન: મહેકી ઊઠી.
અને અંત… સચિદાનાં રવીન્દ્ર સંગીતપ્રીતિના ઉદાહરણરૂપ બે ગીતો યાદ કરીએ તો ફિલ્મ ‘‘અફસર’’ (1950)નું ‘‘નૈન દીવાને એક નહીં માને ના હુવે હે પરાયે, મન હારે હાયે…’’ (સુરૈયા ગાયકી) અને બીજું ફિલ્મ ‘‘અભિમાન’’નું ‘‘તેરે મેરે મિલન કી યે રૈના, નયા કોઈ ગુલ ખિલાયેગી તભી તો ચંચલ હૈ તેરે નૈના…’’
https://www.youtube.com/watch?v=1Dlr6SG7Vm4
~ શ્રીકાંત ગૌતમ