ન્યૂરેમ્બર્ગમાં છેલ્લો દિવસ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:50 ~ ઉત્કર્ષ મઝુમદાર
ન્યૂરેમ્બર્ગમાં અમે નીકળ્યા હતા જર્માંનીશે નેશનલ મ્યુઝિયમ જોવા. આ મ્યુઝિયમની સ્થાપના ફ્રાંકોનીઅન બેરન હંસની આગેવાનીમાં અમુક વ્યક્તિઓએ ભેગા મળીને કરી, જેમનો ઉદ્દેશ જર્મન ઇતિહાસ, સાહિત્ય ને કલાને દર્શાવાનો હતો.
આ જર્મનીક શબ્દને ઓગણીસમી સદીનાં મધ્યભાગના ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવો જોઈએ. ગ્રીમ બ્રધર્સ, લિયોપોલ્ડ રંક, જેકોબ જેબ લોકો ફ્રેન્કફર્ટમાં ભેગા થયા ને એમણે સમસ્ત જર્મન ભાષા બોલતા પ્રદેશોની સાંસ્કૃતિક વસ્તુઓને એક નામે કરી જર્મન સ્ટડીઝ.
એ વખતે જર્મની એક રાષ્ટ્ર બન્યું ના હતું. સન 1871માં જર્મન એમ્પાયર અસ્તિત્વમાં આવ્યું ત્યારે નેશનલ શબ્દ મ્યુઝિયમમાં ઉમેરાયો. આ મ્યુઝિયમ જર્મનીનું મોટામાં મોટું મ્યુઝિયમ છે. જેમાં જર્મન પ્રદેશની તમામ સાંસ્કૃતિક વસ્તુઓનો સમાવેશ થયો છે.
અહીંયા મૌજૂદ કુલ્લે તેર લાખ વસ્તુઓમાંથી માત્ર છવ્વીસ હજાર જેટલી વસ્તુઓ જ પ્રદર્શિત કરાઈ છે. જે વસ્તુઓ જોવી જ રહી એમાં આલ્બ્રેખ્ત ડ્યુર એ ચીતરેલું એની માનું પોર્ટ્રેટ અને રાઇનોસોરેસનો સમાવેશ થાય છે.
![]()
ન્યૂરેમ્બર્ગમાં જ 1471માં જન્મેલો આલ્બ્રેખ્ત જર્મનીનો મહાન ચિત્રકાર હતો. એની વાત નીકળી જ છે તો થોડીક એના વિષે માહિતી મેળવીએ.
જર્મન રેનેસાંસનો એ મુખ્ય ઘડવૈયો હતો. એની પ્રિંટમ્સકીનગન્સ કામે ભવિષ્યના ઘણા કલાકારોને પ્રેરણા આપી. એણે કરેલી એનું શરુઆતનું માનું સેલ્ફ પોર્ટ્રેટ પેરિસના લુવ્ર મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયું છે.
ન્યૂરેમ્બર્ગમાં જે ઘરમાં એ 1509થી 1528 એના મૃત્યુ પર્યન્ત રહેલો એ ઘર સચવાયેલું છે ને ન્યુરેમબર્ગનું આગવું ઘરેણું છે. ત્રણ માળનું આ મકાન મુલાકાતીઓ માટે ખુલ્લું છે.

અહીં એના સ્ટુડિયોની નવરચના કરી છે જ્યાં એ પ્રિન્ટ મેકિંગનું કામ કેવી રીતે કરતો એ જોવા મળે છે. આખા યુરોપમાં આ ઘર અજોડ છે કારણ કે કોઈ પણ કલાકારનું 15મી સદીમાં બનેલું ઘર આજની તારીખમાં હયાતીમાં નથી.
અમે મ્યુઝિયમમાં સારો એવો વખત ગાળ્યો. માતબર અને વૈવિધ્યસભર આ મ્યુઝિયમ કલાના રસિયાઓએ તો જોવું જ રહ્યું.
હવે અમારે બાજુમાં આવેલું આ મ્યુઝિયમના જ એક ભાગ રૂપ ટોય મ્યુઝિયમ જોવું હતું પણ થોડી ગરબડ થઇ ગઈ. હું ટોઇલેટમાં ગયો ને પાછો આવીને જોઉં તો કોઈ દેખાય નહિ. મેળામાં બચ્ચે બિછડ ગયે જેવું થયું. પરદેશમાં આવું થાય તો મોટાઓ પણ નાના થઈને ગભરાઈ તો જાય કે નહિ? મને એમ કે તેઓ બધા ટોય મ્યુઝિયમ તરફ ગયા એટલે હું પણ એ તરફ ગયો.

ત્યાં પણ નહિ. કાઉન્ટર પર પૃચ્છા કરી પણ જવાબ મળ્યો તમે કહો છો એવું કોઈ આવ્યું નથી. હું તો જમણી બાજુ વળીને સીધો બીજા રસ્તાના નાકે આવી ગયો ત્યાં પણ કોઈ ન હતું ક્યાંથી હોય? ફોન કરવાની કોશિશ કરી તો લાઈન મળી નહિ. આ તો દશેરાને દિવસે ઘોડું ન દોડે એના જેવો ઘાટ થયો.
પાછો ફર્યો ને મ્યુઝિયમના દરવાજે આવી અંદર જેવો જાઉં ત્યાં મેં એમને ટહેલતા ટહેલતા બહાર આવતા દીઠાં. મને હાશ થઇ. એ લોકોને તો ખબર જ ન પડી કે વચમાં શું થઇ ગયું. ઊલટાના મને કહે, ‘ટોઇલેટમાં બહુ વાર કરી તેં તો’. હશે, ક્યાં દલીલો કરવી? અમે રમકડાંઘર તરફ વળ્યાં.
આ ત્રણ માળનું 1910માં બંધાયેલું મકાન મૂળે તો બાલગૃહ હતું. સન 1999માં ખરીદીને 2002માં આ રમકડાં ઘર શરુ કર્યું. અહીં 1550થી લઈને વીસમી સદી સુધીના રમકડાં ને અન્ય વસ્તુઓ રાખવામાં આવી છે. ભોંયતળિયે 17મી સદીના ચાર ઢીંગલી ઘર મૂકાયા છે, જેમાં રસોડું સુદ્ધા છે.

આનાથી એ વખતે બાળકો કેવી રીતે રમતા તેનો ખ્યાલ આવે છે. લિંગભેદ વિષે પણ જાણકારી પ્રાપ્ત થાય છે. છોકરીઓ માટે રસોઈઘરથી સજ્જ ઢીંગલીઘર ને છોકરાઓ માટે ટ્રેન, બાંધકામની સામગ્રી, રેલવે વેગન ઇત્યાદિ.

અગિયાર પેપર થિયેટર્સ મુકાયા છે જેનાથી સમજાય છે કે ઓગણીસમી સદી અને વીસમી સદીમાં મધ્યમ વર્ગમાં થિયેટર લોકપ્રિય હતું. ધાતુથી બનેલા વાહનો ને એની અંદર બેઠેલા મુસાફરો એ સમયનો ખ્યાલ આપે છે. આ ન્યુરેમબર્ગનું મુખ્ય ટોય મ્યુઝિયમ નથી પરંતુ અમારા માટે તો એ પૂરતું હતું.
ન્યૂરેમ્બરગફ ટોય મ્યુઝિયમ જુના શહેરના એક સુંદર મકાનમાં આવેલું છે. આ શહેર જર્મનીનું રમકડાં બનાવવાનું મુખ્ય સ્થળ હતું, રમકડાં માટે એની નામના ચોપાસ પ્રસરેલી હતી.
કલાકાર ડુરેની જયારે પાંચસોમી જન્મજયંતી ઉજવાઈ ત્યારે 1971માં એ ખૂલેલું. અહીં તો ચિક્કાર ને ભાતભાતના રમકડાંઓ છે. આબાલવૃદ્ધ સૌ એને જોઈને ખુશખુશાલ થાય છે.
રમકડાંઘર પછી મારી રેલવે મ્યુઝિયમ જોવાની ઈચ્છા હતી. બીજા ત્રણેયને એમાં રસ ના હતો નિશ્ચિન્તને પણ રસ ન હતો પણ મારે લીધે આવી. બાકીના બંને જણા હોટેલ પાછા ફર્યા. મ્યુઝિયમથી ચાલીને માત્ર પાંચ મિનિટ લાગી ત્યાં પહોંચતા.
ન્યૂરેમ્બર્ગ દિવાલના દરવાજેથી નીકળી અમે એક નાનો રાહદારી પુલ પાર કરી રસ્તો ઓળગીને સામે પાર ગયા ને ગલીના નાકે જમણી બાજુએ આવ્યું હતું રેલ મ્યુઝિયમ, જે ડીબી મ્યુઝિયમ તરીકે પણ ઓળખાય છે.
જર્મનીમાં સૌ પ્રથમ રેલવે આ શહેરમાં આવી. તો એ સ્વાભાવિક છે કે રેલ મ્યુઝિયમ અહીં હોય. 1899માં ખૂલેલું આ ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ માત્ર જર્મની જ નહિ પરંતુ સમગ્ર યુરોપનું જૂનામાં જૂનું રેલ મ્યુઝિયમ છે. ખૂલ્યું ત્યારે નામ હતું બાવેરિઅન રેલ્વે મ્યુઝિયમ. આજે જર્મનીની રેલકંપની ડ્યુશ બાહન પરથી એ ડીબી મ્યુઝિયમ તરીકે પણ ઓળખાય છે.

કોણ જાણે પણ મુલાકાતીઓ રડ્યાખડ્યા હતા. ચિત્રો ને ચાર્ટ તો હોય જ, અહીં રાજા લુડવિગ બીજાની રોયલ ટ્રેનના બે ત્રણ ડબ્બાઓ પણ મુકાયા હતા ને બે એન્જિન પણ મુકાયા હતા.
જૂનામાં જૂનું વરાળથી ચાલતું રેલ એન્જિન પણ ખરું ને ગલીની સામે આવેલી ખુલી જગામાં અન્ય સાચકલા રેલ ડબ્બાઓ ને એન્જિન રાખ્યા છે.
અહીં બોગદું, રેલવે ક્રોસિંગ, સિગ્નલ સિસ્ટમ ઇત્યાદિ પણ લાવીને મુકવામાં આવ્યા છે. ત્રણ માળનું આ વિશાળ મ્યુઝિયમ છે. અહીં ઉપલા માળે 80 સ્કવેર મીટર જગામાં એ લોકોએ મિનિએચર મોડેલ રેલસંકુલ બનાવ્યું છે દર અડધા કલાકે 10 મિનિટ માટે એ ચાલુ થાય છે ને મુલાકાતીઓ આખી પ્રકિયા નિહાળી શકે છે.
અમારું કમનસીબ હતું કે અમે નીચે જોતા હતા ત્યારે ઉપર એ શરુ થઇ ગયું ને પછી તો મ્યુઝિયમ બંધ કરવાનો સમય થઇ ગયો. રેલવેના વિષય પર 40000 પુસ્તકોનું પુસ્તકાલય પણ છે.
![]()
આપણે ત્યાં જેમ સ્વતંત્રતા પછી રેલવેનું રાષ્ટ્રીયકરણ થયું તેવું જ વિમેર કરાર અનુસાર જર્મનીના દ્વિતીય રિપબ્લિક અસ્તિત્વમાં આવ્યા બાદ 1920માં જુદા જુદા રાજ્યની રેલવે કંપનીઓનું રાષ્ટ્રીયકરણ થયું ને એક કંપની અસ્તિત્વમાં આવી.
મ્યુઝિયમ સરસ હતું પણ બધું લખાણ જર્મનમાં હતું ઓડિયો ગાઈડ સંતોષભરી ન નીકળી. આ જોયા પછી અમે હોટેલ પાછા ફર્યા ને થોડીવાર રહીને ફરી ભ્રમણ માટે નીકળ્યા.
રેલ મ્યુઝિયમ જતી વખતે મેં તમને જણાવેલું કે અમે ‘સિટી વૉલ’ પસાર કરેલી. હવે તમને એના વિષે વધુ જણાવું.

જૂના શહેરની ચોપાસ બંધાયેલી આ દીવાલને લીધે ન્યુરેમ્બર્ગ ક્યારે ય દુશ્મનોના હાથમાં ન આવ્યું સિવાય કે 1945 જયારે અમેરિકન લશ્કરે એને જીતી લીધું.
બારમી સદીમાં એનું બાંધકામ શરુ થયું તે છેક સોળમી સદીમાં પૂર્ણ થયું. શહેરની ફરતે મૂળ પાંચ કિલોમીટર લાંબી આ દીવાલમાંથી હજુ પણ ચાર કિલોમીટર જેટલી બચી જવા પામી છે. ચાર ખૂણે આવેલા ચાર પ્રભાવશાળી ગેટ ટાવર્સ હજી પણ વિદ્યમાન છે.
હવે મુલાકાત લઇએ અહીંના કેસલની. શહેરની ઉત્તર દિશામાં આ આવેલો છે ને હોલી રોમન એમ્પાયરની સત્તાનું આ મુખ્ય કેન્દ્ર હતું. દર નવા ચૂંટાનાર શહેનશાહે એનો પ્રથમ રાજ દરબાર આ કૈસરબુર્ગમાં ભરવો પડતો.
વિવિધ કિલ્લેબંધ મકાનોના સમૂહનો બનેલો આ કેસલ મધ્યકાલીન યુગમાં યુરોપનો દુર્જય કિલ્લેબંધ ચણતર ગણાતું. હોલી રોમન એમ્પાયરની કોઈ સ્થાયી રાજધાની ના હોવાથી એમ્પરર એક રાજવી કેસલથી બીજે રાજવી કેસલ સ્થાળંતર કર્યા કરતાં. આથી દરેક જર્મન રાજા ને એમ્પરર અહીંયા નિવાસ કરી ચુક્યા હતા.

નાઝી સત્તા વખતે એની ભવ્યતા પાછી આવી ને બીજા વિશ્વ યુદ્ધના અંત ભાગે બોમ્બાર્ડિંગમાં એને ખાસું નુકસાન પહોંચ્યું. ત્રીસ વર્ષ લાગ્યા એનું સમારકામ કરતા. આજે આ કેસલની માલિકી બાવેરિયા રાજ્યની છે. અહિયાંથી જ 1219માં એમ્પરર ફ્રેડરિખ બીજાએ કાઢેલા ફરમાનથી શહેર ફ્રી સિટી જાહેર થયું ને અહીંના નાગરિકોને પોતાના શહેરનું સંચાલન કરવાની સત્તા મળી.
ત્રીજા દિવસે સવારે અમારી સવારી ન્યુરેમ્બર્ગથી જવાની હતી ડ્રેસડન.
(ક્રમશ:)