છ ગઝલ ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

૧.   ક્યાંક તું અને ક્યાંક હું

યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હું

કાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા
ને ઊભા અંતરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું

ક્યાંય નકશામાં નથી ને સાથ ત્યાં રહેવું સરળ
કાળજે સાચવતા એ સ્થળ ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઊભા હશે, સૂતા હશે, ઉઠ્યા હશે
રોજ બસ કરીએ આ અટકળ ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત કંઈ એવા સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ ક્યાંક તું ને ક્યાંક હું

એકલાં છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં
લાગણી ખાતર થયા જળ ક્યાંક તું ને ક્યાંક હું

એકબીજામાં ધબકતા જીવની માફક સતત
આ અમસ્તા બાર કેવળ ક્યાંક તું ને ક્યાંક હું

૨.  કોણ ઊભું છે ઘેરી મને?

સાદ પાડે માંહ્યલી દેરી મને,
આમ ઊભો થઉં છું ખંખેરી મને.


એક 
વળગણ એમ કૈં છૂટી ગયું,
કોઈ પ્હેરણ જેમ લઉં પહેરી મને.


દોડતી 
દેખાય મારામાં સતત,
બાળપણથી શોધતી શેરી મને.


વાદળાં 
જેવું જ દુઃખ કાળું છતાં
કોર દેખાઈ છે રૂપેરી મને.


જાત 
ઢંઢોળ્યા કરું છું હરવખત,
ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.


ઉકલ્યો 
તો ઉકલ્યા સાતે જનમ,
કોઈ દેખાતું નથી વેરી મને.


ક્યાંય 
ના લાગું મને હું એકલો,
કોણ ઊભું હોય છે ઘેરી મને?

૩.  મોકલું છું

ભલે લાગે છે અક્ષર મોકલું છું.

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.


તું 
સ્વયમ્ ઝળહળ છે જાણું છું છતાંયે
કોડિયું મારું આ થરથર મોકલું છું.


થઈ 
ગયું મોડું, પડ્યું જન્મોનું છેટું,
તો ય લાગે છે સમયસર મોકલું છું.


હાંસિયામાં 
ક્યાં લગી ઊભું રહે 
તેં કદી દોર્યું ’તું એ ઘર મોકલું છું.


નામ, 
જાતિ, ધર્મ તો આ દેહને છે,
છે બધાથી પર એ ભીતર મોકલું છું.


તેં 
સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

૪.  જો, દોસ્ત

જો દોસ્ત,  તળેટીનું  જીવન  કેવું   ફળે છે
કે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે

ડર શું છે? નથી ચાલતી હિમ્મત તને માગું
એ પણ છે ખરું, જે કંઈ પણ માગું, મળે છે.

મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ
ન જાણે  કયા  ભવનો  હજુ થાક કળે છે

ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં
એ તો તું શોધ, કોણ છે ભીતર જે ચળે છે.

ઊગ્યો નથી ભલે ને સૂરજ મારો કદી પણ
હર સાંજના લાગ્યું છે સૂરજ મારો ઢળે છે.

પર્યાય  એના  નામનો  પ્રત્યેક  નામ છે
પ્રત્યેક રસ્તા  જાણે કે  એ બાજુ વળે છે

૫.  હવે

પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,

ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે

જોજનો જેવું કશુંયે ક્યાં રહ્યું અંતર હવે,
આપણી વચ્ચેનું છેટું, જન્મજન્માંતર હવે

આ વળી, કેવા હિસાબો તેં કર્યાં સરભર હવે,
બહારથી દરિયો ને લાગું રણ નર્યો ભીતર હવે

હર પળે બસ, સાંભળું છું વાગતું જંતર હવે,
કે ખરેખર ઝંખના પ્રગટી હશે અંદર હવે

એક પરદેશીની માયા કેટલી મોંઘી પડી ?
થઇ ગયું હોવું ત્રિશંકુ, ના ધરા-અંબર હવે

કેટલું એકાંત? જ્યાં ખખડાટ અમથો પણ થતો,
શ્વાસ જેવા શ્વાસ પણ થંભી જતા પળભર હવે

દેહને છોડી જવાનું મન હજુ ‘મિસ્કીન’ ક્યાં ?
ને જીવું હર પળને એવું ક્યાં કશું અંદર હવે ?

૬.  રિસાઈ ગયેલો માણસ છું

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.


સૌ 
જાણે છે કે ચાવું છું હું પાન હમેશાં મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.


પાણીમાં 
પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખું પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.


પાણીનો 
છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.


ક્યારેક 
એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.


સૌ 
આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments