ચૂંટેલા શેર ~ શૈલેશ ગઢવી (જૂનાગઢ) ~ ગઝલસંગ્રહઃ થોડાંઘણાં કબૂતર
શૈલેશ ગઢવીઃ પ્રાથમિક શિક્ષક, મેંદરડા તાલુકો, જૂનાગઢ.
ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે?
*
પછી અવાજ બની જાય છે એ ટોળાનો
જે જોરશોરથી પહેલો અવાજ આવે છે
*
શ્વાસોચ્છવાસમાં છે હજી તારી હાજરી
દરવાજે માત્ર નામ લખાવી શક્યો નહીં
*
જોઉં છું માત્ર એના ચહેરાને
એ જુએ છે નિગાહથી આગળ
*
કાચાં મકાન, શેરી અને ગામની બજાર
બચપણનો સાર એક લીટીમાં લખાય નહિ
*
ઓજાર નથી કોઈ હજી હાથ લીધેલું
આંખોથી પ્રણયશિલ્પ જુઓ કોરી બતાવું
*
સાંજે એ ઘરે આવે બકાલાની પણી જેમ
પૂછાતા નથી જેના પૂરા દામ દિવસભર
*
હું જો હાથ લંબાવું, એ ગળે લગાવી લે
બેઉના અહંનો ત્યાં છેદ છે હકીકતમાં
*
નજરની સામે બને એ બનાવ જોઈ શકું
હું મારી પીઠ ઉપર ક્યાંથી ઘાવ જોઈ શકું
*
વિનંતી મેં કરી જ્યારે સહારો આપવા માટે
હતાં તૈયાર પોતાના વિચારો આપવા માટે
*
જવાની વાત કરું છું તો ઊઠવા જ ન દે
વિરોધ હોય છે નહિતર અનેક બાબતમાં
*
સપનાંમાં આવી એવું કહે રાવજી મને
જીવી ગયો તો હુંય કદી નામના વગર
*
આગળ વધો તો રોકે, અટકી પડો તો ટોકે
સાથે રહે છે એની આદત અજબ જાણી
*
હરણને તરસ છે, ઝરણ દૂર છે
મળે જે, હવે બસ એ મંજૂર છે
*
આવ થોડી વાર પાસે, વાત કર
સ્વપ્ન છે, કોઈ ક્ષણે ભાગી શકે
*
નહિતર તો લખેલી જ રહી જાત કવિતા
શબ્દોને મળ્યાં સ્વર અને સંગીત અલગથી
*
એવું તો નથી પ્રેમ નહીં થાય ફરી વાર
એવુંય નથી છલકે નહીં વાવ ફરીથી
*
સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે
એ બહુ દૂર નીકળી ગઈ છે
*
હાથ છૂટે કે દોરડું તૂટે
ત્યાં સુધી છે લટકતાં રહેવાનું
*
ન પ્રશ્ન કોઈ કારગત, જવાબ એનો એ જ છે
કરું ગમે તે રીતથી, હિસાબ એનો એ જ છે
*
અર્થમાં અનર્થ છે, અર્થ છે અનર્થમાં
કોઈને સમજ પડી, કોઈ સાવ દંગ છે
*
જાઉં છું કંઈ બોલવા પાસે
એ કહે છે, પછીથી બોલાવું
*
ભલે ઘર આપણું તળિયા ઉપર છે
છતાં પણ સત્ત્વનાં ફળિયા ઉપર છે
~ શૈલેશ ગઢવી
+91 63519 03873
~ ગઝલસંગ્રહઃ થોડાંઘણાં કબૂતર
~ પ્રકાશક: પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
www.pravinprakashan.com
+91 9625044262

મજબૂત કલમ. અલગ જ અનુભૂતિ.