ઝમકુ ~ (એકોક્તિ) ~ મીનાક્ષી વખારિયા ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૯
(ઝમકુ નાચતી-ગાતી પ્રવેશ કરે છે.)
ખાંડા ડુંગર કને મારું ગામ રે…,
રૂડું-રૂપાળું, ઝમકુ મારું નામ રે…
હવે ઓળખી કે નય મને? લે, આટલું મજાનું ગાઈ વગાડીને કીધું તોય ગમ નો પડીને? તમને શે’રવાળાને હંધુંય માંડીને કેવું પડે કાં?
અમારી કોર, ઓલો ખાંડો ડુંગર ખરોને? એણી પા અમારું ખોબલાં જેવડું ગામ. આ તમારે શે’ર જેવી નય, પણ અમારે તો સાવ આછી-પાતળી વસ્તી મળે. અમારે ન્યાં જાત-વરણનું વળગણ બહું હોં. જાત પરમાણે સૌનો… મહોલ્લો પણ નોખો નોખો…!
નવોસવો આવનાર તો પેલાં પૂછે નાત ને ત્યાર કેડે વોરાવા જોગ લાગે તો જ પાણી પીવે, નય તો બાયણે ઊભોય નો રે, બોલો…! જવા દ્યો ઈ વાત, આમેય તમને શે’રવાળાને ઈમાં ગમ નથ પડવાની.
અમારી નાત સુથારની. મારી માએ નાત જોઈ, પણ મને પૈણનારો કઈ ભાતનો ઈ નો જોયું. બસ પછી શું? નવી વઉ નવ દાડાની…! પરેમ-બરેમ તો માયરો ફરે. ઈવડા ઇયે નવમે દાડે… પઈની કરી નાખી’તી મને! હાલતાં-ચાલતાં વિના વાંકે બસ ધીબેડ્યે રાખતો ને મોં ગંધાતી ગાયળું કાઢે. એક દિ… એવો નથ ગ્યો કે ઈણે મને ઠમઠોરી ન હોય. થાકતો તંયે એ…યને બાર હાથનો જીભડો હલાવતો.
તમે જ ક્યો જોઉં, સગો ધણી જ જ્યાં પંડની બાયડીને ગણકારે નય ન્યાં સાસરીવાળા તો ક્યાંથી ગણકારવાના? નવ દિ’માં હું તો થય ગય તણખલાંની તોલે…! ના… ના, તમે જ કયો, એક બાય માણહને રોટલો, ઓટલો ને પોતીકું માણહ જ જોતું’ હોય કે બીજું કાંય?
પછે તો ઘર કરતાં બારે હારી એમ વિચારી ઘરનાં ગોલાપા પતાવી લોકોનાં કામ કરવા માંડી, જે બે પૈસા મળે ઈ…! હાચું કે નય? ઈમાં, અમારે ગામ સરકારી કામે આવતો તલાટી, ગયણા દિવસનો મુકામ લઈને આવતો. તી ઈની ઘરે દયણે જાવા લાગી. હા… તંયે શે’રમાં હોય એવી વીજળીથી હાલે ઈવી ઘંટી, અમારે ન્યાં નો’તી આવી.
તલાટી તો જાણે હાચોહાચ મરદનો દીકરો. બયરાં માણહ હારે વાતું કરતા તો ઈને જ આવડે. ઈ તો ઇવું મેંઠુંમેંઠું બોલે કે બસ હાંભળ્યા જ કરું. ઈવડો ઈ ઈવું મજાનું બોલે, ને બોલીમાં માનમલાજોય ભારોભાર…! ઈ રયો શે’રનું મનેખ તી વળી કાં’ક ભણતરેય હશેને? અમથું અમથું તલાટી થોડું બનાય? ઈની હારે થોડીક બોલચાલ થાતી ને શે’રની બોલી મારાં બોલવામાંય ભળવા લાગી. હવે તો રાધાને કિશનાની લાગે એવી રઢ મને તલાટીની લાગી ને ઈને મારી.
મારા ખૂટલ ધણીને, મેં મેલ્યો પડતો ને હાલી નીકળી મારા માણીગર હાયરે. ઈ હતો જાતનો બામણ ને હું સુથારની છોરું. એકવાર ઈ થોડા દિ’ હાટું પરગામ ગ્યો તે લાગ જોયને ઈના ઘરનાંએ મને તગેડી મેલી, બોલો…! ઈ લોકો ઊંચ વરણનાં તી ઈ લોકોને આંખનાં કણાં ઘોયડે ખૂંચતી હોઈશ નય? તંયે જ તો મને રઝળતી કરી મેલીને?
આવી નોધારી વેળાએ કોણ યાદ આવે? માવતર જને? કોઈની નજરે ન ચડી જવાય ઈમ હું માવતરે પોંચી. ખોયડાનું નામ બોળીને ભાગી ગઈ’તી એટલે રીસે ભરાયેલાં ભાઈ-ભોજાઈને તો કેટકેટલાં કાલાંવાલાં કર્યાં, પગ પકડ્યા તોય મને ઘરમાં આવવા નો દીધી. ઈ તો મારી મા હતીને કડેધડે તી ઇણે મને ધરાર ઘરમાં લઈ લીધી. લ્યે જને…! હેં, મા કોને કે’વાય?
પછે તો ઘરમાં જે મહાભારત મંડાણું’તું કે ન પૂછો વાત…! મોડી રાત્યે મારો ભાઈ ગામના મુખી મનોરદાને બરકી લાવ્યો. ઈવડા ઈ મનોરદાનો અમારા ગામમાં ભારી કડપ, કોઠાસૂઝમાં ઈમનો જોટો નો જડે હોં. આવતાંવેંત મનેય આડે હાથે લય નાખી. મને તો થાય કે આ ધરતી મારગ આપે તો ઈમાં હમાય જાઉં, પણ હુંયે ક્યાં સતી સીતા હતી, હેં? આમ તો ભલા માણહ, પણ જીભના બવ આકરા..! શબદે શબદે અમને વડચકાં ભરતાં ભરતાં મારા ભાઈ અને માને સાવ તોલડાનાં કરી મેલ્યાં. આખર કેડે મારી માના આંસુડે મનોરદામાં રામ વસીયા ને…
ગામ આખું જ્યારે ઘોંટાય ગ્યું તંયે, હાડ ગાળતી ઠંડીમાં પાદરના મહુડા હેઠેથી મારો સંગાથ કરી, મને લય હાલ્યા. અંધારે અંધારે કોણ જાણે કેટલાંય ગાઉં હાલીને એક અવાવરું મંદિરે પોગ્યાં. ન્યાં ધૂણી ધખાવીને એક મારાજ બેઠા’તા. ઈ બેયની વાતુંથી મને એટલું તો હમજાણું કે બેય એકબીજાને ઓળખતા હશે. હાચું કવ, મને તો આવું આ જૂનું મંદિર અને બાવાને જોઈને ઈવી ફડક પેસી ગય કે થર થર ધ્રૂજવા લાગી. ગમે ઈવી ઠંડી હોયને તોય હું ખમી ખાવ, પણ આ હવડ જગોએ તો મારાં રુંગટા ઊભા થય ગ્યા.
બાવા હાયરે દાદાએ ધીમે અવાજે કાં’ક વાત કરી ને મને બોલાવી. બીતાં બીતાં મેં મારાજને પાયલાગણ જેવું કર્યું. મારો વિવેક જોઈને મારાજે મારા વખાણ હો કર્યા. મને બવ હારું લાયગું. આજ લગણ તો મા સિવાય બધે ઠેકાણે હૈડ હૈડ જ થાતી આવી’તી. ઈ તમે ક્યાં નથ જાણતા? પછે વડચકું ભરવાનું મેલી, મનોરદાએ માથે હાથ મેલી હેતેથી કીધું, “તું આંય મારાજ કણે બે-તૈણ દાડા હાચવીને રેજે. જોજે કોયને ભનક નો પડે, નય તો તારો વેરીડો તને ઉપાડી જાશે. પછે તારું જે થાય ઈ, હું કાંય નો જાણું.”
હું તો બવ રોવા લાગી. “દાદા મને આંય નથી રે’વું. મને મારી મા…, મને તમારી હાયરે જ લય જાવ.”
“એક તો સૌને નીચાંજોણું થાય એવો ધજાગરો કરીને આવી ભાળું. ઈની કાંય ભાન તો પડતી નથી. લે હાલ્ય, તને લઈ જાવ પાછી. તારો ભાઈ સંઘરવાનો છે તને? પછે…?” દાદાની જીભે જાણે કાળીજીરીની કડવાશ ભળી.
“કાંય પણ…, કૂવો તો છે જ ને?” બોલતાં હું તો છૂટે મોંએ રોઈ પડી.
“આટલું ઓછું છે તી માવતરને કમોતે મારવાનું વિચારે છે.” દાદા ખરેખર ઊકળી ઊઠ્યા. વળી, સમજાવતાં કહે, “બધું ટાઢું પડે પછે હું પાછો આવું જ છું ને? મારે ગામનોય વિચાર કરવાનો હોય કે નહીં? મુખી થઈને બેઠા છીએ તી અમારે ચારેકોરનું વિચારવું પડે. ઈનું તને ભાનબાન મલે?”
મંદિરની નાનકડી એક ઓરડીમાં મેં જેમતેમ દાડા ટૂંકા કર્યા, પણ કેવું પડે હોં, મારાજે મારું બવ ધિયાન રાખ્યું. ધીરે ધીરે મને મારાજની અને મારાજને મારી માયા લાગી ગય. મનોરદાએ હો વેણ રાયખું. મને લેવા આવી ગ્યા. “હેંડ છોડી, તૈયાર થય જા. આપણે શે’ર જવાનું છે. ને આ હું? આટલા દિ’થી ઈનાં ઈ કપડાં? હાવ કેવો અવતાર કરી મેલ્યો છે? જા, અબઘડી હાથમોંઢું ધોઈને તારી માએ મોકલેલાં આ કપડાં પેરી લ્યે. મોડું થાય છે. હજી તો ટેશને પોગવા મોટરનોય ટેમ હાચવવો પડશે.”
“મારી માએ? ઈણે હું કીધું? ઈ મને મળવાય નો આવી?” મારી આંખો દડદડવા લાગી.
“ઈ વળી હું કે’તી’તી? કે’વા જેવું તે કાંય બાકી રાયખું છે? લ્યે હેંડ, આ કપડાં લેતી જા, આમ જોયા હું કરે છે? તારા જ છે. છાનીમાની પે’રી લે જોઉં.”
(સ્વગત) ‘આ દાદા હું બોલે છે? મારાં કપડાં? પણ કે’ છે તો પે’રવા પડશે. મને ક્યાં લઈ જવાના? ઇયે પૂછવું’તું પણ પાછું વડચકું જ ખાવાનું ને? ઇના કરતાં મૂંગા મરી રેવું હારું…’
જે કપડાં આલ્યા ઈ પે’રીને હું બહાર આવી. સાવ બદલાયેલી નજરે, મનોરદા મને જોઈ રહ્યા. મારી આયખુંય ભીની હતી એટલે કળી નો શકાયું કે દાદાની આયખુંમાં, ઈ શું હતું? ઝટ નજર ફેરવીને દાદાએ મારા હાથમાંની કપડાની પોટલી લય ઈમાં પોતાનાંય કપડાં મેલી દીધાં. બાવા મારાજે મને થોડું ભાતું બંધાવી દીધું. માથે હાથ મૂકી હેતેથી કીધું, “જા બેટી, તેરે બાપ જૈસા મુખિયાજી તેરે સાથ હૈં. વો જો કરેગા, અચ્છા હી કરેગા.” મને તો જાણે પિયર મેલીને જાતી હોઉં એવું લાગી આયવું.
દાદા તો લાકડીના ટેકે આગળ ચાલવા લાગ્યા ને પરાણે ઘસડાતી હોઉં ઈમ હું પાછળ પાછળ. મોટરમાં બેસતી વેળાએ દાદાએ ધમકાવતાં કહી મેલ્યું, “જેટલું રોવું હોય એટલું રોઈ લે. મોટરમાં બેઠાં પછે જો રોઈ છો તો…!” પે’લીવે’લીવાર મોટરબસમાં બેઠી’તી હોં, તોય લગીરેય હરખાવા જેવું નો લાગ્યું. હું તો દૂર જતા મારા ખાંડા ડુંગરને વળી વળીને જોઈ રહી. રય રયને પેટમાં એટલાંય વળ પડતા’તાં કે ફરીને આ પા’નો મેળ પડશે કે નય?
ટેશન આવી ગયું હતું. રેલગાડીમાં બેસી શે’રમાં જવાનું હતું. ઈ કેવું હશે, કેવું નહીં? બસ એકવાર, મનોરદા કહી મેલે, ‘છોડી આપણે ક્યાંય જાવું નથી. હાલો પાછાં ગામડે…!’
ના, એવું કાંય ઈ નો બોલ્યા ને રેલગાડી અમને લઈ ચાલી શે’ર ભણી…! અમદાવાદ ટેશને ઊતરતાં જ જાણે અજબ નગરીમાં પોંચી ગ્યા જેવું લાયગુ. સંધુય અજાણ્યું એટલે બગલમાં પોટલી દબાવી દાદાની પાછળ ખેંચાતી ચાલવા લાગી.
ભોં ભોં કરતાં મીલોનાં ભૂંગળા, મોટર ગાડી, રાખસ જેવી બસો, ઘોડાગાડીની આવજા વચ્ચેથી મગન કરતા દાદા ધરમશાળા જેવી જગોએ થોયભા. એક ઓરડી ભાડે કરી. પાણી પીવું હોય તો ભોંયતળે ચકલી હતી. ફેરવીએ તો ધડધડ પાણી આવે. મને તો મજા પડી ગઈ. દાદા પાણી ભરી આવવાનું કહે એટલી જ વાર, હું તો દોડતીકને ભરી આવતી.
ઓરડી પર આવી અમે રોટલો ખાવા બેઠાં તો દાદાએ એક ડબરો ખોલી લાડવો ધરતાં કીધું, “લે આ તારી માએ મોકલ્યો છે.” આ દાદા હું હમજતાં હયશે? મારી માના હાથનો લાડવો હું નો ઓળખું? મા યાદ આવી કે મારાથી ઠૂઠવું મુકાઈ ગ્યું, પણ દાદાની આંખનો ડારો જોઈ હું હબકી ગઈ. પછે તો મારાથી કાંય ખવાણું જ નય.
વારેઘડીયે હું કે’તી “દાદા મારે આંય નથ રહેવું. હાલોને ઘરે.” પણ નસીબમાં દાદાનું વડચકું ખાવાનું હતું. મને એકલી મેલીને દાદા બહાર વયા જાતા. એકવાર કોઈ મુછાળાને લયને આયવા. (દર્શકો સામે જોઇને) આમ ઓરા આવો, કોઈને કે’તાં નહીં હોં, તમને જ કવ છું, ‘ઈ મુછાળો મને જોવોય નો’તો ગમતો. ઈવી નજરથી મને જોય રે’તો… છટ…
બીજે દિ’ દાદા કે’, “આંય એકાદું સારું ઠેકાણું જોઈને તારું ગોઠવી નાખું. એટલે હું છૂટું.” ઈ સાંભળીને મેં તો વેન જ લીધું. “મને ગામ ભેગી કરો. આંય તો હું નોધારી જ થઈ જાવ. તમે પણ નય…” પણ મારું સાંભળે તોને? ને મને એકલી મેલીને ફરી બારે નીકળી ગ્યા.
પાછા આવ્યા તંયે… સાવ બદલાયેલા, “ભલે ત્યારે, આપણે ગામ પાછાં જાશું, પણ આંય લગણ આવ્યા છીએ તો ભેગાભેગું અમદાવાદ જોય લઈએ…”
…ને રેલગાડીમાં બેઠાં તંયે મારો જીવ હેઠો બેઠો. બદલાયેલા દાદાએ મને વિચારતી કરી મેલી’તી. ગામડે પોંચી, મને મારી માને સોંપીને કોણજાણે શી રીતે? પણ ઓલા મોત્યા સુથાર હાયરે મારું લગનેય ગોઠવી નાખ્યું.
હું તો ઉઘાડી આંખે, સપનું જોઈ રહી અને પોતાની મરી ગયેલી દીકરી નાથીને વિદાય કરતાં હોય ઈમ મનોરદા અને કાકીએ મારું સાચું વળામણું કર્યું તંયે હું તો દોડીને બાપ સમા મનોરદાને વળગીને પડી.
(ઝમકુ ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડે છે.)
