પ્રકરણ: ૨૮ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

(શબ્દો: ૮૩૨૭)

સ્નેહીઓને ભેટ આપવા માટે પ્રવાસમાંથી ખરીદી લાવેલી વસ્તુઓ પહોંચાડવા નીકળવું હતું ત્યાં લાવણ્યને થયું: બેત્રણ વરસથી ગૌરીવ્રત કર્યું નથી. આ વર્ષે રામેશ્વર-કન્યાકુમારીની યાત્રા થઈ છે તો વ્રત પણ કરું. સંકલ્પ થતાં જ ખરીદી માટે નીકળી પડી.

એ કરિયાણાની દુકાને સૂકો મેવો તોલાવતી હતી ત્યાં રાકા રાય દુકાનનાં પગથિયાં ચઢી. માલ કે વેપારી સામે જોવાને બદલે એણે લાવણ્ય સામે જોયું. એની નોકરી જ સૌનું સ્વાગત કરવાની હોઈ માણસો પર નજર કરવાની એને ટેવ પડી ગઈ છે અને આ તો વળી વિશ્વનાથ જેને પરમ મિત્ર માને છે એ લાવણ્ય! એણે ‘જય જ્ય’ કરીને પોતાનો પરિચય આપ્યો. લાવણ્યે જવાબમાં સ્મિત કરીને કહ્યું: ‘મને ભુલકણી ન માનશો.’

‘શું કરે છે, વિશ્વનાથ?’ — લાવણ્ય બિલ ચૂકવતી હતી ત્યાં રાકાએ પૂછ્યું.

‘હમણાંથી મળી નથી.’

રાકા વિચારમાં પડી ગઈ. મળી નથી એટલે? કશો અણબનાવ તો નહીં હોય ને? પણ પૂછવું કેવી રીતે? એણે ઝટપટ પોતાની ખરીદી કરી લીધી અને લાવણ્ય પગથિયાં ઊતરે એ પહેલાં સાથે નીકળવાની પોતાની વૃત્તિ છતી કરી દીધી.

લાવણ્ય આ ઉંમરે પણ ગૌરી વ્રત કરે છે એ જાણીને રાકા હસી પડી. એ પોતે એની નાની બહેન માટે ખરીદી કરવા આવી હતી. આજે રજા હતી. બપોરના સમયે બસમાં કે બજારમાં ભીડ હોતી નથી તેથી એ નાની બહેનની માગણી મંજૂર કરીને નીકળી પડી હતી.

લાવણ્યે આ સમય પસંદ કર્યો છે એની પાછળ પણ એ જ કારણ હતું. ફેર એટલો જ હતો કે એને નાની નહીં પણ મોટી બહેન છે અને બીજા માટે ખરીદી કરવાની તક ન હોવાથી એ પોતાને માટે નીકળી હતી. ખરીદી કરીને વળતાં આઈસ્ક્રીમ ખાવાનો એનો ખ્યાલ હતો. એ માટે એણે રાકાને આમંત્રણ આપ્યું. બંને નિરાંતે બેસીને વાતો કરી શકે એવી રેસ્ટોરન્ટમાં મોકળાશ હતી.

રાકાએ જાણવું હતું: લાવણ્ય વિશ્વનાથને કેમ મળી નથી. પ્રવાસનું કારણ જાણતાં એ મલકાઈ. પછી ખુલાસો કર્યો: હજીય હું કેવા મનસૂબા સેવું છું! વિશ્વનાથ મને પસંદ કરે એ શક્ય નથી. એ ઉંમરમાં મારાથી નાનો છે, સંપૂર્ણ ભારતીય શૈલીએ જીવનારો છે અને મારા પર ઉપકાર કરવા સિવાય એણે મારામાં સહેજે રસ લીધો નથી. છતાં મેં ધારી લીધું કે તમારી વચ્ચે અંતર વધ્યું હોય એથી મારે માટે અવકાશ ઊભો થાય! કેવું છે માણસનું મન!

લાવણ્યને રાકા પ્રત્યે સહાનુભૂતિ જાગી. પણ થાય શું? કોઈનું ભલું કરવા પ્રેમ ઉછીનો આપી શકાતો નથી. પ્રેમની મૂડી બીજાના ખાતે જમા કરાવી શકાતી નથી. એ તો પોતાના અંતરની સિલક છે. અને એ સલામત પણ ત્યાં જ રહી શકે છે.

‘કદાચ તમે જ ખાસ પ્રયત્ન નહીં કર્યો હોય, —’

‘પ્રયત્ન કર્યો હતો, સફળતા પણ મળી હતી, પ્રેમનો ભ્રમ એક માસ પોષાયો હતો, પસંદગીનો પુરુષ મારી પાછળ સારું એવું ખર્ચ પણ કરતો હતો, પણ જ્યારે મેં લગ્નની દરખાસ્ત કરી ત્યારે એ ચોંકી ઊઠ્યો. કહે: હું તો પરણેલો છું. આ બધું તો તારી જરૂરિયાત સંતોષવા —’

લાવણ્યને થયું: રાકા નાટકનો સંવાદ બોલી રહી છે. એના શબ્દોમાં સચ્ચાઈ નથી. એણે જરા તીખી નજરે જોયું. રાકા ઝંખવાણી ન પડી પણ એ સમજી ગઈ કે લાવણ્ય અવિશ્વાસથી જોઈ રહી છે.

એને દુ:ખ થયું. બોલી: હું સહેજ પણ અતિશયોક્તિ કરતી હોઉં તો વ્રત કરી રહેલી મારી નાની બહેનના સોગંદ. પેલો માણસ મને એબોર્શનનું ખર્ચ આપીને ઊઠી ગયો. અને મેં એ રકમનો એ જ ઉપયોગ કર્યો. એ પછી મેં કોઈને શરીર સોંપ્યું નથી પણ હથેલીઓ છુપાવીને તો મારાથી નોકરી થઈ શકે તેમ નથી! નાની મોટી વયના પુરુષો સ્વેચ્છાએ સ્પર્શની જે છૂટ લેતા હોય છે એ સસ્મિત ચલાવી લેવી પડે છે! આપણી સામે ચોર ઊભો હોય પણ એને દાતા માનવાનો! વિશ્વનાથે બસમાં મારી તરફદારી કરી અને એ પછી સતત જે નિસ્પૃહતા દાખવી એથી મને થયું: શું આવા પુરુષો પણ આ દુનિયામાં છે?!’

પછી તો હું એના માટે એક કન્નડ કન્યા પણ લઈ ગયેલી. સારા ઘરની હતી, શિક્ષિત હતી, રૂપાળી તો એટલી બધી કે તમારાથી થોડીક જ પાછળ રહી જાય. પણ વિશ્વનાથ શું કામ એની સામે જુએ? સાક્ષાત્ લાવણ્યનું સ્વપ્ન સેવનાર —

બિલ આવ્યું. વેઇટરને જોઈ રાકા શાન્ત થઈ. ટીપ આપીને લાવણ્ય ઊભી થઈ. રિક્ષામાં પહેલાં રાકાને બેસાડી. કહેવાનું મન થયું: મારા કહેવાથી વિશ્વનાથ તમને પસંદ કરવા તૈયાર થાય એમ હોય તો એના દુ:ખની પરવા કર્યા વિના પણ હું ભલામણ કરું. પણ આમ કહેવું ઠીક ન લાગ્યું. પૂછ્યું: વિશ્વનાથને જણાવું કે રાકા તમારી રાહ જુએ છે?

ના. હું એને માટે યોગ્ય નથી. કહેજો કોઈ બીજવર હોય તો મને જણાવે. છાપામાં જાહેરાતો ઘણી આવે છે. હું તો વાંચતી જ નથી. કેટલી વાર પરણવું ને કેટલી વાર રાંડવું!

રાકા ઊતરી ગઈ. ઘરનું સરનામું આપતી ગઈ.

‘તમને મળવાનું મને ગમશે. અત્યાર સુધી મેં જે જે યુવતીઓને જોઈ છે એમાં તમારા જેવાં ફક્ત તમે જ છો.’

રાકા શરમાઈ. સારી લાગી.

રૂમ પર પહોંચી ત્યારે લાવણ્યને થયું કે પોતે પ્રસન્ન છે. રાકાએ વિશ્વનાથને એ રીતે ઓળખાવ્યો હતો કે ચાહવા યોગ્ય લાગે. પહેલાં કોઈક વાર પ્રશ્ન થતો: શું આ માણસ છીછરો તો નહીં હોય? હવે લાગે છે કે એ મુગ્ધ છે. બૌદ્ધિક વિકાસે એની મુગ્ધતાને ગૂંગળાવી દીધી નથી.

આજથી બધાં સ્નેહીઓને મળવાનું શરૂ કરવું જોઈએ. સાંજે સિંઘસાહેબને ત્યાં જશે. દક્ષિણના પ્રવાસેથી પોતે શંખ અને છીપલાંની બનેલી કેટલીક કલાકૃતિઓ લાવી હતી, ત્રણ સાડીઓ લાવી હતી. અને જેને વિશે નિરાંતે લખી શકાય એવાં દશ્યો પરથી તો વર્તમાનનો પાલવ ખસેડે એટલી વાર! શ્રોતા હશે ત્યાં સૌન્દર્ય પોતે બોલશે.

એક સાડી એ શ્રીદેવીને ભેટ આપવા માગે છે. જે એમને વધુ ગમે એ આપશે. ઘણોબધો રસાલો રિક્ષામાં નાખીને એ સિંઘસાહેબને ત્યાં ગઈ.

પોતે ક્યાં આવી છે? ભૂલી તો નથી પડીને? કે પછી આ દુ:સ્વપ્ન છે?

સિંઘસાહેબ જાણે નંખાઈ ગયા હોય એમ આરામખુરશીમાં બેઠા છે. એમની ટેવ તો ટટ્ટાર બેસવાની હતી, અને આ શું? મોં પર આવી ફિક્કાશ? પોપચાં પર નકારનો ભાર? શ્રીદેવી એક હાથમાં દવાની ગોળી અને બીજા હાથમાં પાણીનું પ્યાલું લઈને ઊભાં છે. જે સદાસર્વદા સરસ્વતી જેવાં દેદીપ્યમાન લાગતાં એ શ્રીદેવી આજે પરિચારિકા જેવાં સફેદ લાગે છે!

નજર મળતાં જ શ્રીદેવીએ બાજુમાં જોઈ લીધું. રડી પડવાની ભીતિ લાગી હશે, જે સાચી પડી. સાવધ રહેવા છતાં એમની આંખના ખૂણા કોરા રહી ન શક્યા. આ બાજુ લાવણ્ય એને પોતાને લાગેલા આઘાતને તો સમજી પણ ન શકી. કોઈક આશ્વાસન આપનાર હોત તો એના શબ્દો દ્વારા એને પોતાના દુ:ખનો અંદાજ મળી રહેત. જ્યારે અહીં તો ખોળામાં રહેલા બાળકે માતાને શાંત રાખવાની પ્રૌઢતા દાખવવાની હતી!

ઘેરથી નીકળી ત્યારે કેવો ઉમંગ હતો! શ્રીદેવી કેવા વાત્સલ્યથી એને ભેટી પડશે એની કલ્પના કરતાં કરતાં એણે થેલામાં સાડીઓ ગોઠવી હતી. જ્યારે અહીં તો મંદિર દવાખાનું બની ગયું છે. લાવણ્યે જીવનમાં પહેલી વાર અનુભવ્યું કે એની વાણીનાં શ્રી અને સૌન્દર્ય લુપ્ત થઈ ગયાં છે, આશ્વાસન આપવાની યોગ્યતા ફક્ત આંસુ ધરાવે છે.

દવા અને પ્યાલું ટેબલ પર મૂકી દઈને શ્રીદેવી લાવણ્યને બાથમાં લઈને સૉફા પર બેઠાં. એમની ચોળી પર લાવણ્યનાં આંસુ લુછાયાં. એને સરખી બેસાડી એના કપાળ પર ચુંબન કર્યું અને કહેવા માંડ્યું:

‘જો ને બેટા, તારા આ જક્કી સર, દવા લેવાની જ ના પાડે છે. કહે છે કે આ માનસિક બીમારી છે, શારીરિક નહીં. પાછા દલીલ પણ કેવી કરે છે! ‘હું મારા લાગણીતંત્ર પર કાબૂ મેળવી ન શકું તો અધ્યાપક શેનો? આ આઘાત ભલે બહારથી આવ્યો હોય, હું એનો પ્રતિકાર અંદરથી કરીશ. મેં સંપાદિત કરેલી વિદ્યા મને ફક્ત યાદ રહી છે કે મારા અસ્તિત્વમાં ઊંડે ઊતરી છે એ નાણી જોવાની આ તક છે, દવાની લાલચમાં એ મારે જતી નથી કરવી.’ — એમની વાતનો વિરોધ કરવાની મને ટેવ નથી. પણ એમની આ અસ્વસ્થતા હું કેવી રીતે જીરવી શકું? તું જ કહે, એ કેવા લાગે છે?’

લાવણ્યે ઊંચે જોયું. સિંઘસાહેબના મોં તરફ નજર કરી. વચ્ચે કરોળિયાનું જાળું આવી ગયું હોય એવો ભાસ થયો. પાંપણો પટપટાવી. ઊંચે જોયું. પંખો ચાલુ હતો પણ ઊંધો ફરતો હતો અને રહી રહીને પાછો પડી જતો હતો. અંદરથી ઉકળાટ હતો. ફેર આવી જવાની બીક લાગી.

એ સોફાનો ટેકો લઈને પોપચાં ઢાળી બેસી રહી. સમજાતું નહોતું: સિંઘસાહેબ જેવા પ્રતાપી પુરુષને, તપસ્વી વિદ્વાનને બી.પી. થાય? શું કુદરત ઈર્ષાળુ છે? શું દરેક મનુષ્ય દુરિતને ઉશીકે માથું ટેકવીને આરામનો ભ્રમ સેવે છે? બૉદલેર કહે છે કે —

ના, તટસ્થ રહીને વિચારવાનો આ વખત નથી. સરને દવા લેવા મનાવવા જ જોઈએ. શ્રીદેવીબેન કંઈ હઠાગ્રહી નથી. ડૉકટરે કહ્યું હશે કે ગોળી લીધા વિના ચાલે તેમ નથી. નહીં તો એ આમ વિનવણી કરતાં ઊભાં ન હોત. એ અધૂરું કામ પોતે માથે લઈ લેવું જોઈએ. એણે જુદી રીતે વાત ઉપાડી.

‘અત્યારે આપણે બી.પી. માપી શકીએ? છે સાધન? જોશીસાહેબનો સન મેડિકલમાં હતો. બોલાવું એને?’

ડોકટર કાલે સાંજે તપાસ કરી ગયા હતા. રાત્રે તો મેં એમને બધી દવાઓ કૉફી સાથે આપી દીધી હતી. સ્પષ્ટતા નહોતી કરી. અત્યારે શું સૂઊયું કે હું નિખાલસ થવા ગઈ અને એ હઠ લઈ બેઠા.

‘આજનો દિવસ દવા લો સર! મારા સોગંદ જો ન લો તો —’ લાવણ્ય ઉભી થઈ. એ દવા હાથમાં લે એ પહેલાં સિંઘસાહેબ બોલ્યા:

‘શ્રીના સોગંદથી ચડે એવું આ વિશ્વમાં મારે માટે બીજું કશું નથી. એને ના પાડ્યા પછી —’

‘પણ મને મૃણાલ સમજીને અમારા – માદીકરી બંનેના સોગંદને માન આપો.’

‘ભલે. મારી ના નથી. પણ તારેય ઉતાવળ કરવી ન જોઈએ. મને થોડો સમય આપવો જોઈએ. એકબે કલાક જોઈ જોઉં. બી.પી.ની અસર જીરવી શકું છું કે નહીં… આમેય એમાં ચઢાવ-ઉતાર આવતા જ હોય છે અને તમારા બંનેનાં આંસુથી આર્દ્ર બનેલું વાતાવરણ ક્યારનુંયે અસર કરવા લાગી ગયું છે. ચાલ, તારા પ્રવાસની વાત કર. આ થેલો ભરીને સાથે શું ફેરવે છે? એમાં સંતાડીને અમારા માટે તું જરૂર કશુંક લાવી હશે. ચાલ બતાવ.’

— સિંઘસાહેબના અવાજમાં સુધારો વર્તાયો. એમની આંખો કંઈક વધુ ઊઘડી. હોઠ સુરેખ થયા. એમના મુખ પર પૂર્વપરિચિત સ્મિતની ઝલક જોઈને લાવણ્યને આશ્વાસન મળ્યું.

થેલામાંથી બે શંખ કાઢ્યા. ઉપર સપ્રમાણ રંગોનું સુશોભન હતું. સિંઘસાહેબ અને શ્રીદેવીનાં નામ બંને પર અંકિત હતાં. બંને શંખ સાથે મૂકવાથી ઉપરનું અંકિત ભીતર પરાવર્ત પામતું હતું. શંખ શ્રીદેવીના હાથમાં પકડાવ્યા. એ જોતાં ગયાં અને સિંઘસાહેબને આપતાં ગયાં. શાલીગ્રામ સાચવીને ફેરવતાં હોય એમ બંને સ્પર્શતાં રહ્યાં.

પેપરવેઈટ તરીકે વાપરવાના શંખ પ્રૌઢ દંપતી માટે ક્ષણભર ક્રીડનક બની રહ્યા. દરમિયાન લાવણ્યે વિશ્વનાથ માટેનો એના નામથી અંકિત શંખ થેલામાં જ રહે એ રીતે સાડીઓ બહાર કાઢીને ગોઠવી હતી. માર્ગદર્શન આપતી હોય તેમ શ્રીદેવીના હાથમાં પકડાવતાં બોલી: આપનો તટસ્થ અભિપ્રાય મેળવવાનો છે. મારી ખરીદી કેવી છે?

સાડીઓ જોતાં શ્રીદેવી તટસ્થ રહી શક્યાં નહીં. એમનું મુખ પળ વારમાં મુકુલિત થઈ ઊઠ્યું. લાવણ્ય પાલવ પરથી કિંમત દર્શાવતી પટ્ટીઓ દૂર કરવાનું ભૂલી ગઈ હતી. એ જોઈ લીધા પછી શ્રીદેવી સાવધ બની ગયાં અને પ્રમાણમાં સસ્તી સાડીને વધુ વખાણી.

‘સર, તમને આમાં કઈ સાડી સૌથી સારી લાગી?’

સિંઘસાહેબ લાવણ્યના નિર્મલ વ્યક્તિત્વ વિશે વિચારી રહ્યા હતા. એના પ્રશ્નનો હેતુ કળી ન શક્યા. તેથી શ્રીદેવીને અવુસરવાને બદલે ખરેખર તટસ્થ અભિપ્રાય આપી બેઠા.

‘બસ તો શ્રીબહેન, તમારે આ જ સાડી લેવાની. તમને વધુ ગમી એ હું રાખીશ.’ — કહેતાં લાવણ્ય રીતસર વળગી પડી. શ્રીદેવીને ઘણા દિવસે સિંઘસાહેબને ઠપકો આપવાની તક મળી હતી:

‘આ છોકરી તમને બનાવી ગઈ. એની યુક્તિ સમજ્યા વિના જ તમે અભિપ્રાય આપી દીધો. સોથી સારી સાડી એની પાસે રહે એવી ગણતરીથી જ મેં મારી પસંદગી દર્શાવી હતી. હું પામી ગઈ હતી કે એ બતાવવા નહીં, આપવા આવી છે. આવી બાબતે તમારે મને અનુસરવું જોઈએ. સમજ્યા? હવે એ તમારી પસંદગીની સાડી મને વળગાડીને જવાની. હું તો હવે પ્રૌઢ થઈ, એને શોભે એવી વસ્તુ —’

‘એને તો બધું જ શોભે. એ તો શ્રાવણના સાગ જેવી છે. પહેરવા-ઓઢવાની કાળજી તો તમારે રાખવી જોઈએ, જેથી વીતેલી વસંત સાથે બહુ છેટું ન પડી જાય.’ — કહેતાં સિંઘસાહેબ હસી પડ્યા.

‘ખોટું ન બોલો સર, શ્રીબેન તો સાવ નાનાં લાગે છે. કેટલીક જગાએથી વસંતનાં પુષ્પો સંપૂર્ણ વિદાય લેતાં નથી. સૌરભરૂપે ઉપસ્થિત રહે છે. —’

‘એ જોઈને તું હમણાં સોફાના ટેકે ઢળી પડી હતી?’ — શ્રીદેવીએ ગંભીરતાથી કહ્યું.

‘એ ક્ષણ તો ક્યારનીય વીતી ગઈ બહેન, જુઓ અત્યારે સરના મોં પર લાલી ચમકે છે કે નહીં! તમે પણ કેવાં પ્રસન્ન લાગો છો!’

‘મને એમ કે શ્રીના મોં પર લાવણ્યની ઝાંય પડી રહી છે.’ — કહેતાં સિંઘસાહેબ ધીમેથી ઊભા થયા. ચાલ્યા. સ્થિર ઊભા રહ્યા. બેઉ શંખ એક હાથમાં પકડી ટેબલ પર ગોઠવ્યા. ફરી ગોઠવ્યા. બી. પી.ની ટીકડી હાથમાં લીધી. લાવણ્ય પ્લાલાનું પાણી બદલી આવી.

‘હું ધારું છું કે દવા વિના મારું બી. પી. કાબૂમાં આવી શકે તેમ છે. છતાં તમારા બંનેના આગ્રહને વશ થઈને, તમારી બહુમતીને માન આપીને ત્રણ દિવસ દવા લઈશ. પછી આરામ વધારીને, વાચનનો પ્રકાર બદલીને સાજો થઈ જઈશ. — -’

‘થોડુંક આપણે ડૉક્ટર પર પણ છોડી શકીએ.’ — શ્રીદેવીએ કહ્યું.

‘હું ક્યાં ડોક્ટર નથી? પશ્ચિમમાં તો પીએચ. ડી. વાળાઓને જ ડૉકટર કહે છે. એમ. બી. બી. એસ. ને મેડિકલ પ્રેક્ટિશનર કહે છે! ચાલો, જે થયું એ ઠીક થયું. મન શરીરને ઈજા કરે ને પછી સાજા કરવામાં છટકી જાય. પણ હું એને પહોંચી વળીશ. આજે ઘણું સારું લાગે છે. હવે સૂતાં સૂતાં વાંચીશ. શ્રી, લાવણ્યને પ્રોફેસર શ્રીવાસ્તવ વિશે કશું બિનજરૂરી કહેશો નહીં. સમજ્યાં?’

‘આપે એને યાદ કર્યો જ શું કામ?’

‘જુઓ પાછું એકવચન!’

‘ગાળ તો નથી દીધી ને!’

‘આવડતી હોય તો દો ને!’ — છેવટે શ્રીદેવીનો પોતે બચાવ કરીને સિંઘસાહેબ એમના બેડરૂમમાં ગયા. બારણું ખુલ્લું જ રાખ્યું. સ્વગત બોલ્યા: આ મેં શ્રીવાસ્તવનો ઉલ્લેખ કર્યો એ જ મોટી ભૂલ થઈ. બી. પી. ની અસર. બીજું શું!

શ્રીદેવી અને લાવણ્ય રસોડામાં ગયાં. કામ થાય અને સિંઘસાહેબના આરામ ખલેલ ન પડે એ રીતે વાતો થઈ શકે. લાવણ્યના વ્રત વિશે જાણીને શ્રીદેવીએ બધી રસોઈ મીઠા વિનાની બનાવવાનું નક્કી કર્યું.

સરને ગમતું નથી તો શ્રીવાસ્તવનો ઉલ્લેખ પણ શા માટે કરવો? એમ વિચારીને લાવણ્ય બીજી વાતો કરતી રહી. પણ છેવટે પ્રશ્ન સપાટી પર આવી ગયો: શ્રીવાસ્તવને વળી પાછું શું વાંકું પડ્યું?

‘એમને પ્રોમોશન ન મળ્યું. એ માટે એ તારા સરને જવાબદાર માને છે. સાચી વાત એ છે કે ઠરાવ સર્વાનુમતે થયો હતો. તને શું લાગે છે? શ્રીવાસ્તવસાહેબને પ્રમોશન ન આપીને યુનિવર્સિટીએ અન્યાય કર્યો છે?’

‘અન્યાય અને એમને? એ જે જગા પર છે ત્યાંથી એમને નીચે ઉતારી દેવામાં આવે તોપણ એમને અન્યાય ન થાય. વિદ્યા જગતમાં એક સારો દાખલો બેસે. એ વાચાળ છે પણ વિદ્વાન નથી. એ પ્રવૃત્તિશીલ છે પણ સાચા નથી. એમનું ચાલે તો બીજાને ઉથલાવીને પણ પ્રોમોશન મેળવે. પણ આ વખતે ઈન્ટરવ્યૂમાં શું થયું એની મને કશી ખબર નથી. નિષ્ણાતો આગળ એમનું ઊપજયું નહીં હોય.’

‘ભારે ધમાલ કરી એ માણસે. ઈન્ટરવ્યૂ પતી ગયા પછી પણ કેડો ન મૂક્યો. નનામા પત્રો લખાવ્યા. અહીંતહીં મળીને એક ચકડોળ ચલાવ્યું. એની તો વાત જ કરવા જેવી નથી. તું જાણે છે કે અમે અહીં હોઈએ નહીં ને એ આવે નહીં. નિમણૂક થઈ ત્યારે તો એ માણસ મહેનતુ અને વિશ્વાસપાત્ર લાગતો હતો. પણ એના ગૃહજીવનના કંકાસમાંથી એ આડો ફાટ્યો. બહાર છૂટ લેવાનું શરૂ કર્યું અને વિદ્યાની ઉપાસનાને બદલે ચાલાકીઓ કરવામાં એણે પોતાનું હિત જોયું. થોડા વખતમાં જ ખુલ્લો પડી ગયો. આજે એની આછકલાઈ પર નિષ્ણાતોની મહોર વાગી ગઈ છે છતાં એને શરમ નથી. કૉર્ટે ચઢ્યો છે અને નિર્દોષ માણસોની બદબોઈ કરતાં થાકતો નથી. એને વિશે તારે કોઈની સાથે વિવાદમાં પડવું નહીં.’

છેલ્લા વાક્યનો મર્મ અત્યારે લાવણ્યને સમજાયો નહીં. એ ઉમંગ સાથે રસોઈ તૈયાર કરવામાં મદદ કરતી ગઈ. શ્રીદેવીની વાતમાં કોઈ ને કોઈ રીતે શ્રીવાસ્તવનો નકારાત્મક ઉલ્લેખ આવી જતો હતો. પણ એ કેટલુંક અધ્યાહાર રાખીને વાત કરી રહ્યાં છે એનો લાવણ્યને ખ્યાલ ન આવ્યો. એટલું જ સમજાયું કે એ કૃતઘ્ન માણસે સરને મર્મભેદી ઘા કર્યો છે, પૂર્વગ્રહી ઠરાવીને —

આક્ષેપ આ એક જ નહોતો. શ્રીવાસ્તવનાં કરતૂત વિશે રોજેરોજ કંઈ ને કંઈ નવી માહિતી મળતી ગઈ. એના સીમાચિહ્ન રૂપ એક નનામા પત્રની નકલ મળી. જેમાં સિંઘસાહેબ અને લાવણ્ય વચ્ચે અવૈધ સંબંધ હોવાનું જણાવ્યું હતું. એના પહેલા પુરાવા તરીકે શિષ્યવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. જો યુનિવર્સિટી તપાસસમિતિ નીમે તો વધુ પુરાવા રજૂ કરવાની એ પત્રમાં ખાતરી આપવામાં આવી હતી.

લાવણ્યને નવાઈ લાગી. આવા ગંભીર આક્ષેપ અંગે વાંચ્યા પછી પણ એ કેમ ગભરાતી નથી? વિચારતાં લાગ્યું છે સિંઘસાહેબ પિતાતુલ્ય છે એ ઉપરાંત શ્રીદેવીબહેનના વાત્સલ્યનો પણ પોતાને અનુભવ છે. પોતાને કારણે એમના દામ્પત્યને ઈજા થવાની ન હોય તો પછી બીજી શી ચિંતા? વગર વાંકે કરવામાં આવતી બદનામીથી એ કદી ડરી નથી, ડરશે નહીં.

સવારે એ ત્યાંથી નીકળી ત્યારે માનસંગ સિંઘસાહેબની ખબર પૂછવા અને કંઈ કામ હોય તો કરી આપવા આવ્યો હતો. એણે ભાવથી લાવણ્યને વંદન કર્યાં. એની સાથે મીઠાશથી વાત કરીને એ નીકળી. પોતે એમ. એ.માં અભ્યાસ કરતી હતી ત્યારનો એક પ્રસંગ લાવણ્યને યાદ આવી ગયો. એ ત્યારે વર્ગ-પ્રતિનિધિ ચૂંટાઈ હતી. ઉત્કંઠેશ્વરનું પર્યટન યોજ્યું હતું. બસ નદીની આ બાજુ ઊભી રાખેલી હતી. બધાંને બેસી જવાનું કહીને પોતે લઘુશંકા માટે સહેજ દૂર ગઈ હતી.

પાછી આવીને જુએ છે તો બસ નથી! મૂઢ બનીને જોઈ રહી. રસ્તા બાજુ જોયું. બસ જાણે પાછલે પગલે આવી પહોંચવાની ન હોય? ઊંચે જોયું. આથમતો સૂર્ય એને અજવાળું પૂરું પાડવા ઝાડની ટોચે ચઢવાનો ન હોય? એને થયું કે એની સાથે ગમ્મત કરવામાં આવી છે. બાહ્ય રીતે ભોંઠી પડી અને મનોમન હસી પડી! આપણે ત્યાં યોજકની આ દશા છે. કામ કરે છે એ જ સૌની આંખે ચઢે છે!

એ જગાએ એક જીપ પડી હતી. ચિંતા નહીં. છેવટે પોતે લિફટ માગશે. એ પણ યુવકોની જ ટોળી હતી. ચાર યુવકો અને બે યુવતીઓ. અત્યારે એમાંના બે યુવકો જ દેખાતા હતા. એ નજર બચાવીને એની સામે જોઈ લેતા હતા. પેલાએ કેમ આ રીતે જોયું? ના, હરણ પર હુમલો કરવા છુપાયેલા હિંસક પશુની ચાલાકી તો એની આંખમાં નથી ને?

પોતે ઊભી હતી ત્યાં સ્થિર રહી. બસ અચૂક પાછી આવશે… કદાચ એ મારી રાહ જોતી ઊભી પણ હોય. વચ્ચે પાછા વળવું શક્ય નથી. એકાદ ફર્લાંગ દૂર તો જવું જ પડે. બધાએ ધારી લીધું હોય કે લાવણ્ય અચૂક પહોંચી વળશે. ત્યાં એક વિલક્ષણ પ્રશ્ન થયો. કદાચ એ બધાં જ મને ભૂલી ગયાં હોય તો?

એ ખ્યાલ સાથે જ એ શ્વાસ લેવાનું ભૂલી ગઈ. બ્રહ્માંડમાં રહેલા બ્લેક હોલનું એને સ્મરણ બલ્કે દર્શન થયું. પોતે અહીં વગડામાં એકલી છે અને ઓળખીતાંમાંથી કોઈ એના અસ્તિત્વથી સભાન નથી એ ખ્યાલ કેવો વિઘાતક લાગે છે! નિ:સંગ એકલતાની આ પ્રતીતિ સાથે એનામાં જિજીવિષા જાગી. એણે પગ ઉપાડ્યો.

ઊંચાઈ બાજુ લઈ જતી સડક એને પસંદ પડી. ‘ઊભાં તો રહો, ઠીક પડશે સુન્દરી!’ — પાછળથી અવાજ આવ્યો. એને જવાબ આપવાનો ન હોય. પકડવા આવે તો જ પ્રતિકાર કરવાનો હોય. પછી તો પેલી યુવતીઓ પણ એમની સાથે હશે. અને એ ગમે તેવી હશે તોપણ મારી વિરુદ્ધ નહીં જાય. — આમ માનવાને કશું કારણ નહોતું છતાં તે દિવસ એ કારણે પણ પગમાં હિમ્મત રહી હતી. સડક મેદાન વચ્ચે આવી ઊભી પછી તો કશી ભીતિ નહોતી. ચાલી રહી હતી ઝડપથી. ભલે પહોંચી જાય એ લોકો અમદાવાદ! ત્યાં પહોંચ્યા પછી તો એમને મારો ખ્યાલ આવશે ને! એમ કરું તો? અહીંથી જ બાજુના ગામની કેડીએ ચઢી જાઉં તો? બસ મને લેવા પાછી આવે ત્યારે હું એમને જડું જ નહીં. કેવો વિચાર! બદલો લેવાની વૃત્તિ! ના, એ અઘટિત છે. હું બસ આમ ચાલ્યા કરીશ, ચાલ્યા જ કરીશ. અંધારું થાય એ પહેલાં તો વાહન મળે એવી સુરક્ષિત જગાએ હોઈશ.

બરાબર પચીસ મિનિટ એ ચાલી હતી. મનથી તો સ્થળ અને સમયમાં કંઈ કેટલુંયે ચાલી હતી. દીપક અને વનલતા બંનેને એના વિના ચાલ્યું હતું.

બસ ઊભી રખાવી હતી માનસંગે. એને કાયમ સંખ્યા ગણી લેવાની ટેવ. એણે તુરત બસની ઘંટડી મારી હતી. ડ્રાઈવર ગુસ્સે થઈ ગયો હતો. ‘એક ખૂટે છે.’ — માનસંગે બધાને સંભળાય એ રીતે કહ્યું હતું. ‘તેં તને ગણ્યો નહીં હોય!’ — કહીને ડ્રાઈવરે બસ ચલાવી હતી. ત્યાં માનસંગ તાડૂક્યો હતો: ‘ચાંપલાશ ન કર. એક તો સાલા ભાડું અપાવ્યું ને પાછો મારી મશ્કરી કરે છે?’ — માનસંગ ભવનનો પટાવાળો છે, કામગરો છે. લાવણ્યે વ્યવસ્થામાં એની મદદ લીધી હતી. એણે વનલતાની સીટ તરફ જોયું, દીપકની સીટ તરફ જોયું અને કહી દીધું: ‘લાવણ્યબેન જ નથી.’

એ સાંભળતાં જ વનલતા અને દીપક એમની બેઠક પર ઊભાં થઈ ગયાં હતાં. વનલતા છેક આગળ હતી, દીપક છેક પાછળ. બંનેએ માની લીધું કે લાવણ્ય ત્યાં હશે. બસ ઉપાડવા માટે ઘંટડી વગાડવાની ભૂલ માનસંગે કરી હતી. હકીકત જાણતાં જ ડ્રાઈવરને શુરાતન ચઢ્યું હતું. બસ ફસાવાની કે ઊથલી પડવાની પરવા કર્યા વિના એણે પાછી વાળી લીધી હતી. છેક લાવણ્યની સામે પહોંચીને બ્રેક મારી હતી. ‘આઈ એમ સૉરી દીદી!’ — કહેતાં બારણામાંથી કૂદી પડ્યો હતો.

પેલી બાજુથી માનસંગ અને દીપક ઊતરી આવ્યા હતા. બધા માફી માગતા હતા. વનલતાનું મોં પડી ગયું હતું. પર્યટન વખતે લાવણ્ય કાયમ એની સાથે બેસતી. બીજા કોઈની પાસે જતાં એને સાથે આવવા કહેતી, અથવા એકલી જાય તો અચૂક જાણ કરતી. આજે આવું કશું બન્યું નહોતું તો પોતે કેમ માની લીધું કે લાવણ્ય દીપક સાથે બેઠી હશે.

લાવણ્યે કોઈને ઠપકો ન આપ્યો. એ કંડક્ટર વાળી જગાએ બેઠી. માનસંગ થોડી વાર ઊભો રહ્યો. પછી દીપકવાળી છેલ્લી હરોળમાં સંકોચાઈને બેઠો. લાવણ્યને થતું હતું: અમુક રિવાજો ટકાવી રાખવા જેવા હોય છે. ગામડામાં સ્ત્રીઓ સંગાથ માટે ઊભી રહેતી હોય છે. અંદરનું એકાંત બહારના સંગાથ પછી દોહ્યલું રહેતું નથી.

જેમના પતિ પરદેશ હોય એવી કેટકેટલી યુવતીઓ આ દેશમાં એકલી રહેતી હતી! પેલા સંગાથના જોરે! વાડામાં ગાયભેંસ દોહવા જતાં સંગાથ, વગડે ઇંધણાં વીણવા જતાં સંગાથ, અરે ગામની ભાગોળે આવેલા કે નદીકાંઠે આવેલા હર્યાભર્યા પનઘટ સુધી જતાં પણ સંગાથ…

પછી વનલતા આવીને એનો હાથ પકડીને ખેંચી ગઈ હતી. ‘આઈ એમ સૉરી’ કહેતાં એ ઢીલી થઈ ગઈ હતી. ખુલાસો બેવડાવ્યા પછી થોડી વાર મૂંગી રહીને એ ધીમેથી બોલી હતી: ‘તને બહુ બીક લાગી હશે ખરું ને?’

‘બીક? કદાચ નહોતી લાગી.’

‘ખરેખર? એવી જગાએ એકલીપડી નથી તોય?’

‘હા. ચાલતાં રહીએ તો એકલતા ઘેરી વળતી નથી.’

તે દિવસ પોતે સૌથી પહેલી માનસંગને યાદ આવી હતી.

અત્યારના સંજોગોમાં પણ માનસંગને એની ચિંતા થઈ. ત્યાં વગડો હતો. અહીં કવિ જેને ‘આધુનિક અરણ્ય’ કહે છે એવી પરિસ્થિતિ છે. પ્રો. શ્રીવાસ્તવના નખ ને દાંત કદી દેખાવાના નથી.

કોણ જાણે કેમ લાવણ્યને બૉદલૅરની કવિતા યાદ આવી. ‘સ્વાન’ વિશે લખેલી અને સત્તર વરસનું નિર્વાસન ભોગવનાર વિકટર હ્યુગોને અર્પણ થયેલી એ કવિતા વિશે એક વાર નિરંજન ભગત બે કલાક બોલ્યા હતા. ફેંચમાંથી એમણે કરેલા અંગેજી અનુવાદની નકલ હાથવગી હતી. એનો છેલ્લો શ્લોક કોઈક દ્વીપ પર ભુલાયેલા ખલાસીઓની યાદ અપાવે છે; બંદીવાનો ગુલામો અને એવા અનેક દુર્ભાગીઓની પરાધીનતાની યાતનાનું સ્મરણ કરાવે છે, અરણ્યમાં નિર્વાસિત ચિત્તે —

Thus in the forest where my mind is exiled An old Memory winds its horn!

I think of sailors forgotten on an island, of captives,of slaves!…and of many manamore!

લાવણ્ય આ કવિતાના વાતાવરણમાં હતી ત્યાં માનસંગ આવ્યો. વર્ષોથી એ એને આદર આપતો આવ્યો છે. સારાં માણસોનું કશું ખરાબ ન થાય એની ચિંતા કરવાની એને ટેવ છે. કેટલાકને એ ડોઢડાહ્યો લાગતો હશે, લાવણ્યને ગુણગ્રાહી લાગે છે. એને આવકારી નાસ્તો આપ્યો. એનાં કુટુંબીજનોના ખબરઅંતર પૂછ્યા.

માનસંગને પણ જાણે કશી ઉતાવળ નહોતી. લાવણ્યને આઘાત ન લાગે એ રીતે એણે વાત કરવી હતી. એનું તારણ તો આટલું જ હતું: તમારે હમણાં એકબે મહિના સિંઘસાહેબના ખંડમાં એકલાં બેસવું નહીં. શ્રીવાસ્તવ અમારામાંથી કોઈક પટાવાળાને સાધીને તમને વગોવવા માગતા હતા. મોટી રકમની લાલચ ધરતા હતા. એક જણાને જરા ઢીલો માનીને એના પર દબાણ લાવ્યા. પણ પેલાએ મને પડખે જોઈને શ્રીવાસ્તવને રોકડું પરખાવી દીધું: ‘તમને એમ કે આ માણસ કામકાજમાં આળસુ છે ને વગર રજાએ ઘેર રહે છે તેથી ભય અને લાલચથી વશ થશે? રામરામ કરો! કોઈ સજ્જનની જિંદગી ધૂળધાણી કરવા જેટલો હું નીચો નથી ઊતર્યો. મારા બાપદાદા ચોરી કરતા હતા પણ આવું હલકટ કામ નહોતા કરતા.’

એમાં સિંઘસાહેબ સાથે લાવણ્યની પણ વગોવણી થાય એનો ખ્યાલ એ પટાવાળાને તો ન આવ્યો પણ માનસંગને તો આવી ગયો. એણે એનો ધરમ બજાવ્યો. નાના માણસો પણ ક્યારેક કેવો મોટો વિવેક દાખવે છે! એનાં સ્મરણોનાં હરણ રણદ્વીપ પાસે આવીને અટક્યાં હતાં.
* * *

લાવણ્યને પહેલો વિચાર એ આવ્યો કે વિદ્યાભવન જવાનું જ બંધ કરું. પછી થયું કે એ તો હાર કબૂલવા જેવું થાય. કદાચ ગેરહાજરીનો ઊલટો અર્થ ઘટાવવામાં આવે. પહેલાંની જેમ ભવન તો જવું જ. શિષ્યવૃત્તિ મેળવીને પીએચ. ડી. કરતા જુદા જુદા વિષયના સાતેક વિદ્યાર્થીઓ સાથે એને વધતીઓછી મૈત્રી છે. એમની સાથે અવારનવાર કેન્ટિનમાં બેસવાનું, ચા-નાસ્તો કરવાનું બને છે. ત્યાં બધાની વાત થતી હોય છે. એ શોધછાત્રોમાંથી કોઈ સિંઘસાહેબ વિશે કદી ઘસાતું બોલ્યું નથી.

એક વાર કોઈકે હળવી રીતે કહેલું: દરેક ઘટનામાંથી એની ફિલસૂફી શોધી કાીંવાની એમને ટેવ છે. અને તેથી ઘણી વાર એ જુનવાણી લાગે છે. — એમ કહેનારે પણ સિંઘસાહેબની જ્ઞાનનિષ્ઠા અને વિદ્યાર્થીઓ પ્રત્યેના વાત્સલ્યને બિરદાવ્યું હતું. શ્રીવાસ્તવના વિપરીત પ્રચાર પછી પણ એ બધા સિંઘસાહેબ વિશે સમાદર ધરાવે છે.

વાત નીકળતાં જ બધાએ શ્રીવાસ્તવ વિશે વાસ્તવિક અભિપ્રાય આપ્યો. એ અભિપ્રાય કુલપતિશ્રી સુધી પહોંચાડીને સિંઘસાહેબનો બચાવ કરવા પણ બધાની તૈયારી હતી. લાવણ્ય બોલી નહીં. એક જણે તો આગળ વધીને એટલે સુધી કહ્યું કે અહીંના વર્ગપ્રતિનિધિઓ અને બહારના નેતાઓને હાથ પર લઈને શ્રીવાસ્તવને હટાવવાનું આંદોલન શરૂ કરવું જોઈએ. બીજાએ ટેકો આપતાં કારણ જણાવ્યું: એવા માણસો કાં તો સામા પક્ષનું શરીરબળ જોઈને ડરે કાં તો એમના સંખ્યાબળને નમે. સાંભળીને લાવણ્ય હસી પડી. પછી વિચારીને બોલી: આપણે શ્રીવાસ્તવની જેમ વર્તીને સિંઘસાહેબને આઘાત નહીં આપી બેસીએ? જ્યાં સુધી સિંઘસાહેબને નુકીજ્ઞ્ન ન થાય ત્યાં સુધી —

‘બદનામી એ નુકીજ્ઞ્ન નથી?’

‘ના, બદનામી કરનાર એમાં વધુ ખુલ્લો પડતો હોય છે.’ લાવણ્ય બોલી — ‘રાજકારણ જેવાં ક્ષેત્રોમાં પ્રચારલક્ષી બદનામી તાત્કાલિક અસર કરતી હશે પણ વિદ્યાના ક્ષેત્રમાં તો ઘણી વાર વક્તા કરતાં શ્રોતા વધુ જાગ્રત હોય છે, તેથી મને સિંઘસાહેબની ચિંતા નથી.’

લાવણ્ય બોલતાં બોલી ગઈ હતી પણ એને સિંઘસાહેબની ચિંતા હતી. અને તેથી જ એક વાર સિંઘસાહેબની ગેરહાજરીમાં એ શ્રીદેવીને મળી હતી. પ્રશ્નના એકેએક પાસાની નિરાંતે ચર્ચા કરી હતી. શ્રીદેવીએ મૌન પાળવાની જ સલાહ આપી હતી. આપણે વળતો જવાબ આપવા શ્રીવાસ્તવને એમની શૈલીએ વગોવવા તૈયાર થવાનાં નથી. ક્યાંક ને ક્યાંક વિવેક આપણને રોકશે. એવા માણસોને સદ્બુદ્ધિ મળે એ માટે પ્રાર્થના કરીને આપણે પોતે પણ સ્વસ્થ રહી શકીએ એવો એમનો ખ્યાલ હતો.

‘શ્રીવાસ્તવ જેવા માણસને સદ્બુદ્ધિ મળે એ માટે પ્રાર્થના કરવાની જવાબદારી હું અનુભવી શકીશ નહીં, સિંઘસાહેબ અને તમે ભલે અનુભવો.’ — લાવણ્ય અકળાઈને બોલી હતી.

‘અમે તો જવાબદારી અનુભવવા ઉપરાંત ભૂલ પણ કબૂલીએ છીએ. અમારે એમને અહીં લાવવાની જરૂર નહોતી. એ અમારી બાજુ બરાબર નભી જાત. ત્યાં શેરને માથે સવા શેર પડ્યા હોય છે. શઠમ્ પ્રતિ શાઠ્યમ્ આચરીને એમને વશમાં રાખનારા બેઠા હોય છે. સિંઘસાહેબ તો સૌનો બચાવ કરવા જ જન્મ્યા છે.’ — આમ કહીને શ્રીદેવીએ લાવણ્યની મનોદશા સાથે નિકટતા દાખવી હતી — ‘એમની ધીરજ અનંત છે. કહેવાના: શ્રીવાસ્તવને એની ભૂલ બદલ જરૂર એક દિવસ પસ્તાવો થશે.’

એ ક્ષણે બંનેના ચહેરા પર એકસરખું સ્મિત હતું. હવે શ્રીવાસ્તવ જેવાઓના હોવાનો રંજ નહોતો, સિંઘસાહેબના હોવાનો આનંદ હતો.

લાવણ્ય નિશ્ચિંત બની હતી. અપ્રમત્ત ભાવે એનો સ્વાધ્યાય ચાલી રહ્યો હતો. ત્યાં ટપાલમાં એને પત્ર મળ્યો. એમાં શ્રીવાસ્તવ અને સિંઘસાહેબની સરખામણી કરવામાં આવી હતી. લાવણ્ય જેવી કુંવારી યુવતીએ માર્ગદર્શક તરીકે સિંઘસાહેબને પસંદ કરીને ભૂલ કરી છે એ તો હવે સુધરી શકે તેમ નથી. પણ એ શ્રીવાસ્તવસાહેબનો સંપર્ક કેમ નથી રાખતી? એના જેવી મહત્ત્વાકાંક્ષી યુવતીનું ભવિષ્ય કોણ સુધારી શકે એમ છે એ સમજવું અઘરું નથી.

પત્ર લખનારે પોતાનું સરનામું નહોતું આપ્યું પણ ફોન નંબર આપ્યો હતો. લાવણ્યે પત્ર ફાડી નાખ્યો. પછી થયું: ફોન નંબર નોંધી રાખીને માનસંગ જેવા પાસે ખાતરી કરાવી લીધી હોત તો? અરે આ કામ તો વિશ્વનાથ પણ કરે, લાગણીથી કરે. એને માટે રામેશ્વરથી ખરીદેલો શંખ તો હજી મારી પાસે જ રહી ગયો છે!

વિશ્વનાથ! શ્રીવાસ્તવથી કેટલો જુદો! બંને એકલા છે. શ્રીવાસ્તવ કદાચ એમનાં પત્નીને તેડતા નથી. દેશમાં નાખી રાખ્યાં છે. અહીં કોઈક રૂપાળી અને કમાતી યુવતી માટે ફાંફાં મારે છે. જ્યારે વિશ્વનાથ? જીવનસંગિની વિશેની એક કલ્પનાથી જીવે છે. ક્યારેક ભાવુકતા દાખવે છે પણ લાલચથી વર્તતો નથી.

એક દિવસ એ પુસ્તકાલય બાજુથી આવતી હતી ત્યાં શ્રીવાસ્તવ એમના એક મળતિયા સાથે યુનિવર્સિટી વિશે વાત કરી રહ્યા હતા. લાવણ્યને જોતાં શ્રોતાએ ધ્યાન ખેંચ્યું. શ્રીવાસ્તવે કહ્યું કે ચકોરને તો ચંદ્રમાં કલંક સિવાયનો ઊજળો ભાગ જ દેખાવાનો.

લાવણ્ય સમસમી ઊઠી. એ સિંઘસાહેબ પ્રત્યે અનહદ આદર ધરાવે છે પણ કોઈ આ રીતે ઉલ્લેખ કરે એ —

પોતે બચાવ કરવા જશે તો આ લોકો અનર્થ કરશે… મૌન પાળ્યું.

એણે ભવન જવાનું ઓછું કરી નાખ્યું. ક્યારેક પુસ્તકાલય જાય છે તો ક્યારેક શ્રીદેવીબહેનને પૂછીને સિંઘસાહેબને ત્યાં જાય છે. તીર્થભૂમિ સમા વિદ્યાભવનને દુશ્મનનો કિલ્લો માનીને એનાથી દૂર રહેવાની લાચારી એ અનુભવે છે, કોઈને કહેતી નથી… એવામાં ખરીદીના કામે વિરાજબહેન અમદાવાદ આવે છે. એ અમસ્તું જ પૂછે છે: ‘ચાલ, આવવું છે?’ જાણે રાહ જોઈ રહી હોય એ રીતે તૈયાર થઈ જાય છે. વાર કેટલી? સરને ફોન કરવાનો અને શામસુંદર માટે કશીક ખરીદી કરી લેવાની. વિશ્વનાથને સંદેશો આપવાની જરૂર નથી? અને જમુનાબહેનને વચ્ચે મારું કશુંક કામ પડશે તો? પત્ર લખશે લોકવન પહોંચીને…..

ત્યાં સંસ્થાનાં બાળકો વચ્ચે પહોંચતાંની સાથે લાવણ્ય પુસ્તકો વિસારી બેઠી. બનેવી ચંદ્રકાન્તભાઈ ઊર્જા ઉત્પન્ન કરવાના પ્રયોગોમાં ગળાબૂડ સક્રિય છે. એમના દરેક કામમાં એ નાનપણથી રસ લેતી આવી છે. એ એને માટે બનેવી પણ છે અને મોટાભાઈ પણ. એ જ રીતે શામસુંદર ભાણેજ પણ છે અને નાનો ભાઈ પણ. કુટુંબભાવ એ કેવી મહામૂલી વસ છે એ અહીં આવતાં અનુભવાઈ.

તો બીજી બાજુ કલાની સર્જનાપ્રક્રિયાના વિકલ્પે ઊર્જાના પ્રાગટ્યની પ્રક્રિયામાં એને રસ પડ્યો. જીપમાં ગ્રામવિસ્તારનો પ્રવાસ કરવાનાં સ્મરણો પણ કોઈક વાર નોંધતી. દિવસોથી જાણે વિદ્યાભવનને ભૂલી ગઈ હતી. એણે સિંઘસાહેબને પત્ર લખી ક્ષમાયાચન કરી. પીએચ. ડી. પૂરું કરવામાં થોડો વિલંબ થશે. હમણાં તો પ્રકૃતિની ખુલ્લી શાળામાં પોતે શિક્ષણ પામવાનો રોમાંચ અનુભવી રહી છે. પંચભૂતનો આ સીધો સંપર્ક પુસ્તકો વાંચતાં થતો નથી.

આ દિવસોમાં લાવણ્યે જળઅગ્નિ વિશે એક કાવ્ય લખ્યું. ‘જળવિદ્યુત્!’ કેવો સમાસ! ‘જળ’ અને ‘વિદ્યુત્’ બંને પદ પરસ્પર વિરોધી ગુણધર્મ ધરાવે છે. છતાં – તેથી એકમેકના સર્જનમાં નિમિત્ત બને છે. જળની મદદથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. વીજળીની મદદથી જળ ભૂગર્ભમાંથી બહાર ખેંચી શકાય છે. અને એ પ્રક્રિયામાં જે ગતિ સર્જાય છે એ પવન નથી તો બીજું શું છે?’

લાવણ્યને પ્રશ્ન થયો છે: જળ, વિદ્યુત અને પવન વિનાનું જીવન કેવું હોય?

પાણી, પ્રકાશ ને પવન વિનાનો
એક અફાટ ભૂખંડ
તમારા અંતરાલમાં ઊપસી આવે
કે તમારી સામેના વિરાટ અવકાશમાં
શૂન્યનાં વલય વિસ્તર્યા કરે
એમાં ફેર શો?

 — કાવ્યની માંડણી ઠીક થઈ હતી. સિંઘસાહેબ અને શ્રીદેવીને સંભળાવી એમનો અભિપ્રાય સાંભળવા અધીરાઈ જાગી હતી. અહીં તો બધાં બધું વખાણી દે છે. ચંદ્રકાન્તભાઈ પાસે એમ કરવા માટે ખુલાસો પણ છે: આપણને ન સમજાય એ વખાણીને છૂટી જવું અને સમજાય એ અમલમાં મૂકવું, જાતે આચરીને બીજા આગળ ઉચ્ચારવું.

ત્રણ અઠવાડિયાં લોકવનમાં વિતાવ્યા પછી લાવણ્યને વિદ્યાભવન સાંભળ્યું છે. કહે છે: અહીં જેમ કેટલીક બહેનોને શ્વાસમાં છીંકણી લીધા વિના ગમતું નથી તેમ મને પુસ્તકાલયમાં અકબંધ પડી રહેલાં પુસ્તકો પરની રજ શ્વાસમાં લીધા વિના ચેન પડતું નથી… અને એ રજ કરતાંય અહીંની રેત મને વધુ ગમે છે. પણ હવે મારે જવું જોઈએ. પેરોલની મુદત પૂરી થઈ!

એ સ્નાન માટે ગઈ હતી. ચંદ્રકાન્તભાઈ બહાર નીકળવામાં હતા. ઝભ્ભો પહેરતાં પૂછવા લાગ્યા: ‘વિરાજ, તારી બહેને કોઈ મુરતિયા પર પસંદગી ઉતારી કે પછી એ પુસ્તકો પરની રજ અને અહીંની રેતથી જ રાજી છે?’

‘એણે તો કોઈના પર પસંદગી નથી ઉતારી પણ એક પત્રકારે એને —’

‘પેલા વિશ્વનાથની વાત કરે છે? એક વાર અહીં વિદેશી મહેમાનો સાથે આવેલો એની?’

‘હા.’

‘ચાલો, પચાસ ટકા તો નક્કી થયું! લાવણ્ય એને વિશે શું કહે છે?’

‘જરા ભાવુક છે.’

‘લાવણ્ય પોતે પણ ક્યાં ઓછી ભાવુક છે?’

‘એ પોતાને આધુનિક વિદુષી માને છે.’

‘માનતી નથી, થવા ઇચ્છું છું.’ — લાવણ્ય એના લાંબા ખુલ્લા કેશ ટુવાલથી બાંધતી બહાર આવી.’

‘તું આધુનિક થઈ ન શકે. તું પરંપરા સાથે એવી જડાયેલી છે કે —’ એમ કહેતાં એ હીંચકા પર બેઠા. ભલે આજે થોડુંક મોડું થાય. લાવણ્યને એના વિરોધાભાસ સમજાવી દેવા જોઈએ. એ બધું જાતે નક્કી કરવા માગે છે એ બરાબર નથી. હું ને વિરાજ વિશ્વનાથને પસંદ કરીએ તો એ પસંદગીને છેવટની ગણવી જોઈએ. તું દીપક પર વારી ગઈ હતી એનું પરિણામ જોયું? અને હજી પોતાનો કક્કો ખરો કરવા એનું ભલું તાક્યા કરે છે, શુભેચ્છક તરીકે સંપર્ક ટકાવી રાખે છે, એમાં ડહાપણ નથી. વિશ્વનાથ બહુ ભલો કહેવાય. તારા દીપક અને પ્રેમલ સાથેના સંપર્કની પરવા કર્યા વિના જો એ તને પસંદ કરતો હોય તો —’

‘કંઈ મારા પર ઉપકાર કરતો નથી, ચાહે છે, ગાંડિયો છે.’

‘તને જોઈને ગાંડો થયો હશે. બહુ રૂપાળી ખરી ને!’

‘હા, રૂપાળી છું. એ હકીકત સ્વીકારવામાં નમ્રતા આડે નહીં આવે.’

‘દર્શકના પેલા આનંદને સુચરિતાનું સંગીત સાંભળવામાં રૂપ આડે આવતું હતું તેથી એણે આંખો બંધ કરી હતી. તારે પણ એક વાર અંતર્મુખ બનીને વિશ્વનાથના હૃદયનું સંગીત સાંભળવું જોઈએ.’

‘એવો પ્રયત્ન કર્યા પછી સંભળાય એનો શો અર્થ? મને એના માટે તલસાટ જાગવો જોઈએ. મારો ઝુરાપો મને એની પાસે ખેંચી ન જાય તો પછી —’

વિરાજબહેન અત્યાર સુધી ગંભીર ચહેરે સાંભળી રહ્યાં હતાં. એ હવે મૌન જાળવી ન શક્યાં:

‘સાચું કહેજે તને એના માટે સહેજે લાગણી નથી?’

‘છે. પણ દીદી, લાગણી તો કદાચ દીપક માટે પણ છે, પ્રેમલ માટે છે, અમેરિકા રહેતા એક અતુલ દેસાઈ માટે છે. તેથી શું?’

‘તારે લગ્ન તો કરવું છે ને?’

‘દીપકે લગ્ન કર્યું અને એ સુખી નથી.’

‘જે દીપકના અજવાળે તું તારું ભવિષ્ય જોવા પ્રયત્ન કરે છે એ તો ક્યારનોયે રાણો થઈ ગયો છે. જે માણસ તારા માટે સાવ અપ્રસ્તુત બની ગયો છે એને પ્રમાણ માનીને તું ચાલે છે.’ — ચંદ્રકાન્તભાઈ ઊકળી ઊઠ્યા હતા. શામસુંદરને આ વિવાદ ઝઘડા જેવો લાગ્યો. એ માશીનો પક્ષ લેવા માગતો હોય એમ એના પડખે જઈને ઊભો રહ્યો.

વિરાજબહેન પણ આજે જ ફેંસલો લાવવા માગતાં હોય એમ બોલી ઊઠ્યાં:

‘તું બુદ્ધિશાળી છે, સંવેદનશીલ છે એ બધું ખરું પણ તું એવી જક્કી છે કે પોતાની વિરુદ્ધ જતાંય પાછું વળીને જોતી નથી. માટે કહું છું કે તું તારા લગ્નનો પ્રશ્ન અમારા પર છોડી દે.’

‘ના. મારી પસંદગી પછી તમારી સંમતિ માગીશ. તમે પસંદ કરો અને હું સંમત ન થઈ શકું તો? એને બદલે એમ કરો, આ શામસુંદર પર બધું છોડી દો.’

‘એ બાર વર્ષથી નાની ઉમ્મરનાઓને જ ઓળખે છે.’ — કહેતાં ચંદ્રકાન્તભાઈ હસી પડ્યા.

‘કેમ તમને ઓળખતો નથી?’ — કહેતાં શામસુંદરે એમનો હાથ પકડ્યો. આનો કશો બીજો અર્થ નથી કરવાનો એવી સમજણ સાથે લાવણ્ય ધોયેલાં વસ્ત્ર સૂકવવા નીકળી. આંગણે ફૂલોની સુગંધ તડકાએ બહુ પાતળી કરી મૂકી હતી. એમાં સાડી ઊઘડી, સાબુની સુગંધને મોકળાશ મળી. તડકાએ લાવણ્યના ચહેરાને સ્પર્શ કર્યો. એ કપડાં સૂકવવાનું કામ કરતાં કરતાં બાપ-બેટાનો સંવાદ સાંભળી રહી.

‘માશીએ મારું ગીત સુધારી આપેલું. હવે નક્કી એ પસંદ થવાનું:

શૈલશિખર પર સરી જતી
આજે મારી એકલતા,
કુંજગલીમાં ભળી જતી
આજે મારી એકલતા,
વાદળ સાથે હળી જતી
આજે મારી એકલતા,
ઘૂઘવતાં પૂર તરી જતી
આજે મારી એકલતા,
નિજ વૃંદાવન ચરી જતી
આજે મારી એકલતા,
પનઘટ પાણી ભરી જતી
આજે મારી એકલતા…’

 — શામસુંદર આ રચના વિશે અનુકૂળ અભિપ્રાય ઇચ્છતો હતો.

‘પણ આ ઉમ્મરે તને એકલતા વિશે લખવાનું સૂઊયું કેવી રીતે?’

‘માશીનાં કાવ્યો વાંચીને!’

‘તું જાણે છે એકલતા એટલે શું?’

એકલતા એટલે માશી!’ — શામસુન્દરના જવાબથી લાવણ્ય અને વિરાજબહેન બંને ખુશ હતાં. પણ ચંદ્રકાન્તભાઈ સંમત ન થયા:

‘એકલતા એ એક કલ્પના છે. સાચી વાત એ છે કે આ સૃષ્ટિ પર જીવજંતુ, પ્રાણી કે મનુષ્ય કોઈ એકલું છે જ નહીં. એકલતા એ વાસ્તવિકતા નથી, ખ્યાલ છે. જક્કી લોકો પોતાની હાર કબૂલીને નવી રમતમાં જોડાવાને બદલે એકલતાની કલ્પનાથી મેદાન છોડી જાય છે. યોગી પણ એકલો હોતો નથી. બહાર ગુફા હોય છે અને મનમાં છોડેલી દુનિયાની છાયાઓ. એકલતાની ભ્રાન્તિમાં જીવીને બાદબાકીઓ કરતા રહેવાને બદલે સમગ્રના સ્વીકાર સાથે જીવવું જોઈએ.’

 — શામસુંદર પામી ગયો હતો કે આ બધું એના માટે નથી, માશી માટે છે. તેથી એણે કશો પ્રશ્ન કર્યો નહીં. લાવણ્યે સુધારી આપેલા આ ગીત વિશે એ ઊંચો અભિપ્રાય ધરાવતો હતો. ગાતો ગાતો ત્યાંથી ખસી ગયો. દૂરથી સંભળાતો લય અહીં ત્રણ વ્યક્તિઓ વચ્ચેના એકાન્તમાં લહેરાતો રહ્યો. ચંદ્રકાન્તભાઈને પ્રશ્ન થયો: પોતાને ઉશ્કેરી મૂકનાર ગીત નિરર્થક હશે પણ એનો લય કેમ અહીંથી ખસતો નથી? ‘ચાલો ત્યારે, અમે પણ નિજ વૃંદાવન ઊપડીએ.’ — કહેતાં એમણે વાહનની ચાવીઓ હાથમાં લીધી.

વિરાજબહેન અને લાવણ્ય મોડે સુધી અશબ્દ બેસી રહ્યાં. એમની વચ્ચે મનોમન કંઈ કેટલીયે વાતો થઈ.

બીજે દિવસે લાવણ્ય વહેલી સવારે નીકળી. મોટી બહેને કહ્યું: ‘મને ખબર છે કે તું જે કંઈ કરે છે એ યોગ્ય જ કરે છે, તારે ગળે ઊતરે એટલું જ કરે છે. પણ કેટલુંક તું જે ટાળે છે એ વિશે વિચારજે. ચંદ્રને સાચે જ ચિંતા છે. લગ્ન બાબતે તું બિનજરૂરી વિલંબ કરી રહી છે. તું જ કહે: શ્રીવાસ્તવ જેવા કોઈ પરિણિત યુવતીની વગોવણી કરવાની હિંમત કરી શકે? પુરુષો કન્યાઓથી નથી ડરતા, જેટલા પરિણિત પુરુષોથી ડરે છે.’

‘એટલે મારે એક રખેવાળની જરૂર છે એમ જ ને!’ — કહેતાં લાવણ્ય હસી પડી હતી. પગ ઉપાડ્યો હતો. મોડું થાય ને અવાજ સાંભળી શામસુંદર જાગી જાય તો નીકળવાનું મુશ્કેલ બની જાય.

અમદાવાદ પહોંચી એ જ દિવસે સાંજે સિંઘસાહેબને ત્યાં પહોંચી ગઈ. શ્રીવાસ્તવે સર્જેલા વિષચક્રને એ ભૂલી ગઈ હતી અને ‘જલવિદ્યુત્’ વિશે લખવું શરૂ કરેલું કાવ્ય સંભળાવી પ્રતિભાવ જાણવા બેચેન હતી. સિંઘસાહેબની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોઈને એનો ઉત્સાહ વધી ગયો. એમના રાઈટિંગ ટેબલ પર બેસી ગઈ અને બે ચોટલાવાળી છોકરીની જેમ પગ હલાવીને ખુશી દાખવવા લાગી. બહાર એ જે અસ્મિતાથી સભાન હોય છે એનું અહીં નામનિશાન નહોતું.

‘શું કંઈ બહુ રખડી? સોનેરી ઝાંયમાં તડકાનું તાંબું બરાબરનું ભળ્યું લાગે છે!’

‘તમે આને વખાણી વખાણીને ફટવી મારી છે! એમાં તો કોઈ મુરતિયો પસંદ કરતી નથી. જુઓ, વિરાજબેન પણ શું લખે છે!’ — શ્રીદેવી પાસેનો પત્ર થોડા દિવસ પહેલાંનો જ હતો. એ ફરિયાદ સામે હવે એ રીઢા ગુનેગારની જેમ વર્તી શકે છે. ટેબલ પરથી ઊતરી, શ્રીદેવીના હાથનું પાણી પી એણે થેલામાંથી સ્ટીલનો ડબ્બો બહાર કાઢ્યો. વિરાજબહેને સુખડી મોકલી હતી. એ જોઈ સિંઘસાહેબે હાથ લંબાવ્યો. લાવણ્યે ડબ્બો ધર્યો. સિંઘસાહેબે નજર કરીને એક મોટો ટુકડો પસંદ કર્યો એથી લાવણ્યની ખુશી બેશુમાર વધી ગઈ. એ ફરી રાઈટિંગ ટેબલ પર બેસી ગઈ અને અગાઉ કરતાં પણ નાની બની ગઈ.

‘તારી ઉમ્મરની કોઈ યુવતી અમારી બાજુ આમ બેસે તો લોકો શું કહે ખબર છે?’ — શ્રીદેવીએ કહ્યું — ‘ગાંડી!’

‘અમારી બાજુ પણ!’ — કહેતાં લાવણ્ય હસી પડી — ‘આમ ગાંડપણના સો ટકા પૂરા થઈ ગયા!’ નિશાળમાં ભણતી ત્યારે એણે એક વાર ગાંડીનો અભિનય કરીને ઈનામ મેળવેલું. આજે ગાંડપણ દાખવવામાટે વધુ સારું કારણ હતું — ‘સરને સંપૂર્ણ સ્વસ્થ જોઈને હું નિશ્ચિંત થઈ ગઈ. તમે મૃણાલની જગાએ મને મૂકીને વિચારી જોશો તો મારું ગાંડપણ સ્વાભાવિક લાગશે.’

સિંઘસાહેબે શ્રીદેવી સામે જોયું. લાવણ્યની વાતમાં તથ્ય હતું. મૃણાલ છેલ્લે ભારત આવી ત્યારે સાથે બહુ ઓછું રહી હતી. એની વિદાયની ક્ષણ વસમી નીવડી હતી. ત્યાં શ્રીવાસ્તવની કૃતઘ્નતા અને વારંવારની હીનતાએ એમના મનનો કબજો લીધો. એની ઘેરી છાયા ઝળૂંબતી રહી.

સત્તાવાળાઓએ એને ચેતવણી આપવી જોઈતી હતી, સહકાર્યકરોએ એને સમજાવવો જોઈતો હતો, પણ થોડાક તેજસ્વી વિદ્યાર્થીઓના મોં પરની ગ્લાનિ સિવાય બીજે ક્યાંય એની અસર દેખાઈ નહીં. શ્રીવાસ્તવ શકારની જેમ નિરંકુશ મહાલતો હતો. આજે રાજાના સાળા ન હોય એ પણ ધૃષ્ટ બનીને સજ્જનોને મૂંગા રાખી શકે છે. ક્યારેક એમ પણ લાગતું હતું કે શ્રીવાસ્તવ બદનામી કરીને જ સંતુષ્ટ નહીં થાય, ભૂંડો એનો ભાગ ભજવીને જ રહેશે. એ બધાની તબિયત પર અસર હતી. ત્યાં લાવણ્યની સાવચેતી અને એને માટેની વ્યાપક શુભેચ્છાએ શ્રીવાસ્તવ પ્રત્યે ઘણામાં અણગમો જગવ્યો. સમતુલા સધાવા લાગી. મન પર એની અનુકૂળ અસર પડી.

એવામાં લાવણ્ય વિરાજબહેન સાથે લોકવન ગઈ. એ અહીં નથી એ જાણતાં વિશ્વનાથનો સંકોચ દૂર થયો અને એ ‘ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ કરવા વિદ્યાભવન ઊપડ્યો. પહેલાં સિંઘસાહેબને મળ્યો. લાવણ્યનું અનુકરણ કરીને એ પણ એમને ‘સર’ કહે છે. એણે પોતાની ઇચ્છા જણાવી અને મનાઈહુકમ ન આપવા વિનંતી કરી.

એ જે ફરજ અદા કરવા માગતો હતો એમાં સિંઘસાહેબની સીધી સામેલગીરી પણ જરૂરી ન હતી. ક્યાંથી કઈ વિગત કેવી રીતે કઢાવવી એની કળા એ જાણતો હતો. અને અહીં તો જુલમગાર પોતે જ પોતાની આવડત બદલ મગરૂરી અનુભવતો હતાં! શ્રીવાસ્તવે અણધારી રીતે એને સૌથી વધુ મદદ કરી. ‘મને મારી શક્તિઓમાં વિશ્વાસ છે. કોઈ આજ સુધી મારી આડે આવી શક્યું નથી.’ — આ એનું ધ્રુવવાક્ય હતુ.

ધારાધોરણોનો ભંગ કરીને અનેક વાર અઘટિત લાભ લીધા છે, અપાવ્યા છે અને એથી એનો ઉત્કર્ષ થયો છે, અપકર્ષ નહીં એના પુરાવા આપીને શ્રીવાસ્તવે વિશ્વનાથના લેખને રસપ્રદ બનાવવામાં મદદ કરી. પૂછ્યું: મારી સફળતાની ચાવી જાણવી છે? હું લોકોના જેવો થઈને જીવું છું. સિંઘ નિષ્ફળ ગયા કેમ કે એ સમયની સાથે બદલાયા નહીં. એટલુંય ન સમજ્યા કે નાગાના ગામમાં દરજીનું શું કામ?

વિશ્વનાથે શ્રીવાસ્તવના ઉદ્ગારો ધ્વનિમુદ્રિત કરી લીધા હતા. લેખ તૈયાર કરી એની એક નકલ શ્રીવાસ્તવને આપી. વાંચીને શ્રીવાસ્તવે હસી કાઢ્યું: ‘શું કરશો આનું?’

‘છપાવીશ.’ — વિશ્વનાથે ગંભીરતાથી કહ્યું. શ્રીવાસ્તવે હોઠ વચ્ચે સિગારેટ દબાવીને લેખના લીરા ઉડાવી દીધા.

‘મારી પાસે બીજી નકલ છે. તમે બોલેલા એ બધું ટેપ કરેલું છે.’

‘ટેપરેકોર્ડર હવે કોર્ટમાં પુરાવા તરીકે ચાલતું નથી.’

‘કોર્ટમાં ભલે ન ચાલે, છાપામાં ચાલશે. તમારે જવાબ આપવો હોય તો હું આ લેખની સાથે સમાવી લઈશ.’

‘હું જવાબ નહીં આપું, બદનક્ષીનો દાવો કરીશ.’

‘મારા વતી પ્રેસ લડશે, તમને અંગત ખર્ચ થશે.’

‘ભલે થાય ખર્ચ, કમાઉં છું એનું શું કરીશ?’

‘તમે તમારાં પત્નીને મદદરૂપ થઈ શકો.’

‘તો એ બધું લેખમાં કેમ નથી?’

‘વિદ્યાભવનમાં તમે જે વિષચક્ર ઊભું કર્યું છે એની સાથે તમારી પત્નીનો ઉલ્લેખ જરૂર નથી. તમે ભલે બીજાઓને બ્લેકમેલ કરો. મારાથી એવું ન થાય.’

‘તમારાથી કશું નહીં થાય. જાઓ. લાવણ્યની સાડીનો છેડો પણ ખેંચી નહીં શકો. જાઓ. હું બધું જ જાણું છું, તમને કોણે કમિશન કર્યા છે એ —’

‘યુ બ્રુટ —’ વિશ્વનાથના જમણા હાથની મુઠ્ઠી બંધાઈને વજ્રતુલ્ય બની ચૂકી હતી. પણ પોતાના આ હુમલાથી છેવટે લાવણ્ય અને સિંઘસાહેબને વગોવવાની આ માણસને તક મળશે. જ્યારે પોતે તો લેખમાં એ બેનો નામોલ્લેખ પણ નથી કર્યો. કેમકે વિષય જ છે વિદ્યાક્ષેત્રે થઈ રહેલાં નવાં પરાક્રમો વિશે. ખંધા રાજકારણીઓને પણ પાછળ મૂકી દે એવો પુરુષાર્થ શ્રીવાસ્તવ જેવા માણસો કેવી રીતે ખેડે છે અને સમાજના જુદા જુદા ક્ષેત્રે પોતાની વગ વધારે છે એ કહીને એણે લાલબત્તી ધરવી હતી. એ જાત પર સંયમ રાખવામાં સફળ થયો. ચાલ્યો.

‘તમારી તાકાતનો વિચાર કરીને જ મારી વિરુદ્ધનો લેખ છાપજો.’

‘હું કોઈની વિરુદ્ધ લખતો નથી, વિશે લખું છું. પત્રકાર છું, તેથી પહેલાં મેં એમ પણ વિચારેલું કે તમારું નામ લખવાને બદલે “એક અધ્યાપક” લખું. પણ તમે આપેલા જવાબ પરથી લાગે છે કે મારે ફરજ બજાવવામાં તમને અન્યાય થવાની દહેશત રાખવાની નથી. તમે અન્યાયથી પર છો, સર્વશક્તિમાન દુરિત છો.’

વિશ્વનાથના ગયા પછી એને વિશે એલફેલ બોલીને, કાર્યાલયના માણસોને બધો ખ્યાલ આવે એ રીતે પ્રો. શ્રીવાસ્તવે એમના ઓળખીતા વકીલનો સંપર્ક સાધ્યો. વકીલ જાણતા હતા કે આ માણસ કશી ફી આપે તેમ નથી. તેથી એમણે માનવતાવાદી સલાહ આપી: ઝઘડામાં પડવા જેવું નથી. એ લેખ પ્રગટ ન થાય એમાં જ તમારું હિત છે. પછી એમણે એક સૂત્ર પણ કહ્યું: બદનક્ષીનો દાવો કરવામાં જેટલો ફાયદો વકીલોને થાય એટલું નુકસાન અસીલોને થાય છે.

શ્રીવાસ્તવ પોતાને અસીલ તરીકે નહીં પણ ન્યાયાધીશ તરીકે જોતા હતા તેથી નુકસાન વિશે વિચારવા તૈયાર ન થયા. બીજે ફોન જોડ્યો, ત્રીજે જોડ્યો. નાનીમોટી ઘાલમેલ કરીને જેમનું ભલું કર્યું હતું એવાઓનો સંપર્ક સાધવાથી પણ કશું વળ્યું નહીં. છેવટે જેણે સિંઘસાહેબના બિનજરૂરી મોડરેશનથી પ્રથમ વર્ગ ગુમાવ્યો હતો, એ શ્રીમંત યુવતીને પગથિયે પહોંચી ગયા. એણે પોતાની કંપનીના મેનેજરને શ્રીવાસ્તવની સાથે મોકલ્યા. એ બંને તંત્રીને મળ્યા.

દૈનિકને કંપનીની જાહેર-ખબરો મળે છે. એ બદલ આભાર માનીને તંત્રીશ્રીએ લેખનું પ્રૂફ મંગાવ્યું. ખુલાસો આપવો હોય તો વિશ્વનાથના લેખની સાથે છાપવાની તૈયારી દાખવી. તંત્રીશ્રીની રીતભાતથી પ્રભાવિત થયેલા મેનેજરને આ જવાબ વાજબી લાગ્યો. શ્રીવાસ્તવ પાસે તો એક જ વાક્યનો જવાબ હતો: ‘આ બધું મારી સામેનું કાવતરું છે.’ એ ઊભા થઈ ગયા પણ ગયા નહીં. દિલ્હીમાં પોતાને કોની કોની સાથે પરિચય છે એની વગર માગી માહિતી આપી એ વિશ્વનાથ વિશે ઘસાતું બોલ્યા. અવાજમાં શહાદતની ભાવના ઉમેરીને ‘આ ધર્મયુદ્ધ હું અધૂરું નહીં મૂકું.’ કહીને વધેલો રોષ બારણા પર ઉતારતા ગયા.

લેખ છપાયો.

યુનિવર્સિટી સત્તાવાળાઓએ એની ગંભીર નોંધ લઈને શ્રીવાસ્તવની કામગીરી વિશે એક તપાસ-સમિતિ નીમી. એની સામે સ્ટે મેળવવામાં શ્રીવાસ્તવ સફળ થયા. આ રીતે એમણે બીજો સ્ટે મેળવ્યો. જ્યાં સુધી નિમણૂક સામે એમણે મેળવેલો સ્ટે ઊભો છે ત્યાં સુધીમાં આવી તપાસ-સમિતિ અસ્તિત્વમાં આવે તો એથી એમણે અગાઉ અન્યાય સામે મેળવોલે સ્ટે નિરર્થક બની જાય.

પહેલા અન્યાયની પડખે બીજો અન્યાય ઉમેરાય. વિશ્વનાથને પ્રત્યક્ષ અનુભવ થયો કે આપણે ત્યાં સ્ટે મેળવવાનું કેટલું બધું સહેલું છે! એણે સિંઘસાહેબને લાવણ્યની હાજરીમાં કહ્યું: ‘સર, આમ તો મને આશા નથી પણ ન કરે નારાયણ ને લાવણ્ય લગ્નની હા પાડે અને આપના આશીર્વાદથી તારીખ નક્કી થાય તો એ જાણતાં જ શ્રીવાસ્તવ એકબે સ્ટે-નિષ્ણાતોને લઈને કોર્ટમાં પહોંચી જાય અને શક્ય છે કે —’

‘તમે પત્રકારને બદલે ઘોડેસવાર હોત તો આ પ્રશ્ન વહેલો ઉકેલી શક્યા હોત!’ — કહેતાં સિંઘસાહેબ હસી પડ્યા. લાવણ્ય પણ મલકાઈ. અત્યારે પાસે કેમેરા હોત તો એની છબિ ઝડપી લઈને એ એના ઓરડામાં મૂક્ત અને ઘોડેસવાર બનવાની પ્રેરણા મેળવ્યા કરત.

આ બાજુ યુનિવર્સિટી સામે બબ્બે સ્ટે મેળવીને શ્રીવાસ્તવ સિંઘસાહેબને હરાવ્યાનો નશો અનુભવતા હતા. તો સમગ્ર વિદ્યાભવન વિશ્વનાથના લેખને ન્યાયી ફેંસલો માનીને ચાલતું હતું. જેને એબીસીડીથી ઝાઝું આવડતું નહોતું એવા માનસંગે પણ લેખ કાતરી લઈને સાચવી રાખ્યો હતો.

હવે શ્રીવાસ્તવ અવારનવાર રજા લઈને બહારગામ જાય છે. એમણે આ શહેર માટે તિરસ્કાર અનુભવવા માંડ્યો છે. ભલે હમણાં બઢતી ન મળે, સમકક્ષ સ્થાન મળશે તોપણ સ્વીકારી લેશે. અરજીઓ કરે છે. સિંઘસાહેબ શુભેચ્છાઓ સાથે રવાના કરી આપે છે.

એક દિવસ યુનિવર્સિટીના અધ્યાપકો પાસે સાર્ક દેશો વચ્ચેના સહકાર અંગે પ્રતિભાવ લેવા આવેલો વિશ્વનાથ ફરતો ફરતો સિંઘસાહેબના ખંડમાં બેઠો હતો ત્યાં બહારગામથી તાર આવ્યો. પસંદગી સમિતિના સભ્ય તરીકે ઈન્ટરવ્યૂ લેવા જવાનું હતું. વિગત જાણતાં વિશ્વનાથે કહ્યું: ‘અચૂક જાઓ અને આને ત્યાં પસંદ કરો જેથી અહીંનું વાતાવરણ વિશુદ્ધ થાય.’ સિંઘસાહેબે માત્ર સ્મિત કર્યું, સલાહ ધ્યાન પર લીધી નહીં. તબિયતનું કારણ જણાવીને પસંદગી-સમિતિમાં હાજર રહેવા અશક્તિ દર્શાવી. તારનો જવાબ મોકલ્યા પછી વિશ્વનાથને કહ્યું, ‘શ્રીવાસ્તવ અહીં રહે કે બીજે જાય, એની યોગ્યતા વિશેનો મારો અભિપ્રાય સરખો જ હોય ને! એની વિદ્વતા અને માનવતા સ્થળસાપેક્ષ હોત તો જુદી વાત હતી.’

વિશ્વનાથને આ ઉત્તર ગમ્યો હતો પણ શ્રીદેવીએ અસંમતિ દર્શાવી હતી. આપે સમિતિમાં જવા જેવું હતું. કદાચ ત્યાં એણે સીધા રહેવું પડત. ત્યાં તો કેટલાકના પેટના કરમિયા પણ શ્રીવાસ્તવ કરતાં વધુ ખાઈબદેલા હશે.

લાવણ્ય ઘેર આવી તે દિવસ પણ ફરી વાત નીકળી. શ્રીદેવીએ કહ્યું કે કોઈપણ ભોગે શ્રીવાસ્તવ ત્યાં જગા મેળવીને જ જંપશે. બઢતી મેળવવાની કળાના એ નિષ્ણાત છે. એક માત્ર અહીં જ એમને બેકદર માણસો મળ્યા! ખોટું કહું છું?

સિંઘસાહેબના સ્મિતમાં માર્મિક પ્રસન્નતા હતી.

બીજા જ પખવાડિયે લોકપ્રિય પ્રાધ્યાપક શ્રીવાસ્તવના વિદાય-સમારંભનો ફોટો પ્રગટ થયો. એ પ્રસંગે વિશ્વવિખ્યાત ચિત્રકાર પ્રેમલ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.

સમાચાર વાંચતાં લાવણ્ય અકળાઈ ઊઠી. પ્રેમલ એ નપાવટ માણસના વિદાય-સમારંભમાં જવાની ધૃષ્ટતા કરે જ કેમ? અને પાછો ફોટો પણ વિશ્વનાથના દૈનિકમાં જ છપાય! આ રીતે વિશ્વનાથના લેખની છાપ ભૂંસી નાખવામાં આવી? કોણ હશે આ ચાલાકી પાછળ? દૈનિક પણ આમ બેવડી નીતિ રાખે એ કેવું?

લાવણ્ય સાંજે જમ્યા પછી વિશ્વનાથને ત્યાં ગઈ. એ પહોંચી ત્યારે વિશ્વનાથ ગેલેરીમાં બેસીને સિગારેટ પી રહ્યો હતો. લાવણ્યને જોતાં જ એણે સિગારેટ હોલવી નાખી. બાકીનો બેતૃતીયાંશ ભાગ ખોખામાં મૂકી દીધો. શરમ પણ રાખી અને બચત પણ કરી.

જે માણસ સિગારેટ પીતાં પણ શરમાય એ ઘોડેસવાર બની શકે ખરો? લાવણ્યે કહ્યું: ‘તમે સિગારેટ પીઓ એની સામે વિરોધ કરવા હું આવી નહોતી.’

‘તમે જાણો છો કે હું વિરોધથી ડરતો નથી, પણ સિગારેટ પીવામાં હું નવો નવો છું તેથી તમને જોઈ સંકોચ થયો. હું માનું છું કે સિગારેટ પીવી એ સારી ટેવ નથી. પણ શું કરું? બીજા લોકો વિસ્મરણ માટે દારૂ પીએ છે. હું દારૂ સુધી જઈ શકું તેમ નથી. તેથી પ્રમાણમાં ઓછું નુકસાનકારક વ્યસન પસંદ કર્યું. જેમ ધુમ્મસ દશ્યોને ઝાંખાં પાડી દે છે તેમ સિગારેટની ધૂણી સ્મૃતિને —’

‘પણ મહાશય, એ કેમ ભૂલી ગયા કે પત્રકાર માટે તો સ્મૃતિ એક મૂડી છે.’

‘એ ખરું પણ બધી સ્મૃતિઓને અખબારી પાનાના બજારે બેસાડી શકાતી નથી. જે આપણા હૃદયનું અંતરતમ રહસ્ય હોય એને —’

‘તમે તો કોઈક વાર્તાના પાત્રની જેમ બોલવા લાગ્યા!’

‘હું માત્ર એવું પાત્ર હોત તો કેવું સારું!’

‘હું તમને પાત્ર બનાવીને વાર્તા લખું?’

‘પાત્ર બનવા કરતાં મને તમારો પત્ર મેળવવામાં —’ વિશ્વનાથ અટકી ગયો. સંવાદ સાંભળીને શુભલક્ષ્મી આવી પહોંચ્યાં હતાં. લાવણ્યને જોઈ એમણે પ્રભાકરને પણ જાણ કરી. એ બંને પત્તાં રમતાં હતાં. અવાજ સાંભળી પહેલાં એમને થયેલું કે વિશ્વનાથે ટી. વી. ચાલુ કર્યું હશે. પણ પાર્શ્વસંગીત વિનાના સંવાદો સંભળાતાં એમણે ડોકિયું કર્યું. કુંવારા પુત્રને એની સ્વપ્નસુંદરી સાથે વાતો કરતો જોઈને શુભલક્ષ્મીને પહેલી રમત હાર્યાનો વસવસો રહ્યો નહીં. એમણે પત્તાં ગોખલામાં મૂકીને પતિને બહાર બોલાવ્યા.

પ્રભાકરે આવતાંની સાથે પત્રકારને પૂછ્યું: ‘પોંડીચેરીમાં પેલી ટેક્સીમાં લાવણ્ય હતાં ને? તેં પૂછ્યું કે નહીં પુત્ર?’

‘ના પિતાશ્રી!’

‘તો આટલા દિવસ કર્યું શું?’

‘નોકરી.’

‘એટલે આજે તમે પહેલી વાર મળો છો?’

‘અલપઝલપ મળવાનું તો બનતું જ હતું, વિદ્યાભવનમાં. જ્યારે હું પેલા લેખ માટે તપાસ કરી રહ્યો હતો.’

‘તે તપાસ કરવાની સાથે બેપાંચ મિનિટ વાત ન થઈ શકે?’

‘એ દિવસો નિરાંતે વાત થઈ શકે એવા હતા જ ક્યાં?’

‘પણ પેલી પોંડીચેરીવાળી વાત?’

‘પિતાશ્રી, મેં તમને નહોતું કહ્યું કે આપણે લાવણ્યની હાજરીમાં એને વિશે કદી ચર્ચા કરવાની નથી? તમને પેલા જ્યોતિષીએ શું કહ્યું હતું? મારા ભાગ્યમાં નિર્હેતુક મૈત્રી સિવાય બીજું કશું નથી.’

‘તારા વિશે જ્યોતિષીઓની આવીતેવી આગાહીઓ સાંભળીને મારો જ્યોતિષમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. જે જ્યોતિષ આપણા હૃદયમાં ઉજ્જવળ ભવિષ્યની આશા ન જગવે એને કરવાનું શું?’

પ્રભાકરના અભિપ્રાય પર લાવણ્ય હસી પડી. પળવાર રહીને કહે: પ્રેમલક્ષણાભક્તિમાં નિર્હેતુક પ્રીતિને સર્વોત્તમ ગણાવી છે. આપના પુત્રને એ પ્રાપ્ત થાય તો એથી રૂડું શું? એવી આગાહી કરતા જ્યોતિષમાં આપે જરૂર માનવું જોઈએ.’

‘એ ખરું પણ દુન્યવી દષ્ટિએ પણ કશુંક ફાયદાકારક હોવું જોઈએ ને!’

‘લાવો કુંડળી, હું શોધી આપું.’

શુભલક્ષ્મી સ્ફૂર્તિથી ઊભાં થયાં. દીકરો કોઈ પણ દરખાસ્ત સાંભળતો નથી અને વગર વિચાર્યે લગ્નની ના પાડ્યા કરે છે તેથી એમને હવે જ્યોતિષનો જ આધાર છે.

કુંડળી જોતાં લાવણ્ય ઝબકી.

પોતાના અને વિશ્વનાથના ચંદ્ર વચ્ચે વિરલ સંબંધ હતો.

લાવણ્યનું આશ્ચર્ય વિશ્વનાથના ધ્યાનમાં આવી ગયું હતું. શુભલક્ષ્મી સ્પષ્ટ શબ્દોમાં ફક્ત સાંભળવા ઇચ્છતાં હતાં કે ક્યારે યોગ છે. વિશ્વનાથે પૂછ્યું:

‘લાવણ્ય, સાચે જ તમને જ્યોતિષમાં રસ છે કે વિનોદ ખાતર?’

‘કુતૂહલ તો ખરું પણ જાણકારો કહે છે કે ગ્રહોની ગતિ સમજવા માટે ગણિતનું જ્ઞાન પૂરતું નથી. પહેલાં મેં આ વિષયને લગતું થોડુંક વાંચેલું. પછી પોતાની મર્યાદા સ્વીકારી લીધી. સાહિત્ય અને કલામીમાંસાથી સંતોષ માન્યો. કોઈ લેખકે કૃતિમાં સામગ્રી તરીકે ગ્રહોનો આધાર લીધો હોય તો એમાં ભૂલ છે કે નહીં એટલું કહી શકું. પણ હું ગ્રહોની ગતિ અને નિયતિ પર આધાર રાખવાને બદલે માનવીય પુરુષાર્થને વધુ મહત્વ આપું. અને આપણા હાથમાં તો એટલું જ છે ને?’

‘ઈશ્વરનો અનુગ્રહ?’ — શુભલક્ષ્મીએ પૂછ્યું.

પળવાર રહીને સહેજ સંકોચ સાથે લાવણ્ય બોલી; ફરિયાદી તરીકે:

‘મને ઈશ્વરના અનુગ્રહનો અનુભવ નથી.’

‘તો આ રૂપ, આ સમજણ, આ નમ્રતા શેને આભારી છે? શું આ બધી તમારા પુરુષાર્થની સિદ્ધિ છે?’ — શુભલક્ષ્મીએ એકેએક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

લાવણ્ય વિચારમાં પડી ગઈ. તરણોપાય જેવો એક જવાબ જડ્યો.

‘કોઈકની મૂંઝવણનો વિષય બનનાર રૂપને ઈશ્વરનો અનુગ્રહ કહી શકાય? અને આપને જે નમ્રતા લાગે છે એ તો માત્ર રીતભાત પણ હોઈ શકે. ઘણાને તો હું હઠાગ્રહી પણ લાગું છું.’ — એ સાથે જ લાવણ્યે શ્રીવાસ્તવના વિદાય-સમારંભનો ફોટોગ્રાફ છપાયા અંગે પૂછ્યું.

‘એ જાહેરખબર હતી. તમને પણ એનો ખ્યાલ ન આવ્યો? શ્રીવાસ્તવે એવી કુનેહથી એ છપાવી હતી કે સુજ્ઞ વાચકો પણ એને સમાચાર માને. મને એનું આશ્ચર્ય નથી. પણ પ્રેમલે એ પ્રસંગે હાજરી આપી —’

‘મારે એને પૂછવું છે.’ —’

‘મેં પૂછેલું. એણે જવાબમાં શ્રીવાસ્તવની નિખાલસતા બિરદાવેલી અને કહેલું: એ માણસ શક્તિશાળી છે. બધાં દંભીઓને કેવાં ઊંચાંનીચાં કરી મૂકેલાં?’

‘એમ? એણે એવું કહેલું? હું એની પાસે જવાબ માંગીશ.’

વિશ્વનાથે મૌન પાળ્યું. શુભલક્ષ્મીએ સલાહ આપવાની રીતે પૂછ્યું: ‘એવા માણસને મળવાની શી જરૂર?’

‘હું એને ઘણા વખતથી ઓળખું છું.’ — કહેતાં લાવણ્ય ઊભી થઈ.

‘સાચે જ ઓળખો છો?’ — કહેતાં વિશ્વનાથ એક પુસ્તક લઈ આવ્યો. એ અંગ્રેજી કાવ્યસંગ્રહ એણે બેંગલોરથી લાવણ્ય માટે ખરીદ્યો હતો. પોતે ભેટ આપવા જે શંખ પર વિશ્વનાથનું નામ લખાવી લાવેલી એ કોણ જાણે ક્યાં મુકાઈ ગયો છે?’

આભાર માની લાવણ્ય ચાલી. ઊભી રહી. એને વિશ્વનાથનો એક લેખ યાદ આવ્યો હતો. લોંગોવાલની હત્યા પછીના પંજાબની પરિસ્થિતિનું એમાં વિશ્લેષણ હતું. સિંઘસાહેબને પણ એ લેખ ગમ્યો હતો. કલા અને સંસ્કૃતિના ક્ષેત્રનો માણસ વિવિધ વિષયોનો આવો અભ્યાસ કરે એ એમને જરૂરી લાગે છે. એમણે કહેલું: ‘વિશ્વનાથ વિકસી રહ્યો છે.’

‘સરની આ શુભેચ્છા મારા માટે આશિષ બની રહો.’ — કહેતાં વિશ્વનાથે રીતસર બેઉ હાથ જોડીને વંદન કર્યાં હતાં. પ્રભાકર સમજ્યા કે દીકરો લાવણ્યને વંદન કરે છે. શુભલક્ષ્મીએ સ્પષ્ટતા કરી. એ પછી પણ પ્રભાકરે કહ્યું: ‘મને વાંધો નથી, પુત્ર ભલે લાવણ્યને વંદે. હું માનું છું કે સૌંદર્ય પણ પરમાત્માની વિભૂતિ છે.’

ઘેર જઈને લાવણ્ય વિચારે ચઢે છે. કદાચ, શુભલક્ષ્મીએ મારી ફરિયાદને મારી માન્યતા ગણી લીધી: મને ઈશ્વરના અનુગ્રહનો અનુભવ નથી એમ કહેવાને બદલે કહેવું જોઈએ કે ઈશ્વરે મારી અપેક્ષા કરતાં કંઈક ઓછો અનુગ્રહ કર્યો છે, પણ એણે મારી ઉપેક્ષા તો નથી જ કરી. સિંઘસાહેબના કહેવાથી હજી બે દિવસ પહેલાં તો ગાયું હતું: સંગીત ભાવ બનીને યાદ આવ્યું: મારું જીવન અને મારું ભુવન આજે એક બની ગયાં છે. મેં જગતના પ્રકાશ ઉપર પ્રેમ કર્યો અને તેથી તો મને જીવન વિશે પ્રેમ થયો:

એક હયે ગે છે આજ અમાર જીવન
આર આમાર ભુવન;
ભાલો બાસિયાછિ એઈ જગતેર આલો
જીવને રે તાઈ બાસિ ભાલો.
* * *
સિંઘસાહેબે આપેલું, નગીનદાસ પારેખે ગુજરાતીમાં મૂકેલું અબૂ સઈદ ઐયૂબનું પુસ્તક ‘કાવ્યમાં આધુનિકતા’ ખુલ્લું પડ્યું છે. પૃષ્ઠ 21થી લાવણ્ય આગળ વાંચે છે, નોંધે છે:

રવીન્દ્રનાથે સાચું જ કહ્યું છે, ‘વિશ્વ પ્રત્યે આ ઉદ્ધત અવિશ્વાસ અને કુત્સા એ પણ એક પ્રકારનો મોહ છે, એમાં શાંત નિરાસક્ત ચિત્તે વાસ્તવને સહજભાવે ગ્રહણ કરવાની ગંભીરતા નથી.’…

‘પહેલાંના યુગના ભાવવિલાસીઓ પોતાના લખાણમાં સંયમ સાચવીને ચાલતા હતા, કીટ્સ, વર્ડ્ઝ વર્થ, રિલ્કે, ડિકન્સ, જ્યોર્જ એલિયટ, ટૉલ્સ્ટૉય — એમાંના કોઈ પણ સૃષ્ટિની કાળી બાજુ વિશે અજાણ કે મૂંગા નહોતા. નવીન ભાવવિલાસીઓ — બોદલેર, કાફકા, ફોકનાર, નૉર્મન મેલર, ઝાં જેને અને સ્વયં સાર્ત્ર — એ લોકો વિતૃષ્ણા અને ઓકારી -બકારીને પ્રગટ કરવામાં સંયમની પરવા જ કરતા નથી. એ લોકો પોતાના સાહિત્યમાં કાળાને જેટલું વધારે કાળું અને ધોળાને જેટલું વધારે અદશ્ય બનાવી દઈ શકે તેટલી સત્યદષ્ટા તરીકે વધારે ખ્યાતિ પામે છે.

રવીન્દ્રનાથ એમ માનતા કે બ્રહ્મની કઠોર તપસ્યા આ વિશ્વબ્રહ્માંડને જડમાંથી પ્રાણ અને મન તરફ, અશુભમાંથી શુભ તરફ, અપૂર્ણમાંથી પૂર્ણ તરફ લઈ જાય છે. અનાદ્યન્ત કાલ થયાં આ કઠિન વેદનામય સૃષ્ટિકાર્ય ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. એના તરફ પીઠ ફેરવ્યા વગર રવીન્દ્રનાથ કહે છે, હે રુદ્ર, તમારું જ દુ:ખરૂપ, તમારું જ મૃત્યુરૂપ જોઈને અમે દુ:ખ અને મૃત્યુના મોહમાંથી છુટકારો પામી તમને જ પ્રાપ્ત કરીએ એમ કરો.’

લાવણ્ય જાણતી હતી કે વિશ્વ ઉપર સાહિત્યકારના હૃદયનો અધિકાર સ્થાયી સ્વરૂપે કેટલે અંશે વ્યક્ત થયો છે એ જોવા પર રવીન્દ્રનાથ ભાર મૂકે છે. એલિયટ કહે છે કે સમીક્ષામાં શ્રેયનીતિ અને ધર્મદર્શનનો સંદર્ભ જરૂરી છે, તો જ મહાનતાનું મૂલ્યાંકન થઈ શકશે. પણ શ્રદ્ધા-અશ્રદ્ધા કે સત્યમિથ્યાની ચર્ચાને અપ્રસ્તુત માનનારા આઈ. એ. રિચર્ડ્ઝને પણ અબૂ પકડી પાડીને ટાંકે છે. સંક્રાન્ત કરવા માટે પસંદ કરવામાં આવેલો અનુભવ મૂલ્ય વગરનો હોય તો કલાકૃતિ ફોગટ જાય છે. ‘બીકૉઝ ધી ઓસ્પિરિયન્સ કૉમ્યુનિકેટેડ ઈઝ વર્થલેસ…’

અબૂ પુસ્તકને અંતે આધુનિક કવિ અરુણની એક કવિતાની ચર્ચા કરે છે. અભિશાપનો અનુભવ નકારતા નથી. કહે છે જેણે અભિશાપ આપ્યો છે તેણે અભિશાપને ઉતારવાનો મંત્ર પણ આપ્યો જ છે. ખુદ અરુણે જ બુદ્ધદેવ બસુ વિશેની કવિતાને અંતે કહ્યું છે: ‘બાલ્યકાળથી કવિતા ઉપર પ્રેમ રાખવાને પરિણામે મને સમજાયું છે કે પ્રેમ જ રૂપ, કલ્પના અને કવિતાનું આદિ નિવાસસ્થાન છે.’

આશૈશવ કવિતા કે
ભાલ બેસે બુઝેછિ પ્રેમેઈ
રૂપ, કલ્પનાર તથા
કવિતા આદિવાસસ્થાન

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment