શોભિત દેસાઈના ડેસ્ક પરથી – “આજે બસ, આટલું જ..!” ~ શોભિત દેસાઈ
તા. ઓક્ટોબર ૧૧, ૨૦૨૪ –
કેવા પૂજ્ય દિવસોની પધરામણી !
છેલ્લા રવિવાર પછીની પછી ના રવિવારે તમારા દેહનયન મારા અક્ષરદેહને નિરખતાં હશે ત્યારે તો વધુ દિવ્ય દિવસો અને વિક્રમ સંવત વર્ષની વિદાયની માંડણી જામવા માંડી હશે .
તો આજે આપણી જમાવટ પણ કરુણાથી છલકાવીએ અને આપવાની, કશું પણ આપવાની, કંઈ નહીં તો અજાણ્યાને એક સ્મિત આપવાની વાત વિસ્તારથી કરીએ. હું આજે એવી નિરાતમાં છું તમારી સાથે કે શું કહું તમને !
૧) તારામંડળનું પેકેટ, ટીકડીની સિંગલ ડબ્બી, એકાદ કોઠી કે ચકરડી કે એકાદ ફૂલ તમને વેચવા આવતા કોઈ પણ ભૂલકા ભટુરિયાને આજથી લઈ બીજા ૨૧ દિવસ એટલે કે બેસતા વરસ સુધી પાછા ન ઠેલતા. જરુર ન હોય તો એની પાસેથી લઇ આગળના સિગ્નલ પરનાં આવાં કોઇકને આપી દેજો. તમારા નામે ચોપડે કૈંક અજબ જ લખાશે અને મંદિર ઇત્યાદિમાં વહેલા મોડા થવામાંથી આગોતરી માફી મળી જશે.
૨) અસલ કાઠિયાવાડી શૈલીના અગણિત થીંગડા ટાંકેલા કપડા પહેરી ૫થી ૫૫-૬૦ વર્ષનો સ્ત્રીવર્ગ કંડીલ, રમકડાં, ફાનસ, સળીકામના નાજુક નમણા નમુના તમને ધરે તો એની બનાવટમાં બેઠેલા પરમાત્માના દર્શન જરુર કરજો. થોડાક કાગળ ગજવેથી જતા કરી આ કૃતિઓ ઘરે મુકી શકાય તો પરમાત્મા તમારી સાથે વાતચીત જરૂર કરશે એની ગેરંટી.
૩) આજથી શરુ થતા અને બેસતા વર્ષ સુધી ચાલતા બાકીના એકવીસે અકવીસ દિવસ, પહેલે દિવસ એટલે કે આજે ૧૦, કાલે ૧૫ એમ રોજના ૫ વઘારતાં જઈને બેસતા વર્ષે ૧૧૧ … એટલા અજાણ્યા માણસોને શુભેચ્છા અને સ્મિતની ખેરાત કરજો. પ્રતિસાદ મળે અને અડધીક મિનિટ થોભાય તો તો અતિ રુડું… એ પછી, ભાઈબીજથી તો તમને જીવનના આવા રમ્ય કમ્ફર્ટ ઝોનમાં રહેવાની ટેવ પડી જશે.
૪) કશું કોઇક માંગે અને ઇચ્છા હોવા છતાં કોઈક કારણસર આપી ન શકાય તો એનો હાથ હાથમાં લઈ અને એને સમજાવજો. તમારી આંતરિક મોકળાશ ક્યાંની ક્યાં પહોંચી જશે અને માંગનારને દસ ગણું મળ્યાની અનુભૂતિ થશે.
૫) તમારી સામે વધુ અપેક્ષા ભરી નજરે જોતા અને હવે સાવ નિરર્થક બની ગયેલા પોસ્ટમેન, તાર કર્મચારી, ટેલિફોનના નોકરિયાત જો કદાચ આંગણે આવી ચઢે તો જાકારાને આવકારામાં બદલીને કૈંક આપવાની સાથે એની કથનીને કાન આપજો… એની આંખમાં હમણાં જ બાઝેલા બિંદુના ક્યાસનું પુણ્ય ગૌમુખના ગંગાસ્નાનથી ઓછું નથી એ ફક્ત તમારી એકલાની જાણ ખાતર.
૬) ઘરમાં તમારા અનુજ કે ઔનુજ(મેં નિપજાવેલો શબ્દ જેનો અર્થ પૌત્ર પૌત્રી)ને જે વિલાસથી તમે પરાવર્તિત કરો એ જ વિલાસ પુર્વજ કે પૌર્વજ(પુર્વજના પુર્વજ … ભાષાનું ક્યારેક ડ્રાય ક્લીનિંગ કરવું)ને ઘરજો.
૭) તમને બધાને તમારા ભવ્ય લિવિંગ રુમ , આલીશાન બેડરૂમ , કવર્ડ વરંડા-બાલ્કની અને ચમચમતી મોટરગાડીઓના મા લક્ષ્મીના આશિર્વાદની ઘણી ખમ્મા . પણ એ વૈભવી આવાસના પર્દા હટાવીને જોશો તો આપણી જ માનવજાતનો કેટલોક અંશ પરમાત્માની દરકારથી વંચિત રહી ગયો છે . આ ભૂલકાં-અપંગ-નારી અને ખાસ તો વૃધ્ધની દરકાર પરમાત્મા વતી કેટલાક રજીસ્ટર્ડ ટ્રસ્ટ સ્વયંદાનથી શરુ કરી હકારાત્મક ચળવળના રુપે લઇ ગયા છે.
પાછો મૂળ વાત પર આવું . તમારા કેટલા બધા મિત્રોની ભેટ સોગાદ તમને દિવાળીએ આવે છે , આવે છે ને ? તમે આ બધાને સામે ય મોકલતા હશો જ . અહીં તમને એક સૂચન કરું …આ ભેટ સોગાદમાંથી ૫૦% બિનઉપયોગી પડી રહે છે , ૭૦% મીઠાઈના બોક્સ ખુલતા જ નથી અને ૫૦% ડ્રાય ફ્રુટને હવા લાગી જાય છે . તમે , રજીસ્ટર્ડ ટ્રસ્ટની ઓફિસમાં જઈ તમે જેટલી રકમ ભેટ સોગાદમાં ખરચવા માંગો છો એટલીનો જેટલા લોકોને મોકલવા માંગતા હો એનાથી ભાગાકાર કરીને એટલા રુપિયાની ટ્રસ્ટની રીસીપ્ટ એ દરેક મિત્રોને મોકલી આપો . ૧૦ સાહેબો આજે જો દેગડામાં ચોખ્ખુ , પ્રમાણિક દુધ નાંખશે તો દેગડો ૧૦ -૨૦-૩૦ દિવસમાં અમૃતથી છલકાવાનો જ .
૮) છેલ્લે ખાસ … માત્ર આ ૨૧ જ દિવસ પુરતાં ૧૦ ડેસીબલ ધીમા અવાજે ઘરમાં વાત કરશો તો વધુમાં વધુ બીજા જ દિવસથી , અચાનક રાજસ્થાનથી હિમાલય પહોંચી જાવ May મહિનામાં એમ અહમ, પુરવાર કરવું અને અન્ય વ્યર્થ બધું ઘરમાંથી ગાયબ થવા માંડશે .
તમને આ બધું એટલે જણાવું છું કે આમાનું થોડુક મેં Covidકાળમાં આદર્યું હતું . હમણાં થોડું મંદ અને નિસ્તેજ બની ગયું છે. તો તમને સંબોધતાં હું મને પણ આ બધુ પુન: આદરવાનું તાજુ કરાવી રહ્યો છું આ ક્ષણે …
અને એ Covidકાળમાં જ જે ભવ્ય પુરસ્કાર મોકલ્યો હતો મને આ બધા માટે એક ગઝલના રુપે પરમાત્માએ, એ આજે તમને વહેંચું નહીં તો હું શોભિત શાનો ?!
આવતા રવિવારે અમારે સર્જકોએ સ્વાર્થ ત્યજીને પરાર્થ સાધવાનો છે એ વાત કરવાનો છું તમારી સાથે … ગુજરાતી વર્તમાનપત્રની તવારિખમાં સૌથી બારિક અને કોમળ વાત . અઠવાડિયા સુધી તમે ય તમારી સ્વભાવગત નાજુકાઇની , પારિજાતની પાંદડીથી ધાર કાઢી રાખજો.
આજે આટલું જ …
(‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી, સાભાર.)
ગજબ વાહ અમલ માં મૂકવા જેવું 🙏🙏
આપણા પોઝિટિવ રાઈટીંગના સ્ટાર લેખકો ડૉ.નિમિત્ત ઓઝા ,રમેશ તન્નાના લખાણોની શ્રેણીમાં મૂકી શકાય તેવો શોભિત દેસાઈનો આ લેખ માનવતા અને માણસાઈના દીવાઓ પ્રગટાવે છે.શોભિતભાઈને હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા