કાવ્યદ્વયી ~ ડૉ. ભૂમા વશી
૧. સૂર્યકિરણમાં પીંછી ઝબોળી….
સૂર્યકિરણમાં પીંછી ઝબોળી
ચીતર્યા મેં તો વાદળ
પછી થયું કે લાવ ટપકીએ
થઈને ભીનું ઝાકળ — સૂર્યકિરણમાં પીંછી….
સાવ અચાનક ખોલ્યું એણે
આભ તણું એ ઢાંકણ
ફોરાં સઘળાં ભાગી નીકળ્યાં
તોડી સઘળી સાંકળ — સૂર્યકિરણમાં પીંછી……
આકાશે જઈ એણે આંજ્યું,
પ્રેમ સરીખું આંજણ
વાદળની આ કોરે કોરે,
ભીનું ઘેરૂં કાજળ — સૂર્યકિરણમાં પીંછી……
પૂનમનો ચાંદલિયો ઊગ્યો,
આજે મારે આંગણ
ધવલ પ્રેમની ધારા વહેતી,
માડી તારે પાલવ — સૂર્યકિરણમાં પીંછી……
મઘમઘતાં ફૂલોની સંગે,
આજ ઘેનમાં ફાગણ
ટમટમતાં દીવડાની સંગે,
આજ ઝગમગે પ્રાંગણ — સૂર્યકિરણમાં પીંછી……
રંગરંગનાં વલયો દોર્યા,
ચીતર્યું ભીનું પ્રાંગણ
હવે હરિવર પાડો પગલાં,
આવો મારે આંગણ
- ડૉ. ભૂમા વશી
૨. ……. તરવરે છે….! ~ ગઝલ
કો’ક ખૂણે સ્નેહનો દીવો ઝીણેરો ટમટમે છે,
કોઈ શગ ધીરે ધીરેથી સાવ કોમળ ઝગમગે છે.
કાચબાની પીઠની સંવેદના પહેરીને કોઈ,
સ્પર્શ ઝીલવાને અનેરો , રોમરોમે રવરવે છે.
આમ તો અંતર દીસે છે, કોડિયા ને જ્યોત વચ્ચે,
સ્નેહમાં ડૂબે જ્યાં શગ ત્યાં, સાવ અંતર ઓગળે છે.
ટોચ પર બેઠેલું પંખી શી ખબર કોને પુકારે?
મૂળિયાની ચામડીનાં એ સ્તરો પણ સળવળે છે.
કો’કના મીઠા અવાજે, જિંદગીના આ પ્રવાહે,
સ્નેહધારામાં ગુલાબી પોયણીઓ તરવરે છે.
- ડૉ. ભૂમા વશી
ખૂબ સરસ રચના,
ખૂબ ખૂબ અભિનંદન ભૂમાબહેન!
ખૂબ જ સરસ છે…
ખૂબ ખૂબ અભિનંદન, બહેન
ગીત અને ગઝલ બંને રચનાઓ સરસ
વાહ…