સિનેમાના ઊંબરે પોંખાણી નારીસંવેદના ~ શ્રીકાંત ગૌતમ
નારીસંવેદના, નારીચેતના અને નારીસહિષ્ણુતા; સાંપ્રત સમયના સિનેમાફલક ઉપર પ્રતિબિંબિત થતી સ્ત્રી સંબંધિત આ લાગણી સંગાથે તાદાત્મ્ય સાધતી સિનેદર્શકોની લાગણીને આભારી બે ફિલ્મોની વર્તમાને બોલબાલા સર્વવિદિત છે.
આને અનુલક્ષીને આ બે ફિલ્મોને સિનેદર્શકોની સમસ્તપણે સર્વસ્વીકૃતિ સંપાદન જે રીતે થઈ છે તેને આધીન આ બંને ફિલ્મો લોકપ્રિયતાની દૃષ્ટિએ અન્ય ફિલ્મોને સમગ્રપણે અતિક્રમી ગઈ છે. આ બે ફિલ્મો એટલે ‘‘લાપતા લેડીઝ’’ અને ‘‘સ્ત્રી-૨’’.
‘‘લાપતા લેડીઝ’’ વિશ્વવિખ્યાત ઑસ્કાર એવોર્ડની ‘‘સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષી’’ ફિલ્મની કેટેગરી માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થઈ છે.

બીજી ફિલ્મ ‘‘સ્ત્રી-૨’’ ટિકિટ બારી ઉપર ટંકશાળ પાડવામાં અત્યાર સુધીની અનેક ફિલ્મોને જોજનો પાછળ મૂકવામાં લોકપ્રિયતાની દૃષ્ટિએ સફળ થઈ છે.
‘‘લાપતા લેડીઝ’’ની પહેલાં વાત કરીએ. આમતૌર પર તથા સામાન્ય રીતે ગુણવત્તા અને લોકપ્રિયતાનો સમન્વય દરેક પ્રકારના કળાકીય ક્ષેત્રો તથા સાહિત્ય ક્ષેત્રે અપવાદરૂપ ઘટના ગણાતી રહી છે. ‘‘લાપતા લેડીઝ’’ આ દૃષ્ટિએ એક સુખદ અપવાદરૂપ ફિલ્મ બની રહી છે.
પ્રસ્તુત ફિલ્મના કથાબીજનું અંકુર અથવા એનું મૂળ જોવા જઈએ તો આજથી સો વર્ષ પહેલાંના સમયખંડને ફંફોસવો રહ્યો. કવિવર રવીન્દ્રનાથ ટાગોર લિખિત નવલિકા ‘‘નૌકાડૂબી’’ 1924માં પ્રકાશિત થઈ હતી.
આ વાર્તામાં બે નવપરીણિત યુગલોની કથા કેન્દ્રીય ભૂમિકાઓ હતી. નવા પરણેલા એકબીજાથી સાવ અજાણ બે યુવકો પોતપોતાની પરણેતર એવી નવોઢા સાથે એક નૌકામાં આરૂઢ થઈને પોતપોતાના સ્વગૃહે પ્રયાણ કરે છે.

પરંપરાગત રૂઢિચુસ્ત રીતે રિવાજને આધીન બંને નવોઢા માથાથી લઈને પોતાનો આખો ચહેરો ઘૂંઘટ હેઠળ ઢાંકેલો રાખેલો.
નદીનાં વહેતાં પાણીમાં સર… સર… સરતી, સેલારા લેતી નૌકા એકાએક સુસવાટા મારતા તથા તોફાની બનેલા પવનમાં હાલકડોલક થવા માંડી અને જોતાજોતામાં સુકાનવિહીન બનેલી નૌકા દિશાહીન થઈને અંતે વામવામ ઊછળતાં નદીનાં નીરમાં ફસડાઈ જઈને ભાંગી પડી અને અહીંથી આરંભ થાય છે કરુણાંતિકાનો.
નવપરિણીત યુવક ઘૂંઘટ આચ્છાદિત બેમાંથી એક નવોઢાને પોતાની પરણેતર સમજીને પોતાના ગામ લઈ જાય છે. આ કથાબીજ આધારિત 1946માં ‘‘મિલન’’ શીર્ષક ધરાવતી ફિલ્મ આવી હતી, જે બંગાળી ફિલ્મ ‘‘નૌકાડૂબી’’નું અભિનેતા દિલીપકુમાર અભિનીત હિન્દી સંસ્કરણ ફિલ્મ હતી.

1960માં ‘‘ઘૂંઘટ’’ નામની જે ફિલ્મ પ્રદર્શિત થઈ હતી, તેનું મૂળ પણ ટાગોરરચિત નવલિકા ‘‘નૌકાડૂબી’’ આધારિત હતું.

‘‘લાપતા લેડીઝ’’ના કથાબીજનો આધાર ‘‘નૌકાડૂબી’’ નવલિકા હોવા છતાં પ્રસ્તુત ફિલ્મ, તેની સમગ્રતયા માવજત, પાત્રાલેખન તથા નાટ્યાત્મક પ્રસંગો જે સાંપ્રત સમયના સામાજિક પરિવેશને ઉજાગર કરતા હતા, એ દૃષ્ટિએ એક મૌલિક સર્જન લેખી શકાય એવી ગુણવત્તાસભર સશક્ત સિને સર્જન બનવા પામી એ તથ્ય નિ:શંક છે.
આ ફિલ્મમાં પણ સમગ્ર સમસ્યાનું ઉદ્ભવ બીજ ઘૂંઘટ જ છે.
![]()
જાણે એક ગીત પંક્તિને સહજસાજ ફેરફાર સાથે યાદ કરવી હોય તો, ‘‘ઘૂંઘટ કી આડ મેં દિલબર કા દીદાર છુપા રહતા હૈ…’’ની રૂએ બંને નવ પરિણીત નવોઢાનો ચહેરો ઘૂંઘટ આચ્છાદિત હોવાને કારણે નવપરિણીત નવયુવાન જે નવોઢાનો હાથ પકડીને પોતાના ગામનું સ્ટેશન આવતાં પોતાની સાથે ઉતારી દે છે એ યુવતી એની પરણેતર નહોતી.
‘‘લાપતા લેડીઝ’’ની મૌલિકતા એ રહી કે એકથી અધિક સ્તરે પ્રસાર પામતી પટકથા અનેકવિધ અર્થચ્છાયાનો ઉઘાડ વર્તમાન સમયના સામાજિક વાતાવરણને અનુરૂપ કરતી રહે છે.
વૈશ્વિક સ્તરે એક તરફ સ્ત્રી સશક્તિકરણની ‘‘આદર્શમય’’ વાતો એક તરફ જ્યારે થતી રહે છે ત્યારે આ જગતના કંઈ કેટલાય વિસ્તારોના સ્ત્રી સંદર્ભિત વાતાવરણમાં તસુમાત્ર પરિવર્તનના પવનની લહેરખી સુદ્ધાં પહોંચી નથી.
નવોઢાના ચહેરાને આચ્છાદિત કરતો ઘૂંઘટ આનું પ્રથમ પ્રતીક છે, તો એનાથી આગળ જઈને મહત્ત્વાકાંક્ષી તથા અપૂર્વ બુદ્ધિમત્તા ધરાવતી એક યુવતીને જ્યારે શિક્ષણનાં અનેક સોપાનો સર કરવાનાં સોહામણાં સપનાં હોય છે એને ગરીબાઈ, લાચારી અને રૂઢિચુસ્ત રિતરિવાજોની તીક્ષ્ણતાને તાબે થઈને ધરાર કોઈના આંગણે પોંખાઈને એના ઘરનો ચૂલો ફૂંકવાનો અને ઢાંકોઢૂંબો કરવાની કમને ફરજ બજાવવાની મજબૂરી વેંઢારવી પડે છે.
એની સાથોસાથ એની આવી સામાજિક પરિસ્થિતિના સંદર્ભે એની ‘‘સહોદર’’ અથવા ‘‘સગોત્ર’’ ગણાય એવી બીજી નવોઢા જે અભણ છે અને બહારના વિશ્વથી સાવ અજાણ રહેવા પામી છે, એના શ્વાસોશ્વાસ સામાજિક વાતાવરણની સંકુચિત માનસિકતામાં જ ઘૂંટાતા રહ્યા છે.

શિક્ષણપિપાસુ યુવતી જૈવિક ખેતી અથવા ઓર્ગેનિક ફાર્મિંગ પદ્ધતિનું પ્રશિક્ષણ લેવાની એટલે આકાંક્ષા ધરાવતી હતી કારણ કે એના અભિપ્રાયને આધીન આ પ્રકારનો પાક ઉતારવો એ ઉજ્જવળ ભવિષ્યમાં ખેતીવાડીના ક્ષેત્રે ક્રાંતિકારી પગલું સાબિત થવાનું છે. નારીચેતનાનું દ્યોતક બનતું આ દુરંદેશીપણુ આ યુવતીને અને સ્ત્રી સશક્તિકરણનું પ્રતીકાત્મક પાત્રાલેખન ધરાવતું પાત્ર ઠેરવતું હતું.
આવી અનેક અર્થચ્છાયા આ ફિલ્મમાં ઉઘાડ પામતા નાટયાત્મક પ્રસંગોમાં ઊભરતી દેખાય છે. એક વયોવૃદ્ધ અડધી બીડેલી આંખે થોડી થોડી વારે ‘‘જાગતે રહો’’ની આલબેલ પોકારતો રહે છે, એ આખી ઘટના વિધિની વક્રતાનો નિર્દેશ કરતી હતી.
ઊંઘતો માણસ સમાજને જગાડવાની જે ચેષ્ટા સમયાંતરે કરતો હતો તે કટાક્ષની ભીતર અણદેખી કરુણાનું વહેણ વહેતું ભાસે છે.
આમ ‘‘લાપતા લેડીસ’’ આવા અનેક સ્થળે આવી હળવી શૈલીની પાશ્ર્ચાદ્ભૂમાં કારુણ્યમય વાસ્તવિકના શાંત ‘‘કોલાહલ’’ સમી ગુણિયલ સિનેસર્જન બની રહી છે.
‘‘સ્ત્રી-૨’’માં નારી ચેતના તથા સ્ત્રી સશક્તિકરણનું વર્ચસ્વ આ ફિલ્મની શાન બની રહે છે. લોકભોગ્ય મનોરંજનનાં હલેસાંના સહારે વૈતરણી પાર કરવાનો ઉપક્રમ આ ફિલ્મને ફળ્યો છે.

રહસ્ય, રોમાંસ એવાં આ સઘળાં ઘટકોના આશ્રયે નારી સંવેદના તથા નારીશક્તિની આણ વરતાવવાની ચેષ્ટા પ્રસ્તુત ફિલ્મને એની ચુસ્ત પટકથા તથા પાત્રાલેખનને કારણે ઉપકારક નીવડી છે.
‘‘લાપતા લેડીઝ’’ એક તરફ અને એના સામા છેડાની ‘‘સ્ત્રી-૨’’ બીજી તરફ; આ બંને ફિલ્મો થકી આ સિનેસૃષ્ટિએ એક અલગ નવતર દિશા પ્રતિ ડગ માંડ્યાં છે એ વાસ્તવિકતા ઉવેખી શકાય એવી નથી.
~ શ્રીકાંત ગૌતમ, મુંબઈ
+91 93225 13590
લાપતા લેડીઝ ફિલ્મ ની પાછળ અંદર ની વાર્તા ખૂબ રસપ્રદ છે