ન્યૂરેમ્બર્ગ શહેરની મુલાકાતે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:48 ~ ઉત્કર્ષ મઝુમદાર
મધ્યકાલીન યુગની અદભુત સફર કરાવનાર રોથનબર્ગની મુલાકાત પછી અમારી સવારી ઉપડી નવા સ્થાન તરફ એ હતું ન્યૂરેમ્બર્ગ શહેર.
ત્યાં બાય રોડ જવાના બે પર્યાયો હતા. પહેલો માર્ગ હતો 84 કિલોમીટરનો ને બીજો હતો 105 કિલોમીટરનો. કયો રસ્તો લેવાનો?
તમે કહેશો કે જે ટૂંકામાં ટૂંકો હોય તે જ લેવાનો હોય ને, પણ અહીંયા જુદું હતું. જે લાંબામાં લાંબો રસ્તો હતો એ જલ્દી પહોંચાડતો હતો કારણ કે એ ઓટોબ્હાન હતો ને જે બીજા રસ્તા કરતા દસેક મિનિટ જેટલો જલ્દી પહોંચાડતો હતો.
સ્પષ્ટ છે અમે એ માર્ગ નહિ ને ગામડાઓમાંથી પસાર થતો આમ ઓછા અંતરવાળો પણ વધારે વખત લેનારો રસ્તો લીધો. હવે પર્વત પરથી નીચે ઉતરવાનું હતું. ને મેદાન તરફ આવવાનું હતું. થોડાક બહાર નીકળ્યા ને મને કહેવામાં આવ્યું “ચલ શુરુ હો જા” ને બંદા શરુ થયા.
“બીજા બધા શહેર, નગરોને ગામોની જેમ ન્યૂરેમ્બર્ગ પણ નદીકિનારે વસેલું છે. નદીનું નામ છે પૅગ્નીત્ઝ બાવેરિયા રાજ્યનું એ બીજા નંબરનું મોટું શહેર છે. આ ‘ફ્રી સ્ટેટ‘ હતું. ઓગ …” આગળ બોલતો મને અટકાવ્યો.

“એક મિનિટ આ ફ્રી સ્ટેટ એટલે શું?” પ્રશ્ન પુછાયો.
“મેં અગાઉ કહ્યું તો હતું.”
“બીજી વખત કહેવામાં વાંધો શું છે?”
“જેવી મંડળીની ઈચ્છા. ફ્રી સ્ટેટ એટલે એ શહેરનો કોઈ ભાયાત કે રાજકુમાર ન હોય. એનો અને હોલી રોમન એમ્પરરનો સીધો સંબંધ. મધ્યકાલીન યુગમાં સાંસ્કૃતિક અને સાહિત્યિક ગતિવિધિઓમાં જર્મનીનું સઘન પ્રદાન હતું. એ રેનેશન્સનું કેન્દ્ર હતું.
1525માં પ્રોટેસ્ટન્ટ સુધારો અપનાવાયો અને 1532માં ધાર્મિક શાંતિની સંધિ થઇ જે મુજબ કેથલિક્સ અને લુથરન્સ વચ્ચે પંદર વર્ષ યુદ્ધ ટળ્યું.
ન્યૂરેમ્બર્ગ હોલી રોમન અમ્પાયરની બિનસત્તાવાર રાજધાની હતી. સદીઓ સુધી અહીંના કેસલમાં અસંખ્ય વાર સત્તાવાર કાર્યક્રમો થયા હતા. આ શહેરનું નામ નાઝી પક્ષ સાથે પણ જોડાયેલું છે. નાઝી પક્ષની રેલીઓ, જાતીયભેદને અનુમોદન આપનારા કાયદાઓ ને વિશેષ તો બીજા વિશ્વ યુદ્ધના અંત પછી જર્મન લશ્કરી અને અનન્ય વ્યક્તિઓ ઉપર જે ખટલા ચાલ્યા તે ‘ન્યૂરેમ્બર્ગ ટ્રાયલ‘ તરીકે જાણીતા છે.

બીજી જાન્યુઆરી 1945ના રોજ અહીં જબરદસ્ત બોમ્બાર્ડિંગ થયું. કલાક્માં નેવું ટકા સિટી સેન્ટર જમીનદોસ્ત થઇ ગયું. 1800 નાગરિકો મૃત્યુ પામ્યા ને લગભગ એક લાખ જેટલા બેઘર થઇ ગયા. પછીના મહિને પાછું બોમ્બાર્ડિંગ થયું. કુલ્લે 6000 નાગરિકો મરણને શરણ થયા.

આટલું બધું નુકસાન થયું હોવા છતાં શહેર થોડા વર્ષોમાં બેઠું થઇ ગયુ ને મધ્યકાલીન યુગના ઘણા મકાનો પાછા હતા એવા કરાયા.
ઓગણીસમી સદીમાં આ શહેર ઔધોગિક શહેર બન્યું. સિમેન્સ જેવી અનેક કંપનીઓના મુખ્ય કાર્યાલય અહીં આવેલા.

આજે પણ ઔદ્યોગિક શહેર તરીકે એની નામના છે. વિશ્વનો મોટામાં મોટો રમકડાં મેળો ‘ન્યુરેમ્બર્ગ ઇન્ટરનેશનલ ટોયસ ફેર‘ અહીં ભરાય છે.

બીજા બધા શહેરોની જેમ અહીંયા પણ ન્યૂરેમ્બર્ગ પાસ મળે છે 28 યુરોનો આ પાસ હોય તો તમે સળંગ બે દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો લાભ લઇ શકો છે ને અહીંના 40થી વધારે મ્યુઝિયમ્સ પણ વગર ટિકિટે જોઈ શકો છો. શરત એટલી કે તમારે એક રાત અહીં રોકાવું પડે.
અહીં અમે હોટેલમાં એક નહીં બે રાત માટે રહેવાના હતા. અમારા કેપ્ટને પાછી હોટલ સરસ નક્કી કરી હતી. હોટેલ ગરની જે શહેરની મધ્યમાં જ આવી હતી અને અહિયાંથી ઘણી જગ્યાએ ચાલીને જઇ શકાય એવું હતું. અમારી રૂમ્સ ચોથા માળે હતી પણ સદ્નસીબે લિફ્ટ હતી. બેલબોય ન હતા. અમારે અમારો સામાન જાતે જ ઉપર લઇ જવાનો હતો.
મારા સિવાય ત્રણે થોડીવારમાં તૈયાર થઈને ન્યૂરેમ્બર્ગ ટ્રાયલ મેમોરિયલ જોવા ગયા.
કોણ જાણે કેમ હું થાકી ગયો હતો. રોજનો ભરચક કાર્યક્રમ ને મારે રોજ પરીક્ષા માટે વાંચવાનું એ હશે કે બીજું કોઈ કારણ, ખબર નહિ. કેપ્ટન અને નિશ્ચિંતે એકે ગાપચી નહોતી મારી.
નિશ્ચિન્તનો ઉત્સાહ જબરો ને સ્ટેમિના પણ વધારે. જયારે કેપ્ટન તો અમારા જૂથનો આમ ઉંમરમાં સૌથી મોટો ને આમ સ્ફૂર્તિમાં સૌથી યુવાન સભ્ય હતો. ભલે ગયો ન હોઉં પણ માહિતી તો બધી ભેગી કરી નાખેલી.
હવે સૌ પ્રથમ તો એ જાણીએ કે આ ખટલો અહીં જ કેમ ચલાવવામાં આવ્યો? પેલેસ ઓફ જસ્ટિસને ખાસ નુકસાન નહોતું થયું. કેદીઓને રાખવા માટેની જેલ પણ ત્યાં ઉપલબ્ધ હતી. ખાસ કારણ એ પણ હતું કે નાઝી પાર્ટીની મોટી પ્રચારસભાઓ, રેલીઓ ન્યૂરેમ્બર્ગ ખાતે યોજાતી.
આ શહેર ‘સિટી ઓફ નાઝી પાર્ટી રેલીસ‘ તરીકે ઓળખાતું. નાઝી પક્ષના વંશીય કાયદાઓની પણ અહીંયાંથી જાહેરાત કરવામાં આવી હતી આથી ખટલો અહીંયા ચાલે તો હિટલરના શાસનનો અહીં જ પ્રતિકાત્મક રીતે અંત આવ્યો એમ પણ કહી શકાય.
કોઈના મનમાં એ પ્રશ્ન પણ આવે કે આ ઘાતકી લોકોને સિદ્ધાં ઠાર જ મારવા જોઈતા હતા. ખટલો ચલાવીને પૈસા અને સમયને શું કામ વેડફવા?
રશિયાના સ્ટેલિન અને ઇંગ્લેન્ડના ચર્ચિલે પણ એમ જ વિચારેલું પણ પછી અમેરિકન નેતાઓએ એમને સમજાવ્યા કે આનાથી ખોટો દાખલો બેસશે. આપણા પર આગળ જતા આક્ષેપો કરાશે કે કેટલાય બેગુનાહને પણ આપણે ફાંસી આપી દીધી. ખટલો ચલાવશું તો દસ્તાવેજી પુરાવા હશે ને ઇતિહાસને ચોપડે બાકાયદા એમના કાળા કરતૂત નોંધાશે ને દુનિયા આખીને આ બધા ગુનેગારોએ કેવા હિચકારા કૃત્યો કર્યા છે તેની ય જાણ થશે.
આ કામ આમ જોવા જાવ તો અઘરું હતું કારણ કે આ અગાઉ ક્યારેય આવી રીતે કામ ચલાવાયું ન હતું. આ પ્રથમ વાર થઇ રહ્યું હતું કે ચાર ભિન્ન ભિન્ન કાયદાની પરંપરાવાળા રાષ્ટ્રો- (રશિયા ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને અમેરિકા) સાથે મળીને આ ખટલો ચલાવવાના હતા.
આના માટે જુદા જુદા દેશોમાંથી ન્યાયાધીશોને નીમવાના હતા. પ્રક્રિયા માટે અગાઉ લંડનમાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યુનલે નક્કી કરેલી માર્ગદર્શિકાઓ પર કામ ચલાવાયું.

ત્રણ પ્રકારના ગુના સબબ કામ ચાલ્યું. 1-ક્રાઇમ અગેન્સ્ટ પીસ, ૨-ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી અને ૩-વોર ક્રાઈમ્સ. આમાં લશ્કરી અધિકારીઓની સાથે સાથે સનદી અધિકારીઓને પણ ગુનેગાર લેખવામાં આવ્યા હતા એટલું જ નહિ નાઝી સરકારને સાથ દેનાર જર્મન ઉદ્યોગપતિઓ, ડોક્ટર્સ, વકીલો સુદ્ધા પર કામ ચલાવાયેલું.
વળી, પ્રતિવાદીઓ, ન્યાયાધીશો બધા જુદી જુદી ભાષાઓ બોલતા હતા તેથી તત્કાલ ભાષાંતર થાય તેની ટેક્નોલોજિકલ વ્યવસ્થા ‘આઈબીએમ‘ દ્વારા કરાયેલી. અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન અને રશિયન ભાષામાં તાત્કાલિક ભાષાંતર થતું ને લાગતી વળગતી વ્યક્તિઓને હેડફોન દ્વારા એમની ભાષામાં એ સાંભળવા મળતું.
અંતે ત્રણ સિવાય બાકીના બધા તકસીરવાર ઠર્યા. બાર જણને ફાંસી અપાઈ, બાકીનાને દસ વર્ષથી માંડીને આજીવન કારાવાસની સજા થઇ.
આ ખટલાનો બીજો નિષ્કર્ષ એ નીકળ્યો કે એને લીધે યુએન જિનોસાઇડ કન્વેનશન, યુનિવર્સલ ડેક્લરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અને જીનિવા કન્વેન્શન બન્યા. આના પછી જાપાનમાં ચાલેલા ખટલા માટે પણ દાખલો પૂરો પાડ્યો.
મેમોરિયલ જઈ આવેલી મંડળીએ મને આવીને અહેવાલ આપ્યો. “અમે ટેક્ષી કરીને ગયા ને ટેક્ષીમાં પાછા આવ્યા. ત્યાં વ્યક્તિ દીઠ 6 યુરોની ટિકિટ હતી. ઓડિયો ગાઈડની કિંમત ટિકિટમાં આવરી લેવાયેલી એથી બહુ સારું પડી ગયું.
એ કોર્ટ હાઉસ આજે પણ કાર્યરત છે. કોર્ટ રૂમ 600ની ઉપર ત્રણ વિભાગમાં પ્રદર્શન ગોઠવાયું છે અહીં બધી જ વિગતો સારી રીતે આપે છે. કોર્ટ રૂમ 660માં આ પ્રખ્યાત ખટલો ચાલેલો. એ પણ અમે જોયો. હવે ત્યાં કોઈ ખટલા ચાલતા નથી ને મુલાકાતીઓ માટે ખુલ્લો મુક્યો છે.

ખાસ તો અમને એ જાણવા મળ્યું કે કોઈ રાષ્ટ્ર કે કોઈ જાતિનું સંપૂર્ણ નિકંદન કાઢવાના કૃત્યને માટે જે ‘જિનોસાઇડ‘ શબ્દ વપરાય છે તે શબ્દ પોલેન્ડમાં જન્મેલાં રાફેલ લેમકીને શોધેલો.
એ વ્યવસાયે વકીલ હતો ને કોન્સન્ટ્રેશન કેમ્પમાં એના કુટુંબીજનો મરણ પામ્યા હતા. ન્યૂરેમ્બર્ગ ખટલાના મુખ્ય ન્યાયાધીશ અમેરિકાના રોબર્ટ જેકસનનો એ સલાહકાર હતો ને એણે આ શબ્દ પ્રથમ વાર 1943 કે 1944માં પ્રયોજ્યો હતો.
ગ્રીક શબ્દ જિનોસ જેનો અર્થ થાય કુટુંબ જમાત કે જાતિ ને લેટિન શબ્દ સાઈડ જેનો અર્થ થાય મારવું. આ બે શબ્દોને ભેગા કરી જિનોસાઈડ શબ્દ બન્યો.

આ મુલાકાત અમને ઘણું બધું શીખવાડી ગઈ.
(ક્રમશ:)