દગલબાજ (એકોક્તિ) ~ માના વ્યાસ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૭

થરથરથરાયે ઉંગલી હમારી દેખો પિયા ના મરોડો.. ઓ ઓ.. સાચે જ મરોડો છો.. આહ.. છોડો આંગળી તોડી નાખશો મારી..

આહ, હંમેશા આવું જ.. જરા રોમેન્ટિક થઈને હૃદયનાં ભાવ વ્યક્ત કરું કે એમનો મૂડ બદલાઈ જાય. પેલી સિનેમાની હિરોઈન કેવાં ગીત ગાઈ નખરાં કરે એટલે હિરો તો પાણી પાણી થઈ જાય ને એમ ઝપક દઈને ઊંચકી લે.. બંને એય મસ્તીમાં ઝૂમી ઊઠે, પણ અહીં તો.. શંકા.. નરી શંકા..

જો પ્રેમથી અડપલાં કરું તો કહેશે.. ઓહો બહુ રોમાંસ સૂઝે છે ને. ઘણો અનુભવ લાગે છે. કેમ કૉલેજમાં પેલા સાથે આ બધું કરતી હતી? અને જો એમના ઉમળકાનો પડઘો ન પાડું તો કહેશે, સાવ ઠંડી ને શુષ્ક છે. ‘કેમ હું નથી ગમતો? પેલો વધારે ગમતો હતો?’

પેલો પેલો પેલો.. કંટાળી ગઈ છું આ સાંભળીને. હવે શું કરવાનું? આ મારી જ ભૂલ થઈ ગયેલી. ભૂલ એટલે ભયંકર ભૂલ.. પોતાના પગ પર કુહાડી મારવા જેવી ભૂલ. હું તો દરેકને કહું છું કે આવી ભૂલ ક્યારેય ન કરશો.

લગ્ન પછી હનીમૂન વખતે એમણે મને ખૂબ જ સ્નેહથી કહ્યું કે લગ્નજીવનમાં પ્રામાણિકતા અને પારદર્શિતા હોવી જોઈએ. લગ્નસંબંધ પ્રેમ અને વિશ્વાસથી ટકી રહે છે . પતિપત્નીએ એકબીજાથી કંઈ પણ છુપાવવું નહીં.

એમણે પોતાની વાત કહેતાં કહ્યું, કે એમને એક છોકરી ગમતી હતી અને છોકરીને પણ એ ગમતા હતા, પરંતુ માતાપિતાને તે છોકરી મંજૂર નહોતી તેથી વાત આગળ વધી નહોતી. એમની નિખાલસતા મને સ્પર્શી ગઈ.

થોડી વાતચીત પછી એમણે સાવ સહજતાથી હસતાં હસતાં પૂછ્યું, ‘તને કોઈ ગમતો હતો? તારા જેવી દેખાવડી છોકરી પાછળ તો ઘણા લટ્ટુ હશે..’ પહેલાં તો હું જરા ખમચાઇ ગઈ. મન દ્વિધામાં ઝોલાં ખાવા લાગ્યું કહેવું કે ન કહેવું.

મમ્મીએ તો પહેલેથી જ ચેતવી હતી, ‘જો જે ભોળી ન બનતી, આ પુરુષજાત સ્ત્રીઓ જેટલી ક્ષમાશીલ નથી હોતી. એમનામાં માલિકીભાવ વિશેષ હોય છે. પણ પતિ જુનવાણી નહીં હોય ધારીને મેં મારા પ્રથમ પ્રેમ વિષે એમને જણાવી દીધું.

પહેલો પ્રેમ તો કેટલો કોમળ જાણે તાજગીભરી સવારમાં અધખીલી કળી પર ઝીલાયેલું ઝાકળ. સરવર જળ પર મસ્તીભર્યા પવને રચેલો હિલોળ. આ હા.. આંખોની ભાષામાં લખાયેલા પ્રેમપત્રો. આંગળીના ટેરવે ફૂટતી કૂંપળો.. નામ લેતાં જ ચડતો નશો ને એ કેફમાં ચકચૂર રહેતું મન..

બધું સરસ હતું. હું અને નિશાંત પ્રેમમાં હતાં. ગળાબૂડ પ્રેમમાં.. નિશાંતની બાઇક પર પાછળ બેસીને મને હું જાણે વાદળ પર વિહરતી હોઉં એવું લાગતું. મારા માતાપિતા મારી ખુશીમાં ખુશ હતાં. અમારા બધા મિત્રોને પણ ખબર હતી. ત્રણ વર્ષ કૉલેજના એમ ઝડપથી નીકળી ગયાં.

હવે નિશાંતને આગળ ભણવા અમેરિકા જવું હતું. એ કહેતો, ‘અરે ગાંડી દોઢ વરસની તો વાત છે. ભણીને ઝટ નોકરી મળે કે તરત તને બોલાવીશ’.

હં. દોઢ વરસના બદલે ત્રણ વર્ષ થઈ ગયાં. શરૂઆતમાં રોજ આવતાં ફોન પછી ધીમે ધીમે ઓછા થતા ગયા. બીઝી છું, પરીક્ષા છે, જૉબમાં સમય નથી મળતો વગેરે.. મમ્મીપપ્પા સમજાવતાં કે હવે નિશાંતને ભૂલી જા.. પણ મને ઊંડે ઊંડે એવું લાગતું કે એ આવશે..

પછી આવ્યો ત્યારે સાથે સિટિઝન છોકરીને પરણીને લાવ્યો હતો. મારો શું વાંક હતો? મેં તો સાચો પ્રેમ કર્યો હતો અને એણે અધવચ જ કોઈ કારણ વગર જાણે મને બાઈક પરથી ધક્કો મારી ઉતારી દીધી? એમાં મારો શું ગુનો હતો? અને હવે એ બધું ભૂલીને પતિને નિષ્ઠાપૂર્વક પ્રેમ કરવાની મારી તૈયારી છે.. તો શા માટે શંકા?

ભૂતકાળ તો ભૂત જેવો છે. જેમ રાજા વિક્રમની પીઠ પર ચોંટેલો વેતાળ. એ વેતાળને સાથે લઈ ફરાય નહીં. એને તો સમયનાં વૃક્ષ પર લટકાવી આગળ વધી જવાનું હોય. મેં પણ મૂવ ઑન કરી આગળ વધવાનો રસ્તો જ અપનાવ્યો છે. જે વ્રણ સમય અને સ્નેહનાં મલમથી રુઝાઈ શકે છે તેને વારંવાર ખોતરવો શું કામ?

પણ આટલી બધી આશા ભારતીય પતિ પાસે કઈ રીતે રાખી શકાય? મા સીતાની પણ નિર્દોષ હોવા છતાં અગ્નિપરીક્ષા લેવાઈ જ હતી ને.. પણ અહીં તો.. અનેકવાર..

પાશ્ચાત્ય દેશોમાં સંબંધ બાંધવા પહેલાં કે લગ્ન પછી પાસ્ટ ભૂતકાળ પુછાય નહીં એવી સમજ પ્રવર્તે છે અને લગ્ન કર્યા પછી પૂર્ણ નિષ્ઠાનું મહત્ત્વ રખાય છે તો બરાબર જ છે ને.. ભૂતકાળ તો ભૂલી જવાનો હોય.

પરંતુ અહીં તો મર્દાનગી જ સિદ્ધ કરવા પત્નીની એક નબળી કડીને મરોડવામાં પતિ આનંદ લેતો હોય છે. ઘણી વાર મને લાગે છે કે જે નિશાંતને હું મારા દિલોદિમાગમાંથી કાઢીને આવી છું એ સતત અમારી વચ્ચે હાજર હોય છે. મારી હાંસી ઉડાવતો.. મને રોજ બાઈક પરથી ધક્કો મારી ઉતારી દેતો. હું વિચારું છું કે વધુ દગલબાજ કોણ?

એક જેણે એકાંતમાં વાયદો કરી તરછોડી દીધી એ નિશાંત કે જેણે જાહેરમાં ચાર ફેરા ફરી આ જીવન સાથે નિભાવવાનું વચન આપી રોજ રોજ લાગણીને ઠેસ પહોંચાડનાર પતિ?

કોણ?

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment