ધિંગામસ્તીના સામા છેડે ધીરગંભીર : તનૂજાનો અભિનય તરખાટ ~ શ્રીકાંત ગૌતમ
એક અભિનેત્રી એવી, એને એના અભિનય કૌશલ્યને આધીન અનેકગણી તક પોતાની અભિનય ક્ષમતાનો નિખાર કરવા કાજે જે મળવી જોઈએ એની સરખામણીએ ઓછી તક સાંપડી. આમ છતાં જેવી અને જેટલી તક એના અભિનય શૈલીના આંગણે આવી, એને પોતાના અભિનય સામર્થ્યને આભારી આ અભિનેત્રીએ એકદમ ઉજાળી જાણી, એ તથ્ય ઉવેખી શકાય એમ નથી.
23મી સપ્ટેમ્બર જેની જન્મ તારીખ છે, એ અનેરી અભિનેત્રી તનૂજાની આવી અભિનય ક્ષમતાની વાત અત્રે પ્રસ્તુત કરી છે.
અભિનેત્રી તનૂજા એટલે હસતી-રમતી, નાચતી-ગાતી, ચૂલબૂલી, મુગ્ધતાભરી નવયૌવના, આવી એક ઈમેજ આ અભિનેત્રીના સંદર્ભે એના નામોચ્ચાર સાથે મનોજગતમાં ઊપસવી સહજ તથા સ્વાભાવિક છે, પરંતુ અત્રે આ અભિનેત્રીની આ જાણીતી ઈમેજને ઉવેખતી એની અભિનીત એવી ભૂમિકાઓને અત્રે યાદ કરીએ, જે ભૂમિકાઓમાં આ અભિનેત્રીએ, જે પાત્રમાં પરકાયા પ્રવેશ કર્યો હતો.
એ પાત્ર આંશિકપણે ગાંભીર્યસભર હતું તથા અમુક અંશે એકલતાની કેડીએ વીહરતું, એકાકીપણાની અસર ઝીલતું હતું. આને અનુલક્ષીને અભિનેત્રી તનૂજા અભિનીત પાત્ર ઉપર એના આ એકાકીપણાને ચરિતાર્થ કરતાં ચિત્રિત થયેલાં ગીતોના ગુંજારવને પણ સાથોસાથ યાદ કરીએ.
![]()
‘‘અનુભવ’’ ફિલ્મની મીતા (તનૂજા) એક અત્યંત વ્યસ્ત એવા ‘‘વર્કોહોલિક’’ તંત્રી જે એક સમાચારપત્રનો માલિક પણ હતો એ અમર સેન (સંજીવકુમાર)ની પત્ની હતી. પતિ પોતાના વ્યવસાયમાં અતિવ્યસ્ત, જેનું મન વર્ક ઇઝ વર્શિપને આધીન, અન્ય સઘળું ગૌણ હતું.
પતિ પ્રેમાળ ખરો, પરંતુ એનો પ્રથમ પ્રેમ એનું કાર્યક્ષેત્ર, જેને આધીન પત્ની મીતાનું સ્થાન અમરને મન અનાયાસે બીજું બની જવું સ્વાભાવિક હતું. મીતા માટે નિઃસંતાન દાંપત્યજીવન એના એકાકીપણાનું દ્યોતક બની ગયું હતું. આવું એકાકીપણું અનુભવતી મીતાનું મન આમ ગાઈ ઊઠયું હતું.
‘‘અન્જાને ક્યાં જાને, જાને કે જાયે કોન ભલા,
મેરી જાન મુજે જા ના કહો, મેરી જાન મેરી જાન,
સૂકે સાવન બરસ ગયે કિતની બાર ઇન હાથોં સે,
દો બુંદે ના બરસે ઇન ભીગી પલકોં સે, મેરી જાન મેરી જાન.’’
https://youtu.be/F6FkVPOMtvM?si=JH2fMiBbd4fQZ48A
આવું એકાકીપણું ફિલ્મ ‘‘હમારી યાદ આયેગી’’ની નાયિકા મનોરમા (તનૂજા) મનોમન અનુભવી રહી હતી, જ્યારે એ એના પ્રેમીની યાદમાં વિરહિણી બની ગઈ હતી. કારણ કે એનો પ્રેમી અગોચર કારણોસર એનાથી દૂર થઈ ગયો હતો. એક વિરહિણીની વ્યથા આમ ત્યારે વ્યક્ત થઈ,
‘‘કભી તન્હાઈઓં મેં યુઁ હમારી યાદ આયેગી,
અંધેરે છા રહે હોંગે કે બીજલી કૌંધ જાયેગી, કભી તન્હાઈ…’’
તનૂજા અભિનીત ફિલ્મ ‘‘બેનઝીર’’ની ભૂમિકા ભગ્નહૃદયી પ્રેયસી શહીદાની હતી.
શહીદા અને અનવર (શશી કપૂર) એકબીજાના આકંઠ પ્રેમમાં હતા, પરંતુ અનવર જ્યારે એનાથી વયમાં મોટી એવી બેનઝીર (મીના કુમારી)ના સંપર્કમાં આવે છે ત્યારે બેનઝીરમાં એને એક અનોખી ‘‘પ્રેમમૂર્તિ’’ દૃશ્યમાન થતી લાગતાં અનવરના શહીદા પ્રત્યેના પ્રેમની ભરતીમાં અનાયાસે ઓટ આવવા માંડે છે.
અનવરની પોતાના પ્રત્યે આવેલી આવી વિમુખતાથી ગ્લાનિની અનુભૂતિ કરતી ભગ્નહૃદયી શહીદાની મનોવેદના આક્રંદ કરી ગઈ,
મિલ જા રે, જાન-એ-જાના,
આંખો કા નૂર તું હૈ, દિલ કા કરાર તું હૈ,
અપના તુઝે બના લું મેરી યહ આરઝૂ હૈ,
આ મેરી જિંદગી કી રાહોં કો ઝગમગા દે,
મિલ જા રે જાન-એ-જાના.
‘‘ઇઝ્ઝત’’ ફિલ્મમાં દીપા (તનૂજા) જેના પ્રેમમાં હતી એ દિલીપ (ધર્મેન્દ્ર) દીપાને બેહદ ચાહતો હતો, પરંતુ દિલીપ પોતાની આર્થિક અસફળતાની હતાશામાં હતો, તો એની સાથોસાથ એની સહાનુભૂતિ તથા કરુણા સમાજના અકિંચન માનવસમુદાય પ્રત્યે પોતાની અસફળતાની સરખામણીએ પણ અનેકગણી વિશેષ હતી.

આમ વ્યક્તિનિષ્ઠ પ્રેમનો વિસ્તાર આ પ્રેમીને મન સમષ્ટિ સુધી પ્રસાર પામતો હતો, આને અનુલક્ષીને દીપાનું મન અધૂરપની અનુભૂતિ કરતું અંદરો અંદર હિઝરાતું હતું અને એની આ મનોવેદના આ પ્રેયસીએ આમ ઠાલવી,
‘‘કિસી કે દિલ મેં બસકે દિલ કો તડપાના નહી અચ્છા,
નિગાહોં કો ઝલક દે કે છૂપ જાના નહી અચ્છા,
ઉમ્મીદોં કે ખીલે ગુલશન કો ઝુલ્સાના નહી અચ્છા,
હમેં તુમ બીન કોઈ જચતાં નહીં હમ ક્યા કરે,
યહ દિલ તુમ બિન કહીં લગતા નહિ હમ ક્યા કરે…..
‘‘દૂર કા રાહી’’ જે પોતાની આંતરખોજ માટે નીકળી પડ્યો હતો અને એક યુવતી (તનૂજા) એના પ્રત્યે આકર્ષિત થઈ હોવા છતાં એ આંતરખોજ યાત્રી – એ યુવતી માટે દૂરનો રહી જ બની રહેતાં આ યૌવનાનું બેબાકળું હૃદય આમ દ્રવી ઊઠ્યું હતું…

‘‘બેકરાર દિલ તું ગાયે જા, ખુશીયોંસે ભરે વો તરાને,
જિન્હેં સુન કે દુનિયા ઝૂમ ઊઠે ઔર ઝૂમ ઊઠે દિલ દીવાને,
દર્દ મેં ડૂબી ધૂન હો, સીને મેં એક સુલગન હો સાંસો મેં હલ્કીસી ચૂભન હો,
સહમી હુઈ ધડકન હો, દોહરાતે રહે બસ ગીત યે..’’.
‘‘નઈ રોશની’’ની ચિત્રા (તનૂજા) આધુનિક જમાનામાં પ્રવર્તીત રંગીન વિચારશૈલી તથા તેના રંગઢંગમાં આકંઠ મશગૂલ રહેવામાં માનતી સ્વચ્છંદી મનોવૃત્તિ ધરાવતી યૌવના હતી.
એક ધનાઢ્ય છેલબટાઉ યુવકના કહેવાતા પ્રેમમાં પાગલ થઈને ભાન ભૂલેલી ચિત્રા મોજમસ્તીમાં આમ ગાઈ પણ ઊઠી હતી,
‘‘યહ તોહફા તુમ્હારે પ્યાર કા દિલ સે પ્યારા, જાન સે પ્યારા,
ઊંગલી મેં મેરી અંગૂઠી તુમ્હારી, ચમકા મેરી કિસ્મત કા તારા
કયા કયા નિખારા, ક્યા ક્યા સંવારા,
યહ તોહફા તુમ્હારે પ્યાર કા, ચમકા મેરી કિસ્મત કા તારા…’’
પરંતુ દુર્ભાગ્યે ચિત્રા માટે આ ‘‘તોહફા’’ એની કિસ્મતને ચમકાવતો તારો નહીં, પરંતુ એના જીવતર માટે કાળી ડિબાંગ રાત્રિમાં પરિવર્તિત ત્યારે થયો જ્યારે ચિત્રાએ છેલબટાઉના નકલી પ્રેમમાં પાગલ બનીને પોતાનું કૌમાર્ય ખોયું અને અલગ અલગ તિતલીઓ ઉપર ઊડતા પેલા ભંવરાએ ચિત્રાને છેહ દીધો.
એક સમયની હસતી-રમતી, મોજીલી ચિત્રા રાતોરાત દુઃખદર્દના દરિયામાં ગરકાવ થઈને અત્યંત ગમગીન અને ગંભીર બની ગઈ.
ચૂલબૂલી અભિનેત્રીનું વણલખ્યું બિરુદ પામેલી અભિનેત્રી તનૂજાએ પોતાની આ ઈમેજથી સાવ સામા છેડાની આવી ધીરગંભીર, એકાકીપણાની અસર ઝીલતી ભૂમિકાઓ પણ પોતાની અપરંર અભિનયક્ષમતા થકી ભજવી જાણી હતી અને એ રીતે ‘‘આ અભિનેત્રી આલા દરજ્જાની અભિનેત્રી રહી’’ એ તથ્ય નિર્વિવાદપણે સાબિત કરી જાણ્યું.
~ શ્રીકાંત ગૌતમ