આંગણું (એકોક્તિ) ~ નયના આર. ઠક્કર ‘પ્યાસી’ ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૧૪
બ્રહ્માંડના આંગણામાંથી અવની પર ઊતરી આવેલું અજવાળું અમારા ઘરના આંગણામાં ઉજાસ પાથરવા તનયા સ્વરૂપે પધાર્યું. દારિકારૂપે અવતર્યું. જી હાં, એ જ અમારી લાડકી!
પથ્થર એટલા દેવ પૂજી ભગવાનને ભીની આંખે આજીજી કરી, ઈશ્વરને શ્રદ્ધાથી ચઢાવેલાં ફૂલોની અવેજીમાં મળેલી, પ્રભુનાં પ્રેમપત્ર સમું અણમોલ નજરાણું અમોને પ્રાપ્ત થયું એને વધાવતાં પરમ આનંદની અનુભૂતિ થઈ. ઈશચરણમાં નતમસ્તકે આભારસ્તુતિ કરીને અમે હર્ષ, ગર્વ અને ધન્યતાની લાગણી અનુભવી.
અમારા આંગણાની મઘમઘતી મધુમાલતી, જેણે આંગણું મહેંકાવી દીધું. અમારા આંગણાનો તુલસીક્યારો, જેણે અમારું આંગણું પાવન કરી દીધું.
અમારા આંગણામાં ઊડાઊડ કરી રંગોળી પૂરતું રંગબેરંગી પતંગિયું, જેણે અમારા આંગણાને રંગીલું બનાવી દીધું. અમારા આંગણામાં વેરાયેલો ચાંદનીનો શીતળ પ્રકાશ, જેણે અદ્ભુત શાતા અમોને પ્રદાન કરી. લીલુડાં પર્ણોથી લચી પડેલી પોયની વેલડી, જેને જોઈને તો અમે એનું નામ ‘પોયણી’ પાડ્યું.
અરે, એટલું જ નહીં! મોગરાની મહેક, જૂઈનો જલસો, રાતરાણીની સુગંધ, ગુલાબની ભવ્યતા, પારિજાતની દિવ્યતા, લીમડાનો મીઠો છાયો, આંબાનો મ્હોર, મંદિરનો ઘંટનાદ, ઝાલરનો ઝણકાર, સૃષ્ટિનો શણગાર, આકાશનો અંબાર, અવનીનો અલંકાર, કોયલનો ટહુકાર, મોરનો થનગનાટ, વ્હાલ કેરો વીરડો, ઊંબરા કેરો દીવડો. હાં, એ જ અમારી લાડકી!
ઈશ્વરને હરખનાં આંસુ આવ્યાં, મારા આંગણામાં વેરાયાં અને અમને મળી સુંદર ‘દારિકા’ની બક્ષિસ!
હાં, આ જ આંગણામાં નાના નાના પગલે પાયલ છનકાવતી, પગલીઓ પાડતી, ઘૂંટણિયાં કાઢી ચકલીઓ પકડવા દોડતી, કાલીઘેલી ભાષામાં કાબર જેમ કલબલાટ કરતી, નાજુક હાથોથી પાંચીકા રમતી, ઘડીક દોરડાં કૂદતી તો ઘડીક ઢીંગલી રમતી, કદીક રમકડાં રમતી તો કદીક મારી સાડી વીંટાળી મેડમ બનતી, પારણામાં સૂતી મધુરાં ગીતો, હાલરડાં સૂણતી, પપ્પાની પીઠ પર બેસી ઘોડો ઘોડો રમતી, આંગણાના હીંચકા પર દાદીના ખોળામાં માથું મૂકી, હેતાળ હાથના સ્પર્શ સાથે વાર્તા સાંભળતી સાંભળતી નિંદ્રાદેવીની ગોદમાં ચાલી જતી… હા, એ જ મારી લાડકી!
અરે! એના નમણા હાથથી દાદાની આંખો દબાવતી ત્યારે પોપચાં પર ફૂલોની છાબડી મૂકી હોય તેવો દાદાને અહેસાસ કરાવતી. મંદિરની ઝાલર જેવું મધમીઠું સ્મિત ફરકાવી હાસ્યનું માનસરોવર સર્જતી તો ક્યારેક રુદનનું એવરેસ્ટ પણ સર્જતી. અમારા સૌનું બાળપણ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી, વૃંદાવનનું સર્જન કરનારી, અમારા આંગણાની દૈવી, અતિ સુંદર પરી… હાં, એ જ મારી લાડકી!
આ આંગણામાં જ એની સ્મૃતિઓનો દાબડો ધરબાયેલો છે. હરેક ચીજ એના સ્પર્શનાં સંવેદનોથી જીવંત રહી છે. જાણે એના માટે જ એનું સર્જન થયું હોય તેમ હસતાં ખીલતાં ચૈતન્યસભર બની અમે એની ખુશીમાં હરખાતાં. એની સાથે કિલ્લોલ કરતાં કરતાં જીવનની પળો વીતાવતાં. સુમધુર ક્ષણોને અમે કૅમેરાના કચકડે શણગારતાં… હાં, એ જ અમારી લાડકી!
નસીબની અવળચંડાઈ કહો કે ભાગ્યની બલિહારી, કિસ્મતની કહાની કહો કે લલાટની લિખાવટ, વિધિની વક્રતા કહો કે કરમની કઠણાઈ, કેવા છે સમાજનાં ધારાધોરણો, કેવી આંધળી આ પરંપરા? દીકરી પરાયું ધન શાથી કહેવાયું?
અસહ્ય વેદના વેઠી, નવ માસ કોખમાં રાખી જન્મ આપનાર મા, પાલનપોષણ કરનાર બાપ, પળવારમાં પરાયા થઈ જાય એ કેવું? ભણતર, ગણતર અને જીવનનું જડતર કરી ઘડતર કરનાર પારકાં કઈ રીતે કહેવાય? સ્નેહની સાંકળે બંધાઈ સાથે રહી, રમેલા, જમેલા, ભણેલા, ભાઈ-ભગિનીનાં સંબંધનું શું? અરે દાદા-દાદીને તો વ્યાજનું વ્યાજ કેટલું વહાલું? વૃદ્ધાવસ્થામાં જીવનનો આનંદ ઉમંગનો ખજાનો જ કહોને!
હાં, પણ આજે એ જ આંગણાનાં મ્હોયરામાં લગ્નમંડપમાં અગ્નિની, સૌ દેવી-દેવતાઓની, સર્વ સ્વજનોની સાક્ષીએ સપ્તપદીના મંત્રોચ્ચાર ભણી, પાણિગ્રહણ દ્વારા પારકાંને પોતાના કરવા પતિગૃહનાં આંગણિયાં શોભાવવા સંચરતી કન્યા… હાં, એ જ અમારી લાડકી!
કેવી વસમી વિદાયની ઘડી આવી છે, જ્યાં એક નેણમાં ભાવિ જીવનનાં સોનેરી સોણલાં છે જ્યારે બીજા નેણમાં બાળપણની મધુરી સ્મૃતિઓ કંડારેલી છે, જ્યાં અવની પર સ્વનું અસ્તિત્વ લાવનાર પોતાના માતાપિતાનું મમત્વ અને વાત્સલ્ય છલકાયું છે. માવડીનો મમતાભર્યો પાલવ સ્વનાં આંસુ લૂછી રહ્યો છે, જે કદી સુકાવાનાં નથી, પરંતુ નિરંતર વહેતાં રહેવાનાં છે. વેવાણ પાસે આવી દીકરીની ભૂલો ક્ષમ્ય ગણી નજરઅંદાજ કરશો એવું કહી રહી છે.
જ્યારે પિતાનો ઉદાસ ચહેરો આગળ ડગ માંડતાં રોકી રહ્યો છે. હૈયે ડૂમો ભરાયો છે જે આંસુનો ધોધ બની વહેવાની પળોજણમાં છે પણ વેવાઈ, જમાઈ પાસે દીકરીનાં સુખની માગણી કરતાં હાથ જોડી રહ્યો છે. ધ્રૂજતા હાથમાં આજીજી અને આંખોમાં યાચના સ્પષ્ટ વર્તાય છે.
ઓહો! પણ આ શું? બાપ પોતાની પાઘડી ઉતારતાં અશ્રુધારા સાથે નતમસ્તકે કંઈક લાગણીસભર શબ્દો ઉચ્ચારી રહ્યા છે. દાદાનો ખભો શૈશવનાં સ્મરણોમાં સફર કરાવી રહ્યો છે જ્યારે દાદીનો હૂંફાળો હાથ મસ્તક પર ફરી રહ્યો છે. દૂર ઊભેલો નાનકો લાડલો વીરો એકલતાના વિચારમાં શૂન્યમનસ્ક બની ગયો છે. પિયરના આંગણાનો વૈભવ છોડી, શૈશવની સ્મૃતિઓ ભુલાવી, માના ખોળા સમું આંગણું પરાયું કરી, માતૃગૃહના ઊંબરે ખોબલેખોબલા ભરી પાછળ અક્ષત વેરતી, પતિગૃહે અંગૂઠાના સ્પર્શે અક્ષત વેરાવી પરગૃહને નિજગૃહ બનાવવા સંચરી… હાં, એ જ અમારી લાડકી!
પતિની અર્ધાંગિની, સહધર્મચારિણી, જીવનસાથી બની સાસરીના આંગણાને સજાવવા નિસરી છે, પરંતુ આજે?
બધાં જ એની જુદાઈની વસમી વેળાએ ઉદાસી ઓઢી, વિદાય આપી રહ્યાં છે. આજે કદલીવન સમું આંગણું બંજર રણભૂમિ જેવું ભાસી રહ્યું છે! ચોધાર આંસુએ આંગણું રોઈ રહ્યું છે! નીરવ, નિઃશબ્દ છે આંગણું આજે! અવાચક બની ગયાં છે – જુઓ જુઓ.
હીંચકો, વૃક્ષો, લતાઓ, કૂંડાઓ, પંખીઓ, તુલસીક્યારો, ઢીંગલી, ચાલણગાડી, રમકડાં, કેરમ, સાપસીડી, કચૂકા, પાંચીકા, લખોટી, હાલરડાં, વાર્તાઓ, ગીત-સંગીત!… કેવાં અવાચક બની ગયાં છે, સ્તબ્ધ છે.
ઊંબરો, દીવાલો, છત, બારીબારણાં, પડદા, ઘરમંદિર, ભીંતો પર ટીંગાડેલ તસવીરો! અરેરે, ફૂલદાનીમાં ગોઠવાઈ ગયેલાં ફૂલો ઉદાસ આંખોની મૂક કીકીઓ દ્વારા જાણે કહી રહ્યાં છે. ‘‘ફૂલમાંથી કળી બનતાં હરખાઈ ગઈ પણ ફૂલદાનીમાં ગોઠવાતાં કરમાઈ ગઈ.”
આ જ આપણું આંગણું! આ આંગણાની ભીંતે ચીતરાયેલી કંકુ થાપાથી કરેલી દસે આંગળીઓની છાપ જાણે કહી રહી છે.
“આ આપણું આંગણું,
આજે થઈ ગયું પરાયું.”
~ નયના આર. ઠક્કર ‘પ્યાસી’
naynathakkar46435@gmail.com