પ્રકરણ: ૨૬ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
(શબ્દો: ૪૬૯૧)
વિશ્વનાથે સાન કરીને ઈકબાલને રોક્યો હતો. રાકા બસમાંથી ઊતરી અને દયામણા ચહેરે વિશ્વનાથ સામે જોઈ ચાલવા માંડી. ગુંડાઓ સિગારેટ સળગાવવાના બહાને ઊભા રહ્યા હતા. પછી પીછો શરૂ કર્યો. વિશ્વનાથે ઓટોમેટિક મીની કેમેરા બહાર કાઢી રાખ્યો હતો. અડપલું કરવા જાય એની સાથે ઝડપી લેશે.
પેલા નફ્ફટ થઈને રાકાને આંતરીને ભાવતાલ પૂછવા લાગ્યા હતા. વિશ્વનાથે અંતર ઓછું કરીને ફોટો પાડી લીધો. એથી પેલાઓ વધુ બેશરમ બન્યા. રાકાને ખભે હાથ મૂક્યો. વિશ્વનાથે એ પોઝ પણ ઝડપી લીધો. ઈકબાલે રિક્ષા ઊભી રાખી હતી.
રાકા અને વિશ્વનાથને એમાં બેસાડીને એણે કહ્યું: ‘એક મિનિટ, જરા નિશાની કરી લઉં.’ પેલા સાવધ થાય એ પહેલાં એમનાં ગળાં પકડીને બૂટથી એમની ઘૂંટીઓ છોલી નાખી. કહ્યું: ‘લડવું હોય તો ઊભા રહો. અમે આ બહેનને મૂકીને આવીએ છીએ.’
પેલાઓએ સલાહ માનવાને બદલે બીજી રિક્ષા લઈને પીછો કર્યો. એમણે રાકાનું ઘર જોવાની ઇચ્છા રાખેલી. જોવા મળી પોલીસચોકી. ઈકલાબે ઊતરતાંની સાથે એમની રિક્ષા રોકી. વિશ્વનાથ ચોકીમાંથી મદદ લઈ આવ્યો. પેલા હવે આંધળું અનુકરણ કરવા બદલ પસ્તાવો કરી રહ્યા હતા, પણ હજી ઓળખાણ કાઢીને છૂટી જવાની ઇચ્ચા રાખતા હતા. પણ રાકાએ ફરિયાદ લખાવી અને વિશ્વનાથ જેવા પત્રકારે સાક્ષી આપવા ઉપરાંત બીજા પુરાવા રજૂ કરવા તૈયારી દાખવી એથી ગુંડાઓનો તત્કાળ છુટકારો ન થયો. એમણે ઈકલાબને વિનંતી કરીને જામીન મોકલવા જણાવ્યું. ઈકબાલ સંમત ન થયો. ઘેર ગયો.
વિશ્વનાથ રાકાને એને ત્યાં મૂકીને પ્રેસ પર ગયો. તંત્રીશ્રી નીકળવામાં હતા. એમને વિશ્વનાથના ક્રિયાશીલ પત્રકારત્વમાં રસ પડ્યો.
એમણે પોલીસચોકીમાં ફોન કર્યો. કહ્યું કે કાર્યવાહી કરાવી, કોર્ટ સમક્ષ એમને હાજર કરી, જામીન પર છોડજો. સીધા છોડવાની ભૂલ ન કરતા. કાલના અંકમાં હેવાલ જોઈ લેજો. પોલીસ-અધિકારીએ કહ્યું કે પેલાઓનાં અડપલાંઓનો ભોગ બનનાર રાકા રાય કુંવારી હોવાથી, પોતાનો સ્વાર્થ સમજીને છેવટે કૉર્ટમાં જુબાની આપવા નહીં જાય. અમારી મહેનત એળે જશે.
તંત્રીશ્રીએ કહ્યું કે વિશ્વનાથ પણ કુંવારો છે. રાકા જરૂર એની સાથે કૉર્ટમાં આવશે.
ફોન મુકાતાં વિશ્વનાથે સ્પષ્ટતા કરી, ‘સર, હું કુંવારો છું ખરો પણ બીજા કોઈને પરણવાનો નથી.’
‘એટલે? રાકા સિવાય બીજી કોઈને?’
‘ના. હું એક અન્ય વ્યક્તિને ચાહું છું.’
‘અને એ વ્યક્તિ તમને ચાહે છે?’
‘એની ખબર નથી, પણ આશા રાખું છું કે આ જન્મમાં નહીં તો આવતા જન્મે પણ એ મને ચાહે. મારે ઉતાવળ નથી.’
તંત્રીશ્રી હસી પડ્યા.
થોડી વારમાં પોલીસચોકીમાંથી ફોન આવ્યો. ગુંડા રાકાની માફી માગીને છૂટી જવા દબાણ લાવ્યા હતા. ‘એ તો વિદૂષકો છે બદમાશો નથી’ એમ કહીને એક રાજકીય પક્ષના અગ્રણીએ પણ ઉપરી અધિકારીને ફોન કર્યો હતો.
તંત્રીશ્રીએ હેવાલ છાપવાનો નિર્ણય અફર છે એમ કહીને શહેરમાં વધી રહેલી ગુંડાગીરી વિશે વાત કરવા માંડી. પોલીસ-અધિકારીએ દલીલ કરી: અમદાવાદની વસ્તી સત્તાવીસ લાખની છે. અહીં વધુમાં વધુ ગુંડા કેટલા હશે? પાંચસાત હજાર કે વધુ? એ વધીને સત્તાવીસ હજાર થાય તોપણ એમની ટકાવારી કેટલી ગણાય? એક ટકો કે વધુ? તમે તમારા તંત્રીલેખોમાં ઘણી વાર લખો છો કે સમાજમાં એક ટકા જેટલા પણ સજ્જનો નથી. હું કહું છું કે ગુનેગારો એક ટકાથી ઓછા છે. અને પોલીસોની સંખ્યા એ ગુનેગારોના એક ટકા જેટલી પણ નથી. એમાંય તાલીમ પામેલા તો આંગળીને વેઢે ગણાવી શકાય એટલા હશે. એમનો ઉપયોગ મારે આવા રોમિયો પાછળ કરવો કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે?
‘ચર્ચાપત્ર લખજો!’ — કહીને તંત્રીશ્રીએ ટૂંકમાં પતાવ્યું.
‘અમને એવી નવરાશ ન મળે. તેમ હેવાલમાં આ લોકોનાં નામ તો નહીં લખો ને?’
‘લખીશું. એમનાં બબ્બે ત્રણ ત્રણ નામ છે એ બધાં નામ લખીશું. ફોટા પણ છાપીશું.’
‘તમે જોખમ ખેડી રહ્યા છો.’
‘જોખમ ખેડવા જ આ ધંધામાં પડ્યા છીએ.’ — કહેતાં ફોન મૂકી દીધો. વિશ્વનાથ હેવાલ લખવા બેસી ગયો. તંત્રીશ્રીએ રાકા અંદર ન આવે એ રીતે ફોટા તૈયાર કરાવી દીધા. હેવાલમાં હાસ્યની છટા જોઈને તંત્રીશ્રીએ એની પીઠ થાબડી. બધું જવાબદાર વ્યક્તિને સોંપીને બંને નીકળ્યા.
તંત્રીશ્રી વિશ્વનાથને એને ઘેર મૂકી ગયા હતા. મોડું થવા અંગે વસવસો કરતાં બેસી રહેલાં એનાં માબાપ તંત્રીશ્રીએ એને લિફ્ટ આપી એ જાણીને દીકરાની યોગ્યતાનાં વખાણ કરવા લાગ્યાં. એ વખાણ બંધ કરીને ચિંતા કરવા ન લાગે માટે વિશ્વનાથે ગુંડાઓના મુકાબલા અંગે કશું કહ્યું નહીં. જમીને સૂઈ ગયો. પોતે કોઈકને ચાહે છે એમ કહેવામાં અતિશયોક્તિ તો નથી થઈ ગઈ ને? જોકે મુદ્દાની વાત તો એટલી જ હતી કે તંત્રીશ્રી રાકા અંગે કશી ગેરસમજ ન કરે.
લાવણ્ય હેવાલ વાંચીને છાપું પકડીને બેસી રહી હતી ત્યાં સિંઘસાહેબ અને શ્રીદેવી આવી પહોંચ્યાં. એ મોર્નિંગ વોકને બહાને વિશ્વનાથને ત્યાં જઈ અભિનંદન આપતાં આવ્યાં છે, હવે લાવણ્યના હાથની ચા પીશે.
‘શું વિશ્વનાથના પરાક્રમ વિશે વાંચ્યું? અમે એને અભિનંદન આપતાં આવ્યાં.’
‘મને એની ચિંતા થઈ. એ રહ્યો પરદેશી માણસ. ભોળો નથી પણ ભલો છે. વહેલોમોડો એ પેલા ગુંડાઓની અડફેટમાં આવી જવાનો.’
‘આ તો અમને સૂઊયું જ નહીં!’ — શ્રીદેવી બોલ્યાં – ‘ડોન્ટ વરી લાવણ્ય, કમિશનરનાં પત્ની મારા વતન બાજુનાં છે. હું એમને વાત કરી રાખીશ. આપણી પણ ફરજ છે. માત્ર સ્ત્રી સન્માનની વાતો કરવાથી શું વળે? આવા એક્ટિવિસ્ટ જર્નાલિઝમને આપણે સમર્થન આપવું જોઈએ, એ માટે બહાર આવવું જોઈએ. આવા ગુંડાઓ નશિયત થવા લાગે તો બીજા ગુંડાઓ પર જ નહીં, અર્ધદગ્ધ નવી પેઢી પર પણ એની અસર પડે. ખોટું કહું છું?
અત્યારે કોઈક કૉલેજિયન યુવતી એકલી જતી હોય તો પાનના ગલ્લે કે ચાની લારી પાસે ઊભેલા યુવાનો એલફેલ બોલવામાં ફેશન સમજે છે. ક્યારેક તો સોળસત્તર વર્ષની કન્યાએ પણ અપશબ્દો સાંભળવા પડે છે. આ બધું ચાલે છે કેમ કે ગુનાહિત માનસને રાજ્યની દંડશક્તિની બીક રહી જ નથી. વિશ્વનાથે પેલાઓને ખુલ્લા પાડવાનું કામ કર્યું એ સારું થયું. પણ એ હવે ગુંડાગીરીનો ભોગ બને તો પછી બીજું કોઈ સાહસ કરશે ખરું?’
સિંઘસાહેબે હકારમાં મસ્તક હલાવ્યું. પછી નવો મુદ્દો સૂઊયો હોય એમ બોલ્યા: ‘તમને નથી લાગતું કે વિશ્વનાથના નાગરિક સહજ વીરત્વ માટેનો આપણો અહોભાવ કંઈક વહેલો ઓસરી ગયો? આ ક્ષણે જ એની સલામતીનાં ચક્રો ગતિમાન કરીશું. એનો અર્થ એ થશે કે એ એનું રક્ષણ કરવા સમર્થ નથી. મને લાગે છે કે એને રક્ષણ પૂરું પાડવાને બદલે એના જેવા બીજા અનેક યુવકોની હિંમત વધે એવું વાતાવરણ સર્જવું જોઈએ.’
સિંઘસાહેબનું સૂચન લાવણ્યે વધાવી લીધું. એ તૈયાર થઈને જમુનાબેનને ઘેર ગઈ. એ શાક ખરીદવા બહાર નીકળ્યાં હતાં. લાવણ્યે એમની થેલી ઉપાડી લીધી. પ્રેમલ બેઠકખંડમાં સંખેડાના સોફા પર સૂતો હતો.
જમુનાબેને કહ્યું કે જાગ્યો હતો વહેલો. છાપું વાંચીને એણે વિશ્વનાથને ફોન કરી અભિનંદન આપ્યાં હતાં. ચા પીને છાપું વાંચતાં વાંચતાં ઊંઘી ગયો લાગે છે. કાલે સાંજે આવ્યો હતો. એના પપ્પા સાથે બહુ સારી રીતે વાત કરી. પણ એય કેવા છે! દીકરા પર ખુશ થવાને બદલે મને કહેવા લાગ્યા: પૈસાની જરૂર હશે તેથી નમ્ર થયો છે!
‘જગાડું?’ — અંદર રસોડા બાજુ વળતા જમુનાબેને પૂછ્યું.
‘મધુકરભાઈ જગાડશે. મને વનલતાએ મોકલેલા ફોટોગ્રાફ બતાવો.’
— લાવણ્યનો અવાજ મધુકરભાઈ સુધી પહોંચ્યો. આમ તો એ ધ્યાનમાં હતા તેથી કોઈનો અવાજ એમને સંભળાવો જોઈતો ન હતો. પણ લાવણ્યની હાજરી ધ્યાન દ્વારા મળતી શાંતિ કરતાં વધુ શાતાદાયી હતી. વિરામ માટે પણ વિરામરૂપ…..
મધુકરભાઈએ પણ હેવાલ વાંચ્યો હતો. એમના માનવા પ્રમાણે વિશ્વનાથના પગલાને અને લેખને બિરદાવતાં અનેક ચર્ચાપત્ર મોકલવાં જોઈએ. એની વ્યાપક અસર પડશે. દૈનિકો વચ્ચે સ્પર્ધા હોય છે, તેથી હવે બીજાં દૈનિક પણ હિંમત કરીને ગુંડાઓ વિશે સચિત્ર હેવાલો છાપવા લાગશે.
મહિલા-કાર્યકરોને વિનંતી કરીએ, એ પ્રધાનોને મળે. એમને કહે કે કાયદેસર કામ ચલાવ્યા વિના માણસોને જેલજીવનનો લાભ આપવાની જે જોગવાઈ કરવામાં આવી છે એની પાછળ શુભ હેતુ હોય તો આ બે ગુંડાઓને પૂરી રાખો. બીજા ગુંડાઓની સૂચિ તૈયાર કરાવો. પોલીસ એમને પકડવામાં આળસ કરે તો એને પ્રોત્સાહન આપવા જાહેર લાંચ-ફંડ ઊભું કરો. પ્રધાનો એમના સત્કારથી અને પોલીસો લાંચથી કામ ન કરે તો છેવટે સરકાર હટાવવા આંદોલન કરી જાણતા નિષ્ણાતોનો સંપર્ક સાધવો.
— મધુકરભાઈ આજે ગમ્મતે ચઢ્યા હતા.
ત્યાં વિશ્વનાથ આવી પહોંચ્યો. એણે પહેલું કામ પ્રેમલને જગાડવાનું કર્યું. એણે સલાહ લેવી હતી. તંત્રીશ્રીએ એને લેવા મૂકવા કાર મોકલવાની વ્યવસ્થા કરી છે. હું સ્કુટર પર જવાને બદલે પ્રેસની કારમાં આવજા કરીશ તો લોકો મને ડરપોક તો નહીં માને ને!
‘લોકોનું લોકો જાણે પણ હું તો તને ડરપોક જરૂર માનીશ.’ — પ્રેમલ એ રીતે બેઠો થઈ ગયો હતો કે જાણે ઊંઘ્યો જ ન હોય.
ત્યાં લાવણ્ય જમુનાબેન પાસેથી નીકળી બહાર આવી. બંનેને આશ્ચર્ય થયું. આનંદ થયો.
‘હું તમને અભિનંદન આપવા આવવાની જ હતી!’
‘હવે સલાહ આપો.’ — પ્રેમલે વિશ્વનાથના મનની વાત કરી. વિગત જાણીને લાવણ્ય મલકાઈ. કહે: ‘લોકો ભલેને તમને ડરપોક માને, કારમાં બેઠા હશો તો મિસ રાકા રાયને લિફટ પણ આપી શકશો.’
વિશ્વનાથ ઝંખવાણો પડી ગયો. એક ભલાઈના કામમાં પણ અંગત હેતુનું આરોપણ? અને એ પણ લાવણ્ય દ્વારા? એણે હિંમત કરીને નજર મેળવી. એમાં ઉપહાસ જેવું કશું નહોતું. સદ્ભાવ હતો. સાહસની કદર હતી. આજે તો પ્રેમલે પણ અભિનંદન આપ્યાં હતાં.
‘મારી જગાએ તું હોય તો શું કરે?’
‘ગુંડાઓ સાથે મારામારી.’
‘આપણું કામ તો મારામારી અટકાવવાનું છે. અહિંસા અને પ્રેમનો પ્રચાર કરવાનું છે. જેવાની સાથે તેવા થવાય?’
‘કદાપિ નહીં. વળી ગુંડાઓને તો મારામારી કરવાની તાલીમ મળેલી હોય છે. જોકે તમારી સાથે ઈકબાલ હતો, એ પહોંચી વળે એવો લાગે છે, તમારા વર્ણન પ્રમાણે.’
‘મેં મારી શક્તિનું વર્ણન નથી કર્યું, વિવેક વાપરીને, બાકી એ લોકો ઈકબાલ કરતાં વધુ તો મારાથી ડરતા હતા.’
‘કેમ કે તમે મનથી મરદ છો!’ — મધુકરભાઈ પણ આ વિનોદમાં જોડાયા.
‘ફરજ બજાવવા પૂરતો ખરો. બાકી કોઈક વાર હું સાપ્તાહિક ભવિષ્ય વાંચીને પણ એકાદ દિવસ સ્કુટર ચલાવતો નથી, તેથી હું મનથી મરદ ન કહેવાઉં. જોકે ગઈ કાલે તો સ્કુટર બગડ્યું હતું તેથી સર્વિસમાં આપ્યું હતું. પ્રેમલ, હું તારી સલાહ લેવા આવ્યો છું. બોલ, કારમાં ઑફિસ જાઉં કે સ્કુટર પર?’
‘સ્કુટર પર. હમણાં થોડા દિવસ તારી ઑફિસના સમયે જ હું મોટરસાઈકલ પર નીકળીશ. તારી પાછળ રહીશ. ગુંડા સમજશે કે તારી સાથે છૂપી પોલીસનો માણસ છે.’
‘યુનિફોર્મ પહેરે તો તું ઈન્સ્પેકટર જેવો લાગે. મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે તું નિયમિત નથી જીવતો, મારી જેમ કસરત નથી કરતો, છતાં આટલો ઘાટીલો અને સશક્ત કેમ લાગે છે?’
‘હું કસરતને બદલે કામ કરું છું. કશું સૂઝે નહીં ત્યારે નદીના પટમાં ઊતરી જાઉં છું. આડેધડ ચાલ્યા કરું છું. પૌષ્ટિક ખોરાક લઉં છું. સ્ટુડિયોમાં રસોડું પણ ચલાવું છું. જ્યારે તું? આખો દિવસ ચા પીધા કરતો હશે!’
‘બે ચા અને બે કૉફી, એકાદ વાર નાસ્તો બસ!’ — કહેતાં એ ઊભો થયો. ફોન પાસે ગયો. ‘હું કાર વાપરવાની ના પાડીશ તો મારા તંત્રીને ખોટું તો નહીં લાગે ને?’
‘એનો જવાબ લાવણ્યે આપવો જોઈએ.’
‘મને લાગે છે કે પત્રકારે કાર કે સ્કુટરને બદલે બસમાં જ પ્રવાસ કરવો જોઈએ. રોજ બબ્બે ગુંડાઓને છતા કરી શકાય.’
લાવણ્યની સલાહ સ્વીકારવાને બદલે વિશ્વનાથે ફોન જોડ્યો. જોડાયો નહીં. કહે: ‘તમારે પોતે રિક્ષાઓમાં ફરવું છે અને મને બસની સલાહ આપવી છે! વાહ! ચાલો, તમેય બસમાં ફરવા માંડો તો —’
‘અલ્યા પણ એ તો બસમાં યુનિવર્સિટી જશે, તારી ઑફિસની ઊલટી દિશામાં.’
‘એમ તો હમણાં કામ કાઢીને એ કોઈ કોઈ વાર યુનિવર્સિટી આવી પહોંચે છે!’
— લાવણ્યના વાક્યે બધાંને હસાડ્યાં.
જમુનાબેન નાસ્તો લાવ્યાં. વિશ્વનાથની પ્રિય મીઠાઈ એમાં હતી.
‘પહેલાં પ્રેમલ મારી મજાક કરતો ત્યારે મને ખોટું લાગતું. હવે હું એની મજાક માણી શકું છું.’
‘એનો અર્થ એ કે તારામાં ગુજરાતીપણું આવતું જાય છે.’ — કહેતાં એણે મીઠાઈનો એક ટુકડો વિશ્વનાથના મોંમાં મૂક્યો. લાવણ્ય પ્રત્યે પણ ચેષ્ટા કરવાનું મન થયું પણ પિતાજીની હાજરી નડી. પણ વિશ્વનાથ છૂટ લીધા વિના રહી ન શક્યો:
‘મને એમ કે પ્રેમલથી પ્રેરાઈને બીજું કોઈ પણ મારા મોંમાં મીઠાઈ મૂકશે!’
‘અંકલ! તમને કહ્યું!’ — લાવણ્યે વળતો દાવ આપ્યો. જમુનાબેન ખડખડાટ હસી પડ્યાં.
નાસ્તો કરી, કૉફી પી વિશ્વનાથ ઊઠ્યો. કહે: ‘મેં આજ સુધી કલામીમાંસાના કેટકેટલા લેખો લખ્યા?’ પણ જેમને વિશે લખ્યું હોય એ સિવાય ભાગ્યે જ કોઈ ચર્ચા કરતું. જ્યારે આજે? કલાક દોઢ કલાકનો સ્વાનુભવ લખ્યો એમાં તો ઘેર કેટલા ફોન આવ્યા? અહીં આવીને જોયું તો મારા કાયમી ટીકાકારો પણ પ્રસન્ન છે. આથી વધુ શું જોઈએ?’
‘યોગ્યતાની કદર થતી જ રહે છે. મોટા ભાગના માણસો જોખમ જોઈને કરવા જેવા કામને પણ ટાળે છે. પણ એ અનુભવમાં બીજું કોઈ ઝંપલાવે તો ઉમળકાથી એની કદર કરે છે. તમે સહજ ભાવે કર્તવ્ય બજાવ્યું, જોખમની પરવા ન કરી, એથી તમારું ખમીર પ્રગટ થયું.’
— લાવણ્યે ઊઠીને છેક બારણા સુધી જઈને એને વિદાય આપી. વિશ્વનાથના એ લેખ અને એના મૂળમાં રહેલી ઘટનાને સહુની જેમ ભૂલી જવાને બદલે શ્રીદેવી અને લાવણ્યે જાગૃતિ માટે એનો ઉપયોગ કર્યો. પેલા ગુંડાઓને શિક્ષા તો કરાવી જ. શાળા-કૉલેજોમાં કાર્યક્રમો યોજી અનેક યુવક-યુવતીઓ પાસે સંકલ્પ કરાવ્યા: અમે અસામાજિક તત્ત્વોનો સામનો કરીશું.
જો આમ ન થાય તો લોકશાહીએ આપેલી સ્વતંત્રતા એને જ માટે વિઘાતક નીવડે.
મિસ રાકા રાય અગાઉ આવી કશી પ્રવૃત્તિઓમાં રસ નહોતી ધરાવતી. હવે એ પણ રજાઓ આવી પ્રવૃત્તિ પાછળ ફાળવવા લાગી. એને લાવણ્ય અને શ્રીદેવી સાથે કામ કરવાનું ગમતું હતું.
નારીગૌરવને કેન્દ્રમાં રાખીને સંસ્કારપ્રવૃત્તિ કરતી સંસ્થા ‘મૈત્રેયી’ અસ્તિત્વમાં આવી. લાવણ્ય સંયોજક તરીકે કામ કરશે. શ્રીદેવી અને અન્ય મહિલાઓ પરામર્શક છે. સમાનતા, સ્વતંત્રતા, પરસ્પર સમ્માન અને વિશ્વનાં સકળ તત્ત્વો વચ્ચે મૈત્રીભાવનું સંવર્ધન એ આ સંસ્થાનો હેતુ છે. એની કાર્યવાહક સમિતિ સ્ત્રીઓની બનેલી હશે. પુરુષો શુભેચ્છક સભ્ય થઈ શકશે.
ટાગોર હૉલમાં યોજાયેલા એક સાહિત્યિક કાર્યક્રમમાં પ્રેમલ અને વિશ્વનાથ ભેગા થઈ ગયા. લાવણ્ય પ્રવક્તા હતી. પ્રેમલ કહે: પાંચ ફૂટ છ ઇંચ ઊંચી, પાતળી કેડવાળી, ભાવવિભોર આંખોવાળી અને કંચનવર્ણી કાયાવાળી લાવણ્ય પ્રવકતા તરીકે મફત સેવા આપવા તૈયાર હોય પછી તારા જેવાને કોણ આવી તક આપે?
વિશ્વનાથે કહ્યું નહીં કે એણે જ લાવણ્યના નામની ભલામણ કરી હતી અને આ જવાબદારી સ્વીકારવા માટે લાવણ્યને વિનંતી કરી હતી. એ કવિઓને ઓળખે છે અને અતિશયોક્તિ કર્યા વિના એમના સર્જન અને જીવનકાર્યનાં એવાં લક્ષણ તારવી આપે છે જેમાં શ્રોતાઓને રસ પડે, કવિઓ એ સાંભળીને ઉત્સાહ અનુભવે, નવી રચનાઓ લખવા પ્રેરાય…
બે કવિઓનાં નામ લઈને પ્રેમલ બોલ્યો: એ સાલાઓ લાવણ્યને દાઢમાં રાખીને જ લખવાના. શાબ્દિક બળાત્કાર. બીજું શું?
વિશ્વનાથને આ ગમતું ન હતું, પણ ચાલુ કાર્યક્રમે એ ચર્ચા કરવાના મતનો નહોતો. કાર્યક્રમ પૂરો થતાં પ્રેમલે એ જ વાત ઉખેળી અને ‘મૈત્રીયી’ની સંયોજક તરીકે લાવણ્ય દુષ્ટતાનો પ્રતિકાર કરીને જોખમ ખેડી રહી છે એ વસ્તુને એની સાથે જોડી. પ્રાંગણમાંથી બહાર નીકળી એક ખુલ્લી હોટલમાં કૉફી માટે ત્રણેય જણાં બેઠાં હતાં ત્યાં પ્રેમલે એ જ વાતનું અનુસંધાન કર્યું. લાવણ્યે એ ચર્ચાને અપ્રસ્તુત કહી. પ્રેમલ એથી શાન્ત થયો નહીં. કહે:
‘બીજું તો કંઈ નહીં પણ તમારા જેવી યુવતી કોઈ દુષ્ટના કાવતરાનો ભોગ બને અને બળાત્કાર —’
લાવણ્યે તીખી નજરે જોયું: ‘એ સહેલું છે?’
‘અશક્ય તો નથી જ.’ — પ્રેમલે નજર મેળવ્યા વિના કહ્યું.
‘તો શું? અકસ્માતમાં લોકોને વાગતું નથી?’ — લાવણ્યની આ દલીલ વિશ્વનાથને ગમી, પણ પ્રેમલ સંમત ન થયો.
‘આપણો સમાજ હજી સુધી તો બળાત્કારને અકસ્માત માનતો નથી.’
‘સમાજ શું માને છે એની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. હું શું માનું છું એ કહું છું. હું નિર્ભય રીતે ‘મૈત્રેયી’ની પ્રવૃત્તિઓ કરી શકીશ કેમ કે માનું છું એ રીતે વર્તું છું.’
‘તમે માનો છો એ રીતે વર્તો છો એ સારું છે પણ સ્ત્રીની જે શારીરિક મર્યાદાઓ છે એનું શું? તમારે વળી એક વધારાની મર્યાદા છે – તમારી સુંદરતા!’ — પ્રેમલ દૃઢતાથી બોલ્યો, સામે જોઈને બોલ્યો.
‘તમે મારાં વખાણ કરવા જે નિમિત્ત શોધ્યું એ રુચિકર નથી. અહીં કોઈ મનોચિકિત્સક નથી એ સારું છે. નહીં તો એ એવું અનુમાન કરત કે તમારાથી મારી સુંદરતા સહન થતી નથી.’
‘તમને ખોટું લાગ્યું?’ — વિશ્વનાથ ઝબકી ઊઠ્યો હતો. ‘મને લાગે છે કે તમારા પ્રત્યેની લાગણી અને ચિન્તાથી પ્રેમલે —’ વિશ્વનાથ બેપાંચ સેકંડ માટે રોકાયો. લાવણ્ય સાથે નજર મળતાં એને થયું કે પ્રેમલની વકીલાત કરવાની જરૂર નથી. એ બંને એકમેકને ઘણાં વરસથી ઓળખે છે. ત્યાં એને પ્રેમલના શબ્દો યાદ આવ્યા. બોલ્યા વિના રહી ન શક્યો: ‘એણે કહેલું કે એકાંતમાં પણ તમારા પ્રત્યેનો આદર ટકી રહે છે. છૂટછાટ લેવાની વૃત્તિ જાગતી નથી. એવી કશીક પવિત્ર મોહિની તમારા વ્યક્તિત્ત્વમાં છે.’
‘પવિત્ર શબ્દ પ્રેમલનો નહીં હોય!’ — લાવણ્ય સસ્મિત બોલી.
‘મેં કહેલું કે તમારી હાજરીમાં શાંતિ મળે છે, બેચેની જાગતી નથી, કામના વિકૃત થતી નથી. વિશ્વનાથે જરા સુધારીને કહ્યું. એણે પોતાના મનોભાવનું આરોપણ કર્યું. એની યુવાનીનાં મૂલ્યવાન વર્ષો પવિત્ર રહેવામાં જ પસાર થઈ જવાનાં છે. હું જરા પપ્પાની દવા લેતો આવું. તમારે નીકળવું હોય તો નીકળો.’
લાવણ્ય નીકળવા તૈયાર હોત તો વિશ્વનાથે સ્કુટર સંભાળી લીધું હોત. પ્રેમલ આજે વાહન લાવ્યો નહોતો. ચાલતો ઘેર જશે એકલો… પણ મધુકરભાઈની દવા લેવા ગયેલા પ્રેમલથી છૂટા પડવાનું લાવણ્યને ગમ્યું નહીં. બંને રાહ જોતાં ઊભાં રહ્યાં. વિશ્વનાથને ખુલાસો કરવાની તક મળી: ‘મને એમ લાગે છે કે “પવિત્રતા” એ “વિકૃત કામના”નો વિરોધી શબ્દ છે. કોઈ એમ પણ કહી શકે કે નિષ્કામ એટલે પવિત્ર.’
‘પુરુષની સ્ત્રી તરફની વૃત્તિ વિશે વાત કરતાં આ બધા શબ્દો વપરાય છે. જીવનનું આ એકાંકી દર્શન છે. વળી, આ પ્રકારની ચર્ચાનો વિષય હું બનતી રહું એ મને ગમતું નથી. “મૈત્રેયી” સંસ્થા મને કેન્દ્રમાં રાખીને સ્થપાઈ નથી. અંગત રીતે તો હું માત્ર એક રીસર્ચ સ્કૉલર છું. હું પુરુષ હોઉં કે સ્ત્રી એથી મારાં તારણોમાં શો ફેર પડશે? બોલો પત્રકારસહેબ!’
‘તમારી સાથે સંમત થવાનું ગમે પણ સ્ત્રી-પુરુષના વિજાતીય ભેદને ભૂલીને સંસાર વિશે વિચાર થઈ શકતો નથી. તમે આદર્શને યથાર્થ માનીને ઘણી વાર બોલવા લાગો છો. કદાચ સિંઘસાહેબ જેવા મહાનુભાવ માટે ફેર પડતો ન હોય. પણ તમે પુરુષ છો કે સ્ત્રી એથી શ્રીવાસ્તવ જેવા માટે ઘણો ફેર પડે છે. બલ્કે પડી ચૂક્યો છે.
આજે વાત નીકળી જ છે તો મને કહેવા દો. તમને સ્કૉલરશીપ મળી એમાં સિંઘસાહેબનો પક્ષપાત છે એ પ્રકારનું લખાણ શ્રીવાસ્તવે એક વગવાળી વ્યક્તિ દ્વારા અમારા તંત્રીશ્રીને પહોંચાડ્યું હતું, પણ એ છપાયું નહીં. કેમ કે અમારા તંત્રીશ્રી માને છે કે કોઈ વ્યક્તિને નુકસાન થાય એવું લખાણ તપાસ કર્યા વિના છાપવું ઠીક નથી. એમણે ખાતરી કરી લેવા મને જણાવ્યું.
તમારી વિરુદ્ધનું કંઈ પણ હોય એટલે મને ફાડી નાખવાનું જ મન થાય. પણ ફરજ એટલે ફરજ. તમારા કરતાં કોઈ વધુ યોગ્ય શોધછાત્ર હોય તો એને અન્યાય થવો ન જોઈએ. હું યુનિવર્સિટી બાજુ આવું એટલે તમને મળવાનું મન થાય પણ તે દિવસ મન કાઠું કરીને તમારી ગેરહાજરીમાં સિંઘસાહેબને મળ્યો. એમણે તો સીધી ફાઈલ જ કાઢી.
બધા ઉમેદવારોની યોગ્યતાની વિગતો લખાવી, ઠરાવની નકલ આપી. પછી પૂછ્યું: વિશ્વનાથ, લાવણ્ય વિશે તમે શું જાણતા નથી? તપાસ કરવી જરૂરી હતી? કે પછી મારો પક્ષપાત હોય તોપણ લાવણ્યનો બચાવ કરીને એના માથે ઉપકાર ચઢાવવા માગતા હતા?
મેં કહ્યું કે ઉપકાર કરી શકું તો ધન્ય થાઉં પણ હકીકત છુપાવીને આપના પર કે લાવણ્ય પર ઉપકાર કરવાનો વિચાર મને ન આવે. આપની શુદ્ધિ વિશે જાણું છું તેથી તો મને પણ નિષ્ઠાથી કામ કરવાનું બળ મળે છે. વળી શ્રીદેવીબહેન અને લાવણ્યના પ્રયત્નોથી તો પેલા બે ગુંડાઓ મારાં નાક-કાન કાપવામાં સફળ થાય એ પહેલાં જ જેલમાં પહોંચી ગયા હતા. હું સદા આભારી રહ્યો છું. મારા ભાગ્યમાં ક્યાંથી કે હું ઉપકાર કરવાની સ્થિતિએ પહોંચી શકું?
સિંઘસાહેબે હસીને કહેલું કે આજે તો સ્થિતિ એવી છે કે કશુંય ખોટું ન કરીએ તોપણ સજ્જનો પર ઉપકાર થાય છે. તમે મારી અને લાવણ્ય વિરુદ્ધનું ખોટું લખાણ છપાતું અટકાવી શક્યા એને પણ ઉપકાર જ ગણવો પડે. ગમ્મતની વાત એ છે કે મેં તપાસ કરીને નોંધ આપી એ પછી પણ પ્રો. શ્રીવાસ્તવ બે વાર પ્રેસ પર આવી ગયા. છેલ્લે અમારા તંત્રીશ્રીને એ મળ્યા, તેથી ઊલટાનું એમને જ વહેમ પડ્યું. એમણે મને કહ્યું કે બીજાઓને બદનામ કરવા મથનારાઓએ પોતે કશુંક છુપાવવાનું હોય છે. તમે શ્રીવાસ્તવ વિશે કંઈ જાણતાં હો તો —’
‘કોઈની વિરુદ્ધ બાતમી આપવાનું મને ગમતું નથી. હું સારી દેખાઉં એટલા માટે તો નહીં જ, સિવાય કે માણસ સદંતર દુષ્ટ હોય —’
‘એનો અર્થ એ કે શ્રીવાસ્તવ સદંતર દુષ્ટ તો નથી જ. હું એમનાં શુભકાર્યો વિશે ક્યારેક તમારી પાસેથી જ જાણીશ.’
લાવણ્યના મુખ પર મોનાલીસાનું સ્મિત ઊપસી આવ્યું. ત્યાં પ્રેમલ દવાઓ લઈને આવી પહોંચ્યો. દુકાને ઘરાકીની ભીડ હતી તેથી મોડું થયું.
‘લોકોને દવાઓમાં જેટલી શ્રદ્ધા છે એટલી ફૂલ અને ફળમાં નથી.’ — લાવણ્ય બોલી.
‘આવું કશું મારા પિતાશ્રીની હાજરીમાં બોલશો નહીં. નહીં તો એ દવા લેવાનું બંધ કરી દેશે. તપાસ કરાવી ત્યાં સુધી એમને બી. પી. હોઈ શકે એવું અનુમાન કરવા પણ એ તૈયાર નહોતા. હવે ડૉકટરનો વિરોધ કરી શકતા નથી. પણ એકલા પડે છે એની સાથે મમ્મીને પૂછે છે: મારે શું દુ:ખ છે? મને શા માટે બી. પી. હોય?’
‘તમે વનલતાનો પત્ર વાંચ્યો?’
‘હા. એ પછી ફોન પર એની સલાહ પણ સાંભળી: તું ઠરીઠામ થતો નથી એની ચિંતામાં પપ્પાનું બી. પી. વધી ગયું લાગે છે. મેં એને સામેથી પૂછ્યું: તો મમ્મીનું બી. પી. કેમ ન વધ્યું? એ કંઈ ઓછી ચિંતા નથી કરતાં. બોલે છે પણ ઘણું!’
‘બોલતાં રહેવાથી ચિંતાનું અવાજમાં રૂપાન્તર થઈ જાય!’ — કહેતા લાવણ્ય હસી પડી.
‘પ્રેમલ, તારે માબાપની લાગણીનો વિચાર કરીને જાહેરખબર આપીને યોગ્ય કન્યા પસંદ કરીને પરણી જવું જોઈએ.’
‘તું આવી સલાહ કેમ આપે છે એ હું સમજી શકું છું, વિશ્વનાથ!’ — કહીને પ્રેમલે લાવણ્ય સામે જોયું. એનો પ્રતિભાવ જાણવા ઇચ્છ્યો. વિશ્વનાથ સ્કુટર ચલાવવાને બદલે ખેંચી રહ્યો છે. એ બાજુ પોતાનું ધ્યાન હોય અને તેથી ફૂલોની દુકાન તરફ એની નજર ગઈ હોય એમ લાવણ્ય પ્રેમલને જવાબ આપવાને બદલે કહેવા લાગી:
‘જુઓ! આવા મોંઘાદાટ વિસ્તારમાં પણ ફૂલોની એક દુકાન થઈ! અરે, અહીં તો અવનવા રોપા પણ મળે છે! પ્રેમલ, તમારા બંગલાની પાછળ સારી એવી ખુલ્લી જગા છે. હા, પણ તમને તો એ ઓછી પડી. સ્ટુડિયો કર્ણિકાર —’
‘ત્યાં એક માળી રાખવા ધારું છું. અત્યારે તો ચોકીદાર પાસેથી બધું કામ લઉં છું. આછીપાતળી લીલોતરી ઊભી થઈ શકી છે ખરી —’
સ્કુટર સ્ટેન્ડ પર ટેકવીને વિશ્વનાથ ઊભો રહ્યો. કહે: ‘પ્રેમલને ઉપવન કરતાં વન વધુ ગમે છે. જ્યારે તમને —’
‘મને ગમે ફૂલફળ તમામ, એ પછી ઉપવનનાં હોય કે વનનાં.’
લાવણ્યના વાક્યનો ટેકો લઈને પ્રેમલે ટકોર કરી લીધી: ‘પોતે જે પ્રક્રિયામાંથી પસાર થવા માગતાં ન હોઈએ એને બિરદાવી શકીએ?’
વિશ્વનાથને લાગ્યું કે લાવણ્યને ખોટું લાગશે. પણ જોયું તો એના ચહેરાની એકેય રેખા ફરકી નથી.
‘હું નહોતી કહેતી? તમે મને સ્ત્રી તરીકે જ જોયા કરો છો, વ્યક્તિ તરીકે નહીં. કદાચ તમારો વાંક નથી, મારી અપેક્ષા વધુ પડતી છે.’ એણે ઘડિયાળ જોયું. યાદ આવ્યું: શ્રીદેવીબહેને એને કહ્યું હતું કે સાંજે અહીં જમજે. ટી. વી. પર ‘શાકુન્તલ’ આવવાનું છે. સિંઘસાહેબ બહારગામ ગયા છે. પોતે વેળાસર પહોંચી જાય તો શ્રીદેવીબહેનને રસોઈ કરવામાં મદદરૂપ થાય. એણે જા લીધી: ‘તમે બંને સ્કુટર પર જાઓ. હું રિક્ષા લઈ લઉં છું.’
રસ્તા ફંટાયા. લાવણ્યના જવાથી જાણે કે સ્ફૂર્તિ ઓસરી ગઈ. વિશ્વનાથને થયું કે પોતે હવે એક ડગલુંયે સ્કુટર ખેંચી ન શકે. એ જુદી વાત છે કે હવે ખેંચવાની જરૂર નથી. અને પાછળ પ્રેમલ બેસવાનો છે. આશા રાખેલી કે પ્રેમલથી છૂટા પડ્યા પછી લાવણ્યને લિફટ આપી શકાશે. પણ હવે? ફિક્કા સ્મિત સાથે એ ઊભો હતો અને પ્રેમલ પાનના ગલ્લેથી સિગારેટ અને બીજી-ત્રીજી વસ્તુઓ ખરીદી રહ્યો હતો. ધૂણી ઉડાડતોએ આવી પહોંચ્યો. કહે: તું સ્કુટર ખેંચી ખેંચીને થાક્યો હશે. ચાલ કંઈક ખાઈએપીએ.
નજીક જવાનું હતું છતાં વિશ્વનાથે સ્કુટર ચાલુ કર્યું, રોક્યું, મૂક્યું. અહીં પણ એમણે રેસ્ટોરાંની અંદર બેસવાને બદલે બહારની જગા પસંદ કરી. હવા નહોતી. સિગારેટની ધૂણી વચ્ચેથી ખસતી નહોતી. ઓર્ડર લેવા કોઈ બૅરા આવતો ન હતો. વિશ્વનાથને પ્રશ્ન થયો: પોતે ઘેર પહોંચી જવાને બદલે અહીં શા માટે આવ્યો? શાકુન્તલ જોવાનું પોતાનેય ગમત… પણ હવે પ્રેમલને મૂકીને ઊઠવું કેવી રીતે?
‘તું શું ધારે છે?’ — પ્રેમલે પૂછ્યું.
વિશ્વનાથ સમજ્યો નહીં. આશરે બોલ્યો: ઉકળાટ છે.
‘અરે મૂરખ, હું તારી પ્રેમિકા વિશે પૂછું છું.’
‘મારી પ્રેમિકા? મને કોણ ચાહે, પ્રેમલ?’
‘હવે રહેવા દે ને ડોળ કર્યા વગર, સહુ કહે છે કે —’
‘લોકોને ટેવ હોય છે, સંજોગ મુજબ જોડી દેવાની. મારી ઑફિસમાં પણ થોડા દિવસ બધાએ ગમ્મત કરી લીધી. મિસ રાકા રાય આભારની લાગણીથી મારી સામે જોતી હતી. એમ થવું સ્વાભાવિક હતું. મારે કહેવું પડ્યું: મારા ઘરમાં ભલે જગા હોય, મનમાં જગા નથી. હું કલ્પનાઓમાં જીવનારો માણસ છું.’
‘કલ્પનાઓમાં જીવે છે કે લાવણ્યને ચાહે છે?’
‘એ અંગે મને કોઈએ પૂછ્યું નહીં એ સારું કર્યું.’
‘તારી જગાએ હું હોઉં તો રાકાની ઉપેક્ષા ન કરું.’
‘તો પછી પેલા ગુંડાઓ અને મારામાં ફેર શો?’
‘ઘણો. ચોરીની વસ્તુ અને ભેટ મળેલી વસ્તુમાં હોય છે એટલો… તેં શારદાની મુલાકાત છાપી હતી. એ શારદા પછી મને ભેટ મળી હતી. યાદ આવે છે પાછી હમણાંથી એ! સાંભળ્યું છે કે મલૂકચંદ સાથે એનું લગ્નજીવન સુખરૂપ વીતી રહ્યું છે. ઈર્ષા તો નથી થતી પણ કુતૂહલ થાય છે. ખેર, વિશ્વનાથ મને પ્રશ્ન થાય છે: લાવણ્ય પુરુષો સાથે અમુક હદથી વધુ ભળતી નથી. તો પછી એ લગ્નનો નિર્ણય લઈ શકશે ખરી?’
‘પીએચ. ડી. સાથે ‘મૈત્રેયી’ની પ્રવૃત્તિઓ જોતાં લાગે છે કે એને એકલતા સાલતી નથી.’
‘આમ ને આમ એ સામાજિક કાર્યકર તો બની નહીં જાય?’
‘તું તો વસવસો કરવાની રીતે બોલ્યો.’ — વિશ્વનાથ હસ્યો, પછી પાછો વિચારમાં પડી ગયો.
‘એણે લગ્ન નથી કરવું તો પછી એ સાધ્વી કેમ બની જતી નથી?’ — પ્રેમલના આ ઉદ્ગાર વિશ્વનાથને વધુ અસંગત લાગ્યા. દારૂના નશામાં એ આવું બોલ્યો હોત તો સમજી શકાત. એ સામે જુએ છે ત્યાં એ વધુ આશ્ચર્ય થાય એવું બોલ્યો.
‘તને મળે ત્યારે કહી દેજે એને, આમ સામાજિક કાર્યકર બનવાનું છોડી દે. એ કૃતક ગંભીરતા, જાણે શોકનું આવરણ! મારાથી સહન નહીં થાય. એ આવી ને આવી સુંદર રહેશે તો હું એને માન આપીશ. પણ જો એ સાધ્વી થશે તો એની છેડતી કરીશ. તું સમજે છે મારી વાત?’
વિશ્વનાથ બોલ્યો નહીં. એને લાગ્યું કે પ્રેમલ આત્મગૌરવ ભૂલીને બબડી રહ્યો છે. એણે હમણાં પાન ખાધું એમાં તો એવું કશું આવી ગયું નહીં હોય ને?
‘પ્રેમલ, તું સ્વસ્થ છે?’
‘ના, હું સ્વસ્થ છું અને શારદાનાં ઢળેલાં પોપચાં યાદ કરી રહ્યો છું. વિશ્વનાથ, તું મારી વચ્ચે આવ્યો, શારદા લાવણ્યની વચ્ચે આવી. બે બિન્દુ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર દિશાઓ વિપરીત થતાં અનંત થઈ ગયું. તું સમજે છે મારી વાત?’
વિશ્વનાથ પાણીનું પ્યાલું પકડીને બેસી રહ્યો. બૅરાને ઊભેલો જોઈ બે આઈસ્ક્રીમ લાવવા કહ્યું.
‘દીપક સાથે લાવણ્યનું લગ્ન થઈ ગયું હોત તો? ખુદ માતાપિતા કન્યાને પારકું ધન માનીને મન મનાવી લે છે. તો તું કેમ આજે હઠે ચઢ્યો છે? એની હાજરીમાં તો તું આભિજાત્યથી વર્તે છે!’
‘એની હાજરીની એ અસર હોય છે. પણ મારી હાજરીની એના પર અસર પડતી નથી એનું શું?’
‘દીપક સાથેના અનુભવ પછી આમ થવું સ્વાભાવિક હતું.’
‘પણ ક્યાં સુધી?’
‘એ મુદત નક્કી કરનાર આપણે કોણ?’
‘થાય છે કે, થાય છે કે લાવણ્યને છેતરું —’
‘તું એટલી હદે નીચો ઊતરશે તો હું તારી સાથેનો સંબંધ સમેટી લઈશ.’
‘તને એના માટે કેમ આટલું લાગી આવે છે?’
‘લાગી આવે છે એ સાચું છે. કેમ એ તો કોણ જાણે? મને લાવણ્યનો લોભ નથી, પણ એના સ્મરણથી વધુ સારી રીતે જીવવાની પ્રેરણા મળે છે. એની સાથે આ એક જ શહેરમાં રહેવા મળે છે એને હું મારું અહોભાગ્ય સમજું છું.’
‘શું તારી બદલી નથી થવાની?’
‘પ્રોમોશન મળતું હતું. મોટો પગાર, મોટો હોદ્દો, શહેર પણ સારું – જ્યપુર, પણ મેં ના પાડી. મારાં માતાપિતા પણ અહીં હળી ગયાં છે. હવે તો હું ગુર્જર ભારતવાસી!’
‘તું લાવણ્યને પરણીને જયપુર લઈ જાય તો મને વાંધો નથી. પણ અહીં મારી નજર સામે હું તને સાંખી નહીં શકું. જેને હું ચાહી ન શક્યો એને ચાહનાર તું કોણ?’
‘તું ધીમે બોલ પ્રેમલ, બીજાઓનું આ તરફ ધ્યાન ખેંચાય છે. મને લાગે છે તું ભાનમાં નથી, છતાં પ્રયત્ન કરીને આટલું ધ્યાનથી સાંભળી લે. મારું હૃદય કહે છે કે હું લાવણ્ય માટે યોગ્ય નથી. પણ શક્ય છે કે એ દેવીના અનુગ્રહથી મારી યોગ્યતા વધે, તેથી હું અહીં જ રહીશ.
મારાં મા-બાપની બધી બચત રોકીને અમે જે મકાન ખરીદ્યું છે એ હવે વેચી શકાય તેમ નથી. મંદી ચાલતી ન હોત તોપણ અમે જે મમતાની મૂડી રોકી છે એ તો પાછી મળે તેમ નથી. વળી, લાવણ્ય ત્યાં એક વાર આવી ગઈ છે. એ કારણ પણ એવું તો મોટું છે કે હું મારા મકાનને ઘર માનીને જીવી શકું, એની હરાજી થવા ન દઉં.’
‘તું વેવલો છે. તું ચીફ એડિટર થવા યોગ્ય નથી. તું બાયલો છે, કોઈ સ્ત્રીના અસ્તિત્વનો કબજો લેવા કાબેલ નથી, મારી જેમ એકાદ શારદાને સ્પર્શવાની પણ તારી શક્તિ નથી.’
‘એ તારી શક્તિ નહિ, અશક્તિ છે. શારદા સાથેના સ્વૈરાચાર પછી તું લાવણ્ય માટે યોગ્ય રહ્યો નથી.’
‘તું તો એના વડીલની હેસિયતથી બોલવા લાગ્યો.’
‘વડીલ પણ નહીં કે વકીલ પણ નહીં, માત્ર શુભેચ્છક.’
‘શુભેચ્છક કે અંગરક્ષક?’
‘જે માણસ અજાણી રાકા રાયનો અંગરક્ષક બની શકતો હોય એ સરસ્વતીના અવતાર સમી લાવણ્ય માટે તો પ્રાણની બાજી પણ લગાવી શકે. પ્રેમલ, તું મને બહારનો માનીને ડરાવી નહીં શકે.’
‘અરે ભાઈ! તારાથી વધુ બહારનો તો હું છું. હું મારા ઘરમાં પણ કેટલો ઓછો રહું છું. હકીકતમાં તો હું મારી જાત માટે પણ બહારનો છું.’
‘વ્યસનો તને તારી જાત સાથે જોડી નહીં આપે. નક્કી, આજે તેં પાનમાં કશુંક ખાધું છે.’
‘અથવા સિગારેટમાં પીધું છે! ખરું ને! ડરપોક, સાલા વેવલા! મારી ચિંતા શું કામ કરે છે? હું તારો દુશ્મન છું. મારું ચાલશે તો હું તને લાવણ્યને બદલે રાકા રાય સાથે પરણાવી દઈશ.’
‘હવે શાંતિથી આઈસ્ક્રીમ ખા, પછી હું તને તારે ત્યાં મૂકી જાઉં.’
પ્રેમલે એક આઈસ્ક્રીમ ખાધા પછી બીજી ડીશ મંગાવી. આગ્રહ કરીને બીલ જાતે આપ્યું. ચાલવાનો વિચાર જતો કરીને સ્કુટર પર બેઠો. મધુકરભાઈ ચાલવા ગયા હતા. દવાઓ જમુનાબહેનને સોંપી. મોટર-સાઈકલની ચાવી લીધી. રસોઈ તૈયાર હતી પણ જમુનાબહેન બોલ્યાં નહીં. પ્રેમલ ચાલ્યા પછી પાછો વળતો નથી. પોતે જમવાનું કહેશે તો અપશુકન થશે. આંસુ સારતાં ઊભાં રહ્યાં. મધુકરભાઈ આવીને પૂછશે. પ્રેમલ આવ્યો? પોતે કહેશે: ગયો. મધુકરભાઈ બી. પી. ની દવા લઈને સૂઈ જશે.
વિશ્વનાથના ઘર પાસે પ્રેમલ થોડી વાર ઊભો રહ્યો:
‘તેં આજે મારી ખૂબ ચિંતા કરી. મારાં અનેક ચિત્રોમાં વ્યક્ત થયેલી બહુવિધ પરિમાણ ધરાવતી સર્જકતા તેં વખાણી છે. પણ આજે તેં ખાતરી કરાવી કે તું મને સમજતો નથી. એમાં કદાચ તારો વાંક નથી, તારા ધંધાનો છે. તમે પત્રકારો સંકુલને પણ સપાટ કરીને જ જુઓ છો. ઓવર સિમ્પ્લીફિકેશન!
યાદ છે? એક વાર તેં મારી વિરુદ્ધ લખ્યું હતું. નામ નહોતું લખ્યું પણ એ નિમિત્તે તારે મારાં વ્યસનોની ટીકા કરવી હતી. એ લખતી વખતે તું ભૂલી ગયો હતો કે હું કેટલું ઓછું ઊંઘનારો માણસ છું. કામ કરતો હોઉં છું ત્યારે રાતદિવસ જોતો નથી. વિનોદ અને વનલતા બોલાવે છે, પણ મારે અમેરિકા જવું નથી. અહીંની ગરમી ને ઉકળાટથી હું ટેવાઈ ગયો છું. ખૂબ કમાણી કર્યા પછી પણ સ્ટુડિયોમાં એરકંડિશન્ડ ઓરડો રાખવાનો નથી. બદલાતી ઋતુઓની ખાસિયતો માણવાની તક હું જતી ન કરું.
મારે વિશે તું બહુ ઓછું જાણે છે વિશ્વનાથ. અને કદાચ લાવણ્ય વિશે પણ. તારા માટે મિસ રાકા રાય બરાબર હતી. જરા વાસ્તવદર્શી બન.’
‘સલાહ બદલ આભાર. બદલામાં હું પણ તને સલાહ આપું? તને લાવણ્ય માટે પ્રેમ નથી, વાસના છે. પ્રેમ પરોક્ષ રહી શકે છે. વાસના અધીર અને આક્રમક બને છે. તું શારદા સાથે વર્ત્યો એ રીતે લાવણ્ય સાથે વર્તવાનો વિચાર પણ ન કરતો. નહીં તો હું તને માફ નહીં કરું. હું આ તને કશા દ્વેષ કે ઈર્ષાથી નથી કહેતો. તારી ચિંતાથી કહું છું. એને ખંડિત કરવા જતાં તું જાતે તૂટી જશે.’
પ્રેમલ સ્તબ્ધ થઈ ગયો. એ આજ સુધી વિશ્વનાથને વેદિયો માનતો હતો. પણ આની નજર તો પારદર્શી છે, બલ્કે મર્મભેદી છે. પોતે માત્ર લાવણ્યની હાજરીમાં જ વિવેકથી વર્તે છે. એકલો પડે ત્યારે તો કેવા કેવા મનસુબા સેવે છે? પેલું દશ્ય યાદ કર્યા કરે છે: તે દિવસ વહેલી સવારે બાથરૂમમાંથી ટુવાલ વીંટીને લાવણ્ય નીકળી હતી, સહેજમાં અથડાતી રહી ગઈ હતી. એ જ ક્ષણે પોતે એને સાહી લીધી હોત તો?
પ્રેમલ વિચારમાં પડી ગયો. આજે એવું શું થયું કે પોતે જાત સામે ખુલ્લો પડી ગયો?
(ક્રમશ:)