|

કાવ્યત્રયી ~ લતા હિરાણી

૧.  આવ ઝળહળના દેશમાં મળિયે…

અંદરના ઓરડે ઊઘડે અજવાસ અને અંધારા દૂરના દરિયે
આરપાર વહેતી આ આવન ને જાવન લઈ અઢળકના કાંઠે અવતરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે…

નરવી આ ધરતી ને નરવું આકાશ, હવે નરવા તે ગાન ગણગણિયે
કલરવના ઘૂંટ પી, પાંખોના દેશમાં, થઈને આકાશ ફરફરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે…

એકાંતો ઉજવતા જળની સંગાથે, લે બેસી જા ટીપાંને તળિયે
મનભાવન ભીનાશો પહેરેલી પળને તો છાતીમાં સંતાડી દઈએ
આવ ઝળહળના દેશમાં મળિયે…

દિશ-દિશના પગરવો પડઘાતા પંડમાં, હરદમ હોંકારામાં ભળિયે
પ્રગટે છે પ્રાણ અને ઊઘડે આનંદ રે, સૂરમાં સહજના સરિયે
આવ ઝળહળના દેશમાં મળિયે…
           ~ લતા હિરાણી

૨.  શબ્દો મારાં……

એકલતામાં હાથ પકડતા, અંધારામાં દીવો કરતા
મનગમતા રંગોમાં વસતા, હળવે હળવે હૈયું હરતા
અને છતાં કેવા નખરાળા, ખોવાયાં છે શબ્દો મારાં….

વાણીની શરૂઆત હતા એ, રથના અશ્વો સાત હતા એ
કોરે કાગળ ઉઘડી જાતા, ચાંદા તારલિયા એ રચતા
ક્યારે કેમ થયાં એ આળાં, ખોવાયા છે શબ્દો મારાં …

એ સાથે તો વાત હતી કંઇ, રણઝણતી સોગાત હતી કંઇ
મેઘધનુ શા એ વીંટાતા, ઝાકળ થૈ મન ભીનું કરતા
એના વિણ ખોયાં અજવાળાં, શોધી રહી છું શબ્દો મારાં…

ઓગાળી નારાજી આવો, નિજમાં સૂર છલકાવી આવો
ઉજવેલા ઉમંગો લાવો, શ્વાસોના સરવાળા લાવો
આવો તોડી સો સો તાળાં, આવો રે હે શબ્દો મારાં…

કવિતાનો એ ઘાટ થઈને, એ દિવસો એ રાત લઈને
લયનો કોમળ સાથ લઈને, વળગો ને હૂંફાળા થઈને
વેરો પારિજાત રૂપાળા, આવો રે હે શબ્દો મારાં…
   ~ લતા હિરાણી

૩.   આવીને કોણ ઊભું બારણે?

ઊગતી પરોઢમાં કિરણોના દીવા લઈ આવીને કોણ ઊભું બારણે!
ઝરમરતી વાત ને ફરફરતી જાત થઈ સરસરતી લ્હેર કોને કારણે?
આવીને કોણ ઊભું બારણે?

આંખોમાં અટવાતા અંધારા આટોપી ખોલી દે અબરખ અટારીઓ
ઝાકળને ઝોળીમાં ઝાડ પર ઝુલાવે એ ટશરોની ખોલે પટારીઓ
હળું હળું ખીલતી ને ખુલતી સુગંધોને હળવે હીંચોળે છે પારણે
આવીને કોણ ઊભું બારણે?

આખુંયે આભ વહે વાદળના ગાભ મહીં, કલરવની કરતું ઉજાણીઓ
સરવરમાં સળવળતા સોનેરી અસબાબે, અવતારી અણદીઠ સરવાણીઓ
કોળેલાં તરણાં ને ઝરણાંના કંઠમાં ગૂંજન છે અનહદને આંગણે
આવીને કોણ ઊભું બારણે?
~ લતા હિરાણી

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 Comments

  1. જયશ્રીબેન,તમે લતાબેનની ઉત્તમ કવિતાઓ કાવ્યત્રયીમાં આપી છે. ધન્યવાદ.

  2. આભાર જયશ્રીબેન અને ટીમ. સવારના પહોરમાં મજા આવી ગઈ.