|

અપરાધી ~ વાર્તા ~ વસુધા ઈનામદાર 

વત્સલા અને કુણાલની આંખોની જેમ સમગ્ર વાતાવરણમાં સફેદ નિરવતા પ્રસરાયેલી હતી. ક્યારેક કુણાલની આંખોનો રંગ બદલાતો. એમાં ગુસ્સો, તિરસ્કાર અને દુઃખની છાયા અવારનવાર આવીને પેલી નિરવતાને ક્ષુબ્ધ કરી જતી. વત્સલાની આંખમાં વિરાટ પશ્ચાત્તાપી રણ ફેલાયેલું હતું. સમ ખાવા પૂરતુંય આંખમાં આંસુનું ટીપું નહોતું, નર્યો અપરાધી ભાવ !

ચિત્રો દોરવાનો શોખ વત્સલાને પ્રસિદ્ધિ, સન્‍માન અને લોકોનો પ્રેમ અપાવતો રહ્યો. ક્યારેક એનાં દોરેલાં ચિત્રો એને અઢળક પૈસા પણ અપાવતા. માતૃત્વનો વિષય લઈને દોરેલાં ચિત્રોએ એને ઊંચી દરજ્જાની કલાકાર બનાવી હતી. ભાત-ભાતનાં રંગો અને પીંછી વડે દોરેલાં એનાં ચિત્રો માતૃત્વનું ગૌરવ કરતાં ,પણ પોતાના પુત્ર ચિંતનનું જીવન રંગ વગરના ચિત્ર જેવું હતું.

ચિત્રકાર વત્સલાના પતિ હીરાના વેપારી હતા. ચિંતન માટે કોઈ પણ  વસ્તુ તેઓ વિના સંકોચે ખરીદી શકતા પણ ચિંતનને તો માત્ર માતા-પિતાનો સહવાસ અને તેમની હાજરી જોઈતી હતી. રાત પડે ત્યારે તે આયાને પૂછતો , “મમ્મી ક્યારે આવશે? તને ખબર છે, હું પહેલા નંબરે પાસ થયો છું. મારે આ વાત પપ્પા-મમ્મીને કહેવી છે. હું પપ્પાને ફોન કરું? હું ગેટ આગળ જઈને ઊભો રહું?”.

આયાને કહેવાનું મન થતું, “મોટું ઘર, મોટી ગાડી અને ઘરમાં સુખ સમૃદ્ધી વસાવનારાં ઘરમાં ઓછું અને બહાર વધારે જીવતાં હોય છે.” પણ તે ચિંતનને કશું કહેતી નહીં. માત્ર કરુણાથી એની સામે જોઈ રહેતી પ્રેમથી એનો હાથ પકડીને ટી.વી. આગળ બેસાડતી. ચિંતન પછી સૂઈ જતો.

સમય જતા ચિંતન એમની ગેરહાજરીથી ટેવાતો ગયો. હવે તે બાલમંદિરમાં નહીં  પણ પ્રાથમિક શાળામાં ભણતો થયો. ચિંતન ક્યારેક વિચારતો કે તે છેલ્લા પપ્પા અને મમ્મી સાથે ક્યારે જમ્યો હતો? મમ્મી હોય તો પપ્પા ન હોય, ડાઈનીંગ ટેબલ પર  એમની ખુરશી ખાલી રહેતી. ચિંતન જીદ કરીને ખાલી ખુરશી આગળ આયા  પાસે  થાળી  મુકાવતો. એ  મમ્મી -પપ્પાને ક્યારેક ફરિયાદ કરતો, ને કહેતો તમે નથી હોતાં ને ત્યારે તમારી ખુરશી સામે જોઈને હું ખાઉં છું.”  વત્સલાનું મન ચિંતનની વાતોથી દુભાતું, “બસ બેટા, આ છેલ્લું જ પ્રદર્શન. આ છેલ્લું જ ચિત્ર…”  કહેતાં કહેતાં દિવસ, મહિના અને વર્ષો વીતી ગયાં.

ચિંતન દસ વર્ષનો થયો ત્યારે એના બર્થ ડે ની ખૂબ મોટી પાર્ટી રાખવામાં આવી હતી. પપ્પાના વ્યાપારી મિત્રો અને મમ્મીના પ્રશંસકોને  બોલાવવામાં આવ્યાં હતાં. ચિંતન પપ્પા પર  નારાજ હતો.  “મમ્મી, આ બર્થ-ડે મારી છે કે પછી…!’ વત્સલાએ કહ્યું, “તારા મિત્રોને પણ બોલાવીએ.”

“ના, મારે તો તમારાં બંને સાથે બર્થ-ડે ઊજવવી હતી, નહીં કે  તમારાં મિત્રો સાથે.”

‘આ છેલ્લી જ વાર. હવે પછી તું, હું અને તારા પપ્પા.’

ચિંતન ધીરેધીરે ભણવામાં ઓછું ધ્યાન  આપવા લાગ્યો. દરેક વિષયના શિક્ષકો એને ભણાવવા ઘરે આવતા. તે ક્યારેક ટ્યુશનમાં નહીં બેસવાના બહાનાં કાઢતો. કોઈક વાર સ્કૂલના મિત્રોને  ઘરે પણ બોલાવતો એમને ચિંતનની વસ્તુઓમાં, એના કમ્પ્યુટરમાં કે ઇલેક્ટ્રિક રમકડાંમાં જ રસ હતો. ચિંતનના બંગલા આગળ ઊભેલી ગાડી અને બંગલાની ભવ્યતા જોઈને તેઓ કહેતા, “ચિંતન, તું કેટલો નસીબદાર છે. તારી પાસે બધું જ છે. તારી તો મમ્મી પણ ફેમસ છે.” એણે પછી મિત્રોને બોલાવવાનું  બંધ કર્યું .

વત્સલાનાં ચિત્રોના પ્રદર્શન ભરાતાં. ચિત્રકલાના પ્રેમીઓ એની ભરપેટ પ્રશંસા કરતા. એના માતૃત્વ પ્રગટ કરતાં ચિત્રોથી લોકો પ્રભાવિત થઈને એમાંથી પ્રેરણા લેતાં. એ ચિત્રોમાં બાળકને ખોળામાં લઈને બેઠેલી  કે સ્તનપાન કરાવતી, બાળકને સ્નાન કરાવતી કે સુવાડતી અથવા માથે સ્નેહથી હાથ ફેરવતી, બાળકને ચુંબન કરતી, માતાના અનેક સ્વરૂપને તે પીંછી  અને રંગો વડે દર્શાવતી.

બાળકની આંગળી પકડીને સ્કૂલે દોરી જતી માનું ચિત્ર જોઈને ચિંતને પૂછ્યું હતું, “મમ્મી, આ ચિત્રની જેમ મને પણ આંગળી પકડીને સ્કૂલે લઈ જાને!’
“અરે !તું તો સરસ મજાની ગાડીમાં બેસીને જાય છે.” ચિંતને આગ્રહ કર્યો.
વત્સલાએ  નમતું મૂક્યું અને તે દિવસે  ચિંતન એના ક્લાસમાં સહુને કહેવા લાગ્યો, “આજે મારી મમ્મી મને સ્કૂલે મૂકવા આવી હતી.”
ત્યારે પેલી ચબરાક સિમરન બોલી ઊઠી, “એમાં શું? અમારી મમ્મી તો રોજ અમને મૂકવા આવે છે.”

વત્સલાનાં ચિત્રો કોફી પુસ્તક રૂપે પ્રગટતાં. એ પુસ્તકનું નામ એણે “મમતા” રાખ્યું હતું.

ચિંતન માએ દોરેલાં ચિત્રો તરસી આંખે જોઈ રહેતો. “મા, મને પણ ખોળામાં લઈને બેસને! આ ચિત્રની જેમ! “હમણાં નહીં. મારે થોડી વારમાં નીકળવું પડશે. આજે આપણા દેશના ખૂબ મોટા ચિત્રકાર ઉદઘાટનમાં  આવવાના છે. મને આવતા મોડું થશે.”

વત્સલા ઘરે હોય ત્યારે ચિંતન પાછળ પાછળ ફરતો. ક્યારેક માના  રંગ અથવા પીંછી સંતાડી દેતો ને કહેતો, “તું મારી સાથે સંતાકૂકડી રમ, તું મને શોધી કાઢ, હું તારી પીંછી શોધી આપું.”

વત્સલા હસી પડતી. કબાટ ખોલીને બીજી પીંછી લેતી ને ફરી ચિત્ર દોરવામાં મગ્ન બની જતી. ચિંતનને  થતું, મા મારી પર ગુસ્સો  કરે, પછી મને પ્રેમથી મનાવી લે. પણ એવું કશું થતું નહીં. એ વિચારતો મમ્મી ખોટુંખોટું કેમ હસે છે. એના રંગ ઢોળી દઉં? પીંછી ફેકી દઉં? આ ચિત્ર જેના પર મૂક્યું છે તે સ્ટેન્ડ તોડી નાખું ?” પણ આમાંનું એ  કશું કરી શકતો નહીં. ચિંતન ડરપોક બની ગયો હતો.

એકવાર એણે વત્સલાને કહ્યું, “તારા ચિત્રમાંનું બાળક મારા જેવું કેમ નથી દેખાતું, મમ્મી? તું મારાં અને તારાં ચિત્રો કેમ નથી દોરતી? આ બાળક કોણ  છે? એની મમ્મીને તું ઓળખે છે?’ વત્સલાના દોરેલાં એક ચિત્ર સામે જોઈને એણે કહ્યું  હતું,  “માની પાછળ દોડતા બાળકનું  ચિત્ર કેમ દોર્યું? એ મને નથી ગમતું. મને થાય છે કે હું એ બાળક છું ને તું પેલી મમ્મી.”

વત્સલા ચૂપ રહી. એકવાર એણે કહ્યું હતું, “મમ્મી, હું બારણે તારી રાહ જોતો ઊભો હોવું ને અંધારું પડી જાય  એવું ચિત્ર દોરને? “
“હું અમેરિકાથી પાછી આવીશ ત્યારે તું કહે એવું ચિત્ર દોરી આપીશ “
“મમ્મી તું પ્લેનમાં એકલી જવાની ? “
“ચિંતન, તારી સાથે પપ્પા છે, આયા છે.”
પણ માની વાત સાંભળી ન સાંભળી કરીને તે બોલ્યો, “મમ્મી, હું એક વિમાન દોરું ? એમાં તું અને હું જ હં કે? એમાં આપણે ખૂબ ખૂબ ઊંચે જઈશું. બસ ઊડ્યાં જ કરીશું. તારે ચિત્રો નહીં દોરવાના. ભગવાને દોરેલું મેઘધનુષ્ય તે જોયું છે ?”

વત્સલાના હૃદયમાં તીરની જેમ એ વાક્ય ખૂંપી ગયું. એને થતું ચિંતન મારો સાથ ઝંખે છે. આ અમેરિકાની ટ્રીપ પતે પછી એ વિશે ગંભીરતાથી વિચારવું જ પડશે.

અમેરિકાથી પાછાં આવ્યાં પછી પણ ચિંતનને તે સમય નહોતી આપી શકતી. તે દિવસે ચિંતનના સ્કૂલમાં રજા હતી. એણે પૂછ્યું હતું , “મમ્મી, આજે તારે ચિત્ર દોરવાનું નથી ને !’

“ ના, પણ મારે આજે બાળકને ચિત્ર અને કલા પ્રતિ અભિમુખ કઈ રીતે કરવા એ વિશે બોલવાનું છે.”

ચિંતનને પૂછવું હતું, “અભિમુખ એટલે શું? “ પણ એ એટલું જ બોલી શક્યો. “મા, મને પણ અભિમુખ કરને !’ વત્સલા હસી.

કુણાલ ક્યારેક કહેતો, “આપણે બંને જણાં ઘરમાંથી બહાર જઈએ છીએ તે ચિંતન માટે સારું  નહીં, એવું તને નથી લાગતું?” વત્સલાએ પ્રત્યુત્તરમાં સંમતિપૂર્વક ડોક હલાવી હતી.

એક દિવસ, અચાનક, ચિંતન એક જીવલેણ કાર અકસ્માતમાં ચાલ્યો ગયો. વત્સલા અને કુણાલ જાણે સામસામે  ઊભેલાં વૃક્ષની જેમ એકબીજાને તાકી રહ્યાં. કેટકેટલા આશ્વાસન એમને લોકો તરફથી મળ્યા હતા. સફેદ બગલાના ટોળાની જેમ તેઓ આવતા ને થોડીક ક્ષણો ચિંતનને યાદ કરી, વ્યવહાર સચવાયાના આનંદ સાથે પાછાં વળતાં!

કુણાલને વત્સલાને કહેવાનું મન થતું કે, “આમાં મારો જ વાંક. ધંધામાંથી સમય કાઢીને…”

વત્સલાને પણ કુણાલ પાસે દિલ ખોલીને કહેવું હતું કે, “ના, ના, મારો જ વાંક છે. હું ઉચ્ચ કક્ષાની કલાકાર બની, પણ સામાન્ય મા ન બની શકી. મા-બાળકના પ્રેમના પ્રદર્શન ભરાય એટલાં ચિત્રો દોર્યા, પણ મારા બાળકની ઉપર સ્નેહભર્યો પાલવ ન ઢાળી શકી.”
આમ તો બંને જણાંને એકબીજા તરફ આંગળી  ચિંધવાની પણ ઈચ્છા તો થતી પણ એમયે કરી નહોતાં શકતાં. આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા જેટલીય નિકટતા પણ એ બંને વચ્ચે નહોતી રહી.

ચિંતનને  ગયે ચાર વર્ષ થયાં. કુણાલ વિચારતો આજે નહીં તો કાલે, વત્સલા પૂર્વવત થશે, કાંઈ નહીં તો પોતાનાં ચિત્રોમાં મન પરોવશે પણ એના મનની દશા વણસતી ગઈ. એ ક્યારેક અત્યંત વ્યથિત થઈ જતી અને ચિંતનને યાદ કરીને રડ્યાં કરતી તો ક્યારેક એકદમ ગુસ્સે થઈને એનાં જ ચિત્રો ફેંકવા માંડતી. એનાં આ બદલાતા મૂડને સમજવાનું કે સંભાળવાનું મુશ્કેલ થઈ ગયું હતું. કુણાલે વત્સલાને સાઈકાયટ્રીસ્ટ પાસે લઈ જવાનું નક્કી કર્યું.

સાઈકાયટ્રીસ્ટે કહ્યું, “કેટલીક માનસિક બીમારી કોઈ ઊંડા આઘાતને કારણે થાય છે. પરિણામે તેઓ વાસ્તવિકતાથી જુદી જ દુનિયામાં જતા રહે છે. એથી એમની વ્યક્તિગત લાગણીઓ આપણને અતિકાલ્પનિક અને અવાસ્તવિક લાગે. માનસશાસ્ત્રમાં “બાયપોલાર ડીસઓર્ડર”ની વાત પ્રમાણે ક્યારેક વધુ પડતો વિષાદ જીવનને ગમગીન બનાવી મૂકે તો વધુ પડતો આનંદ માનવીને બહેકાવી શકે છે. આ બંને માનસિક ખલેલના પરિણામ છે. એકનો એક પુત્ર ગુમાવ્યાનું દુખ કલાકાર જીવ માટે અસહ્ય છે. એમની લાગણીઓ અને ખાલીપો બીજી તરફ વાળવાનો આપણે પ્રયત્ન કરીશું.”

કુણાલ એક રીતે તો જિંદગીથી કંટાળી ગયો હતો અને હતાશ પણ થઈ ગયો હતો. એને સતત ડંખતું હતું કે પોતે સારો પિતા ન બની શક્યો અને એનો રંજ એને હવે સારા પતિ બનવા માટે પ્રેરિત કરતો. તે હવે વધુ સમય વત્સલા સાથે વિતાવવાનો પ્રયત્ન કરતો. બંને સાથે જમવા બેસતાં, ચિંતનની ખાલી જગ્યાએ વત્સલા થાળી મુકાવતી ને કહેતી, “ચિંતન, ચાલ જમી લે.” ક્યારેક અભાનપણે બાઈને ખાવાનું વારંવાર ગરમ કરવાનું કહેતી. “ચિંતન, કેટલું નહાવાનું ?” ચાલો ચાલો સ્કૂલમાં મોડું થશે.” એમ કહી બાથરુમ આગળ ઊભી રહેતી.

વત્સલા ઘરમાંથી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. સાંજ પડે ચિંતન આવવાનો છે, કહી અંધારું થાય ત્યાં સુધી ગેટ આગળ એની રાહ જોતી .કુણાલથી આ બધું જોવાતું નહોતું. ચિત્તભ્રમ થયેલી વત્સલાની ગાંડપણભરી વાતો સાંભળીને એનું હ્રદય ચિરાઈ જતું હતું.

કુણાલ વત્સલાને લઈને મેન્ટલ હૉસ્પિટલમાં આવ્યો હતો. ડોક્ટર સાથેની વાતચીત દરમિયાન એણે વત્સલાના વર્તનની વાત કરતા કહ્યું, ”એ હવે તો રસ્તે જનાર છોકરાને ચિંતન કહીને બોલાવે છે!” વત્સલા તો પોતાની ધૂનમાં જ કશુંક બબડ્યા કરતી હતી.
ડૉક્ટરે વત્સલા વિશેની વાતો સાંભળી. તેઓ કશું કહે તે પહેલાં જ ઓચિંતું જ વત્સલાએ કહ્યું ,”ડૉક્ટર, મારો ચિંતન મને છોડીને જતો રહ્યો.” ને તે  મોટેથી રડવા લાગી. ડૉક્ટરે એને સમજાવવાનો પ્રયત્ન  કર્યો, અને નર્સને કોઈ દવાનું ઈંજેકશન આપવાનું કહ્યું,

વત્સલા જ્યારે જાગી ત્યારે એ વોર્ડ નંબર અગિયારમાં હતી. એણે ‘કુણાલ, કુણાલ‘ કહી બૂમો પાડવી શરૂ કરી.
એની બૂમો સાંભળી ડોક્ટર પોતે જ આવ્યા. “વત્સલાબહેન, આ બધું શું છે?”
વત્સલાએ કહ્યું “આ બધું પુત્ર વિયોગથી જીવતી એક અપરાધી માતાનું ગાંડપણ છે!”

“ચાલો, મારી સાથે ઓફિસમાં બેસીને વાતો કરીએ.” ડોક્ટર હળવેકથી  એમનો હાથ પકડીને ઓફિસ તરફ લઈ ગયા. “બેસો, વત્સલાબહેન. તમે તો મોટા ચિત્રકાર છો. તમને ખબર છે ને કે ચિંતન  આપણને છોડીને ઈશ્વર પાસે જતો રહ્યો છે અને ત્યાં ગયેલા પાછા નથી આવતા. તમે એકવાર ચિંતનના મૃત્યુને સ્વીકારી લો. એમ થશે તો આ આઘાતની કળમાંથી તમે બહાર  આવશો.”

“ડૉક્ટર, મેં માનો પ્રેમ ચિત્રોમાં બતાવ્યો. હું જે પ્રત્યક્ષ નહોતી કરી શકતી, તે રંગ અને પીંછી દ્વારા જગતને કહેતી, પણ મારો ચિંતન ઘરમાં સુખી નહોતો, એ મને એના જીવતાં કદી ન દેખાયું. માતા-પિતાના પૈસા અને પ્રસિદ્ધિ એને કોઈ કામના નહોતાં. એ અમારા પ્રેમ માટે તરસતો હતો. સાવ સામાન્‍ય બાળક, પણ ખૂબ ભાવનાશાળી.” વત્સલાની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યાં હતાં.

ડૉક્ટરે વત્સલાને ટિસ્યુબોક્સમાંથી એક નેપકીન આંસુ લુછવા આપ્યું.

પછી આંસુ લૂછીને એણે આગળ કહ્યું, “એની ઉંમરના મિત્રો રમતમાં, ટી.વી.માં કે સેલ ફોનમાં અથવા તો પોતાની મનગમતી અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા, ત્યારે ચિંતન  મારાં દોરેલાં ચિત્રોને સમજવાની મથામણમાં રહેતો. એણે મારા બે ચહેરા જોયા, એક કલાકારનો જે સંપૂર્ણ લાગ્યો હશે, અને બીજો માતાનો જે ધૂંધળો અને અપૂર્ણ!”

આટલું બોલીને એ બારીની બહાર શૂન્યનજરે એકાદ મિનિટ જોતી રહી. ડૉક્ટર પણ ચૂપ રહેવાનું ઉચિત સમજીને બેઠા રહ્યા. પછી રૂમમાંની ખામોશીનું આવરણ ચીરીને વત્સલા આગળ કહે, “મારા દોરેલાં ચિત્રોમાં એ પોતાને શોધતો હતો. હું કેવી મા, મારા રોમરોમમાંથી સર્જાયેલી એ કલાકૃતિના જીવનમાં વાત્સલ્યનાં રંગ ના પૂરી શકી. ડોક્ટર,ત્યા રે મને સાઇકોલૉજીસ્ટની જરૂરત હતી. હવે મારી કલા અને મારા જીવનનો કોઈ અર્થ નથી. માના પ્રેમને તરસતી એ બે અબોલ આંખો મારી આગળથી હટતી નથી. ડૉક્ટર, બોલો હું શું કરું?”

“તમે એમ કરો થોડો સમય આ હૉસ્પિટલમાં રહો. દવા અને અમારી સાથેની વાતચીત તમને મદદરૂપ  થશે. એકવાર  તમે મારા  દીકરાની સ્કૂલમાં ગયાં હતાં, એને પ્રથમ ઈનામ તમારા હાથે મળ્યું હતું. તમારે એ ફોટો ફરીથી જોવો છે?”

“ના, પણ તમારી પાસે ચિંતનનો ફોટો છે?”

“મારી પાસે હમણાં તો નથી, પણ તમે તો ફોટા જોયા વિના પણ એનું ચિત્ર દોરી શકો, ખરું ને? તો, લો, આ રંગો અને પીંછી. તમે ચિત્રોમાં તમારું મન પરોવો. આપણે ફરી આર્ટ ગેલરીમાં ચિત્રોનું પ્રદર્શન ગોઠવીશું.”

ડૉક્ટરે પ્રિસ્ક્રીપ્શનનું પેડ લીધું. એમણે ઘંટડી વગાડી.

“આમને એમની રૂમમાં લઈ જાવ.”

“મને ? ના… ના… ચિંતનને આવવાનો સમય થશે. મારે ઘેર જવું છે. ડૉક્ટર તમે સમજતા કેમ નથી?” વત્સલા એકદમ ગુસ્સે થઈ ગઈ. એનું વર્તન એકદમ જ બદલાઈ ગયું.

એટલામાં બીજી નર્સ આવી. બંનેએ એમને પકડીને કહ્યું ,”ચાલો”

નર્સની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કરતાં એ બોલ્યાં , “ક્યાં લઈ જાવ છો મને? મારે મોટું ઘર છે. મારી પાસે પૈસા છે. હું એક પ્રસિદ્ધ ચિત્રકાર છું. મારા પતિ મારાથી ત્રાસી ગયા છે, કેમ કે હું ચિતનનું રટણ કરું છુ. હું એની મા છું. ગુનાહીત માનસવાળી એની અપરાધી મા! હું તો આમેય પાંજરામાં પુરાયેલી છું. મારે ચિંતનની જેમ મુક્ત થઈ જવું છે. હું વિમાનમાં ઊડી રહી છું. મારા જિગરના ટુકડાને શોધું છું. ચિંતન અહીં આવ, હું તારું ચિત્ર દોરવાની છું. જો આમ હાલવાનું નહીં. તને ગમે એવું ચિત્ર દોરવાની છું.“ વત્સલાનો અસંબધિત પ્રલાપ ચાલુ રહ્યો હતો.

ડૉક્ટરના કહેવાથી નર્સે એને બીજું ઈંજેકશન આપ્યું. એની ઉત્તેજના ધીમેધીમે ઓછી થઈ.

ડૉક્ટર વિચારતા રહ્યા કે આ સમજણપૂર્વકનું ગાંડપણ છે કે આત્મપીડન! એમના જેવા ભાવનાશાળી કલાકારે પુત્રનું મૃત્યુ સ્વીકારવું ખૂબ જરૂરી છે. ડૉક્ટર વત્સલાના ચાર્ટમાં એના ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટની નોટ્સ લખવામાં મશગૂલ થઈ ગયા.
****
થોડા દિવસ પછી વત્સલા હોસ્પિટલમાંથી  ભાગી ગયાના સમાચાર મળ્યા. જતાંજતાં તેઓ એક ચિત્ર ડૉક્ટરને માટે મૂકતાં ગયાં અને એ હતું, દોડતાં બાળકને પકડવા જતી માતાનું ચિત્ર! સાથે એક ચીઠ્ઠી હતી, “ડૉક્ટર, દરેક શ્વાસે ચિતનનું સ્મરણ એજ છે હવે મારું પ્રાયશ્ચિત! મનનો આ તલસાટ ગાંડપણ નથી પણ પશ્ચાત્તાપની શરૂઆત છે. કોણ જાણે, ક્યા જન્મે આ પ્રાયશ્વિત પુરૂં થશે? આ ફાની જગતમાં અને કદાચ આ દુનિયાની બહાર કોઈ બીજી દુનિયા હોય તો ત્યાં, આ ન  જીરવી શકાય એવી એકલતા અને વેદના જ હવે મારા સાથી છે. મારા ગુનાહીત માનસને કોઈ ઘર નથી, કોઈ સંબંધ નથી, આત્મપીડનની ચરમસીમા જ શું ચિંતનને પામવાનો માર્ગ હશે કે નહિ, એનીયે ખબર નથી. પણ, આત્મપીડન મને એક સુકુન આપે છે, એ પણ એટલું જ સત્ય છે. આ હોસ્પિટલ કે મારું પોતાના ઘરનું પિંજર હવે આ ઘાયલ પંખિણીને નહીં રોકી શકે. મારે આ પાંજરામાંથી બહાર નીકળવું જ રહ્યું, એ પણ શક્ય એટલા વહેલાં! મને ખબર ,છે ચિંતન પરલોકમાં પણ મારી રાહ જોઈને ઊભો હશે, અહીં જેમ દરવાજે રાહ જોતો ઊભો રહેતો હતો એમ જ સ્તો! તો, ચિંતન ખૂબ દૂર નીકળી જાય, બીજા જનમની સફરે, તે પહેલાં મારે એની માફી માગવી જ રહી. મને શોધવાની તમે કોઈ કોશિશ ન કરતાં. “

વત્સલાને ત્યાર પછી કોઈએ કદી જોઈ નહિ.

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. કીર્તિ, કારકિર્દી પાછળની આંધળી દોટ પાછળ જ્યારે જીવનની સૌથી મૂલ્યવાન ક્ષણો વેડફાઈ જાય ત્યારે તો વ્યક્તિને એનો અંદાજ પણ નથી હોતો, પણ જ્યારે એ સમજ આવે ત્યારે આભાસી સુખ, યશ, નામના બધું જ એળે લાગે. દીકરાની ઝંખના અને માની પીડાની હૃદયસ્પર્શી વાત.