રોથનબર્ગનું ટોર્ચર મ્યુઝિયમ અને અન્ય કથાઓ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:46 ~ ઉત્કર્ષ મઝુમદાર
પોલીન સ્ક્વેરથી પાછા હોટેલ તરફ ફરતાં રસ્તામાં કેપ્ટન પત્નીએ અહીંની બહુ વખણાતી મીઠાઈ જે આકારમાં આપણા લાડવા જેવી લાગે તે ‘સ્નેબાયલ’ લીધી.
અમે બધાએ થોડી થોડી ખાધી પણ મઝા ન આવી. એના કરતા આપણી જુદી જુદી સામગ્રીમાંથી બનેલી લાડવા આકારની મીઠાઈઓ વધુ સ્વાદિષ્ટ લાગે. બીજી એક વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ માર્કેટિંગનો જમાનો છે. સ્થાપિત હિતો એવી હવા ફેલાવે કે એ લોકો એને સાચી માનતા થઇ જાય.
ફરતા ફરતા સાંજ થઇ ગઈ. રાત્રિ ભોજનનો, ભૂલ્યો, સાંજ ભોજનનો સમય થવા આવ્યો હતો એટલે ફરી એક રેસ્ટોરન્ટ ખોળી ભોજન પતાવી હોટેલ પાછા ફર્યા ને જે સૂતા તે વહેલી પડે સવાર.
બીજા દિવસે રાબેતા મુજબ વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી સામે હોટેલની જ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા પહોંચી ગયા. નાસ્તામાં મઝા આવી ગઈ. નાસ્તો પતાવી પાછા ભમરચકરડીયે નીકળી ગયા.
રસ્તો હવે જાણીતો થઇ ગયો હતો. એટલે પહોંચી ગયા મ્યુઝિયમ જોવા. આ કોઈ કલાકૃતિઓ જોવાનું મ્યુઝિયમ ન હતું. આ તો હતું મધ્યકાલીન યુગનું ટોર્ચર મ્યુઝિયમ એટલે કે ગુનેગારોને ટોર્ચર કરવાની અવનવી પદ્ધતિઓ દર્શાવતું મ્યુઝિયમ.

એ જમાનામાં માણસને રિબાવવા માટે જે રીત રસમો અપનાવાઈ હતી તે જોનારના ગાત્રો ઢીલા કરી નાખે એવી હતી.

યાદ રહે જુદા જુદા ગુના સબબ માનવ પર અત્યાચાર ગુજારવાની આ બધી સત્તાવાર રીતો હતી એટલે સત્તાધીશ જ ખુદ આવી બેરહેમ રીતો અપનાવતા.

અહીં છેલ્લા હજાર વર્ષનો ગુનાખોરીનો ઇતિહાસ ને એને ડામવા લેવાયેલા પગલાંની ઝલક મળી. ‘મોન્કસ ઓફ સેન્ટ જ્હોન’ નામના ભૂતપૂર્વ મઠના સંકુલની અંદર ધાર્મિક શિક્ષણ આપતી શાળાની અંદર આ મ્યુઝિયમ આવેલું છે.
ત્રણ માળ અને ભંડકિયું ધરાવતા આ મકાનમાં જોવા માટે કોઈ ગાઈડ હોતો નથી. અંગ્રેજીમાં બધું લખાણ ઉપલબ્ધ હોવાથી વાંધો આવતો નથી.
એ વખતે જેલોની ખાસ ભૂમિકા નહોતી. ત્યાં તો આરોપીને મુકદમો ચાલે એ પહેલા અથવા મોતની સજા આપતા પહેલા રાખવામાં આવતો
ખૂન, ચોરી ચપાટી, છેતરપિંડી, પરિણીત સાથીને દગો દેવાના આરોપસર એમ વિવિધ પ્રકારની સજાઓ ફરમાવામાં આવતી.

જાણીને નવાઈ લાગશે કે હાનિકારક કૂથલી કરવાના આરોપસર પણ સજા થતી. અરે બે ઝગડાળું સ્ત્રીઓ કે દંપતીને પણ સજા થતી.
કૂથલી માટે પકડાયેલાઓને લોખંડના બનેલા જુદા જુદા મોહરા પહેરાવી ચકલે અમુક કલાકો ઊભા રાખતા જેથી આવનાર જનાર બધાની નજરે તેઓ પર પડે ને નામોશી ચોંટી જાય કાયમી.

કૂથલી કરનારને લાંબા કાન, ચશ્માં, લાંબી જીભ વાળો લોખંડનું મોહરું પહેરાવાતું. બ્રેડ લોકોનો રોજિંદો ખોરાક એટલે કોઈ બેકરીવાળાએ બ્રેડ રોજ કરતા નાની અથવા હલકી બનાવી હોય તો એને પીંજરામાં બંધ કરી પાણીના ટબમાં માથું ડુબાડાતું ને થોડી વાર તરફડાવી માથું બહાર કઢાતું ને ફરી એ ક્રિયા કરાતી.

નખ કેવી રીતે ઊતરડવાના, લાકડાના પાટિયા પર માણસને સુવાડી બાંધી દઈ બંને છેડેથી ખેંચવામાં આવતો જ્યાં સુઘી પેલો એના ગુનાની કબૂલાત ન કરે.
આવી યાતના આપે તો જેણે ગુનો ન કર્યો હોય તે પણ કબૂલ કરી દે. કબૂલાત કરાવવા માટે ચારે બાજુથી લોખંડના ખીલા જડેલી ખુરસીમાં બાંધી બેસાડતો, વિવિધ પ્રકારના ડામ દેવતા જે આખી જિંદગી દેખાતા રહે. જોતાં જ જો કમકમાટી ઉપજે તો જેના પર આ થતું હોય તેની તો શી દશા થતી હશે?

ક્રૂરતાભર્યા અત્યાચાર આચરવા માટેના વિવિધ યંત્રો બનાવતા. એનું આખું વિજ્ઞાન વિકસાવેલું. એના મેન્યુઅલ્સ બનાવેલા.

સૌથી ક્રૂરતા ડાકણો તરીકે ઘોષિત થયેલી સ્ત્રીઓની પર આચરાતી. બંધ પંખુડીઓ જેવું એક સાધન રહેતું તે પેલી કહેવાતી ડાકણોના ગુપ્તાંગોમાં અંદર નંખાય ને પછી ક્રમશઃ પેલી બંધ પંખુડીઓને ખોલતા જાય જે કારમી વેદના થતી હશે એની કલ્પના પણ થથરાવી મૂકવા સમર્થ છે.
આટલું વાંચતા જ જો તમે કંપી ઉઠ્યા હો તો વિચાર કરો જોતા તો શું શું થઇ જાય પણ આ જાણકારી રાખવી એટલા અંતે જરૂરી છે કે આપણને ખબર પડે કે આજે માનવ હક્કોની દુહાઈ દેતા પશ્ચિમના દેશોમાં પણ મધ્યયુગમાં કેવી પરિસ્થિતિ હતી.
એ યુગને અંધારિયો યુગ અમસ્તો નથી કહેવાયો. એ સમય દરમ્યાન ન્યાયપદ્ધતિ કેવી હતી એનો અણસાર પણ પ્રાપ્ત થાય છે.
મકાનની બહાર પણ અમુક વસ્તુઓ પ્રદર્શન માટે રાખવામાં આવેલી જેમ કે ઘોડાગાડી સાથે બનાવાયેલું પાંજરું જેમાં ગુનેગારને ઊભો રાખી ગામમાં ફેરવવામાં આવતો.

મ્યુઝિયમ જોઈને અમે બહાર નીકળી પાછળ ભાગમાં આવેલા એક બીજા મકાનમાં ગયા ત્યાં ખ્રિસ્તી ધર્મમાં સુધારાનો ઝંડો ફરકાવનાર માર્ટિન લ્યુથર જેમણે પ્રોટેસ્ટન્ટ પંથ સ્થાપ્યો એનું નાનકડું મ્યઝિયમ જોયું.

ફરી પાછા મુખ્ય બજાર માર્ગ પર ફરતા રહ્યા ને પછી બપોરનો સમય થતા રેસ્ટોરન્ટ માં ભોજન પતાવી પાછા હોટેલ પર વામકુક્ષિ કરી, બહાર જવા તૈયાર થઇ ગયા.
અમે બહાર નીકળ્યા ને જોયું કે એક મધ્યકાલીન જમાનાના ગણવેશધારી સૈનિકોનું બેન્ડ ફરતું હતું. અમે એની પાછળ પાછળ ફરવા લાગ્યા. પાંચેક મિનિટ પછી તેઓ એક રેસ્ટોરન્ટ આગળ આવીને ઊભા રહી ગયા.
સરદાર લાગતા માણસે થોડું ભાષણ કર્યું ને પછી રેસ્ટોરન્ટ માલિકે પેલાને બીયરનો જગ આપ્યો. પેલાએ પીધો ને પછી બીજા બધાને આપ્યું. એ પીને બધા અંદર ગયા.
કેપ્ટને કહ્યું “હવે પેલા ઘડિયાળની બહાર નીકળેલા બે માણસોની કથા કહે.” બંદા તૈયાર જ હતા.
“કથા બહુ લાંબી છે પણ ટૂંકાણમાં પતાવું છું. વાત બહુ જૂની છે સમજોને પાંચસો વર્ષ જેટલી જૂની. સન 1631માં બનેલી. જર્મનીમાં ખ્રિસ્તી ધર્મમાં બે તડા પડી ગયા હતા. એક તે રોમવાળો કેથેલિક ને બીજો માર્ટિન લ્યુથરે પ્રવર્તેલો પ્રોટેસ્ટન્ટ.
બંનેને બાપે માર્યા વેર જેવું થઇ ગયેલું. આ નગર પ્રોટેસ્ટન્ટ પંથી તે એની ઉપર ચાલીસ હજારનું પાદશાહી સૈન્ય લઈને કેથલિક કાઉન્ટ તિલ્લી આવી ચઢ્યો.

એની સામે રોથેનબર્ગ ટક્કર ઝીલી શક્યું નહિ. નગરનું ધનોતપનોત કાઢવાના નિર્ધાર સાથે આવેલો તિલ્લી નગરમાં પ્રવેશવા સફળ નીવડ્યો. એણે નગરજનો દ્વારા ખંડણી સ્વીકારવાની, રુશ્વત લેવાની ના પાડી, એમની દયાની માંગણી પણ સ્વીકારી નહિ.
બધું લૂંટીને નગરજનોને ગોળીએ ઉડાડી દઈ પછી જ પાછો જવાનો નિર્ધાર જણાવ્યો. કોઈ કારી ફાવી નહિ એટલે પેલી ઘડિયાળ જ્યાં હતી તે કાઉન્સેલર્સે ટાવરમાં ઉત્તમ સ્થાનિક વાઈનનો મોટો જગ ધર્યો.
તિલ્લીએ 3.25 લિટરવાળો એ વાઈન પીધો ને એનો મિજાજ જરા હળવો થયો. અચાનક એના મનમાં વિચાર સ્ફૂર્યો ને એણે નગરજનોની રેવડી દાણાદાણ કરવાનું વિચારી, એલાન કર્યું. જો કોઈ સ્થાનિક વ્યક્તિ એકીશ્વાસે આખો જગ ગટગટાવી જાય તો એ બધાને જીવતદાન આપશે પણ જો પડકાર ઝીલનાર નિષ્ફળ જશે તો એનું ડોકું ઉડાડી દેવામાં આવશે.
લોકોમાં સોપો પડી ગયો. એવું અશક્ય કામ તો કોઈ કેવી રીતે કરી શકે? છેવટે નગરના નોશ નામના નગરપતિએ પડકાર ઝીલ્યો. એકીશ્વાસે આખો 3.5 લિટર વાઈન એ ગટગટાવી ગયો.
કાઉન્ટ તિલ્લી તાજ્જુબ થઇ ગયો ને એણે એનું વચન નિભાવ્યું. કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર એ તેના લશ્કર સાથે પાછો જતો રહ્યો.
નગરજનો આ બીનાથી એટલા ખુશખુશાલ થઇ ગયા કે તેમણે આ વાતને ચારે તરફ ફેલાવી અને સન 1881માં આ ઘટના પર નાટક લખાયું ને ત્યારથી દર વર્ષે નગરજનો એ નાટક ફેસ્ટિવલમાં ભજવે છે. બધા નગરજનો એમાં એક્ટર તરીકે હોંશે હોંશે ભાગ લે છે.
અમુકના માટે આ આખી કથા કપોળકલ્પિત છે પણ લોકોને એની સાથે કોઈ લેવાદેવા નથી. એમને તો આ કથા નગરનું ગૌરવ વધારનારી ને ઉજવવા જેવી લાગી એટલે ઉજવ્યા કરે છે વર્ષોના વર્ષથી. તેથી જ પેલા ડંકા વખતે બે પૂતળા બહાર આવ્યા હતા તેમાંથી એક કાઉન્ટ તિલ્લી હતો ને બીજો હતો ગામનો નગરપતિ નોશ.”
કેપ્ટન કહે, “વાહ કલાકાર વાહ અમે સૌ આફ્રિન છે તારા ઉપર. આજે સાંજે ડિનરમાં તને જોઈએ એટલો વાઈન પીવડાવવામાં આવશે.”
નિશ્ચિન્તે તરત જ હવા કાઢી “ઉત્કર્ષ,સાંભળ, છકી નહિ જતો, પેટ પારકું નથી.”
મેં વાત આગળ ચલાવી, “નગરજનોને થયું હાશ! આપણે બચી ગયા પણ તેઓ ઉલમાંથી ચૂલમાં પડ્યા.”
એક દુશ્મનનું સૈન્ય ગયું ને બીજા દુશ્મને આવીને કાળો કેર વર્તાવ્યો. પ્લેગે દેખા દીધી ને માણસો ટપોટપ મરવા લાગ્યા. હાહાકાર મચી ગયો. આનો ઉપાય શો?
ગામના ભરવાડોને થાય, ચાલો કૂવા આગળ નૃત્ય કરીએ, ભલે કરો પણ એની કોઈ અસર થઇ નહિ. બધાએ સામૂહિક પ્રાર્થના કરવા માંડી તો પણ પ્લેગ જવાનું નામ ન લે, એ તો બમણા જોરથી ત્રાટક્યો.

ગામના લોકો મૂંઝાયા એમાં કોઈકે વાત ફેલાવી કે પેલા યહૂદી લોકોએ કૂવામાં ઝેર નાખ્યું છે એટલે આમ થયું છે બસ પત્યું. એમણે બધા યહુદીઓને તડીપાર કરી દીધા.”
કોઈકે પૂછ્યું, “લોકો આમ કેમ કરતા હશે?” તો જણાવું, “સમૂહ જયારે ટોળામાં પરિવર્તિત થઇ જાય છે ત્યારે તર્કને બાજુ એ મૂકી અતાર્કિક વર્તન કરી બેસે છે.”
વાત આગળ વધારતા મેં કહ્યું, “આ પગલાંથી પણ પ્લેગનો કહેર શમ્યો નહિ. જયારે આ કાળો કેર અટક્યો ત્યારે આખું નગર તબાહ થઇ ગયું હતું. અડધી વસ્તી ઓછી થઇ ગઈ હતી ને આર્થિક ફટકો તો એવો જબરદસ્ત પડ્યો કે આગળ બસ્સો વર્ષ સુધી નગર બેઠું ન થઇ શક્યું.
આજે બધા નગરની વાહ વાહ કરતા કહે છે કે એમણે નગરનું સ્થાપત્ય કેવું સરસ રીતે સાચવ્યું? બધું એમ ને એમ રહેવા દીધું. તો એમાં એમની કશી કમાલ નથી. ધનજીભાઈની ગેરહાજરીને કારણે ગામ કંગાળ થઇ ગયું હતું. મકાનો તોડીને નવું બનાવવાના પૈસા નહિ અરે, નગરમાં કશુંય બદલવાના પૈસા નહિ.
અઢારમી સદીમાં ચિત્રકારોની નજરમાં આ ગામ આવ્યું તેઓ એના ચિત્રો બનાવવા લાગ્યા જેનાથી પ્રવાસીઓ અહીં આવવા આકર્ષાયા ને ગામ લોકોને થાય આપણને દલ્લો મળી ગયો છે. સુખનો સૂરજ ઉગવાનો છે. બશર્તે તેઓ ગામ જેમ છે તેમાં જ રહેવા દે
કોઈ પણ જાતના ફેરફારો ન કરે ને કરવા દે તો. તેથી રસ્તાઓ પણ ડામર કે સિમેન્ટ કોન્ક્રિટના નહિ પરંતુ કોબાલ્ટ એટલે કે પથ્થરના રહ્યા છે. તેમણે આને માટે કાયદાઓ બનાવ્યા એનો ભંગ કરનારા માટે કડક દંડની ને સજાની જોગવાઈ કરી.
બહારના કોઈને પણ અહીં આવી કારોબાર કરવો હોય તો રોથેનબર્ગના કાયદાનું ચુસ્ત રીતિ પાલન કરવું પડે. એટલે જ તો મેકડોનાલ્ડ પણ અહીં એનો લોગોનું પ્રદર્શન નગરના કાયદા અનુસાર કરે છે.”

(ક્રમશ:)