ચંપાની મા (એકોક્તિ) ~ ઉમાશંકર જોશીની વાર્તા “મારી ચંપાનો વર”નું પાત્ર “લક્ષ્મી” ~ લે. એકતા નીરવ દોશી ~ એકોક્તિ સ્પર્ધા કૃતિ-૯
“હમણાં ઈ આવતાં હશે, જરાક હાડલો તો હરખો ઓઢી લઉં. જો ને કેવી લઘરવઘર ફરું સુ. આ કાચય મુઓ હામુ નથી જોતો હાવ એવી લાગું સુ.”
(જરાક માથા ઉપર હાથ ફેરવે છે. અરીસામાં પોતાને નીરખી રહે છે. શરમાઈ જાય છે.)
“જો તો લખમી જરાય ઓળખાય એવી રઈ સો? યાદ સે ને, તારી સોનેરી લટું અને રૂપેરી રંગ ઉપર તો આખુંય જગ ઓળઘોળ ઉતું. વળી કેટલાય જુવાનિયા તારા મલકાટ ઉપર હાયકારો કાઢતા. બધું વિલાઈ ગયું સે.”
(અરીસામાં સરખું જોવે અને બધાની સામે ફરે.)
“હા, તે વિલાઈ જ જાયને. ચંપાના બાપુ હારે હજુ તો બે દિવાળીય ન’તી જોઈ અને એ અમને બેયને નોધારાં મેલીને લાંબે ગામતરે હાલી નીકળ્યા. મારી તો ઉંમર જ હુ હતી. વાળ ઉતારી લીધા પસી ય ધોળા હાડલામાં મારું રૂપ નોતું માતું તો આખાય ગામના મરદો કામનું પુસવાને બા’ને હાલ્યા આવતા. તે વરી બાઇયુંય ઓસી નોતી કાંઈ? ઈમના સોકરાવને મોકલ્યા કરતી અને રામી જેવી બાયું હો …. હાય હાય.”
(જીભ દાંતમાં દબાવે)
“તે હવે શું થયું તારા ઈ રૂપને? આ ચંપાને ઉછેરવામાં એવી તો કેવી લાગી પડી કે ન જાતનું ભાન રાયખું ન ઓરતા રાયખા અને હવે કાચમાં જાતને તો પિછાણી હકતી નથી.”
(ફરી અરીસામાં જોવે)
“હા રે, મારી ચંપાને કેવી મોટી કયરી? લખમી મટીને રઈ ગઈ ખાલી ચંપાની મા. હવે તો હું એના સુખે સુખી. લાખોમાં એક હોય એવો ગોત્યો ચંપાનો વર. ભલે ને, બીજવર રયા તોય પૂનમલાલ કેવા હાચવે.
મને તો પે’લેથી જ ખબર હતી, ઈ મારી ગોઠણ ગૌરીને કેટલું હાચવતા. ઈ તો કરમફૂટલી કે સુખ જોવા જીવતી નો રઈ. સુખી ખોયડાના પૂનમલાલ હવે તો મારી ચંપાના વર. હમણાં ઈવડા ઈ આવતા જ હસે. ચંપા તો એના ઘર ને છોડીમાં પડી હોય, પણ ઈવડા ઈ તો રોજ એકવાર મોઢું દેખાડી જ જાય.”
(રાજી થતી તૈયાર થતી હોય એવું)
“હાય, હાય મુઈ લખમી, તને વળી આ ઉંમરે હું હુજે છે. આ પૂનમલાલ આવતા જ આટલું હેત કેમ ઉભરાય સે? હા, ભલેને નાનપણમાં હારે રમીને મોટા થયા’તા પણ હવે તો તું ઈમની હાહુ. ઈ તારી ચંપાનો વર છે. તારા કાળજાના કટકા ચંપાનો ધણી, હમજે સ ને!.”
“ચંપાના બાપા સરગે સીધાવ્યા ત્યારે તો મેં પૂરી વિહ દિવાળી ય નો’તી જોઈ, પણ જીવવા હાટુ ચંપા હતી ને! અને હવે ચંપાને વરાવ્યા પછી… ચંપા અને ઈનો વર.”
(આંખમાં જરાક આંસુ આવે અને લૂછી નાખે છે.)
“આખીય જુવાની તો રંડાપામાં કાઢી અને હવે ગલઢેગઢપણે હું થાય સે તને લખમી. પાંત્રી સત્રી વરહ તે કાંઈ ઉંમર છે, હજવા-ધજવાની?
“પણ હુ કરું કાંઈ હમજાતું નથી. પૂનમલાલને જોતા જ મનમાં ઓરતા ફરી કેમ ઊગે સે? રોજ રોજ નાનાં-મોટાં કામનાં બા’નાં કાઢીને ઈમને બોલાવવા, ઈમને તાકતા રહેવું, આ બધું હુ કરવા, લખમી?”
“ખબર સે ને.. જમાઈ તો દીકરા હરખો ગણાય પણ તું?”
(એક ખૂણામાં બેસી જાય છે.)
“પણ વળી લે, ઈ દીકરા હરખા ક્યાંથી કે’વાય? ઈ તો મારા જેવડા જ સે, હારે રમીને મોટા થયા સીએ, ઈ મારા ભેરુ પેલા.”
(માથે ઓઢેલો છેડો ખેંચતા.) “ફટ્ટ રે, મુઈ જરાય લજવાતી નથી?”
“પણ …પણ એ ય હોતે મને કેવા જોતા રે છે! ચંપાના બાપુ આવી રીતે જોતા કે નઈ એ તો હવે યાદ ય નથી રયું. પણ પૂનમલાલ બઉ માયાથી જોવે સ હોં. એમના હાટુ તો હરખો હાડલો ઓઢવાનું મન થાય છે, બાકી કોના હાટુ? પાણીનો કળશ્યો દેતાં હાથ અડી જાય તો આઘો કરવાનું ક્યાં હુજે સે. ઈમને ય નઈ ને મને ય નઈ.”
(ઊભી થઈ બેચેનીમાં આમતેમ ફરે છે અને ફરી એક ખૂણે બેસી જાય છે. )
“ના, ના! હવે એમને નઈ બોલાવું. એમની નજરું નઈ જીરવાય. ભલેને આખાય જગથી છુપાવું, પણ ઉપરવાળાથી કાંઈ સાનું થોડું સે? ઉપર જઈને જવાબ દેવાનો છે.”
(નક્કી કરતી હોય એમ આમતેમ ફરે.)
“પણ આ જો એમણે નાનપણમાં મારેલો પાણકો હજુ ય આ ડાબી કોણીમાં ઘા રૂપે હાચવ્યો છે. હમણાં તે દી’ ઈમને કમખાંની બાં ઉંસી કરી દેખાઇડો તયેં આંખેથી જ કેવો મલમ લગાઈડો’તો. જાણે કે’તા હોય કે એ પાણો તને વાગેલો એવી ખબર હોત તો તો તારી બેનપણી ગૌરીની બદલે તને જ વરત. એવું થયું હોત તો ચંપા એમની જ છોડી.…”
(થોડું મલકે છે પણ પછી પાપ થઈ ગયું હોય એમ સાડલો માથા ઉપર ખેંચે છે.)
“હે ભગવાન! બસ કર લખમી! હૈયાને લગામ દે. સોકરીનો તો વિચાર કર. માની આખીય જાત ઉપર કાળું ટીલું લગાડવા બેઠી સો. ના, ના હવે તો નક્કી સે. પૂનમલાલને બોલાવીસ ય નઈ અને ચંપાના ઘેર ય નઈ જાઉં.”
(એક દૃઢ નિર્ણય લે છે. વાળ અવ્યવસ્થિત કરી નાખે છે.)
“આ બારણું કોણે ખખડાઈવું હસે. આ સમય આમ તો ઈમના આવવાનો જ છે, પણ એ આયવા હસે તો ગમે તે કઈને ડેલેથી જ પાછા વાળીશ.”
(દરવાજો ખોલે છે.)
“હેં, સું કયો સો? ના.. ના નો હોય! હા, હા, અબઘડી ચંપાને ઘેર પહોંચું છું. એને કે’જો જરાય ચિંતા ન કરે. આ એકે હજારા જેવી એની મા બેઠી સે ને!”
(ઉતાવળે થેલીમાં થોડાં કપડાં ભરે છે.)
“લખમી… રોકાઈ જા. છોકરીને એનું ઘર સાચવવા દે. હમણાં સુ નક્કી કયરું હતું, ભૂલી ગઈ?”
“લે… ચંપા તો નાનું બાળ કહેવાય. એને થોડી ખબર પડે? પૂનમલાલ માંદા હોય તો જવું જ પડે ને! મારી ચંપામાં તો હજુ અક્કલ જ કેટલી? એના બાપુ ગયા ત્યારે મારી પાહે કોઈ ઓથ હોત તો કદાચ એના બાપુ…
ના, ના, ચંપાને માંદગી હાચવતાં નો આવડે. હું સુ ને ચંપાની મા.. અને અને ભગવાન નો કરે ને જો પૂનમલાલને કાંઈ થઈ જાય તો મારે તો એક જ ભવમાં બીજી વાર ….”
(ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.)

ektanb@gmail.com
ખૂબ સરસ, નાટકીય સત્વ સભર.