આવી પહોંચ્યા પ્રાચીન નગરી રોથનબર્ગમાં ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:45 ~ ઉત્કર્ષ મઝુમદાર
ડકાઉ કોન્સંટ્રેશન કેમ્પનો અનુભવ બહુ જ હૃદયદ્રાવક રહ્યો. મન ઉદાસ થઇ ગયું, એક માણસ બીજા માણસ સાથે કેટલી ક્રૂરતા, બર્બરતાથી વર્તી શકે તેનું આ વરવું ઐતિહાસિક પ્રમાણ હતું.

બે કલાકથી વધુ સમય ગાળીને અમે ‘રોથનબર્ગ ઓબ દે તાઉબર‘ નામના એક નાના કસ્બા તરફ જવા નીકળ્યા. અહીંથી ત્યાં સુધીનું અંતર બસ્સોને ત્રીસ કિલોમીટર હતું ને પહોંચતા અઢી કલાક જેટલો સમય લાગવાનો હતો.
સફરમાં બધા શાંત હતા પછી નિશ્ચિન્તે અચાનક પૂછ્યું “હમ રોથનબર્ગ કયું જા રહે હૈ?”
કેપ્ટન કહે “કલાકાર, પત્નીને જવાબ આપો.”
“એ તો આપવો જ પડશે. પરણ્યા હૈ તો છૂટકા હૈ ક્યા?” મેં કહ્યું ને જણાવ્યું,
“મધ્યકાલીન સમયનું આ બહુ જતનથી સચવાયેલું ગામ છે. દુનિયાભરથી પ્રવાસીઓ આની મુલાકાતે આવે છે. ખાસ તો આ ગામ ‘રોમાન્ટિક રોડ‘નો ભાગ છે.”
કેપ્ટન પત્નીએ લાગલું જ પૂછ્યું, “આ રોમાન્ટિક રોડ એ શું છે?”
પ્રત્યુતરમાં મેં કહ્યું “બીજા વિશ્વ યુદ્ધ પછી જર્મની આર્થિક રીતે કંગાળ થઇ ગયું હતું. આમદાનીનો નવો સ્ત્રોત ઊભો કરવો પડે તેમ હતો. ઓછું રોકાણ ને ઝાઝુ વળતર ને ત્વરિત વળતર માટે પ્રવાસન ઉદ્યોગ બહુ હાથવગો છે. જર્મન ટ્રેવેલ એજન્ટોએ એક યોજના ઘડી કાઢી, નામ આપ્યું ‘રોમાન્ટિક રોડ‘.
![]()
વુર્ઝબર્ગ શહેરથી તે ફુસ્સેન સુધીના માર્ગને આ નામ અપાયું. અહીં સારા એવા પ્રમાણમાં કિલ્લાઓ. કેસલ્સ ને રળિયામણી જગ્યાઓ હતી. મધ્યકાલીન સમયમાં આ વેપારી માર્ગ તરીકે ઓળખાતો. આજે ઘણા પરદેશી પ્રવાસીઓને મન આ માર્ગ જર્મનીની સાંસ્કૃતિક ને જોવાલાયક દ્રશ્યોનું સારતત્વરૂપ લાગે છે.
ટ્રાવેલ એજન્ટ્સનો હેતુ બર આવ્યો ને આ માર્ગ પ્રવાસીઓથી થોડા વખતમાં ધમધમતો થઇ ગયો. આ વાત પુરવાર કરે છે કે લાંબા ગાળાની દ્રષ્ટિ હોય તો કેવા સફળ પરિણામો આવી શકે.
હિન્દુસ્તાનમાં તો આવી જુદી જુદી ‘થીમ‘ પર અસંખ્ય ટુર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ને આકર્ષી શકાય. ભારતમાં કંઈ કેટલુંય પડ્યું છે. જરૂર છે એક નક્કર અભિગમની.
કોઈકે તરત જ પૂછ્યું “પણ શહેરનું આવું લાંબુંલચક નામ શું કામ? કેવું વિચિત્ર નામ ને બોલતા તો તકલીફ પડી જાય.”
“એ ખરું પણ અર્થ સમજાઈ જતાં એટલું ક્લિષ્ટ નહિ લાગે. રોથનબર્ગ એટલે લાલ રંગનું (અહીંના ઘરો બધા લાલ નળીયાના છે} તેથી લાલ રંગનું કિલ્લેબંધ નગર, જે ટોબર નદીની ઉપર ઊંચાઈએ આવેલું છે.

આ નગરની સ્થાપના સન 1170માં થઇ હતી જયારે સ્ટાઉફ કેસલનું બાંધકામ શરુ થયું. નગરનો ઇતિહાસ બહુ રસિક છે. એને ફ્રી ઈમ્પૅરિઅલ સિટીનો દરજ્જો મળેલો.”
“એટલે શું?” એવો સવાલ પાછલી સીટ પરથી આવ્યો.
“આ બધા પ્રદેશ પર હકુમત હોલી રોમન એમ્પાયરની હતી. આપણે ત્યાં જેમ નાના નાના રજવાડા ને ઠકરાતો હતી એમ અહીં પણ હતી ને એ બધા સ્થાનિક લોકો પર ભાયાતો કે રાજકુમારો રાજ કરતા; પણ એમના પર આખરી સત્તા પેલા હોલી રોમન એમ્પાયરની રહેતી.
જે શહેરને ફ્રી ઇમ્પિરિઅલ સિટીનો દરજ્જો મળતો એ સીધું એમ્પાયરની હકુમત તળે આવતું. એમના પર કોઈ ભાયાતો કે કોઈ રાજકુમારોની હકુમત ન રહેતી. વળી કિલ્લેબંધ નગર હોવાથી દુશ્મન સૈનિકોના હુમલા સામે રક્ષણ મળતું.”
વાતમાં ને વાતમાં ને આસપાસના સુંદર દ્રશ્યો જોતા જોતા રસ્તો ક્યારે કપાઈ ગયો તેનો ખ્યાલ પણ નહિ આવ્યો.

અમે લગભગ ત્રણની આસપાસ અહીં આવી પહોંચ્યા. અહીં અમારો મુકામ હોટેલમાં હતો. નામ હતું હોટેલ ગરની. નાની સરસ મઝાની બુટિક હોટેલ હતી. અમદાવાદની પોળમાં એક જમાનામાં જેમ અંદર દાખલ થવા માટેના દરવાજા હતા એમાં અહીં પણ દરવાજો હતો. જે રાતે બંધ થઇ જાય ને તમારી પાસેની રૂમની ચાવીથી ખુલે.
અંદર દાખલ થતાં નાનું શું આંગણું આવે, જમણી બાજુ પર રિસેપ્શન ને રેસ્ટોરન્ટ અને ડાબી બાજુએ બધા રૂમ્સ. સામાન બધો રૂમમાં ગોઠવી અમે બપોરના ભોજન માટે બજાર જવા ચાલતા નીકળી પડયા.

સાત મિનિટની અંદર અમે ગલી-કૂંચીઓમાંથી પસાર થઈને આવી પહોંચ્યા નગરના મુખ્ય રસ્તા પર. ગલીઓમાં બધે શાંતિ છવાયેલી હતી. એમ જ લાગે કે તમારા સિવાય કોઈ છે નહિ ને મુખ્ય રસ્તા પર અનેક લોકોની ચહેલપહેલ.
માર્કેટ પ્લેટઝ એટલે કે બજાર ચોકમાં આવીને ઊભા રહ્યા. સામે હતો નગરનો ભવ્ય ટાઉન હૉલ જાણે કોઈ કેસલ જ જોઈ લો. આગમાં બળી ગયા પછી સોળમી સદીમાં નવેસરથી રેનેસાંસ શૈલીમાં બંધાયેલા આ ટાઉન હોલના ટાવરમાં બસ્સો વીસ પગથિયાં ચઢીને તમે ઉપર સુધી જઈ નગરનો આસપાસનો માહોલ માણી શકો છો, અલબત્ત અઢી યુરોની ટિકિટ લેવી પડે.

નીચે આવેલા ભંડકિયામાં વાઈન ભંડાર છે ત્યાં તમને ઐતિહાસિક પરિવેશમાં સજ્જ વ્યક્તિ 1631માં બનેલી ઘટનાનું વર્ણન કરે ને તમને વાઈનની પ્યાલી નહિ પરંતુ મોટો જગ જ આપે. આને માટે તમારે માત્ર છ્યાંસી યુરો ખર્ચવા પડે.
ટૂંકમાં પશ્ચિમના દેશો એ પ્રવાસીઓ પાસેથી પૈસા કઢાવવાની અવનવી પદ્ધતિ ખોળી કાઢી છે અલબત્ત તમને અવનવા યાદગાર ને અલાયદા અનુભવ માણવા મળે. જેમ કે માત્ર બાર યુરો ખર્ચો કે તમને આ મધ્યકાલીન સમયના મશહૂર નગરના એ વખતના સુભટ (નાઈટ્સ) કે ઉમરાવ કુટુંબની સ્ત્રીઓ જે વસ્ત્ર પરિધાન કરતી એ વસ્ત્ર પરિધાન પહેરી તમે એના ફોટા પડાવી શકો.
એ વિશાળ બજાર ચોકમાં ઉનાળામાં અહીં સંગીતના જલસાનું આયોજન થાય, હિસ્ટ્રી ફેસ્ટિવલ અને ઈમ્પૅરિઅલ ફેસ્ટિવલ યોજાય તો શિયાળામાં ક્રિસમસ માર્કેટ ભરાય.

બાજુમાં સેન્ટ જ્યોર્જ ફુવારો આવેલો છે. એક વેળા પોતાના ઢોરઢાંખર વેચવા આવતા વેપારીઓ પોતાના ઢોરોને આ ફુવારાનું પાણી પીવડાવતા. નગરની ઘણી બધી ‘વૉકિંગ ટુર્સ‘ અહીંથી યા તો ટાઉન હોલના પગથિયાં પાસેથી શરુ થાય છે.
આ ટાઉન હોલની બાજુમાં ઉપરથી ત્રિકોણ આકારને એની ઉપર ટાવરવાળું એક રેટસ્ત્રીનક્સસ્ટુબર યાને કે કાઉન્સિલર્સ ટાવરેન તરીકે જૂનું મકાન છે જેની બહારની બાજુંમાં 1683ના વર્ષનું એક ઘડિયાળ છે જે આજે પણ કામ કરે છે. એની ઉપર 1768નું સન ડાયલ છે.

અમે ત્યાં હતા ને એ મકાનની સામે લોકોના ટોળાં જમા થવા લાગેલા ને ઘડિયાળ તરફ તાકી રહેલા. અમને અચરજ થયું પણ એટલું સમજાઈ ગયું કે એ ઘડિયાળની આસપાસ કૈંક બનવાનું છે.
પાંચના ટકોરા થયા ને ઘડિયાળની બાજુમાં આવેલી બે બારીઓ ખુલી ને એકમાંથી એક લશ્કરી અફસર ને બીજામાંથી એક સામાન્ય માણસના પૂતળા બહાર આવ્યા. સામાન્ય માણસ એના હાથમાં રહેલા મોટા મગ ને મોઢા સુધી લઇ આવ્યો.
આ ઘટના સવારે દસથી રાતના દસ સુધી કલાકે કલાકે થાય છે. એકઠાં થયેલા પ્રવાસીઓ તો આ જોઈ હસતા હસતા વિદાય થયા અમે બાઘાની જેમ એકમેકને તાકી રહ્યા. અમારા લીડરે મને આદેશ આપ્યો કે આની કથા તું જાણી અમને કાલ સુધીમાં જણાવ.
મેં કહ્યું, “જે હુકમ નામદાર પણ પેટમાં કૂકડા બોલવા લાગ્યા છે. ક્ષુધા તૃપ્તિની કોઈ વ્યવસ્થા થાય તો સારું.”
કેપ્ટને તરત એક રેસ્ટોરન્ટ ખોળી કાઢી. જર્મનીમાં એક સારું સુખ છે. મોટે ભાગે રેસ્ટોરન્ટની બહાર મેનુ કાર્ડ લગાવ્યા હોય એટલે અંદર શું મળશે, કેટલી કિંમતનું હશે એવી અવઢવમાંથી તમે ઊગરી જાવ, એથી અંદર જઈને પાછા ન આવવું પડે.
બધાને માફક આવે એવી રેસ્ટોરન્ટ શોધી કાઢી. અમે રોજ જુદા જુદા પ્રકારના ભોજન આપતી રેસ્ટોરન્ટ શોધી લેતા એટલે અમને વૈવિધ્ય મળી રહેતું.
ભોજન પતાવી અમે ટહેલવા નીકળ્યા. રસ્તામાં આવ્યું 1485માં બંધાયેલું સેન્ટ જેમ્સ ચર્ચ બહારથી ભવ્ય લાગતું હતું. ને અંદરથી પણ એના સ્ટેંન ગ્લાસવાળી બારીઓ ને ભવ્ય ઓલ્ટર ઓફ હોલી બ્લડથી દીપી ઊઠતું હતું.
માસ્ટરપીસ ગણાતું બેનમૂન કોતરણીવાળું આ ઓલ્ટર કાષ્ટ કારીગર તિલમાંને સન 1499ને 1505ની સાલ દરમ્યાન બનાવેલું.
ચાલતા ચાલતા અમે અચાનક અટકી ગયા સામે રોથનબર્ગનું વિખ્યાત લેન્ડમાર્ક દ્રશ્યમાન થયું. અંગ્રેજી વાય આકારનો રસ્તો છે એક નીચે તરફ જાય છે ને બીજો ઉપર તરફ. ત્રિભેટે એક હાફ ટિમ્બર્ડ ઘેરા પીળા રંગનું પ્રાચીન મકાન છે અર્ધું એક તરફ ને અર્ધું બીજી તરફ. જેની આગળ એક ફુવારો છે. આ છે પોલીન સ્ક્વેર.
સવારે જુઓ, બપોરે કે પછી સાંજે હંમેશા આ સ્થળની ખૂબસૂરતી તમને જકડી રાખે છે. અહીંયા પ્રવાસીઓનું ટોળું હંમેશા જામેલું હોય છે તમારે આ સ્થળ સાથે ફોટો પડાવવો હોય તો કાં તો વહેલી સવારે અથવા સાંજે બધા દિવસે આવેલા પ્રવાસીઓ જતા રહ્યા હોય પછી નિરાંતે ફોટા પડાવી શકો.

નવાઈની વાત નથી કે વોલ્ટ ડિઝ્ની પ્રોડક્શનની ઘણી ફિલ્મ્સ જેવી કે ‘પિનોકિયો‘ (1940) તથા ‘બ્યુટી એન્ડ ધ બિસ્ટ‘ (2017)માં આ સ્થળ દેખા દે છે.
ડાબી બાજુ ઉપર તરફ જતા રસ્તા આગળ આવ્યો છે, રીબર ટાવર જે મધ્યકાલીન યુગનો નગરના અનેક દરવાજાઓમાંનો એક છે. ને જમણી તરફ નીચે જતા રસ્તા ઉપર કોબોલ ઝેલાર નામનો ટાવર કમ દરવાજો આવેલો છે જયાંથી ટોબર ખીણનું દર્શન થાય છે.
ફિલ્મની વાત નીકળી છે તો જણાવું કે આ જ શહેરમાં હેરી પોટર ફિલ્મ શૃંખલાની ફિલ્મ ડેથલી હેલોઝ પાર્ટ i (2010) અને પાર્ટ ii (2011)નું શૂટિંગ થયેલું.

(ક્રમશ:)
Good. Enjoyed more than our own visit several years ago.