પ્રકરણ: ૨૩ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

‘ખોટું અને અશક્ય. મારા સંબંધો અને નિર્ણયો મારા વિવેકનું પરિણામ હોય છે. આ અંગે હું કોઈનું પરાવલંબન સ્વીકારતી નથી. આપણો સંપર્ક શરૂ થયો એમાં કદાચ વનલતા નિમિત્ત બની હોય પણ પરિચયના મૂળમાં તો તમારી કળા અને મારી રુચિ છે. આપણે નજીક આવી ન શક્યાં કેમ કે હું કોઈની નજીક જઈ શકું એમ નહોતી.’

‘દીપકને કારણે તમે —’

પ્રેમલ આગળ બોલે ત્યાં મહેમાનો એમની બૅગ સાથે આવી પહોંચ્યા. બધા સાંજની ફ્લાઈટમાં જાય છે. વિશ્વનાથ મૂકવા જવાનો છે. કોઈ પણ ક્ષણે કાર લઈને આવી પહોંચશે. એને આ કાર્યશિબિરને કારણે કેટલાયે લેખોની સામગ્રી મળી છે. મહેમાન ચિત્રકારોને એ અભ્યાસી અને મહેનતુ લાગ્યો છે. એના અભિપ્રાયો વિશે મહેમાનો ગંભીરતાથી વાતો કરતા.

એ જોઈને પ્રેમલ વિચારમાં પડ્યો છે: પોતે કેમ વિશ્વનાથને કાયમ હળવાશથી લીધો છે? લાવણ્યને જોઈને એ વેવલો બની જાય તો એમાં એનો વાંક ન ગણાય. લાવણ્યને ‘વ્યક્તિ’ નહીં પણ ‘કલાકૃતિ’ માનીએ તો એને વિશે મુગ્ધ થવાની છૂટ મળે.

એ તો કબૂલવું જ રહ્યું કે સુંદરતા અને તેજસ્વિતા હોવા છતાં આમ સૌજન્યમૂર્તિ બની રહેવું એ કોઈ પણ યુવતી માટે સહેલું નથી. એ ગર્વિતા હોય તો અહીં ડોકિયું પણ ન કરે. વળી એ નિ:સ્પૃહ પણ લાગે છે. એના આ ગુણોને કારણે જ વિશ્વનાથ સ્વમાન વિસારીને એના હાથની માગણી કરવા પ્રેરાયો હશે.

પોતે વિશ્વનાથનો ઉપહાસ કરવા લાગ્યો કેમકે લાવણ્ય અંગે પોતે નિ:સ્પૃહ નહોતો, એનો આજે બરાબર ખ્યાલ આવ્યો છે. આ સુંદરી અનાયાસ એક દિવસ ખોળામાં આવી પડશે એમ ધારી લીધું હતું. પણ હાથવગી બની શારદા.

એના સાહચર્ય અને નિ:સંકોચ ભોગથી કાયમી નાતો બંધાયો નહીં, કેમ કે બાહુમાં શારદા હતી ત્યારે પણ મનમાં લાવણ્ય હતી…. પ્રેમલ મહેમાનો માટે પીણું તૈયાર કરતાં આ રીતે વિચારી રહ્યો હતો. પોતે આગ્રહ કરે તો લાવણ્ય અડધો પેગ ન લે?

હસતાં હસતાં પૂછી લીધું. ‘રાત્રે મારે ગાંધીનગર પહોંચવું છે. અહીંથી સાબરમતી જઈને બસ પકડીશ. અહીં સગવડ હોય તો કૉફી લઈશ, કે પછી લિંબુનું શરબત.’

મહેમાનો લાવણ્યનો ગુજરાતી ઉત્તર ક્યાંથી સમજે? અને એના મોં પર નકારનો ભાવ દેખાયો નહોતો. તેથી એમણે આગ્રહ કરવા માંડ્યો. એ જોઈ પ્રેમલે કહ્યું: ‘લાવણ્યનું મનોબળ દઢ છે. આપણી જેમ અનિશ્ચિતતામાં એ જીવતી નથી.’

‘હું અનિશ્ચિતતામાં નથી જીવતી? શું એ મારા હાથની વાત છે? હા, રહેણીકરણી અને રીતભાત નક્કી કરવાનું હું પસંદ કરું છું…. સમય હોય તો મહેમાનો માટે હું કંઈક નાસ્તો બનાવી દઉં.’

‘મને બીક છે કે વિશ્વનાથ ગમે તે ક્ષણે આવી પહોંચશે. આમેય એ મોડો તો પડ્યો જ છે. પણ આવશે એવો મહેમાનો સાથે તમને પણ ઉઠાવી જશે.’

‘ઘણી વાર તો તમને આઠદસ પેગની પણ અસર થતી નથી. જ્યારે આજે તો પહેલા પેગથી જ –’

‘એ તમારી હાજરીની અસર હશે.’

‘આભાર. પણ આવાં ચતુર વચન હવે મારામાં વિધાયક પ્રતિભાવ જગવી શકતાં નથી. પાંચછ વર્ષ પહેલાં દીપક આવું બોલતો ત્યારે બહુ ગમતું. એ ગોખેલા સંવાદો બોલે છે કે કેમ એવો સવાલ નહોતો થતો.’

વિશ્વનાથ એના કાબૂ બહારના સંજોગોને લીધે મોડો પડ્યો હતો. પહેલાં ડ્રાઈવરની મુશ્કેલી ઊભી થઈ અને પછી શબ્દાર્થની! હા, શબ્દાર્થની! તંત્રીશ્રીએ મારી નિષ્ઠાની કદર કરી એ જોઈને મારા એક સહકાર્યકરે મને ‘બોચિયો’ કહ્યો. મને થયું કે શબ્દકોશમાં બોચિયાનો અર્થ જોઈને જ નીકળું, બીજા માટે વાપરવા જેવો છે કે નહીં એની ખબર પડે.

‘પ્રેમલ માટે તો નહીં જ —’ કહેતાં લાવણ્ય મલકાઈ. એ જોઈ વિશ્વનાથે ધન્યતા અનુભવી. લાવણ્ય વિમાનઘર સુધી સાથે આવે તો કેટલું સારું! પણ એને કહેવું કેવી રીતે? આ રીતે એની સામે જોવાથી કંઈ હૃદયનો ભાવ પ્રગટ થઈ શકતો નથી.. પણ લાવણ્ય એક પલકારે પામી ગઈ.

‘મહેમાનોને વિદાય આપવા તમારી સાથે આવવાનું મને ખૂબ ગમત પણ પ્રેમલ સાથે જરૂરી ચર્ચા કરીને નીકળી જવું છે. ચર્ચા કરવા કરતાં પણ નીકળી જવું વધુ જરૂરી છે!’ — લાવણ્યના છેલ્લા વાક્યની અસર પ્રેમલ-વિશ્વનાથ બંનેને થઈ, જે સ્મિતરૂપે વ્યક્ત થઈ.

મહેમાનોની જેમ વિશ્વનાથ સાથે પણ હાથ મિલાવીને લાવણ્યે શુભેચ્છાઓ પાઠવી. ચિત્રકારોને થયું કે એ બધા આટલા દિવસ પ્રેમલ સાથે નહીં પણ લાવણ્ય સાથે રહીને જતા હતા, અને આ વિદાય વસમી લાગતી હોય તેમ એક ભાવવાહી વાતાવરણ સર્જાયું, જાંબલી રંગના ફૂલ જેવું.

અણધારી બક્ષીશથી ચોકીદાર અને એની પત્ની પણ ગદ્ગદ હતાં.

વિશ્વનાથે કાર ધીમેથી ઉપાડી. પહેલા વરસાદનો રેલો ધીમે ધીમે આગળ વધે છે. આગળના ઢાળની ગતિ કરતાં પાછળ રહેલા રેતકણનું ખેંચાણ ઓછું નથી હોતું…

‘ક્યાં બેસવું છે?’ — પ્રેમલે પૂછ્યું. લાવણ્યે ઘડિયાળમાં જોયું, આસપાસના વાતાવરણ પર નજર કરીને સમય સાથે તાળો મેળવ્યો.

‘ભેખડવાળી ગેલેરીમાં બેસીશું?’ — લાવણ્યને એથી પણ આગળ વધીને નદીના પટમાં ઊતરવાનું મન થયું હતું. પણ એથી મોડું થવાની દહેશત જાગતી હતી. ગેલેરીમાં પહોંચી કઠેરાનો ટેકો લઈ એ ઊભી. પ્રેમલ બે ખુરશી લઈ આવ્યો. ચોકીદારની પત્ની પાણી મૂકી ગઈ.

કશી પ્રસ્તાવના કર્યા વિના શારદાની ઇચ્છા જણાવી લાવણ્યે પ્રેમલની સામે જોયું. કશો સંકોચ નહોતો. પાપગ્રંથિનો તો પ્રશ્ન જ નહોતો. પાણીનું પ્યાલું હાથમાં પકડી એની આરપાર જોતાં બોલ્યો:

‘શારદાની સાથે મળતાં જ હળી જવાયું. એના પક્ષે કશી માનસિક પ્રતિકૂળતા હોય એમ લાગ્યું નહીં. બે વાદ્યોના સૂર એક થયા. મને લાગ્યું કે મારા મલકનું માનવી આવી પહોંચ્યું છે. સાથે રહી શકીશું. શરીર મનને અને મન શરીરને રાજી રાખશે…. પણ થોડા વખત પછી પ્રશ્નો થવા લાગ્યા.

શારદાને જેટલી મારી હૂંફની જરૂર છે એથી વધુ જરૂર છે સુખસાહ્યબી અને સલામતીની. એનું સ્વપ્ન એક પ્રતિષ્ઠિત કુટુંબની ગૃહલક્ષ્મી બનવાનું છે. એને જે સ્વપ્નપલંગ જોઈતો હતો એનો હું તો માત્ર એક પાયો જ હતો. એણે એક દિવસ લગ્ન અંગે વાત કરી. મને થયું લગ્ન થતાં જ હું એને માટે એક ચતુર્થાંશ બનીને રહી નહીં જાઉં? પછી મારી ટેવો એને પ્રતિકૂળ લાગવા નહીં માંડે?’

‘એવું નથી લાગતું. તમે કલાકાર છો એનું પણ શારદાને આકર્ષણ હશે. એ નગુણી થઈને તમારા પર ભારરૂપ નહીં બને. એ તમારી સગવડો સાચવશે. એ આધુનિક જીવનસાથી પણ બની શકશે અને જુનવાણી ઘરદીવડી પણ. એ પોતાને કેન્દ્રમાં રાખીને નહીં પણ તમને કેન્દ્રમાં રાખીને જીવનને ગોઠવશે.’

પ્રેમલ વિચારમાં પડી ગયો. કદાચ લાવણ્યની વાતમાં તથ્ય હતું.

પણ મારી ઉદારતા વિશેની એની અપેક્ષા તો મોટી ખરી જ ને?

પળવાર રહી મન ડહોળીને પ્રેમલ બોલ્યો:

દાખલો આપીને જ વાત કરુ: ‘સરપંચ ખેમરાજ બે વખત અહીં આવી ગયા. શારદાની વકીલાત કરવા. એથી મારું મગજ ફરી ગયું. મારે કહી દેવું પડ્યું. હવે આવશો તો મારે બદલે મારો ચોકીદાર તમારું સ્વાગત કરશે. એ ગયા ત્યારથી મારું મન શારદાની વિરુદ્ધ વિચારવા લાગ્યું.’

‘એનો અર્થ એ કે ખેમરાજે ધાર્યું કર્યું. શારદાનું ભલું થાય એમાં એને શો રસ હોય? એ અહીં શંકાનાં બીજ વેરવા આવ્યો હશે. જેથી શારદાના પગલે ઝાંખરાં ઊગી નીકળે, જે તમારી નજરને વાગે.’

‘એ મારી ગણતરી બહાર હતું. એ પછી પણ મેં શારદાને આવકારી છે, પહેલાંની જેમ રાતભર રાખી છે. પણ વિદાય વખતે પૂછ્યું નથી: ‘હવે ક્યારે આવશે?’

શારદાએ વગર પૂછ્યે એક વાર મને સરપંચની યોજના જણાવી હતી: એક પ્રૌઢ આગેવાન સાથે એ શારદાને પરણાવવા માગે છે. જેથી એ જૂના સંબંધોને તાજા રાખી શકે.

થોડા દિવસ પહેલાં સરપંચે નફ્ફટ થઈને મને ફોન કર્યો: તમને શારદા નહીં પચે. એને વહેલી છોડો એમાં તમારું ભલું છે. તમારી દાનત ચોખ્ખી હતી તો એને પરણ્યા કેમ નહીં? એમ જ કહો ને કે તમારે એને રખાત બનાવવવી છે! તેથી તો મોટી આશા બંધાવીને રાતની મહેમાન બનાવો છો.

પણ જરા એનું ભલું તો ઇચ્છો! એણે બીજી વાર પેટ પડાવવા વારો આવશે તો એની તબિયત બગડશે. પછી મારી ને તમારી શારદા કોઈની નહીં રહે. સરપંચે મને એની દલીલોથી છક કરી દીધો હતો.’

પ્રેમલ લાવણ્યના પ્રતિભાવ માટે અટક્યો. એકાદ મિનિટથી વધુ રાહ જોઈ ન શક્યો. કહે: ‘હું ધારતો હતો કે ગામડાના લોકો મરજાદી હોય છે. જ્યારે આ તો શહેરની અંધારી આલમના સૂબાઓને પણ શરમાવે એવો નીકળ્યો. એણે ઉપરાઉપરી ધસારો કરીને મને મૂંઝવી દીધો છે.’

‘મૂંઝવ્યા છે કે ડરાવ્યા છે?’ – લાવણ્યે એ રીતે પૂછ્યું કે પ્રેમલને ખોટું ન લાગે.

‘કદાચ ડરાવ્યો પણ હોય. એવા ઉડઝૂડ માણસ સામે લડવામાં મારે મારી કળા અને કારકિર્દીનો ભોગ આપવો?’

‘ભોગ તો ફક્ત શારદાએ જ આપવાનો હતો!’ — લાવણ્યના અવાજમાં કડવાશ આવી ગઈ. એનું એને ભાન થયું. સુધાર્યું: ‘કદાચ એમ પણ હોય: ભક્તિભાવથી આરાધ્યદેવ સમક્ષ પ્રસાદ ચઢાવનાર પછી એ પ્રસાદ પામવાની અપેક્ષા રાખે છે. શારદાએ તમને જે આપ્યું છે એના બદલામાં એને સુખ મળ્યું હશે, સુખનો આભાસ તો અચૂક થયો હશે. પણ હવે? એ તમારી પાસે લગ્નનું વચન માગે છે ત્યારે? જો તમે પાછા પડ્યા તો —’

‘હું એ અંગે સ્પષ્ટ થઈ શકતો નથી. શારદાને નિરાશ કરવાની ઇચ્છા નથી થતી તેમ જાતને છેતરતા રહેવાની મારી તૈયારી નથી. ક્યાં સુધી બેવડું જીવન જીવવું? તમારી હાજરીમાં મને ખાતરી થઈ જાય છે કે હું શારદાને ચાહી નહીં શકું. અને શારદા આવે છે ત્યારે બધાં બંધન છૂટી જાય છે. તમને ઠીક લાગે તો મારી મનોદશા એને સમજાવજો.’

‘કદાચ મને નહીં ફાવે. તમે જ એક પત્રમાં બે વાક્ય લખી આપો.’

‘ભાષા એ મારું માધ્યમ નથી. સંકુલ મનોદશા વ્યક્ત કરતાં મને નહીં ફાવે. તમારા પર વાણીનું વરદાન છે. લખી આપો, નીચે સહી કરી દઈશ.’

‘સહી કર્યા પછી પાછા છુટ્ટા કેમ?’ — લાવણ્ય તીખી બની ગઈ.

‘ના. વચન આપું છું. તમારા શબ્દો છેવટના રહેશે.’

‘એ તમારા ગજા બહારની વસ્તુ છે, પ્રેમલ! ખરેખર તો તમારી અને શારદાની વચ્ચે હવે ત્રીજી વ્યક્તિની ક્યાં જરૂર હતી? અને હું “ત્રીજી વ્યક્તિ” તરીકે કશો નિર્ણય આપવામાં માનતી નથી.

હું મારી દષ્ટિએ જ જીવન અને જગતને જોવા ઇચ્છું છું. અને મારી દષ્ટિ બીજા પર થોપવા ઇચ્છતી નથી. પણ તમને જે વસ્તુ મૂંઝવે છે એનો ઉકેલ આખા સમાજે યુગોથી આપી રાખેલો છે. શરીરના વિશ્વાસે શરૂ થયેલો સંબંધ દામ્યત્ય સુધી આગળ વધવો જોઈએ. તમે એક કલાકાર તરીકે સમર્થ હો તેથી તમારે એમાંથી છટકબારી શોધવી ન જોઈએ. તમારે યથાશક્તિ ઉત્તર આપવો જોઈએ.’

પ્રેમલ ઊભો થયો. સંધ્યાની આભા અને લાવણ્યના ચહેરા વચ્ચે એની છાયા પસાર થઈ. કાગળપેન લઈને આવ્યો. લાવણ્યની સામે જોયું, વધુ જોઈ રહેવામાં ક્ષોભ થયો. લખ્યું:

‘પ્રિય શારદા, સમગ્ર પરિસ્થિતિ જોતાં, ભાવિનો વિચાર કરતાં અને મારી નબળાઈઓનું સરવૈયું કાઢતાં આજે મને લાગે છે કે હું તારી સાથે લગ્ન કરવા યોગ્ય નથી. તેં ધાર્યો હોય એવો ઉદાર હું નથી, કદાચ એટલો નિખાલસ પણ ન હોઉં. તેથી તને હવે વેળાસર વિકલ્પ શોધી લેવા સૂચવું છું.

આ વાંચીને તને કશુંક ગુમાવવાની લાગણી થશે. મેં પણ જીવનમાં કંઈક તો ગુમાવ્યું જ છે, તેથી એનું મૂલ્ય સમજું છું. શુભેચ્છાઓ પાઠવું છું. આજ સુધીના તારા સદ્ભાવ અને ઉષ્મા બદલ ઋણી રહીશ. તને ક્યારેય ક્યાંય ઉપયોગી થઈ શકીશ તો મને ગમશે. — પ્રેમલ.’

લાવણ્ય પત્ર વાંચ્યા વિના જ પર્સમાં મૂકવા જતી હતી. પ્રેમલે આગ્રહ કરીને વંચાવ્યો. એણે જોવું હતું: વાંચતી વખતે લાવણ્યનો મનોભાવ ચહેરા પર કેવોક વ્યક્ત થાય છે!

લાવણ્યના મુખ પર કશો નોંધપાત્ર ફેરફાર વરતાયો નહીં. સૂર્યનું છેલ્લું કિરણ વાદળ ભેદીને એના મુખની સુરખીને દ્વિગુણિત કરી ગયું. એ ઊઠી. ચાલી. પ્રેમલ થોડુંક અંતર રાખીને એને અનુસર્યો. ખુલ્લા મેદાનમાં આવતાં બોલ્યો:

‘મને નાપસંદ કરીને તમે ભૂલ નથી કરી એની ખાતરી થઈ ગઈ હશે.’

‘નાપસંદ કરવાની કે પસંદ કરવાની ક્ષણ આવી જ ક્યાં હતી? પરિચય વધતો જતો હતો. હું ઉત્સુક નહોતી તેમ નકારાત્મક પણ નહોતી. મારે એક લાંબો ખાલી અવકાશ જોઈતો હતો.

આત્મીયતા જાગે એ અશક્ય નહોતું પણ કોણ જાણે કેમ ગેરસમજ શરૂ થઈ ગઈ. જે તમે માણવા લાગ્યા. મને એથી દુ:ખ થયું નથી, રમૂજ પડી છે. કેમ કે હું કળાથી એના કલાકારને જુદો પાડીને જોઈ શકું છું, સિંઘસાહેબ નથી જોતા. હમણાં સ્વાધ્યાયમાં મન પરોવાયું છે. પીએચ. ડી.નો મહાનિબંધ પૂરો કરવો છે.’

‘તમે જરૂર ધાર્યા સમયમાં નિબંધ પૂરો કરી શકાશો. મારી શુભેચ્છાઓ! તમને વાંધો ન હોય તો બસસ્ટેન્ડ સુધી મૂકી જાઉં.’

લાવણ્ય થંભી. પ્રેમલ મોટરસાઈકલ લઈ આવ્યો. લાવણ્ય નિશ્ચિંત થઈને બેઠી. પ્રેમલ સાચવીને ચલાવતો હતો. એનામાં આ કાળજી અને સુકુમારતા લાવણ્ય પહેલી વાર જોઈ રહી હતી.

બસસ્ટેન્ડ આવતાં લાવણ્ય આભાર માન્યા પછી જ મોટરસાઈકલ પરથી ઊતરી, પણ પ્રેમલ એની ધારણા ખોટી પાડીને ઊભો રહ્યો. કહે: ઉતાવળ નથી. તુરત પાછો જઈને શું કરું? આજે બધું એક સાથે ખાલી થઈ ગયું. અહીંથી સ્ટુડિયો પર પહોંચીશ ત્યારે ખાલીપો સવાયો થઈ ગયો હશે.

‘ઘેર જાઓ તોપણ એવું લાગે?’

‘કોઈ કોઈ વાર જાઉં છું ઘેર. પણ શારદાને કારણે ઘર સાથેનું અંતર વધ્યું છે.’

‘પણ એથી શારદા સાથેનું તમારું અંતર ઘટ્યું નહીં. એમ થયું હોત તોપણ તમે જે ખાલીપાની વાત કરી એ —’

‘કોણ જાણે! શારદા સાથે હું જે કંઈ જીવ્યો એમાં શારીરિક ઉદ્દીપન કેટલું અને નાટક કેટલું એ વિશે પણ હવે મને વિચાર આવે છે. કદાચ ઊંડે ઊંડે તમને ખીજવવાની વૃત્તિ પણ હોય, તમારામાં ઈર્ષા જાગે અને —’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.