|

એક લોકકથા શાહીના ઘસરકાની – હરીશ મીનાશ્રુ

આ વર્ષે આપણી લોકશહીનું જે પર્વ કહેવાય એવી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ થઈ ગઈ. અહીં આ વિષયને પૃષ્ઠભૂમિમાં મૂકીને કવિશ્રી હરીશ મીનાશ્રુ વ્યંજનાત્મક વિડંબનાનું અદભૂત કાવ્ય લખે છે. કાવ્યતત્ત્વને મુખર કરીને ચિત્રાત્મક અછાંદસ કાવ્ય લખવું એ સહેલું તો નથી જ, પણ ખૂબ લપસણા ઢાળ પર સ્કેટિંગ કરવા જેવું કામ છે.  તો ચાલો આ કાવ્યને માણીએ.

“પંચાયતના ચોપડે
એ સપરિવાર વર્ગીકૃત હતો અમુક રેખાની નીચે,
જ્યારે બિલોરી કાચ વડેય જડતી નહોતી તમુક રેખા
એના હાથમાં, ફૂટપાથિયા જ્યોતિષીને.
એ ગરીબ હતો, અર્થશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ;
પણ ગુજરાતીનો એક હંગામી અધ્યાપક
એને દરિદ્ર ગણતો હતો, ભદ્ર ભાષાશાસ્ત્રીય વ્યાખ્યા મુજબ.
જોકે એ નારાયણ નહોતો, ગાંધીજીની વ્યાખ્યા મુજબનો.
માત્ર એનું નામ હતું: નારણ. એની અભદ્ર છતાં
સાચી જોડણી હતી : નાય્ણ્યો.

પાંચ વરસે એ થોડા દડાહા પાંચમાં પુછાતોઃ
ધોની, કાર્તિક કે કોહલીની જેમ એનો ભાવ પડતોઃ
દસબાર દહાડા ભૂસાંભજિયાંનાં પડીકાં, એક શીશો દેશી,
ને ચાર જાંબલી નોટો,
ને હા, બધું પતી જાય ત્યારે, ઝૂંટવેલું ઝંડાનું કાપડ
(જેમાંથી સહેલાઈથી એકાદ અંડરવેર – ઝંડરવેર તો સિવડાવી જ શકાય).

પૂરા પાંચ વરસની મૂઠ મરાવવા માટે
કોક ભૂવા જાગરિયા પાસે જતો હોય એમ એ ઊભો થયો,
એનું ઊભું થવું આમ જોતાં તાંત્રિક હતું,
પણ છાપાંવાળાઓની વ્યાખ્યા મુજબ લોકતાંત્રિક હતું.
એ બહાર નીકળ્યો, સજોડે, સાચવીને, ટટ્ટીમાં પગ ના લબદાય એમ.

ઝૂંપડપટ્ટીની બહાર, નવાઈની વાત,-
(ગાંધીજીની વ્યાખ્યા મુજબના) કોઈ ગરુડને બદલે
પાંખો ફફડાવતાં એની રાહ જોતાં હતાં
વાંકી અણિયાળી ચાંચોવાળાં બેચાર ગીધ.
એ જુગતે જોડાને હંકારી એ હાંકી ગયા એક ડબ્બા સુધી.

અંગૂઠા આંગળાં સમેત એના હાથ સાબૂત હતા.
અત્યાર સુધી એ શાહી પર અંગૂઠો ઘસતો હતો
આજે કોકે ઘસી નાખી શાહી એની આંગળી પર.
હું હિન્દી કવિ હોત તો મારે લખવું પડ્યું હોતઃ
“આજ કિસી ને કાલિખ પોત દી ઉસકી ઉંગલી પે.”
ને એ તિલસ્મી રીતે પુરાઈ ગયો ડબ્બામાં

ઉત્તેજનાભરી આખી પ્રક્રિયા પતી ગઈ કેવળ બે મિનિટમાં.
જોકે પોલિટિકલ પંડિતો માટે એ નક્કી કરવું અઘરું હતું કે
આ સદ્ય સ્ખલન હતું કે સ્તંભન પાંચ વર્ષનું…”
                      – હરીશ મીનાશ્રુ

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment