કુમળી હથોડીથી કૂંપળ અળપાવતા કવિ ઉદયન ઠક્કર ~ અભ્યાસ લેખ (૨) ~ લેખકઃ હસિત મહેતા
આ જ વાતને હવે ભાષાની તપાસ સંદર્ભે આગળ વિસ્તારીએ. આ કવિ કાવ્યકલાની સૂઝ-સમજમાં પૂરેપૂરા સજાગ છે. સાહિત્યદ્વવ્યરૂપ શબ્દના પૂરેપૂરા વિવેકી છે. સંસ્કૃત તત્ત્સમ, તદભવ, અંગ્રેજી, ફારસી, મરાઠી, કચ્છી શબ્દભંડોળના પાકા જાણભેદુ છે. તેમને ખબર છે વ્યવહારના સામાન્ય શબ્દથી કાવ્યના શબ્દની સફર કેવીક હોય છે. એ થકી જ તેઓ સર્જનમાં અનિવાર્ય પ્રયોગશીલતાને પોષે છે, કારણ કે તેમની ભાષા કાવ્યાત્મક રૂપોથી મંડિત છે. પરિચિત ભાષાના સંદર્ભો ધરમૂળથી બદલી નાંખવાનું કામ તેઓ કોઈપણ ઉત્તમ કવિની પંગતે, ઉત્તમ રીતે કરે છે. તેથી તેમની કાવ્યબાની હળવાશની ઓથે ગાંભીર્યને પોષી-પ્રગટાવી શકે છે. ભાષા પોતે કુદરતી નથી, તે તો જેમ સામાન્યજણને તેમ કવિજણને પણ સમાજે આપેલી દેન છે. પરંતુ કવિજણ એ સામાન્યજણની ભાષામાંથી ભાવને રૂપાંતરિત કરવા માટેના સંકેતો ખડા કરે છે. ઉદયન પણ પોતાના ધારેલા વિષયને રજૂ કરવા માટે જે ભાષા રચે છે તેમાં ભાવની પછવાડે ભાષાના અર્થો સ્વતઃ સહજ દોડતા આવ્યા છે, ખેંચાયા નથી. તેથી કરીને સંવેદન-વિચાર પોતાની ભાષા અને લય લઈને જ પ્રગટે છે. સરવાળે એ અર્થો ઓગળી જઈને વિચારપિંડને જ આગળ ધરે છે. અર્થાત્ આખરે ભાષા ઓગળી જાય છે તેના નિહીત વિષયમાં, ભાવમાં, સંવેદનમાં. આવું સાંકેતિક ભાષારૂપ ઉભુ કરવું અને પછી તેને પાછળ ધકેલીને વિચારીને જ આગળ ધરવો, એ નાનુંસૂનું કવિકર્મ નથી.
ગામડાના માણસની બરછટતા, એનું જડ માનસ, એની ટૂંકી બુદ્ધિ આ ટૂંકી-ટૂંકી પદાવલિઓમાં જે દૃશ્ય ઉભુ કરે છે, તે જોવા જેવું છે.
“આવી નારીનો સંગ
કેમ રાખતા રામ ?
એમ પૂછતું ગામ….”
“વ્હેલી મોડી શીખવાની
આપણી વહુઓ પણ
જાનકીના અપલખ્ખણ.”
(‘રામરાજ્ય’)
મહાભારતના ઉદ્યોગપર્વની કથામાં આવતી માધવીને કવિ આજની નારીના, તેની દશા અને સંવેદનના પાત્રમાં હળવેકથી ઢાળે છે. પછી ‘પત્નીને પરત કીધી’ જેવાં વ્યંગથી ઉભા થતાં વિડંબનની બરાબર પહેલાં ‘અહો’ જેવો મર્મવેધક ઉદગારવાચક મુકીને કાવ્યભાષામાં ભાવનું વેધક વિલક્ષણ સંયોજન ઉભું કરે છે.
“પછી તો માધવીથી રાજવીને પુત્ર થયો
સદા-સદાની રહી સૂર્યવંશની રીતિ,
કે પ્રાણ જાય પરંતુ વચન ન જાય કદી !
સૂરજની સાખે અહો ! પત્નીને પરત કીધી.”
(માધવી)
કવિના સ્વરૂપપ્રયોગોમાં ત્રિપદી, દુહાઓ, સોરઠાઓના પ્રયોગો ધ્યાનાકર્ષક છે. એમાં જ્યારે કવિ પુરાણાવેશે દુહાઓ લલકારે છે ત્યારે તે માટેની કાવ્યભાષાનું કઈંક જુદું જ પોત ઉભું કરે છે.
“બીજું સાજણ શું લખું ? લખું એક ફરિયાદ
ક્યારે આવી હેડકી ? તે ય ન આવે યાદ.”
લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો’ દર્શન થઈ ગયા ! બોલે જાદવરાય.
ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ ?
શું પ્રતારણમાં હશે સર્વ કળાનાં મૂળ ?
રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ!”
આમ તો હેડકીનું આવવું કોઈની યાદ સાથે જોડાયેલું છે, પરંતુ કવિ તો હેડકીમાં યાદની ગેરહાજરીનો વિપર્યાસ રચે છે. કન્યારૂપનું દર્શન કરતાં જાદવરાય કે કોકિલાનાં કુળ-મૂળને કે રામાયણના કથાંશને ભાઈનો સંદર્ભ આપીને ગણત્રીના શબ્દોમાં ફેરવવાની યુક્તિ કાબીલ-એ-દાદ છે.
‘ગરૂડપુરાણ’માં પણ કાવ્યભાષાનો જુદો પ્રયોગ છે. અનુષ્ટુપના પારંપરિક છંદમાં ભળેલી સાંપ્રતભાષાનો લહેકો કવિકર્મની પ્રતીતિ કરાવે છે. મોતનો મલાજો મૂકી, મૂએલાંઓના કાન-હાથ કાપી, સોનું લૂંટતા લોકોની ઘટના અને એવી બીજી અનેક ઘટનાઓનો સંદર્ભ કેવી પ્રવાહી પંક્તિથી અપાયો છે.
“એકના હાથમાં ઝોલી, ઝોલીમાં કેવું સાચવ્યું
સોનાનાં કંકણોસોતું કુમળું કાંડું કોઈનું.”
છેલ્લી લીટીના અનુનાસિકોનું આવર્તન ઉત્તમોત્તમ કરુણગર્ભ અર્થસંકેત ઉભો કરે છે.
‘ડીમન એક્સપ્રેસ’માં અંગ્રેજી આક્રમણનો ભોગ બનતી બાળપેઢીની શારી નાંખતી ચિંતા માટે ભાષાની લવચિક્તા કેવા કર્કશ અને અરૂઢ શબ્દપ્રયોગથી ઝીલાય છે, તે સાંભળો…
સ્કોટર્લેન્ડ આયર્લેન્ડ ફિનલેંડ ગ્રીનલેંડ
ગેટલેંડ ગ્રેબલેંડ હૂકલેંડ ક્રૂકલેંડ
હ્યુસ્ટન બૉસ્ટન પ્રિન્સટન કિંગસ્ટન
પેન્સટન શિલિંગસ્ટન પાઉંડસ્ટન ડૉલરસ્ટન
હેમ્પશાયર લેંકેશાયર ડર્બીશાયર યોર્કશાયર
સક્સેસશાયર એટશાયર એનીશાયર કોસ્ટશાયર
બાળકો સો હેપિલી શાઉટિંગ!
હુડુડુડુ હુડુડુડુ કરતાં કરતાં
ડીમનના મોંમાં હડપ
હડપ થઈ જાય
જાય
પપ્પુ પણ હુડુડુડુ હુડુડુડુ કરતો કરતો
ડીમનના મોંમાં હડપ
હડપ થઈ ગયો
ગયો
*
આ કાવ્યોમાંથી પસાર થતાં ઘણીવાર એવું લાગે કે જાણે આ કાવ્યભાષા, આ કાવ્યપોત કંઈક જુદું છે. કાવ્યવિષયમાં ઓતપ્રોત થતી આવી તાજપ સમકાલિન કવિતામાં શોધીએ તો વેઢાં પણ વધે એટલી ઓછી છે. કારણ કે તેમાં ક્યારેક આધુનિક્તાનો ઈડિયમ છે, ક્યારેક લોકભાષાનો ચાળો છે, ક્યારેક કલ્પનોના શૅડ છે, ક્યારેક દૃશ્યોના સાદૃશ્યો છે, ક્યારેક સંસ્કૃત તત્ત્સમ પદાવલિ માટે જાણભેદુની રીતિ છે. કવિને ખબર છે કે કયો શબ્દ કાવ્યના અવતારમાં શું આપશે અને શું નહીં આપે. બસ, ક્યારેક ‘આપશે’નો વિવેક ‘નહીં આપે’ની અણજાણતામાં લપાઈ જાય, ત્યારે કવિતાને હાનિ પહોંચે છે.
***
ઉદયન ઠક્કરની કવિતાનું પીણું એકદમ નીટ છે. ઉત્તેજિત કરે એ પહેલાં ગળું બાળી નાંખે એવું. કારણ કે આ કવિ કવિતા મધ્યે એક વ્યંજનાપુરુષ છે. અભિધાથી સીધું વ્યંજના તરફનું અનુસંધાન જોડતાં કવિ છે. કેન્દ્રથી પરીઘનું, અંકન અને ઉલ્લંધનનું જાળું રચતાં કવિ છે. વ્યંજનાનું તો કામ જ આ, અભિધાને બગલમાં રાખીને વ્યંજિત થવાનું. સરળતાના આભાસ પાછળ વ્યંજના મુકવાનું. આ સંદર્ભે કવિ ઉદયન ઠક્કર માટે કહું તો એટલું જ કે તેમની પાસે પણ સરળતા પછવાડે વિચારને, તત્ત્વને મુકી શકવાનો કવિન્યાય છે. જે સાંપ્રત સંવેદનના રસાનુભવે કરીને કળા અને જીવન, બંને પક્ષેથી સંભવ્યો છે. એ સંભાવનાને કવિએ મૂળભૂત પ્રતિભાને બળે સભાનતાપૂર્વક ખેંચી છે. આવા માર્ગેથી આ વ્યંજનાપુરુષ ઈશ્વરદત્ત કૃપામાં નિપુણતા અને અભ્યાસ ભેળવે છે. બીજા શબ્દોમાં જણાવું તો ‘દત્ત’ અને ‘નિપુણતા’ના સંયોગે કરીને સર્જક્તા સ્થાપે છે. પ્રતિભાને નિપુણતાથી સંયોજવી, ઍક્વાયર કરવી, અર્જિત કરવી, એ પણ કાવ્યને ‘કૃતિ’ તરીકે પ્રસ્થાપવાનું ચાલકબળ હોઈ શકે. અહીં તે છે.
“જન્માંતરસંસ્કારાપેક્ષિણી સહજા, ઈહ જન્મસંસ્કારયોનિરાહાર્ય”
૧૦મી સદીમાં, આચાર્ય રાજશેખરે, ‘કાવ્યમીમાંસા’માં આ દત્ત અને નિપુણતાને ‘સહજા’ અને ‘આહાર્યા’ એટલે કે ‘ઉત્પાદ્યા’ જેવી પરિભાષાથી સમજાવી છે. તેમના મતે અનેક જન્મોના સંસ્કારે (જન્મજન્માંતરે) કરીને સહજા (દત્ત) પ્રતિભા જન્મે, પરંતુ આ જ જન્મના (ઈહ જન્મસંસ્કારયોનિ) સંસ્કારોએ આહાર્યા, એટલે કે ઉત્પાદ્યા, એટલે કે સુષુપ્ત રહેલી, પરંતુ મહાન પ્રયત્નોના સંસ્કારે કરીને જે અર્જિત થઈ તે ઉત્પાદ્યા પ્રતિભા. બરાબર એવું જ કવિ ઉદયનના કાવ્યશીલ વક્તવ્ય બાબતે કહી શકાય. સહજા શક્તિ દત્ત છે, ઈશ્વરદત્ત છે. પરંતુ એ શક્તિને જ્યારે કવિ સભાનતાપૂર્વક, અભ્યાસનિપુણતા વગેરેની મદદથી ઉત્પાદ્ય કરે છે, ઉપાર્જિત કરે છે, ત્યારે જે કવિપ્રતિભા જન્મે તેનું નામ છે કવિ ઉદયન ઠક્કર. સિક્કો મારીને કહી શકાય કે ઉદયનની કવિતા આ શક્તિની દ્યોતક છે. આ વાત જ્યારે આપણા ગળે ઉતરે ત્યારે આપણને તેમના કાવ્યોમાં જોવા મળતી ચાતુરી પછવાડેની ચમત્કૃતિનું રહસ્ય ઉદ્ઘાટિત થાય છે. કારણ કે તેમની કવિતા બાહ્યસંદર્ભો ઉપર આરૂઢ થઈને પોતાના આંતરસંદર્ભોને ઉભા કરે, જોડે, અને એમ કરીને વિષયવસ્તુને કલ્પનોત્થ વ્યાસપીઠ આપે છે. મૂળ વસ્તુનું પ્રસ્થાપન, પછી એનું વિસ્તરણ, પછી એની હયાતીમાં, એનો છેદ ઉડાડ્યા વિના, નવું અર્થઘટન આપવાનો કાવ્યશીલ ઉપક્રમ – આ ચાલ છે કવિ ઉદયન ઠક્કરની કાવ્યસ્થ અર્થસંપદાની.
કવિના ‘યુદ્ધ અને શાંતિ’ કાવ્યમાં જે ભીંતચિત્રની વાત છે, તે તો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મુકાયેલા ‘વૉર ઍન્ડ પીસ’ના બે વિભાગમાં વહેંચાયેલા ચિત્રની છે. જૂઓ, આ કાવ્યપંક્તિઓ મૂળ ઘટનાને, શાંતિ અને યુદ્ધની જસ્ટાપોઝીશનને કેવું વ્યાપક ભાવફલક આપે છે……
પીંછી ઉપાડી, ભીંતમાં મારગ થતો ગયો
*
“કલ્પ્યો વિષય, વહેંચી દીધો બે વિભાગમાં
રાખ્યું છે ‘યુદ્ધ’ નામ પ્રથમ ભીંતચિત્રનું
ભુરુંભડાક ભાસતું,જો જામલીચટાક
છંટાયેલો નથી જ નથી રંગ રક્તનો”
*
“ઓચિંતો રક્તસ્ત્રાવ થયો પોર્ટિનારિને
ડૉક્ટર કહે કે રંગમાં સીસુ છે ભારોભાર”
*
“‘શાંતિ’નું ભીંતચિત્ર પીળું વાદળી ધવલ
ડુંગર તળેની ખીણ મહીં વાંભુ નામે ગામ
રમતે ચડ્યાં છે બાલુડાં, ગમતે ચડ્યાં જુઓ”
અરે, આ પ્રક્રિયાની મુખ્ય વાત તો ચૂકાઈ જ ગઈ, અને તે છે આંચકા સાથેના અર્થઘટનની. થડકાર સાથે મળતી કોઈ નવ્ય, ચમત્કૃતિપૂર્ણ, સૌંદર્યમંડિત અર્થ-સન્નિધિની. કવિ ભાવકને તાવે, ઉન્મેષ જગાવે અને પછી એક થડકાર સાથે, આંચકા સાથે નવા તથ્ય સુધી – નવા અર્થઘટન સુધી લઈ જાય. હજુ બીજા શબ્દોમાં કહું કે જાણીતી ઘટનામાં, જાણીતા પદાર્થમાં જે વિચારપિંડ ઠરી ગયો હોય તેને જુદા-સાંપ્રતની માંગ જેવા ખૂણેથી ઢંઢોળવો, અને એ રીતે રહસ્યસૂચક ભાવજગતનો વૈભવ ઉપજાવવો, એ જ આ કવિની ઉત્પાદ્યા પ્રતિભા છે. જોઈએ, આ જ કાવ્યની અંતિમ ચરણની પંક્તિઓમાંથી મળતો શાશ્વત વિચાર…..
“આજે ય ચિત્ર ચિત્ત હરે આવનારનું,
કાચી વયે જ મૃત્યુ થયું ચિત્રકારનું,
આયુષ્ય અલ્પ કિંતુ કળા તો સુદીર્ઘ છે.”
આ બાબત એટલે છેડાઈ કે ઉદયનની કવિતામાંથી જ્યારે આપણે સાદ્યંત પસાર થઈએ ત્યારે એમાં પેલા સુરેશ દલાલ વાળા મુંબઈના વિચારે કે પછી મુખર કે ચાતુરી કે રંજક્તા કે એવા એવા સામે આવતા પ્રશ્નોને કારણે આપણે ગૂંચાઈ જઈએ છીએ કે આ કવિની પ્રતિભાને કઈ રીતે જોઈએ, મૂલવીએ ? એમની અનેક રચનાઓના પ્રારંભે જ આવો પ્રશ્ન સામે આવે, રચના સાદ્યંત ચાલતી હોય ત્યાં વચાળે આવી કોઈ લપટી નુક્તેચીની ચઢે, રચનાની ભાતમાં (સ્વરૂપમાં પણ) કવિ અકારણ ઉત્સાહિત થતાં દેખાય, ત્યારે આપણા કાનને એ સ્હેજ ખટકે, અટકે, કવિપ્રતિભા બાબતે મૂંઝારો થાય. પરંતુ ઉદયનના સમગ્ર કાવ્યોમાંથી એવી યે રચનાઓ, કાવ્યકણિકાઓ, કાવ્યખણ્ડો મળે છે જ્યાંથી આપણને કોઈ નવા વિચાર કે આકારનો કાવ્યપદાર્થ મુખોમુખ થાય. એ જ તો આ કવિની ચાતુરી પછવાડેની ચમત્કૃતિ છે, જેને અહીં સિગ્નેચર ટ્યુનના ચોકઠે ચોંટાડી છે. એ જ તો આ કવિની ઉત્પાદ્યા શક્તિની નીપજ છે, એને શીદ અવગણવી ???
આ આહાર્ય=ઉત્પાદ્યા શક્તિથી અહીં જે નીપજે છે તે સહજ અને અસહજ પ્રાસવિધાન, વિલક્ષણ ભાવવિશેષ, સાંપ્રતની અનેકકેન્દ્રી સમસ્યાઓ અને ઉત્કટ વેદનાઓને હળવી રીતે રજૂ કરી યુક્તિ, અતિરંજિત થઈ જતી ઉક્તિ કે કાકૂ કે રીતિના આંચળે ભાવવિશ્વને સ્પર્શવાની ક્ષમતા, લોકપ્રિય (Popular) ખરો, પણ લોકવાદી (Populist) ન થતો વિચાર. આ બધું તેમની કાવ્યસર્જનની અભિજ્ઞતાનો અહેસાસ ઉભો કરે છે.
***
(ક્રમશઃ)
(અંતિમ ભાગ (૩) આવતી કાલે)
Excellent.
Lata Hirani