ડકાઉ કોન્સન્ટ્રેશન કેમ્પની મુલાકાતે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:43 ~ ઉત્કર્ષ મઝુમદાર
વહેલી સવારે ઊઠી તૈયાર થઇ, નાસ્તો બનાવી, કરી મ્યુનિક અને ઓક્ટોબરફેસ્ટને ટાટા બાય બાય કરી ડકાઉની મુલાકાતે ઉપડ્યા. જે અમારે જોવું જ હતું.
તમે કહેશો શું કામ એવું તે શું દાટયું છે ડકાઉમાં કે ત્યાં ગયા વગર ચાલે જ નહિ? અમે તો નામ પણ નથી સાંભળ્યું. તમે જો ઇતિહાસમાં દિલચસ્પી રાખતા હો, બીજા વિશ્વયુદ્ધ વિષે થોડુંઘણું જાણતા હોય તો ખબર હશે કે ત્યાં શું દટાયું છે, ધરબાયેલું છે, ને શા માટે એની મુલાકાત મ્યુનિક જનાર બધાએ લેવી જ રહી.
હચમચાવી નાંખે એવું આ સ્થળ તમને બીજે કશે જોવા નહિ મળે. એ છે બહુ ગાજેલો કોન્સન્ટ્રેશન કેમ્પ.

કોન્સન્ટ્રેશન કેમ્પ વિષે તો તમે સાંભળ્યું તો હશે જ કે હિટલરની નાઝી પાર્ટીએ યહૂદીઓને ને અન્યોને કેવા રીબાવીને મોતને ઘાટ ઉતારેલા. મ્યુનિકથી એ માત્ર સત્તર કિલોમીટર દૂર છે. ટ્રેનથી જાવ તો અગિયાર મિનિટ ને કારમાં જાઓ તો પચીસ મિનિટ.
મ્યુનિક આટલું નજીક હોવાથી ઘણા લોકો અહીં જ રહે છે ને મ્યુનિક રોજ આવ-જા કરે છે તેથી એની વસ્તી પચાસ હજારની આસપાસ છે.
આ પ્રાચીન નગર છે. અહીં સન 1546થી 1577માં બંધાયેલો ડકાઉ મહેલ છે.

ઓગણીસમી સદીના મધ્યભાગમાં લેન્ડસ્કેપ દોરતા ચિત્રકારોને આ સ્થળ આકર્ષી ગયું. 1890 ને 1914માં ફાલી ફૂલેલી ચિત્રકાર કોલોનીએ આ નગરને જર્મનીની પ્રખ્યાત કલાકાર કોલોનીમાંની એક તરીકે ખ્યાતિ અપાવી તો 1933માં બંધાઈને કાર્યાન્વિત થયો એ કોન્સન્ટ્રેશન કેમ્પ એને અપકીર્તિ અપાવે છે. કેવી પડતી!
અમે દસ વાગે ડકાઉ પહોંચી ગયા. કેમ્પની પહેલા આવેલા પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી કેમ્પ આગળ બહાર આવેલા કેમ્પના અવશેષો જોવાથી શરૂઆત કરી.
બહાર અમને રેલવેના ઉખડેલા પાટા દેખાયા એ વખતે ડકાઉ રેલવે સ્ટેશનથી અહીં સુધી ટ્રેન આવતી ને કેદીઓને અહીં લવાતા.

પછી જોર હાઉસ તરીકે ઓળખાતી જગામાં પહોંચી ગયા જોર હાઉસ એટલે દિવસે કામ કરવાની જગા. આ લશ્કરી શબ્દ છે. અહીંથી કેમ્પનું સઘળું સંચાલન થતું.
![]()
આ લોખંડનો દરવાજો કેદીઓના આવાગમનનો એક માત્ર માર્ગ હતો. જર્મન અધિકારીઓ આ કેમ્પને કોન્સન્ટ્રેશન કેમ્પ નહિ પરંતુ ‘પ્રોટેકટિવ કસ્ટડી કેમ્પ‘ કહેતા.
અહીં આ મેમૉરિઅલ સાઈટ જોવાની કોઈ ટિકિટ નથી. અલબત્ત તમે બે કલાકની ગાઇડેડ ટુરમાં જોડાવ તો 3.50 યુરોની ટિકિટ લાગે. અમે એ ન લીધી કારણ કે એનો સમય બપોરે સાડા બારનો હતો અને અમે તો સાડા દસ વાગે ત્યાં પહોંચી ગયેલા.
નાઝીઓએ જે કોન્સન્ટ્રેશન કેમ્પ ઊભા કર્યા એમાંનો આ પહેલો કેમ્પ. મૂળ તો રાજકીય કેદીઓને રાખવા માટે બંધાયેલો.
બંધ પડેલી દારૂગોળાની ફેક્ટરીની જગ્યાએ બંધાયેલા આ કેમ્પનું હેન્રીખ હિમલરે ઉદ્ઘાટન કર્યા પછી અહીં ક્રમશઃ એનો વ્યાપ વધતો ગયો ને યહૂદીઓ, ને જર્મન તેમ જ ઓસ્ટ્રિયન ગુનેગારો સુધી પહોચી ગયો.
વખત જતા જર્મનીએ જે દેશોને જીતી લીધેલા તેના નાગરિકોને પણ અહીં કેદ રખાયેલા. કેદીઓ અહીં સતત ભયના ઓથાર નીચે જીવતા. અમાનવીય અત્યાચાર એમના પર આચરાતો. ઊભી કોટડીમાં પૂરાતા, ચાબખા ખાવા પડતા, ઝાડ કે થાંભલા પર લટકાવાતાં. વળી એટેંશનની મુદ્રામાં કલાકો ઊભા રખાતા.

અહીં મૃત્યુ પામેલાઓનો સત્ત્તાવાર આંકડો બત્રીસ હજારનો છે પણ નોંધાયા વિનાનો આંકડો તો બીજા હજારોનો હશે.
1935 પછી યહૂદીઓ ઉપરાંત જેહોવાહ વિટનેસ (એક ખ્રિસ્તી પંથ), હોમોસેક્સુઅલ્સ, જીપ્સીઓને પણ અહીં ધકેલવામાં આવ્યા.
મુખ્ય કેમ્પને 29મી એપ્રિલ 1945ના રોજ અમેરિકન સૈન્યે મુક્ત કર્યો ત્યારે ત્રીસ હજારમાંથી દસ હજાર જેટલા કેદીઓ તો ભયંકર રીતે બીમાર હતા.

યુદ્ધ પશ્ચાત અહીં જેમના પર ખટલો ચલાવવાનો હતો એવા નાઝી સૈનિકોને રખાયેલા. પૂર્વીય યુરોપમાંથી હાંકી કઢાયેલા વંશીય જર્મનોને પુનર્વસન પહેલા અહીં રખાયેલા.
બીજા ઘણા આવા કેમ્પસ ઊભા થયા એ બધાને માટે આ કેમ્પ આદિરુપ હતો. દરેક કોમમાંથી કોઈને કોઈ અહીંયા લાવવામાં આવેલું. અખબારોમાં રોજ આજે કેટલા દેશદ્રોહીઓને અહીં લવાયા તેના આંકડા આવતા.

એક જોડકણુ પણ ફરતું થઇ ગયું: ‘હે વ્હાલા ભગવાન, બનાવી નાખ મને ગુંગો જેથી આવવું ના પડે મારે ડકાઉ‘.
મુખ્ય દરવાજા પર જર્મન ભાષાનું એક વાક્ય લખાયેલું નજરે પડ્યું. જેનો અર્થ થતો હતો ‘કામ તમને મુક્તિ આપે છે‘.
કેવી ચાલાકી નાઝી પ્રચારની, કે અંદર શું ચાલે છે કોઈને ખબર ન પડે. એમ જ લાગે કે આ તો ‘કામ અને શિક્ષણ‘ આપતી જગ્યા છે. દરવાજામાંથી જેવા અંદર દાખલ થયા કે એક અજાણ્યા ભયનું લખલખું શરીરમાંથી પસાર થઇ ગયું.
વિશાળ જગ્યા હતી પણ તરત કળાઈ આવતું હતું કે ક્યાંય એક કાગળની ચબરખી સુદ્ધાં નીચે પડેલી નજરે ન ચઢે. આખોય પરિવેશ ગમગીન, ભય પમાડનારો લાગતો હતો. વધારામાં દિવસ પણ એવો જ હતો. સૂરજ ઢંકાયેલું આકાશ વાતાવરણને વધુ ઉદાસ બનાવી મૂકતું હતું.

સામે મોટું ચોગાન નજરે ચઢ્યું જ્યાં રોજ સવાર સાંજ કેદીઓની હાજરી લેવાતી. આ હાજરી કલાક ઉપર ચાલતી ને ત્યાં સુધી બધાએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડતું.

કૃશકાય થઇ ગયેલા કેદીઓની ઉપાધિ અહીંથી જ શરુ થઇ જતી. સાંજે કામ પરથી આવ્યા બાદ ફરી હાજરી ને એમાં જો ગણતરીમાં ભૂલ આવી તો એકડેડે એકથી ફરી શરુ. કોઈ બીમાર ,અશક્ત કેદી પડી જાય તો એની સહાય કરવા કોઈ અન્ય કેદી જઈ પણ ન શકે. ડ્રિલ પણ કરાવાતી અને ચાબુકના ફટકાની સજા પણ અહીં સરેઆમ થતી. કેટલાય કેદીના અહી જ રામ રમી જતા.

ચોગાનની જમણી બાજુએ ઉલટા અંગ્રેજી સી આકારના બેરેક્સ નજરે ચઢ્યા. અહીંયા સમગ્ર જગ્યામાં પ્રદર્શની આવેલી છે. ફોટાઓ, પોસ્ટર્સ, માહિતી પત્રક, ફિલ્મ્સ વિગેરે. બીજા છેડે ડાબી બાજુ એ ક્રિમેટોરિયમ છે જેની મુલાકાત અમે છેલ્લે લીધી. પહેલા પ્રદર્શન જોવાનું શરુ કર્યું.
આ કેમ્પનું આયોજન, મકાનોની ડિઝાઇન કરનાર હતો થિયોડર આઇકે. બાકીના બીજા બધા કેમ્પ આને આધારે બન્યા. અહીં કમાન્ડ સેન્ટર જેમાં વહીવટી કેન્દ્ર, રહેઠાણ, ને લશ્કરી થાણું રહેતું. આગળ જતા એ બધા કેમ્પ્સનો ચીફ ઇન્સ્પેક્ટર બન્યો.
ડકાઉ સંકુલમાં પાંચ એકરનો કેદીઓનો કેમ્પ અને વીસ એકરમાં જર્મન પોલીસ ટ્રેનિંગ સ્કુલ, બેરેક્સ ફેક્ટરીઝ અને અન્ય મકાનો હતા.
કેમ્પની ત્રણે બાજુ કાંટાળી વાડ, દીવાલ ને વોચ ટાવર્સ ચોથી બાજુએ વોર્મ નદી. અહીંથી નાસી છૂટવું તદ્દન અશક્ય હતું. આ લાંબામાં લાંબો, 1933થી 1945 સુધી ચાલેલો કેમ્પ હતો. મ્યુનિકથી નજીક, હિટલરનું સત્તારોહણ મ્યુનિકથી થયું ને નાઝી પક્ષનું મુખ્યાલય પણ મ્યુનિકમાં હોવાથી ડકાઉ બહુ સગવડભર્યું બની ગયું.
‘નાઈટ ઓફ ધ બ્રોકન ગ્લાસિસ’ના બનાવ પછી ત્રીસ હજાર યહૂદી પુરુષોને કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોક્લવામાં આવ્યા એમાંથી દસ હજાર જેટલા તો અહીં લવાયા.
1941થી 43 દરમ્યાન 4000 જેટલા સોવિયેટ યુદ્ધકેદીઓને જીનિવા કન્વેનશનથી ઉપરવટ જઈને અહીં મારી નંખાયા હતા. જુદા જુદા કેદીઓને ચોક્કસ રંગના બિલ્લાઓ પહેરવા પડતા.
છેલ્લા વર્ષોમાં નાઝી પોલીસે અહીં વેશ્યાઘર પણ ઊભું કરેલું ને આ વેશ્યાઓ એટલે બીજું કોઈ નહિ પણ બીજા કેમ્પમાંથી લવાયેલી સ્ત્રી કેદીઓ જ.

સારા કામ બદલ પુરુષ કેદીને કુપન આપવામાં આવતી અને તે આ વેશ્યાઘરે જવાની અરજી કરી શકતો. જોકે મોટા ભાગના કેદીઓએ આ વેશ્યાઘરમાં જવાનો નકાર ભણેલો.
સ્ત્રીસુખથી વંચિત રહેલા તેઓએ પોતાની કોમની સ્ત્રીઓને પોતાની વાસનાનો ભોગ નહોતી બનાવવી. એમના સ્વમાન પર કુઠારાઘાત નહોતો કરવો. પાશવી કૃત્ય નહોતું કરવું. આટઆટલી અવહેલના, પીડા દુઃખ વચ્ચે પણ સેવી કેવી ઉદ્દાત ભાવના! સલામ છે એમને.
પ્રદર્શનીમાં એક નાનું થિયેટર પણ હતું જ્યાં દસ્તાવેજી ફિલ્મ્સ બતાવાતી. અમે અજંપાથી ઘેરી લે એવી એ ફિલ્મ સ્તબ્ધ બની જોઈ ને એના અંતે નત મસ્તકે, આંખમાં આંસુ સાથે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા. એક માનવી બીજા માનવી જોડે આવું પાશવી, દાનવી કૃત્ય કેવી રીતે કરી શકે?
(ક્રમશ:)
હ્રદયને હચમચાવી નાખતો અહેવાલ. સૌથી વધારે ક્રૂર માનવ છે, ત્યારે અને હંમેશા.
સરયૂ પરીખ.