પ્રકરણ: ૨૨ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

સિંઘસાહેબ પાસેથી નીકળી ત્યારે લાવણ્ય બસસ્ટેન્ડ જવા વિચારતી હતી. શારદા-પ્રેમલને એમના વિવેક અને એમના ભાગ્ય પર છોડી દેવામાં જ ઔચિત્ય હતું.. પણ બસસ્ટેન્ડ બાજુ વળી ત્યાં વનલતા યાદ આવી. અહીં બંને સાથે હોય ત્યારે એકબીજાનો ખ્યાલ રાખીને રસ્તો ઓળંગતી. અભ્યાસમાં પોતે આગળ હતી તો વ્યવહારમાં વનલતા વડીલની જેમ વર્તતી. અમેરિકા પહોંચ્યા પછી એ ભૂલી તો નહીં ગઈ હોય. જમુનાબેન પર તો એનો પત્ર હશે જ. પૂછતી જાઉં?

જમુનાબેન એને જોતાં જ વળગી પડ્યાં. ‘ઘણા દિવસે બેટા! અમને તો હતું કે તું અમને વનલતાની ખોટ નહીં સાલવા દે. પણ તું તો એનાથીય જાણે આઘી જતી રહી!’

જાણ થતાં મધુકરભાઈ મેડી પરથી નીચે આવી પહોંચ્યા.

વનલતા અને વિનોદ બંનેના પત્ર આવ્યા હતા. પોતાના ઉલ્લેખો વાંચીને લાવણ્યને સંબંધનું સાતત્ય અનુભવાયું. અને બહેનપણીનું સ્વપ્ન ફળ્યું છે એમ લાગતાં સંતોષ થયો.

દીકરી લગ્નથી સુખી છે એનો જમુનાબેન-મધુકરભાઈને આનંદ છે. એમની વાત પરથી લાગે કે પ્રેમલની ચિંતા એમણે છોડી દીધી છે. પણ શારદા સાથેનો એનો સંબંધ એમને અકળ લાગે છે. હમણાં તો અઠવાડિયામાં એક બે વાર ઘેર આવે છે. છેલ્લે ચારેક દિવસ પહેલાં આવેલો.

કહેતો હતો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ત્રણેક ચિત્રકારો એની મહેમાનગત માણવા આવ્યા છે. સાથે રહીને બધા કાર્ય શિબિરનું સંચાલન કરે છે. આજકાલમાં એ લોકો જશે. તું એ બાજું થઈને નીકળે તો અમારો વિચાર કરીને એને શિખામણના બે બોલ કહેજે.’

‘કયા અધિકારથી?’

‘અધિકાર છે કે નહીં એની ખાતરી તો થશે!’ — મધુકરભાઈ એની સામે જોયા વિના જ બોલ્યા – ‘અમને તો ખાતરી થઈ ગઈ છે.’

‘આપને કદાચ નહીં ગમે, પણ મારે કહેવું જોઈએ કે આ ઘર સાથેનો મારો સંબંધ વનલતાને આભારી હતો અને હવે આપને આભારી હશે. પ્રેમલ પર મારો અધિકાર હોવો જોઈએ એવું હું માનતી નથી, અને એ મારે વિશે કેવો ભાવ ધરાવે છે એ અંગે કુતૂહલ પણ નથી. હું એટલી બધી અનાસક્ત ન હોઉં તોપણ સ્વાભિમાની તો છું જ.’

‘એ વખાણવા યોગ્ય વસ્તુ છે. મને થયા કરે છે કે પ્રેમલ જવાબદારી અને સચ્ચાઈથી વર્તતો હોત તો આજે તમારી બંનેની વચ્ચે છે એટલું અંતર તો ન જ હોત. ખોટું કહું છું?’

‘મારું દુર્ભાગ્ય છે કે જીવનના આ તબક્કે કોની કોની સાથે માટે કેટલું અંતર છે એ જ મારી કમાણી છે.’

‘વચ્ચે થોડીક ક્ષણો એવી પણ આવેલી કે – ખેર, જવા દે એ વાત!’ — મધુકરભાઈ સોફાનો ટેકો લઈને આંખો બીડી રહ્યા.

કંઈક બોલવું જોઈએ એવો વિવેક સૂઝતાં લાવણ્ય બોલી:

‘વનલતા જેમ પ્રેમલને જાણતી તેમ મને પણ જાણતી. એના માનવા પ્રમાણે પ્રેમલના અને મારા વ્યક્તિત્વ વચ્ચેનું અંતર એવું તો —’

‘મારે પણ એની સાથે વાત થયેલી. મેં એને કહેલું કે જેમ અંતર વધુ હોય તેમ ઐક્યની શક્યતા વધુ… તારા જેવી યુવતીનું સાહચર્ય ભલભલાનો કાયાકલ્પ કરી નાખે. તું તો જાણે જ છે બેટા કે સૃષ્ટિની સમતુલા કેવી રીતે ટકી રહી છે… અમે બંને ઇચ્છીએ છીએ કે તું પ્રેમલ સાથેનો સંબંધ સાવ કાપી ન નાખે તો સારું. તને અપેક્ષા ન હોય તોપણ અમને નચિંત રાખવા પણ તું એની સાથે સંપર્ક ટકાવી રાખ. એથી એની કુટેવોમાં ઉમેરો થતો તો અટકશે. હું ધારું છું કે હજી એ માદક દ્રવ્યો સુધી આગળ વધ્યો નહીં હોય. કેટલાક કલાકારો —’

‘ભલે, સ્ટુડિયો પર થઈને જઈશ. આપને પત્ર લખીશ. બસ?’

વચન આપ્યા પછી લાવણ્યના મનમાં કશી દ્વિધા રહી નહીં. ઉત્સાહ જાગ્યો.

એ સ્થળ અત્યારે રમણીય લાગતું હશે. નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હશે. તપોવન ઊભું કરી શકાય એવી સુંદર ભૂમિ છે.

વિશ્વવિખ્યાત કલાકારોને મળી શકાશે. એમની સર્જન-પ્રક્રિયા વિશે ચર્ચા કરીશ. બનશે તો લખીશ.

મળવામાં શો વાંધો છે? એમ લાગશે તો ત્યાંથી વહેલી નીકળી જઈશ…

એક કલ્પન યાદ આવી જાય છે. કોના જેવો છે ઘોડેસવાર? વિશ્વનાથ જેવો? પ્રેમલ જેવો કે અતુલ દેસાઈ જેવો? આજે પ્રેમલના સંદર્ભમાં એ પંક્તિઓ કેમ સાંભરી?

“જીવન ઉપર, મૃત્યુ ઉપર એક ઠંડી નજર નાખી
ઓ ઘોડેસવાર ચાલ્યો જા!
— કાસ્ટ એ કોલ્ડ આઈ
ઑન લાઈફ, ઑન ડેથ,
હોર્સમૅન, પાસ બાય…”

ચોમાસાના ત્રણેક વરસાદ પહેલા પખવાડિયામાં થઈ ગયા હતા. શ્રાવણ બેસે એ પહેલાં જ એનાં સરવડાં શરૂ થઈ ગયાં હતાં.

લાવણ્યે જોયું કે પશ્ચિમ આકાશમાં જે વાદળ છે એ થોડી વાર પછી સોન-ગુલાબી રંગોની સાહ્યબી ધારણ કરશે. કર્ણિકાર સ્ટુડિયોના પ્રવેશદ્વારે એ પળવાર ઊભી રહી. દરવાજાની બેઉ બાજુ કર્ણિકાર વૃક્ષો વાવેલાં છે. વિકાસ સારો છે પણ એમને ફૂલ આવતાં વાર થશે.

ગાંધીનગરમાં અમદાવાદ બાજુથી પ્રવેશતાં લીંબડા અને કર્ણિકાર પર નજર પડ્યા વિના રહેતી નથી. આખું વરસ લીંબડાનો લીલો રંગ આકાશને શોભાવતો રહે છે ને મીઠી છાયા ધરતીને શાતા આપે છે. પણ એક વાર જીર્ણ પત્ર અંગે- અંગથી ઉતારી નાખીને પછી કર્ણિકાર સોનાનેય શરમાવે એવાં પીળાં ફૂલોનાં ચામર ધારણ કરે છે અને ઉષ્ણ નિ:શ્વાસ નાખતી હવાને આકર્ષે છે.

લાવણ્ય કર્ણિકાર અને ગુલમહોર માટે પક્ષપાત ધરાવે છે. કેમકે આ બે વૃક્ષો એવાં છે જે ગ્રીષ્મમાં પણ વસંતોત્સવ માણે છે. પ્રેમલને લાવણ્યનું ‘કર્ણિકાર’ વિશેનું કાવ્ય ગમેલું. તમે આ વૃક્ષને બધી ઈન્દ્રિયોથી ઝીલ્યું છે.

પોતીની પંક્તિઓ સ્મરતી એ ડાબી બાજુના નીચલા ભાગ પર ચાલી રહી હતી:

આટઆટલી રૂપછટા પછીય
આ પુષ્પો જાણે વધુ વિકસવાને
ઉદગ્ર બની
સૂર્યના પ્રકાશને
પ્રકાશિત કરી રહ્યાં છે.
છાયા છે જ નહીં,
સુગંધ છે,
ધરિત્રીના ઉત્તપ્ત શ્વાસ સાથે
એકરૂપ જે અવકાશમાં,
જેમ એક હોય છે
પ્રિય જનની સ્મૃતિમાં
આકાશ અને પ્રકાશ.

સ્ટુડિયોનું નામ ‘કર્ણિકાર’ રાખીને પ્રેમલે મારી આ રચનાની કદર તો કરી નહીં હોય? કદાચ અમે બંને દેખાઈએ છીએ એટલાં દૂર ન પણ હોઈએ…

એ નદીકિનારા બાજુ વળી હતી. ધરતીની હરિયાળી, પાણીનો પ્રવાહ અને પશુપક્ષી જોવામાં એ એવી મગ્ન બની કે આકાશ સામે નજર કરવાનું જ ભૂલી ગઈ.

પાંચેક મિનિટમાં જ એને ખ્યાલ આવી ગયો કે વચ્ચેના અરસામાં પ્રેમલે સ્ટુડિયોને ઠીક ઠીક વિકસાવ્યો છે. પ્રવૃત્તિઓ પણ વધારી છે. ફોટોગ્રાફી વિભાગ ઉમેર્યો એને વાર થઈ.

તાજેતરમાં એના મિત્રોએ આ સરનામે ‘વિપથગા’ નામે વિડિયો ફિલ્મ સોસાયટી સ્થાપી છે. એમાં મૂડીરોકાણ વિના જ પ્રેમલ ભાગીદાર બની શક્યો છે. આ સ્થળ વપરાશે એના બદલામાં એને વીસેક ટકા નફો મળશે.

જમીનની સપાટી સરખી કર્યા વિના, જૂનાં ઝાડ સાચવી રાખીને આયોજન કર્યું છે. આકાર પીંપળાના પાન જેવો છે. ઉત્તર બાજુથી પ્રવેશતાં રસ્તો પાનની ધોરી નસ જેવો લાગે. જમણી બાજુ પાનનો ભાગ કંઈક નાનો લાગે, એનું તળ ઊંચું છે. એના મધ્યભાગમાં ‘એકદંડિયો મહેલ’ છે અને નીચા ભાગની સરહદે, સ્ટુડિયોની પૂર્વ-દક્ષિણ ધારે ગુફાનો આભાસ કરાવતું બાંધકામ કરેલું છે.

વીસ ફૂટ પહોળો અને સાઈઠ ફૂટ લાંબો આ ખંડ એ જ વાસ્તવિક સ્ટુડિયો ગણાય. એના મથાળે બાંધેલી કઠેરાવાળી ચોકીમાં બેસીને બેઉ છેડા સુધી નદીના પ્રવાહને નિહાળી શકાય છે. પૂર્વ બાજુ નજર ટેકવીને સાબરમતીનું સ્વાગત કરો અને પશ્ચિમ બાજુ પ્રવાહની સાથે વહી શકાય એટલું વહીને વિદાય આપો!

લાવણ્ય માટે ફક્ત એકદંડિયા મહેલ પર ચઢવાનું બાકી રહ્યું હતું. એકવાર સંજાણથી નારગોલ જતાં દરિયાકિનારાની દિશામાં એકવડા આકારનું ઊંચું મકાન જોતાં સાથેના પ્રવાસીઓ એને વિશે વાતે વળ્યા હતા.

કોઈકે કહ્યું કે એ દીવાદાંડી છે, કોઈકે કહ્યું કે ફેક્ટરીવાળાએ એ રીતે રહેવા મકાન બાંધ્યું છે. લાવણ્ય કોણ જાણે કેમ એકદંડિયા મહેલ અને દીવાદાંડીની સરખામણી કરતી રહી. એકદંડિયો મહેલ એટલે ‘એકાન્ત’, દીવાદાંડી એટલે ‘અનેકાન્ત’. એક ‘અનન્ય’, બીજાનું અસ્તિત્વ ‘અન્ય’ ને ખાતર…

પ્રેમલે ઊંચાણવાળા વિસ્તારમાં પંદર ફૂટની ઊંચાઈના ગોળાકાર બાંધકામ પર એક રૂમ કરાવી છે, એના પર પાણીની ટાંકી! ટાંકી પર પાછો કઠેરો. એના પર જઈને ઊભાં રહો. સામે તટવાસી શહેર દેખાશે, એની વિરુદ્ધ આ બાજુ નૈસર્ગિક રમણીયતા જોવા મળશે. કલ્પનાશીલતા અને ઉપયોગિતાની સહોપસ્થિતિ!

મધુકરભાઈ પ્રેમલ વિશે જે શંકાકુશંકાઓ ધરાવે છે એને અહીં ક્યાંય સ્થાન નથી. ‘અતિ સ્નેહ: પાપશંકી.’ માબાપ એને હજી નાનો કીકો માનીને એને માટે વિધિનિષેધ નક્કી કર્યા કરે છે. કદાચ એથી જ પ્રેમલ આડો ફાટે છે, એ અહીં આવીને એકવાર જુએ તો એમની આંખ ઠરે.

હું વનલતાને લખીશ. પ્રેમલની આ સફળતા વિશે જાણીને એ ખુશ થશે. — એક વિધાયક ભાવ સાથે લાવણ્ય આગળ વધી. ચોકીદારે અત્યાર સુધી મૌન પાળ્યું હતું. એણે પાસે આવી હાથ જોડી કહ્યું: સાહેબ અને મહેમાનો વર્કશોપમાં છે.

વર્કશોપની પાસેની ગેલેરી નદીની ભેખડે અવકાશમાં લંબાવેલી હથેલી પર બનેલી લાગતી હતી. ઉપરનો આકાર વિમાનમાંથી કૂદી આવેલ માણસના માથા પરની છત્રી જેવો લાગતો હતો! વાહ! જેને તમ્મર આવતાં ન હોય એ વ્યક્તિ આ જગાએ ઊભી રહેવાનો રોમાંચ અનુભવી શકે. લાવણ્ય એનો લાભ લેવા બાળકની જેમ લલચાઈ પણ વર્કશોપ બાજુથી સ્વાગતના શબ્દો સંભળાતાં એ બાજુ વળી.

એને જોતાં જ પ્રેમલ ખીલી ઊઠ્યો હતો. બેઉ હાથ ઊંચકીને જાણે કળાયલ મોર બની ગયો હતો. અંગેઅંગમાં ભેટવાનો ભાવ હતો. લાવણ્યને એથી આશ્ચર્ય થયું. એના બેઉ હાથમાં પેકિંગ કરવાની વસ્તુઓ હતી. કદાચ તેથી જ એ દૂર રહ્યો, નહીં તો સાચે જ ભેટી પડ્યો હોત. ત્યારે લાવણ્ય પોતે એ સ્પર્શને, એ બહિરંતર ભીંસને જાકારો આપી શકી હોત?

મહેમાન કલાકારો પણ એમનાં ચિત્રો બાંધવાનું કામ મૂકીને આવકાર તેમજ કુતૂહલ સાથે લાવણ્ય સામે તાકી રહ્યા. પેકિંગના કામમાં એ લોકો નિષ્ણાત નહોતા લાગતા. લાવણ્ય પહેલાં બધાનાં ચિત્રો જોશે પછી બાંધવામાં મદદ કરશે.

પ્રેમલે મહેમાનોને લાવણ્યની વિવિધ શક્તિઓનો વિગતવાર ખ્યાલ આપ્યો. બધાની જિજ્ઞાસા ભભૂકી ઊઠી. ચિત્રકાર મહેમાનો પહેલી વાર એક રૂપવતીને મળતા હતા જે કલામીમાંસક હોવાની સાથે જાતે કવયિત્રી અને વિદૂષી હોય. ‘ઉધાર જમાનો અને સર્જનાત્મક અભિગમ’ — વિષયમાં પણ એમને રસ પડ્યો.

દરેકે પોતાનાં ચિત્રો બતાવ્યાં, સર્જક તરીકે કેફિયત આપી. એક જણે તો વધુમાં વસવસો પણ કર્યો: ‘વિદાયની ક્ષણે જ મળવાનું થયું! થોડો વહેલો પરિચય થયો હોત તો કેવું સારું?’

‘પ્રેમલ સાથે મારે ઘણો વહેલો પરિચય થયેલો, પણ એથી કશો ફેર પડ્યો નથી. એ એ છે, હું હું છું.’ — ચિત્રો બાંધવા માટે ગોઠવતાં લાવણ્ય બોલી. ઊઠીને ચિત્ર લેવા ગઈ. ચિત્ર લાવણ્યની સમ્મુખ થયું ત્યાં એના સર્જકે લાવણ્યનો ફોટો પાડી લીધો. પછી રજા માગી: ચિત્ર-પ્રદર્શનના પ્રવેશદ્વારે આ ફોટોગ્રાફને એન્લાર્જ કરીને મૂકી શકાય? નિમંત્રણ-પત્ર પર છાપી શકાય?

લાવણ્યે માત્ર સ્મિતથી સંમતિ આપી.

બધા મહેમાનો હવે પોતપોતાની બૅગ તૈયાર કરવા લાગી ગયા હતા. અછડતું એકાંત મળ્યું. પ્રેમલ બોલ્યો: ‘મને લાગે છે કે એક વાર મારામાં ફેર પડવો શરૂ થયો હતો, પણ સંયોગો આડે આવ્યા. કદાચ વનલતાની ઈર્ષાએ પણ ભાગ ભજવ્યો હોય.’

‘વનલતાની ઈર્ષા? એ વળી કોની ઈર્ષા કરે?’

‘મારી, તમારી – બંનેની.’

‘માની ન શકાય.’

‘આ પ્રશ્ન માનવા ન માનવાનો નથી. સમજવાનો છે. ભાઈબહેન જેમ એકબીજાનાં શુભચિંતક હોય છે તેમ જો એ વયમાં સરખાં હોય તો એકબીજીના સુખ અને ભાગ્યની, આવક અને રૂપની ઈર્ષા પણ કરતાં હોય છે.

એક દિવસ આપણે વિશે વનલતાને સાંભળી લીધા પછી ખુદ પપ્પા મમ્મીને કહેતા હતા: મને લાગે છે કે વનલતાએ જ લાવણ્યને પ્રેમલથી વિમુખ કરી.’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.