ત્રણ ગઝલો ~ ભાવેશ ભટ્ટ
૧. “મોકલાવે છે….!”
અમીરો તો હરખને કોઈ પણ રીતે પચાવે છે
ખુશીના આંસુ નાના માણસોને ખાસ આવે છે
બહાનાં રોજ પાણીને મળી રહેવાનાં મનગમતાં
અમુક વસ્તુને રોકે છે અમુક વસ્તુ વહાવે છે
વચન તોડ્યું નથી એ વાતથી ગદગદ થતા પહેલા
જરા જો કે નિભાવે છે તો કઈ રીતે નિભાવે છે
પછી પટકાય તો બોલે કે ‘છે અણઆવડત એની’
ભલા શું કામ તું પાંખો વગરનાને ઉડાવે છે
થવાનું કામ તો દુનિયાનું કાયમ બેઉ સ્થિતિમાં
ફસ્યો ના જાળમાં તો જાળ મારામાં ફસાવે છે
કપાયેલાં પતંગો લૂંટી, વેચી, પેટ ભરવાનો
જુઓ એની નજરથી તો બધા રોટી ચગાવે છે
નઝમ છૂટા પડીને સાંભળી ગુલઝારની એણે
હવે માંગ્યા વિના સામાન પાછો મોકલાવે છે
– ભાવેશ ભટ્ટ
૨. “ખુદના ઉછેરમાં…..!”
ભટકે છે ક્યાંક પ્રેમમાં તો ક્યાંક વેરમાં
ભાંગી તૂટી ન જાય ગ્રહો હેરફેરમાં
તળિયેથી રાખી જેણે નદી ઊભરાયેલી
આજે ગયો તણાઈ એ સિક્કો નહેરમાં
એવું ગજું નથી કે હું દાવો કરી શકું
મૂકી છે બસ દલીલને પ્રત્યેક શેરમાં
ભેદી નજરથી કાચમાં પોતાને પણ જુએ
હારી ગયું છે કોઈ બહુ નાના ફેરમાં
એના સિવાય ધ્યાન કશે રાખતો નહીં
દેખાય છે સફેદ કશું કાળાકેરમાં
મુક્તિ મળે છે તો જ વધેરાઈ જાય જો
નરમાશ લે છે ઓથ ભલે નાળિયેરમાં
વસિયત કોઈની જોઈને વિચલિત થશે કે નહિ
છે ખુદનો હાથ જેમના ખુદના ઉછેરમાં
– ભાવેશ ભટ્ટ
૩. “ઝરમરમાં નથી હોતી….!”
નથી હોતી એ કાપડમાં કે અસ્તરમાં નથી હોતી
ખુમારી હોય છે આંખોમાં, કોલરમાં નથી હોતી
ગણતરી એમની લોકો કરે છે ચીજ વસ્તુમાં
જરૂરી ચીજ વસ્તુ જેમનાં ઘરમાં નથી હોતી
બિચારા થાય છે રાજી કહીને ‘કુદરતી બક્ષિસ’
જે સમજે,શાયરી ક્યારેય શાયરમાં નથી હોતી
હૃદયમાં ચાડીયો વિશ્વાસનો ટટ્ટાર ઊભો છે
બધીયે વાવણી તો ફક્ત ખેતરમાં નથી હોતી
ઘણાયે પ્રશ્ન આવીને કરે અંતિમ ક્રિયા મારી
છતાંયે એમને સંતુષ્ટિ ઉત્તરમાં નથી હોતી
કદી બદલાવ માટે તરબતર રહેનારને ગમશે
ઝુલસનારાને રાહત કોઈ ઝરમરમાં નથી હોતી
અમુક વેળા કરાવે છે પરાક્રમ અણસમજ એની
સદંતર બ્હાદુરી તો કોઈ નીડરમાં નથી હોતી
– ભાવેશ ભટ્ટ
|
ReplyForward |
નાવીન્ય,શેરિયત તથા સરળતા સહજતાનો સંગમ