“ગઝલની ગુંજતી સરગમ” ~ રજૂઆતઃ કવિશ્રી શોભિત દેસાઈ ~ અહેવાલઃ ડૉ. દર્શના વારિયા-નાડકર્ણી

કેલિફોર્નિયા બે એરિયા યુથ વૈષ્ણવ પરિવાર અને આપણું આંગણું બ્લોગના સંચાલિકા જયશ્રીબેન મરચન્ટ, અને સૌમીલભાઈ શાહના સૌજન્યથી, શ્રી શોભિતભાઈ દેસાઈના નેતૃત્વ નીચે અને હેતલ બ્રહ્મભટ્ટ અને સૌમિલભાઈ ના સહકાર સાથે હવેલીમાં લોકપ્રિય કવિશ્રી ચંદુભાઈ શાહનાં સમગ્ર કાવ્યોનાં સંગ્રહ, “ચંદ્રકાન્ત શાહનાં સમગ્ર કાવ્યો” લોકાર્પણની સાથે ગુજરાતી ગઝલની ગુંજતી સરગમની સુંદર સાંજ ગુજરાતી ભાષાપ્રેમીઓએ માણી. તેમાં ગુજરાતના આઠ લોકપ્રિય ગઝલકારની શોભિતભાઈ દેસાઈએ ઓળખ આપી અને તેમની કેટલીક અમર થઈ ગયેલી ગઝલોને એમની આગવી છટાથી રજૂ કરીને પ્રેક્ષકોને મોહિત કરી દીધાં.
નાટ્યકાર, નિર્માતા, લેખક ચંદુભાઈ શાહ, હાસ્ય લેખક તારકભાઈ મહેતાના જમાઈ હતા. તેમનું ગયા વર્ષે નવેમ્બરમાં નિધન થયું. ચંદુભાઈને બિરદાવતા, તેમના પત્ની ઈશાનીબહેને “એક બીજાને ગમતા રહીશું” એ સુંદર ગીત ગાઈને પ્રેક્ષકોના દિલ ખુશ કરી દીધા. શિવાની દેસાઈએ ચંદુભાઈ લિખિત ખુબ લોકપ્રિય “બ્લુ જીન્સ” કાવ્યનું ખુબ ભાવનાત્મક રીતે પઠન કર્યું.
હેતલ બ્રહ્મભટ્ટે જયારે ચંદુભાઈનું નીચેનું કાવ્ય ગયું ત્યારે પ્રેક્ષકો ભાવવિભોર થઈ ગયાં હતાં.
“આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું, હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું, હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું, હું માણસ છું કે?”
દિલીપ અને મિશા આચાર્યએ ચંદુભાઇના ખુબ લોકપ્રિય નાટક “એવા મુંબઈમાં ચાલ જઈએ”નું જાણીતું ગીત, “ચાલ જઈએ” ગાયું, ત્યારે મંત્રમુગ્ધ પ્રેક્ષકો પણ એમની સાથે મુંબઈની સફરે નીકળી પડ્યાં.
જયશ્રી મરચંટે ચંદુભાઈની ઓળખ આપતા કહ્યું કે “કવિ કેવો છે એની પરખ કવિતાથી થાય, પણ કવિતા કેવી છે એની પરખ માણસ તરીકે કવિ કેવો છે, એનાથી થાય છે. ચંદુભાઈના કાવ્યોમાં મુઠ્ઠી ઊંચેરો કવિ માણસાઈની ચાળણીથી ચળાઈને સહજતાથી ઉભરી આવે છે. “આપોને જીન્સ કોઈ એવા” કહીને પ્રભુને પણ માથું ખંજવાળવું પડે, તેવી માંગણી તેઓ ઈશ્વર પાસેથી કરી શકે છે. શબ્દો ઉપર જેવું તેમનું વર્ચસ્વ અને તેવું જ સરળ અને સૌમ્ય તેમનું વ્યક્તિત્વ, તેવા ચંદુભાઈ ને સો સો સલામ”.
સૌમિલભાઈ શાહે બે એરિયાના પ્રિ, હ્રદયસ્થ શ્રી પ્રતાપભાઈ પંડ્યા વિશે વાત કરી. તેમની સમાજસેવા, વિદ્યાર્થીઓને ભણાવવા, દૂરદૂર લોકોને પુસ્તકો જ નહિ, પરંતુ આખી ને આખી લાઈબ્રેરી પંહોંચાડવાની તેમની જિંદગીભરની લોકસેવાને બિરદાવતાં કહ્યું કે હવે તેમના પત્ની રમાબહેન પંડ્યા અને તેમના સુપુત્રી મનીષાબહેન શ્રી પ્રતાપભાઈનું કામ આગળ વધારી રહ્યા છે. આદરણીય શ્રી રમાબહેને ચંદુભાઇના પુસ્તક “ચંદ્રકાન્ત શાહનાં સમગ્ર કાવ્યો”નું વિમોચન કર્યું.
ગઝલોની ગુલછડી-
ત્યાર બાદ શોભિતભાઈએ કાર્યક્રમ આગળ વધાર્યો. એક પછી એક, શાયરોના શેરો અને ગઝલોની ગુલછડી સતત વરસતી રહી અને પ્રેક્ષકો કાર્યક્રમ માણવામાં ડૂબી ગયા. સમસ્ત કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ રહ્યો. શોભિતભાઈએ પ્રોગ્રામનો પ્રારંભ, પોતે ગઝલો તરફ કઈ રીતે વળ્યા એ કિઓસ્સાથી કર્યો. શરૂઆતના દિવસોમાં શોભિતભાઈના કુટુંબની પરિસ્થતિ નબળી હતી. પરંતુ એક દિવસ તેમના હાથમાં એક ગઝલ આવી અને તે વાંચીને તેમણે તેમની “જાતને ગઝલને અર્પણ કરી ધીધી”.
બરકત વિરાણી ઉર્ફ “બેફામ”: શોભિતભાઈના હાથમાં પહેલીવાર જે આવી હતી, એ શ્રી બરકત વિરાણી ની ગઝલો. બરકત વિરાણી ઉર્ફ “બેફામ”ની ઓળખ આપતા શોભિતભાઈએ કહ્યું કે તેમના લોકપ્રિય ગીતોને તો આપણે જાણીએ જ છીએ જેમ કે “નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે”, “ઝટ જાઓ ચંદનહાર લાવો”, અને “થાય સરખામણી તો ઉતરતા છીએ” વગેરે. અને તેમની ગઝલો પણ દિલમાં ઉતરી જાય તેવી હોય છે. બેફામના અનેક અમર શેરોને એના ઈતિહાસ સાથે કહ્યા પણ શોભિતભાઈએ એમની આગવી છટાથી જ્યારે “બેફામ”ની આ ગઝલ કહી ત્યારે પ્રેક્ષકો ખુશ થઈ ગયાં.
“હું ગુજારું છું ગરીબીના દિવસ પણ ચેનથી,
આરઝૂ દોલત અને ઉમ્મીદ મિલકત થઈ ગઈ.
એની તનહાઈ જ પોતે હોય છે મહેફિલ સમી,
એક વખત જેને જગતમાં તારી સોબત થઈ ગઈ.
ઓ જગત, મારી મહત્તાનો જરા તે ખ્યાલ કર,
જે જગા મૂકી દીધી મેં એય જન્નત થઈ ગઈ.”
કૈલાશ પંડિત: કવિ અને ગઝલકાર કૈલાશ પંડિતની ઓળખ આપતા શોભિતભાઈએ કહ્યું કે તેમની કેટલીયે કવિતામાંથી લોકગીતો જન્મ્યાં છે. તેમની ઘણી ગઝલો જાણીતા ગાયકોએ ગાઈને અમર કરી દીધી છે. હૃદય સોંસરવી નીકળી જાય તેવી તેમની ગઝલોના અનેક શેર શોભિતભાઈએ સંભળાવ્યા. જેમ કે…….
“કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?”
“હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે
ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે”
સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે”
અલીખાન બલોચ ઉર્ફ શૂન્ય પાલનપુરી: તેમણે છ ગુજરાતી ગઝલ સંગ્રહ ઉપરાંત ઘણી ઉર્દુ ગઝલોનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે. શૂન્ય પાલનપુરીના અદભૂત શેરોએ ગુજરાતી સાહિત્યને કઈ રીતે સમૃદ્ધ કર્યું છે એનાં ઉદાહરણો આપતાં “શૂન્ય”ની અનેક ગઝલો તો કહી. તેમાંની એક નીચેની ગઝલમાં તો તત્વજ્ઞાન નું ઊંડાણ ઉભરી આવ્યું. જો આપણે આત્મ રૂપ એટલે પરમાત્માના અંશ હોઈએ અને પરમાત્મા દરેક જગ્યાએ હોય તો આપણું પણ બધે જ અસ્તિત્વ છે.
“પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો, મને તારું સૌ મયકદા ઓળખે છે.”
જલન માતરી: શોભિતભાઈએ જલન માતરીની ઓળખ એક બગાવતી શાયર તરીકે આપતાં કહ્યું કે એમનાં અમુક શેરોમાં એમની લડાઈ સીધી ઉપરવાળા જોડે કરતાં શાયર અચકાયા નથી.
“પજવે છે શાને કારણ અલ્લાહ સીધો રે’ને ?
શું જોઈએ છે તારે હાજર થઈને કે’ને ?”
અને…..
“તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.”
અને…..
“ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?
સજા દેતો નથી એ પાપીઓને એટલા માટે,
મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે?
તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે?
રહે છે નિત્ય એ શેતાનના ટોળા મહીં તો પણ
‘જલન’ને પૂછશો તો કહેશે કે બંદા ખુદાના છે.”
સૈફ પાલનપુરી: તેઓએ ગઝલ ઉપરાંત નવલકથાઓ પણ લખી છે. તેમની રોમેન્ટિક ગઝલો દિલને ભીંજવી જાય તો ઉદાસીમાં ભીંજાયેલી એમની ગઝલ દિલને રડાવી પણ જાય છે. સૈફની ઉપલબ્ધિ છે સરળ શબ્દોમાં ભાવ અને અર્થની ગહનતા રજૂ કરવાનો કસબ. સૈફનાં અનેક અમર શેરો કહેતા, નીચેની નજમમાં પ્રિયતમાનું વર્ણન કેવી સીધી, સાદી, સુંદર રીતે કરે છે એનું ઉદાહરણ આપ્યું.
“એક દી’ એમણે પોતે જાતે કહ્યું, ‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો,
મારા વિશે જરા થોડા રૂપક કહો, થોડી ઉપમાઓનું આજ સર્જન કરો…
કેવી હાલત ભલા થઇ હશે એ સમયે, એ તો દિલવાળા જે હોય કલ્પી શકે,
જેણે બાંધ્યો હો રૂપાળો રિશ્તો કદી, એ જ સમજી શકે, એ જ જાણી શકે…
કોક બીજાની હોતે જો આ માંગણી, હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત,
આ સભા દાદ દઇ દઇને થાકી જતે, એવા સાહિત્યનું આજ સર્જન કરત…
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલા, એ જ રૂપક જો ચાહે તો હું શું કરું?
જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે, એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું?
તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું, છો રૂપાળા તમે, ખૂબ સારા તમે,
આંખ બહુ મસ્ત છે, ચાલ બહુ ખૂબ છે, અંગે અંગે છો નખશીખ પ્યારા તમે…
કેવી સીધીને સાદી હતી વાત આ, કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા,
બોલ્યા કેવા મજાના છો શાયર તમે, કેવુ સારું ને મનગમતું બોલી ગયા… “
અને આંખો ભીંજવી જાય તેવી નીચેની ગઝલમાં જિંદગીની ઝલક તરી આવે છે ……
“કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે.”
આજે અમેરિકામાં અત્યારે આવનારા ઈલેક્શન ની રાહ જોવાય છે જયારે રાજકારણીઓ કોઈક રીતે તેમની ચર્ચા થાય તેવું પસંદ કરતા હોય તો તે સમયમાં લાગુ પડે તેવો તેમની ગઝલ નો શેર નીચે છે…..
“મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.”
રમેશ પારેખ: તેમની ઓળખ આપતા શોભિતભાઈએ તેમને ગુજરાતી ભાષાના સર્વ શ્રેષ્ઠ કવિ કહીને બિરદાવ્યા. રમેશભાઈએ મબલખ ગઝલો, ગીત અને અછાંદસ કાવ્યો લખીને ગુજરાતી સાહિત્યને માતબર કર્યું છે. તેમના વરસાદના કાવ્યો, જે આપણને ઘરમાં પણ કોરા રહેવા ન દે, તેવા કાવ્યો બીજા કોઈ કવિએ લખ્યા નથી.
છત્રી લઈને સાંભળવા જેવા તેમના ગીત ની થોડી પંક્તિઓ…..
“આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
અને રમેશ પારેખ ની વાત થાય ત્યારે આ બે ગીત નો ઉલ્લેખ થયા વગર કેમ રહી શકે?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
“કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવું લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.”
અને….
“હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…”
તો, રમેશ પારેખ છોકરીઓને વિશે લખે કે,
“એક છોકરીના હાથમાંથી રૂમાલ પડે તો,
એને લેવા આખુંય ગામ વળે નીચે..” જેવી રમતિયાળ કવિતાઓમાં પણ કાવ્યત્વ સભર છે.
અમૃત ઘાયલ: શોભિતભાઈએ તેમની ઓળખાણ આપતાં એ અમૃત ઘાયલ ખુમારીવાળા ગઝલકાર ગણાય છે અને તેમની ગઝલો સરળ છતાં અસરકારક અભિવ્યક્તિથી ઓપે છે. ઘાયલ સાહેબના અનેક શેરો સાથેના સ્મરણો પણ કહ્યાં નીચેના ખુમારીવાળા શેરઃ
“જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.”
તેમની સરળતા નીચની ગઝલમાં…..
“કંઈ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.
આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઊભો છું.
સમજાતું નથી કંઈ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઊભો છું”
અને તેમની ખુમારીનો કેફ નીચેની ગઝલમાં કેવો સરસ વ્યક્ત થાય છે…..
“મુઠીમાં તોફાન દાબી નીકળી
લાશ પણ હાજરજવાબી નીકળી
સોઢ તાણી ફૂલ ની પોઢી ગઈ
આખરી વેળા ગુલાબી નીકળી
પાલખીમાં હું નહોતો, એ હતી
ઠાઠ થી ખાનાખરાબી નીકળી
શુદ્ધિનો ઠેકો લઇ બેઠી હતી
એ જમાત આખી શરાબી નીકળી !”
મરીઝ: તેમની ઉમદા ગઝલોને કારણે મરીઝને ગુજરાતના ગાલિબ કહેવાય છે. તંગ સ્થિતિને લીધે દારૂની લત માં ફસાયેલ મરીઝની ઓળખ આપતા શોભિતભાઈએ કહ્યું કે નાસ્તિક એવા મરીઝનો ભગવાન એટલે દારૂ. અને છતાં મદિરાદેવીના સહારે મરીઝે અતિ લોકપ્રિય ગઝલો અને નજમો લખી છે. મરીઝની ગઝલોમાં જિંદગીની વાસ્તવિકતા અને વિષમતા બેઉ સહજતાથી કોઈ પણ છોછ વિના હાથમાં હાથ મૂકીને વિચરે છે.
“અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે
જીવન કે મરણ હો બંને સ્થિતિમાં ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે”
અને…. જેણે કોઈએ દારૂ વિષે જાણ્યું હોય તેને ખબર હોવી જ જોઈએ કે દારૂ પણ ફળ અને અનાજ માંથી જ બને છે……
“નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.
અમે તારા ભક્તો અમે બહાર રહીએ?
જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા.
ગળેથી જ્યાં, ઊતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.
‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા.”
અને નીચેની તેમની ગઝલમાં કાળજું કપાય જાય તેવી યાતના છે અને સાથે હોશ ખોવાય જાય તેવી પ્રેમની દીવાનગી પણ છે.
“લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો..!”
અને…..
“એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે…
હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે…
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે…
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રુઠેલો છું, મને કોણ મનાવે?”
વાહ ગુજરાતના ગઝલકારો. સૌએ મહેનત કરીને સુંદર કાર્યક્રમ શ્રોતાઓ સુધી પહોંચાડ્યો તેનો ખુબ ખુબ આભાર. આટલા સુંદર કાર્યક્રમ માટે ખાસ તો શોભિતભાઈને ખોબો ભરીને અભિનંદન. છેલ્લે તો મરીઝની આ પંક્તિ જ યોગ્ય છે.
“એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે…!”
