“ચંદરવો” ~ સંપાદકીય લેખો (મણકો ૧) ~ શ્રી કિશોરભાઈ દેસાઈ

“ગુર્જરી ડાયજેસ્ટ” સંપાદક,  શ્રી કિશોરભાઈ દેસાઈનો પરિચયઃ

(દેશ-વિદેશના લેખકો, સર્જકો અને વિવેચકોની વિવિધ કૃતિઓના મણકાઓને એકસૂત્રતાના દોરામાં પરોવી, માળા બનાવીને, વાંચકો સુધી પહોંચાડવાનું કામ (અને કદાચ “થેંકલેસ જોબ”) અત્યંત કપરૂં છે. આ માળાને એક ગુજરાતી વાંચકો, ગળામાં હારની જેમ પહેરે કે પછી એની અવગણના કરે કે પછી તેની ભરપૂર ટીકા કરે, એનો કોઈ ભરોસો હોતો નથી. મને કાયમ વિસ્મય થતું કે આ તંત્રી કે સંપાદકો, આવી અજાણ અંજામની સફર, નિશ્ચિત સમય પ્રમાણે અંક પછી અંક, ને પછી અંકને પ્રકાશિત ન જાણે કઈ રીતે કરતાં હશે?

૮૦ના દાયકામાં, અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ગુજરાતી ત્રૈમાસિક “ગુર્જરી ડાયજેસ્ટ” શરૂ કરીને (પ્રારંભમાં દ્વિમાસિક હતું), આવી અનિશ્ચિતતાની સફર આદરવાનું બીડું ઝડપ્યું, એક આધેડ વયના, કોર્પોરેટ અમેરિકન ડ્રીમ જીવતા સફળ એન્જિનિયરે! આ એન્જિનિયર એટલે આજે લગભગ ૩૫-૩૬ વર્ષોથી, “એકલો જાને રે”ની ખુમારીથી સામયિક, “ગુર્જરી ડાયજેસ્ટ” ચલાવતા, આદરણીય કિશોરભાઈ દેસાઈ. છેલ્લાં બે-એક  વર્ષોથી આ સામયિક હવે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ચલાવી રહ્યું છે, પણ ડાયસ્પોરાનાં સર્જનો પસંદ કરવાનું કામ હજી પણ શ્રી કિશોરભાઈ ઉંમરાના આ પડાવ પર નાદુરસ્ત તબિયત સાથે  પણ કરી રહ્યા છે.

જાહેર છે કે અહીં મૂકવામાં આવનારા આ ચૂંટેલા લેખો, આજના સમયના ન જ હોય. આ લેખો વાંચીને, એ ક્યારે લખાયા હશે, એ સમયનો અંદાજ લગાવવાનું વાચક પર મૂકી દઈએ છીએ, કારણ કે ક્યારેક સમયને પાછળ જઈને ફરી વિચારીને વાંચવાની પણ આગવી મજા છે.

ડાયસ્પોરામાં સર્જાતાં ઉત્તમ સાહિત્યિક સર્જનોને આ સામયિકે માત્ર અમેરિકા કે અન્ય વિદેશોમાં જ નહીં પણ, ભારતમાંયે વંચાતા કર્યા. કેટકેટલા નવા ડાયસ્પોરાના લેખકોને “ગુર્જરી”એ વિકસવા માટે ફલક આપ્યું! એટલું જ નહીં, પણ, ભારત છોડીને, વિકાસની શોધમાં અમેરિકા આવી વસ્યાં હતાં, એ સહુ સાહિત્યકારોનાં સર્જનોને પબ્લીશ કરીને, એમની સર્જકતાની સફરને પરદેશની ધરતી પર સાતત્ય આપ્યું. આ સાહિત્યકારોની સૂચી તો ખૂબ લાંબી છે, પણ આ અનેક આદરણીય વિભૂતિઓમાંથી થોડાક નામ કોઈ પણ ક્રમ વિના અહીં યાદ આવે છે, જેમ કે, મધુ રાય, ડો. મધુસુદન કાપડિયા, આદિલ મન્સૂરી, અશોક વિદ્વાંસ, શ્રી બાબુ સુથાર, પન્ના નાયક, નટવર ગાંધી, શકુર સરવૈયા, અદમ ટંકારવી, પ્રીતિ સેનગુપ્તા, ડૉ. અશરફ ડબાવાલા, મનીષા જોષી, ડૉ. મધુમતી મહેતા, ડૉ. નિલેશ રાણા,  વિરાફ કાપડિયા જેવા કેટકેટલાં સક્ષમ સર્જકો. (બધાંનાં નામ અહીં લખવા શક્ય નથી એ બદલ ક્ષમાપ્રાર્થી છું.) એટલું જ નહીં, પણ અહીં, પરદેશની ધરતી પર આવીને લખતાં થયાં હોય એવાં અનેક નવા સર્જકોની ઓળખ દેશવિદેશમાં આપી. જેમાંના કેટલાક સર્જકોએ તો ડાયસ્પોરા સર્જનોનો એક નવો ચીલો પાડ્યો, જેમ કે, ભાઈશ્રી હર્નિશ જાની, શ્રી રાહુલ શુક્લ અને સુચી વ્યાસના નામ યાદ આવી રહ્યાં છે અને આવાં તો અનેક સર્જકો છે. મારી લેખનયાત્રાને પણ “ગુર્જરી ડાયજેસ્ટે” વિકસવાની તક આપી છે. આટલા બધા વર્ષોથી, “ઘરના ગોપીચંદન” કરીને પણ સતત ઉત્તમ સાહિત્ય પીરસતા રહેવું એ બહુ મોટી વાત છે.

શ્રી કિશોરભાઈ દેસાઈના ચૂંટેલાં સંપાદકીય લેખોને “આપણું આંગણું“માં મૂકવાનો એક જ આશય છે કે વાચકોને, સિક્કાની બીજી બાજુના મનોવિશ્વના ઝાંખી કરવાની તક મળે. એક સંપાદકને, વિવિધ સંપાદકીય લખતી વખતે તથા અન્ય સર્જકોના લખાણોને મૂલવતાં, કેટલું સમતોલન અને સંતુલન રાખવું પડે છે, એની જાણકારી આ લેખો દ્વારા આપણને મળે અને એના  થકી, આપણું ભાવવિશ્વ તથા મનોજગત સમૃદ્ધ બને એવી આશા સાથે, આપણે બધાં આ અનોખા ડાયસ્પોરાના અગ્રિમ સંપાદક, ભાઈશ્રી કિશોરભાઈને વધાવી લઈએ. કિશોરભાઈ, “આપણું આંગણું”ની સમસ્ત ટીમ વતી, હું, જયશ્રી વિનુ મરચંટ હ્રદયપૂર્વક આપનું સ્વાગત કરું છું.)

મણકો ૧ઃ

‘રોટી ઓર બેટીકા વહેવાર’ જેવી માન્યતા આપણા કલ્ચરમાં જાણીતી છે. એટલે કે અમુક જ ઘરની રોટી આપણાથી ખવાય અને અમુક જ ઘર સાથે બેટી આપવા–લેવાનો વહેવાર થઈ શકે. જો કોઈ કુટુંબ એ પ્રથાનો ભંગ કરે તો તે કુટુંબ ઉપર મોટી આફત આવે અને એ ગુના માટે સમાજ તરફથી કલ્પનામાં ન આવે એવાં દબાણોમાંથી એ કુટુંબને પસાર થવું પડે. એવી પરિસ્થિતિ આપણા દેશના અનેક સમાજોમાં હતી એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી.

આપણી સમાજ વ્યવસ્થાનું બંધારણ જ એવી રીતનું રહ્યું છે કે પ્રજા, ‘લોકો શું કહેશે’ના ભય વચ્ચે સતત જીવે છે. એક વાર આ ભય નીકળી જાય પછી સીમાડા ઊઘડી જાય છે. આવી સમાજવ્યવસ્થાનું કારણ કદાચ આપણી પ્રજામાં ઘર કરી ગયેલાં વહેમ અને અજ્ઞાન હોઈ શકે. આજે કમ્યુનિકેશન અને ટેકનોલોજીનો ખૂબ વિકાસ થયો છે. એક સમય હતો જ્યારે માત્ર દસ માઈલ દૂરની ભૂમિ પર રહેનાર સ્વજન જાણે કે પરદેશમાં વસે છે એવું લાગતું. આજે માણસ પોતાના એક ભાઈ સાથે સવારે ન્યુયોર્કના ગગનચુંબી મકાનમાં બેસીને નાસ્તો કરતો હોય અને બીજા દિવસની સવારે એ ભારતના કોઈ ગામડામાં પોતાના બીજા ભાઈ સાથે નાસ્તો કરતો જોવામાં આવે તો એ અસંભવ નથી. માત્ર એક બટન દબાવીને આજે ઈ–મેઈલથી હજારો માઈલ દૂર વસતા જનને સંદેશો પાઠવી શકાય છે.

આ બધી સુવિધાઓ આપણા બાપદાદાઓને નહોતી. આવી પરિસ્થિતિમાં ગુજરાતના નાના ગામડામાં રહેતો કોઈ બાપ પોતાની દીકરીને કલકત્તા કે બીજા કોઈ મોટા શહેરમાં પરણાવતા ખંચકાય એ સમજી શકાય એવું છે. આમ ખાસ કરીને વહેમ, અજ્ઞાન અને કમ્યુનિકેશનના અભાવને કારણે આપણાં સમાજોનું બંધારણ નાના નાના  વાડાઓમાં જ રહ્યું. જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ અને તેમાંય પેટા વિભાગો થતા જ રહ્યાં. આપણે પણ ભારતથી અહીં કંઈક આવા જ જ્ઞાતિવાદી માનસને લઈને આવ્યાં છીએ. અહીં જોવામાં આવતા તરહ તરહના મંડળો અને જ્ઞાતિવાદી સંસ્થાઓ એની સાબિતી છે. આને કારણે આપણી પ્રગતિ રૂંધાઈ ગઈ છે.

આટલી પુર્વભૂમિકા પછી જે મુદ્દાની છણાવટ કરવાનો અહીં આશય છે તે ‘રોટી બેટી’ના વહેવારનો છે. આપણે સૌ બહાર ખાઈએ છીએ અને આપણામાંથી મોટા ભાગના લોકોએ સ્વેચ્છાએ માંસાહાર અને માદક પીણાંનો સ્વીકાર કર્યો છે. એટલે રોટીનો મુદ્દો જે આપણા વડીલોને માટે પ્રાણપ્રશ્ન હતો તે આપણા માટે રહ્યો નથી. આજે આપણે કોઈના પણ ઘરે જઈને જરાય છોછ વિના સાથે બેસીને ભોજન કરીએ છીએ. આજે દીકરીના જન્મને પણ દીકરાના જન્મ જેટલા જ ઉત્સાહથી આવકારવામાં આવે છે. આ એક મોટું વૈચારિક પરિવર્તન છે. પણ કદાચ લગ્ન બાબત આવું વૈચારિક પરિવર્તન હજી જોઈએ એટલું આપણામાં આવ્યું નથી.

પ્રથમ પેઢીના સંતાનો યુવાવયે પહોંચી ગયા છે. લગ્નવિષયક સમસ્યાઓ સામે આવીને ઊભી છે. આપણાં સંતાનોનાં લગ્ન માટે આપણી પાસે અત્યારે ત્રણ વિકલ્પો છે. પહેલો વિકલ્પ પોતાની જ જ્ઞાતિમાં દીકરા દીકરીને પરણાવવાનો આગ્રહ. બીજો વિકલ્પ, જ્ઞાતિમાં ન બને તો કોઈ પણ ભારતીય કુટુંબ ચાલે એવો આગ્રહ. અને ત્રીજો વિકલ્પ કોઈ દેશ અને કોઈ પણ પ્રજામાં લગ્નવહેવાર. આ ત્રણેય વિકલ્પોમાં જો કે માબાપનો આશય તો સંતનોને સુખી જોવાનો જ રહેલો હોય છે.

જ્યારે ઉભય પક્ષે સર્વસંમતિ વર્તાય છે ત્યારે તો પ્રસંગ આનંદમંગળથી ઉજવાય છે. પણ જ્યારે એમ બનતું નથી, ત્યારે ખાસ કરીને ત્રીજા વિકલ્પમાં મુશ્કેલી ઊભી થયેલી જોવામાં આવે છે. આંતરજાતીય અને આંતરરાષ્ટ્રીય લગ્નસંબંધોને આપણે જે રીતે વિચારીએ છીએ તે રીતે આપણાં સંતાનો નથી વિચારતાં.

સામાન્યતઃ સંતાનો જ પોતાની પસંદગી કરીને માતાપિતા સમક્ષ પ્રસ્તાવ મૂકે છે. આ પ્રથમ પ્રસ્તાવની ક્ષણ અને તે સમયનો આપણો પ્રત્યાઘાત બહુ જ અગત્યનો છે. અને લગ્નનો પ્રશ્ન કેવી રીતે ઉકલશે તેનો નિર્ણાયક બની જાય છે. આપણો સૌથી પ્રથમ પ્રત્યઘાત  આ સમયે સહાનુભૂતિભર્યો હોવો ખૂબ જરૂરી છે, એ પસંદગી કોઈ કૃષ્ણાંગી સાથે હોય તો પણ. એનાથી આપણા સંતાન સાથે પ્રથમ પગલે જ વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે.

જે સંતાનને આપણે બાળપણથી આંગળી ઝાલીને ઉછેર્યા છે, મોટાં કર્યાં છે, કેળવ્યાં છે, સંસ્કાર આપ્યાં છે, તે ખોટે રસ્તે જાય છે એમ માની ન લેતાં તેને સંયમપુર્વક સાંભળવું અને ચર્ચા માટે ભયરહિત અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરવું. એમ પણ કહેવું, “તેં જે નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને જ કર્યો હશે એવો અમારો વિશ્વાસ છે.’ આપણે કલ્પના પણ ન કરી હોય એવું વાતાવરણ આથી ઊભું થશે. એનો આધાર લઈ, એની પસંદગી અંગે વધારે દિલચસ્પી લઈ તેના વિશે ખેલદિલીપૂર્વક સઘળી માહિતી મેળવી લેવી. લગ્નનો આ નિર્ણય ગ્રીન કાર્ડ કે કોઈ અંગત સ્વાર્થ માટે તો નથીને એની ચર્ચા પણ કરવી. કોઈના આશયો માટે ત્વરિત અભિપ્રાય ન આપી દેવાય એની કાળજી પણ રાખવી. આ તબક્કે આપણાં સંતાનો બહુ સંવેદનાભરી પળોમાં હોય છે. તેને સહાનુભૂતિના બે શબ્દોની જરૂર છે, એટલે શિખામણ અને લેક્ચર આપવાના પ્રલોભનમાં આ તબક્કે ન પડવું.

ત્યાર પછીનો બીજો તબક્કો છે એમની પસંદગીના પાત્રને રૂબરૂ મળવાનો. આ સૂચન પેરન્ટસ તરફથી થાય તો વધારે ઉપયોગી નીવડે છે. ઘર કરતાં કોઈ સારા રેસ્ટોરાંમાં મળવાથી મુકત હળવા વાતાવરણનો લાભ મળે છે. આ પ્રથમ મુલાકાતનો આશય અંગત પરિચય માટે તથા એકમેકની સાથે આત્મવિશ્વાસ ઊભો થાય એ માટે રાખવામાં આવે તો સારૂં પરિણામ આવે છે. આટલું થશે તો ત્યાર પછીની મુલાકાતોમાં નહિવત વિઘ્નો નડશે. એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે હવેના જમાનામાં લગ્નવિષયક બાબતોના નિર્ણયમાં ‘અપર હેન્ડ’ લગ્નગ્રંથિથી જોડાનાર બે પાત્રોનો રહેવાનો છે, નો મેટર હાઉ એન્ડ વોટ વી થીંક.

લગ્ન જેવા માંગલીક પ્રસંગને કડવાશથી ચૂંથી નાખવો કે પૂર્વગ્રહમુક્ત થઈ આનંદ ઉલ્લાસથી ઉજવવો એનો નિર્ણય આખરે તો આપણે જ કરવો પડતો હોય છે. આપણા સૌનો આ પ્રશ્ન છે. ચર્ચાને પુરો અવકાશ છે.

આપણે સૌ સ્વેચ્છાથી આ દેશમાં આવીને આબાદ થયા છીએ. આપણાં સંતાનો પણ એવી જ આબાદી ઝંખે છે. આપણ આ સંતાનો આ દેશને અર્પણ કરી દઈએ.

કિશોર દેસાઈ.

(“દાવડાનું આંગણું”ના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. ઓરિજીનલ સંપાદકીય લેખની તારીખ હવેથી સામેલ કરવા વિનંતી

  2. હજુ આથી આગળનો પડકાર એક ઉચ્ચ સંસ્કારી ગુજરાતી પરીવારે ઝીલ્યાની હું સાક્ષી છું. તે છે દીકરાના સજાતિય લગ્ન !