પ્રકરણ: ૨૦ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
બીજા અઠવાડિયે પત્રિકા બહાર પડે છે. એને અંતે તાઝા કલમ છે: ‘આ બધા પાપના મૂળમાં રૂપગર્વિતા લાવણ્ય છે. ઈડરની સાચી આમ્રપાલી એ છે. એણે સમજવું જોઈએ કે ગૌતમ બુદ્ધ એના ખોળામાં માથું મૂકીને ઊંઘવા આવવાના નથી. એણે પોતાને માટે કોઈક સામંત કે શ્રીમંત પસંદ કરી લેવો જોઈએ.’
— આ પત્રિકા ખુદ લલ્લુભાઈ લેતા આવ્યા હતા. વાંચીને લલિતા રડી હતી.
‘તારે શું છે?’ — એમણે પુત્રીને ઠપકો આપતાં કહેલું: ‘મેં તો બજારમાં કહી દીધું છે. શારદા ને ચિત્રકાર પરણી જવાનાં છે. પછી કોઈએ આ પત્રિકા બહાર પાડવાની શી જરૂર હતી?’
લલ્લુભાઈને એક વેપારીએ ટોકેલા. ‘આટઆટલાં મૂરત વીતી જાય છે તોય એમને લગ્નવિધિ કરવાની નવરાશ મળતી નથી? શું અમારે એમને પકડીને પરણાવવાં પડશે?’ — આ વાત એમણે કરી નહીં.
આમ્રાપાલી કોણ એટલું તો એ જાણતા હતા. લાવણ્યબેન રૂપાળાં છે એય સાચું. પણ સરખામણી કરવી જ હતી તો કોઈક કુમારિકાનું નામ ન સૂઊયું અભાગિયાઓને? બીજું કંઈ નહીં તોય એ મીરાંબાઈનું પેલું પદ તો જાણતા હશે ને? કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળકુંવારાં રે…
લલ્લુભાઈ શ્રીકૃષ્ણ સામે બેસીને ગાવામાં મગ્ન મીરાંબાઈનું શિલ્પ કોરવામાં એક્કા છે. લલિતા કહે છે કે શ્રીકૃષ્ણની મૂર્તિ બનાવવાનું સૌથી સહેલું છે, કોઈપણ કુમારિકાને આવડે…
લાવણ્યને લલ્લુભાઈનો સમભાવ ગમે છે. ઝાઝી દીકરીઓના પિતા હોવાને કારણે એમનામાં આ ઉદારતા કેળવાઈ હશે કે એમનામાં પડેલા લોક-કલાકારનું આ લક્ષણ હશે? એણે નક્કી કર્યું કે પોતે શારદાના ભવિષ્યમાં રસ લેશે. સલાહ આપશે. જમુનાબેનને પત્ર લખશે. એ પ્રેમલને શારદા વિશે પૂછી જુએ.
જો લગ્ન લેવાનું જ હોય તો વહેલું લેવાય એ બંનેના હિતમાં છે. આ જ વાત પત્રમાં મૂકવા જતાં અટપટી બની જાય. હોઠ પરના શબ્દોનું ભવિષ્ય આપણા હાથમાં હોય છે, લિપિમાં મુકાતા શબ્દો ભૂતકાળની બેડીએ બંધાઈ જાય છે. પછી મારા કહેવાનો મતલબ એ નહોતો એવા ખુલાસા કરવાથી કશું વળતું નથી.
આમેય સિંઘસાહેબને મળવા તો જવાનું જ છે. બે દિવસ વહેલી કે મોડી. જમુનાબેનને વાત કરતી આવીશ. ત્રણેક રજાઓનો મેળ જોઈને નીકળવું છે.
ત્યાં એક દિવસ શારદા આવી. એને દાદર ચઢતી જોઈને લલિતા ભાખરીનો લોટ બાંધવાનું પડતું મૂકીને ઝટપટ મેડી પર ધસી આવી. નક્કી, શારદા એના લગ્નનું આમંત્રણ આપવા આવી હશે. પોતે પહેલાં હરખ કરશે ને પછી વસવસો. શારદાને તો ક્યાંથી ભાન હોય કે એને કારણે ગામમાં દીદીની પણ વગોવણી થઈ હતી.
ખરેખર તો શારદા જ વસવસો કરવા આવી હતી. દીદી વગોવાયાં એનો એને રંજ હતો. લલિતાએ એને વધુ બોલવા ન દીધી.
‘એ બધું રહેવા દઈને એટલું જ કહી દે ને કે તારાં લગ્ન ક્યારે છે?’
‘રામ જાણે!’
‘રામને બીજા પ્રસંગે યાદ કરજે, અત્યારે તું જાણતી હોય એ કહે.’
‘હું ઇચ્છું છું, જાણતી નથી. પ્રેમલને એક વાર નહીં, બે વાર પૂછી જોયું. એ એક જ જવાબ આપે છે: કેમ મારા પર વિશ્વાસ નથી? લગ્નના કર્મકાંડની શી જરૂર છે? આ રીતે મિત્રો તરીકે જીવી ન શકાય? કોઈનું કોઈના પર બંધન નહીં. લગ્ન કરાર બને પછી એક વ્યક્તિ બીજીનું શોષણ કરે છે, જેનો દાવ!’
— શારદાની વાણીમાં પ્રેમલની જીવનદષ્ટિ જાણીને લાવણ્યના મોં પર ફિક્કું સ્મિત અંકાયું. ‘ઉપભોગ કરવો એ શોષણ નથી? જો કે બેમાંથી એક જ વ્યક્તિ ઉપભોગ કરે છે એમ માની લેવામાં ઔચિત્ય ખરું!’
‘તમારી સલાહ લેવા આવી છું, દીદી! શું કરું? આ વખતે પ્રેમલે મને ત્રણેક દિવસ સ્ટુડિયો પર રહેવા બોલાવી છે. જાઉં?’
લાવણ્ય સલાહ આપી ન શકી. લલિતા તો શારદાના પ્રશ્નથી જ અકળાઈ ઊઠી હતી.
‘એ માયાવીનાં પડખાં સેવવાનું દીદીની સલાહ લઈને શરૂ કર્યું હતું? આટઆટલા દિવસની આવજા પછી હવે ત્રણ દિવસ માટે મંજૂરી લેવા આવી છે?’
‘જાગ્યા ત્યારથી સવાર!’ — લાવણ્ય ધીમેથી બોલી — ‘પણ હું આ પ્રશ્ને સલાહ આપવા અધિકારી ગણાઉં?’
‘પ્રેમલનો પરિચય તમારે કારણે જ થયો હતો.’ — શારદા ફક્ત હકીકત વર્ણવવા ગઈ પણ એમાં લલિતાને ફરિયાદનો સૂર સંભળાયો. એ જવાબ આપ્યા વિના રહી ન શકી:
‘પરિચય પછી જે કંઈ થયું એનું શું? કેવાં અધીરાં થઈને તમે બંને ખરા બપોરે ઈડરિયો ગઢ જીતવા નીકળી પડેલાં!’
લાવણ્યને લલિતાના ઉદ્ગારો ગમ્યા નહીં. ‘તું તારું કામ પતાવીને નિરાંતે આવજે.’ — કહીને નીચે મોકલી. પછી શારદાને હૂંફ આપતા અવાજે પૂછ્યું:
‘મને તો ખ્યાલ નથી આવતો છતાં તને સૂઝતું હોય તો કહે, હું તને કેવી રીતે મદદરૂપ થઈ શકું?’
‘મનેય ઝાઝું સૂઝતું નથી… પણ, પણ…. પ્રેમલ વિશે તમારો શો અભિપ્રાય છે?’
‘અભિપ્રાય? એના વ્યક્તિત્વ વિશે? ચોક્કસ તો શું કહું? હું એની કલાને જાણું છું એટલી કલાકારને નહીં.’
‘એમ નહીં પણ મેં આંધળિયાં તો નથી કર્યાં?’
‘તારાથી ઉતાવળ તો થઈ ગઈ છે, પણ હવે એનો ઉપાય નથી. એમ લાગે છે કે પ્રેમલ કંઈક વધુ રાગાવેગી છે, પઝેસિવ છે. એની તાબેદાર થઈને તું રહે તો વાંધો ન આવે… સારું, એ કહે, તેં એને તારા ભૂતકાળ વિશે કશી વાત કરી છે?’
‘ખેમરાજ વિશે એક વાર કહેલું.’
‘હં. કોણ જાણે એને એ કેવું લાગ્યું હશે. એ સચ્ચાઈને જીરવી શકે એવું ઉમદા વ્યક્તિત્વ બહુ ઓછા પુરુષો ધરાવતા હશે. પ્રેમલ એમાં અપવાદ ન પણ હોય.’
શારદાને એવું નહોતું લાગ્યું કે એના ભૂતકાળ વિશે જાણીને પ્રેમલને અણગમો થયો હોય. પળવાર માટે પાનનો કાથો કડવો લાગ્યો હતો. પછી હોઠ ચમકાવતી બોલી: ‘દીદી, એને મારામાં રસ તો છે જ. મને જોતાં જ —’
‘તને એટલે?’
લાવણ્યનો પ્રશ્ન શારદાને બિનજરૂરી લાગ્યો. મને એટલે મને, એમાં પૂછવાનું શું? એ તાકી રહી, સ્પષ્ટતા માટે.
‘હું એમ પૂછું છું કે તને એટલે તારા મસ્તકને જોઈને એ રાજી થાય છે કે તારા ધડને જોઈને?’
શારદા સહેજ ઝંખવાણી પડી ગઈ. લાવણ્ય પર એની અસર પડી નહીં.
‘બરાબર વિચારીને કહે. છેવટે પ્રેમલ તને લગ્નની ના પાડી દેશે એવું તને લાગે છે?’
‘ના. અનિચ્છા હોય તો એ મને એનું સર્વસ્વ અર્પણ કરત ખરો?’
‘મૂરખી, એટલુંય નથી સમજતી કે અર્પણ કરવાનું તો ફક્ત સ્ત્રીના લલાટે જ લખાયેલું છે? પુરુષે વળી શું અર્પણ કરવાનું? એનો પસીનો કે બીજું કંઈ?’
— લાવણ્યના અવાજમાં આ ઠંડો રોષ શારદા માટે અકલ્પ્ય હતો. પણ એ એના અનુભવથી મૂલવે તો આમાં કશું ખોટું નહોતું. પેલા પ્રૌઢ નિરીક્ષકસાહેબ અને સરપંચ ખેમરાજ આ વિધાનનું સમર્થન કરતા હતા.
પ્રેમલ એમનાથી જુદો લાગતો હતો, ભવ્ય લાગતો હતો. પણ એય દિવ્ય તો નહોતો જ. એની આસક્તિ અછતી નહોતી રહેતી. શારદા આસક્તિને જ પ્રેમ માનીને બોલી ઊઠી:
‘એ મને ચાહે તો છે જ.’
‘એ અશક્ત નથી.’
‘તો દીદી, એને એટલું સમજાવો ને કે લગ્નની તિથિ નક્કી કરે.’
લાવણ્ય માટે પ્રશ્ન ઊભો થયો. શું કહેવું? જે રીતે શારદા-પ્રેમલનો સંબંધ બંધાયો છે એમાં ત્રીજી વ્યક્તિને સ્થાન છે જ ક્યાં?
શારદાને દીદીનું મૌન વસમું લાગ્યું: ‘મારી ઉતાવળ કે બીજી ભૂલચૂક માફ કરીને તમે થોડોક રસ લો તો હું તરી જાઉં. મને ખબર છે કે એ કુટુંબ સાથે તમારે કેવો ગાઢ સંબંધ છે.’
‘પણ પૂછવાનું તો પ્રેમલને છે ને? હું પૂછું અને એ ના પાડી દે તો? એ આઘાત તું જીરવી શકીશ?’
‘હા. જરૂર જીરવી શકીશ. તમે જાણો છો કે મારે માટે એ પહેલો આઘાત નહીં હોય.’
‘તારી આટલી માનસિક તૈયારી છે તો પછી તું જ એને પૂછી લે.’
‘એ મને લાંબી વાત કરવાની તક આપતો જ નથી. કાં તો એ એના કામમાં હોય છે કાં તો….એકાંત મળે અને હું વાત કરવા જાઉં ત્યાં તો એ મારો કબજો લઈ લે. એક વાર તો હું રજસ્વલા હતી છતાં —’
લાવણ્ય મોં ફેરવીને ઊભી થઈ ગઈ. શારદાએ મનોમન પસ્તાવો કર્યો. ન કહેવાનું કહીને પોતે બેઉની છાપ બગાડી રહી હતી, પણ હવે વાત ફેરવી તોળાય એમ નહોતી.
એણે કહ્યું કે પ્રેમલ જેવો છે તેવો પોતાને ગમે છે, એના હાથે હેરાન થવાનું પણ પોતાને ગમશે. એણે બધી બાજુથી વિચારી જોયું છે. આવું સગું મળે તો અહોભાગ્ય કહેવાય. ‘દીદી, પ્રેમલ હા પાડે તો મારો ઉદ્ધાર થઈ જાય.’
‘પ્રેમલ હા પાડે પણ એનાં માબાપ ના પાડે તો?’
‘તો સ્ટુડિયોમાં રહેવાની પણ મારી તૈયારી છે. એ જગા તો એક આખી વસાહત જેવી લાગે છે પણ પ્રેમલ સાથે કર્ણિકાર નામના ઝાડ પર રહેવાનું હોત તોપણ મને વાંધો નહોતો.’
‘કર્ણિકાર સ્ટુડિયોમાં એ નામનાં ઝાડ વાવેલાં જ છે. તને નહીં તો તારાં સંતાનોને તો એના પર ચઢવાની તક જરૂર મળશે.’
શારદા હસી પડી. ખીલી ઊઠી. જાણે કે એમ થઈને જ રહેશે! દીદીનું વચન લઈને એ વિદાય થઈ.
એ અદશ્ય થાય એ ક્ષણની રાહ જોઈને ઊભી હોય તેમ લલિતા પાછી આવી પહોંચી. લાવણ્યે હજી એની રસોઈ કરી નહોતી. ઊઠીને રસોડામાં ગઈ ત્યાં લલિતાએ બોલવાનું શરૂ કરી દીધું. જાણે કે સંજયદષ્ટિથી એણે બધું જાણી લીધું હતું. ‘જુઓ દીદી, તમારે આ છિનાળના મામલામાં વચ્ચે પડવા જેવું નથી. એ તે પેલા ખેમરાજ સરપંચની રખાત થવા યોગ્ય છે. એણે કશી મરજાદા રાખી નથી.
તમારી બેનપણીનું ઘર ભાળ્યું એની સાથે સીધી અંદરના ઓરડામાં ઘૂસી ગઈ. એને એમ હશે કે પોતે નાગી થઈને પ્રેમલને વશ કરી લેશે. પણ એમ કંઈ બંગલા હાથમાં આવી જતા હશે? કેમ બોલ્યાં નહીં?
તમે ભાખરીનો લોટ તો બાંધ્યો પણ મીઠું નાખવાનું ભૂલી ગયાં છો. લાવો, મને સોંપી દો અને પેલા પાટલા પર બેસો. શારદાએ આજ તમારી સાંજ બગાડી મૂકી. એ હતી ત્યારે કેવી પવિત્ર હતી! અને હવે? પેલી કહેવત નથી? બ્રાહ્મણી વંઠે ત્યારે —’
‘બસ કર. તું તારી બહેનપણીને અન્યાય કરે છે. તારે એની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. એ બે પુરુષના હાથે છેતરાઈ છે તેથી અધીર બની ગઈ છે, બગડી નથી. તું કહે છે એમ એ જો છિનાળ જેવી થઈ ગઈ હોત તો પ્રેમલમાં શા માટે રસ લેત?’
‘તો તમે કશું જાણતાં નથી.’ — કહીને લલિતા દયા કરતી હોય એ રીતે લાવણ્ય સામે તાકી રહી. લાવણ્યે પોતે જાણતી હતી એ બધું ન કહેતાં મોઘમ રીતે થોડીક વાત કરી અને શારદા માટે સહાનુભૂતિ રાખવા સલાહ આપી.
બીજે દિવસ સવારે લલ્લુભાઈએ લાવણ્યને ચા પીવા બોલાવી. ખેમરાજનો પત્ર બતાવ્યો. એમાં લખ્યું હતું કે શારદાને એક બીજવર મળે એમ છે. નાતમાં આગેવાન છે, પૈસાદાર છે.
ખેમરાજના માનવા પ્રમાણે એ માણસ તો બીજું લગ્ન કરવા વિચારતો જ નહોતો પણ પોતે એકવાર શારદાને દૂરથી બતાવી અને એને માયા લાગી. પણ શારદા અભાગણી છે. વિચાર કરવા જ તૈયાર નથી. એને કોણ સમજાવે? કાં તો લલિતા કાં તો લાવણ્યબેન.
‘આમાં હું નહીં પડું, તમેય શારદાને કશું કહેશો નહીં. એ ગેરસમજ કરશે.’
‘ગેરસમજ શેની? આપણો ક્યાં કશો સ્વાર્થ છે, આ તો એક નબાપી છોકરીનું ભલું થતું હોય તો —’
‘ન-બાપી??’ — લલિતા ખડખડાટ હસી પડી. ઊઠવા માટે લાવણ્યને અનુકૂળ તક સાંપડી.
દિવસો જાય છે. શારદા માટે કશું થઈ શક્યું નથી. પોતે જમુનાબેન સમક્ષ શારદાની વકીલાત કરી શકે. પણ પછી એ ઊલટતપાસ કરે તો?
પ્રેમલને પરણવાનો શારદાનો હક કેવી રીતે ઊભો થયો એના ખુલાસામાં પોતે કંઈક કહે, જે છેવટે પ્રેમલ સુધી પહોંચે અને પ્રેમલને લાગે કે મેં એની વિરુદ્ધ ફરિયાદ કરી તો…
(ક્રમશ:)