આમંત્રિત (નવલકથા) ~ પ્રીતિ સેનગુપ્તા ~ પ્રકરણ:15
જૅકિ
ન્યૂયોર્ક શહેરમાં શિયાળાની શરૂઆતે સીઝનનો પહેલો બરફ.
આ વર્ષે ઉતાવળે વહેલો પડી ના ગયો. એણે જાણે રાહ જોઈ કે સચિન અને જૅકિ સાથે હોય ત્યારે જ ઝરું. જેમ સચિનને બહુ જ ઈચ્છા હતી કે પહેલો બરફ પડતો હોય ત્યારે એ જૅકિની સાથે હોય, તેમ જૅકિને પણ એવી જ ઈચ્છા હતી – સચિનની સાથે હોવાની.
બંનેની એકબીજાંની સાથે રહેવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ હતી. સચિન અને જૅકિ – બંનેનાં મન પરનો ભાર ક્યાંયે ફેંકાઈ ગયો હતો. હળવાં થઈ ગયેલાં બંનેનાં મન પર ઝીલાતાં, એકબીજાંનાં સંવેદનોનાં પ્રતિબિંબ એકસરખાં હતાં.
જૅકિને વધારે સુખ થતું હતું. હવે એ સચિનની આંખોના અસામાન્ય રંગને ધારી ધારીને, ટીકી ટીકીને, હક્કથી જોઈ શકે તેમ હતી. નવો, તાજો, પોચો બરફ એમનાં પર પડતો જતો હતો ત્યારે એ સચિનના હાથ પકડીને એની આંખોમાં ઊંડે ઊતરતી હતી.
સચિને જૅકિના હાથ પોતાના હૃદય પર મૂક્યા, એના કપાળ પર ચૂમી ભરી, ને કહ્યું, “જૅકિ,
મારા બાઘાપણા માટે મને માફ કરજે. તું કોઈ બીજાને પસંદ કરી લઈશ, એ બીક મને એક મહિનાથી લાગતી રહી હતી. તેથી આજે મારે તને પ્રપોઝ કરવું જ હતું, ને એ અજંપામાં હું તારે માટે વીંટી લાવી ના શક્યો.”
જૅકિને ફરી હસવું આવી ગયું. પણ ભલેને બાઘો તો બાઘો, હવે સચિન એનો જ હતો.
સચિન બોલતો જતો હતો, “તને ગમે તેવી વીંટી લઈએ, એમ મેં ધાર્યું હતું. આપણે સાથે લેવા જઈશું. ‘ટિફનિ’માં જવું ગમશે? કે મૅડિસન ઍવન્યૂ ઉપર ક્યાંક? તું જ પસંદ કરજે – દુકાન અને વીંટી બંને.”
“ હા, પણ કાલે ને પરમ દિવસે – જાન્યુઆરીની પહેલી તારીખે – તો બધી દુકાનો બંધ હોય. એ પછી જ શોધ શરૂ કરવી પડશે.”, જૅકિ બોલી.
ને પછી, સચિનને ચિડાવતાં કહ્યું, “તું કાંઈ ના આપે તો કાંઈ નહીં. પણ મારે તને એક ચીજ આપવાની છે. હમણાં જ આપું છું, લે આ”. એના હાથમાં, “આઈ લવ ન્યૂયોર્ક” લખેલી એક કી–ચેનમાં મૂકેલી ચાવી હતી.
“લે, સચિન. બસ, હવે તું અહીં કોઈ પણ આમંત્રણ વગર, કોઈ પણ સમયે આવી શકે છે. ને તું જ્યારે આવીશ ત્યારે હું તારી રાહ જોતી હોઈશ.”
એ જ ટીખળના સૂરમાં કહે, “તું મારો ઇન્ડિયન બૉયફ્રેન્ડ થયો હવે, એટલે ચાલ, સરસ ઇન્ડિયન ચ્હા બનાવ.”
‘ઓહ, તો આમ વાત હતી. એટલેકે જૅકિ મારા આગળ પડીને પરણવા વિષેનો નિર્ણય લેવાની રાહ જોતી હતી. હત્તારીની. હું જ ના સમજ્યો, ને આટલો સમય બગાડ્યો. સાવ બાઘો છું હું. જૅકિ કંટાળી તો નહીં જાય ને મારાથી?’, સચિન હવે આ વિચારથી ગભરાયો.
જૅકિની હસતી આંખો એની સામે જોઈ રહી હતી. ‘ના, અમારો સંબંધ વિકસતો જ જશે – આ સ્નેહ, પછી પ્રેમ, ને એમાંથી ગાઢ મૈત્રી’, સચિન પરાણે રસોડા તરફ ફર્યો.
ચ્હા પીતાં પીતાં બંનેને યાદ આવ્યું કે તાત્કાલિક એક અગત્યનું પ્લાનિંગ કરવાનું હતું. આવતી કાલે એકત્રીસમી ડિસેમ્બર, એટલેકે આ વર્ષની છેલ્લી રાત. મધરાત સુધી બધાં જાગે, સાથે પાર્ટી કરે, ને પછી નવા વર્ષને આવકાર આપે. કાલે સાંજે ક્યાં જવું, તેની ચર્ચા ચાલી.
જૅકિના કોન્સ્યૂલેટમાં પાર્ટી હતી. સચિન હજી ત્યાં એક્કે વાર ગયો ન હતો, ને કોઈને મળ્યો ન હતો, તેથી કાલે ધમાલમાં એ ત્યાં જવા નહોતો માગતો.
કોઈ રૅસ્ટૉરાઁ? કોઈ પાર્ટી–હૉલ? બધે પ્રવેશના દોઢસો–બસો ડૉલર તો હોય જ, “ ને અસહ્ય ઘોંઘાટ”, સચિને કહ્યું.
જૅકિને અચાનક આઇડિયા આવ્યો હોય એમ એણે ચપટી વગાડી. “પર્ફેક્ટ. આપણે અહીં મારે ત્યાં જ મળીએ. ખલિલ અને રેહાનાને કહીએ. અંજલિને ફોન કરી દઈએ. એ જેની સાથે રહે છે તે કઝિનને પણ બોલાવીએ. બીજું કોઈ? બહુ મોટું ગ્રૂપ કરવાની જરૂર છે? તને શું લાગે છે?”
સચિનને એનો પોતાનો એક સ્પેશિયલ આઇડિયા આવ્યો હતો. એ તો એણે મનમાં જ સંતાડી રાખ્યો હમણાં, ને કહ્યું, કે “પર્ફેક્ટ જ છે.”
એણે તરત ખલિલને અને અંજલિને ફોન કર્યો, અને આમંત્રણ આપી દીધું. બધાંને સાડા નવ–દસનું કહ્યું. “એટલું મોડું?”, જૅકિએ પૂછ્યું. “અરે પણ બધાં એક–દોઢ વાગ્યા પહેલાં જવાનાં નહીં, ખબર છેને”, સચિન બોલ્યો.
આ સાંજે બધાં જમી કરીને જ આવે. પછી ડ્રિન્ક્સ હોય, અને ચીઝ. બ્રેડ, ક્રૅકર્સ, શિંગ વગેરે “બાઇટ–ફૂડ” હોય. ખરેખર, કેટલાંયે જણ તો સવાર સુધી પાર્ટી ચાલુ જ રાખે.
પૂરા થતા વર્ષની આ અંતિમ સંધ્યાની ઉજવણી ન્યૂયોર્કમાં તો ખૂબ શાનદાર થાય. શહેરના અગત્યના કેન્દ્ર “ટાઇમ સ્ક્વૅર”માં બાંધેલા સ્ટેજ પર સંગીત ને નૃત્યનો કાર્યક્રમ ચાલે. અને મધરાતની ઘડી થવામાં હોય ત્યારે, નવા વર્ષના આગમનને વધાવવા, એક ટાવર પરથી, ઝળાંહળાં થતો એક ખૂબ મોટો ગોળો નીચે આવતો જાય.
બાર ફીટના પરિઘના આ ગોળાનું વજન લગભગ બાર હજાર પાઉન્ડ હોય છે. એકદમ સ્પેશિયલ બનાવટ, અને દૃશ્ય પણ એવું જ સ્પેશિયલ ગણાય. ભેગા થયેલા હજારો લોકો છેલ્લી દસ સેકન્ડો મોટેથી ગણતા જાય – દસ, નવ, આઠ —-
આટલું જોવા સવારથી લોકો આવવા માંડે, ને સ્ટેજની બને તેટલા નજીક જગ્યા લઈ લે. ધીરે ધીરે લોકો આજુબાજુની ગલીઓમાં બધે ગોઠવાતા જાય. બસ, પછી બધાં આખો દિવસ અને બાર–પંદર કલાક ‘બૉલ’ કહેવાતો આ ગોળો નીચે આવવાની રાહમાં જ ગાળે.
એમ મનાય છે, કે આ જોવા દસ લાખ જેટલા લોકો ડિસેમ્બરની એકત્રીસમીએ ટાઇમ સ્ક્વૅરમાં ભેગા થાય છે. ટૅલિવિઝન પર જોનારાં તો, દુનિયાભરમાં થઈને કરોડો હોય.
‘સાવ ગાંડપણ જ’, હવે સચિનને લાગતું. પણ ભણવાનું પૂરું કર્યા પછી, નવી નવી નોકરી લઈને પહેલવહેલા ન્યૂયોર્ક આવ્યા ત્યારે સચિન અને ખલિલને એક વાર ટાઇમ સ્ક્વૅરમાં જઈને આ જગજાણીતો બૉલ જોવાની બહુ જ ઈચ્છા હતી.
ઑફિસમાંના બીજા ત્રણ મિત્રો પણ જોડાયેલા. એક વળી એની ગર્લફ્રેન્ડને લઈને નીકળેલો. આ છયે જણે ભૂગર્ભ રેલ લીધી. ટાઇમ સ્ક્વૅરના સ્ટેશને એવી તો ભીડ હતી કે બહાર આવીને રસ્તા પર પહોંચતાં જ દમ નીકળી ગયો.
અત્યંત મોટા જાહેર ઉત્સવના આવેગમાં, લોકો ખરેખર જાણે ગાંડા જ થયેલા હોય. ને પેલી છોકરીને લાગે કે બધા એને અડકતા જાય છે. પોણો કલાક–કલાક આમ–તેમ ટ્રાય કર્યું, પણ બહુ આગળ વધાયું જ નહીં, અને એક્કેયને જરા પણ સુરક્ષિતતા લાગી નહીં ત્યાં.
પોલિસ તો અગણ્ય હતા, પણ એમને ફરિયાદ કરવાનો અર્થ જ ન હતો. એમ કે, ‘આવા ગાંડપણની વચમાં આવ્યાં છો જ શું કરવા?’
“બસ, આપણે બધાં સાથે હોઈશું એટલે બહુ ગમશે. ને ટાઇમ સ્ક્વૅરનો આખો પ્રોગ્રામ આપણે શાંતિથી ઘેર બેઠાં જોઈશું”, હવે સચિને જૅકિને કહ્યું.
એણે હવે ઘેર જવું જોઈએ, એને ખબર હતી, પણ જૅકિ પાસેથી જવાનું મન નહોતું થતું. જૅકિ એની સાથે લિફ્ટમાં નીચે ગઈ. રસ્તો ખાલી ને શાંત હતો. પગથિયાં ઊતરીને છેક નીચેના પાર્કમાં નહીં જતાં, સદ્યજાત બરફ પર પહેલાં જ પગલાં પાડવા, રસ્તા પરની પહોળી ફૂટપાથ પર જ બંને થોડી વાર ચાલ્યાં.
અંગત સફરના માર્ગ પર પણ એમનાં પગલાં પહેલી જ વાર સાથે લેવાઈ રહ્યાં હતાં.
સચિન ગયો પછી જૅકિને પોતાનું અપાર્ટમેન્ટ ખાલી લાગવા માંડ્યું. ‘કાલે જ ફરી મળવાનું છે, એટલે ચલાવી લઈશ. પણ સચિન શું હવે વધારે સમય આપશે મને?’, જૅકિ વિચારતી હતી. ‘હું કમસે કમ હવે મને મન થશે ત્યારે એને ફોન તો કરી જ શકીશ’. ને ત્યારે એને ખ્યાલ આવ્યો કે સચિનના પાપાને એક વાર મળવા તો જવું જોઈશેને.
સચિન તો બેધ્યાન થઈ જઈ શકે, પણ એણે પોતે એ વિવેક ચૂકવો ના જોઈએ. ‘હવે પછીના શનિવારે બપોરે ત્યાં જવાનું ગોઠવીશું’, એણે નક્કી કર્યું.
સચિન ઘેર પહોંચ્યો ત્યાં સુધીમાં તો બરફ પડતો બંધ થઈ ગયો હતો. જાણે એ ને જૅકિ સાથે હતાં તેટલો સમય જ ઝરમરવાનું રાખ્યું હતું એણે.
સચિને પાપાની સાથે આગળથી વાત નહોતી કરી, કે એ આજે જૅકિને પ્રપોઝ કરવાનો છે. એ પોતે જ નર્વસ હોય, ત્યાં પાપાને શું કહેવું. પણ હવે તો કહેવું જ પડે. એ જૅકિને મળ્યા છે, ને સમજી જ ગયા હશે કે એ મને બહુ ગમે છે.
સુજીત સાંભળીને ઘણા ખુશ થયા. સચિનને અભિનંદન આપતાં એમણે કહ્યું, “બાબા, તમને બંનેને હું ખૂબ સુંદર સહજીવનના આશીર્વાદ આપું છું. ઘણાંનાં લગ્ન–જીવન કઠિન થતાં જતાં હોય છે, પણ બીજાં કેટલાંયે સતત સુખી પણ થતાં હોય છે.
તમે બંને તમારી કૅરિયરમાં હંમેશાં સફળ જ રહેવાનાં છો, અને તમારે આર્થિક, સામાજિક કે બૌદ્ધિક સંઘર્ષ ક્યારેય કરવો પડવાનો નથી.”
સચિન સમજતો હતો કે પાપા પોતાના નિષ્ફળ ગયેલા લગ્ન–જીવનના સંદર્ભમાં આવું બધું કહી રહ્યા છે. એને ખબર હતી, કે એનું ને જૅકિનું જીવન ક્યારેય આવી હતાશાનો, આવી કરુણતાનો અનુભવ પણ નહીં જ પામે. બંને નવી પેઢીનાં હતાં, પશ્ચિમના મૉડર્ન સમાજમાં ઉછર્યાં હતાં, અને સમજણપૂર્વક સંગી બન્યાં હતાં.
કેવું હતું બંનેમાં, સચિનને એકદમ આ ખ્યાલ આવ્યો, કે એ પોતે તો જન્મ્યો અને ઉછર્યો અમેરિકામાં, પણ પૅરેન્ટ્સ ઇન્ડિયન છે. ને જૅકિ હતી યુરોપી, પણ ઇન્ડિયામાં ઉછરી.
બંને જાણે સામસામેની દિશામાંથી ઇન્ડિયન મૂલ્યોથી પરિચિત થયાં. ઉપરાંત, દુનિયા આખીથી પણ પરિચિત હતાં. ને તેથી, બંનેના બૌધિક સ્તરે, ફક્ત પોતાની જાતથી વધારે વ્યાપકતાનો ખ્યાલ હતો.
આવતી કાલની રાતે જૅકિને ત્યાં ભેગાં થવાની વાત પણ એણે સુજીતને કરી. “પાપા, તમે પણ આવજો. અંજલિ હશે, કઝિન દોલા પણ હશે. ને ખલિલ ને રેહાના. તમને ગમશે. આપણે આમ ક્યાં પહેલાં કદિ ભેગાં થયાં છીએ?”
સુજીતે ફક્ત ‘જોઈશું’ કહ્યું, પણ એના મનમાં તો ઘણું કહેવાઈ રહ્યું હતું. ‘ના, આટલા આનંદ માટે જાણે હું લાયક જ નથી હવે. મનમાં એ જ બીક લાગ્યા કરતી હોય છે કે આટલા સુખ પર પણ – આ સચિનની સાથે રહેવાનું, અંજલિ સાથે મળવાનું – કોઈની નજર ના લાગે.’
સચિને પોતે વિચારેલા પેલા ખાનગી પ્લાન વિષે પણ સુજીતને કહ્યું. એનો ઉત્સાહ માતો નહોતો. હવે એ કોઈ સંકોચ પામ્યા વગર જૅકિની સાથે સમય ગાળી શકે તેમ હતો. ને એનો ઈરાદો તો હંમેશાં જૅકિને ખુશ કરવાનો જ હતો.
છેક છેલ્લે એને પોતાનું બાઘાપણું ફરી યાદ આવ્યું. માથું હલાવતાં હલાવતાં એ બોલ્યો, “પાપા, તમે માનશો જ નહીં હું કેવો બાઘો છું તે.” કે એણે પ્રપોઝ તો કર્યું, પણ ન હતી એની પાસે જૅકિને આપવાની ઍન્ગેજમૅન્ટ માટેની વીંટી, કે નહોતો એ પશ્ચિમી પ્રથા પ્રમાણે ઘુંટણભર થયો. “જૅકિએ લગ્ન માટે હા પાડી એ જ ચમત્કાર જેવું છે, પાપા.”
સુજીત હસતા મોઢે એની વાત સાંભળતા હતા, પણ એમના મનની અંદર દિલગીરી હતી કે બંને છોકરાંઓને આપવા માટે એમની પાસે કાંઈ હતું નહીં. જૅકિ જેવી છોકરી સચિનની વહુ બનશે, ને એને પણ શું આપશે પોતે?
એમને ઝાંખું ઝાંખું હવે યાદ આવ્યું કે એક સમયે એ સોનાની વીંટી અને ગળામાં ચેન પહેરતા હતા. ‘ઓહો, કયો જમાનો હતો એ?’, એમણે ઉદાસ ભાવે વિચાર્યું. એ વીંટી અને ચેન ક્યાં ગયાં, તે યાદ ન હતું. એમની પેલી નાની બૅગના કોઈ ખૂણે હશે હજી? શોધી જોઉં એક વાર?
હમણાં તો એ કહ્યા વગર ના રહી શક્યા, કે “સચિન, તને, તારી વહુને અને મારી અંજલિને આપવા માટે મારી પાસે કાંઈ નથી. મને માફ કરજે, બાબા.”