કુંતી કોણ થશે? ~ વાર્તા ~ જયશ્રી વિનુ મરચંટ
સૂર્ય તેને નાનપણથી ખૂબ ગમતો હતો. દિવસના કોઈ પણ સમયે એને કશું જ કરવાનું ન હોય ત્યારે, રસ્તાની ફૂટપાથ પર, એકલા ઊભા રહીને સૂર્યને તાક્યા કરવાનું એને ખૂબ પસંદ હતું.
એ નાનો હતો ત્યારથી એને વાંચવાનું ખૂબ જ ગમતું. હિંદીના ક્લાસમાં જ્યારે એ રામધારી સિંહ “દિનકર”નું દીર્ઘ કાવ્ય, “રશ્મિરથી” ભણતો હતો ત્યારે એ મંત્રમુગ્ધ થઈ જતો.
એક ક્ષણ તો એને થતું કે આ યુગનો મહાદાનવીર સૂર્યપુત્ર કર્ણ એનામાં જ ક્યાં છુપાઈને બેઠો છે! એ વિચારોમાં ખોવાઈ જતો કે અચાનક એક દિવસ સદ્યજાત શિશુ બનીને, એનામાં જ એ, કર્ણ બનીને જન્મે છે. સૂર્યના કિરણોના ઝૂલામાં વર્ષોના વર્ષો ઝૂલીને એની અંદર રહેલો ગોપનીય કર્ણ પછી એની જ હસ્તી સાથે એકરૂપ બનીને એ બની જાય છે, કવચ-કુંડળધારી મહાદાનેશ્વરી કર્ણ!
એ કર્ણ કે જેણે મૃત્યુને પણ અમર બનાવી દીધું, જેને મહાભારતના યુદ્ધમાં મહાત કરવા કૃષ્ણ જેવા કૃષ્ણને છળનો આશરો લેવો પડે છે!
આવા વિચારો અને કલ્પના માત્રથી એના રોમરોમે આહલાદનો અવનવો અનુભવ થતો. આ કલ્પનો જ એની એકલવાયી જિંદગીના સાથી-સંગી હતા. એકલવાયી જિંદગી, જેમાં કોઈ અવાજ પણ નહોતો, સદંતર પદરવહીન…!
વર્ષો વીતતાં ગયાં અને સમજણનો પારો પણ ચઢતો ગયો. એ મોટો થઈ ગયો હતો અને આટલું તો સમજી ગયો હતો કે આમ જ આખી જિંદગી રસ્તા પર એક બાજુ ઊભા રહીને એ જો સૂર્યને તાક્યા કરશે તો પણ એનામાં કર્ણનું રૂપ આવિર્ભૂત થવાનું નહોતું!
*****
રસ્તો..!, રસ્તો એક જ તેનો વફાદાર હમસફર હતો. ન્યાતની અને સરકારી સ્કોલરશીપો, દાન વગેરે મેળવીને અને કોઈ વરસ કશું જ ન મળ્યું હોય ત્યારે મજૂરી કરીને, એણે જેમતેમ બી.એસ.સી. ની ડીગ્રી તો લઈ લીધી પણ આજે એ જ ડીગ્રીનું ફરફરિયું તેની સતત વરવી મજાક ઊડાડતું હતું. એના માટે આનાથી વધુ ભણતર મેળવવું શક્ય જ નહોતું.
એની સાથે ભણનારાં બીજાં બધાં કોઈ ને કોઈ કામ ધંધામાં લાગી ગયાં હતાં અથવા આગળ ભણવામાં લાગી ગયાં હતાં. પણ એક એ જ આ ડીગ્રીના અર્થહીન કાગળને અર્થપૂર્ણતામાં હજુ સુધી બદલી શક્યો નહોતો. દિશાહીન એની દશામાં કોઈ પણ ફરક પડવાનાં કોઈ આસાર પણ નહોતા.
એનો મિલમજૂર બાપ, મજૂરી કરીને રોજ સાંજના ઘરમાં આવતાં જ એના પર મેણાંટોણાંના તીર છોડવાનું શરૂ કરી દેતો. દમમાં સતત ખાંસતી રહેતી, એની મા સામું જોઈને હાથ લાંબા કરીને, એ ખાંસ્યા કરતો ને બડબડ કરતો રહેતો.
“તારા લાટસાહેબને આજે પણ કામ મળ્યું હોય એવું નથી લાગતું! સરકાર પછાત જાતિના બાળકોને આગળ લાવવા આરક્ષણ આપે છે.
મારી હારે કામ કરતા પછાત જાતિના એક દોસ્તારે કહ્યું છે કે તારો દીકરો જો મારી દિકરી વેરે પૈ’ણે તો હું એને મારી જ્ઞાતિમાં કોઈક પાસે દત્તક લેવડાવીને એનું આગળ ભણવાનું મફતમાં ગોઠવી આપું પણ ના! આપણા ભાઈથી આવા કામ થાય નહીં ને! એને તો સાચા રસ્તે જ ચાલીને કામ મેળવવું છે! તો પછી બેસો આમ જ…!”
મા બિચારી એનાથી બને એટલું એની તરફદારી કરવાની કોશિશ પણ કરતી. “તમે પણ શું… ઘેર આવતાવેંત જ ઈ બચાડા પર વરસી પડો છે..! કેટલી ભાગદોડ તો કરે છે…! એનાય નસીબ બદલશે…!”
“ઓ મધર ટેરેસા, આ ૧૯૮૫ની સાલ છે, ને, દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઈ છે પણ, આપણો રતન તો એની પોતાની જ ખયાલી આદર્શોની દુનિયામાં જ જીવે છે.
પેલા આપણી ન્યાતના ઉજમશીભાઈએ સામેથી મને કીધું કે તારા દીકરાને મિલમાં નોકરી કરવી હોય તો આપણી ઘણી ઓળખાણ છે. એ ભલામણ પત્ર પણ લખવા તૈયાર છે. પણ નહીં,., આપણા ભાઈને તો કોઈ પણ લાગવગ વિના પોતાના બળે જ કામ મેળવવું છે…!”
બાને ખબર હતી કે એ કંઈ બોલશે તો સામો જવાબ પણ તડતડતો જ આવશે, છતાંયે માતૃત્વ જીતી જતું અને એ કહેતી, “તે પોતાના બળે નોકરી મળે તે સારું જ છે ને?”
“અરે ઓ સારાવાળી…. એને પાછું મિલમજૂર તો નથી જ થવું તો કોણ ભોજિયોભાઈ એને નોકરો આપશે…!! અરે, હું બુઢો થઈ ગયો છું. પણ, એને ક્યાં સમજણ પડે છે કે આજના સમયમાં ભલામણ વિના કામ મળવું ખૂબ કપરૂં છે..! આપણા ભાઈને ક્યાં કઈં કરવું જ છે…!”
અને બડબડ કરતાં જ જમવા બેસતો અને ખાંસી ખાતા ખાતા જમતો જતો ને બોલ્યા કરતો, “આ બેવકૂફને ક્યાં કશી સમજણ પણ પડે છે! પેટે પાટા બાંધીને આપણે ભણાવ્યો પણ શું ફાયદો થયો! જાત કમાઈના બે રૂપિયાના ચણાસીંગ ખાવાનાયે ફાંફા છે..!”
એનો મજૂર બાપ, ઘર નામના ભરમને હકીકત બનાવતી એક ૧૦ x ૧૫ ની ઓરડીમાં જેવો દાખલ થતો કે રોજ આ દ્રશ્ય કોઈક ને કોઈક રીતે ભજાવાતું!
એનું ઘર એટલે, મુંબઈની એક ગંધાતી, ગંદકીથી ખદબદતી ચાલમાં, ભોંયતળિયે આવેલી એ ૧૦ x ૧૫ની એક ઓરડી.
આ ચાલની બહાર, મ્યુનિસિપાલટીના રીપેરર્બોર્ડનું મોટું પાટિયું લાગી ગયું હતું, “Under Repair, DANGER TO LIVE HERE”. છતાંયે એના પરિવાર જેવા બસો કુટુંબો આ મોટી ચાલમાં રહેતા અને આમ જ એમની જિંદગી ચાલતી. કોઈ પણ ત્યાંથી ખસ્યું નહોતું. યથાવત્ સૌની જિંદગી ચાલ્યા કરતી.
ચૂલાના ધુમાડાથી કાળી પડી ગયેલી, એની ઘર નામના ભરમની ભીંતો પણ આ ઓરડીમાં વસતાં લોકોની તકદીર જેવી ભાસતી હતી.
હાડપિંજરને પણ શરમાવે એવી એની માની ધીરજ પણ હવે ખૂટતી જતી હતી અને એ પણ એના બાપુ સાથે એક થઈને કહેતી, “આપણે ગામથી આંઈ આઈવા તંયેં જ નકી કરી લીધું’તું કે ભલે ને સરકાર કે’તી કે બેથી વધુ છોકરાં ન જોઈએ, પણ આપણે અભણ, તોયે આ એક જ બચ્ચુ રાખીશું અને એને જ મોટો સા’બ થાય એવું ભણાઈવીશું. તંયેં ક્યાં ખબર હતી કે મૂઓ હાવ નપાણીયો પાઈકશે અને ક્યાંય કામ કરવા નઈ જાય…!”
આજકાલ તો હવે એ ક્યારેક એવું પણ કહેતી કે, “પેલો ટીનીયો!, કાલ લગણ અડધી ચડ્ડીમાં, શેડાડીયો આખી ચાલમાં ફરતો’તો. આજે તો મોટરુંમાં ફરતો થઈ ગયો! ને પેલી રૂખડી, આજે તો રૂપા મેમસા’બ બનીને ટાપટીપ ફરતી થઈ ગઈ! ઈ બેઉ ક્યાં ઓટલું ભઈણા છે? આપણા જ કરમ ફૂટેલા કે આપણો સિક્કો ખોટો નીકળઈયો!” અને મા, પોતાનું માથું પણ ક્યારેક કૂટી લેતી.
એની મા અને બાપાએ એક એવી અશ્ક્યતાને એના જન્મથી જ એની હયાતી સાથે જોડી હતી જે કદી પૂરી થઈ શકે એમ નહોતી. એ બેઉએ એમ જ માન્યું હતું કે એમનો દીકરો જેવો ભણીને બહાર નીકળશે કે તરત મોટો સા’બ બની જશે!
એની માને કે બાપાને ખબર નહોતી પણ એને પોતાને તો ખબર હતી કે ટીનીયો ડ્રગ્સ વેચે છે અને રૂપા શરીર..! એ કેવી રીતે મા-બાપને સમજાવે કે એના નમાલા એવા એમના દીકરામાં ન તો ડ્રગ્સ કે શરીર વેચવાની હિંમત હતી કે ન તો વાપરવાની!
મા-બાપે પાળી પોષીને અશક્યતાને પાંગરવા દીધી હતી તો એણે પોતે પણ પોતાના આ નમાલા, સ્વપ્નીલ સ્વભાવને પાળ્યો હતો, પોષ્યો હતો, જેનો હવે કોઈ જ ઈલાજ ન હતો.
હા, એને જિંદગીમાં કઈંક બનવું હતું. પોતાના હ્રદય, આત્મા, મન અને શરીર થકી જે પામી શકે અને માણી શકે એટલું જ જોઈતું હતું, એટલું જ પામવું હતું. બસ, પછી જે થાય તે…!
એના માતા-પિતાની એષણા અને એના સપના, આ બેઉ અશક્યતાના ફોલાદી કવચ એકમેક સાથે સતત અથડાતા હતા અને આ અથડામણની વચ્ચે હતો એ, જે આમથી આમ ફંગોળાતો હતો અને લોહીલુહાણ થતો રહેતો.
આ લોહીલુહાણ ચહેરો લઈ એ હવે ક્યાં જાય, ક્યા દરવાજે નોકરીની ભીખ માગે કે કોની પાસે માગે થોડીક માયા, મમતા અને જરાક જેટલો પ્રેમ?
શું એ માણસ જ નથી રહ્યો? ક્યારેક તો એને થતું કે એ માત્ર ચાલતો ફરતો રોબોટ છે. માબાપને મન એ એક હારી ચૂકેલા જુગારની રમત બની ગયો હતો.
આ ચાલીમાં રહેનારાઓ સાથે એ ઘરોબો નહોતો કેળવી શકતો અને બહારની સોસાયટીમાં ઊઠવા બેસવાની એની હેસિયત નહોતી. તેને ક્યારેક પોતાના પર નફરત ઊપજતી. શું એક આ ડીગ્રી નામના કાગળના બદલામાં એણે પોતાનું સત્ત્વ, હીર વેચી નાખ્યું હતું?
એ સૂર્યપુત્ર કર્ણ ક્યાંથી થવાનો? એ જો ભણ્યો ન હોત તો કોઈ મજૂર બનત, ફેરિયો બનત, બૂટ પોલિશ કરત, પ્યુન બનત અને કઈં ન થાત તો ખુલ્લા મનથી દાણચોરી કરત… બસ, એ જો ભણ્યો ન હોત તો!
આ ભણતર જ બધા દુઃખોનું કારણ છે. મા-બાપે સેવેલી આશાઓનો તંતુ ભણતરના ભમરડે લટકી પડ્યો છે. તો, ક્યારેક એને થતું કે એ માંદલો સૂરજમુખી છે, જેને સૂરજ સામે ગરદન ઊંચી કરીને જોવું તો છે, ખીલવું પણ છે, પણ એનામાં માથું ઊંચું કરવાની તાકાત જ નથી! આમેય તડકો વેચીને ક્યાં સુધી એ શમણાંના સૂરજ માટે મેઘ ખરીદી શકત?
એણે અંતે, ખૂબ જ હામ ભીડીને, અરમાનોના સો સો સૂરજોની હત્યા કરી જ નાખી…! અંતે, એ મિલમજૂર બની જ ગયો.
****
મહિનાના અંતમાં એના હાથમાં સો રૂપિયાની નવ કડકડતી નોટો હાથમાં આવી. એની સૂનકારસભર આંખોમાં પળવાર માટે આશાની ચિનગારી ચમકી પણ પાછી તરત જ શમણાંના ઢગલાની રાખમાં ઓલવાઈ ગઈ.
સાંજના છ વાગ્યા હતા. ઘરે જઈને એણે લાઈટ ચાલુ કરી અને અંધારામાં ચોખા વીણતી મા કંઈ તાડુકે એ પહેલાં જ એણે માના હાથમાં ચૂપચાપ છસો રૂપિયા મૂકી દીધા.
પૈસા હાથમાં મૂકાતા જ, કદાચ ભૂંડી ગાળ બોલવા, ખૂલેલા માના હોઠ પર એને એકાદ પળ તો લાગ્યું કે સ્મિત જેવું કંઈક આવ્યું તો હતું! એ સહેજ હસ્યો અને ઘરની બહાર નીકળી ગયો.
ત્રણ સોની નોટ એણે પોતા પાસે રાખી હતી. શર્ટના ખીસ્સામાંથી એ નોટો કાઢીને પેન્ટનાં અંદરનાં ખિસ્સામાં મૂકી અને રસ્તા પર, એની ફેવરીટ જગા પર આવ્યો.
એને સમજાતું નહોતું કે એ આ રૂપિયાનું શું કરે? એની કોલેજમાં બધા પહેરતા હતા એવા સરસ કપડાં લે ને પછી, અમુક અમીર સહપાઠીઓ. જેઓ એની બુદ્ધિમતાને પારખતા હતા, એમની પાસે કોઈ સારી નોકરી માગવા જાય?
ના, એ તો હવે સામાન્ય મિલમજૂર હતો. એનું ડીગ્રીનું ફરફરિયું મિલના સાંચામાં હોમાઈને ધુમાડો બની ગયું હતું. દર મહિને મિલના આ ધુમાડામાં થોડોક અંશ એની ડિગ્રીનો પણ રહેશે અને એના બદલામાં એને આમ જ કોમ્પેનશેશન દર મહિને ચૂકવવામાં આવશે, પગારના નામ હેઠળ!
કારખાનાનો કારમો રાક્ષસ, દર મહિને એને ઝેર પાયેલી સોય ભોંકીને, એના રોમરોમને ખોટું પાડતો જશે અને એક દિવસ આખું શરીર આ ઝેરી સોયના ભોંકણાથી વિંધાઈને ખોટું પડી જશે. ને, પછી, એના કાયમ ખાંસતા રહેતા બાપની જેમ એ પણ ખાંસતો થઈ જશે અને એક દિવસ કાયમ માટે શ્વાસ બંધ!
હા, એ એક નમાલો મજૂર હતો. પગાર મળે ત્યારે જેમ એનો બાપ સસ્તી તાડી-માડીની દુકાને જઈને બેસતો હતો તેમ જ, એણે પણ કરવું જોઈએ. અને એ પણ સસ્તી તાડી-માડીની દુકાનમાં પ્રવેશ્યો….!
*****
એકલો એક ખૂણામાં, શુષ્ક આંખોમાં ટળવળતો દરિયો લઈ જામ પર જામ પીતો એ બેઠો હતો. હેમિંગ્વે, શેક્સપીયર, શેલી, કીટ્સ, વિક્ટર હ્યુગો, આ બધાએ એને શબ્દોની માયાજાળમાં જ રમતા શીખવ્યું હતું.
આ શબ્દોની ઈન્દ્રજાળમાં અટવાયેલો એ, આ જાળના તાણાવાણામાં વણાયેલા અર્થોને ઉકેલીને, જીવનસંગ્રામ કેમ લડવો એના પ્રશિક્ષણમાં કદી પરિવર્તિત ન કરી શક્યો, એ એની મર્યાદા હતી કે નિષ્ફળતા?
એણે જિંદગી પાસેથી માગ્યું પણ શું હતું? એને તો બસ, પ્રેમ કરવો હતો, પ્રેમ પામવો હતો, એક સામાન્ય બુદ્ધિજીવીની જેમ, એને પ્રામાણિકતાથી કમાણી કરવી હતી, બસ, પોતાના કુટુંબનો જીવનનિર્વાહ ચલાવી શકે એટલી જ કમાણી! એણે એનાથી વિશેષ બીજું કઈં માગ્યું નહોતું. શું એનામાં જ સ્વયંભૂ પ્રગટી શકે કશું એવું કઈં જ નહોતું?
એને થયું, કદાચ એ જ નપુંસક હતો. એનામાં જ કૌવત નહોતું કે એ પોતામાંથી કંઈક પેદા કરી શકે…!
એણે છેલ્લો ગ્લાસ પૂરો કર્યો. વેઈટર બિલ લઈને આવ્યો. એણે પૈસા ટેબલ પર મૂક્યા અને લથડતા પગે એ બહાર આવ્યો. હવે એ ક્યાં જાય? મજૂર દારૂ પીને ક્યાં જાય? કદાચ ઓરત પાસે જાય, કારણ ઓરતને નોટમાં વાળી શકાય, જામમાં ઘોળી પી શકાય! કદાચ ભરસભામાં એનું વસ્ત્રાહરણ કરી શકાય…! ના, ના, એ તો મહાભારતના કાળમાં ભરસભામાં વસ્ત્રાહરણ કરાય..
એ હસી પડ્યો… એને મનોમન થયું, કે ચાલો, અર્ધબેભાન અવસ્થામાં પણ એને એટલું ભાન હતું કે ૧૯૮૫માં એ વળી કઈ સભામાં એનું વસ્ત્રાહરણ કરવાનો હતો? પછી એને થયું કે એ તો નપુંસક હતો, એનામાં કોઈ સ્ત્રીનું વસ્ત્રાહરણ… કરવાની હિંમત પણ ક્યાં હતી? તો હવે? એ ક્યાં જાય? ને, રસ્તા પર આવતાં જ એ લથડીને પડ્યો…..!
********
હેન્ગઓવરમાં એણે આંખો ખોલી. અડધા નશાની હાલતમાં પણ એની નજર સૂરજ સામે જોવા આકાશ તરફ ગઈ.
સમયને જાણવા અને સૂરજના પ્રકાશને શોધવા ફરી આકાશમાં દ્રષ્ટિ કરી પણ એને હજુ કશું પણ કળાતું નહોતું.
જો સૂરજ હજુ ઊગ્યો નહોતો તો બળબળતા તાપણે શેકાઈ રહ્યાની તીવ્ર અનુભૂતિ છતાં કેમ થઈ રહી હતી? એ કેમ આ અંધકારને ચીરી શકતો નથી? શું સૂરજ હજુ ઊગ્યો જ નથી? તો એ ક્યાં હતો? શું એ કુંતીના ગર્ભમાં, અંધકારમાં સબડતો સૂર્યનો અંશ હતો કે જે કર્ણરૂપે જગત પર અવતરવા તરફડી રહ્યો હતો?
એ સૂર્યપુત્ર કર્ણ બનીને અવતરિત થશે અને પછી કોઈ દુર્યોધન એને અંગદેશનો રાજા બનાવશે..! એ મરશે ત્યારે આખાયે મહાભારતના યુદ્ધને નિર્લેપભાવે નિહાળતા કોઈ કૃષ્ણની આંખોમાંથી આંસુની ગંગા વહેશે! બસ, એ ક્ષણે એનું મૃત્યુ પણ ધન્ય બની જશે..!
હેન્ગઓવરમાં પણ એના મુખ પર સંતોષ પ્રગટી આવ્યો…! પણ, એ જ ઘડીએ એને વિચાર આવ્યો કે એના જેવા અભાગિયાને જન્મ આપે એવી કુંતી કોણ થશે?
એણે અર્ધખોલેલાં પોપચાં બીડી દીધાં.
~ જયશ્રી વિનુ મરચંટ
જય શ્રીકૃષ્ણ!🙏🏻
આજે મળ્યુ મને આપણું આંગણું!
જાણે હું “મને” મળી તેવું લાગ્યું વહાલું!
આપણા આંગણે મળી મને મોકળાશ
મારા મનોપ્રદેશમા છવાયો હર્ષોલ્લાસ.
ખુલ્લાં એ આંગણે બેસીને જોઉ છું હું
સાહિત્ય કેરી આભની અટારીએ
વિવિધ સાહિત્યકારો કેરા તારલાના
કાવ્યો, વાર્તાઓ, નિબંધો.નાટકો રૂપી ચમકારા અને ઝબકારા.
જેના થકી થયા હ્રદય પર ખુશીઓના છલકારા.
આપનો ખૂબ ખૂબ આભાર! 🙏🏻🙏🏻🙏🏻👍👏
સુંદર સરખામણી! અર્વાચીન યુગના કર્ણના મનોમંથન નું સચોટ નિરૂપણ!👏👍