લેખમાળા: ગઝલગુર્જરી ~ લેખ 4 ~ વિનયથી સજ્જ પ્રેમબાનીના કવિ ગની દહીંવાલા ~ રઈશ મનીઆર
લેખ 4
ગુજરાતી ગઝલના દમામની દાસ્તાન
વિનયથી સજ્જ પ્રેમબાનીના કવિ
ગની દહીંવાલા

હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું
સિતારાઓ! સુણો! કથની ધરાની લઈને આવ્યો છું
હજારો કોડ, ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું
સમય થોડો અને લાં..બી કહાની લઈને આવ્યો છું
ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું
આજે આપણે ગિરાગુર્જરીના પનોતા પુત્ર ગની દહીંવાલાની ગઝલો અને એ ગઝલો સાથે જોડાયેલી ગમતીલી વાતો કરવાના છીએ.
ખરેખર વિનયથી સજ્જ એવી બાની એમની હતી અને ગાયકોને શરમાવે એવું એમનું તરન્નુમ હતું.
ગની ગુજરાત મારો બાગ છે,
હું છું ગઝલ બુલબુલ
વિનયથી સજ્જ એવી
પ્રેમબાની લઈને આવ્યો છું.
આ ગઝલ ખાસ તેઓ ગાઈને રજૂને કરતાં. હવે કવિ બોલવાને બદલે ગાઈને રજૂ કરે એટલે સમય થોડો વધુ જાય એટલે મરીઝસાહેબને કંટાળો આવે. એટલે મરીઝ પોતાનો વારો આવે ત્યારે એનો જવાબ આ રીતે આપતાં
શાયર છું મારી રીતથી
બોલીશ હું ગઝલ
બુલબુલ તો હું નથી
કે ફકત કંઠ દાદ લે!
તો શાયરો વચ્ચે આવી મીઠી નોંકઝોક ચાલતી રહેતી. બાકી આ બન્ને શાયરો વચ્ચે ગાઢ મિત્રતા હતી.
આપણી ભાષાના ચહીતા ગઝલકાર ગની દહીંવાલાને એમના જન્મના એકસો પંદર વર્ષ પછી આપણે જ્યારે યાદ કરી રહ્યા છીએ ત્યારે એમનો પોતાનો જ શેર યાદ આવે..

જિંદગીનો એ જ સાચોસાચ
પડઘો છે ગની
હોય ના વ્યક્તિ ને એનું
નામ બોલાયા કરે
મુંબઇના ગઝલકાર ગણાતાં મરીઝ ખરેખર સુરતમાં જન્મ્યા હતા એમ સુરતના ગઝલકાર ગણાતાં ગની દહીંવાલા ખરેખર અમદાવાદમાં જન્મ્યા હતા. બહુ ઓછા લોકોને આ વાતની ખબર હશે.
1908ની 17મી ઓગસ્ટ એમનો જન્મદિવસ. અમદાવાદ, કાળુપુર છીપવાડ ખાતે એમનો જન્મ. એમના પિતાનો જરીનો વ્યવસાય. જરીકામમાંય એમની સ્પેશ્યાલિટી. મંદિરો, મહંતો, અખાડાઓના ખાસ વાવટાઓ ઉપર જરી ભરેલા પ્રતીકો ભરવાની.
તે સમયે સાધુસંતોના અખાડાના પોતાના આગવા ધ્વજ વાવટા. દરેકનું નોખું પ્રતીક. એ વાવટાના જરીકામમાં આ પરિવારની મહારથ. ગનીભાઇની યુવાનીના દિવસો સુધી આ ધંધો એમના પરિવારનું ભરણપોષણ કરતો રહ્યો.
ગનીભાઇના બાળપણના વર્ષોમાં જ આ પરિવારે અમદાવાદથી સુરત સ્થળાંતર કર્યું. ગોપીપુરા મોમનાવાડમાં એ રોડ પર નિવાસ કર્યો જે રોડ હવે ‘ગનીભાઇ દહીંવાળા’ માર્ગ તરીકે ઓળખાય છે. સાધુ મહંતોની સંગતમાં મોટા થયેલા ગનીભાઇ યુવાનીમાં અખાડે કુસ્તી પણ કરતા!
હજી ગઝલની સરવાણી ફૂટ્યાના ક્યાય અણસાર નહોતા. મુસ્લિમ સમાજમાં પ્રચલિત ભક્તિ સંગીતનો એક પ્રકાર એટલે મૌલૂદ.
એમાં મીઠા સ્વરે ધાર્મિક રચનાઓની ગાનારાઓની માંગ રહેતી. ગનીભાઇ એ મંડળીના સભ્ય.
ગનીભાઈનો અભ્યાસ તો ઓછો હતો પણ જાણ્યે અજાણ્યે સંગીતના માધ્યમથી સાહિત્યનો, છંદોનો, ગઝલની બાનીનો પરિચય થવા લાગ્યો. અને મોડે મોડે ગનીચાચાને ગઝલ લખવાનું મન થયું.
ગનીભાઇએ શરૂઆત ઉર્દૂ ગઝલો લખવાથી કરી હતી. પછી બહુ જલદી ગુજરાતી તરફ વળ્યા.
અખાડાઓનું કામ ખાડે ગયું એટલે ગનીભાઇના પિતાજીએ ઝાંપાબજારમાં વ્હોરાવાડને નાકે દહીંની દુકાન ખોલી અને પરિવારની જરીવાલાને બદલે દહીંવાલા અટક સાંપડી. ગનીભાઈએ બીજા કોઈ માલિકને ત્યાં જરી કામ કરવાનું ચાલુ રાખ્યું,
એકવાર જરીનું કામ કરતા ગનીભાઇ પાસે માલિકે જલાઉ લાકડા ઊંચકાવ્યા. છોલાયેલા હાથ પર બળતરા થઇ તેથી વધુ બળતરા હૃદય પર થઈ અને ગનીભાઇએ સ્વતંત્ર કામ શોધવા નજર માંડી.
પોતાના ફળિયાની સામે ગોપીપુરા ઝવેરી બજારમાં એક ધોબીની સાથે એમણે ગોઠવણ કરી. ધોબીની એ નાનકડી દુકાનમાં લાકડાનું પાટિયું મૂકી એક માણસ બેસે એટલું કાતરિયું બનાવ્યું. ત્યાં સીવવાનો સંચો મૂકી દરજીનો વ્યવસાય ચાલુ કર્યો.
ઊભા થવા જાવ તો માથું છત સાથે ભટકાય એવી જગામાં રોજગાર રળનાર ગનીભાઇને કોઇ પૂછે કે તમારો વ્યવસાય શું? તો ગનીભાઇ કહેતા ગોપીપુરામાં મારી ટેલરીંગ ફર્મ છે.
વાત સાચી હતી. કોઈ કોર્પોરેટ કંપની કરતાં એ ફર્મની શાખ ઊંચી હતી. જરીકામ અને દરજીકામની એ કુશળતા, એ ચીવટ, એ ચોકસાઇ, ગઝલમાંય નીખરી આવ્યાં, એ આવનારી સદીએ જોયું.
ગનીભાઇનો પ્રથમ મુશાયરો 1943માં આર્યસમાજ, સુરત સોની ફળિયાના હૉલમાં. તે દિવસે એમણે પંક્તિ પર લખેલી પોતાની પ્રથમ ગુજરાતી ગઝલ સંભળાવી. ગનીભાઇનો ગુજરાતી ગઝલવિશ્વમાં બાઅદબ પ્રવેશ થયો.
ગનીચાચાએ 1947ની સાલમાં સેંટ એંડ્રુઝ હોલ એટલે કે હવે નગીનચંદ હોલ તરીકે ઓળખાય છે ત્યાં એક મોટા મુશાયરામાં ભાગ લીધો હતો. શૂન્યસાહેબ, શયદા બધા જ આ મુશાયરામાં હતા. પંડિત ઓમકારનાથ પ્રમુખ સ્થાને હતા અને પંદર વરસના ભગવતીકુમાર શર્મા ઓડિયન્સમાં હતા.
જે રચના ગનીભાઈએ એ મુશાયરામાં સંભળાવેલી તે જોઈએ. ત્યારે મુશાયરાની ચોપડી પ્રગટ કરવાનો રિવાજ હતો, એ ચોપડી મેં જોઈ હતી, એટલે મને ખ્યાલ છે કે એ કઈ રચના હતી.
જે શોધમાં ગુમ થઈ જાવું હો,
એ શોધનો આરો શા માટે?
નૌકાને વળી લંગર કેવું?
સાગરને કિનારો શા માટે?
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘડપણને મળે એ ન્યાય નથી,
તોફાન થયું છે ભરદરિયે,
સપડાય કિનારો શા માટે?
પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા
મેં તારલિયાની ટોળીમાં:
રાત્રિએ અવિરત જાગે છે
આ એક બિચારો શા માટે?
વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં
એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો,
પણ દર્દ વધારો શા માટે?
આઠ વર્ષની ગઝલ સાધનાના પરિપાક રૂપે ગની દહીંવાલા 1951માં ‘ગાતાં ઝરણાં’ પુસ્તક લઇ ઉપસ્થિત થાય છે અને તરત ઉમાશંકર જોશી અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા ખમતીધરોનું ધ્યાન ખેંચે છે.

ગઝલ પ્રત્યે સૂગ સેવનારાઓ ગઝલની પ્રશંસા કરવાનું શરૂ કરે છે,
કલાપી, બાલાશંકરને અડધીપડધી સાધ્ય થયેલી ગઝલ હરજી લવજી દામાણી ઉર્ફે શયદાના હાથે પરંપરા અને પ્રાદેશિકતાનું ઉચિત સંતુલન પ્રાપ્ત કરે છે. મરીઝ એને અંદાઝે બયાંની ઊંચાઇ આપે છે. અમૃત ઘાયલ એમાં ગુજરાતી રૂઢિપ્રયોગો, કહેવતો અને તળપદા શબ્દો ઉમેરી માટીની મહેંક ઉમેરે છે અને ગની દહીંવાલા કોઇ મોટા ઉપાડા, ઉધામા કે દાવા વગર પોતાના દરજીકર્મથી રાત દી વધી રહેલ ગઝલબાલિકાના માપ અનુસાર ઝભલાં સીવતા રહે છે.
લગભગ 45 વર્ષ સુધી ચાલેલ આ કાવ્યયાત્રામાં પ્રકાશિત ગઝલોની સંખ્યા જોઇએ તો એમની કુલ 310 ગઝલો પ્રકાશિત થઈ છે. આ 310 ગઝલોમાં કુલ 30 જેટલા છંદોનો ઉપયોગ કર્યો છે.
https://wynk.in/music/artist/gani-dahiwala/wa_4q_DE6Csgw
ગની દહીંવાલા જેટલું છંદ વૈવિધ્ય ગુજરાતી ગઝલકારોમાં ભાગ્યે જ જોવા મળે છે. એમની બરોબરીનું છંદ વૈવિધ્ય લખનાર શાયરોમાં અમૃત ઘાયલ અને શૂન્ય પાલનપુરીનો સમાવેશ કરી શકાય.
એમના જીવનના સાર સમી એમની ચાર પંક્તિ યાદ આવે…
વિપદના કંટકોને ધૈર્યથી
પુષ્પો બનાવીને
જીવનની ફૂલદાની એમ
બેઠો છું સજાવીને
મહેકો એમના સાન્નિધ્યમાં
હે શ્વાસ ઉચ્છવાસો
પવન ફોરમ બને છે
ફૂલની નજદીક આવીને
બીજા એક શેરમાં એ કહે છે…
ઘેરી વળે છે જ્યારે ગની દુખના કંટકો
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે
ગનીચાચા પોતાની ધીમી પ્રગતિ વિશે સ્વમાનભેર કહેતા…
મારો વિકાસ મંદ છતાં શાનદાર છે,
દુનિયા તો જેમ તેમ બધે વિસ્તરી ગઈ.
એ વ્યવસાયે દરજી હતા, એટલે સોય પણ આવી એમની આ જ ગઝલમાં..
છે મારું દિલ ‘ગની’,
અને દુનિયાની જીભ છે,
ચીરી ગઈ કોઈ,
કોઈ બખિયા ભરી ગઈ.
અને આ જ ગઝલમાં એમનો યાદગાર શેર હતો.. એ કેમ ભૂલાય?
શ્રદ્ધા જ મારી લઈ ગઈ
મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો,
તો દિશાઓ ફરી ગઈ!
આ એમનો સૌથી લોકપ્રિય શેર અને આ શેરની સાથે સાથે ગનીભાઈની સૌથી લોકપ્રિય ગઝલ રચના યાદ આવે જેને મહમદ રફીસાહેબે ગાઈને અમર કરી.
દિવસો જુદાઇના જાય છે
એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઇ જશે
મુજ શત્રુઓ જ સ્વજન સુધી
એ અમર ગઝલનો આ શેર બહુ જાણીતો છે પણ બહુ ઓછાને પૂરેપૂરો સમજાયો છે. દિવસો જુદાઈના જાય છે.. આમાં મિલન શું? સ્વજન શું? અને દુશ્મન શું તે સમજીએ.
અત્યારે જુદાઇના દિવસો છે. એ જશે જરૂર મિલન સુધી. મિલનને હું ઝંખુ છું તેથી એ મિલન મારું સ્વજન છે અને આ વચ્ચેની જુદાઈનો પ્રત્યેક દિવસ મારો દુશ્મન છે.
આ જુદાઇના અંતે મિલન થવાનું છે. જો એવી ધીરજ અને શ્રદ્ધાથી હું જુદાઇનો એક એક દિવસ વીતાવીશ તો આ એક એક દિવસ જ મને આંગળી પકડી પકડીને કાલ.. પરમ.. ચોથ કરતાં કરતાં મિલનના દિવસની મુલાકાત કરાવી જ આપશે. વિરહના જે દિવસો દુશ્મન છે, એ જ દિવસો જ મારી આંગળી પકડીને મને મિલન કરાવશે. મારો હાથ ઝાલીને લઈ જશે મને શત્રુઓ જ સ્વજન સુધી..
કેટલી મજાની અને ગહન વાત છે. શ્રદ્ધા રાખીને વિરહનો, વિફળતાનો સમય પસાર કરવાથી મનનું વાતાવરણ બદલાઇ શકે છે, આ હકારાત્મક સંદેશ આ શેર આપણને આપે છે અને આ શેરને આપણે માત્ર પ્રેમના અર્થમાં નહી, આને આપણે ઈશ્વર સાથે ઐક્ય, સ્વની સાથેની મુલાકાત કે સાંસારિક સફળતા દરેક ભાવાર્થમાં લાગુ પાડી શકીએ છીએ.
આગળના શેરો જોઇએ…
ન ધરા સુધી ન ગગન સુધી
નહીં ઉન્નતિ ન પતન સુધી
અહીં આપણે તો જવું હતું
ફક્ત એકમેકનાં મન સુધી
તમે રાજરાણીના ચીર સમ
અમે રંકનારની ચૂંદડી
તમે બે ઘડી રહો અંગ પર
અમે સાથ દઇએ કફન સુધી
જો હ્રદયની આગ વધી ગની
તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી
કોઇ શ્વાસ બંધ કરી ગયું
કે પવન ન જાય અગન સુધી
હૈયાનો દાહ વધી જાય અને શ્વાસની ધમણ ચાલુ રહે તો તકલીફ થાય.
રેકોર્ડિંગ સમયની એક વાત ગનીભાઈએ કરેલી. પુરુષોત્તમભાઈનું સ્વર નિયોજન હતું, રેકોર્ડિંગ વખતે રફીસાહેબે આગ્રહ રાખ્યો કે મારે ઉચ્ચાર સમજવા છે એટલે કવિને મળવું છે.
આ રેકોર્ડિંગની તસ્વીર મારી પાસે છે. સરળતા એટલી કે બન્ને પતરાની ખુરશી પર બેઠા છે. ગનીભાઈ કોલ્હાપુરી ચંપલ પહેરીને બેઠા છે, રફીસાહેબે પણ એવી જ ચંપલ પહેરી છે.

રેકોર્ડિંગ કરતા પહેલા રફીસાહેબે ખાતરી કરી કે ગનીચાચાને રોયલ્ટી મળી છે કે કેમ?
રોયલ્ટીની વાત નીકળી તો યાદ આવ્યું કે ગનીચાચા કહેતા કે અમે આખો મુશાયરો 11 રુપિયામાં કરતા. કવિઓનું ટોળું ઉતારે પહોંચતું. ના હોટલોમાં નહીં, કોઈ સ્કૂલમાં ઓરડામાં પાથરેલા ગાદલા, એ જ કવિઓનો ઉતારો.
1940-50ના દાયકામાં બેકારસાહેબ કે શયદાસાહેબ 11 રુપિયામાં આખું પેકેજ લેતા. આજે એમાં મીંડા(!) ઉમેરાયા. તો આ રીતે ગુજરાતી ગઝલની રોયલ યાત્રા રોયલ્ટી સુધી પહોંચી.
ગનીચાચાના બીજા બે શેર જોઈએ..
ન તો કંપ છે ધરાનો,
ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો,
હું કશુંક પી ગયો છું.
‘ગની’ પર્વતોની સામે
આ રહ્યું છે શીશ અણનમ
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં
હું ઝૂકીઝૂકી ગયો છું.
છંદ મજાનો છે, નહીં? રહા ગર્દિશો મેં હરદમ મેરે ઈશ્ક કા સિતારા અથવા મિલી ખાક મેં મુહબ્બતનો છંદ છે.
આ જ છંદમાં એક બીજો શેર યાદ આવ્યો..
ગની બુદ્ધિના બજારે
અમે લાગણી સજાવી
ન કોઈએ ભાવ પૂછ્યો
ન અમે પિછાણ આપી
અને બીજી એક ગઝલના બે શેર
તમે એ ડાળ છો, જે ડાળ પર
પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું: મહેંકી રહું
જ્યાં જ્યાં પવન લાગે.
ઘણું ભારણ છે જીવનમાં,
છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે,
ઉતારો તો વજન લાગે!
કેવી અદભૂત પંક્તિ છે આપને જીવનમાં કેટલીય આવી જવાબદારીઓ ઉઠાવતા હોઈએ છીએ: “ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે!”
બીજી એક મજાની ગઝલ જુઓ, સમયની સાથે એમની ભાષા પણ આધુનિક થવા લાગી હતી તે આ ગઝલમાં ખ્યાલ આવશે…
બને એવું, સમસ્યાઓને પણ
વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે,
ને સૂર્યોદય થવા લાગે.
કેવી હકારાત્મક્તા છે! સૂર્ય અંધારમાં જ ઊગે છે ને…
અધરના ગોખમાં બેઠાં રહે
શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને
નિર્ણય થવા લાગે.
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં…. ગોખમાં પારેવા બધાએ જોયા હોય પણ આ કેવાં પારેવાં છે? અધર એટલે હોઠ. આંખોથી થઈ જતા ફૈસલાની વાત આ શેરમાં છે.
‘ગની’, નિર્દોષ આશય છે
હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો
પરિચય થવા લાગે.
માણસ પોતાના હૃદય સાથે બહુ ઝઘડે છે પછી આખરે એને જીવન પ્રત્યે, અસ્તિત્વ પ્રત્યે, અને ઈશ્વર પ્રત્યે આસ્થા જાગે છે. પતિપત્ની પણ એકબીજાનો પરિચય, એકબીજા સાથે ઝઘડીને જ મેળવે છે ને!
એમના બીજા બે શેર…
માર્ગ મળશે હે હૃદય
તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંઝિલ મળી ગઈ
તો ચરણનું શું થશે
જ્યાં સમજ આવી જરા
તો હું પ્રથમ બોલ્યો ‘ગની’
આજથી નિર્દોષ તારા
બાળપણનું શું થશે..
તો આપણે જોઈ શકીએ છીએ કે સમયની સાથે ગનીચાચાની ભાષા મોડર્ન થઈ.
વિનયથી સજ્જ એવી પ્રેમબાનીના માલિક આ કવિ પહેલા 1951માં ‘ગાતાં ઝરણાં’ તો 1961માં ‘મહેક’, 1971માં ‘મધુરપ’, 1981માં ‘નિરાંત’ સંગ્રહો લઇ આવે છે.

દર દસ વર્ષે થતી વસ્તી-ગણતરીની જેમ ગઝલગણતરી, સંચય અને પ્રકાશનનું કામ નિયમિતતાથી થયું. 1987માં કવિએ સ્વહસ્તે પોતાના આખરી સંચય ‘ફાંસ ફૂલની’ની હસ્તપ્રત તૈયાર કરી હતી જેનું મરણોત્તર પ્રકાશન થયું હતું.
એમના જીવનમાં છેલ્લા ત્રણ વર્ષોમાં મને એમની સાથે પરિચય થયેલો. એક સ્પર્ધામાં એમણે મને પ્રથમ ઈનામ આપેલું અને બે સંગ્રહો ભેટ આપેલા. એ પછી એમની સાથે ત્રણેક મુશાયરામાં બેસવાની પણ તક મળેલી.
ગનીભાઇના ચારે સંગ્રહો અને મરણોત્તર સંગ્રહ ‘ફાંસ ફૂલની’માંથી પસાર થઇએ તો પરિષ્કૃત ગુજરાતી ગઝલની ગતિવિધિનો એક આખો દસ્તાવેજ એમાં છે. પંરપરા સાથેનું અનુસંધાન અને પરિવર્તનોની સાથે રહેવાના પ્રયત્નો… આ બન્ને વચ્ચેનો જંગ એમનામાં ઉત્તરોઉત્તર દૃષ્ટિગોચર થાય છે.
ઘાયલ જેવી બેફિકરાઇ નહીં, અને મરીઝ જેવી સ્વવિનાશકતા નહીં તેથી ગનીભાઇએ બધું સભાનપણે સાવચેતીથી કર્યું.એના દોરા ધાગા ક્યાંક એમની રચનાઓમાં દેખાય.
શયદા, મરીઝ, ઘાયલ, સૈફ, બેફામ, ગની… આ સર્વે શાયરોની વચ્ચે બાકીના શાયરો પોતાના ગઝલવિશ્વમાં મસ્ત રહ્યા. ગનીભાઇએ સમયની ચાલ પારખી અને વળાંકે વળાંકે વળ્યા.
આદિલ મન્સૂરી, ચિનુ મોદી, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, મનહરલાલ ચોક્સી, ભગવતીકુમાર શર્મા જેવા બળવાન આધુનિક શાયરોની વચ્ચે એક ઓસરતા જતાં યુગના પ્રતિનિધિ તરીકે ગનીભાઈ દહીંવાલાએ સતત પોતાના નામ અને કામની નમ્ર પરંતુ નક્કર નોંધ લેવડાવી એ એમના જીવનની સફળતા હતી.
સાડા ચાર દાયકાની સુદીર્ઘ સર્જનયાત્રા અને આઠ દાયકાની પ્રલંબ જીવનયાત્રા 1987ની 5 માર્ચે અટકી ત્યારે ગુજરાતી ગઝલનું એક જીવંત પાનું કાળના ગર્ભમાં ધરબાયું.
![]()
એટલે એમના જ શબ્દોમા કહીએ તો…
જિંદગાનીને દુલ્હનની
જેમ શણગારી ‘ગની’
એને હાથોહાથ સોંપી
જેમના ઘરની હતી
(ક્રમશ:)
ખૂબ સુંદર અને માહિતી સભર લેખ અભિનંદન રઈશભાઈ અને હિતેનભાઈ.
ગઝલ ગુર્જરી લેખમાળાના પ્રત્યેક લેખ રસભરપૂર છે.