પ્રકરણ: ૧૯ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

‘મિત્ર જ નહીં, મારો અપરાધ ભૂલી અનુગ્રહ કરનારી દેવી માનું છું. તારી સલાહ માથે ચઢાવીશ.’

‘તો પ્રતિમાને ઉછેરવામાં તારે સવિતાને મદદ કરવી જોઈએ. માત્ર તેડીને બે ઘડી બેસવાની વાત નથી કરતી, એને નવડાવી —’

‘સમજી ગયો. મારાં માબાપને એ બધું નહીં ગમે છતાં કરીશ. વચન આપું છું.’

— દીપકે હાથ લંબાવ્યો, ઉષ્મા અનુભવી શકાઈ.

વિશ્વનાથે દીપકના ભાવવાહી શબ્દો સાંભળ્યા હતા: ‘અપરાધ ભૂલી અનુગ્રહ કરનારી દેવી!’

કોઈ માણસ લાવણ્યનો અપરાધ કરવા પ્રેરાય જ કેવી રીતે?

પણ એ અનુગ્રહ કરનારી દેવી છે એમાં તો શંકા નથી.

એની સાથે ક્યારેક નિરાંતે વાત કરવાનું મન છે. આવું સંતુલિત વ્યક્તિત્વ કેવી રીતે સિદ્ધ થયું? નકારાત્મક અનુભવો તો વ્યક્તિત્વને તોડી નાખતા માલૂમ પડ્યા છે. જ્યારે લાવણ્ય તો એથી જાત સાથે વધુ ને વધુ જોડાઈ છે…

પૂછું? શું પૂછું? એને બદલે જે ઘડી બે ઘડી સાથે રહી શકાયું, એક છાયા નીચે, થોડાંક દૂર છતાં પાસે….

લગ્નનો જલદી નિર્ણય લેવા બદલ વિશ્વનાથે મનોમન વનલતાને શુભેચ્છાઓ આપી. આ નિમિત્તે નિરાંતે મળવાનું થયું. પ્રેમલનો ગુસ્સો પણ શાન્ત થઈ ગયો.

ત્યાં દરવાજા બાજુથી કોઈકનું ખડખડાટ હાસ્ય સંભળાયું. નક્કી એ અતુલ દેસાઈ. એ આખી ફાઈલ લઈને બેઠા હતા અને વિનોદ, વનલતા અને બીજાઓની સલાહ લેતા હતા.

આજે અહીં આવવામાં મોડા પડ્યા કેમ કે એક મુલાકાત ગોઠવાઈ હતી. છેવટે યાદ આવ્યું કે વનલતા-વિનોદના લગ્ન-સમારંભમાં લાવણ્ય હાજર હશે જ. મુલાકાતી કન્યાને સાથે લાવીને સરખામણી કરી જોવાનો તુક્કો સૂઊયો હતો.

લાવણ્યના પ્રમાણમાં એ પચીસ ટકા લાગે તોય હા પાડવાની તૈયારી હતી. પણ પછી સરખામણી કરવાનો વિચાર છોડી દીધો. હવે આ ફાઈલમાં અનેક કન્યાઓના પ્રોફાઈલ લઈને પોતે અમેરિકા જશે. આખો પ્રશ્ન કમ્પ્યુટરને સોંપી દેશે. વનલતાએ એ ક્ષણે પૂછ્યું હતું: ‘પછી તમારી ભૂમિકા કોણ ભજવશે? કમ્પ્યુટર?’ એ સાંભળીને અતુલ દેસાઈ ખડખડાટ હસી પડ્યા હતા.

લાવણ્ય પોતે એ મનોરંજનમાં સામેલ થાય એ પહેલાં જ મધુકરભાઈએ એને બોલાવી. કન્યાવિદાય માટે અનુકૂળ ચોઘડિયું શરૂ થઈ ગયું હતું. બ્રાહ્મણને બીજી પણ એક જગાએ પહોંચવાનું હતું, ગણેશુત્થાપન માટે…

લાવણ્ય તન્મય થઈને કામ કરતી રહે છે. પોતાની વ્યથાને ક્યારેય વ્યક્ત થવા દેતી નથી. એક સંગાથ જતો રહેશે! રવિ ઠાકુર જેને પાન્થજન કહે છે એની ખોટ સાલશે. પણ પોતે કોઈને ફરિયાદ નહીં કરે, સ્વેચ્છાએ સહી લેશે, વનલતાની વિદાય:

તોમાર અભિસારે જાબ અગમ પારે
ચલિતે પથે પથે બાજુક વ્યથા પાય.

 — અગમને પાર તારા અભિસાર માટે હું નીકળીશ ત્યારે રસ્તે ચાલતાં ચાલતાં પગમાં થોડીક વ્યથા ભલે થતી…

ભૂલા પડ્યાનો ભય હતો ત્યાં સામૈયું થયું! અને એ પણ કોના દ્વારા? લાવણ્ય દ્વારા! વિદેશી મહેમાનોને ભાડાની ટેક્સીમાં લઈને વિશ્વનાથ ‘લોકવન’ જઈ રહ્યો હતો.

‘લોકવન’ એ કોઈ એક સંસ્થા નથી, પ્રાથમિક શિક્ષણ આપતી નાની નાની આશ્રમી શાળાઓ છે. પાલનપુરથી અંબાજી વચ્ચેના વિસ્તારમાં આદિવાસીઓ તેમ જ અન્ય શ્રમજીવીઓનાં બાળકોને વીણી વીણીને વિરાજબેને પહેલાં એક નાનકડી શાળા ઊભી કરી હતી.

પંદરેક કિલોમીટરના અંતરે બીજી જમીન હાથ લાગતાં ત્યાં તંબુ તાણ્યા. બે સંસ્થાઓ શરૂ થઈ ત્યારે એ આસપાસના પ્રદેશમાં મકાનોને કારણે નહીં, પણ સમથલ ભૂમિને કારણે ધ્યાન ખેંચતી હતી. પથ્થર નીચેથી પાણી મળ્યું, થોડાં ફૂલછોડ અને વૃક્ષો વાવ્યાં, છાયા થઈ એની સાથે શિક્ષકોની નિમણૂક કરીને કામ શરૂ કરી દીધું.

આદિવાસી માબાપને સમજાવવાં પડ્યાં, કેટલાંકને તો સંસ્થામાં મજૂરીએ બોલાવવાં પડ્યાં ત્યારે એમનાં બાળકો ભણાવવા માટે હાથવગાં થયાં. પછી માન્યતાનો પ્રશ્ન પણ ઊકલી ગયો. આજે તો ‘લોકવન’ની શાળાઓની સંખ્યા સાત સુધી પહોંચી ગઈ છે.

વિરાજબેનનો પુત્ર શામસુંદર દસેક વર્ષનો થઈ ગયો છે. બોલવે-ચાલવે મીઠો છે ને એ જન્મ્યો ત્યારથી માશીને ઘણો વહાલો છે. લાવણ્યને જેટલું લોકવનની મુલાકાતે જવાનું ગમે ઓટલું જ ગમે શામસુંદરની સાથે રજાઓ ગાળવાનું. એને આજુબાજુ ફરવા લઈ જવા માટે જ લાવણ્યે જીપ ચલાવવાનું શરૂ કર્યું હતું.

આજે વિરાજબેને એને કહ્યું કે લોકઉત્કર્ષનાં, સમગ્ર ગ્રામસમાજની પુનર્રચનાનાં કામ કરતી સંસ્થાઓની મુલાકાતે આવેલા વિદેશી મહેમાનોનો પત્ર આવ્યો છે. એ પાલનપુર બાજુથી આવશે કે અંબાજી બાજુથી એ નક્કી નથી. એક બાજુ તું જાય તો બીજી બાજુ હું જાઉં. જો એ લોકો વધુ પહોળો રસ્તો પસંદ કરશે તો આપણને બાજુ પર મૂકીને સામે પાર પહોંચી જશે. લાવણ્યે કઈ બાજુ જવું એ શામસુંદરે નક્કી કર્યું. મહેમાનોને વિશ્વનાથનું માર્ગદર્શન હોવાથી એમણે બાલારામની મુલાકાત લીધા પછી લોકવન બાજુ પ્રસ્થાન કર્યું હતું.

કાચા પથરાળ રસ્તે બે વાહનો સામસામે આવી ઊભાં. રસ્તો પૂછવા વિશ્વનાથ નીચે ઊતર્યો. બાવળના છાંયડાની રાહત શોધનારને ખીલેલો ગુલમહોર મળી જાય એના જેવી એની દશા થઈ. એ વગર પૂછ્યે સમજી ગયો કે વિરાજબેનની નાની બહેન સામૈયું કરવા આવી છે.

‘તમે અહીં હશો એની તો મેં કલ્પનાય નહોતી કરી. અને અમારા મેનેજરે આજે સવારે જ મને પુછાવ્યું. આમેય નોકરીના કામમાં હું ના પાડતો નથી ને આ તો વિરાજબેનની સંસ્થાઓ જોવા જવાનું હતું. હું તૈયાર થઈ ગયો. વાહ! તમે જીપ ચલાવો છો? અને કોણ છે આ સુંદર બાળક?’

‘ફક્ત સુંદર નહીં, શામસુંદર!’ — બાળકે તુરત જવાબ આપ્યો. ‘આ મારી માશી છે, હા!’ ભાર હતો ‘મારી’ પર. શામસુંદરે બેઉ હાથે લાવણ્યને કેડથી પકડીને ચોળી નીચેના ખુલ્લા વિસ્તારના વળાંકમાં પોતાનું મોં ગોઠવ્યું.

પાંદડાં સાથે સફરજન પારકું ન લાગે તેમ ચોળીના રંગના વિરોધે પણ લાવણ્યની ત્વચા સાથે શામસુંદરના મુખે સાદશ્ય ધારણ કર્યું. મા અને માશીમાં કેટલું ઓછું અંતર હોય છે! — વિશ્વનાથ મંત્રમુગ્ધ બની ગયો હતો.

લાવણ્ય આગળ વધીને મહેમાનોની કાર સુધી ગઈ. આવકાર આપ્યો. ખબરઅંતર પૂછ્યા. એની અંગ્રેજી લઢણોથી મહેમાનો ખૂબ પ્રસન્ન થયા. લાવણ્યે આગળ વધીને સાંકડી જગામાં પણ પોતાની જીપ કુશળતાથી વાળી લીધી. સહેજ આગળ વધીને જીપ ઊભી રાખી. ટેક્સીનાં પાછલાં વ્હીલ જોયાં.

ડ્રાઈવરે કહ્યું: ‘એમાં, ડાબામાં હવા ઓછી છે પણ પંકચર નથી.’ લાવણ્ય બોલી નહીં. ‘તો પંકચર થતાં વાર કેટલી?’ લોકવન શાળા નંબર એક આગળ ટેક્સીને રોકાવાનું કહી એણે મહેમાનોને જીપમાં લીધા.

વિશ્વનાથે મહેમાનો સમક્ષ સ્પષ્ટ કર્યું કે આ માત્ર બુનિયાદી શિક્ષણની શાળાઓ નથી, ગ્રામપુનર્રચનાનાં કેન્દ્રો છે. એક દાયકામાં અહીં અજવાળું ફેલાવી શકે એવાં છૂપાં વિદ્યુત મથકો છે!

વિરાજબેન વિદેશી સંસ્થાઓની મદદ લેવા તૈયાર થયાં છે એ લાવણ્યને ગમતું નથી પણ એ પોતાનો અભિપ્રાય નહીં આપે. મહેમાનોએ અહીંની લોકસંસ્કૃતિ અને વગડાઉ સૃષ્ટિ વિશે, વૃક્ષોના પ્રકારો અને ખનીજો વિશે પૂછ્યું. એ બધાના જવાબ લાવણ્યે આપ્યા. વિશ્વનાથે સમર્થન કરતી વિગતો ઉમેરી.

પાછા વળતાં મહેમાનોને પાલનપુરમાં ક્યાં જમાડવા એની એણે તપાસ કરી રાખી હતી. પણ લાવણ્યે કહ્યું કે બનેવી બાર સાડાબાર સુધીમાં ટિફિન લઈને આવી પહોંચશે. એક ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક જાતે રસોઈ તૈયાર કરીને લઈ આવે એ ઘટનાથી મહેમાનો સૌથી વધુ પ્રભાવિત થયા. અને એમણે પાસે ઊભા રહીને ડ્રાઈવર પાસે ટેક્સીનું વ્હીલ બદલાવ્યું એથી અહેસાન અનુભવ્યું.

બધા જમ્યા. આરામ કર્યો. અનૌપચારિક રીતે વાતો થઈ. કશો દાવો નહીં, માત્ર પ્રવૃત્તિના પ્રશ્નો!

વિદાય વખતે વિશ્વનાથે લાવણ્યને કહ્યું: તમને અહીં અણધારી રીતે મળવાથી મને વધુ આનંદ થયો છે કે લોકવનની પ્રવૃત્તિઓ વિશે જાણીને એ અત્યારે કહી શકતો નથી. તેથી પત્ર લખીશ. લખું ને?

મહેમાનો અંબાજી થઈને અમદાવાદ જવા ઇચ્છતા હતા. વિરાજબેને લાવણ્યને સાથે જવા સૂચવ્યું. ઈડર ઊતરી જવાશે. લાવણ્યને અનુકૂળ હતું.

ટેક્સીનો ડ્રાઈવર અનાડી હતો. આડું લાકડું છે એ જોઈને નીચાણવાળા ભાગને ધ્યાનથી જોયા વિના જ ગાડી એ બાજુ લીધી, ફસાઈ. હવે કરવું શું? લાવણ્યે મહેમાનોને નચિંત રહેવા કહ્યું. પંદરેક મિનિટમાં એ પાંચેક આદિવાસી મજૂરો સાથે આવી પહોંચી. એમનાં બાળકો લોકવનમાં ભણતાં હતાં. એમણે લાવણ્યના કહેવા પ્રમાણે થોડે સુધી ગાડીને ઠેલીને છેવટે પાછળથી ઉપાડીને સરખી જગાએ મૂકી આપી. મહેમાનો એમને પૈસા આપવા માગતા હતા. આદિવાસીઓ લેવાની ના પાડતા હતા. છેવટે લાવણ્યના કહેવાથી પૈસા લીધા. પણ પાકી સડક આવી ત્યાં સુધી દોડતા દોડતા ટેક્સીની પાછળ આવ્યા.

‘એમને કેટલું બધું ચાલવું પડશે?’ — વિશ્વનાથે પૂછ્યું.

‘એમને અંત નો ખ્યાલ નથી હોતો. હવે ગાતા ગાતા પાછા જશે. આ બધું તો એમને ઘરના આંગણા જેવું.’ — લાવણ્યે આ વિસ્તારના આદિવાસીઓ વિશે પોતે જાણતી હતી એમાંની કેટલીક વિલક્ષણ બાબતો કહી. પ્રકૃતિને ખોળે રહેતી કેટલીયે જાતિઓનાં સ્ત્રીપુરુષોમાં સમાનતા સહજ છે. એમના કેટલાક રિવાજો વિકસિત સમાજોને પણ પ્રેરણા આપે એવા છે.

અંબાજીના રસ્તે ખેડબ્રહ્મા અને વડાલી થઈ બધાં ઈડર આવ્યાં.

મોડું થયું હતું તેથી લાવણ્યે મહેમાનોને પોતાને ત્યાં લઈ જવાનો આગ્રહ રાખ્યો નહીં. કારનો અવાજ સાંભળીને લલિતા જાગી ગઈ હતી. એ લાવણ્યની પાછળ પાછળ પાણી લઈને મેડી પર આવી. દૂધ લઈ આવી. બે કપ કૉફી બનાવી. પીતાં પીતાં શારદા વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું.

એ છેલ્લે શારદાને ત્યાં ગઈ ત્યારે સરખી રીતે આવકાર નહોતો મળ્યો, કારણ સમજી શકાય એવું હતું. અંદર પ્રેમલ બેઠો હતો. લલિતા ઝાઝું બેઠી ન હતી. ટિપોઈ પર પડેલા બે કેમેરા હાથમાં લઈને એમની કિંમત પૂછીને કામ પૂરું થઈ ગયું હોય એવા ભાવ સાથે ઊભી થઈ ગઈ હતી. શારદાએ રોકાવા આગ્રહ નહોતો કર્યો.

ગણતરીના દિવસોમાં શારદા ઘણી બદલાઈ ગઈ હતી. અગાઉ ખેમરાજ સરપંચ વિરુદ્ધ એણે લલિતાને કેવું કેવું કહ્યું હતું! બે વખત તો એ શારદાની શાળા સુધી આવી ગયો. લોહીનો સ્વાદ ચાખી ગયો છે. ગમે તેટલું ખર્ચ કરવા તૈયાર છે. શારદા કહે તો મોટું મકાન રાખી આપે. એની પત્ની વીફરી બેઠી હોવાથી બીજું લગ્ન કરવાની રજા આપે તેમ નથી.

જૂના જમાનામાં ગામના આગેવાનોને સારી એવી છૂટછાટ રહેતી. મોટા ભાગનાને બબ્બે બૈરાં તો હોય છે. એ તો હવે બનવાનું નથી. પણ શારદા જેવી મીંઢળ વિનાની નવોઢા સંગે દસપંદર દાડે બે ઘડીનું સુખ મળે તો પાંચસો-સાતસો ખર્ચવાનું એને પાલવે એમ છે. શારદા ત્યાં ગામમાં હોત તો ભવાડા થવાની બીક હતી. અહીં તો કોઈને બીજાની પડી છે જ ક્યાં? સબ અપને અપને તાનમેં…

શારદા હવે ખેમરાજ સરપંચ સાથેનો સંબંધ કાપી નાખવા માગે છે. પ્રેમલ સાથે ગાંઠ બંધાઈ છે ત્યારથી એની હિમ્મત વધી ગઈ છે. દુનિયામાં એવા માણસો પણ છે જે આપણા ભૂતકાળને વચ્ચે લાવ્યા વિના કદર કરે. તનમનથી ચાહે.. ખેમરાજને લાગતું નથી કે પોતે આમ ઇચ્છીને કશું ખોટું કરે છે. આ રીતે લીલાલહેર કરતા માણસોને એ ઓળખે છે.

શારદા પ્રેમલ વિશે હજી ખેમરાજને વાત કરી શકી નથી, પણ ચાલાકીથી એને ટાળતી રહે છે. ઘેરથી બરાબર સજીને નીકળે છે. લોક બે ઘડી જોઈ રહે છે.

બાળકોને ઉમંગથી ભણાવે છે. કાર્યક્રમ હોય ત્યારે સહુને સ્વાદ રહી જાય એવું ભાષણ કરે છે અને આનંદ થાય એવું ગાય છે. સાથી શિક્ષકો એને માન આપે છે. શિક્ષિકાઓ એની ઈર્ષા કરે છે. એવી વાત ચલાવે છે કે અમદાવાદના એક ચિત્રકાર સાથે ખાનગીમાં એણે સગાઈ કરી લીધી છે. ચિત્રકાર પૈસેટકે સુખી છે ને એણે દોરેલાં ચિત્રો યુરોપની અપ્સરાઓ ખરીદે છે.

પ્રેમલ મળ્યો પછી શારદા સરપંચ પ્રત્યે કુણી લાગણી ધરાવતી થઈ છે. લલિતાને કહે છે: સરપંચ રાજકારણમાં આગળ વધે એવો છે. એ કુંવારો હોત તો મારે એની અને પ્રેમલની વચ્ચે પસંદગી કરવાની રહેત.

લલિતાને આ જવાબ સમજાતો નથી. એ માને છે કે પ્રેમલ એટલે પ્રેમલ. એ લવણ્યને પૂછે છે: ‘દીદી, શારદા પ્રેમલ માટે યોગ્ય ગણાય કે નહીં? તમને લાગે છે કે એમનું ગોઠવાશે?’

‘તું લગ્ન વિશે પૂછે છે? એમ થાય તો એથી રૂડું શું! પ્રેમલ સ્વભાવે કંઈક વિલક્ષણ છે પણ પ્રતિભાશાળી ચિત્રકાર તો ખરો જ! વળી, એનાં માતા-પિતા તો ભગવાનનાં માણસ છે. કોઈક ભાગ્યશાળીને જ એવાં સાસુ-સસરા મળે.’

‘દીદી, તમને કેવો પુરુષ ગમે?’

‘એ તો ગમે પછી જ ખબર પડે ને! પહેલાંથી લક્ષણો નક્કી કરીને કોઈને ગમાડવા નીકળી શકાય ખરું? તું તારી વાત કર ને!’

‘આપણે તો બસ વફાદાર જોઈએ! બાકી માપનો ચાલે. બાપુજીને નાત બહાર જવાનો બાધ ન હોત તો ક્યારનુંયે ગોઠવાઈ ગયું હોત. મારું ભણતર ઓછું હોત તો નાતમાંયે ગોઠવાઈ ગયું હોત.’

‘ગોઠવાશે, મારા કરતાં તારું વહેલું ગોઠવાશે!’

‘બેઉનું સાથે ગોઠવાય તો કેવું સારું!’

‘એમ કરવા જતાં તારે મોડું થાય. ચાલ ઊઠ, તારે ત્યાં જઈને સૂઈ જા. કાલે તારે રજા તો નથી ને?’

લલિતા અનિચ્છાએ જાય છે.

લાવણ્યને પ્રેમલ અને વિશ્વનાથ વિશે, દીપક અને અતુલ દેસાઈ વિશે વિચાર આવે છે. સરખામણી ચાલ્યા કરે છે.

જમુનાબેન તો હજીય ઇચ્છે કે હું પ્રેમલને પસંદ કરીશ, એને જીવનમાં નિયમિત કરીશ. પોતે પ્રેમલ પ્રત્યે મિશ્ર ભાવ અનુભવે છે. ક્યારેક ખેંચાણ અનુભવે છે તો ક્યારેક અણગમો. જ્યારે વિશ્વનાથ પ્રત્યે કોઈ વિશેષ ભાવ જાગતો નથી. એની વાચાળતા અને રમૂજ ગમે છે. એની કર્મઠતા અને નૈતિકતા ગમે છે, પણ એ કોઈને ચાહીને ખુવાર થવા અવતર્યો નથી.

કોઈક ગુણિયલ ગુર્જરી સાથે એનું ગોઠવાઈ જશે એની સાથે એના મુખેથી સાંભળવા મળતાં સોહામણાં સંબોધનો સમાપ્ત થઈ જશે…

લાવણ્ય સ્વાધ્યાયમાં મન પરોવે છે. દિવસભરના નિરીક્ષણકાર્યના થાક પછી પણ વાંચવું-લખવું ગમે છે. ક્યારેક લલિતા અને એની બહેન મિતા કેરમ કે પત્તાંની જોડ લઈને આવી પહોંચે છે.

શારદાના વાસની દીવાલો પર એનું નામ ચીતરાય છે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.