પ્રકરણ: ૧૮ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી

— વનલતાના આ પ્રશ્નથી લાવણ્ય ચોંકી ઊઠી. લગ્નમાં આવેલ મહેમાનને આવો તોછડો પ્રશ્ન પુછાય? કે શારદા-પ્રેમલ વચ્ચે બંધાઈ રહેલા સંબંધ સામે એને પૂર્વગ્રહ છે? પોતે જે ઘટનાની સાક્ષી બની હતી એને વિશે વનલતાને વાત નહોતી કરી. તો શું પ્રત્યક્ષ દર્શન કરતાં અનુમાન વધુ શંકાશીલ હોય છે?

બધાને લાગ્યું હતું કે શારદા ભોંઠી પડી જશે, નીચું જોઈ જશે, પણ એ મલકાઈ ઊઠી. બોલી: ‘કેમ બેનબા, તમારા લગ્નમાં આવતાં પહેલાં તમારા ભાઈનો સ્ટુડિયો જોઈ ન શકાય? દીદીને પૂછશો તો કહેશે કે શારદા એક સારી શિક્ષિકા છે. એક મોટા ચિત્રકાર ક્યાં કેવી રીતે કામ કરે છે એ જોયું છે તો હવે એ વિદ્યાર્થીઓને વાત કરશે.’

શારદાએ બચાવ કરવાને બદલે હિંમતથી સામનો કર્યો એ એના વ્યક્તિત્વમાં દાખલ થયેલું નવું તત્ત્વ હતું. એ પાપગ્રંથિથી મુક્ત લાગે છે.

પ્રેમલમાં એને જીવનસાથીનાં દર્શન થયાં હોય તો એના હૃદયમાં ભાવિ વિશે અભિલાષા જાગે એ સ્વાભાવિક છે. અગાઉના માઠા અનુભવો પછી એ આ તક ઝડપી લેવા તૈયાર થઈ હોય એ બનવાજોગ છે. વળી, પ્રેમલની આંખોમાં આવકાર જોયા પછી —

પણ થોડીવાર પછી લાવણ્ય સાથે નજર મેળવતાં શારદા ખમચાઈ.

એ એની બૅગ શોધતી હોય એમ આમતેમ જોવા લાગી. પ્રેમલ હાથમોં ધોઈને આવી ગયો હતો. એણે બૅગ પોતાના બેડરૂમમાં મૂકી છે એ જાણીને જમુનાબેન ભારે અચંબો પામ્યાં.

એનો ખ્યાલ આવતાં જ પ્રેમલ હસી પડ્યો: ‘મેં મારો બેડરૂમ મહેમાનો માટે ખાલી કરી દીધો છે. મને બેઠકખંડમાં ક્યાં નથી ફાવતું?’

‘એટલે? તું કપડાં પણ અહીં બદલવાનો?’ — વનલતા જાણે કે ભાઈની પાછળ પડી હતી. — ‘હવે તારા રૂમમાં જવાનો જ નહીં?’

લાવણ્ય ઊઠી ગઈ. પ્રેમલ ટિપોઈ પર પગ લંબાવીને આરામથી બેઠો. જાણે કંઈ બન્યું જ ન હોય એમ એક સામયિકનાં પાનાં ઉથલાવવા લાગ્યો. પાછો એકાએક ઊભો થયો. શારદાને મકાન બતાવવા લાગ્યો. ઘરમાં પોતે એકેય ચિત્ર રાખતો નથી. કારણ જાણવું છે? વગર કહ્યે સમજાઈ જશે.

બંને જણ મેડા પર ગયાં. એટલી વારમાં કેવાં હળી ગયાં હતાં!

‘મમ્મી, તને વહુ લાવવાની ઉતાવળ છે ને? તો પેલીને રાખી લે. ગોરી ને ઘાટીલી તો છે.’ બોલતાં વનલતાએ લાવણ્ય સામે જોયું. હા, ગોરી તો છે જ શારદા! આવૃત અંગો ખુલ્લાં હોય ત્યારે તો સૂર્ય પણ પરાવર્તન પામે એટલી બધી ગોરી!

વનલતા આગળ બોલી રહી હતી: ‘ભણેલી છે ને પાછી કમાય છે. આવતી કાલે મૂરત તો છે જ! શાસ્ત્રોમાં કહ્યું છે કે કન્યાવિદાય પછી ગૃહલક્ષ્મીને લાવી શકાય.’

‘સારું. મૂંગી રહે. કોણ છે, શું છે, કશું જાણ્યા વિના ઘર સોંપી દેવાનું?’

‘પૂછી જો, લાવણ્ય એને ઓળખે છે.’

‘એને પુછાતું હશે? એને ખોટું ન લાગે? આપણે તો એમ ઇચ્છીએ છીએ કે એનું ને પ્રેમલનું ગોઠવાય તો —’

વનલતા મૂંગી રહી. મહેમાનોને આ મોન સમજાયું નહીં. લાવણ્યને વખાણવામાં એ બધાં જમુનાબેન સાથે જોડાયાં.

થોડી વારમાં વનલતા-લાવણ્ય બધાંથી છૂટાં પડી ગયાં. એ બંનેનું સ્થાન એકલી શારદાએ લઈ લીધું. એ ઉત્સાહ અને નમ્રતાથી જમુનાબેનનો પડયો બોલ ઝીલી લેતી હતી. એણે મધુકરભાઈનો સદ્ભાવ પણ જીતી લીધો હોય એવી છાપ ઊભી કરી.

લાવણ્ય ફિલસૂફની નજરે શારદાની હિલચાલ જોતી રહી. પ્રેમલ સાથે એનું ગોઠવાય તો પોતાને શો વાંધો? આ ઘરમાં કોની સાથે પ્રેમલના સંબંધની વાતો ચાલે છે એ અંગે શારદા કશું જાણતી નથી એ પણ એને માટે એક અનુકૂળતા છે.

એ ભલે નિ:સંકોચપણે આગળ વધે પોતે આ ઘરમાં એક સ્વજનની જેમ રહી છે પણ અનાસક્ત ભાવે. આજે લાવણ્યને એની અનાસક્તિ વિશે અચરજ થયું. કેમ કશો લોભ જાગતો નથી? સ્પર્ધા જાગતી નથી? ઈર્ષા થતી જ નથી, કેમ? અતુલ દેસાઈએ જગવેલી રુચિ અને અભિમુખતા ક્યાં ગઈ?

શું પ્રેમલ પ્રત્યે પોતે આકર્ષાય એ શક્ય નથી? એનામાં થોડાંક શિસ્ત અને સંયમ હોત, કુટુંબભાવ હોત, બીજી વ્યક્તિને આદર આપવાની રીતભાત હોત, તો-તો? કદાચ સહુથી મોટો અંતરાય એ છે કે સંબંધની સચ્ચાઈ પરત્વે પ્રેમલ સદા અકળ લાગ્યો છે. એની પ્રતિભાની કદર આખી દુનિયા કરે એમ એ ઈચ્છે છે પણ પોતે તો જાણે કે બધાંનો ઉપહાસ કરવા જ અવતર્યો હોય એ રીતે વર્તે છે. કેટલાક એથી દુભાય છે પણ પોતે કેમ દુભાઈ નથી?

ભોજન-સમારંભની વ્યવસ્થાની ચર્ચા પૂરી થઈ. આમંત્રિતોની સંખ્યા વિશે ચોક્કસ આંકડા મુકાવા લાગ્યા. વનલતાની સૂચિ નોંધાય પછી પ્રેમલે કોને કોને કહ્યું છે એની વિગતો પુછાઈ. એણે વિશ્વનાથને ટાળ્યો છે એ જાણીને લાવણ્યને પણ નવાઈ લાગી.

મધુકરભાઈએ અત્યારે ફોન પર આમંત્રણ આપવા જણાવ્યું. પ્રેમલ એમ જ બેસી રહ્યો. મધુકરભાઈ ઊંડા અવાજે બોલ્યા: ‘એ માણસે તારી નામના વધારવામાં ફાળો આપ્યો છે. મને તો એ સાચો શુભેચ્છક લાગે છે.’

પ્રેમલ જવાબ આપવાને બદલે ઊભો થયો. છાપાની એક કાપલી લાવીને મધુકરભાઈના હાથમાં મૂકી. ‘વાંચીને કહો.’

‘બરાબર છે.’ — બે વાર વાંચી લીધા પછી મધુકરભાઈએ કહ્યું.

‘બરાબર છે? મારી વિરુદ્ધ લખ્યું છે છતાં તમે કહો છો કે બરાબર છે?’

‘તારી વિરુદ્ધ? આમાં તારું નામ ક્યાં છે?’

‘નામ લખે તો ટાંટિયા જ ભાગી નાખું સાલાના, માથે મૂંડો કરાવીને અવળે ગધેડે બેસાડી ગુજરાત બહાર કાઢી મૂકું.’ — પ્રેમલનો ગુસ્સાભર્યો અવાજ સાંભળીને શારદા મુગ્ધતાથી તાકી રહી. લાવણ્યના હોઠ પર સ્મિત ઊપસી આવ્યું. મધુકરભાઈએ હળવાશથી એને જવાબ આપ્યો:

‘તું તો ગુજરાતનો સૂબો હોય એ રીતે વાત કરે છે ભાઈ! તારે વિશ્વનાથને ન બોલાવવો હોય તો તારી મરજી! બાકી આ નોંધમાં એણે કશું ખોટું લખ્યું નથી. વ્યક્તિગત શક્તિ અને જાહેર વર્તન અંગે એક મુદ્દો કર્યો છે.’

વનલતાએ ઊઠીને પિતાજીના હાથમાંથી કાપલી લીધી. વાંચી લાવણ્ય સામે એ કાપલી ધરતાં બોલી: ‘એક અભ્યાસી પત્રકાર પ્રતિભાશાળી કલાકારો પાસે સામાજિક વિવેકની અપેક્ષા રાખે એમાં કશું ખોટું નથી. અને આમાં તારા નામનો ઉલ્લેખ નથી તો બંધબેસતો પટ્ટો શા માટે પહેરી લે છે?’

‘બસ હવે, બહુ ચાંપલાશ ન કર. હમણાંથી તો એકાએક જીભ ઊઘડી ગઈ છે ને કંઈ!’

વનલતા રડી પડી.

જમુનાબેને પ્રેમલને ઠપકો આપ્યો. એ એણે કાને ન ધર્યો. ‘ચાંપલાશ’ શબ્દ પાછો ખેંચવા એ તૈયાર નહોતો. એથી છેવટે આંસુ લૂછીને આંખમાં ગુસ્સો આણીને વનલતાએ તત્કાળ વિશ્વનાથ માટે આમંત્રણ તૈયાર કર્યું અને લાવણ્યની પેન લઈને અચૂક આવશો એવા બે શબ્દ લખ્યા.

પછી લાવણ્યને પેન પરત કરતાં બોલી: ‘બીજા બધામાંથી કોણ આવશે ને કોણ નહીં આવે એ કહેવું અઘરું છે પણ વિશ્વનાથ અચૂક આવશે. હું શરત પાડવા તૈયાર છું.’

વનલતાની આગાહી સવાઈ થઈને સાચી પડી. વિશ્વનાથ આખા દિવસની રજા લઈને આવ્યો. થોડીવાર સુધી પ્રેમલે એની સામે જોવાનું ટાળ્યું પણ વિશ્વનાથ એને છોડે એમ નહોતો. સામે જઈને ઊભો રહ્યો.

એણે છેલ્લે જોયેલાં ચિત્ર-પ્રદર્શનો વિશે વાત કરી. પ્રેમલ ઉદાસીન રહી શક્યો નહીં. છેવટે એણે કહેવું પડ્યું. આ માણસ ભલે બુદ્ધિશાળી અને સ્વમાની ન હોય પણ મહેનતુ અને સાચો છે. એ પાનાં ભરવા માટે કદી લખતો નથી.’

વિશ્વનાથ આભાર માનીને ઊભો રહ્યો.

‘તમે તમારી ટીકા કરનારનોય આભાર માનો છો? કે પછી સંમત છો?’

‘હું મહેનતુ ને સાચો છું એમાં તો મારે વિરોધ કરવાની જરૂર નથી. મને મારું વખાણ – સૉરી મારાં વખાણ જરૂર ગમે છે. પછી રહી સ્વમાનની વાત. પ્રેમલે મને ફોન પણ નથી કર્યો છતાં આવ્યો છું. સ્વમાનના ભોગે આવ્યો છું. કશાકનું ખેંચાણ હોય છે ત્યારે સ્વમાન નથી સાચવી શકાતું. બરાબર?

હવે બુદ્ધિશાળી હોવા અંગે આપણા બધામાં કોણ સૌથી વધુ બુદ્ધિશાળી, સંવેદનશીલ અને સુંદર છે એ સુવિદિત છે, પુનરુક્તિ કરવાની જરૂર હોય તો કહેજો.’

ત્યાં વિનોદ પક્ષે તેડું આવતાં વનલતાએ જવું પડ્યું. વિશ્વનાથને લાવણ્યના માગદર્શનની જરૂર હતી. એ વનલતા માટે સાડી ભેટ લાવ્યો છે. એનાં માતાપિતાએ પણ માની લીધેલું કે આપણને બધાંને આ લગ્નનું આમંત્રણ મળશે, તેથી સાડી ખરીદી રાખી હતી. સ્કુટરની ડીકીમાં મૂકી છે. કેવી રીતે ભેટ આપવી એ સમજાવો તો લઈ આવું. સાથે આવશો? આપણે બધાં સાથે હોઈએ એવો એક ફોટો પડે તો મને બહુ ગમે.

સાડી આપતી વખતે ખોલવાની જરૂર નથી એ જાણીને વિશ્વનાથને નવાઈ લાગી. લાવણ્ય જુએ એવો એનો આગ્રહ ચાલુ રહ્યો. સાડી સસ્તી અને સારી છે, કહીને બરાબર ગોઠવીને ખોખું વિશ્વનાથના હાથમાં પકડાવ્યું. આગળ કર્યો. ફોટાનું સૂચન કરતાં એ મલકી ઊઠી.

વનલતાએ વિનોદના કાનમાં કંઈક કહ્યું. એ હસી પડ્યો. પછી એણે પોતાના ફોટોગ્રાફરને બોલાવીને ફોકસ લાવણ્ય ભણી વાળવા જણાવ્યું. ત્યાં તો મૂવી કેમેરાવાળા પણ ધસી આવ્યા. પળવારમાં બધું ઝાકમઝોળ થઈ ગયું. એક બાજુ ઊભેલા દીપકને પ્રેમલે બોલાવી લીધો. શારદા સ્ત્રીવૃંદમાંથી આ બાજુ સરકી આવી.

ભોજન પછી મંડળમાં વિશ્વનાથ, દીપક અને લાવણ્ય બેઠાં હતાં. શારદા સ્વેચ્છાએ પાણી આપવા આવી. એ પછી પણ ઊભી રહી. એની ઇચ્છા બધાંની સાથે બેસીને વાત કરવાની છે એનો ખ્યાલ આવતાં લાવણ્યે એને ખુરશી ચીંધી. પોપચાં ઢાળી આભાર માનતી એ બેઠી.

આ યુવતી શિક્ષિત અને રીતભાતવાળી છે એનો વિશ્વનાથને ખ્યાલ આવી ગયો હતો. લાવણ્ય પાસેથી એને વિશે વધુ વિગતો મળતાં એણે રીતસર પ્રશ્નોત્તરી શરૂ કરી.

‘તમે એની મુલાકાત લઈને તમારા દૈનિકમાં છાપો. ગ્રામવિસ્તારની શિક્ષિકાના પ્રશ્નો ઉપસાવવા જેવા છે.’ — લાવણ્ય ધારતી હતી એનાથી પણ વધુ ગંભીરતાથી વિશ્વનાથે એના સૂચનને અમલમાં મૂક્યું. એક ફોટોગ્રાફરને બોલાવીને શારદાનો જુદો ફોટો લેવડાવ્યો. પ્રશ્નો પૂછવા માંડ્યા. એના ઉચ્ચારોથી કોઈક વાર શારદા હસી પડતી હતી.

એ વખતે એ વિશ્વનાથને વધુ રૂપાળી લાગતી હતી, એથી એને એકાદ નવો પ્રશ્ન પૂછવાની પ્રેરણા મળતી હતી. બીજું કામ પણ શું હતું? લાવણ્ય પાસે બેઠી હતી એ ખરું પણ એ દીપક સાથે વાતે વળી હતી, પ્રતિમાની તબિયતમાં હજી નોંધપાત્ર સુધારો થયો નથી. મુંબઈ જઈને સારવાર લીધી પછી સવિતાને કંઈક આશા જાગી હતી. ખુશ રહેતી હતી, પણ હમણાંથી પાછી કોઈક વાર બેચેન થઈ જાય છે. બાળક પથારીમાં પડ્યું પડ્યું મોટું થતું રહે એનો શો અર્થ? પ્રતિમાના ભવિષ્યનો વિચાર કરીને સવિતા કોઈક વાર રડી પડે છે.

‘પણ તારી હૂંફ હોય તો એને શા માટે રડવું આવે?’

હૂંફની તો ખબર નથી પણ જાણે કે મારા શબ્દોથી એને શાતા વળતી. ક્યારેક અભણ સ્ત્રીની જેમ બબડાટ પણ કરી બેસે છે. અમારા પાપનો ભોગ બેબી બની હોય એવું એને વહેમ છે. એને તો હું કંઈ પૂછતો નથી પણ મેં એવું કયું પાપ કર્યું છે જેનો ભોગ પ્રતિમા બને? એક વિનંતી કરું લાવણ્ય? તું વનલતાને વિદાય આપવા મુંબઈ સુધી તો જવાની જ છે. વળતાં મારે ત્યાં એકાદ અઠવાડિયું ન રોકાય? કોઈ કોઈ વાર સવિતા તને યાદ કરે છે.’

‘આપણી મૈત્રી વિશે તેં વાત કરી હશે.’

‘અમુક અંશે. આપણે કેટલાં નજીક હતાં, લગ્ન અંગે વિચારી રહ્યાં હતાં એ બધું કહેવાનો પ્રસંગ આવ્યો નથી. એને સમજાય એ રીતે કહ્યું છે કે મને તારા માટે ખૂબ માન છે અને આપણે સાથે ભણતાં હતાં ત્યારથી તું મારું ભલું ઈચ્છતી આવી છે. ઘરમાં બધાં બેઠાં હોય ત્યારે જૂની વાતો નીકળ્યા વિના રહે નહીં. માબાપ એમની મોટાઈ દાખવવા કહે કે અમારા દીકરા માટે કેવાં કેવાં માગાં આવતાં હતાં — -’

‘એટલે? મેં તારું માગું કરેલું?’

‘એમ નહીં પણ —’ દીપક ગૂંચવાયો.

‘જો દીપક, તું તારી જાત સાથે સ્પષ્ટ ન હોય તો આપણો રહ્યોસહ્યો સંપર્ક પણ ઘટી જશે. હું નથી ઈચ્છતી કે મારે કારણે સવિતાનો કે બીજી કોઈ યુવતીનો સંતાપ વધે.

દહેશતમાં જીવવું એ પણ દુ:ખ છે. કોઈના માતૃત્વને ઉતારી પાડવું એ મહાદુ:ખ છે. તારાં માબાપ સવિતાના મનમાં એવું ઠસાવવા ઇચ્છે છે કે એને બદલે બીજી પુત્રવધૂ હોત તો બાળકી આવી જન્મી ન હોત? જાણેઅજાણે પણ એમણે આવો ઉદ્ગાર કાઢવો ન જોઈએ.

એક સલાહ આપું? જો તું મને મિત્ર માનતો હોય તો —’

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.