|

“ધ ફાઈનલ ફ્લાઈટ ઓફ ધ મિસ્ચીવીયસ બર્ડ” ~ મૂળ સ્પેનિશ વાર્તા ~ મૂળ લેખકઃ હોર્હાય લૂઈસ ઓવિએડો ~ આસ્વાદઃ બાબુ સુથાર

મૂળ સ્પેનિશ વાર્તાઃ “The Final Flight of the Mischievous Bird” ~ મૂળ લેખક: Jorge Luis Oviedo, Honduras.

૧. જો તમે ‘વાસ્તવવાદી વાર્તાઓ’ કે ‘અતિવાસ્તવવાદી વાર્તાઓ’ જેવા શબ્દો સાંભળ્યા હશે તો તમે ‘જાદુઈ વાસ્તવવાદ’ (magical realism) જેવો શબ્દ પણ સાંભળ્યો જ હશે.

સાહિત્યમાં, અને અન્ય કળાઓમાં પણ, આવા અનેક વાદ હોય છે. પણ એ વાદોની એક જ મુશ્કેલી હોય છે: એમની કોઈ એક જ વ્યાખ્યા ન આપી શકાય. એ સંજોગોમાં આપણે શું કરવું જોઈએ?

સાવ સાદો જવાબ છે આ પ્રશ્નનો: એ વાદને સમજાવી શકે એવી કૃતિઓની વાત કરવી જોઈએ. આજે અને હવે પછીની કેટલીક વાર્તાઓના આસ્વાદ આપતી વખતે પણ હું એ જ કામ કરવા માગું છું.

આપણી પુરાકથાઓમાં, લોકકથાઓમાં, આપણા રોજબરોજના જીવનમાં પણ ઘણાં જાદુઈ તત્ત્વો પડેલાં છે. પણ, કોણ જાણે કેમ આપણે સાહિત્યમાં એનો વિનિયોગ કરતા નથી.

કોઈક કે. લાલ, ‘Water of India’ બોલીને ખાલી જગમાંથી પાણી કાઢે ત્યારે આપણે તાળીઓ પાડીને એને વધાવી લઈએ છીએ. કેમ કે, કે. લાલ Water of America કે એવું કંઈક બોલે તો જગમાંથી પાણીનું એક ટીપું સરખું ય પડતું નથી. આપણને રાષ્ટ્રીયતાવાદ ગમે છે. અને એને કારણે આપણે કે. લાલની એ યુક્તિમાં રહેલો પેલો જાદુ જોવાનું ચૂકી જતા હોઈએ છીએ.

હોન્ડુરસના એક વાર્તાકાર હોર્હાય લૂઈસ ઓવિએડોની (Jorge Luis Oviedoની) એક વાર્તા છે: The Final Flight of the Mischievous Bird. આ એક બાળકની વાર્તા છે જે પુરાકથાના એક પાત્રની જેમ ઊડવાના પ્રયોગો કરે છે અને એક દિવસે એ સફળ થાય છે.

Jorge Luis Oviedo, cosechó más de 30 libros y hoy cultiva la tierra
Jorge Luis Oviedo

આ વાર્તા હકીકતમાં તો જાદુઈ વાસ્તવવાદની વાર્તા છે. આ પ્રકારની વાર્તાઓમાં બધુ રોજબરોજના જીવનમાં બનતું હોય એવું જ બનતું હોય છે. પણ, વાર્તાની મુખ્ય ઘટના એક પ્રકારના જાદુ જેવી હોય છે.

એવી ઘટનાઓના સંદર્ભમાં આપણે વિજ્ઞાન પૂછે છે એવા કાર્યકારણમૂલક પ્રશ્નો નહીં પૂછીએ. પણ આપણે એવી ઘટનાઓને સ્વીકારી લઈશું. વાર્તાકાર એની વાર્તામાં એવી વ્યવસ્થા કરતો હોય છે કે આપણે એ ઘટનાને નકારી જ ન શકીએ.

આ વાર્તામાં પણ એક બાળક ઊડે છે પણ આપણે એમ નહીં કહી શકીએ કે ના, બાળક ન ઊડી શકે. એટલું જ નહીં, આપણે એમ પણ નહીં કહી શકીએ કે આ વાર્તામાં બાળક ઊડ્યું એ એક ઐતિહાસિક ઘટના છે અને આપણે એ ઘટનાને ઇતિહાસમાં નોંધવી જોઈએ.

કોઈ મદારી એક હાથમાં મૂકેલો સિક્કો પ્રેક્ષકોમાં ઊભા રહેલા કોઈ મગનના કાનની બૂટમાંથી બહાર કાઢે તો આપણે મદારીને પડકારતા નથી. આપણે એને સ્વીકારી લઈએ છીએ. બરાબર એમ જ આપણે આવી ઘટનાઓને પણ સ્વીકારી લેતા હોઈએ છીએ.

આ વાર્તામાં એક સિઝારિયન (Cesarian) નામના બાળકની કથા છે. એ નિશાળમાં ભણતો હતો ત્યારે એના શિક્ષકે ગ્રીક પુરાકથાઓમાં આવતા એક પાત્રની વાત કરેલી. એ પાત્રએ પોતાના માટે પાંખો બનાવેલી. એટલું જ નહીં, એ પાંખો વડે એ પાત્ર ઊડી પણ શકતું હતું.

ત્યારથી સિઝારિયનને પણ એવું થવા લાગેલું કે હું પણ પાંખો બનાવું અને હું પણ પંખીની જેમ ઊડું. એમ તો એક રાતે, પણ સપનામાં, એ ઊડેલો પણ ખરો. એટલે સુધી કે એનાં સગાંવહાલાં અને એના મિત્રો તો એને જોતાં જ રહી ગયેલાં.

આવાં સાહસો કરવામાં આડે આવે નિશાળ. એટલે સિઝારિયને નિશાળ છોડી દીધી. જેથી એ બધો જ સમય એ એની બે પાંખો બનાવવા પાછળ કાઢી શકે.

એના ઘરમાં એના જેટલું ભણેલું બીજું કોઈ હતું નહીં. એટલે જ્યારે એણે બધાંને કહ્યું કે હું નિશાળમાં જવાને બદલે મારો સમય પાંખો બનાવવામાં ગાળવા માગું છું ત્યારે કોઈએ એનો વિરોધ ન હતો કર્યો. કેમ કે બધાંને એ વિદ્વાન લાગતો હતો. જો કે, એની મા, ડોના ક્લેમેન્ટિનાએ, એટલું કહેલું કે “જેવી ઈશ્વરની મરજી.”

સિઝારિયને બે મહિનામાં જ એણે સુથાર અને ઘોડાનું જિન બનાવનાર એક કારીગર, એમ બે જણની મદદ લઈને, પોતાના માટે પાંખો બનાવી દીધી. એ પણ કાર્ડબોર્ડમાંથી. એને લાગેલું કે હવે આટલું પૂરતું છે અને હવે એ પંખીની જેમ ઊડી શકશે.

પછી તો એક રવિવાર નક્કી કર્યો. એ દિવસે સવારે એ એક ભેખડ પર જઈને ત્યાંથી ઊડવાનો હતો. જોતજોતામાં એ દિવસ પણ આવી ગયો. બધા લોકો એને ઊડતો જોવા એ ભેખડ પર ભેગા થઈ ગયા. એણે એની માને પણ કહ્યું કે મા, ચિન્તા ન કરીશ. હું ઊડીશ જ.

મા પણ બિચારી શું કહે? કહે, “હા બેટા, આવતી કાલથી જ તારું નામ આ જગતમાં રોશન થઈ જશે.” જો કે, માને એ ઊડી શકશે કે નહીં એ વિશે શંકા હતી. પણ મા એટલે મા. દીકરા માટે એણે પણ પોતાની શંકાઓ દબાવી દીધેલી. એટલે એને થતું હતું તો ખરું કે આવતી કાલે છાપામાં મારા દીકરાનો ફોટો પહેલા પાને આવશે. જો કે, સિઝારિયનના સાવકા બાપને તો ખાતરી હતી જ કે એ ઊડી નહીં શકે.

કોઈ પણ વાર્તામાં લેખક પાત્રાલેખન કઈ રીતે કરે છે એ પણ ખૂબ મહત્ત્વનું હોય છે. આ વાર્તાના લેખકે પણ, બીજા અનેક લેખકોની જેમ, વાર્તાના આરંભમાં જ કહી દીધું હોત કે સિઝારિયનને સાવકા પિતા હતા. પણ, ના, એણે એમ નથી કર્યું. એની પાછળ એની કોઈક ચોક્કસ એવી ગણતરી હશે.

આ લેખક સાવકા પિતાનું પાત્ર કઈ રીતે વિકસાવે છે એ પણ જોવા જેવું છે. જ્યારે પિતાને ખબર પડે છે કે એ સિઝારિયન ઊડવાનો છે ત્યારે એ સિઝારિયનની પાંખોનું કદ, એના પેટનું કદ, વગેરે ગણવા બેસી ગયેલો અને એને આધારે એની સફળતા/અસફળતા વિશે વિચારવા લાગેલો. એટલે જ તો, જેવા સિઝારિયને પેલી ભેખડ પરથી ઊડવાનો પ્રયાસ કર્યો એવા જ એ બોલી પડેલો, “ઈશ્વર એને મદદ કરે.”

અહીં લેખક એક સરસ વાત કરે છે. એ કહે છે: સિઝારિયનએ એક નકામી વસ્તુની જેમ પોતાની જાતને નીચે ખીણમાં નાખી ત્યારે એની પાસે ગણતરી કરવાનો સમય જ ન હતો.”

અહીં, ‘નકામી વસ્તુ’ શબ્દો ખૂબ મહત્ત્વના છે. એટલું જ નહીં, એક બાજુ સાવકા બાપ ગણતરી કરે છે ને બીજી બાજુ એના સાવકા સંતાન પાસે ગણતરી કરવાનો સમય પણ નથી. આ બે ઘટનાઓ પણ સૂચક બને છે.

પછી શું થયું?

પછી એ જ. જે થવાનું હતું એ થયું. પણ લેખક એમ નથી કહેતા કે સિઝારિયન એ ખીણમાં આવેલા એક વૃક્ષની ડાળીઓમાં ઝિલાઈ ગયો અને બચી ગયો.

યાદ રાખો. જો તમારે સારી વાર્તા લખવી હોય તો તમારી પાસે કઈ વાત કઈ રીતે કહેવી એની આવડત હોવી જોઈએ. આવી આવડતના અભાવે જ ઘણા વાર્તાકારો સારી વાર્તા નથી લખી શકતા.

આ વાર્તાના લેખકે એને બદલે એમ કહ્યું કે પછીના બે કલાકમાં જ લોકોએ શોધી કાઢ્યું કે સિઝારિયન ખીણમાં આવેલા એક વૃક્ષની ડાળ પર ઝિલાયેલો પડ્યો છે. એ પણ બેભાન અવસ્થામાં. એના સાવકા બાપે અને લોકોએ ભેગા થઈને એને ત્યાંથી બહાર કાઢેલો.

પણ સિઝારિયન એમ કાંઈ હારે એવો ન હતો. પહેલો પ્રયત્ન નિષ્ફળ ગયો તો હવે બીજો પ્રયત્ન. જો કે, ગામના એક વડીલે એને એમ પણ કહેલું કે તું ભણવા પર ધ્યાન આપ. હું તને ઉડ્ડયન ટેકનોલોજી ભણવા માટે અમેરિકા મોકલીશ અને જો તું ત્યાં પાસ થશે તો તને હું એક નાનકડું વિમાન પણ ખરીદી આપીશ. પછી તારે જ્યાં જવું હોય ત્યાં તું ઊડીને જજે.

બધાંને એમ હતું કે સિઝારિયન એનું માની જશે. પણ, ના. એવું ન બન્યું. એને નિશાળમાં નહોતું જવું. એને અમેરિકા પણ નહોતું જવું. એને બીજાનું આપેલું વિમાન પણ નહોતું જોઈતું. ટૂંકમાં, એ લોભિયો ન હતો. એ તો બીજી વાર પાંખો બનાવવામાં પડી ગયો. આ વખતે એણે એક સારા દરજી અને એક સારા સુથારની મદદ લઈને સરસ પાંખો બનાવડાવી.

ફરી એક વાર એણે મિત્રો અને સગાંવહાલાંને બોલાવીને કહ્યું કે હવે હું ઊડવાનો બીજો પ્રયાસ કરીશ. અને એણે એવો પ્રયાસ કર્યો પણ ખરો. પણ, આ વખતે એ કોઈ વૃક્ષની ડાળીઓમાં ફસાવાને બદલે એક તળાવમાં પડ્યો. એ તો સારું હતું કે એ વખતે ત્યાં કેટલાક લોકો તરી રહ્યા હતા. એમણે એને બચાવી લીધો. જો કે, એ બધ્ધા લોકોએ પાછળથી એમ કહ્યું કે એમને તો સિઝારિયનનો ચહેરો કોઈક મરણ પામેલા દેવદૂતના ચહેરા જેવો લાગ્યો હતો! એ ચહેરા પર એની ઊડવાની દબાયેલી ઇચ્છાઓ સ્પષ્ટપણે દેખાતી હતી.

જો કે, ત્યાર પછી પણ સિઝારિયન એની ઊડવાની ઇચ્છા પડતી મૂકવા તૈયાર ન હતો. એણે આ વખતે નક્કી કર્યું કે મારે પંખીઓનાં પીંછાંમાંથી પાંખો બનાવવી જોઈએ. એ માટે એણે કેટલાંક પંખીઓને માર્યાં પણ ખરાં. એટલું જ નહીં, એણે કેટલાંકની પાંખોમાંથી જ પીંછાં ખેંચ્યાં પણ. એમ કરીને એણે ૨૦ લાખ, ૨૬૬ હજાર, ૭૨૯ પીંછાં ભેગાં કર્યાં.

બે પાંખો બનાવવા આટલાં પીંછાં તો પૂરતાં હતાં. એની માએ તો એને ત્યારે કહેલું પણ ખરું કે દેવદૂતોની પાંખોમાં પણ આટલાં પીંછાં નહીં હોય. જો કે, એણે હવે પોતાના દીકરાની ઊડવાની ઈચ્છા પૂરી કરવા ચર્ચમાં જવાનું પણ લગભગ બંધ કરી દીધેલું. એ આખો દિવસ દીકરાને પાંખો બનાવવામાં મદદ કરતી.

આડોશીઓ પાડોશીઓ એને એ બદલ ટોકતાં પણ ખરાં. પણ એને એની કાંઈ પડી ન હતી. આખરે એણે ૩ મે, ૧૯૬૮ને રવિવારના રોજ સાંજે પાંચ વાગે ઊડવાનો ત્રીજો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું.

આપણને અહીં પ્રશ્ન થશે કે વાર્તાકારે આ તારીખ જ કેમ નક્કી કરી હશે? અને એ પણ આટલી ચોકસાઈ સાથે? તમને ખબર છે આ દિવસે શું બનેલું એ?

૩ મે, ૧૯૬૮ના રોજ ફ્રાન્સમાં વિદ્યાર્થીઓએ વિયેતનામ યુદ્ધ અને શીત યુદ્ધના વિરોધમાં તોફાનો કરેલાં. એ તોફાનોમાં પાછળથી સરકારી કર્મચારીઓ, ખેડૂતો, ફેક્ટરીઓના મજૂરો, વેપારીઓ અને બીજા અનેક વર્ગના લોકો જોડાયેલા. એટલે સુધી કે ફ્રાન્સના પ્રમુખ જનર; દ ગોલ એ તોફાનોથી ડરીને દેશ છોડી ગયેલા! આ દિવસે આ વાર્તાનો નાયક પણ પોતે બનાવેલી પાંખો વડે પુરાકથાના પાત્રની જેમ ઊડવાનું નક્કી કરે છે!

જોતજોતામાં એ દિવસ આવી ગયો. આખું ગામ એ ઘટનામાં ભાગ લેવા તૈયાર હતું. સિઝારિયનના નિકટના મિત્રો એનો ઊડવાનો પ્રયોગ સફળ થાય એ માટે પ્રયાસો કરતા હતા. બધા લોકો એની ઊડવાની જગ્યાએ ભેગા ગયા હતા. એ પણ બરાબર પાંચ વાગે ભેખડથી પચાસેક યાર્ડ દૂર રહી, ત્યાંથી દોડી, પાંખો ફેલાવી, આકાશમાં ઊડવાનો હતો.

એમ કરતાં પાંચ વાગ્યા. બધા જોતા રહ્યા અને સિઝારિયને પાંખો ફેલાવી. પછી એ દોડ્યો. પણ, થોડુંક દોડ્યો હશે ત્યાં જ એનો પગ લપસ્યો. એના ચહેરા પર પરસેવો વળી ગયો.

વાર્તાનો કથક કહે છે કે ઘડીભર તો એવું લાગ્યું કે વરસાદ પડ્યો હશે. કદાચ એ ઉપર આકાશમાં ઊડતાં પંખીઓને જોવા ગયો હશે અને એને કારણે લપસી પડ્યો હશે. એ પાછો ઊભો થયો. પાછો દોડ્યો. ભેખડનો છેડો એનાથી પંદરેક ડગલાં દૂર હશે ત્યાં જ પાછો એ ફરી વાર પડી ગયો. એની માથી આ ઘટના જોઈ ન શકાઈ એટલે એણે તો બે હાથથી પોતાનું મોંઢું ઢાંકી દીધું.

પાદરીને થયું: ઈશ્વર વિરોધી કામ કરે એની આવી જ દશા થાય. એટલે એણે હળવાં કવેણ કહ્યાં.

એના સાવકા ભાઈઓને થયું કે આ તો હમણાં મરી જશે એટલે એ તો એની પાંખો કાપવા લાગ્યા. ત્યાં જ કોઈકે બૂમ પાડીને કહ્યું: ના, ના, પાંખો ન કાપો. સિઝારિયનએ જોયું તો એ એનો સગો બાપ હતો. એને જોતાં જ સિઝારિયને ફરી પાછી એની પાંખો ફેલાવી, ફરી એ દોડ્યો અને કૂદ્યો પેલી ખીણના અવકાશમાં. અને બધાંની નજર સમક્ષ એ યુવાન પંખીની માફક પાંખો વીંઝવા લાગ્યો. બધાં જોતાં જ રહ્યાં અને એ આકાશમાં ઊડવા લાગ્યો.

એ રાતે આખા ગામે ઉજાણી કરી. બધાં પોતપોતાની રીતે સિઝારિયનનાં વખાણ કરવા લાગ્યાં. એની મા, ડોના ક્લેમેન્ટિના તો, આઘાતમાંથી બહાર આવી શકતી નહોતી. એ તો બસ એક જ વાત કર્યા કરતી: “એણે કરી બતાવ્યું ખરું.”

લેખક કહે છે: આ ઘટનાને અઠવાડિયું થઈ ગયું. તોય સિઝારિયન પાછો ન આવ્યો. પેલો પાદરી અને ગામના બીજા કેટલાક લોકો એવું કહેવા લાગ્યા કે એ તો હવે દેવદૂત બની ગયો હશે અને સન્ત પીટરના દરવાજે ટકોરા મારતો હશે. જો કે, કેટલાક લોકોને એવું થવા પર શંકા હતી. એટલે એ એમ કહેવા લાગ્યા કે એ નજીકના જ કોઈક ગામમાં લોકોનું મનોરંજન કરતો હશે અથવા તો ક્યાંક કોતરમાં એ લાશ રૂપે પડ્યો હશે. વળી એકાદ મહિલા તો એવું પણ કહેતી હતી કે એ દેવદૂત નહીં પણ હકીકતમાં તો રાક્ષસ હતો.

પણ, હકીકત એ છે કે ઘણું શોધ્યા પછી પણ કોઈને સિઝારિયન જીવતો કે મરેલો મળ્યો નહીં. એનો અર્થ એ થયો કે પાદરી જે કહેતા હતા એ સાચું હશે. એ હવે દેવદૂત બની ગયો હશે.

એ દરમિયાન, એની મા, એટલે કે ડોના ક્લેમેન્ટિના પણ, સિઝારિયનની શોધમાં નીકળવા માટે પીંછાંમાંથી પાંખો બનાવવા માંડી હતી. હેરનનાં (બગલા જેવું એક પંખી) પીંછાંની અછત હોવાથી એ હવે ટર્કીનાં (એક પ્રકારનું પક્ષી) પીંછાંમાં વાપરતી હતી.

*********

૨. આ છે જાદુઈ વાસ્તવવાદી વાર્તા. મદારીની જેમ લેખક જાદુ કરે છે, આપણે જાણીએ છીએ કે કોઈ માણસ આ રીતે ન ઊડી શકે. છતાં આપણે સ્વીકારીએ છીએ કે સિઝારિયન પંખીની જેમ ઊડ્યો હતો. કેમ કે એ જીવતો પણ પાછો નથી આવ્યો અને એનો મૃતદેહ પણ આપણને મળ્યો નથી.

કોઈને પ્રશ્ન થશે કે શું આ વાર્તાને ફ્રાન્સમાં ૧૯૬૮માં બનેલી ઘટનાના રૂપક તરીકે વાંચી શકાય? મારો જવાબ છે: વાંચી શકાય. એમાં જે વિદ્યાર્થીઓ હતા તે સિઝારિયન. અને સિઝારિયનને આ જગત સામે જે વાંધો હશે, એ પેલા વિદ્યાર્થીઓને જે વાંધો હતો એના જેવો જ.

વાર્તામાં બે બાપની વાત કરી છે. એક સાવકો બાપ અને એક વાસ્તવિક બાપ. એક ગણતરી કરે, બીજો વાર્તાના અન્તે આવે અને એના સંતાનને ઊડવામાં મદદ કરે. શું આ વાર્તાને એક અનાથ બાળકની વાર્તા તરીકે વાંચી શકાય કે? કેમ કે, એનાં સાવકાં ભાઈભાંડું તો છેલ્લે એની પાંખો કાપવાની વાત કરે છે, પછી ભલેને એને બચાવવા માટે એમ કરતાં હોય, તો પણ એ એને ઉત્તેજન તો નથી જ આપતાં.

હવે માતાનું પાત્ર લો. આરંભથી જ માતાના પાત્રને પુત્ર માટે કૂણી લાગણી છે. આપણા સાહિત્યમાં માતૃત્વની ખૂબ વાતો થઈ છે. એની ભવ્યતાની પણ વાતો થઈ છે. પણ, અહીં?

અહીં લેખકે એવી કોઈ જ ભવ્યતાની વાતો કરી નથી. એ માને છે કે દીકરો એક દિવસ પંખીની જેમ ઊડશે. એટલું જ નહીં, વાર્તાના અન્તે પણ એ માને છે કે દીકરો સાચેસાચ ઊડીને ક્યાંક ગયો છે અને એથી જ એ દીકરાને શોધવા માટે પોતે પણ પંખીઓનાં પીંછાંમાંથી પાંખો બનાવવાનું શરૂ કરે છે.

છેલ્લે, તમને લાગે છે કે મા એમાં સફળ થશે? વિચાર કરજો. એને હેરનનાંનાં પીંછા પૂરતા પ્રમાણમાં નથી મળતાં. દીકરાએ એ પંખીઓનાં પીંછાં ઘણાં વાપરેલાં. શું લાગે છે તમને?

દરેક વાર્તા છેલ્લે આપણને એક જ વાક્ય કહે: ચતુર કરો વિચાર. તો ચાલો, કરો વિચાર.

***

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.