|

“એક પુત્રનો પિતાને પત્ર” (૨) ~ વિજય ગુલાબદાસ બ્રોકર

(ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગને સ્પર્શતા વિષયોને વાર્તામાં રજૂ કરનારા સાહિત્યકારોમાં આદરણીય શ્રી ગુલાબદાસ બ્રોકરનું નામ પ્રથમ હરોળમાં આવે છે.

એમની “લતા શું બોલે?”, “ધૂમ્રસેર”, “નીલીનું ભૂત” વાર્તાઓ અવિસ્મરણીય છે અને રહેશે. એમનાં સુપુત્ર શ્રી વિજયભાઈએ આ પત્ર એમના પિતાના અવસાન પછી, તેમના આ જન્મશતાબ્દી વર્ષના આરંભે, તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮માં એમને સંબોધીને, બોલચાલની ભાષામાં લખ્યો છે અને એ જ આ પત્રની USP છે.

આ પત્રમાં ગુલાબદાસભાઈના જિંદગીના અંતિમ વર્ષોમાં એક પુત્ર અને પુત્રવધુએ એમની સાથે ગાળેલાં સમયની અંગત વાતો અને દિનચર્યાનાં પ્રસંગો આલેખ્યાં છે  અને એના પરથી શ્રી ગુલાબદાસભાઈના ઉમદા વ્યક્તિત્ત્વ, સ્વતંત્ર વિચરધારા અને સમયાનુકૂલ વર્તવાની ક્ષમતાનો ઉઘાડ સુપેરે થાય છે.

આ લેખમાં એક પુત્રએ, પોતાનું હૈયું ખોલીને છતાં પણ સંયમિત રીતે લખ્યું છે. લાગણીઓની આ સાલસતા અનાયાસે વાચકની આંખોમાં ભીની કુમાશ ભરી જાય છે. કદાચ આ પત્રની સચ્ચાઈથી છલકાતી લેખનકળાને કારણે આ બેઉ પત્રો લાંબા સમય સુધી વાચકોને યાદ રહેશે.

આ પત્ર “આપણું આંગણું” માં પોસ્ટ કરાવવામાં ફર્સ્ટ ઈયર અને ઈન્ટર સાયન્સના વર્ષો દરમિયાન મારા ગુજરાતીના પ્રાધ્યાપક, આદરણીય શ્રી સુશીલાબેન કાપડિયાનો ફાળો રહ્યો છે. એમણે આ પત્રોની મને વાત કરી હતી અને શ્રી વિજયભાઈનો સંપર્ક કરાવ્યો હતો. “આપણું આંગણું”ની ટીમ તરફથી હું એમનો આભાર માનું છું. – જયશ્રી વિનુ મરચંટ)

પત્ર-૨
પૂના,
સપ્ટેમ્બર ૨૦, ૨૦૦૮

પૂજ્ય ભાઈ,

“તમારે મૃત્યુ હોય? તમે તો પરીકથાના રાજકુમાર છો, ગુલાબદાસભાઈ!” તમારા ૮૨મા જન્મદિવસે લખેલા કાવ્યમાં ડૉ. યશવંત ત્રિવેદીએ આ શબ્દોમાં તમારું કેટલું સુંદર વ્યક્તિચિત્ર દોરી બતાવ્યું હતું!

ખરેખર જ, ન તો તમને બુઢાપો હોય, ન તમને હોય મૃત્યુ. આજથી તમને ૧૦૦મું વર્ષ બેસે છે, ત્યારે ‘તમે નથી’ એમ કોણ કહેશે? તમારી આસપાસ પ્રસરેલી મીઠી યાદોની સોડમમાં તમે હંમેશાં મઘમઘતા જ રહેવાના – અત્તર જેવી મારકણી રીતે નહીં, French perfumeની જેમ સુંવાળી રીતે.

પરીકથાના રાજકુમારની ખુમારીથી જ તમે તમારાં સત્તાણુએ વર્ષ જીવ્યા છો. તમારી દિવ્ય યાત્રા પર ૧૦ જૂન, ૨૦૦૬ની સવારે જવા નીકળ્યા ત્યારની તમારી રીત પણ ક્યાં ઓછી ખુમારીવાળી હતી? તમારા આ જન્મદિવસની ઉજવણી, તમારી સાથે ગાળેલાં આ છેવટનાં છ વર્ષોની વિધવિધ યાદોને વાગોળીને કરું છું.

૧૦ જૂન, ૨૦૦૬ની સવાર. એ પહેલાંના માત્ર બે દિવસ જ શ્વાસ લેવાની તમને થોડી તકલીફ રહી અને વાતો કરવાનું તમે થોડું ઓછું કરી નાખ્યું હતું. એ બેચેની છતાં રાત્રે થોડીથોડી વારે ઊંઘમાં તમે અસ્પષ્ટ એવું કાંઈક બોલતા લાગતા હતા.

એ બોલેલું હું સમજ્યો હતો એ, એ જ હતું કે એ મારી કલ્પના માત્ર હતી, એ ચોક્કસ કરવા મેં ઈંદિરા અને મોટીબેનને આપણે સૂતા હતા એ રૂમમાં બોલાવ્યાં. ત્રણેયને ખાતરી થઈ કે તમારી વર્ષોથી ખાનગીમાં કરાતી પ્રાર્થના આજે સન્નિપાત દરમિયાન છતી થઈ જતી હતી:

‘હે પ્રભુ! મને સારું માણસ બનાવજો, સત્પુરુષ બનાવજો. હે મારી માડી, હું સારા ચારિત્ર્યનો બનું એવા આશીર્વાદ આપજો.’

છેવટનાં તમારાં વર્ષોમાં બેસતાં, ઊઠતાં, ફરવા જતાં ને દિવસમાં વારંવાર હાથ જોડીને ઊભા રહેલા તમને અમે જોતાં ત્યારે આશ્ચર્ય થતું કે આખો વખત કોણ જાણે ભગવાન પાસે તમે શુંયે માગતા હશો! આટલાં વર્ષોના તમારી સાથેના સહવાસ પછી પણ અમે તમને પૂરા જાણ્યા કે સમજ્યા નહોતા!!

૧૦મી જૂન, ૨૦૦૬ની સવાર. શ્વાસ લેવાની તમારી વધતી જતી તકલીફ જોઈને તમને સૂતા રહીને આરામ કરવા દેવાનું જ અમને વધુ ઉચિત લાગ્યું.

‘આખી જિંદગી ધોતિયું પહેર્યું હોય એટલે એ જ ફાવે” એમ તમે કહેતા, તોયે તમને ફોસલાવીને, તમારી સગવડ વિશેષ સચવાય એ હેતુથી, તમારે પગે અમે પાયજામો ચઢાવી દેતા. પણ આંખ ખૂલતાં જ એ સવારે તમે પહેલાં નાહી લઉં ને ધોતિયું પહેરી લઉં – એમ જીદ્દ કરી.

નાહીને ધોતિયાને વહાલથી છાતીએ વળગાડી પથારીમાં તમે બેઠા. ઘરનાં મદદનીશો, (પ્રસાદ અને મુકતા) પણ તમને ઊઠવા-બેસવામાં ને કપડાં બદલવામાં મદદ કરવા મારી પડખે ઊભાં હતાં.

તમને કાંઈક બોલવું હતું, પણ શબ્દો સાથ નહોતા દેતા. અચાનક તમે હાથ જોડ્યા, વારાફરતી અમારી ત્રણેયની આંખોમાં આંખ પરોવી જે કહેવું હતું એટલી બોલવાની તાકાત ભેગી કરી તમે કહ્યું, ‘તમે બધાંએ મારી ખૂબ સેવા કરી છે.’

ધૂંધળી થઈ ગયેલી અમારી નજરથી તમારી પ્રેમ નીતરતી આંખોને વધુ વાર જોવાનું શક્ય ન હતું. આવી છેવટની ઘડીએ પણ તમારી જિંદગીની priority હંમેશની જેમ જ તમે નિભાવી: “દરેકની સારી બાજુ જ જોવી, જો સુખી થવું હોય તો.” અમારી ક્ષતિઓ વિશે ક્યારેય તમે અમને અણસાર સુધ્ધાં ન આવવા દીધો!

૧૦મી જૂન, ૨૦૦૬ની સવાર. ખોરાક ચાવવાની અને ગળવાની તમને તકલીફ થતી હતી, એટલે ચમચીથી તમારા મોંમાં પ્રવાહી આપવા ઈંદિરા આવી.

હંમેશાં સિંહની અદાથી હરતાફરતા, છાતી કાઢીને ચાલતા ને ખુરશીમાં ટટ્ટાર જ બેસવાનો આગ્રહ રાખતા. છેક છેવટ સુધી કોઈ પણ જાતની પરવશતા કે લાચારીનો કોઈ પણ અંદેશ કોઈને ન આવે એવી રીતે જીવેલા માણસને ચમચીથી પીવડાવવું પડે એવો આ પહેલો — અને છેલ્લો દિવસ હતો.

આ જોવાનું તમારી આસપાસ વીંટળાયેલાં ઘરનાં સૌને, અને ખાસ તો આ કઠિન કામ કરવું પડતું હતું એ ઈંદિરાને, અસહ્ય લાગતું હતું.

તમારે કાંઈક કહેવું હતું, પણ શબ્દો બહાર જ નહોતા આવી શકતા એ જોઈને પોતાની દિશા ફેરવીને ઈંદિરા ચાલી જવા લાગી. તમે એનો હાથ પકડી લીધો, હવે એને તમારી સામે જોવા સિવાય કયાં છૂટકો હતો?

શબ્દોની જગ્યાએ તમે હાથનો ઈશારો વાપર્યો. ઈંદિરાની સામે આંગળી ચીંધી નંબર એકની નિશાની કરી. દિલમાં દબાવી રાખેલી વાતને વિના શબ્દ તમે આટલી સચોટ રીતે કહી દીધી!

તમારાં બાએ અને, ત્યાર પછી અમારી માએ તમને આખી જિંદગી કોઈ પણ રીતે ઓછું ન આવે એની કાળજી લીધી હતી. એ જ સ્થાન માના ગયા પછી ઈંદિરાએ સંભાળી લીધું હતું, એનો એની પાસે એકરાર કર્યા વિના તમારે વિદાય લેવી નહોતી.

નિઃસ્વાર્થ પ્રેમ અને સાચા દિલથી લીધેલી કાળજી કોની પાસેથી કેટલી માત્રામાં મળે છે એને મોલવવાનું કામ તમારા જેવા માણસના મનના ઊંડાણનો તાગ કરનારા મરજીવા માટે થોડું મુશ્કેલ હોય!

૧૦મી જૂન, ૨૦૦૬ની સવાર. પથારીમાં તમને સુવાડ્યા. તમને એ સ્થિતિમાં બનતી રાહત આપી શકવા માટેના ડોકટરના સૂચનના અમલ કરવાના અમારા બધા પ્રયત્નોને તમે નકારી દીધા.

તમને વીંટળાઈ બેઠેલાં આજુબાજુનાં અમારાં સૌ તરફ અમી વર્ષાવતી આંખોથી જોઈને તમે માત્ર આટલું જ બોલી શક્યા: ‘બસ ત્યારે, હવે હું આરામથી સૂઈ જઈશ. આવજો.’ ચિરઆરામની ગાઢ નિદ્રામાં આટલી સહજ સરસ રીતે માત્ર નસીબદાર માણસ જ સરકી જઈને પોઢી શકે!

છેક છેવટના દિવસ સુધી સરસ જીવવાની કળા સાચા હાડચામના જીવતા જાગતા માણસે આત્મસાત્ કરેલી એનો તમે પ્રત્યક્ષ પુરાવો હતા; પરીકથાના રાજકુમારનો ભાગ ભજવી રહેલા તમે જબરા કલાકાર હતા.

તમને ૯૧મું વર્ષ બેસતું હતું ત્યારે, સપ્ટેમ્બર ૧૯૯૯ના તમને લખેલા મારા પત્રમાં મેં ઈચ્છા વ્યક્ત કરી હતી કે તમારાં આવનારાં વર્ષોમાં તમારી સગવડો અને શરીર સારી રીતે સચવાઈ શકે એ માટે કાંઈક કરવાની અમને તક આપો ને પૂના અમારી સાથે આવીને રહો.

ત્યારે તમને કે અમને જરાયે ખ્યાલ ક્યાં હતો કે મુંબઈને, તમારું વહાલું ઘર ન છોડવાની તમારી જીદને, તમે ક્યારેય નમતું આપશો! ત્યાર પછી આટલા ટૂંક સમયમાં સંજોગો બદલાશે,

મા-ની ૮૭-૮૮ વર્ષની ઉંમરમાં પહેલી જ વાર તબિયત નાજુક થતાં, તમને ગાડીમાં મુંબઈથી બેસાડી સીધા પૂના લઈ આવીશું – એક પળના પણ તમારા વિરોધ વિના- આ બધું એપ્રિલ ૨૦૦૦માં હકીકત બની ગયું, તે તો માનવામાં પણ ન આવે એવું હતું!

બદલાતા સંજોગોને અનુરૂપ થઈ જવાની તમારી આવડતનો, એ પછીનાં છ વર્ષો તમે અમારી સાથે ગાળ્યાં એ દરમિયાન, અનેકવાર પરિચય થતો રહ્યો. મોટી ઉંમરે કેવી રીતે જીવવું- કેવી રીતે આનંદમાં રહી જીવવું, એના કેટલા કીમતી પાઠ અમને તમારી જીવવાની રીત જોવામાંથી શીખવા મળ્યા!

આજે ચારે બાજુ Senior Citizensની કરુણ હાલત’ની વાતો વાંચવા-સાંભળવામાં આવે છે ત્યારે જોરશોરથી કહેવા મન કરે છે કે હાલતને કરુણ બનાવવી કે તમારી જેમ પ્રસન્નતાથી તરબતર બનાવવી. એનો કેટલો મોટો આધાર Senior Citizenના જિંદગી પ્રત્યેના વલણ ઉપર પણ હોય છે.

(શ્રી ગુલાબદાસ બ્રોકર -સપ્ટેમ્બર ૨૦, ૧૯૦૯ થી જૂન ૧૦, ૨૦૦૬)

પૂનાના આપણા આ સહવાસનાં વર્ષો દરમિયાન અમે કેટલીયે વાર તમને બન્નેને પૂછતાં કે આટલાં વર્ષોથી અમે તમારાથી દૂર સ્વતંત્ર રહ્યા હોવાને લીધે અમારી રીતો તમારાથી જુદી પડતી હોય, તમને કાંઈ પણ કઠતું હોય, ક્યાંય પણ અમારી રીતોમાં ફેરફાર કરવા જેવું લાગતું હોય તો અમને જણાવો.

દર પેઢીએ સ્વાભાવિક રીતે થતા lifestyleના ફેરફારમાં આવું કાંઈ પણ તમને ન લાગતું હોય એ શક્ય નથી, તે છતાં, તમારા બન્નેનો હંમેશનો જવાબ એક જ રહ્યો: ‘અમે બધી રીતે બહુ ખુશ છીએ, કોઈ વાતનું અમને દુઃખ નથી.’

મોટી ઉંમરે adjustment કરવાનું કેટલું demanding રહેતું હશે એ તો અમારી અત્યારની ઉંમરે પણ અમારાં છોકરાંઓને ત્યાં જઈએ, ત્યારે ખ્યાલ આવે જ છે. પણ આટલી સહજ રીતે છોકરાંઓની રીતરસમમાં મોટાંઓનાં ભળી જવાથી આખો adjustment process કેટલો સરળ બની જઈ શકે એના તમે ઉત્તમ ઉદાહણરૂપ રહ્યા.
**
કસરત, નિયમિતતા, સીધોસાદો આહાર, ચિંતામુક્ત જીવન અને હસવાનું મહત્ત્વ એ બધું તંદુરસ્તી માટે કેટલું આવશ્યક છે, તે તમે હંમેશાં યાદ દેવડાવતા રહ્યા અને પોતાના આચરણથી છેક છેવટ સુધી એનો પુરાવો આપતા રહ્યા.

સવારનો નિત્યક્રમ પતાવીને શરીરની કસરત તો કરવાની જ. ૯૭ વર્ષે કેટલા પુરુષો સ્નાયુબદ્ધ શરીર જાળવી રાખવા માટે ગૌરવ લઈ શકતા હશે? તમે તો અંત સુધી Hercules પણ રહ્યા અને Narcissus પણ!

અખાડાની અદાથી અરીસા સામે ઊભા રહી પહેલાં પોતે હાથના સ્નાયુની તાકાત ચકાસો, પછી બહાર આવી એની લોખંડી તાકાત અમને જોવાનું કહો, ‘બરોબર છે ?’ ‘ઉત્તમ’ certificate લઈને જ પાછા વળો. ત્યાર પછી ચાલવા જવાનું ને ખુલ્લી હવાનો આસ્વાદ લેવાનો – ગરમી, ઠંડી, વરસાદની તો ‘ઐસીતૈસી!’

નિયમિતતા માટેનો તમારો આગ્રહ- બાપ રે બાપ! સવારના ૭.૩૦ વાગ્યે કૉફી, ખાખરો ને ચ્યવનપ્રાસ. દસ વાગે છાશ. બારને દસે બપોરનું જમવાનું (કેમ બાર વાગે નહીં? કેમ સવા બારે નહીં?) ૨.૩૦ વાગ્યે બપોરની કોફી ને બે બિસ્કિટ. ૪.૩૦ વાગ્યે શરબત ને બે બિસ્કિટ (કેમ એક નહીં? કેમ ત્રણ નહીં ?) સાતને દસે રાત્રિભોજન.

આ કાર્યક્રમના સમયમાં ફેરફાર થયો તો ઘડિયાળની બેટરી બદલવાની જરૂર હોય, તમારા પેટની ઘડિયાળ માટે શંકા ન કરી શકાય. સીધોસાદો આહાર જરૂર, પણ એ શુષ્ક નહીં. દરેક વખતે સાથે સ્વાદિષ્ટ ચટણી તો જોઈએ જ, મીઠાશના શોખીન તમને દરેક ભોજન સાથે થાળીમાં લીધેલા ગોળને ચાટતા જોયા હોય!

રવિવારે શ્રીખંડ-પૂરી જોયાં છે ને તમારું મોઢું મરકમરક થઈ ઊઠે. ‘હજુ બે પૂરી આપજો, બીજી બે મૂકજો.’ -એ બધું એટલું ચાલે કે તમારા નાજુક પેટની ફિકરના માર્યા છેવટે અમારે જૂઠાણું વાપરવું પડે કે ‘બધું ખલાસ.’ આટલા શોખથી તંદુરસ્ત માણસ જ રોજનું જમવાનું માણી શકે ને ?

‘હવે લોકો પહેલાં જેટલું હસતા નથી લાગતા કે કેમ? તમે ઘણીવાર પૂછતા. જૂના મિત્રોને યાદ કરી તમે બધા કેટલું હસતા એની વાતો કરો ત્યારે એ વખતના તમારા સૌના અટ્ટહાસ્યના પડઘા પાછા આજે પણ સંભળાય.

આજે stress-stress-stressની જ વાતો સંભળાતી હોય છે એમાં આપણે હસવાનું ભૂલતા જતા લાગીએ છીએ, એ વિચાર જરૂર આવે.
**
મોટી ઉંમરે પણ તમને ખુશ કરવા કેટલું સહેલું હતું! તમારી સાથે વાતો કરવા બેસીએ, એથી તમને થતી ખુશી તમારા શબ્દો તરત જ વ્યક્ત કરે: ‘તું જોઈ શકતો હોઈશ કે મને તારી સાથે વાતો કરવાનું બહુ ગમે છે. મને લાગે છે કે તને પણ એમાં આનંદ આવે છે…”

ગાડીમાં અમે ક્યાંય પણ કોઈ પણ કામે જતાં હોઈએ ને તમને – ચક્કર મારવા આવવું છે?-પૂછીએ એટલી જ વાર. તરત જ ટોપી પહેરીને તૈયાર. પછી ભલે ને એ પોસ્ટ ઓફિસ કે શાકવાળાને ત્યાં આંટો હોય. એમાંયે કોઈને ઘેર જવાનું થાય ત્યારે તો માણસભૂખ્યા તમારા જીવને આનંદ જ આનંદ.

કોઈ પણ ઘેર મળવા આવ્યું તો એ લાંબા સમય સુધી જવાનું નામ ન લે એ માટે તમે કેટલા તો નુસખાઓ અજમાવો. એ બધાંનો ‘મારા ખાસ મિત્રો’ કહીને પરિચય આપો.

તમારા એક સવાલનો જવાબ તો દરેક મળનારે આપવાનો જ હોય, પછી એ દુનિયાના કોઈ પણ ખૂણેથી આવેલો હોય: ‘ઉમાશંકર- સુન્દરમ્ નામ સાંભળ્યાં છે?’ જવાબ ‘હા’ હોય તો જવાબ આપનારા ઉપર વારી જાઓ. જવાબ આપતાં અચકાય એ જરૂર બે સાંભળીને જાય: ‘એ તો કેવો ગુજરાતી જે જાણે નહીં ગુજરાતી!

ભાષા અને સાહિત્ય માટેનો તમારો બેહદ પ્રેમ તમારા અંશેઅંશમાંથી હમેશાં ઊભરાતો જોયો છે.

માણસને પારખવાની તમારી શક્તિ અગાધ – એને ઉંમરે ક્યારેય ક્ષીણ થવા ન દીધી. ન તો તમારી જિજ્ઞાસાવૃત્તિમાં ક્યારેય ઓટ આવી.

આખી જિંદગી તમારી રીત અને સલાહ રહી હતી કે કોઈને વિશે કાંઈ પણ સારું કહેવા જેવું હોય તો એ કહેવાની તક જવા ન દેવી, કડવું લાગે એવું હોય તો ગળી જવું. છેવટ છેવટમાં અમને ક્યારેક લાગતું કે હવે તમે કાણાને કાણો કહેતા થઈ ગયા લાગો છે. એમાં તમારો ઈરાદો અન્યાય કરવાનો કે દુઃખ પહોંચાડવાનો ક્યારેય નહોતો રહ્યો, અંદરનો અવાજ તમને જે કહેતો હોય એને તમે સ્પષ્ટ વાચા આપતા થઈ ગયા હો એવું ક્યારેક લાગતું.

અમારી ભારતીય મિત્ર, એના પરદેશી પતિને લઈને આવી, એને તમે કેવું ચોખ્ખું પૂછી લીધું હતું: “આ તમારા કોણ થાય? પતિ? એ તો આટલા દેખાવડા ને ઊંચા છે ને તમે તો સાવ બટકાં! પ્રેમ થયો હશે ને?!”

તમને ફરવા ને કોઈને મળવા મળે એ ઈરાદાથી અમારી બીજી એક મિત્રને ત્યાં ઈંદિરા લઈ ગઈ. તમને પણ એની દોસ્તી ગમતી. એને ત્યાં પહોંચીને તમારું નિરીક્ષણ: ‘ઘર તો બહુ સુંદર છે. તમારા પતિ સારું કમાતા હોવા જોઈએ. અહીં તમે અને તમારી દીકરી જ રહો છો તો પતિ છે ક્યાં? તમે પૂનામાં ને એ મુંબઈ? તમે તો જુવાન છો, દેખાવડાં છો, એકલાં છો તો companionship માટે બીજી કોઈ affair હજુ નથી થઈ?”

અમારી આ મિત્ર સાથે બહુ નિકટની મૈત્રી હતી, એને તમે આમ સીધું અંગત વાત વિશે પૂછી લીધું તે એને કેવું લાગ્યું હશે? મિત્રે હસીને વાત ત્યારે તો વાળી લીધી. પછી e-mailથી અમને ખબર આવ્યા:

‘ભાઈ, ગજબ મારી સ્થિતિ પામી ગયા! મારે કેટલાક વખતથી તમને કહેવું હતું પણ જીભ ઉપડતી નહોતી. હું મારા પતિને છોડીને, અમારા બીજા એક મિત્ર સાથે લગ્ન કરી રહી છું.’

‘લતા શું બોલે?’ વાર્તાના લેખકને માટે કોના મનને જાણવાનું મુશ્કેલ હોય?

તમારા પૂના આવી સ્થાયી થઈ ગયા પછી આપણે ચારેયે મળી નક્કી કર્યું કે તમારું વિલેપારલેનું ભાડાનું ઘર ઘરધણીને પાછું આપી દેવું જોઈએ. ત્યારે ધર્મસંકટ તો અમારે માટે એ આવ્યું હતું કે એ ઘરમાં વર્ષોથી વસાવેલા તમારા પુસ્તકોના ખજાનાનું શું કરીશું.

હજુ થોડાં જ વર્ષો પહેલાં માએ તમને ફરિયાદ કરી હતી કે, ‘આ તમારી ચોપડીઓ ઘરમાં સમાતી નથી, થોડી ઓછી કરતા જાઓ.’

એ વખતના તમારા મનનું દુ:ખ તમારા શબ્દોમાં ભારોભાર પરખાતું હતું: ‘આ ઘરમાંથી પહેલાં મને કાઢજો, પછી આ બધાં પુસ્તકોને.”

ત્યારપછી સંજોગવશાત્, તમારે એ ઘર છોડવાનું આવ્યું ત્યારે માનવામાં ન આવે એવી સરળતાથી જિંદગીના પહેલા નંબરના તમારા પ્રેમને અળગો કરતો અપરિગ્રહ તમે દાખવ્યો – બધું જ, બધું શ્રી ફાર્બસ ગુજરાતી સભાને સોંપી દઈને!

તમારા આ નિર્ણયથી પ્રસન્નતા બતાવતો આ રહ્યો ફાર્બસ સભાનો ૨૧/૭/૦૧નો પત્ર:

‘આપે વસાવેલાં, વાંચીને આત્મસાત્ કરેલાં અને ચાહેલાં અનેક પુસ્તકોનો ખજાનો શ્રી ફા.ગુ.સભાને આપવાનું વિચારો છો તે જાણીને વ્યવસ્થાપક મંડળ/ટ્રસ્ટીઓ અને મિત્રો રાજી થયા છે.

આ અમૂલ્ય ખજાનામાં અનેક પ્રસિદ્ધ સાહિત્યકાર મિત્રોએ તમને ભેટ આપેલા ઉત્તમ ગુજરાતી ગ્રંથો છે એની અમને જાણ છે. સાથેસાથે, છેલ્લા સાત દાયકાથી આપ ગુજરાતી સાહિત્યની ગતિવિધિ સાથે સંકળાયેલા રહ્યા છો. અનેક સાહિત્યકારો સાથે થયેલા પત્રવ્યવહાર વગેરે દસ્તાવેજો અને આપના હસ્તાક્ષરમાં સચવાયેલી આપની કૃતિઓ પણ આપ શ્રી ફા.ગુ.સભાને આપવાનું વિચારી રહ્યા છો તે આનંદની વાત છે.

અમે બનતી સૂઝથી આ અમૂલ્ય ખજાનાનું જતન કરીશું. ભવિષ્યમાં પત્રો/હસ્તપત્રો વગેરે દસ્તાવેજોનો કંઈક વિદ્યાકીય, સંશોધન અર્થે ઉપયોગ થાય એ માટે પણ પ્રયત્ન કરીશું.’

સદાય તરત પ્રત્યુત્તર મોકલવાની આદત પ્રમાણે આ રહ્યો તમારી લાગણી દાખવતો તમારો ૩૧/ ૭/૦૧નો તમારો જવાબ:

“મેં એકત્રિત કરી સાચવેલાં પુસ્તકો વગેરે ફા.ગુ.સભા માટે તમને મળી ગયાં છે એ જાણી મને આનંદ થયો છે. હવે મારી ઉંમર થઈ છે. એટલે એ બધા ખજાનાનો આથી વધારે સારો ઉપયોગ શો હોઈ શકે? વિદ્યાર્થીઓ અને રસિક અભ્યાસી વાચકો એનો સદુપયોગ કરશે એ વાત આનંદ આપે જ. એક સારું કામ કર્યાનો મને આનંદ છે.’
**
તમારી ને મા-ની જિંદગી એકબીજાયુક્ત એટલી ઘનિષ્ઠ હતી કે અમને ચિંતા રહેતી કે બેમાંથી એક થશો ત્યારે બાકીની એકલાપણાવાળી જિંદગી કેમ વિતાવશો.

સ્વાર્થને પડખે મૂકી મા કહેતી: ‘જો હું પહેલી ચાલી જઈશ તો આમને સાચવવાનું તમને બહુ ભારી પડવાનું. એક ચીજ એમને પોતાની મેળે સંભાળવાનું નથી આવડતું.’ પણ તમારી કસોટી કરવા ભગવાને મા-ને પોતા પાસે પહેલી બોલાવી લીધી ત્યારે પણ તમે બધાંને ખોટા પાડ્યા.

પહેલી સાંજ તમને જરૂર વસમી લાગી. ઘરમાંથી માને લઈ જાય એ પહેલાં એની આસપાસ બેઠેલી બધી સ્ત્રીઓને સંબોધીને તમે કહ્યું:

‘તમે બધીઓ કોઈની ને કોઈની વહુઓ હશો. આદર્શ વહુ કેવી હોય, એ આને લઈ જાય એ પહેલાં જોઈ લો. બહુ ઓછીઓ એના જેવી રીતે આખી જિંદગી બીજાનું ધ્યાન રાખવામાં પોતાની જાતને ઘસી નાખે, પોતા માટે કોઈ પણ જાતની સામી અપેક્ષા રાખ્યા વગર. ને હું કાંઈ ધ્યાન રાખવાનું સરળ પડે એવો નહોતો, પોતાનું જ ધારેલું કરું-કરાવું એમાંનો હતો.

આણે અમારી પંચોતેરથી યે વધુ વર્ષોની સાથે ગાળેલી જિંદગીમાં એકવાર પણ એમ લાગવા નથી દીધું કે એ મારાથી કંટાળી કે થાકી ગઈ છે.’

બસ, એ પછીથી તમે તમારી જાતને સંભાળી લીધી તે છેક તમારી પોતાની વિદાય લેવાની ઘડી સુધી. કયારેય અમને લાગવા નથી દીધું કે મા-ની ગેરહાજરીથી તમે અકળાવ છો, તમને કોઈ રીતે પણ કાંઈ ઓછું આવે છે.

વિદાયની આગલી રાત્રે – ૯ જૂન, ૨૦૦૬ની રાત્રે તમારી બાજુમાં મને સૂતેલો જોઈને તમે મારા હાથ પર હાથ મૂકેલો: “ભાઈ, મારું ધ્યાન રાખવામાં તારી પણ ઊંઘ નાહકની બગડે છે.’
**
એટલી જ સરળતાથી તમે સ્વીકારી લીધું હતું, ઘણા બધા જૂના મિત્રોનું તમને ભૂલતા જવાનું.

કેટકેટલા ઊગતા લેખકોને તમે આંગળી પકડીને આગળ ચલાવ્યા હતા, કેટલી સંસ્થાઓના સૂત્રધાર થઈને ત્યાંના સાથીદારોને માર્ગદર્શન આપ્યું હતું, કેટકેટલાને ભલામણપત્રો લખી આપ્યા હતા, ઈનામો માટે recommend કર્યા હતા કે બીજી જરૂરિયાત પ્રમાણેની મદદ કરી હતી.

તમે મોટી ઉંમરે પૂના આવી ગયા અને આમાંના ઘણાંખરાંઓ માટે તમારી હયાતીનો જ જાણે કે અંત આવી ગયો! ફોન કરી તમને hello ન કરવાનું એમને કારણ મળી ગયું હતું- તમને સાંભળવામાં તકલીફ પડે છે ને જોરથી બોલવું પડે છે તો એમને છાતીમાં દુખવા આવે છે! – પણ તમને વાંચવામાં તો તકલીફ નહોતી કે પત્ર લખીને પણ તમને એમની યાદ ન પહોંચાડી શકે!

મૈત્રીના આટલા રસિયા માણસની આ અવગણના અયોગ્ય નહોતી? ના, તમે ક્યારેય આ બાબત ફરિયાદનો એક શબ્દ પણ નથી કાઢ્યો.

મનમાં જરૂર વિચાર ઘૂમરાતા હશે, કેમ કે ક્યારેક તમને માત્ર એટલું ગણગણતા સાંભળ્યા છે:

“બધાં જ ભૂલાઈ જાય છે. આપણે કોઈએ બહુ મોટું કામ કરી નાખ્યું એવું ખોટું ગુમાન કરવું ન જોઈએ. કોઈ આપણને યાદ નથી કરવાનું. હજારો વર્ષોથી કેટકેટલાએ કેટલું બધું લખ્યું હશે, પણ એક કાલિદાસ કે એક Shakespeare  જેવા થોડા નામો સિવાય કોને પડી છે બીજા કોણે કેટલું ને શું લખ્યું ગુજરાતીમાં એક ઉમાશંકર કે સુન્દરમ્ જેવા યાદ રહેશે – પણ એ પણ કેટલાં વર્ષો? બાકી બધા યે ભૂલાઈ જવાના!”

ઈતિહાસને સહારે આમ મોહમાયા, રાગદ્વેષ, માન- અપમાન બધાથી અળગા થતા જવાની તમારી પોતે કેળવેલી પ્રકૃતિને કારણે તો તમને ક્યારેય પણ self-pityમાં સરકી જતા નથી જોયા.

થોડા મિત્રોએ પ્રયત્નપૂર્વક તમારા સંપર્કમાં રહેવાનું ચાલુ રાખ્યું, એમના પત્રોમાં સહી કરતાં પહેલાં ‘તમારો સદાચાહક’ લખી પ્રેમનો સંબંધ જાળવી રાખ્યો અને એ બધી વાતોની ખુશીને જ તમે તો વારંવાર બિરદાવતા રહ્યા છો, ‘લોકોએ અત્યંત પ્રેમ આપ્યો છે, આખી જિંદગી’ એમ કહીને.
**
ગુલાબદાસભાઈ, તમે સો વર્ષ જરૂર પૂરાં કરવાના’, નેવું પછીનાં વર્ષો તમને આનંદમાં ગાળતાં જોઈને ઘણાં કહેતાં. જવાબમાં તમે મજાક કરતા કહેતા:

હું તો હઈશ, પણ એ વખતની મારી પાર્ટીમાં આવવા તમે હશો ખરાં ને? સો થાય કે ન થાય એની મને ચિંતા નથી, જેટલું જીવ્યો છું એટલું સરસ જીવ્યો છું એનો સંતોષ છે.’

**
આજે સો વર્ષના ખુમારીવાળા, સદા યુવાન માણસ સાથે યાદોને વાગોળવાનો અનેરો લહાવો મળ્યો. હું રૂબરૂમાં તમને મળી જન્મશતાબ્દી નિમિત્તે અભિનંદન આપવા ને આશીર્વાદ મેળવવા નીચો નમ્યો હોત તો તમે તરત પૂછછ્યું હોત: ‘તને કેટલાં થયાં?’ ચોસઠ.— એમ જવાબ સાંભળી તમે કહેત: ‘બસ? હજુ તો બચ્ચું છે!’

ખુમારીથી જીવવાના – તમને જોઈને—જે પાઠ શીખવા મળ્યા છે એ આવનારાં વર્ષોમાં, ઉંમર હજુ વધશે ત્યારે પણ, આ બચ્ચાજીને ‘બુઢાપા’ જેવા શબ્દથી દૂર રાખે એવા આશીર્વાદ આપજો.

તમારો.
વિજય

(સાભારઃ ‘ઉદ્દેશ’ના સૌજન્યથી)

(શ્રી ગુલાબદાસ બ્રોકરને ઉદેશીને શ્રી વિજય બોકરનો-એક પિતાને ઉદ્દેશીને એક પુત્રનો – પત્ર ગઈ કાલના અંકમાં આપણે વાંચ્યો. એ પત્ર તા. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૯માં શ્રી ગુલાબદાસ બ્રોકરને ૯૧મું વર્ષ બેઠું ત્યારે એમની હયાતીમાં લખાયો હતો. આજે એ ક્ષર દેહે આપણી વચ્ચે નથી ત્યારે તેમના આ જન્મશતાબ્દી વર્ષના આરંભે, તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૮માં એમને સંબોધીને, બોલચાલની ભાષામાં લખાયેલા આ પત્રમાં એમની હયાતીનો છેલ્લાં વર્ષો અને છેલ્લા દિવસોની અંગત વાતો અને પ્રસંગોમાંથી ઊભરે છે એમનું વ્યક્તિ તત્ત્વ અને સત્ત્વ. – તંત્રી: ‘ઉદ્દેશ’)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 Comments

  1. knowing of LAte Author GULABDAS BHAI BROKER’S LIFE> learned so much thing from letter of HIS son VIJAY BHAI> THANK YOU VIJAY BHAI KEEP IT FOR LETTER> son-father love each other without talking more.

  2. બંને પત્રો પુત્ર અને પિતાના પ્રેમાળ સંબંધની પ્રતીતિ કરાવે છે. ગુલાબદાસ બ્રોકરના સ્વભાવની વિશિષ્ટ વાતો પણ જાણવી ગમી.