|

“એક પુત્રનો પિતાને પત્ર” (૧) ~ વિજય ગુલાબદાસ બ્રોકર

( આદરણીય શ્રી ગુલાબદાસ બ્રોકર ગુજરાતી સાહિત્યનું માતબર નામ છે અને સદાયે રહેશે. શ્રી ગુલાબદાસભાઈના પુત્ર, શ્રી વિજયભાઈએ એમના પિતાને લખેલા બે પત્રો “આપણું આંગણું”માં પ્રકશિત કરતાં ખૂબ આનંદ અનુભવું છું.

૧૯૭૨, ઓગસ્ટથી માંડીને ફેબ્રુઆરી ૧૯૭૩ સુધી  શ્રી ગુલાબદાસભાઈ પાસે વાર્તાલેખન શીખવા હું એમના વિલે પાર્લે, મુંબઈ,  તે સમયના ઘોડબંદર રોડ સ્થિત, એમના “મુક્તા” નામના બંગલામાં અનેકવાર ગઈ છું.

શ્રી ગુલાબદાસભાઈ પાસેથી વાર્તા કેવી રીતે અસરકારક બનાવી શકાય એ શીખવાનો લહાવો મને મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. એમનું સૌમ્ય અને આભિજાત્યસભર વ્યક્તિત્ત્વ આજે પણ મારી યાદમાં અકબંધ છે.

અમેરિકા આવ્યા પછી પણ મેં ગુલાબદાસ સરને જ્યારે પણ પત્ર લખ્યાં, તેઓ કેટલા પણ વ્યસ્ત હોય, મારા પત્રનો જવાબ મને કાયમ “પ્રોમ્પ્ટલી” લખતા હતા.

શ્રી વિજયભાઈનો આ પત્ર વાંચતાં શ્રી ગુલાબદાસ સરની યાદ દિલમાં તાજી થઈ ગઈ. શ્રી વિજયભાઈનો બીજો પત્ર આવતી કાલે મૂકાશે.)

                     (પુત્ર શ્રી વિજય બ્રોકર અને પિતા શ્રી ગુલાબદાસ બ્રોકર)

પૂર્વભમિકા:

ગુલામદીન ગાડીવાળાએ (ગુલાબદાસ) ભાઈને દુનિયા આખીમાં ફેરવ્યા એવું જ કંઈક આ પત્ર તમને પહોંચાડતાં. દસેક વર્ષ પહેલાં એમને ૯૧મું વર્ષ બેઠું એ પ્રસંગે એમને લખાવેલો આ અંગત પત્ર મને ક્યાં ક્યાં લઈ જશે, એવો ખ્યાલ તો એ વખતે સ્વપ્ને પણ ન હતો.

રાધેશ્યામભાઈની અમારા કુટુંબ સાથેની લાગણી, ભાઈની વિદાય પછી પણ યથાવત્ રહી અને આમાં નિમિત્ત બને છે. એ પત્ર પ્રગટ થાય છે,

આ વાતથી સૌથી વધુ ખુશી ભાઈને થઈ હોત, બે કારણોસર, એક, તો એમનો અત્યંત આગ્રહ રહેતો કે હું લેખનમાં પ્રવૃત્ત થાઉં. ‘તું લખી શકે એવો છે’, એવું એ વારંવાર કહેતા. બીજું, ભાઈનો અને રમણલાલભાઈ જોશીનો અત્યંત નિકટનો લાગણીનો સંબંધ.

ભાઈ પૂના રહેવા આવ્યા ત્યારથી હું એનો સાક્ષી… ‘ઉદ્દેશ’ માટે ભાઈના મનનો એક ખૂણો અલાયદો રહેતો. એમાં મારું કશું પ્રગટ થાય તો એમને કેટલો આનંદ થાય!

સ્વજનોને આપણે કેટલું કહેવું હોય છે! કહી શકતા નથી. Thank you’ કે ‘I love you’ કહેવાના વિચારમાત્રથી આપણને કશોક સંકોચ થતો હોય છે. ઘણીવાર વિચાર આવતો કે મા-ભાઈને આ હું કહું. પણ બોલવા ટાણે હોઠ ખૂલે નહિ.

પહેલાં માને પત્ર લખ્યો પછી, ભાઈના જન્મદિવસનું કારણ શોધી આ પત્ર લખ્યો અને એક અજબની હળવાશ અનુભવી..!

ત્યારપછી મા-ભાઈ પૂના અમારી સાથે રહેવા આવી ગયાં. એમનું મુંબઈનું ભાડાનું ઘર મકાનમાલિકને પરત કરવાનું નક્કી કર્યું. ઘર ખાલી કરતાં ભાઈના ટેબલના ખાનામાં રાખેલા કાગળના પરબિડિયા પરના મારા અક્ષરોએ ધ્યાન ખેંચ્યું. મારો પત્ર એમણે કાળજીપૂર્વક આટલા વખત પછી પણ સાચવી રાખ્યો હતો! આ એ જ પત્ર…!
– વિજય ગુલાબદાસ બ્રોકર

પૂના
સપ્ટેમ્બર ૨૦, ૧૯૯૯
પૂજ્ય ભાઈ,

તમારો વારંવાર એક પ્રશ્ન હોય છે: ક્યારેવ કાંઈ લખવાનું મન ન થાય? મારો હંમેશનો એક જ જવાબ: મન તો થાય, પણ શું લખવું એ સૂઝવું જોઈએ ને!

આજે કાંઈક લખવાનું સૂઝયું છે – તમને એકાણુંમું વર્ષ બેસે છે એ વખતે તમારી સાથે ગાળેલાં પંચાવન વર્ષોના અનુભવોની વણઝાર આંખો સામેથી slow motionની ફિલ્મની જેમ પસાર થાય છે. એમાંથી થોડા પ્રસંગો યાદ કરીને તમારી સાથે વાગોળવાનું મન થાય છે, એટલે થયું કે એના વિશે જ લખું.

આ અનુભવોનો ઈતિહાસ મારે માટે મહત્ત્વનો છે કેમ કે મારા ઘડતરમાં, મારી value systemમાં, જિંદગી વિશેના મારા અભિગમમાં કે મારી emotional self-ના ચણતરમાં આ અનુભવોએ પાયારૂપ કામ કર્યું છે. તો આ લખાણ એ ઘડતર- ચણતરના બે કારીગરીમાંના એકને સંબોધીને…

નાના વિજય પર તમને વહાલ આવે એટલે એક સવાલ કરતા: તને મા ગમે કે ભાઈ? મને બેમાંથી માત્ર એકની પસંદગી કરવાનું ન ગમે. જે આપણને પ્રેમ આપે એ સૌ ગમે – એમાં વધતી-ઓછી માત્રાની ગણતરી કેમ કરવી? એટલે મારો જવાબ હંમેશાં રહેતો : બન્ને!

સુમન અને ગુલાબદાસ બ્રોકર

આજે આટલે વર્ષે પૂછો તો એ જવાબમાં ફેર ન પડે કેમ કે બન્ને પોતપોતાની આગવી રીતે મને બહુ ગમે છે.

તમારા બન્નેના roles મારા મનમાં બહુ clear રહેતા – રોજબરોજની મારી બધી જરૂરિયાતો વખતે emotional support આપતી મા મારી પડખે હોય, એની પાસે મારી દરેક મૂંઝવણના ઈલાજ રહેતા, મારી દરેક જરૂરિયાતો પૂરવા એ તત્પર રહેતી.

તમે intellectual જરૂરિયાતો પૂરી પાડનારા હતા, academic કે અક્કલ ચલાવવી પડે એવા દરેક સવાલના તમારી પાસેથી જવાબ મળી રહેતા,

ઘરની બહાર નીકળ્યા ને મારા આખા નામમાં વચ્ચે તમારું નામ આવતું એનાથી દુનિયાનાં ઘણાં કામો મારે માટે સરળ થઈ જતાં, એટલું એ નામનું મહત્ત્વ હતું.

ભાષાની કોઈ પણ મુશ્કેલી આવી કે તમારી પાસે દોડી આવવાનું. કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવ્યું કે તમારી સાથે એની ખુશી share કરવાની, ડર લાગે એવી કોઈ પણ પરિસ્થિતિ આવી કે ‘કોઈના બાપથી ન ડરવું’ એમ તમારી પાસેથી સાંભળી સંજોગોને face કરવાની હિંમત આવી જતી.

તમારા મિત્રો સાથે થતી તમારી વાતો સાંભળવાનો પણ એક લ્હાવો હતો, એમાંથી દુનિયાના કેટકેટલા વિષયો માટે કેટલું બધું શીખવા મળી જતું! ને કેવા કેવા વિદ્વાનો હતા એ બધા મિત્રો ને કેટલી ઊંચી કક્ષાની રહેતી તમારી સૌની વાતો!

એમાં દુનિયાના સર્વોત્તમ સાહિત્યની વાતો હોય, કાંઈ પણ સરસ કોઈ એકે વાંચ્યું હોય તો બીજાઓ સાથે એનો આનંદ share થતો હોય, કોઈએ નવી કવિતા લખી હોય તો એનું પઠન-વિમર્શ થતાં હોય, વિવેચન અને ચર્ચાઓ ચાલતાં હોય.

સાહિત્યના તત્ત્વ અને તંત્ર વિશે અભિપ્રાયોની આપ-લે થતી હોય, સંસ્કૃતના scholarly workનો ગુજરાતી અનુવાદ એકે કર્યો હોય ને બીજાઓ એના શબ્દેશબ્દનો મર્મ બરોબર સચવાય એ માટે પોતાનો મત દર્શાવતા હોય.

સત્યાગ્રહની ચળવળમાં સક્રિય રહેલાં કે રાજકારણના ક્ષેત્રે ઊંચામાં ઊંચી કક્ષાના માણસો પણ આપણે ત્યાં જોવા મળે ને સિનેમાના સિતારાઓ પણ આત્મજનને ત્યાં આવતા હોય એમ સામે ચાલીને આવે.

જોરશોરથી તડાકાભડાકા થતા હોય, ખુલ્લા દિલની હસાહસ હોય, spirited ચર્ચાઓ હોય – પણ ક્યાંયે ‘मैं बड़ा की तू बड़ा’ની ચડસાચડસી ન હોય. અલગ અભિપ્રાય હોય છતાં કાંઈ હારજીતની ગરમાગરમીથી બોલાતું-લેવાતું ન હોય.

કોઈના લખાણ વિશે ટીકા-ટિપ્પણી થતી હોય ત્યારે પણ, આટલા મોટા સાક્ષરો હોવા છતાં પણ, દરેક જણ બધું sportingly સ્વીકારતું દેખાય. કોઈના egoને તોડી પાડવાની ના તો કોઈની વૃત્તિ દેખાય કે ન તો દુભાયા-ઘવાવાની લાગણી.

કેટલા ઓછા માણસો હશે આ દુનિયામાં જેને આવા વાતાવરણમાં પોતાનાં formative years ગાળવાનો લહાવો મળ્યો હોય!

મારી ભારેમાં ભારે પરીક્ષાની તૈયારી છોડીને તમારી તમારા મિત્રો સાથે થતી વાતો માણવા હું વારંવાર “break” લઈ શકતો, ખૂબ ‘પામ્યો’ એવી feeling સાથે હળવોફૂલ થઈને પાછો અભ્યાસ માટે જઈ શકતો, આવું નસીબ કેટલાં થોડાંને મળી શકે?

કોઈ પણ ભાષાને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તો મનથી નિરાંત રહી છે આજ સુધી કે, તમે એ દૂર કરી શકશો, કવિતા ન સમજાઈ તો તમે એના હાર્દ સુધી પહોંચાડી શકશો.

મારા ભણવાના દિવસોમાં ભાષાસૃષ્ટિ, ભાષાશોભાને જોવા માણવાની સમજ તમે જ આપી ને ભાષાપ્રેમનો અનુભવ કરાવ્યો. વેકેશન પડ્યું ને ‘શું વાંચું?’ એ સવાલના જવાબમાં તમારી પાસેથી ઉત્તમોત્તમ world literatureનું list મળી રહેતું. એ પુસ્તકો શોધવા માટે ક્યાં બહાર પણ જવું પડતું? ચોપડીઓના ખજાનાથી ભરાયેલું આપણું ઘર દુનિયાની ઉત્તમ librariesમાંનું કદાચ એક હશે.

કવિતાની કે વ્યાકરણની મુશ્કેલી આવી તો રવિવારે મનસુખકાકા કે બેટાઈકાકા આપણે ત્યાં આવે ત્યારે દૂર થઈ જાય.

સુંદરજી બેટાઈ, ગુજરાતી સાહિત્ય પરિષદ - Sunderji Betai, Gujarati Sahitya Parishad
સુંદરજી બેટાઈ

સંસ્કૃતમાં કાંઈ સમજ ન પડી તો તરત માણેકકાકા કે ભાયાણીકાકાને ત્યાં તમે મોકલો એટલે સવાલનો સાચો જવાબ માત્ર લઈને પાછા આવો એટલું જ નહીં, એની સાથે સંસ્કૃત ભાષા માટેનું માન અનેકગણું વધી જાય, એવું જ્ઞાનનું ભાથું પણ એ લોકો બાંધી આપે.

ભાયાણીસાહેબ

ઉમાશંકરકાકા કે કિસનસિંહકાકા આપણે ત્યાં આવે ને કવિતાની દુનિયામાં રસતરબોળ કરી મૂકે. ઉમદા માણસ કોને કહેવાય, જાજરમાન વ્યક્તિત્વ કેવું હોય એ આમને જોઈને સમજાય.

એમની સાથે રાત્રે તમે આગલા ઓટલા પર સૂઓ ત્યારે મારે પણ મોડી રાતની તમારી વાતોનું રસપાન કરવાનું miss ન કરવું હોય, ત્યારે એમની company અમાસના તારાની શોભા પણ આપોઆપ દેખાડી દે.

અય્યૂબકાકાને સફેદ દૂધ જેવાં ઈસ્ત્રી ટાઈટ કપડાંમાં જોવાના ને એમની ઉર્દૂમિશ્રિત હિંદી સાંભળવાથી કેફ ચઢે.

શિવકુમારકાકા આવે ને તમે બન્ને બંગાળી ભાષામાં વાતો કરવાની રમત રમો ત્યારે એ ભાષાની મીઠાશનું અત્યંત આકર્ષણ થાય સરસ બોલાતી લખાતી અંગ્રેજી, હિંદી, મરાઠી ને બીજી કેટલી ભાષાના કેવા કેવા વિદ્વાનો આપણા ઘરના વાતાવરણને તરબતર કરી દેતા!

શિવકુમાર જોશી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Shivkumar Joshi, Gujarati Sahitya Parishad
શિવકુમાર જોશી

આજે ક્યાં શોધવા એ બધા મહાનુભાવોને? એ બધાના ચાલ્યા જવાથી જો આટલી ઓછપ કિનારે ઊભીને દરિયાને માણનારા મને લાગે તો ભરદરિયો અનુભવેલા તમને તો કેટલું એકલું એકલું લાગતું હશે, એ કલ્પી શકાય છે.

દરરોજ ને દરરોજમાં પણ અનેકવાર, તમારા આ છેલ્લાં થોડાં વર્ષોમાં વારંવાર બોલાતું તમારું એક જ વાક્ય તમારા મનનું intellectual એકલાપણું સૂચવે છે; ‘બધા ચાલી ગયા. એક પછી એક બધા જ…’

એ બધાના ચાલી જવાથી મોટી ફિકરનો એક સવાલ એ થાય છે કે આવી ઊંચી કક્ષાના તમે બધા ચાલી જશો તો ગુજરાતી સાહિત્યનું શું થશે?

આજે આપણી પોતાની બધી ભારતીય ભાષાઓ અંગ્રેજીની સત્તા નીચે લુપ્ત થતી ચાલી છે ત્યારે ફિનિક્સની જેમ ગુજરાતી ભાષાનું પુનરુત્થાન કરાવી શકે, એને નવજીવન અપાવી શકે ને એ ભાષાની શોભાનું રસપાન કરાવી શકે એવા સાક્ષરો પાછા પાકશે?

ભાષાના પ્રેમનું સિંચન તમે કર્યું, એને માણવાની રીત પણ તમારી પાસેથી શીખવા મળી, રવીન્દ્રનાથની ‘એકોત્તરશતી’ કે કાલિદાસનું ‘રઘુવંશ’ તમારી સાથે બેસીને વાંચવાનો એક લહાવો જ કહેવાય.

Ekotershati title.jpg

મારું કમનસીબ કે આવું કેટલું બધું તમારા સહવાસમાં જાણી શકાયું હોત, તે તક ઝડપવાનું ચૂકાઈ ગયું – ઘેર બેઠાં, વિના મહેનતે આવો લાભ મળવાની પૂરી સગવડ હોવા છતાં, ક્યારેક નિરાંતે સાથે બેસી વાંચીશું-સમજશું એમ કરવા કરવામાં, પણ જ્યારે પણ કાંઈ પણ સારું વાંચ્યું કે તમારી યાદ આવે ને તમને એ સમાચાર આપીને ખુશી share કરવા મન તત્પર થઈ જાય. લખવાનો વારસો ન જાળવ્યો, તો યે વાચનનો રસ કેળવાયો એ ક્યાં ઓછો કીમતી વારસો છે !

તમે હંમેશાં કહેતા આવ્યા છો કે દરેકે કોઈ સારી hobby રાખવી જોઈએ, જેથી ક્યારેય એકલતા ન લાગે.

નાનપણમાં ખ્યાલ નહોતો આવતો કે આ સૂચનનું કેટલું મહત્ત્વ છે. આજે તમને જોઉં છું ત્યારે સમજાય છે કે બધા મિત્રો, સગાં-સંબંધીઓ ચાલી ગયાં, ત્યારે આ પુસ્તકો જ તમારાં loyal companions રહ્યાં છે. પચાસ વટાવ્યા પછીના મારી જિંદગીના તબક્કામાં તમારી સલાહનું તથ્ય વધુ સમજાય છે.

‘બા’ની તમારી વાર્તામાં એમની શિખામણ કે બારણે માગવા આવેલા કોઈને પણ ખાલી હાથે ન જવા દેવું એનું તમે અક્ષરશઃ કેટલું પાલન કર્યું છે, એનો હું સાક્ષી રહ્યો છું.

ક્યારેક છાનેમાને પણ આપણે ત્યાં કેટલા લોકો કાંઈક ને કાંઈક કારણસર માગવા આવતા અને અમુકની વાતો બેકાર લાગતી તો કોઈ ભીખ માગવાની ટેવ પડેલા હોય એવા લાગતા. અમને થતું કે આવાઓને ન આપવું જોઈએ.

તમારી એક જ argument રહેતી, ‘હશે, એમને માગવાની ટેવ, પણ કાંઇક જરૂર તો હશે જ. તો જ કોઈની પાસે હાથ લાંબો કરતા હશે ને?’ ને, પેલાઓએ પણ તમારા કુમળા દિલને પારખી લીધું હશે એટલે બીજાં બધાંની નજરથી દૂર જઈને, દરવાજામાં આવવાને બદલે, તમારા લખવાના ટેબલવાળા રૂમની બારી પાસે આવીને તમને બોલાવતા. તમે એમના હાથમાં કાંઈકનું કાંઈક સરકાવી દેતા.

હું માનું છું કે એ વખતે તમારા બા તમારા દિલમાં પ્રવેશ કરીને એમને તમારે હાથે કાંઈક ને કાંઈક અપાવતાં હશે. બાને મળો ત્યારે કહેજો કે તમને આમ કરતાં જોયા છે એની અસર, તમારી પછીની બીજી પેઢી પર પણ કાંઇક અંશે ઊતરી લાગે છે.

જિંદગી જીવવાના પણ કેટકેટલા ઉપયોગી પાઠ તમારી પાસેથી શીખવા મળ્યા છે! Creative pursuits મને ગમે, પણ gamesમાં મારું co-ordination જ ન થાય. પછી ભલે એ કેરમ જેવી સીધી સાદી રમત હોય કે પછી ક્રિકેટના બોલને બેટ સાથે ભેગો કરવાનો હોય!

તમે મને કહ્યે રાખોઃ “રમવું જોઈએ.” Perfectionનો હિમાયતી હું, એટલે હું કહું કે મને સારું રમતાં નથી આવડતું એટલે રમવાનું નથી ગમતું. તમે moral of the story સમજાવતા. રમત આનંદ માટે હોય છે, હારવાથી ગભરાવું નહીં.

જે જમાનામાં Bombay Universityમાં B.Com.માં first class લઈને પાસ થવાનું rare હતું, એ વખતે અમારી batchવાળાઓએ, એ record તોડ્યો અને પહેલી વાર B.Com.માં ચાર વિદ્યાર્થીઓને  first class મળ્યો.

મારું એકાદ પેપર બહુ સારુ નહોતું ગયું એટલે મને બહુ સારા રિઝલ્ટની આશા નહોતી. પણ marksheet લેવા University પર ગયો તો જોયું કે first class માટે મારા માત્ર બે જ  marks ઓછા પડતા હતા, એટલે ખૂબ દુઃખ થયું, યુનિવર્સીટીમાં પાંચમો નંબર હોવા છતાં!

શેરબજારમાં તમારી પાસે marksheet સાથે આવ્યો તો તમે પૂછ્યું કે ‘આટલું સારું result લાવ્યા પછી દુઃખી થવાય?’
તમે સમજાવ્યું કે, “જે થાય તે સારા માટે જ થતું હોય છે. જો first class હોત તો દુનિયા ‘વાહવાહ’ કરત, ને તું ફૂલ્યો ન સમાત! Ego મોટો થાત એ નુકસાન થાત. For all the practical purposes, તારું result બહુ સારું પણ ગણાશે અને પેલી negative અસરથી તું બચી જઈશ.” કેટલી સાચી વાત – કેટલા બધા problems ego સાથે જ સંકળાયેલા હોય છે ને?

ચીવટ તો તમારી જ. કોઈનો કાગળ આવ્યો નથી અને તમે એને જવાબ લખ્યો જ હોય. આજનું કામ કાલે કરીશું એ વાતનો તમને કંટાળો.

વાંચવામાં કંઈ નવો શબ્દ આવ્યો હોય ને તમે ડિક્શનરી હાથમાં લીધી જ હોય! અમારો એક favorite joke હતોઃ ‘કોઈ શબ્દ નથી સમજાયો, એ સૂતાં સૂતાં વાંચવાનો. આરામના poseમાંથી ઊઠીને ડિક્શનરી લેવા જવાની તૈયારી ન હોય તો ભાઈને ખબર પડવા ન દેવી. નહીં તો ઊભા થવું જ પડશે!’

તમારી curiosity તો હજુ આજે પણ ક્યાં શમી છે? તમારે બધું જ જાણવું હોય ને સમજો નહીં ત્યાં સુધી એનો પીછો છોડવો ન હોય. પછી એ Astrophysicsની વાત હોય કે Internetને Internet શું કામ કહેવાય કે પછી અમેરિકાથી આવેલા કોઈ Youngstersએ  તમને ‘cool dude’ શું કામ કહ્યા, એ expressionને ક્યા સંજોગોમાં વાપરી શકાય, એ સમજવું હોય.

તમારા કહેવા પ્રમાણે curiosity ન હોય તો લેખક ન થવાય. તમારા જેટલી જિજ્ઞાસા અમારા કોઈમાં નહીં હોય, એટલે જ અમે લેખક ન થયા હોઈએ!

તમને ક્યારેય કોઈ પર કંટાળો કેમ નહીં આવતો હોય, એમ અમને બહુ આશ્વર્ય થાય. એક તરફ ઊંચામાં ઊંચી કક્ષાના વિદ્વાનો સાથે જે માણસ scholarly interaction કરનારો હોય, એ તદ્દન નાખી દીધા જેવી વાત કરનારને પણ કેમ સહન કરી શકતો હશે? પણ તમારા મનમાં એનો જવાબ clear રહ્યો છેઃ
‘દરેકની સારી બાજુ જોતાં શીખીએ તો દરેકમાં કાંઈક ને કાંઈક રસ પડે એવું મળી જ રહે..

આ approachને કારણે તમને તમારાં વિધવિધ પાત્રો મળી રહેતાં હશે – જેમાં તમને નાના માની ખભે ‘ગોળમાટલું’ બનાવીને બેસાડનારો પોરબંદરનો ભીમો પણ સ્થાન લે કે મોટી ઉંમરના છતાં તમને પત્રમિત્ર માનીને, કાગળમાં પોતાનું દિલ ઠાલવનારી સ્કૂલે જતી નાની છોકરી પણ પાત્ર રૂપે મળી રહે.

હું જો તમારી ઉંમરનો થઈશ, ને બહુ choosy થવા જઈશ તો વાતો કરવા જોઈતું હશે પણ કોઈ મળશેય નહીં!

આવો જ open approach તમારો રહ્યો છે લેખકોની બાબતમાં. બીજાં ઘણાંની વાતો પરથી એવું લાગતું કે એમના હિસાબે જે લખાઈ ગયું છે, તે જ ઉત્તમ સાહિત્ય. અને જે નવી પેઢી દ્વારા લખાઈ રહ્યું છે, એ સાહિત્ય જ ન કહેવાય!

એની સામે તમે નવાલેખકોને કેટલું બધું ઉત્તેજન આપતા રહ્યા છો! કેટકેટલાના તમે હાથ પકડ્યા છે, માર્ગદર્શન કર્યું છે, એમની સારી વાર્તા વાંચીને તરત એમને સામેથી અભિનંદનના સંદેશા મોકલ્યા છે, એમને પ્રસ્તાવનાઓ લખી આપી છે. ન લખનારાઓને, ‘લખો, લખો, લખો’ કહીને લખતા કર્યા છે. જૂના સાથે નવાને accept કરવાની તૈયારી, વિશ્વસાહિત્યના છેક છેલ્લામાં છેલ્લા લેખકનાં પુસ્તકોનાં બહોળા વાંચનને લીધે જ હશે.

હું તમને  modern writer જ કહું કેમ કે, તમારાં કેટલાં બધાં લખાણોની themes તદ્દન modern (કે eternally current) કહી શકાય.

‘લતા શું બોલે?’ કે ‘મનનાં ભૂત’ કે પછી આ છેક હમણાં લખેલી પદ્મા પદ્મિની! – બધામાં માણસના મનમાં ઊંડાણો સુધી પહોંચવાની ને લખાણ દ્વારા વાચકને ત્યાં છેક પહોંચાડવાની તમારી રીત ભલે postmodern નહિ, modern તો ખરી જ.

વાર્તાઓ વાંચું ત્યારે એમ થાય કે આવા અનુભવો મને પણ થતા હોય છે. જોવા-સાંભળવામાં આવતા હોય છે, પણ લેખકમાં ને મારા જેવી આમ જનતામાં ફરક જ એટલો કે તમારી પાસે એ અનુભવો વાર્તાના રૂપમાં પ્રગટ થાય છે, અમારી પાસે એ માત્ર અનુભવો કે anecdotes જ રહે છે.

કોઈ પણ મા-બાપને એમનાં છોકરાંઓ પર ગુસ્સે થતાં કે મારતાં જોઉં તો સહન નથી થતું, કેમકે એવું ક્યારેય તમારાં બન્ને પાસે જોયું નથી, ક્યારેય નહીં. જો કે તમને ન ગમે એવું અમે કદાચ કાંઈ કરતા પણ નહીં હોઈએ!

હા, એક વાર એવું મેં કરેલું જે તમને નહોતું ગમ્યું. અમેરિકા ભણવાની મારી સખત ઈચ્છા હતી એટલે તમે મોકલેલો, ભણીને જલદી પાછા આવી જવાની શરતે.

એ પ્રમાણે પાછો તો હું આવી ગયો, પછી પરણ્યો, દોઢેક વર્ષ તમારી સાથે રહ્યો પણ ખરો. પણ જુવાનીનું જોર હતું. દુનિયા જોવી હતી, પરદેશનો અનુભવ બન્ને સાથે લઈએ એવી ઈચ્છા થઈ. થોડાં વર્ષો માટે જઈએ એમ અમે બન્નેએ નક્કી કર્યું.

પરદેશ જાય છે તે કોઈ પાછું નથી આવતું, એનો તમને ડર, એટલે અમે પરદેશ પાછાં ન જઈએ એમ તમે ઈચ્છતા. એમાં તમારી દેશ માટેની ને પુત્ર માટેની લાગણીનું જ જોર હતું.

તમને ન ગમે એવું ક્યારેય ન કરેલ મારે માટે આ બહુ વિકટ સમસ્યા હતી. તમે દુઃખી જરૂર થયા હશો, પણ અમને અટકાવ્યા નહોતા. કહેલું કે હવે તમે મોટાં છો, તમારું ભવિષ્ય તમારી ઈચ્છા પ્રમાણે બનાવી શકો છો. પણ મારી ઈચ્છા ભારતમાં જ રહો એવી છે.

મેં તમને એ વખતે ભરોસો આપેલો કે થોડાં વર્ષો માટે જ જવું છે, કાયમ માટે નહીં. અમારી ઈચ્છા મુજબ, થોડાં વર્ષોનો પરદેશનો અનુભવ લઈને પાછા આવ્યાને પણ થોડા વખતમાં વીસ વર્ષ થશે. તમે અમારામાં (કે તમે આપેલા સંસ્કારમાં) શ્રદ્ધા રાખી અને અમને best of both the worldsનો અનુભવ મેળવ્યાનો સંતોષ રહ્યો.

આટલાં વર્ષોથી ભારત પાછા આવી, અમને ઠરીઠામ થયેલા જોઈને હું ઈચ્છું છું કે એક વખતનું તમને પહોંચેલું દુઃખ ભૂલાઈ ગયું હશે.

તમે એ વખતે હશો એટલી ઉમરનો આજે હું છું. નીલ અમેરિકા ગયો છે. ત્યારે દેશ માટેની ને પુત્ર માટેની મારી લાગણીઓ પણ એક વખતની તમારી હતી એવી જ છે. ખૂબ ઈચ્છા રહે છે કે નીલ પણ ભણી કરી, અનુભવ લઈને પાછો ભારત આવીને જ settle થાય. તમારી શ્રદ્ધા ફળી એવી અમારી પણ ફળે એવા આશીર્વાદ આપજો.

હું ઈંદિરાને ઘણીવાર કહું છું કે આપણે પણ આપણાં છોકરાંઓને તમે બન્નેએ અમને જે freedom આપી છે એવી જ આપવા capable થઈએ એવી પ્રાર્થના કરીએ.

તમે ક્યારેય અમારી પાસે કોઈ જાતની અપેક્ષા નથી રાખી કે કોઈ જાતનો હક્ક નથી કર્યો. તમને તમારી રીતે રહેવાનું ગમે એવા બહાના હેઠળ તમે અમને અમારી રીતે રહેવાની સગવડ જ કરી આપતા રહ્યા છો, એ ન સમજીએ એટલા અમે અણસમજ તો નથી. અમે ઈચ્છીએ કે અમે પણ અમારાં છોકરાંઓને એમની ઈચ્છાની જિંદગી જીવવા દઈ શકીએ.

ઈચ્છા માત્ર એ જ રહે છે કે તમારાં હવેનાં વર્ષોમાં તમારી સગવડો ને શરીર સચવાઈ શકે એ માટે કાંઈક કરી શકવાની અમને તમે તક આપો. અમને પણ એનાથી સંતોષ રહેશે કે આટલું બધું જેમણે અમારી માટે કર્યું એમનું થોડું કાંઈક અમે પણ કરી શક્યા.

તમે હંમેશાં કહેતા આવ્યા છો કે તમે બહુ નસીબદાર રહ્યા છો. મા, ભાઈબહેન, પત્ની, છોકરાંઓ, મિત્રો, પૈસા, માનપાન, મુસાફરી, બધી રીતે તમે ધાર્યું હોય એથી વધુ તમને મળ્યું છે.

તમારે ૯૧મે વર્ષે એ જ પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં સુધી તમે અમારી સૌની વચ્ચે હો ત્યાં સુધી આવા જ નસીબદાર રહો ને તમારી બધી ઈચ્છા ફળો.

જુઓ – કેટલું બધું લખી નાખ્યું ! આટલું long winded લખે એ ક્યારેય short story writer તો ન જ થઈ શકે. Novel લખવા માટે જોઈતી patience પણ મારી પાસે નથી. એટલે આ જિંદગીમાં writer પુત્ર તમારા નસીબમાં નથી, સારો પુત્ર તમે હંમેશાં કહી શકો એવો રહું તો બસ.

તમારો,
વિજય
(પત્ર-૧)

(સાભારઃ ‘ઉદ્દેશ’ના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

4 Comments

  1. વાહ જયશ્રીબેન ખૂબ સુંદર પત્ર શેર કર્યો મારા પૂ . પિતાજી અને ગુલાબદાસભાઈ મિત્રો હતા આજે બંને હયાત નથી પણ તમે જૂની યાદ તાજી કરાવી દીધી , ગુલાબદાસભાઈના અવસાન બાદ તેમના પુત્રનો મારા પિતાશ્રી પર પાત્ર આવેલો એ પણ હુબા જ સરસ હતો.
    કેતન ભટ્ટ
    અમદાવાદ

  2. ખૂબ સરસ પત્ર છે . આપણાં સહુનાં આદરણીય સર્જક ગુલાબદાસભાઈનું સમગ્ર વ્યક્તિત્વ વાંચતી વખતે સામે આવે છે.
    ગુલાબદાસભાઈની એક ટૂંકી વાર્તાનો તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના પુસ્તક ‘કથાસેતુ’ માટે અનુવાદ કરાવ્યો ત્યારે વિજયભાઈ સાથે વાત કરી હતી અને ઘણી જૂની યાદો તાજી કરી હતી.
    બ્રોકરસાહેબ ધવલ ધોતિયું અને ઝભ્ભો ધારણ કરતા.એના પર ખાદીની બંડી. હંમેશાં આ પહેરવેશમાં કાર્યક્રમમાં દેખાય.
    બ્રોકરસાહેબના ઘરે ભાઈની ( પિતાશ્રીની) આંગળી પકડી જતો ત્યારે ૫/૭ વર્ષની મારી ઉંમર. વિજયભાઈનાં માતુશ્રી ત્યારે આગ્રહપૂર્વક ચા નાસ્તો આપતાં. ૧૫/૧૭ વર્ષની ઉંમરે તો સાહિત્યના કાર્યક્રમમાં બ્રોકરસાહેબનાં વક્તવ્ય પણ મુગ્ધતાથી અને રસથી સાંભળતો.
    પિતાશ્રી તથા અનેક વિદ્વાનોને વિજયભાઈએ સાભળ્યા છે, સેવ્યાં છે એથી પત્રની એમની ભાષા પણ બળૂકી બની છે સાથે ભાર વગરની પણ છે.
    વિજયભાઈ અન્ય સર્જકોનાં વ્યક્તિચિત્રો પણ આલેખે એની રાહ જોઈશું.

  3. નિખાલસતા અને આત્મીયતા કોને કહેવાય એ આ પત્ર વાંચીને સમજાય.