પ્રકરણ: ૧૭ ~ લાવણ્ય (નવલકથા) ~ રઘુવીર ચૌધરી
હા, સ્વપ્ન આવ્યાં છે ખરાં… પણ સ્વપ્નને પ્રમાણ માનીને જીવનના અજાણ્યા અનુભવ વિશે અનુમાન કરી શકાય?
જે હોય તે. આમાં કાઝી થવા જેવું નથી. બીજાઓના વર્તનના નિર્ણાયક થવાની જવાબદારી આપણને કોણે સોંપી છે? જેને પરમ આત્મીય માન્યો હતો, જેની સાથે જીવનનું સખ્ય કલ્પ્યું હતું એવા દીપકને પણ દોષિત ન ગણ્યો તો શારદા-પ્રેમલની વિરુદ્ધ વિચારવાનો મને શો અધિકાર છે?
મારી એકલતા અન્ય પ્રત્યેની વિમુખતા નથી પણ આવી ઘટનાઓ અંગે તટસ્થ રહેતાં શીખવું પડશે, અંતર કેળવવું પડશે…
વનલતાના લગ્નમાં ન જાઉં તો? એ કુટુંબ સાથેનો સંબંધ અહીંથી જ પૂરો થઈ જાય. પણ ના, વનલતા જાણે કે લાવણ્ય નથી આવવાની તો મીંઢળ બાંધ્યા હાથે મને તેડવા આવે. બોલ, શેની રિસાઈ છે?
એની સાથે લલિતા અને શારદાને પણ સ્વતંત્ર પત્રિકાઓ મળી છે.
શારદા તો બે દિવસ પહેલાંથી લાવણ્યની સાથે જ આવવા તૈયાર હતી પણ લલિતાએ એને રોકી. તું દીદી સાથે જશે તો પછી મને એકલી આવવાની છૂટ નહીં મળે… અને દીદીએ તને ત્યાં કહ્યું છે કે ચાલ સાથે? શારદા પાસે ખુલાસો નહોતો. એણે રોકાવું પડ્યું.
લાવણ્ય પહોંચી ત્યારે મધુકરભાઈના ઘરમાં મહેમાનોનો પગરવ શરૂ થઈ ચૂક્યો હતો. વનલતા વિનોદ સાથે એના દરજીને ત્યાં ગઈ છે. એણે ત્યાંથી ફોન કર્યો હતો: લાવણ્ય આવી ગઈ?’
લાવણ્યને ફોન પકડાવીને જમુનાબેને કહ્યું: ‘તારી બેનપણીને ઠપકાના બે બોલ સંભળાવ. લગ્ન આડે પૂરા બે દિવસ પણ બાકી ન હોય ત્યારે કોઈ કન્યા આમ રખડે ખરી?’ પછી તો એ એમની વાતે ચઢી ગયાં.
એમને એક અઠવાડિયા પહેલાં ઘરમાં પૂરી દેવામાં આવેલાં. પાછલા ચોકમાં બેસીને બેનપણીઓ સાથે રમ્યા કરો કે ગપસપ કર્યા કરો, વરનું વર્ણન સાંભળો. લગ્નવિધિ વખતે પણ ત્યારે કેવી મર્યાદા પળાતી! એટલી બધી શરમ લાગતી હતી કે ચોરીમાં પોતે મધુકરભાઈને ધ્યાનથી જોઈ શક્યાં નહોતાં. ઇચ્છા થાય એની સાથે સંકોચ વધી જાય. પણ એ દિવસો ગયા! લાવણ્ય, તને શું લાગે છે? તું તો શાણી છે, આજકાલની છૂટછાટ તને સારી લાગે છે?
લાવણ્ય જવાબ આપવા વિચારે છે, પણ એને ખાતરી નથી કે એના જવાબથી જમુનાબેનને સંતોષ થશે. એ સ્મિતપૂર્વક કંઈ ને કંઈ કામ કર્યે જાય છે. જમુનાબેન ધારે છે કે બેનપણી વિરુદ્ધ અભિપ્રાય આપતાં લાવણ્ય શરમાય છે. કશીક દ્વિધામાં છે.
લાવણ્ય દ્વિધામાં તો હતી જ, પહેલાં નહીં, આ ક્ષણે, લગ્નમંડપના વાતાવરણે એને કંઈક જુનવાણી બનાવી દીધી છે. હમણાં સુધી એ માનતી કે સ્ત્રી પોતાના પગ પર ઊભી રહે, પુરુષની ઓથ વગર એકલી જીવી શકે, એ ડૉકટર અને વકીલ થાય છે તેમ પોલીસ અધિકારી પણ થઈ શકે.
એને ચોમેરથી ઘેરી રહેલી સમાજરચના વચ્ચે પણ એ પોતાનો વિવેક વાપરીને સ્વતંત્ર નિર્ણય લઈ શકે, બીજા દરજ્જાના નાગરિક તરીકે નહીં પણ સર્વક્ષેત્રે સમકક્ષ હસ્તી તરીકે એ પુરુષ સાથે વર્તી શકે આ બધું સાંભળવું અને સંભળાવવું ગમતું રહ્યું છે. પણ આજે બહેનપણીના લગ્નમંડપની કોઈક જાદુઈ અસર થઈ રહી છે.
વનલતાનું વર્તન એ વાતનું સમર્થન કરે છે કે સ્ત્રી સેકન્ડ સેક્સ છે બીજા દરજ્જાની હસ્તી છે. પુરુષ સાથેની સ્પર્ધામાં એનું સ્થાન બીજું જ રહેશે. કેમ કે વનલતા જેવી અંગ્રેજી સાથે એમ. એ. થયેલી, પાશ્ચાત્ય જીવનની ઘેલછા સેવતી યુવતી પણ પુરુષના બાહ્ય વ્યક્તિત્વથી જલદી લોભાય છે, એની સાહ્યબી જોઈ અવશ બની જાય છે.
આ પસંદગી યોગ્ય છે એવો બચાવ શોધે છે, પોતે સ્વયં શક્તિ છે એ ભૂલીને યાચક બની જાય છે, પુરુષના સ્નાયુઓ અને શ્વાસની, અવાજ અને મિજાજની જે રહસ્યમય શક્તિ છે એ સ્ત્રીને જોઈએ છે. પછી ભલે એ શારદા હોય કે વનલતા….
‘હલ્લો લવ!’ — વનલતા ખોખોની ખેલાડીની સ્ફૂર્તિથી ધસી આવે છે. સગાઈ થઈ છે ત્યારથી એ લાવણ્યને ‘લવ’ કહે છે. એની જોડે બેસીને એના ખભે, ગળે, ગાલે હાથ મૂકે છે, નિ:સંકોચ —
‘લતા, તું તો સમૂળગી બદલાઈ ગઈ!’
‘બદલાઈને સારી થઈ કે —’ કહેતાં વનલતા હસી પડી — ‘કે પછી કબીરા બિગડ ગયો?’
‘કબીરદાસને અહીં યાદ ન કર, એ વિરહના કવિ છે. એમને આપણો દેશ વેરાન લાગે છે, આપણી વસ્તીમાં એમને મુડદાં દેખાય છે – સાધો, યે મુર્દોં કા ગાંવ!’
‘અરે છટ, કબીરદાસે જ કહ્યું છે કે ઢાઈ અચ્છર પ્રેમ કે પઢે સો પંડિત હોય!’ — કહેતાં વનલતાએ એને ભીંસમાં લીધી — ‘હવે તું આગળ દલીલ ન કરતી, મને જેટલું આવડતું હતું એ બધું કહી ચૂકી છું.’
ત્યાં જમુનાબેન અને એક બીજાં પ્રૌઢાએ વનલતાનાં કપડાં અને ઘરેણાં ગોઠવવાનું કામ શરૂ કર્યું છે એનો ખ્યાલ આવતાં લાવણ્ય એમની મદદે ગઈ. આણું પથરાઈ ગયું છે. જાણતાં બીજા મહેમાનોએ પણ ઓરડાની મુલાકાત લીધી. બધાં જોઈ લે અને ફોટા પાડી લેવામાં આવે પછી પેટીમાં વ્યવસ્થિત ગોઠવવાનું છે. એ કામ લાવણ્ય કરશે.
‘લવ, આ ઘરેણાં મેં કેટલી વાર જોયાં, છતાં જોયા જ કરું છું.’
‘તું તો ફક્ત, ઘરેણાં જોયા કરે છે. પણ તું જ્યારે આ ઘરેણાં પહેરીને સામે ઊભી રહેશે ત્યારે વિનોદકુમાર વિમાસણમાં પડી જશે. તને જોવી કે ઘરેણાંને?’
‘એ જોવા ઇચ્છશે મને પણ એમને દેખાશે ઘરેણાં! એ પોતે એટલું બધું કમાય છે છતાં મને જે કંઈ મળવાનું છે એમાં ઊંડો રસ ધરાવે છે! અમેરિકામાં રહેનારા ભૌતિકવાદી તો ખરા જ!’
‘અને તું નહીં? એમણે તને પસંદ કરીને કુળશીલને જ પસંદ કર્યું છે. તારાં ચશ્માં પણ એમને નડ્યાં નથી. મને ખાતરી છે કે એમને તું ઘરેણાં બતાવવા જશે ત્યારે પણ એમને તું જ દેખાવાની. હા, એમનાં સગાંવહાલાં જાનમાં આવશે ત્યારે ઘરેણાંથી જુદી પાડીને તને જોઈ નહીં શકે.’
‘નો લવ, એ લોકો બહુ ફોરવર્ડ છે. એમના તરફથી કશી પૂર્વશરત ન હતી.’
ત્યાં જમુનાબેન આવી ઊભાં. પ્રેમનો ગુસ્સો કરી કહે:
‘શેની શરત કરે? એમને પહેલાંથી જ ખબર હતી કે અમારા તરફથી તને શું શું મળવાનું છે! તું બાર વરસની થઈ ત્યારથી મેં તારા લગ્નની તૈયારીઓ કરવા માંડી હતી. મેં તારા માટે શું શું ઘડાવી રાખ્યું છે એની તારા પપ્પાને પણ પૂરી ખબર ન હતી. પણ મેં વિનોદનાં મમ્મીને પત્ર લખ્યો ત્યારે —’
‘એ ખરું મમ્મી પણ તું એમને અન્યાય ન કર! એ લોકોએ કશી માગણી તો નથી કરી ને? એમનાં વખાણ કરતાં તારી જીભને કાંટા વાગે છે?’
‘તું ભવિષ્યમાં એમની ટીકા કરતી હશે ત્યારે હું વખાણ કરીશ, બસ?’ — કહેતાં જમુનાબેન હસી પડ્યાં. લાવણ્યને એ ખૂબ ગમ્યું. હસવાનું ભૂલી ગયેલાં લોકોને પણ લગ્નપ્રસંગ ખુશમિજાજ કરી મૂકે છે. ઉત્સવો અને પર્વોની યોજના કરનાર પૂર્વજો માટે લાવણ્યને માન થયું.
વનલતા સ્મરણમાં ખોવાઈ હતી: ‘યાદ છે લવ, તેં ટાગોરની વાર્તા અપરાજિતાનું નાટ્ય-રૂપાંન્તર ભજવ્યું હતું? એમાં વરનો મામો ઘરેણાં દહેજની શરત મુજબ છે કે નહીં એની ખાતરી કરવા, તોલાવવા તારા ગળેથી ઉતરાવે છે અને એ જ ક્ષણે તારો મનોભવ સમજીને તારા પિતા સામા પક્ષ વિશે છેવટનો અભિપ્રાય બાંધી લે છે.’
‘તું પાત્રની વાત એ રીતે કરે છે કે જાણે મારા અટકી ગયેલા લગ્નનો પ્રસંગ વર્ણવતી ન હોય!’
‘થોડુંક સામ્ય તો ખરું જ ને?’
‘ના. ટાગોરની વાર્તાનો નાયક અપરાજિતાના પ્રત્યાખ્યાનના દિવસથી જ બદલાવા લાગે છે. એ થોડા જ સમયમાં નાયિકાનો ગુણાનુરાગી બની જાય છે. એનું નિર્ભય અને સત્ત્વશીલ વ્યક્તિત્વ ઊપસવા લાગે છે.
આ બાજુ નાયિકા તો દામ્પત્યના સુખની કલ્પના પણ છોડી દઈને સ્ત્રીશિક્ષણના કાર્યમાં વ્યસ્ત છે, વિપત્તિઓ વચ્ચે પણ મસ્ત છે. નાયકને ખબર પડે છે કે અપરાજિતાને એના કાર્યમાં નાણાભીડ નડે છે. એની સાથે જ ભાવિ પત્ની માટેનાં જે ઘરેણાં ઘરમાં હતાં એ લઈને અપરાજિતાને આપવા જાય છે. કેવો સંકેત! ટાગોરની વાર્તાની એ સમસ્યાને અડધી સદી વીતી ગઈ, અપરાજિતાની અનુભૂતિને પણ —’
‘પણ, કેમ અટકી ગઈ?’ — વનલતાને સાંભળવામાં રસ પડ્યો હતો.
‘એ મારો સ્વભાવ છે, અટકી જવું અનુભૂતિની વાત કરતાં કરતાં મૌનમાં સરી પડવું. લાવ કેમેરા લાવ, ચલ. તું ને માશી સામે ઊભાં રહો. થોડાક ફોટા પાડી લઉં.’
‘પ્રેમલે કહ્યું છે કે છ વાગ્યા પહેલાં ઘેર આંટો લગાવી જશે. બીજું કંઈ કામ હશે તો પૂછી જશે ને ફોટા પાડી જશે.’
‘તને ખાતરી હોય તો રાહ જોઈએ, પણ અડધો કલાક મોડું થશે તો ફલેશ વાપરવો પડશે. ત્યારે ઘરેણાંની ઝીણવટ કેવી આવશે એ હું કહી ન શકું.’ — કહેતાં લાવણ્ય બેઠકખંડમાં ગઈ.
દસેક મિનિટમાં જ વનલતા ધસી આવી. ‘ચાલ, તું પણ બેત્રણ શોટ લઈ લે. મમ્મીને તારી પાસે ફોટો પડાવવાનો શોખ છે.’
લાવણ્ય કંઈ જવાબ આપે એ પહેલાં ફોનની ઘંટડી રણકી: ‘વિશ્વનાથ તો નહીં હોય?’ — કહેતાં વનલતા હસી પડી. — ‘તું અહીં છે એની ખબર પડશે તો આવી પહોંચશે.’ તેથી એણે જ ફોન ઉપાડ્યો.
સામે અતુલ દેસાઈનો અવાજ હતો. વિનોદે ફોન જોડી આપ્યો હતો. ફરિયાદ હતી: ‘મારે તમારાં લગ્નમાં માત્ર વિનોદના આમંત્રણથી આવવાનું? તમારા નહીં?’ વનલતાએ પણ રમૂજ કરી: શું તમે મને વિનોદથી જુદી માનો છો? બોલો, તમારું કેમ છે? કેટલી કન્યાઓ જોઈ? એમાંથી કંઈ તારવી કે નહીં?
અતુલે કહ્યું કે તમારે ત્યાં અને પછી સૂરતમાં એક એવી યુવતીને જોઈ છે કે એક ધોરણ બંધાઈ ગયું છે. બાંધછોડ કરવાની મન ના પાડે છે. કંઈ વાંધો નહીં. એમ માનીશ કે આ વખતે લગ્ન કરવા નહીં પણ લગ્ન માણવા ભારત આવ્યા હતા!
ફોન મૂકતાં પહેલાં વનલતાને થયેલું: લાવણ્યને આપું? પણ એની હિંમત ચાલી નહીં. થયેલી વાતનો ખ્યાલ આપ્યો. લાવણ્યે માની લીધું હતું કે અતુલ દેસાઈ પાછા ચાલ્યા ગયા છે. ખોટા પડ્યાનો આંચકો લાગ્યો.
જે પુરુષ માત્ર પ્રશંસક હોય એની સાથે વાત કરતાં મૂંઝવણ થાય છે. અતુલ દેસાઈ સાથે ફરી પાછું મળવાનું થશે? મને જોયા પછી એ બીજી બધી યુવતીઓથી વિમુખ થઈ ગયા?
‘આ તો ઊંધું થાય છે. આપણને જોઈને કોઈને સંસારની માયા લાગે તોય શુકનિયાળ કહેવાઈએ. આ તો —’
‘બાકી અતુલ છે ફાંકડો!’
‘શા માટે ન હોય? દુનિયામાં કંઈ કેટલાયે ફાંકડા યુવકો હશે, એ જ્યાં હશે ત્યાંની શોભા વધારતા હશે. વાતાવરણને પ્રસન્ન રાખતા હશે. એમને મૂડીરૂપ માનવા જોઈએ, ભવિષ્યની.’
‘અંગત વાતને આમ સાવ બિનંગત બનાવીને વાત કરવાની આ કળા તું ક્યારે શીખી?’
‘કશુંક ખોવાની હિંમત આવી ત્યારથી.’ — કહેતાં લાવણ્ય કેમેરા લઈને આગળ વધી. એની ચાલ બદલાઈ ગઈ હતી. ક્યાં ઊભા રહીને કેટલા અંતરથી ફોટા લેવા એ નક્કી હોય એમ એણે દસેક મિનિટમાં પાંચ ફોટા લઈ લીધા. ત્રણ પોતાના તરફથી, બે પ્રેમલ તરફથી.
એની આગાહી સાચી પડી. પ્રેમલ ઠીકઠીક મોડો આવ્યો. નવેક વાગ્યે. ‘રોજ કરતાં ઘણું વહેલું છે!’ — મધુકરભાઈએ મહેમાનોની હાજરીમાં જ કહ્યું. ત્યાં શારદા પ્રવેશી. વનલતાએ એનો પરિચય આપતાં ઉમેરો કર્યો: ‘શારદા સાથે ન હોત તો ભાઈસાહેબ હજી મોડા આવ્યા હોત.’
‘ના, આજે તો શારદાને કારણે જ મોડું થયું. એ સીધી સ્ટુડિયો પર આવી હતી. એને જોવામાં રસ હતો. એના પ્રશ્નોના જવાબ આપવામાં અને આગતાસ્વાગતામાં કલાકેક નીકળી ગયો.’
‘લલિતા ન આવી?’ — વનલતાએ પૂછ્યું.
‘એને લલ્લુભાઈએ રજા ન આપી. મારી તૈયારી તો એને માટે એક દિવસ રાહ જોવાની પણ હતી. કાલે સવારે સીધાં મંડપ પર આવત. પણ કાકાએ તો કહી દીધું: આપણે એ લોકો સાથે શું?’ — શારદાનો આ ઉદ્ગાર લાવણ્યને ગમ્યો નહીં. એણે નીચું જોઈ લીધું. વનલતા પામી ગઈ. લાવણ્યનો મનોભાવ સૂચવતી બોલી:
‘એમ તો તમારે ને મારે પણ શું? નાતજાત તો જુદી જ ને? પણ મારો ભાવ હતો તો તમે આવ્યાં.’
‘મને તો કલાકારે ખાસ કહેલું.’
‘સ્ટુડિયો જોવા કે અહીં મદદરૂપ થવા?’
(ક્રમશ:)