ધરાને તૃપ્ત કરવા લે, હવે વરસાદ આવ્યો છે ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
વર્ષાઋતુ એટલે હર્ષ શબ્દમાં ઉમેરાયેલા એક વજનદાર કાનાથી બનતી હર્ષાઋતુ. જીવન જેના પર નિર્ભર છે એ પાણીને વધાવવાની, આવકારવાની, માણવાની તો ક્યારેક ડરવાની પણ આ ઋતુ છે. ચોમાસું સૃષ્ટિમાં ચૈતન્ય ભરે છે.
આ રિચાર્જ વગર અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને. આરબ દેશો ભલે વગર વરસાદે જીવતા શીખી ગયા, ભારતને એ પોષાય નહીં. ૧૪૦ કરોડ લોકોને દરિયાનું પાણી મીઠું કરી પીવડાવવાનું શક્ય નથી. આવો, ઉર્વીશ વસાવડાની પંક્તિઓ સાથે વર્ષાને ઉમળકાથી વધાવીએ…
ઘણી લાંબી પ્રતીક્ષા, કાકલૂદી બાદ આવ્યો છે
ધરાને તૃપ્ત કરવા લે, હવે વરસાદ આવ્યો છે
ભરોસો છે મને માનવ હજી તારા ઉપર પૂરો
એ સંદેશો ખુદાનો આભથી આબાદ આવ્યો છે

આકાશનો સંદેશો વત્તેઓછે અંશે આખી સૃષ્ટિને પહોંચે છે. ગઈ સદીમાં ભારતમાં દુષ્કાળનું રાજ રહ્યું. પાણીથી ટળવળતા પ્રદેશોના સમાચાર ભરચોમાસે અખબારોમાં ચમકતાં.

છેલ્લા એકાદ દાયકામાં વિવિધ યોજનાઓને કારણે અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચતું થયું છે. સરકારી અહેવાલ પ્રમાણે ભારતમાં ઘરની સંખ્યા ૧૯.૩૦ કરોડ છે. વર્ષ ૨૦૧૯માં માત્ર ૧૬.૭૭ ટકા ઘરોમાં નળથી પાણી પહોંચતું હતું. સરકારની જલ જીવન મિશન યોજના `નલ સે જલ’ એ જ વર્ષે શરૂ થઈ.

ત્યારથી અત્યાર સુધીમાં ૭૬.૧૩ ટકા ઘરોમાં પાણી પહોંચતું થયું છે. આવી વ્યવસ્થા ઊભી કરવી ગંજાવર કામ છે. એ માટે નિષ્ઠા પણ જોઈએ અને આયોજન-કૌશલ્ય પણ જોઈએ. નેવુંના દાયકા પહેલા જન્મેલી પેઢીએ ડોલ ઊંચકી ઊંચકીને પાણી ભર્યું છે એ બહુ દૂરનો ઈતિહાસ નથી. આવા પાણીદાર કામને રઈશ મનીઆરની હકારાત્મક દૃષ્ટિ સાથે વધાવવું જોઈએ…
વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ
આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ

આકાશ રડે ત્યારે વરસાદ પડે. આકાશનો ભાર હળવો થાય ત્યારે ધરતી નિખાર પામે. ઘરના ક્યારામાં એક દિવસ તુલસીને પાણી ન પવાયું હોય તો એનું મૂરઝાવું જોઈને દિલમાં કાપા પડે. તો વન્યસૃષ્ટિ અને જીવસૃષ્ટિની હાલત જોઈ કુદરત થોડી બેઠી રહેવાની.

કુદરતને તો વ્હાલ વરસાવવું છે. હર્ષદ ચંદારાણા આ વિચારને વિસ્તારે છે…
ચોખ્ખાં કરતો ઘસી-ઘસી પહાડોનાં અંગો
માતા જેમ નવડાવે તે વરસાદ જુદો છે
પાળા, પથ્થર, ભીત્યું, રસ્તા ને ફૂટપાથો
મૂઆને ફણગાવે તે વરસાદ જુદો છે
ફૂટપાથ પર બે ટાઈલ્સની વચ્ચે ઊગી નીકળેલું લીલું ઘાસ નક્કરતા સાથે મુલાયમતાની અનુભૂતિ કરાવે છે.

ફૂલ સાઈઝ છત્રી નીચે નીકળતી એક વ્યક્તિ કરતાં નાની છત્રીમાં સંકોડાઈને ચાલતું યુગલ વધારે દર્શનીય લાગે છે. બાળકોને પાણીમાં કાગળની હોડી તરાવતાં જોઈને મન જાણે ગુણવંતરાય આચાર્યની દરિયાઈ વાર્તાઓના દેશમાં પહોંચી જાય છે. પાંદડાએ ઝીલેલાં વરસાદી ટીપાંની મિરાત આંખોને લખપતિ બનાવે છે. પાંખમાં ભરાયેલું પાણી ઉડાડતું કબૂતર જોઈ એવું લાગે જાણે એ ટીપાંને પાંખો પહેરાવી રહ્યું છે.
![]()
કુદરતને આત્મસાત કરતાં શીખીએ તો આપણો દ્વેષભાવ ઓગળી જવાની પારાવાર શક્યતા રહે છે. કિસન સોસા એક વિરલ નાતો શબ્દાંકિત કરે છે…
હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો
પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો
આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી
જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો
વરસાદ વૃક્ષોની વાતો સાંભળે છે. એને ખબર છે કે પૃથ્વી પર વિશ્વસનીય કોઈ જીવ હોય તો એ વૃક્ષ જ છે. વૃક્ષારોપણના પ્રયત્નો સરકારી ધોરણે અને નિષ્ઠાવાન નાગરિકો દ્વારા સતત થતાં રહે છે.

આ પ્રયાસો માઈક્રોથી મેક્રોના સ્તરે પહોંચે તો હરિયાળીની આરાધના થાય. પાણીદાર પરિણામો માટે પાણીદાર પ્રયાસો આવશ્યક છે. ગૌરાંગ ઠાકર ચેતવે છે…
બેઉની વચ્ચે વખત એવો પડ્યો
બેઉનો વરસાદ પાણીમાં ગયો
કેટલો અણઘડ ઈરાદો નીકળ્યો
એમની આંખોમાં જઈ પાછો ફર્યો
લાસ્ટ લાઈન
વરસાદ મૂવો છાંટાથી કહે મને – છટ્
ઘડીઘડી પડીપડી ટીપેટીપે
મારા પર પાડે છે પોતાનો વટ્ટ
કાંટો વાગે તો લોહી નીકળે છે એમ
મૂવો છાંટો વાગે તો શું થાય?
લોહીને બદલે નિસાસાઓ નીકળે
ને એનું ખાબોચિયું ભરાય
છાંટા નહીં, મારા પર પડ્યું હોત છાપરું
તો પાટા હું બંધાવત ઝટ્ટ
એકલાં પલળવાના કાયદા નથી
એ વરસાદને જો માહિતી હોત
તો તો એ છાંટા સંકેલીને ટગરટગર
મારું આ ટળવળવું જોત
કહું છું વરસાદને – જા, એને પલાળ
જેના નામની રટું છું હું રટ
~ રમેશ પારેખ